પ્રેમની જીત કે પછી...?
Thanks to Priyanka, for letting me write this story and end it as I had intended to. This story is been ripen from her unfinished love story.
Proof reading by: Priyanka
***
આહલાદક વાતાવરણના ઠંડા પવનની હેલી નજીકમાં ક્યાંક વરસાદ પડ્યાના સમાચાર આપતી હતી. કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘટાટોપ થઈ ચારેકોર બિછાઇ રહ્યા હતા. પહેલા વરસાદનું આગમન ઝરમર ઝરમર છાંટાઓથી શરૂ થઈ ગયું હતું. બીજા ફ્લોર પરથી શ્રેયા એના સ્ટડી રૂમની બારીમાંથી બહારના મનમોહક દ્રશ્યનું નિરીક્ષણ કરી રહી હતી. સોસાયટીના નાના બાળકો વરસાદ જોઈને ખુશખુશાલ થઈ નાચી રહ્યા હતા. પહેલા વરસાદના સ્પર્શની અનુભૂતિ કરવા તેણે બારી બહાર હાથ લંબાવ્યો. ખુલ્લી હથેળીમાં વરસાદના ઠંડા છાંટાનો સ્પર્શ થતાં જ ચહેરા પર સ્મિત ફરકી ઉઠ્યું. ઠંડા પવનની લહેર વાછટને લઈ બારીમાંથી ધસી આવતાં જ સહસ્મિત તેની આંખો મીંચાઇ ગઈ. ખુલ્લા રેશમી વાળની લટો ઠંડા પવનના હિલોળે ગાલ પર ઉડવા લાગી. તેણે ઊંડો શ્વાસ ભરી પહેલા વરસાદથી જીવંત બનેલી માટીની સોડમ ફેફસામાં ભરી લીધી.
રૂમમાં બઝરની ઘંટડી વાગી અને નીચે રસોડામાંથી રમિલાબેને ટહુકો કર્યો, “શ્રેયા બેટા, દસ વાગ્યા. ચાલ જમવા આવી જા...”
શ્રેયાએ હાંકારો ભણી હાથ અંદર લઈને બારી વાખી દીધી. બેડમાં પથરાયેલા પુસ્તકો બેગમાં મૂકી તેણે પગની થોડીક કસરત કરી મસલ્સને રિલેક્સ કર્યા. બાજુમાં રાખેલી કાખ ઘોડી હાથમાં લઈ દરરોજની જેમ ધીરેથી ઊભા થવા કોશિશ કરી. બાર વર્ષની ઉંમરે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની બીમારીને લીધે તેના પગ અને ખભા કમજોર બની ગયા હતા. શરીર પહેલા કરતાં અશક્ત બન્યું હતું. કાખ ઘોડી વગર ઊભા રહેવું તેની માટે શક્ય નહતું. બીમારીને વધુ વણસવા ન દેવા નિયમિત કસરત અને હાથ-પગ પર તેલની માલિશને લીધે તે સ્વતંત્ર રીતે હરી ફરી શકતી હતી. શ્રેયા દરરોજના કામ કોઇની મદદ લીધા વિના જાતે કરી લેવાની જીદ તેને સ્વતંત્ર હોવાનો અહેસાસ કરાવતી હતી. નાની ઉંમરે શારીરિક અપંગતા હોવા છતાં એનું મજબૂત મનોબળ જ એની સાચી તાકાત બની ગઈ હતી. કાખ ઘોડી પર બેલેન્સ બનાવી તેણે કપબોર્ડમાંથી સ્કૂલ ડ્રેસ કાઢી હાથમાં લીધો, પછી ધીરેથી બેડ પર બેસી, કાખ ઘોડી બાજુમાં મૂકી ત્યાં જ દરવાજા પર ટકોરો સંભળાયો.
“શ્રેયા…!? મે આઈ કમ ઇન?” શ્વેતાભાભીએ બહાર ઊભા રહીને પરવાનગી માંગી.
“યસ, યુ મે ભાભી...” શ્રેયાએ સહસ્મિત કહ્યું.
ભાભીએ દરવાજો ખોલી સહસ્મિતે પૂછ્યું, “તારે કોઈ હેલ્પ જોઈએ તો બોલ જે... ઓકે...!”
“ડોન્ટ વરી ભાભી, હું જાતે કરી લઇશ... તમે આ સ્કૂલ બેગ નીચે લઈ જાવ, હું દસ મિનિટમાં નીચે આવું છું.” શ્રેયાએ કહ્યું.
ભાભી સ્કૂલ બેગ લઈને દરવાજો બંધ કરી નીચે ગયા. શ્રેયાએ સ્કૂલ ડ્રેસ અને ખાંગાં પગને સીધા રાખવા કેલિપર્સ મહેનત કરીને પહેરી લીધા. પગથિયાં આગળ આવી એક કાખ ઘોડી જમણી બગલમાં મૂકી, તેણે ડેવલોપ કરેલી ટેક્નિકથી એક પછી એક પગથિયાં સાવચેતીથી ઉતરી રસોડામાં જમવા બેસી ગઈ. રમિલાબેને જમવાની થાળી પીરસતા કહ્યું, “બેટા, આજે વરસાદ ભારે આવશે એવું લાગે છે. આ વરસાદમાં ક્યાંક લપસી જવાય ને ન થવાનું થઈ જાય એના કરતાં આજે સ્કૂલ જવાનું રહેવા દે તો સારું...” તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
“મમ્મી, તું ચિંતા ન કર... ભાભી મને છેક ક્લાસ રૂમના દરવાજા સુધી મૂકી જશે બસ...” શ્રેયાએ ભાભી સામે સ્મિત કરીને કહ્યું.
વરસાદ ધીમો પડતાં બન્ને રેઇનકોટ પહેરી તૈયાર થઈ ગયા. ભાભી શ્રેયાને થ્રી-વ્હીલર એક્ટિવાની પાછળની સીટ પર બેસાડી ક્લાસ રૂમના દરવાજા સુધી મૂકી ગયા. વરસાદ હોવા છતાં અપંગ શ્રેયાને કાખ ઘોડીના સહારે રૂમમાં દાખલ થતાં જોઈને દરેકના મનમાં આછેરી પ્રેરણાનો વિચાર એમની જાણ બહાર ન રહ્યો. શ્રેયા એની બહેનપણીની બાજુમાં બેસીને કાખ ઘોડી બાજુમાં મૂકી. ક્લાસમાં એક નજર શ્રેયાને હળવા સ્મિત સાથે નીરખી રહી હતી. શ્રેયાએ ભીના વાળની લટ કાન પાછળ મૂકી, દરરોજની જેમ આંખોની કીકી ડાભી બાજુ એજ એન્ગલે જરાક ફેરવી. મૈત્રીભરી બન્નેની નજરોએ ચૂપચાપ એકબીજાની હાજરી પૂરી સ્મિતની આપ-લે કરી લીધી.
સાતમાં ધોરણથી શ્રેયા અને હિરેન બન્ને વચ્ચે મિત્રતાનો સેતુ બંધાયો હતો. હિરેન શ્રેયાની બાજુની સોસાયટીમાં રહેતો હતો. ક્યારેક શ્રેયા કોઈ કારણસર સ્કૂલ જઇ ન શકી હોય તો હિરેન તેની રજા ચિઠ્ઠી ક્લાસ ટીચરને પહોંચાડી દેતો. ક્યારેક હોમવર્ક માટે એકબીજા વચ્ચે નોટબુક્સની આપ-લે થતી રહેતી. આ રીતે એક ફ્રેન્ડ તરીકે હિરેનની ઓળખાણ શ્રેયાના પેરેન્ટ્સ સાથે પણ સ્થપાતી ગઈ.
શ્રેયા અને હિરેન વચ્ચે રિશેષમાં થતી થોડીક ગમ્મતભરી વાતો અને નિખાલસ સ્મિતની આપ-લેએ ક્યારે એકબીજા વચ્ચેની મૈત્રીને નિકટ બનાવી દીધી એની ખબર ન રહી. બન્ને ભણવામાં હોંશિયાર હતા. હિરેન તેના હસમુખા સ્વભાવને લીધે ક્લાસનો મોસ્ટ લાઈકેબલ બોય હતો. તેનો દેખાવાડો ચહેરો તથા નિખાલસ સ્વભાવ ક્લાસની દરેક છોકરીઓના હ્રદયને સ્પર્શી જતો. બધા ટીચર્સની નજરમાં હિરેન એ આદર્શ વિધાર્થીની છબી ઊભી કરતો હતો. હિરેન સામે જોઈને ક્લાસની કોઈ પણ છોકરીના હોઠ તરત જ મલકી ઉઠતાં. તેમના મનમાં ક્યાંક સૂક્ષ્મભાવે એવી ઝંખના રહેતી કે હિરેન તેમને નોટિસ કરે અથવા તો થોડીક વાતચીત કરી હસાવે.
***
એક મહિના પછી...
ચોમાસું બરોબર બેસી ગયું હતું. એ દિવસે મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એમ ધોધમાર વરસાદ મન મૂકીને વરસાવી રહ્યા હતા. વીજળીના કડાકા અને ચમકારાથી આખું આભ ખાબકી પડશે એવો જળબંબાકાર વરસાદ સતત પડે જતો હતો. બપોરના ચાર વાગ્યે પણ ચારેકોર અંધારઘોટ વાતાવરણ થઈ ગયું હતું. કેટલાક વિધાર્થીઓના વાલીઓ એમને લેવા સ્કૂલે આવી પહોંચ્યા હતા. પ્રિન્સિપાલે સૂચના આપી દરેક વિદ્યાર્થી એમનું નામ ક્લાસ ટીચર પાસે નોંધાવી એમના વાલી સાથે જઇ શકે છે એવી પરવાનગી આપી દીધી હતી. સ્કૂલ છૂટવાના સમયે લગભગ અડધો ક્લાસ ખાલી થઈ ગયો હતો.
શ્રેયા અંદરો અંદર ખૂબ ગભરાઈ ગઈ હતી. એનો ભાઈ હમણાં લેવા આવશે એની રાહમાં કાખ ઘોડીને હાથમાં પકડીને તૈયાર બેસી હતી. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ ઠંડક પ્રસરી ચૂકી હતી, જેને લીધે શ્રેયાના હાથ અને પગના મસલ્સ અક્કડ થઈને ખેંચાઇ રહ્યા હતા. શ્રેયાએ ચિંતાગ્રસ્ત નજર હિરેન પર કરી સ્મિત કરવા પ્રયત્ન કર્યો. હિરેને આંખો મીંચી હાથથી ઈશારો કરીને કહ્યું, “ચિંતા ના કર, હમણાં લેવા આવશે...” શ્રેયાએ અછડતું સ્મિત કરીને માથું હકારમાં હલાવ્યું. સાડા પાંચ વાગી ગયા. ક્લાસમાં દસેક વિધાર્થીઓ જ બાકી રહ્યા હતા, જે ક્લાસ બહાર બાલ્કનીમાં વરસાદ જોવાની મજા લેતા લેતા ફરતા અને વાતો કરતાં હતા. શ્રેયા ઠંડીને લીધે ધ્રૂજતી હતી. હિરેને એની સ્કૂલ બેગ લઈને શ્રેયાની આગળની બેન્ચ પર બેસીને પૂછ્યું, “શ્રેયા, ઠંડી લાગે છે તને?”
શ્રેયાએ ધ્રૂજતા માથે હકારમાં માથું હલાવ્યું.
રૂમમાં ધસી આવતો ઠંડો પવન બંધ કરવા હિરેને મુખ્ય દરવાજા સિવાય બધી ખુલ્લી બારીઓ અને દરવાજા વાખી દીધા. હિરેને આગળની બેન્ચ પર બેસીને તેની સામે સ્મિત કર્યું.
“થેંક્સ...” શ્રેયાએ સહેજ ધુજતા સ્મિત સાથે કહ્યું.
હિરેને કાંડા ઘડિયાળમાં સમય જોઈને કહ્યું, “શ્રેયા, હું પ્રિન્સિપાલ સરને કહીને તારા ઘરે ફોન કરી જાણ કરી દઉં કે તારા પેરેન્ટ્સ હજુ કેમ આવ્યા નથી. કેન યુ ગીવ મી યોર નંબર?”
ધ્રુજતા અવાજે નંબર લખાવતા શ્રેયાનો અવાજ ભીનો થઈ ગયો.
“શ્રેયા, ડોન્ટ ક્રાય, હમણાં જ હું ફોન કરીને આવું છું કે કોણ તને લેવા આવે છે, ઓકે? બે જ મિનિટમાં હું આવું છું.” કહીને તરત જ પગ ક્લાસ બહાર ઉપાડ્યા...
“હિરેન…”, રડમસ અવાજ સંભળાતા જ હિરેનના પગ ત્યાં જ થંભી ગયા, “મારા પપ્પા આઉટ ઓફ ટાઉન છે, અને બ્રધર અત્યારે ઓફિસે હશે... ઘરેથી કોઈને પણ જલ્દી આવવાનું કહેજે... આઈ એમ ફિલિંગ સો કોલ્ડ હિયર, પ્લીઝ...” ભીની આંખોમાં બાઝેલા આંસુએ અને ધ્રૂજતા રડમસ અવાજે કહ્યું.
“હા શ્રેયા, હું તરત જ ઘરેથી કોઈને મોકલે એટલું કહીને આવું છે... યુ જસ્ટ હગ યોર સ્કૂલ બેગ, ઈટ વિલ કીપ યુ વાર્મ.” કહીને તરત જ હિરેના પગ પવન વેગે પ્રિન્સિપાલની ઓફિસની અંદર જઈને ઊભા રહ્યા. પ્રિન્સિપાલની પરવાનગી લઈને તરત જ ફોન કર્યો. રિંગ વાગી. બીજી રીંગે ફોનનું રિસીવર બીજે છેડે ઊંચકાયું, “હેલ્લો...”
“હેલ્લો, આંટી, હું હિરેન બોલું છું, સ્કૂલેથી...” હિરેને ધડકતા હ્રદયે જણાવ્યું.
“હિરેન, શ્રેયા ત્યાં ક્લાસમાં જ છે ને? બેટા, એને ઠંડી તો નથી લાગતીને?” માંના હ્રદયે ચિંતાગ્રસ્ત અવાજે ધડકતું હૈયું ઠારવા તરત જ પૂછી લીધું.
“આંટી, શ્રેયાને ઠંડી લાગે છે. ઘરેથી એને લેવા કોઈ આવી રહ્યું છે??” હિરેને ઝડપથી પૂછ્યું.
“બેટા, અહીં એક્ટિવા લઈને બિલકુલ નિકળાય એવું નથી. ઘર આગળ ખૂબ પાણી ભરેલું છે. એના ભાઈને હું ફોન કરી આ નંબર પર જાણ છું.” તેમણે કહ્યું.
“ઓકે આંટી...” કહીને હિરેને રિસીવર મૂક્યું.
“સર, ફોન આવે તો એનો મેસેજ ૧૨-અ માં કોઈને જાણ કરવા મોકલજો, પ્લીઝ. મારી ફ્રેન્ડ હજુ ક્લાસમાં વેઇટ કરે છે...” હિરેને રિકવેસ્ટ કરી.
“ઓકે, તારા ક્લાસ ટીચર કોણ છે?” પ્રિન્સિપાલે પૂછ્યું.
“જે.કે પટેલ... આજે નથી આવ્યા સર.” હિરેને કહ્યું.
“ઓકે... આઈ વિલ લેટ યુ નો એઝ આઈ ગોટ કોલ. યુ કેન ગો...” પ્રિન્સિપાલે કહ્યું.
“થેંક્સ સર...” કહ્યું એની બીજી જ પળે હિરેનના પગ સડસડાટ પવનવેગે બબ્બે સીડીઓ કૂદાવી સીધા જ ક્લાસ રૂમમાં જઇ થોભ્યા.
શ્રેયા સ્કૂલ બેગને છાતીમાં દબાવી ભીની આંખે બેઠી હતી. તેનું શરીર પહેલા કરતાં ઓછું ધ્રૂજતું હતું.
“શ્રેયા, તારી મમ્મીએ કહ્યું કે એ હમણાં જ ફોન કરીને જણાવશે કે તારો બ્રધર ક્યારે તને લેવા આવે છે...” હિરેને કહ્યું.
“મતલબ હજુ કોઈ ઘરેથી નિકળ્યું જ નથી?” તેણે આઈબ્રો ઊંચી કરી ચિંતાગ્રસ્ત અવાજમાં કહ્યું.
“શ્રેયા, તું ચિંતા ના કર, હું તને કંપની આપવા અહીં જ બેઠો છું ને! મારા પપ્પા તો ઘરે ચિંતામુક્ત થઈને બેઠા હશે, એમને પૂરો વિશ્વાસ છે કે હું તણાઇ જઈશ તો પણ તરતો તરતો ઘરે જ પહોંચી જવાનો છું...” મજાકીયા અંદાજમાં કહેતા જ શ્રેયા હિરેન સામે જોઈને હસી પડી. શ્રેયાને હસતાં જોઈને હિરેને છાતીમાં થોડીક હળવાશ અનુભવી. ફરીથી શ્રેયાને હસાવા દરવાજા બહાર જોઈને કહ્યું...
“આવા વરસાદી વાતાવરણમાં... ભજીયાંની બહુ જ યાદ આવે હો... ઘરે જઈને ગરમાગરમ ચા અને ભજીયાં મળી જાય.... તો તો બાકી લાઈફ સેટ થઈ જાય...”, કહીને હોઠ પર જીભ ફેરવી લીધી. હિરેનના દયામણા પણ સુપર ફની એક્સપ્રેસન જોઈને શ્રેયા ખડખડાટ હોઠ ખોલીને હસી પડી. ગંભીર દયામણા હાવભાવ વિખેરી હિરેન તરત જ શ્રેયાને ખડખડાટ હસતી જોઈને ખુશ થઈ ગયો. શ્રેયાએ મોઢા પર હાથ રાખી હસતાં કહ્યું, “યુ આર સો ફની...”
“રિયલી... એમ આઈ?” એણે હસતાં હસતાં કહ્યું.
“યા, આઈ થિંક યુ શુડ બી એ કોમેડિયન... યુ ઓલવેઝ મેક પીપલ લાફ...” શ્રેયાએ મુસ્કુરાતા કોમ્લિમેંટ આપી.
હિરેને પાછો ગંભીર પણ ફની ફેસ કરી, દરવાજા બહાર નજર માંડીને કહ્યું, “આઈ થિંક તો પછી મારે હવે સરકસમાં જોકરના ઓડિશન્સ આપવા જોઈએ. એક વખત જો જોકરની જોબ મળી ગઈને, પછી તો બોસ... લાઈફ સેટ થઈ ગઈ સમજો...” હિરેને ફની અંદાજમાં કહ્યું.
“જોકર્સના ઓડિસન્સ!!?”, શ્રેયાએ હસીને કહ્યું, “બિલકુલ, જોકર બની લોકોને હસાવવું કંઈ નાનુંસૂનું કામ નથી... તું જોકર બનવાનું સપનું પરસ્યું કર, હું હસવા માટે તારા બધા જ શો જોવા આવીશ બસ...” શ્રેયા ઘરે જવાની ચિંતા ભૂલીને હિરેનની વાતોમાં ભળવા લાગી.
“તો ફીર યે જોકર કા વાદા રહા...” જોકરની જેમ પેટ પર હાથ મૂકી, કમરમાંથી નીચે ઝૂકવાની એક્ટિંગ કરી હિરેને કહ્યું, “પ્રોમિસ યુ વિલ કમ ઓન માય શો?” આગળ હાથ લંબાવીને પૂછ્યું.
શ્રેયા એ ખડખડાટ હસીને હિરેનના હાથમાં હાથ મૂકી કહ્યું, “આઈ પ્રોમિસ”
એકબીજાના હાથનો સ્પર્શ બન્નેની ખુશહાલ આંખોમાં આગિયાની જેમ ઝબકી ઉઠ્યો. ક્ષણ ભર માટે મિત્રતાની મૈત્રીને પર અનુભવાતી લાગણીએ બન્નેના દીલમાં પ્રેમના તાર ઝંકૃત કરી મૂક્યા હોય એવો અહેસાસ થયો. બન્નેનું હાસ્ય ધીમું પડતાં જ આંખોમાં શર્મિલો ભાવ તરી આવ્યો. એકબીજાના હાથનો સ્પર્શ દિલના કોઈક ખૂણામાં પ્રેમની ચિનગારી સળગાવી છૂટો પડ્યો. આહલાદક વાતાવરણમાં એકબીજાને જોઈને મલકાતું હાસ્ય અને ચોરીછૂપી નજરની આપ-લે વચ્ચે પ્યૂને દરવાજે આવીને પૂછ્યું, “શ્રેયા?”
“હા...” શ્રેયાએ કહ્યું.
“તમારી મમ્મીનો ફોન આવ્યો હતો, એમને કહ્યું કે તમારા ભાઈને અહીં પહોંચતા હજુ ઘણી વાર લાગશે. ઘરેથી વાહન લઈને આવી શકાય એવું નથી, એટ્લે પ્રિન્સિપાલ સરે કહ્યું છે કે વરસાદ હજુ પડશે તો નિકળવામાં વધુ તકલીફ થઈ શકે છે. એટ્લે એમણે તમારા માટે રિક્ષા બોલાવી છે. તમારે રિક્ષામાં જવું હોય તો અત્યારે નીચે આવી જાઓ અથવા તમારા ભાઈ આવશે ત્યાં સુધી તમારે અહીં રોકાવું પડશે.” પ્યૂનને બન્ને સામે જોઇને નિર્ણય છૂટો મૂક્યો.
(વધુ આવતા સપ્તાહે...)
Writer – Parth Toroneel