મનસ્વી ઉઠીને પ્રજય માટે ટિફિન બનાવવાના કામમાં જોતરાઈ. શિખાના એક ફોનથી એ વ્યાકુળ થઇ ઉઠી હતી. પ્રજયનું આ "પરફેક્ટ જીવન" એને હવે વધારે કઠવા માંડ્યું. પ્રજયે મનસ્વીના વર્તનની નોંધ લીધી પણ એને લાગ્યું કે મનસ્વીની તબિયત સારી ન હોવાથી એનો મૂડ ખરાબ છે. એણે મનસ્વીને પૂછવું ઉચિત ન સમજ્યું. પ્રજયના જવાથી ફરી પાછી એ માનસના વિચારોમાં ખોવાઈ. આજે એને માનસ ખુબ યાદ આવી રહ્યો હતો. ન ઇચ્છવા છતાં એ મનોમન પ્રજય અને માનસની સરખામણી કરી બેસતી.
***
માનસ અને મનસ્વી બંને સાપુતારા જવા ખુબ આતુર હતાં. બીજા દિવસે બંનેએ નક્કી કરીને શિખાને એમના સંબંધ વિશે જણાવી દીધું. શિખા પણ બંને માટે ખુબ ખુશ હતી અને મોકો મળતાં જ બંનેને ચીડવતી રહેતી.
સ્પર્ધાના આગલા દિવસે બધા સાપુતારા જવા નીકળ્યા. બીજા દિવસે સ્પર્ધાના લીધે મોડું થાય તો ત્યાં જ રોકાય જવું અને સ્પર્ધાના બીજા દિવસે પરત થવું એમ નક્કી થયું. મનસ્વીએ પણ ઘરેથી ત્રણ દિવસની મંજૂરી લઇ લીધી. બસમાં પણ માનસ અને મનસ્વી નજીક જ બેઠાં અને આખા રસ્તે કોઈ જોઈ ન જાય એ રીતે એમનાં ઈશારા ચાલતાં રહ્યા. પહેલીવાર ઘરેથી આ રીતે જવાની મંજૂરી મેળવીને મનસ્વી ખુબ ખુશ હતી. હંમેશા પ્રવાસમાં જવાનું એને મન થતું પણ એના પપ્પા એને મંજૂરી નહિ આપતા અને એનો પ્રવાસ એના સપનામાં જ મર્યાદિત થઈને રહી જતો. ઉપરથી આ વખતે માનસ પણ એની સાથે હતો. માનસ સાથે આ રીતેનો પ્રવાસ એને મુક્તતાનો રોમાંચ આપી જતો.
એક ધર્મશાળા જેવી લાગતી હોટેલમાં બધાનો મુકામ હતો. બે મોટા હોલ રાખવામાં આવ્યા હતાં જેથી એકમાં છોકરાઓ અને એકમાં છોકરીઓ રહી શકે. માનસ અને મનસ્વી ત્યાં પહોંચીને પણ ડાન્સની પ્રેકટીસ કરવાના બહાને મળ્યાં. બંનેને આ રીતે મળવામાં અલગ જ સુખની અનુભૂતિ થતી. એકબીજાનો સહવાસ અને સાથે અહીંયા ઘરથી આટલે દૂર કોઈ જોઈ જવાનો છૂપો ભય પણ ગેરહાજર હતો. રાતે છુટા પડવાનું બંનેને અઘરું લાગ્યું પણ બીજા દિવસે સ્પર્ધા હોવાથી જલ્દી ઉઠવું અનિવાર્ય હતું. આથી બંને કમને એકમેકથી અલગ થઈને સુવા ગયાં.
બીજા દિવસે સવારથી દરેક યુવક યુવતીમાં ઉત્સાહ ભરપૂર હતો. બધાં પોતપોતાની મસ્તીમાં મસ્તાન હતાં અને સૌ કોઈ આ સ્પર્ધા જીતી લેવા કમર કસીને તૈયાર હતાં. માનસ અને મનસ્વીએ અદભુત ડાન્સ પરફોર્મન્સ આપ્યું. કટોકટ સ્પર્ધા હોવા છતાં બંને બીજા ક્રમે આવવામાં સફળ રહ્યાં. એમની કોલેજ માટે આ ગર્વની વાત હતી. બંને ખુબ ઉત્સાહમાં હતાં. એક પછી એક બધાં આવી એમને શુભેચ્છા આપી રહ્યાં હતાં. આવા માહોલમાં માનસે હળવેથી મનસ્વીને કીધું,
"મનસ્વી, કાલે તો આપણે ફરી ઘરે જતા રહીશું. બસ આજનો આ દિવસ છે કે આપણે કોઈ ડર વગર એકબીજાને મળી શકીએ છે. આજે સાંજે હોટેલનાં ધાબા પર હું તારી રાહ જોઇશ."
"પણ માનસ.. કેવી રીતે? હું કેવી રીતે આવી શકીશ?"
"કેમ તને મને મળવાનું નથી ગમતું મનસ્વી? તને પણ ઈચ્છા નથી કે થોડો સમય આપણને એકબીજા સાથે એકલાં પસાર કરવા મળે?"
"ના ના માનસ. મારે પણ તને મળવું છે પણ કોઈ પૂછે તો? હું શું કહીશ?"
"મનસ્વી તું શિખાને વાત કરી દેજે. એ ધ્યાન રાખશે કે કોઈને રૂમમાં તારી ગેરહાજરીની જાણ નહીં થાય."
"હા માનસ હું પ્રયત્ન કરીશ."
મનસ્વીનાં હૃદયની ધડકન વધી ગઈ. એ સાંજે કઈ રીતે ધાબા પર જશે એ પ્લાનિંગ કરવામાં એ મશગુલ થઇ. અંતે શિખા સાથે એણે એવું નક્કી કર્યું કે બધાં જમવા જાય ત્યારે ધીરેથી મનસ્વી ધાબા તરફ સરકી જશે. જો કોઈ શિખાને પૂછે તો એ મનસ્વીની તબિયત ખરાબ હોવાથી સૂતી હોવાનું બહાનું કાઢી દેશે. મનસ્વીએ માનસને પણ આ યોજનાની જાણ કરી દીધી.
સમય થતા ધીરેથી મનસ્વી ધાબા તરફ સરકી. એને ઘભરાટ તો હતો પણ સાથે સાથે માનસને મળવાનો, એની સાથે થોડો સમય એકાંતમાં પસાર કરવાનો રોમાંચ પણ હતો. માનસ પહેલેથી ત્યાં હાજર હતો. મનસ્વી રોમાંચિત થઇ ઉઠી. માનસ અને મનસ્વી એકબીજાના હાથમાં હાથ નાખી સ્પર્શનો રોમાંચ અનુભવતા બેઠાં. માનસે હળવેથી મનસ્વીની હથેળીને ચૂમી લીધી. મનસ્વી શરમાઈ ઉઠી. માનસે મનસ્વીને ચૂમવા માટે એનો ચહેરો પોતાના હાથમાં લીધો. મનસ્વી પણ માનસનાં પ્રેમને અનુભવતી બીજું બધું ભૂલીને આ ક્ષણને માણી રહી. એને ક્યાં ખ્યાલ હતો હવે પછીની ક્ષણે આવનાર તોફાનનો?
બંને એકબીજામાં મશગુલ હતાં તે સમયે ધાબા પર એમનાં સર આવી પહોંચ્યા હતાં. બંનેએ સરને ત્યાં જોયા અને એમનાં પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે પછી આવનારું તોફાન એમનાં જીવનમાં એમનાં અનુમાન કરતા અનેક ઘણી તારાજી લાવનાર હતું.
***
પ્રજયનો ફોન આવ્યો અને મનસ્વીની તંદ્રા તૂટી. આજે એક અગત્યના પ્રોજેક્ટની ચર્ચા કરવાની હોવાથી પ્રજય એની સાથેના બે-ત્રણ કર્મચારીને ઘરે જમવા માટે લાવનાર હતો. પ્રજયની ઈચ્છા હતી કે મનસ્વી પોતાના હાથે એમનાં માટે દાલ-મખની બનાવે. પ્રજય મહેમાનો જમવા આવવાના હોય ત્યારે રસોઈનું મેન્યુ પોતે નક્કી કરતો. અને એણે નક્કી કર્યા મુજબની વાનગી જ મનસ્વી મહેમાનોને પીરસે એવો એનો આગ્રહ રહેતો. આથી મનસ્વી ઝાઝો વિચાર કર્યા વગર દાલ-મખની બનાવવા માટે જોતરાઈ.
સાંજે મહેમાન આવે એ પહેલા મનસ્વીએ મોઢું ધોઈને સિલ્કની સાડી પહેરી. કોઈ પણ મહેમાન આવવાનું હોઈ તો સિલ્કની સાડી પહેરી વ્યવસ્થિત તૈયાર થવું એ પ્રજયે મનસ્વી માટે બનાવેલો વણલખ્યો નિયમ હતો. પ્રજય માટે એની પત્ની પણ એનાં સ્ટેટસનો એક ભાગ હતી. પહેલાં મનસ્વીને ખુબ ચીડ ચડતી, ગુસ્સો ચડતો પણ હવે મનસ્વીએ મને-કમને આ વાતને સ્વીકારી લીધી હતી. અને પ્રજય કહે એ રીતે એ તૈયાર થઇ જતી.
મહેમાનો આવ્યાં અને ગયાં. પ્રજયે મનસ્વીને બોલાવી ત્યારે મનસ્વી આગળ જઈને મહેમાનો આગળ ઔપચારિકતા દાખવી આવી. બાકી એ કામવાળી કમલા સાથે પોતાનું કામ કરતી રહી. મહેમાનોનાં ગયા પછી રસોડામાં બધું સમેટી મનસ્વી સુવા માટે રૂમમાં ગઈ. પ્રજય પણ રૂમમાં આવ્યો.
મનસ્વીની ઈચ્છા પૂછ્યા વિના પ્રજય પોતાની શારીરિક ઇચ્છાઓની પૂર્તિ કરતો રહ્યો. મનસ્વી નકારી તો ન શકી પણ નિર્જીવ સ્ત્રીની માફક પડી રહી. એને હતું કે પ્રજય પૂછશે કે મનસ્વી તને શું થયું છે? તું કેમ ઉદાસ છે? પણ આ ક્યાં એનો માનસ હતો? આ તો પ્રજય હતો જે પોતાનામાં જ એટલો મશગુલ હતો કે એને મનસ્વીની લાગણીની કોઈ પડી જ ન હતી.
પોતાની ભૂખ સંતોષાતા પ્રજય ઉઠીને બાથરૂમમાં જતો રહ્યો. મનસ્વીની ઈચ્છાઓનું તો જાણે કોઈ અસ્તિત્વ જ ન હતું એનાં માટે.
"મનસ્વી કાલે ટિફિન ન બનાવતી. મારે લંચ મિટિંગ છે એટલે ત્યાં જ હું જમીશ." આવીને પ્રજયે કહ્યું.
"હમ્મ." મનસ્વી ફક્ત એટલો જ જવાબ આપી શકી.
"તારા ખાતામાં પૈસા આજે જમા કરાવી દીધા છે. આ મહિનાની ઘરની વસ્તુઓ તું અને કમલા જઈને લઇ આવજો."
"હમ્મ."
"તારા માટે કંઈ જોઈતું હોઈ તો પણ તું લઇ આવજે. અને પૈસા ઘટે તો તું મને કહી દેજે. હું બીજા પૈસા જમા કરાવી દઈશ."
"હમ્મ."
અને પ્રજય સુઈ ગયો. મનસ્વી ન ઊંઘી શકી. એની આંખમાં આંસુઓનો દરિયો ઉભરાતો રહ્યો. પોતાના ભાગ્ય પર એને રડું આવી રહ્યું હતું. શું આને જ કહેવાય જીવન? બધાં એને કહેતા કે તું કેટલી લકી છે કે તારો હસબન્ડ દર મહિને તું માંગે એટલા રૂપિયા તને ખર્ચવા દે છે. શું સાચે જ એ લકી હતી?
***