Premni Jeet ke pachhi books and stories free download online pdf in Gujarati

પ્રેમની જીત કે પછી...

(ગયા સપ્તાહે તમે વાંચ્યું... શ્રેયા અને હિરેન કોફી લવર્સ કાફે પર મળે છે. હિરેન શ્રેયાને ફરીથી પ્રપોઝ કરી દિલની વાત કહે છે. શ્રેયા પ્રપોઝલ સ્વીકારે છે. બન્ને એકબીજાના ફેમિલીને કેવી રીતે કન્વીન્સ કરવા એની મૂંઝવણ વ્યક્ત કરે છે. હિરેન શ્રેયાને તેના ફેમેલીને કન્વીન્સ કરવાની ટિપ્સ આપી દીધી, પણ પોતાના ફેમેલીને કન્વીન્સ કરવા તેની પાસે કોઈ જ તરકીબ નહતી. હવે આગળ....,)

***

હિરેનના પપ્પા, અશોકભાઈએ જમીને બેઠકરૂમના સોફામાં બેસી ઓડકાર કાઢ્યો. મુખવાસની બોટલમાંથી ધાણાંદાળ હથેળીમાં લઇ ઝટકાભેર મોઢામાં ઘા કર્યો. હિરેનની નાની બહેન સોફામાં બેસી ટીવી જોઇ રહી હતી.

“આયેશા, ચલ ભણવા બેસ, અને લાવ રિમોટ આપીને જા...” અશોકભાઈએ હુકમ કર્યો.

“પપ્પા, જસ્ટ ટેન મિનિટ્સ...” આયેશાએ ટીવી સામેથી નજર હટાવીને કહ્યું.

“જસ્ટ ટેન મિનિટ્સવાળી, ચલ ભણવા બેસ, બાર સાયન્સમાં આવીને ટીવી જોતાં શરમ આવવી જોઈએ… રિમોટ આપજે!” ઊંચા અવાજમાં હાથ લાંબો કરીને કહ્યું.

આયેશાએ ખિન્નભાવે મોઢું બગાડી કહ્યું, “લો... રિમોટ, દેખો તમારું શેર બજાર...”, રિમોટ સોફામાં મૂકતાં કહ્યું, “દસ મિનિટ્સ ફ્રેસ થવા પણ ટીવી નથી જોવા દેતાં” બેઠકરૂમની બહાર નિકડતા કહ્યું.

“એય... બહાર ક્યાં જાય છે? રૂમમાં ભણવા બેસ...!” કડક અવાજમાં કહ્યું.

“પપ્પા, આખો દિવસ ભણીને મેન્ટલી થાક લાગ્યો હોય એને રિલિવ કરવા દસેક મિનિટ તો હીંચકા પર બેસવા દો... પછી ભણવા જઈશ બસ!!” અણગમામાં મોઢું મચકોડીને કહ્યું.

“ઓકે ઓકે... તારા સારા માટે જ કહું છું પણ...” અશોકભાઈએ હળવા અવાજે કહ્યું.

નયનાબેન રસોડામાંથી બહાર નિકડી ધીમા સાદે કહ્યું, “તમેય શું! બિચારીને થોડીક વાર તો ફ્રેસ થવા દો!”

“અરે થોડુંક કે’તા રહેવું પડે...” આંખો મીંચકારીને કહ્યું.

“જ્યોત્સનાબેને પેલું સગું બતાવ્યુ હતું એ છોકરીની વાત હિરેનને કરો... ફેસન ડિઝાયનિંગ કરેલું છે અને સરસ દેખાવડી છે. હું રસોડાનું કામ આટોપી હમણાં આવું એટલી ઘડી હિરેનને અંદર બોલાવી વાત કરો...” નયનાબેન ખુફિયા માહિતી કહેતા હોય એમ ધીમા અવાજે કહ્યું.

“આયેશા એની જોડે વાતચીત કરતી હશે... દસેક મિનિટ રહીને બોલવું છું...” અશોકભાઈએ કહ્યું.

શેર બજારના ભાવ આઠ વાગ્યે ક્લોઝ થઈ જતાં તેમણે ટીવી બંધ કર્યું. બન્ને સોફાની કોર્નર સાઇડ પરથી દાંત ખોતરવાની સળી લઈને બૂમ પાડી, “હિરેન, આયેશા...”

બન્ને હળવી મજાક-મસ્તી કરતાં અંદર આવ્યા.

“હા પપ્પા?” હિરેને કહ્યું.

“આયેશા બેટા...” અશોકભાઈએ ચપટી વગાડી હળવા સાદે સ્ટડી રૂમ તરફ આંગળી ચીંધતા કહ્યું.

“હા જઉં જ છું...” સ્લો મોશનમાં પાંપણો મીંચી તેના સ્ટડી રૂમમાં જતી રહી.

દાંત ખોતરતા અશોકભાઈએ માથા પાછળ હાથ મૂકી ગર્વ લેતા કહ્યું, “તો, આવતા મહિનાથી જોબ ચાલુ એમ ને!”

“હા..,” હિરેને સોફામાં બેસી મોબાઈલ સ્ક્રીન પર આંગળીનું ટેરવું ફેરવતા પૂછ્યું, “કંઈ કામ હતું પપ્પા?”

“તારા માટે એક છોકરી જોઈ છે. ફેશન ડિઝાયનિંગનું ભણી છે, શું નામ કીધું એનું...?” અશોકભાઈએ નયનાબેનને ટહુકો કર્યો.

“દર્શના...” નયનાબેને હાથ લૂછીને બેઠકરૂમમાં આવી વાતમાં જોડાઇ કહ્યું, “દેખાવે તો એટલી રૂપાળી છે તે જોતાં જ તરત ગમી જાય.” વખાણ કરીને શરૂઆત કરી.

“બિલકુલ, જો એના ચારેક ફોટોઝ તને વોટ્સએપ પર મોકલું...” કહી મોબાઈલમાં ફોટોઝ સેન્ડ કરવા વોટ્સએપ ખોલ્યું.

“છોકરી એકદમ સંસ્કારી અને સરસ ઘરની છે... બેટા, તું હા કહે તો આજ અઠવાડીયામાં મુલાકાત ગોઠવી દઈએ! શું કો’છો!” અશોકભાઈ સામે જોઈને પૂછ્યું.

“હા હા બિલકુલ... આવી છોકરી તો શોધેય ના મળે... અને આતો એમને સામેથી વાયા વાયા વાત કઢાવી પ્રપોઝલ મૂકી છે.” વખાણ કરીને કહ્યું, “આયા ફોટોઝ...?”

હિરેને હકારમાં માથું હલાવ્યું. શ્રેયા સાથેના પ્રેમની વાત કેવી રીતે કહેવી એની મૂંઝવણ તેના મનમાં ઘુંટાતી હતી. કમને પણ તેના ચાર ફોટોઝ ડાઉનલોડ કર્યા. દર્શના ફોટોમાં દેખાવે કહ્યું એવી જ રૂપવાન હતી.

ગોરો દેહ, ફેશનેબલ પણ સરસ ઓપે એવો ડ્રેસ, કાનમાં ઝૂલતા બ્યુઈશ-ગ્રીન ઝૂમકાં, પરફેક્ટ ટ્રિમ્ડ આઈબ્રો અને એની વચ્ચે નાનકડા ટપકાં જેવી કાળી બિંદી, લાંબી પાતળી ડોક, ચુસ્ત ડ્રેસમાં કર્વાકાર વળેલી પાતળી કમર અને સ્લીમ પેટ – જેના લીધે આંખે ઉડીને વળગે એવા ઉન્નત સ્તનયુગ્મો, જેની ડાભી બાજુ પર મૂકેલા રેશમી ખુલ્લા વાળનો જથ્થો, સુંદર આંખોની કીકીઓ ફરતેની સફેદ સફેદી, અને મોહનીય ચહેરામાં દીપી ઊઠેલું મધુર ગુલાબી સ્મિત જે તેના ખૂબસૂરત ચહેરામાં ચાર ચાંદ લગાવતું હતું. હિરેનને દર્શનાના ચાર ફોટોઝ અલગ અલગ પોઝમાં જોતાં સાહજિક શારીરિક આકર્ષણ મનમાં જન્મ્યું. હિરેને ક્ષણાર્ધ પૂરતી આંખો મીંચી શ્રેયાનો ચહેરો મન:ચક્ષુ સામે લાવી મૂક્યો.

“કેવી છે છોકરી દેખાવે? છે ને ગમી જાય એવી!” નયનાબેને હસીને પૂછ્યું.

“સારી છે મમ્મી પણ...,” હિરેને મોઢું બગાડી મોબાઈલ સાઇડમાં મૂક્યો.

“અરે ગાંડા, પણ ને બણ મૂક બાજુએ... પહેલા મળી લે એકવાર, વાતચીત કર… એમના તરફથી તો લગભગ પાક્કું જ છે... તારા જેવો ટોલ, હેન્ડસમ અને કોઈ વ્યસન વગરનો છોકરો, જેની સ્ટાર્ટિંગ સેલરી જ ત્રીસ હજાર હોય એવા વેલસેટ છોકરાને ના પાડવાની વાત જ અશક્ય છે...” તેમણે ખાતરીપૂર્ણ અવાજે કહ્યું.

“તારા પપ્પાની એકદમ સાચી વાત છે બેટા, એકવાર મળી લેવું જોઈએ તારે...” નયનાબેને તેમની વાતને પ્રોત્સાહિન આપતાં કહ્યું.

“પણ મમ્મી, મારે હજુ આગળ ભણવાની ઈચ્છા છે... અત્યારે આ બધુ...” હિરેન આગળ બોલવા જાય એ પહેલા જ...,

“અત્યારે આ બધુ શું? હં?”, અશોકભાઈના અવાજમાં અકળામણ ભળી, “તારે આગળ ભણવું હોય તો કોણ ના પાડે છે? એકવાર મળી લે... ભગવાન કરે ને જો ગોઠવાઈ જાય તો બે વર્ષ પછી મેરેજનું રાખીશું બસ... ક્યાં ઉતાવળ છે આપડે!”

“પણ પપ્પા વાત એમ નથી, હું...” હિરેન આગળ કહે એ પહેલા જ...

“અલ્યા ભઈ તો સમજાય અમને તારી વાત કેમ છે તો ખ્યાલ આવે... આટલી સરસ છોકરીઓના માંગા સામા ચાલીને આવે છે ને તું વળી કોઈના કોઈ બહાના કાઢે જ જાય છે તે... તે કોઈ પસંદ કરી હોય તો અત્યારે જ બોલી નાખ તો ખબર પડે અમને...” ખિન્ન અવાજે ભવાં તગતગાવીને કહ્યું.

હિરેને હિંમત ભેગી કરી, ફફડતાં હૈયે કહ્યું, “અમારા ફ્રેંડ્સ સર્કલમાંથી મને એક છોકરી ગમે છે. અને...અને તમે એને ઓળખો છો...” બન્નેના ચહેરાના હાવભાવ નિરખતા તેણે કહ્યું.

અશોકભાઈ અને નયનાબેને એકબીજા સામે દિગ્મૂઢ થઈને જોયુ, પછી બન્નેથી એકસાથે બોલાઈ ગયું, “કોણ??”

હિરેને બન્નેના ચહેરાના હાવભાવ નિરખીને ભારે ભરખમ થઈ ગયેલી જીભ ઉપાડીને કહ્યું, “શ્રેયા.”

“કોણ?? તારી બર્થડે પાર્ટીમાં આવી હતી એ છોકરીની વાત કરે છે તું?” નયનાબેને આશ્ચર્યમૂઢ થઈને પૂછ્યું.

હિરેને જવાબમાં માત્ર માથું ‘હા’માં હલાવ્યું. તેના હ્રદયના ધબકારા વધી ગયા હતા. કપાળ પર પરસેવાનો પાતળો ઢોળ બાઝી ગયો હતો.

“પણ એ, એ તો અપંગ છે. અને આપણી કાસ્ટ પણ નથી... તું એને પ્રેમ કરે છે??” કહીને તેમણે ઝીણી આંખે હિરેન સામે જોયુ.

તાણેલા તીરકામઠાની જેમ અશોકભાઈની ધારદાર નજરથી હિરેન વીંધાઇ રહ્યો હતો, તેમણે ભવા ચડાવી કડક અવાજમાં કહ્યું, “તારું મગજ ફરી ગયું છે!! તને ખબર પડે છે તું શું બોલી રહ્યો છે??”

“મને ખબર છે હું શું બોલી રહ્યો છું પપ્પા, અને એ પણ જાણું છું કે હું શું કરી રહ્યો છું. આઈ લવ હર ધ વે શી ઈઝ...” હિરેને એમની આંખોમાં જોઈને કહ્યું.

અશોકભાઈએ ખિન્નતાથી માથું ધુણાવી કહ્યું, “સાંભળે છે તું... આ પાગલ થઈ ગયો હોય એવું મને તો લાગે છે. તને પ્રેમ કરવા બીજી કોઈ છોકરી ન મળી ને એ અપંગ જ મળી!”

“પપ્પા પ્લીઝ... એનું નામ શ્રેયા છે. ડોન્ટ ડીસરિસ્પેક્ટ હર... હું તેને સ્કૂલમાં હતો ત્યારથી ઓળખું છું. અને હું એને ખૂબ પસંદ કરું છું. હર ડીસએબીલીટી ડઝન્ટ બોધર મી ટુ લવ હર, સો આઈ પ્રપોઝ્ડ હર...” હિરેને અડગ અવાજે કહ્યું.

“અને એણે હા પાડી દીધી?” નયનાબેને આશ્ચર્યથી પૂછ્યું.

“આવો છોકરો મળતો હોય તો હા જ પાડેને, આના જેવી એ ગાંડી થોડી હોય!!” અશોકભાઈએ કડવા શબ્દોનો વજ્રઘાત કર્યો.

“પપ્પા, તમે સમજતા કેમ નથી! હું એને પ્રેમ કરું છું... અને પ્લીઝ, આવા કડવા શબ્દો ના બોલો...મમ્મી કંઈક કે’ને એમને!” હિરેને ભવાં સંકોચીને કહ્યું.

“બેટા, તારે સમજવું જોઈતું હતું શ્રેયાને પ્રપોઝ કર્યા પહેલા...” નયનાબેને અશોકભાઈની સાઇડ લેતા કહ્યું.

“મમ્મી મેં સમજી વિચારીને એને પ્રપોઝ કર્યું છે, વ્હાય ડોન્ટ યુ અંડરસ્ટેન્ડ? શ્રેયા બધી રીતે સરસ છોકરી છે એ તું જાણે છે છતાંયે તું પપ્પાનો પક્ષ લે છે...!! આઈ કાન્ટ બિલિવ યુ.” હિરેને દર્દઘુંટયા અવાજે કહ્યું.

“હિરેન, બેટા હું પક્ષ નથી લેતી પણ તારા સારા ભવિષ્ય માટે કહું છું. તને એનાથી સરસ દેખાવડી અને સંસ્કારી છોકરીઓ મળે એમ છે. અને એ પણ આપણાં સમાજની જ. આ દર્શના કેટલી સુંદર દેખાય છે, કોઈ નસીબદાર છોકરો હોય એને એવી રૂપાળી છોકરી મળે.”

“મમ્મી, હું તારી વાતને સમજુ છું. એ સુંદર છે, કદાચ શ્રેયા કરતાં પણ વધારે. આઈ નો ધેટ. પણ દેખાવ જ બધુ નથી હોતું. એઝ અ પર્સન આઈ ટ્રૂલી લવ હર... લાંબા સમયે બે વ્યક્તિઓને એમનો સ્વભાવ જ એકબીજા સાથે પ્રેમ કરતા રાખે છે, દેખાવ નહીં. હું શ્રેયાને દસ વર્ષથી ઓળખું છું. અને મને એની સાથે સમય પસાર કરવો ગમે છે. હું એની સાથે મિત્રતા કરતાં પણ વધુ ગાઢ બોંડિંગ અનુભવું છું. અને એ સ્વનિર્ભર છે. ફૂલ ટાઈમ રાઇટર છે.” હિરેને કહ્યું.

“બેટા તારે ફક્ત પ્રેમ વિશે નહીં પણ અમારા માટે તો વિચારવું જોઈએ ને! સમાજમાં લોકો અમને શું કહેશે? કેવી વાતો કરશે આપણાં વિશે? અમને પૂછશે કે તમારા દીકરાને તમે કશું જ સમજાવ્યું નહીં!! અમારે શું જવાબ આપવો એમને બોલ બેટા?” નયનાબેને લાગણીભીના અવાજે કહ્યું.

“મમ્મી, લોકો શું કહેશે એ વિચારીને જો જીવનના નિર્ણયો લઈએ તો જીવનમાં દબાઈ દબાઈને જીવવું પડે. દિલમાં ઉઠતી ઈચ્છાઓ, પેશન, ડ્રીમ્સ, બધુ મારી નાખવું પડે. લોકોની માન્યતાના ચોકઠામાં બંધબેસતું હોય અને એમને ખુશ કરે એવું કરવા જઈશ તો હું મારી જાતને ક્યારેય ખુશ નહીં રાખી શકું. હું લોકો શું કહેશે એ વિચારીને જીવવા નથી ઈચ્છતો. મને મારુ દિલ કહે એજ કરું છું. અને મેં આજ સુધી તમને શરમને લીધે માથું નીચું કરવું પડે એવું કોઈ ખોટું કામ નથી કર્યું. મેં શ્રેયાને પ્રેમ કરીને પણ કશું જ ખોટું નથી કર્યું એવું મારૂ દિલ કહે છે મમ્મી... ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ મી...” હિરેને લાગણીઓની લગામ હાથમાં લઈને કહ્યું.

“મને તો એ સમજાતું નથી કે આ ગાંડાએ એવું તો એનામાં શું જોયુ તે આટલો એના પ્રેમમાં ગાંડો થઈ ગયો છે??” અશોકભાઈએ નિરાશામાં સતત માથું ધૂણાવતા કહ્યું.

“ઓહ ગોડ પપ્પા... તમને તો હું કેવી રીતે સમજાવું એજ મને સમજાતું નથી...” હિરેને માથા પર હાથ મૂકી ઉદાસ સ્વરે માથું ધૂણાવતા કહ્યું.

“જો, હવે ધ્યાનથી સાંભળ મારી વાત ને,” અશોકભાઈએ સોફાનો ટેકો છોડી, સહેજ આગળ આવી ગંભીર અવાજમાં કહ્યું, “એ નોર્મલ જીવનસાથીની જેમ તને ક્યારેય સુખ આપી નહીં શકે. નાના-મોટા કામમાં મદદ નહીં કરી શકે. તારે કોમ્પ્રોમાઈઝ કરીને જીવવું પડશે. એની સાથે થોડાક મહિનો પનારો પડશે ત્યારે તને પસ્તાવો થશે કે એના કરતાં રૂપે-ગુણે ઘણી સારી છોકરી મળતી હતી તો એની સાથે મેરેજ કર્યા હોત તો આજે લાઈફ કંઈક અલગ જ હોત! પાર્ટી કે ફંક્શનમાં એ ક્રચીસ લઈને તારી બાજુમાં ઊભી રહેશે ત્યારે લોકો તારી સામે ટગરટગર દેખશે ત્યારે તું મનમાં ક્ષોભ અનુભવીશ. લોકો સામે એની અપંગતાના તારા ઉપર શરમના છાંટા ઉડશે. એને જીવનસાથી તરીકે પસંદ કર્યા બદલ તું મનમાં દુભાઈશ. અપંગ અને નોર્મલ વ્યક્તિના જીવન અલગ હોય છે. અપંગ વ્યક્તિઓ માત્ર અપંગ સાથે જ પરણે, કારણકે એ એકબીજાની પરિસ્થિતિ સમજી શકતા હોય. નોર્મલ વ્યક્તિએ નોર્મલ જીવનસાથી સાથે જ પરણવું જોઈએ. આ સમાજની રીતભાત છે સમજ્યો! એના પર દયા દાખવી તારું જીવન શું કામ બરબાદ કરે છે મૂરખા! થોડુંક પ્રેક્ટિકલ વિચાર. બધુ પ્રેમની નજરે જોઈશ તો લોકો તને ચૂસી ખાશે ડોબા! સમજતો કેમ નથી... એકવાર દર્શનાને પર્સનલી મળી લે, પછી પેલીના પ્રેમની બધી જ હવા નીકળી જશે...” અશોકભાઈએ તોછડાઈથી કહ્યું.

“પપ્પા, તમે ભલે મારા જોડે તોછડાઈભર્યું વર્તન કરો, પણ હું તમારી સાથે રિસ્પેક્ટ સાથે જ વાત કરીશ. વ્યક્તિની સાચી ડિસએબીલીટી એના દિમાગમાં ભરેલી હોય છે, શરીરમાં ફક્ત દેખાતી હોય છે. શ્રેયાને હું ડિસએબલ વ્યક્તિ તરીકે નથી દેખતો, શી ઈઝ ટોટલી ઈન્ડીપેન્ડન્ટ બાય હર સેલ્ફ. એન્ડ આઈ વોન્ટ યુ ટુ એકનોલેજ ધેટ. મેં એના પર દયા ખાઈને મેરેજની પ્રપોઝલ નથી મૂકી, હું એને એક નોર્મલ વ્યક્તિ તરીકે પ્રેમ કરું છું. નોર્મલ વ્યક્તિ ડિસએબલ વ્યક્તિ સાથે મેરેજ ન કરે એવું કયા કાયદામાં કહ્યું છે બોલો? સમાજની રીતભાત જૂની માન્યતાઓથી ભરેલી છે પપ્પા. સમય બદલાય એમ વ્યક્તિએ એની માનસિકતા બદલવી પડે. સમય સાથે બદલાતા શીખવું જોઈએ. આજના સમાજમાં તો ઘણા એવા ઘરમાં છોકરીઓને સમાજપ્રથા મુજબ દબાયેલી રાખી ઓછું ભણતર આપવામાં આવે છે. તો પણ તમે આયેશાને ડોક્ટર બનાવવાનું સપનું સેવો છો ને! કેમ? બોલો?” હિરેને કહ્યું.

ભોંઠા પડ્યા હોય એમ અશોકભાઇ થૂંક ગળે ઉતારી નયનાબેન સામે જોયું.

“મારો પ્રેમ એની ડિસએબીલીટીનો સ્વીકાર કરી તેને ચાહે છે. લોકો સામે હું તેની બાજુમાં ઊભો રહીને ગર્વ અનુભવીશ, લોકોને જે વિચારવું હોય તે વિચારે. દરેકને હું કન્વીન્સ કરવા નથી ઈચ્છતો. ઓસ્ટ્રેલીયાનો નિક વુજીસીક જેને જન્મથી બે હાથ અને પગ નથી, છતાં એ બધુ જ એની જાતે જ કરે છે. એની ડિસએબીલીટી એ એની તાકાત છે. એણે નોર્મલ છોકરી સાથે મેરેજ કર્યા છે. ડિસએબીલીટી લોકોની બિલિફમાં છે પપ્પા. જો એ બિલિફ દૂર થઈ જાય તો વ્યક્તિ એની શારીરિક ડિસએબીલીટીને ઓવરકમ કરી જતો હોય છે. શ્રેયા ઈઝ વન ઓફ ધોઝ પર્સન હુ હેઝ ગટ્સ ટુ ઓવરકમ હર ડિસએબીલીટી... એન્ડ ધેટ્સ ધ થિંગ ઇન હર અટ્રેક્ટેડ મી ટુ લવ હર.” હિરેને તેમની આંખોમાં આંખો મિલાવીને ગર્વભેર કહ્યું.

અશોકભાઇના ચહેરાના હાવભાવ પરથી એવું લાગતું જાણે એમનું ગૂંચવાયેલું મન તર્ક શોધવા ફાંફા મારતું હતું. બન્ને ચૂપ રહી એકબીજા સામે દેખીને હિરેન સામે નજર કરતાં. એમના મનમાં ડિસએબીલીટીની ગાંઠને ઓગાળવા હિરેને નયનાબેન સામે જોઈને સ્થિર સ્વરે કહ્યું, “મમ્મી તને એક વાત પૂછું?”

તેમણે હકારમાં માથું હલાવી ‘હા’ કહ્યું.

“નોર્મલ મેરીડ કપલ્સ એકબીજા સાથે વર્ષોથી સાથે રહેતા હોય, અને કોઈ અકસ્માતમાં એમને ગંભીર ઇજા થાય અને એક પાર્ટનર શારીરિક અપંગ થઈ જાય તો શું બીજો પાર્ટનર ડિવોર્સ માંગી વર્ષોનો સંબંધ છૂટો કરી નાંખશે કે તેને જેવો છે એવો સ્વીકારી લેશે?” હિરેને પૂછ્યું.

નયનાબેને નજર ફેરવી અશોકભાઈ સામે જોયું, પછી બોલ્યા, “એ બન્ને વચ્ચે સાચો પ્રેમ હોય તો....”, એમણે થૂંક ગળા નીચે ઉતારીને કહ્યું, “...તો જરૂર સ્વીકારી લે, હું હોવ તો હું પણ સ્વીકારી જ લઉં.” ધીમા અને લાગણીભીના સૂરે કહ્યું.

“બસ એજ હું કહેવા ઈચ્છું છું મમ્મી, મેં મેરેજ પહેલા શ્રેયા જેવી છે એવી એને સ્વીકારી લીધી છે, પછી બીજા કોઈ પ્રશ્નો મારા માટે ઊભા થતાં નથી. બસ આટલું જ મારે તમને કહેવું હતું.”, હિરેને સોફામાંથી ઊભા થતાં કહ્યું.

“હિરેન, સાંભળ” અશોકભાઈએ મૂંઝાયેલા સ્વરે કહ્યું.

હિરેન એના રૂમ તરફ જતાં અટકીને પાછળ વળ્યો. તેની છાતીમાં અજીબ પ્રકારનું દર્દ ઘૂંટાતું હતું. આંખોમાં ભીનાશ છવાયેલી હતી.

“તારે હજુ વિચારવું જોઈએ તારા નિર્ણય પર.” અશોકભાઈએ સ્થિર અવાજે કહ્યું.

“પપ્પા, મેં જે ફાઇનલ વિચાર્યું હતું એ તમને કહી દીધું. હવે તમારે એના પર વિચારવાનું છે.” હિરેને રૂમ તરફ જવા પગ ઉપાડ્યા ત્યાં જ એ કશુંક કહેવા અટક્યો, “અને હા, અમે ક્યારેય ભાગીને લગ્ન નહીં કરીએ. લગ્ન કરીશું તો તમારી સહમતીથી જ, આશીર્વાદ લઈને...” હિરેને બન્નેની સામે વારાફરથી જોઈને રૂમમાં જતો રહ્યો.

અશોકભાઇ અને નયનાબેન એકબીજા સામે મૌન બનીને જોઈ રહ્યા. બન્ને પક્ષે સૌની દલીલો સાચી જણાતી હતી, છતાં પણ પ્રેમનું પલ્લું જીત્યાનો અણછાજતો આભાસ બન્નેના મનમાં પડઘાતો હતો. હિરેનની દલીલોએ એમના હ્રદયના તારને ક્યાંક ઝંકૃત કર્યાનો અહેસાસ થતો હતો.

***

એક અઠવાડીયા પછી...

રાતના સૂતી વખતે અશોકભાઇ અને નયનાબેનની આંખોમાંથી ઊંઘ ખોવાયેલી હતી. પડખા ઘસીને પણ ઊંઘનું ઠેકાણું પડતું નહતું. હિરેનના ફાઇનલ નિર્ણયના વિચારો મનમાં વલોવાતા હતા. નયનાબેને અશોકભાઈ તરફ પડખું ફેરવી એમને જગાડવાની ઈચ્છા થઈ. ખભા પર હાથ મૂકી ધીમા સ્વરે કહ્યું, “જાગો છો?” બોલતા જ તેમણે પડખું ફેરવી હુંકારો કર્યો.

“હિરેન વિશે શું વિચાર્યું તમે?”

“એની દ્રષ્ટિએ વિચારું તો એ બિલકુલ સાચો છે. પણ એક પિતાની દ્રષ્ટિએ દેખું છું ત્યારે એનો પુત્ર નોર્મલ છોકરી સાથે મેરેજ કરે એવો સ્વાર્થ ભળે છે. આપણાં ઘરમાં અપંગ ડોટર-ઇન-લો આવશે ત્યારે લોકો શું વિચારશે એનો છુપો ભય પણ ભીતરમાં વાગે છે. એ દિવસે હિરેનની વાતો સાંભળી હું એની દલીલોને વીંધવા કશું જ બોલી ન શક્યો. હી વોઝ રાઇટ એબાઉટ ટ્રૂ લવ એન્ડ એક્સેપ્ટન્સ. આ અઠવાડીયામાં હ્રદય અને મન વચ્ચેના નિર્ણયમાં હ્રદય જીતતું હોય એવું લાગે છે, પણ મન પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી થઇ રહ્યું.”, અશોકભાઈએ મનમાં ઘોળાતાં વિચારોની રજૂઆત કરી.

નયનાબેને એમનો હાથ તેમના હાથ પર મૂકી ભાવનાત્મક બંધન પ્રસરાવ્યું, પછી લાગણીભીના સૂરે કહ્યું, “હિરેનના જીવનસાથીનો પ્રશ્ન એના પર જ છોડવો જોઈએ. એના પર દબાણ કરીને દુભાવીશું તો એ પણ ખુશ નહીં રહે અને આપણે પણ. શ્રેયાના ઘર વિશે મેં પૂછાવડાવી જોયું છે. એમના ઘર બધા સભ્યોનો સરસ સ્વભાવ છે. શ્રેયા અપંગ છે એટલું જ, બાકી એ ખૂબ સરસ અને ગમી જાય એવી છોકરી છે.” નયનાબેને એમનો નિર્ણય ખુફિયા માહિતી સાથે કહ્યો.

અશોકભાઈએ એમનો બીજો હાથ નયનાબેન પર મૂકી ભાવનાત્મક બંધન પુર્યું, “હિરેનને બધી વાત કર્યા પછી શ્રેયાના પેરેન્ટ્સ સાથે વાતચીત કરવા મિટિંગ ગોઠવીશું... કાલે સવારે હું એને ગૂડ ન્યૂઝ આપીશ. હી વિલ બી મોર હેપ્પી ધેન એવર...” આછું સ્મિત કરી બન્ને હાથ માથા પાછળ મૂકી આંખો મીંચી.

પુર્ણિમાના સોળે કળાએ ખીલેલા ચંદ્રનો શીતળ પ્રકાશ બારીમાંથી બેડરૂમમાં પથરાઈ રહ્યો હતો. હિરેન એના સ્ટડી રૂમમાં શ્રેયા સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો.

“હિરેન, મારા ફેમિલીમાં બધા કન્વીન્સ થઈ ગયા છે, પણ...” શ્રેયાના અવાજમાં ઉદાસીનતા ભળેલી હતી, “...પણ એમનુ કહેવું છે કે જો તારા પેરેન્ટ્સ કન્વીન્સ થાય તો જ આગળ વાત કરવી યોગ્ય ગણાય. આઈ હોપ યોર પેરેન્ટ્સ વિલ અંડરસ્ટેન્ડ અવર લવ એન્ડ એક્સેપ્ટ મી ધ વે આઈ એમ...”

“સ્યોર શ્રેયા, ધે વિલ... વી જસ્ટ હેવ ટુ બી પેશન્સ...” હિરેને વિશ્વાસપૂર્ણ સ્વરે કહ્યું.

***

વાંચક મિત્રો, જો તમને આ યુનિક લવ સ્ટોરી ગમી હોય તો તમે એમેઝોન કિંડલ સ્ટોર પર ઓનલાઈન આ પુસ્તક ખરીદી શકો છો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED