Premni Jeet ke pachhi books and stories free download online pdf in Gujarati

પ્રેમની જીત કે પછી...

( આગળ તમે જોયું કે, મુશળધાર વરસાદમાં હિરેન અને શ્રેયા સ્કૂલમાંથી ઘરે જવા રિક્ષામાં નીકળે છે. સોસાયટી આગળ પાણી ભરેલું હોવાથી રિક્ષા અંદર જઇ શકતી નથી. શ્રેયાને ઘરે પહોચાડવા હિરેન તેને ઉપાડી લઈ – ઢીંચણ સુધી ભરેલા પાણીમાંથી ચાલીને સુરક્ષિત ઘરે લઈ જાય છે...)

સાંજે શ્રેયાના પપ્પા, નવીનભાઈનો ફોન આવ્યો. વરસાદ પડ્યાના સમાચારમાં રમિલાબેને શ્રેયાનો આખો કિસ્સો વિગતવાર કહી સંભળાવ્યો. નવીનભાઈ હિરેનની મિત્રતા પર વારી ગયા. રિસ્ક ઉઠાવી શ્રેયાને ઘર સુધી ઊંચકીને લઈ આવ્યો એ વાત પર એમનું દિલ ભરાઈ આવ્યું.

એ રાત્રે શ્રેયા એના સ્ટડી રૂમના બેડમાં અડધો બ્લેન્કેટ ઓઢી ઊંઘવાની તૈયારી કરી રહી હતી, પણ એની આંખોમાંથી ઊંઘ ખોવાયેલી હતી. સ્લો-મોશનમાં પડતો ઝરમર ઝરમર વરસાદ, કર્ણપ્રિય બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને તેને લુભાવતો મનમોહક ચહેરો મન:ચક્ષુ સામેથી ખસતો જ નહતો. હિરેન વિશેના વિચારો દિલમાં ગૂંથાતાં જ તેના હોઠ સહાજિકપણે મુસ્કુરાઇ જતાં. નીચલા હોઠને દાંત વચ્ચે દબાવી, બ્લેન્કેટ નીચે ધીરેથી હાથ સરકાવી સ્પર્શેલા વક્ષ:સ્થળ પર નજાકતથી પસવાર્યો... ઊંડો ઉત્તેજિત શ્વાસ ફેફસામાં ખેંચાઇ ગયો. બન્ને પાંપણો મીંચાતા જ તેના હોઠ જરાક મલકી ઉઠ્યા. ક્યારેય ન અનુભવેલી ઝણઝણાટી કરોડરજ્જૂમાંથી વીજળીની જેમ પસાર થઈ ગઈ. ઉત્તેજનાનું લખલખું તેના વિચારોની ગહેરાઈમાં પ્રસરી ગયું. હિરેન વિશેના વિચારોએ તેને પ્રેમના ગુલાબી દરિયામાં તરતી કરી મૂકી હતી. એના હોઠ અને ચહેરા પર સંતૃપ્તતાનું મંદ સ્મિત ફરકવા લાગ્યું. એ દિવસે વરસાદમાં તે જેટલી ભીંજાઈ હતી એના કરતાં વધુ હિરેનના પ્રેમમાં ભીંજાઇ ગઈ હતી. હૈયામાં હિરેન તરફનું આકર્ષણ મિત્રભાવ કરતાં વધુ અનુભવવા લાગ્યું હતું. એના પ્રત્યેનો લાગણીભાવ વધુ દિલમાં ઘુંટાવા લાગ્યો હતો, પણ એક વિચાર બુટમાં ફસાઈ ગયેલી કાંકરીની જેમ તેને મનમાં સતત ખૂંચે જતો હતો. એની અપંગતાના વિચારે એના મુસ્કુરાતા હાવભાવની ચાદર ખેંચી વાસ્તવિકતા તેની સામે ઉઘાડી કરી. એના મનમાં ચિંતાનો કુમળો કાંટો ફૂટ્યો:

હું એની માટે જેવુ ફિલ કરું છું શું એવું એ મારા માટે ફિલ કરતો હશે? એનો મારી તરફ માત્ર મિત્રભાવ જ હશે કે એનાથી વધુ લાગણી એ અનુભવતો હશે? મારી અપંગતા સાથે મને સ્વીકારી એના દિલમાં મારા પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટી શકે કે પછી હું જ એના પ્રેમનું આકર્ષણ અનુભવું છું? શું હું એને ડિઝર્વ કરું છું? હું ક્યારેય એની બાજુમાં ઊભી રહી હાથમાં હાથ પરોવી તેની સાથે ચાલી નહીં શકું. એ મારો હાથ પકડી મને ટ્વિર્લ અરાઉન્ડ કરી નહીં શકે. નાના-મોટા કામમાં સહારો બનવાને બદલે બોજરૂપ બની જઈશ. એક સામાન્ય પત્નીની જેમ હું ક્યારેય એને સુખ નહીં આપી શકું. મારા કરતાં એ બ્રિલિયન્ટ છે. હી ડિઝર્વ ફાર બેટર ધેન એ ડિસએબલ ગર્લ. એ હેન્ડસમ અને સ્માર્ટ છે. એનું નેચર ખુશહાલ અને સેન્સ ઓફ હ્યુમરથી ભરેલુ છે. એની પર્સનાલિટીથી દરેક છોકરી આકર્ષાય એવી છે. મને ઊંચકીને ઘરે સુધી મૂકી ગયો એ તેના મિત્રભાવ સાથે જોડાયેલી સહાનુભૂતિ હતી કે પછી હું જ એના પ્રેમ વિશેના વિચારો ગૂંથું છું?! ના, મારે મારી હેસિયત સમજી અપેક્ષાઓને સીમારેખા અંદર વાળીને રાખવી જોઈએ. આઈ ડોન્ટ ડિઝર્વ હિમ એટ ઓલ. મારે મારા જીવનનું લક્ષ્ય પ્રેમ નહીં બલ્કે કરિયર પર રાખવું જોઈએ, એજ મારા ભવિષ્ય માટે બહેતર રહેશે. આઇ શુડ નોટ ડ્રીમ ઓફ હિમ. હી ઈઝ જસ્ટ માય બેસ્ટ ફ્રેન્ડ ધેટ્સ ઓલ. આઈ વિલ નેવર રૂઇન હિઝ લાઈફ બાય ડ્રેગીંગ માય ડિસેબીલીટી. હી ડીજર્વ ટુ બી મેરી વિથ અ બ્યુટીફુલ એન્ડ નોર્મલ ગર્લ. મારી અને એની દોસ્તી વચ્ચે લોકોની ડિફરન્ટ કાસ્ટની અને ડિસેબીલીટીની જડબેસલાક માન્યતાને તોડવાની ભાંજગડમાં પડી મારે દૂ:ખી નથી થવું. કરિયર બનાવી જાતે પગભર થવું એજ એક માત્ર ગોલ મારા જીવનનો હોવો જોઈએ. નો મોર લવી-ડવી થોટ્સ. ઇટ ઓન્લી હેપન્સ ઇન મુવીઝ એન્ડ નોવેલ્સ. ઇટ્સ નોટ હેપન્સ ઇન રિયલ લાઈફ. આ બધા વિચારો કરતાં તેની આંખોના પોપચાંમાં ઊંઘ સાથે નિરાશા ભળી ભારે થવા લાગ્યા. આંખ મીંચાતા જ એ ગાઢ નિંદ્રામાં સરી પડી.

***

બારમાં ધોરણના રિઝલ્ટ પછી બન્નેના કરિયરની દિશા અલગ પડી. શ્રેયાએ એની ડિસએબીલીટીને લીધે નજીકની કોલેજમાં IT એન્જીનિયરીંગમાં એડમિસન લેવું પડ્યું, અને હિરેને બરોડાની MS યુનવર્સિટીમાં કોમ્યુટર એન્જીનિયરીંગમાં એડમિસન લીધું. શ્રેયાની કોલેજમાં ઇન્ડીપેન્ડટલી જવાની જીદ નવિનભાઇએ સ્વીકારવી પડી. તેમણે ફોર-વ્હીલર એક્ટિવાને એની સગવડતા મુજબ સ્પેશિયલ ડિઝાઇન કરાવડાવ્યું. કોલેજ જતી વખતે શ્વેતાભાભી શ્રેયાને સીટ પર બેસાડવામાં મદદ કરતાં અને કોલેજથી છૂટથી વખતે એના ફ્રેંડ્સ એને મદદ કરતાં.

અલગ કોલેજને કારણે હિરેન અને શ્રેયા વચ્ચેની ફ્રેંડશિપમાં અંતર પડવા લાગ્યું હતું. બન્ને પાસે એકબીજાના ફોન નંબર્સ શેર કરેલા હતા, તેથી વોટ્સએપ અને ફેસબૂક પર ક્યારેક ઔપચારિક વાતચીત થતી રહેતી. શ્રેયા સોશિયલ મીડિયા પર હિરેન સાથે ચેટિંગ્સ કે ફેસબૂક પોસ્ટમાં કોમેંટ્સ, લાઈક્સ કે અપડેટ જોવા પૂરતું જ યુઝ કરતી. કોલેજ લાઈફમાં નોવેલ્સ અને શોર્ટ્સ-સ્ટોરીઝ બુક્સ વાંચવી એની ફેવરિટ એક્ટિવિટી થઈ ગઈ હતી. ક્યારેક શનિ-રવિ નવરાશના સમયમાં લખવા માટે ‘કોફી લવર્સ કાફે’માં ફોર-વ્હીલર એક્ટિવા લઈને જતી રહેતી. કાફેના માલિક શ્રેયાના પપ્પાના કોલેજ મિત્ર હોવાથી તેને એક્ટિવા પર ચડવા-ઉતરવા લેડીઝ વેટ્રેસને મદદ માટે મોકલી દેતાં. શ્રેયા તેના ફેવરિટ સ્પોટ પર કાખ ઘોડી મૂકી પુસ્તક વાંચતી અથવા તો કાચમાંથી લોકોને ઓબ્ઝર્વ કરતાં કવિતા કે શોર્ટ સ્ટોરીઝ લખવામાં ખોવાઈ જતી.

ક્યારેક શ્રેયા હિરેનનો હસમુખો ચહેરો યાદ કરતી ને એનો મેસેજ કે ફોન આવી જતો. બન્ને વચ્ચે કોલેજની તો ક્યારેક પુસ્તક કે કોઈ ટોપિક પર મોડી રાત સુધી વાતો ચાલતી. શ્રેયાએ હિરેન સાથેનો લાગણીભાવ ફ્રેંડશિપની સીમારેખા સુધી સીમિત રાખવા હજાર વાર હ્રદયને ફોસલાવેલું, પણ હિરેન સાથેની વાતચીત દરમ્યાન એ બધુ જ ભૂલી જતી. રીડિંગ વેકેશનમાં ક્યારેક કોફી લવર્સ કાફે પર મુલાકાત થતી ત્યારે તેના હ્રદયમાં સંગોપાયેલી પ્રેમની લાગણીઓની કૂંપળો ખીલી ઉઠતી. એની સાથે પસાર કરેલી હરેક પળ આનંદિત અને સુખદ લાગતી. સમય થંભી ગયો હોય છતાં ઝડપીથી વહી રહ્યો હોય એવું લાગતું. હેપ્પી બર્થડે હોય કે મેગેઝીનમાં એની શોર્ટ સ્ટોરી પબ્લીશ થઈ હોય તો સૌથી પહેલા હિરેનનો ફોન આવી જતો. હિરેનનો ફ્રેંડશિપ કરતાં સવિશેષ કેરિંગ અને લવિંગ નેચર જોઈને શ્રેયાના દિલમાં પ્રેમ છલકાઈ આવતો, છતાં તેણે તેની અપંગતાની દીવાલ બંનેના પ્રેમભાવ વચ્ચે ચણી દીધી હતી.

***

કોલેજના ત્રીજા વર્ષની શરૂઆતમાં હિરેનના લગ્ન માટે છોકરીઓના માંગા આવવાના શરૂ થઇ ગયા. હિરેને તેના પેરેન્ટ્સને સમજાવ્યુ કે, સરસ જોબ મળે પછી છોકરીઓ જોવાની વાત; કહીને તે લગ્નની વાત ત્યાંજ દબાવી દેતો. ફેવરિટ રોમેન્ટીક-લવ સોંગ્સ સાંભળતા શ્રેયાનો ચહેરો આંખો સામે તરી આવતો, તેને યાદ કરતાં જ દિલમાં પ્રેમની લાગણી મહેસુસ થતી. હિરેનનું દિલ શ્રેયાને એની અપંગતા સાથે સ્વીકારી જીવનભરનો સાથ ઝંખતું હતું પણ, મન તર્કની તલવાર વીંઝીને કહેતું: શ્રેયા અને તારી જ્ઞાતી અલગ છે. માત્ર એટલું જ નહીં, એ શારીરિક અપંગ છે, શું તારા પેરેન્ટ્સ એની અપંગતા સાથે એનો સ્વીકાર કરશે? એમને સમજાવવા તારી પાસે કોઈ શબ્દો છે! શ્રેયા દેખાવે ભલે સુંદર હોય, પણ શારીરિક રીતે એ હંમેશા અપંગ જ રહેવાની. શારીરિક રીતે નોર્મલ હોય એવી સુંદર છોકરી તને પરણવા તૈયાર થઈ જાય એવો ગૂડ લૂકિંગ છે તું. શું કામ એની પાછળ પડ્યો છે! યુ ડિઝર્વ મચ બેટર લાઈફ પાર્ટનર. દોસ્તીમાંથી પાંગરેલો પ્રેમ દોસ્તી સુધી જ રહે એમાં જ સાચી સમજદારી છે. એની સાથે લગ્નજીવનમાં જોડાવાની ઘેલછા એ મૂર્ખામી છે હિરેન! એ ક્યારેય તારા હાથની આંગળીઓમાં આંગળીઓ પરોવી તારી બાજુમાં ચાલી નહીં શકે, બહાર નિકડીશ તો લોકો એના અપંગ પગ તરફ જોઈ રહેશે, તેની ઉંમર વધશે એમ એની હરવા-ફરવાની ક્ષમતા ઘટી થઈ જશે. પ્રેમનું બંધન એની સાથે જોડી શું કામ એની અપંગતા પાછળ તારું નોર્મલ જીવન ખરડે છે! અપંગ લોકો એની જેવા અપંગ લોકો સાથે જ પરણે. સોસાયટીમાં આવું જ થતું હોય છે. તું નોર્મલ છે. શ્રેયા સાથે જીવન જોડીને શું કામ કોમ્પરોમાઈઝ કરે છે! વ્હાય! યુ ડિઝર્વ પરફેક્ટ લાઈફ પાર્ટનર, નોટ શી – વિથ હર ડીસએબીલીટી.

હિરેનને બિલકુલ સમજાતું નહતું કે એને શું નક્કી કરવું જોઈએ? એ એક એવી મૂંઝવણની ખાઈમાં ખાબકી પડ્યો હતો. તેના હ્રદયમાં શ્રેયા પ્રત્યેનો અનહદ પ્રેમ અને તે જેવી છે એવી વ્યક્તિ તરીકેનો સ્વીકાર – એ તેના મનની બે ધારી તલવારની જેમ હ્રદય પર વીંઝીને ઘાયલ કરી રહ્યું હતું. હ્રદયમાં ભરેલા અનહદ પ્રેમની ટશરો ફોડી ખાલી કરી રહ્યું હતું, પણ તેના દિલમાં વહેતો પ્રેમ નિતાંત અને અખૂટ હતો, નિર્ભેળ અને પવિત્ર હતો. તેનો શ્રેયા પ્રત્યેનો પ્રેમ બાહ્ય રૂપ જોઈને નહીં, બલ્કે આંતરિક વ્યક્તિત્વની સુંદરતા જોઈને તે આકર્ષાયો હતો.

કોલેજ પૂરી થવાના છ મહિના બાકી હતા. હિરેને આખરે નક્કી કરવાનું હતું કે એના પેરેન્ટ્સ શ્રેયાને સ્વીકારશે કે નહીં? હિરેનના જીવનમાં શ્રેયા જીવનસાથી તરીકે આવે એ પહેલા તેને સોસાયટીની માન્યતારૂપી બે ખાઈઓ ઓળંગી તેના પ્રેમને પામવાનો હતો. ડબલ થ્રેટ સામે તેને લડવાનું હતું: લોકોની અલગ જ્ઞાતિની માન્યતા સામે, અને પેરેન્ટ્સ શ્રેયાને તેની અપંગતા સાથે સ્વીકાર કરશે કે નહીં?

હિરેન છ મહિનાથી શ્રેયાને પ્રપોઝ કરવા કેટલીયે વાર કોફી લવર્સ કાફે પર તૈયારી સાથે આવતો, પણ તેને ડર હતો કે શ્રેયા પ્રપોઝલ નહીં સ્વીકારે તો! બે દિવસ પહેલા જ હિરેન કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યુમાં એક સરસ જોબ માટે સિલેક્ટ થઈ ગયો હતો. જોબ મળ્યાના ગૂડ ન્યૂઝ રૂબરૂ આપવા બન્નેએ શનિવારે કોફી લવર્સ કાફે પર ભેગા થવાનું ફોન પર નક્કી કર્યું.

***

(ક્રમશ:)

મિત્રો, આગળની સ્ટોરી એકદમ રસપ્રદ છે. તમને વાંચવાની ખૂબ મજા આવશે. આ કોઈ ચીલાચાલું લવ સ્ટોરી નથી. યુનિક લવ સ્ટોરી છે. અત્યાર સુધી તમે નોર્મલ બે વ્યક્તિઓ વચ્ચે થતાં પ્રેમની કેટલીયે સ્ટોરીઝ વાંચી હશે. આ સ્ટોરી બીજી બધી સ્ટોરીઝ કરતાં યુનિક છે. આ સ્ટોરી તમારા હોઠ પર સ્મિત ફરકાવીને પૂરી થશે. સ્ટોરી વાંચ્યા પછી પણ તમારા મનમાં એના વિશેના વિચારો ફર્યા કરશે – આછું સ્મિત ક્યાંક ક્યાંક રેલાઈ જશે...

આ નવલિકા એમોઝોન કિન્ડલ પર પણ અવેલેબલ છે. લેખકની વાર્તા લખવા પાછળની મહેનતને પ્રોત્સાહન આપવા તમે જો એટલું કરી શકતા હોવ તો લેખકને ખૂબ આનંદ થશે. થેંક્યું.

Email Id: parthtoroneel@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED