મનસ્વી Shakti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનસ્વી

પ્રજય આવીને સૂતો ત્યાં સુધી મનસ્વી ઊંઘવાનો ઢોંગ કરીને પડી રહી. પ્રજયે મનસ્વીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ મનસ્વી ન જ ઉઠી. આખરે પ્રજય પણ ઊંઘી ગયો. પ્રજય ઊંઘી જતા જ મનસ્વીના મન-હૃદય પર માનસની યાદોએ કબ્જો કરી લીધો.

***

રોજ સાંજના સમયે મનસ્વીના મમ્મી-પપ્પા ચાલવા માટે નીકળતાં. એ સમયે ઘરે ફક્ત મનસ્વી જ રહેતી. ધીરે ધીરે માનસને આ વાતની જાણ થઇ ગઈ અને આ સમય માનસ અને મનસ્વીના વાત કરવાનો સમય બની રહેતો. ક્યારેક એ સમય સિવાય પણ ફોનની ઘંટડી વાગે તો મનસ્વીનો જીવ કોનો ફોન છે એ જાણવા આતુર બની રહેતો. કોઈક વાર એના મમ્મી-પપ્પા જો ચાલવા ન જાય તો મનસ્વી "રોંગ નંબર" કહી મૂકી દેતી અને આ તરફ માનસ સમજી જતો. અને તે દિવસે બંનેનો વાત કરવાનો "ઉપવાસ" થઈ જતો.

કોલેજમાં પણ જે પહેલા છૂટે એ બીજાની રાહ જોતું અને બંને સાથે જ ઘરે આવતા. જોકે એકબીજાથી થોડા દૂર ચાલીને કોઈ તેમને સાથે જોઈ ન જાય એ બાબતનું બંને ધ્યાન રાખતાં. સવારે પણ માનસ મનસ્વીના ઘરથી થોડે દૂર એની રાહ જોતા ઉભો રહેતો. કોઈક વાર બંનેમાંથી કોઈ એક ગેરહાજર હોય તો બીજાનું ચિત્ત પણ ક્યાંય ન ચોંટતું. મનસ્વીના માતા-પિતાને આ બાબતનો સહેજ પણ ખ્યાલ ન આવે એનું બંને ધ્યાન રાખતાં.

એકબીજા સાથે વાતો કરતાં કરતાં ક્યારે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા એનું એમને ધ્યાન જ ન રહ્યું. એવામાં રાજ્યકક્ષાની ડાન્સ કોમ્પિટિશન આવી જેમાં ભાગ લેવા માટે એમની કોલેજમાંથી મનસ્વી અને માનસનું સિલેકશન થયું. પણ મનસ્વીને મનમાં ડર હતો કે એના ઘરે નહિ જ માને. છતાં એણે એની માં સામે આડકતરી રીતે વાત મૂકી જોઈ. પણ એની મમ્મી તાડુકી ઉઠી "એ બધું ડાન્સ અને એવું આપણા લોકોના કામ નહિ. તને ત્યાં ભણવા માટે મૂકી છે અને તું ભણવા પર જ ધ્યાન આપશે તો સારું રહેશે.". પણ મનસ્વીએ કોઈ પણ રીતે આ સ્પર્ધામાં ભાગ લેવો જ હતો. એક તો આટલો મોટો મોકો હતો અને ઉપરથી માનસનું સાનિધ્ય.

છેવટે શિખાએ મનસ્વીને સુજાવ આપ્યો કે એ ઘરે "ટેકનિકલ ફેસ્ટિવલ" માં જવાની મંજૂરી માંગે તો એના માં-બાપ એને ના નહિ જ પાડે. મનસ્વીને માં-બાપને જૂઠું બોલવાની ઈચ્છા ન હતી પણ સામે એણે આ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો પણ છોડવો નહિ હતો. આથી નાછૂટકે એણે ઘરે ટેકનિકલ ફેસ્ટિવલનું બહાનું કાઢી મંજૂરી મેળવી લીધી. દરરોજ બપોર પછી માનસ અને મનસ્વીની ડાન્સ પ્રેકટીસ ચાલતી. શિખા પણ મોટેભાગે સાથે રહેતી. પણ ક્યારેક કોઈ કારણસર શિખા નહિ હોય ત્યારે માનસ અને મનસ્વીને એકાંત મળતું. અને બંને ડાન્સ પ્રેકટીસની સાથે સાથે ભાવિ જીવનના સોહામણા સપનાઓ જોતા અને એકબીજાને વધુને વધુ જાણવાનો પ્રયાસ કરતાં.

માનસ અને મનસ્વી આ પ્રેકટીસ દરમ્યાન એકબીજાની વધુ નજીક આવ્યા, સાથે સારો એવો સમય પસાર કરવાને લીધે બંને એકબીજાના સ્વભાવ અને ગમા-અણગમાને વધુ સારી રીતે સમજતા થયાં. માનસ અને મનસ્વી બંને એકબીજા માટે સિરિયસ હતાં. આથી માનસે એક દિવસ એના માતા-પિતાને મનસ્વીની એક સારી મિત્ર તરીકે ઓળખાણ કરાવી. માનસનાં મમ્મી-પપ્પાને પણ મનસ્વી ગમી પરંતુ એ માત્ર માનસની મિત્ર છે એવું જાણીને તેઓ કંઈ બોલ્યા નહિ. મનસ્વીના ઘરે તો છોકરાઓ સાથે વાત કરવાની છૂટ જ ન હતી. આથી એ કંઈ કહી શકી નહિ.

જેમ જેમ સ્પર્ધાનો દિવસ નજીક આવતો તેમ તેમ માનસ અને મનસ્વીની પ્રેકટીસ વધતી જતી. એમનું નૃત્ય જોનારને બંને બે શરીરમાં હોવા છતાં એક જ હોવાનો ભાસ થતો. ડાન્સના દરેક મૂવ્સ પર બંનેના શરીર એકસરખા લય સાથે થીરકતા. એકબીજાનો સ્પર્શ જે ક્યારેક સાવ અજાણ્યો હતો એ હવે બંને માટે સાવ પરિચિત અને પોતીકો લાગતો. બંનેની પ્રેકટીસ વધતા સાંજે પણ ઘરે પહોંચવામાં મોડું થઈ જતું. માનસના ઘરે તો પ્રશ્ન ન હતો પણ મનસ્વી શિખા સાથે મળીને પ્રોજેક્ટસનું બહાનું કાઢી દેતી.

સ્પર્ધા માટે બંનેએ સાપુતારા જવાનું હતું. મનસ્વીએ પ્રિન્સીપાલને વાત કરી શિખાને સાથે લઇ જવાની પણ મંજૂરી લઇ લીધી હતી અને ગ્રૂપ ડાન્સ માટે બીજા દસ ગર્લ્સ અને બોય્સ એમની સાથે જવાના હતાં. સ્પર્ધા સવારમાં વહેલી શરુ થવાની હોવાથી બધાએ આગલા દિવસે સાપુતારા પહોંચી જવું એવું નક્કી થયું. કોલેજમાંથી એક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પર્ધાના ૩ દિવસ પહેલાં માનસ અને મનસ્વી બંને એકલા જ હતાં. પોતાના નૃત્યની અંતિમ તૈયારીમાં બંને વ્યસ્ત હતાં અને અચાનક માનસે મનસ્વીના કાનમાં "આઈ લવ યુ મનસ્વી. વિલ યુ પ્લીઝ બી માઇન ફોરએવર?" અને મનસ્વી અવાચક થઈ ગઈ. શું જવાબ એવો એ ન સમજાતાં એ શરમાઈ ગઈ. બંનેને એકબીજાની લાગણીઓ વિશે ખ્યાલ તો હતો જ. છતાં સંબંધને બંને પક્ષની મંજૂરી મેળવવાના આશયથી માનસે મનસ્વીને પ્રપોઝ કરી દીધું.

માનસે કહ્યું, "કંઈ વાંધો નહિ મનસ્વી. તું વિચારીને કાલે જવાબ આપજે. હું તારી હા ની પ્રતીક્ષા કરીશ."

અને મનસ્વી ઘરે આવી ગઈ. એ દિવસે આખી રાત મનસ્વી ઊંઘી ન શકી. એ પોતાના અને માનસ વિશે જ વિચારતી રહી. એને પણ માનસ ગમતો. કેરિંગ હતો, હેન્ડસમ હતો અને મનસ્વીનું ખુબ ધ્યાન પણ રાખતો. બીજા દિવસે શીખાની હાજરીના લીધે મનસ્વી કંઈ જ કહી શકી નહીં. આથી એણે શિખાનું ધ્યાન ન જાય એ રીતે એક ચિઠ્ઠી લખી. "માનસ તારા સવાલ પર મેં આખી રાત ખુબ વિચાર કર્યો. અને હું તને કહેવા માંગુ છું કે હું પણ તને ખુબ પ્રેમ કરું છું. આઈ લવ યુ ટૂ માનસ." અને પ્રેકટીસ દરમ્યાન એણે માનસના હાથમાં એ પકડાવી દીધી. માનસે પણ સિફતથી એ ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને થોડી વાર પછી બાથરૂમ જવાના બહાને એણે એ ચિઠ્ઠી વાંચી લીધી. એના અંગ- અંગમાં રોમાંચની લહેર પ્રસરી ગઈ.

હવે બંનેને પ્રેકટીસ કરવાની વધુ મજા આવવા માંડી કેમકે એ બહાને બંનેને એકબીજાનાં સ્પર્શનું સુખ પણ મળતું. પ્રેકટીસ દરમ્યાન કોઈનું ધ્યાન ન જાય એ રીતે માનસે મનસ્વીના ગાલ પર એક નાનું ચુંબન કરી લીધું અને મનસ્વી શરમાઈ ગઈ. એણે ધીમેથી જોઈ લીધું કે ક્યાંક શિખાએ બંનેને જોયા તો નથી ને? પણ શિખાનું ધ્યાન બીજે ક્યાંક હતું.

***

માનસની યાદોથી મનસ્વીના ચહેરા પર હમણાં પણ શરમના શેરડા ફૂટી નીકળ્યાં. પણ પ્રજયના એલાર્મનાં અવાજથી એ સફાળી જાગી ગઈ. પ્રજયનો રોજ સુવાનો અને ઉઠવાનો સમય નિશ્ચિત હતો. એ જ સમયે મનસ્વીએ પણ ઉઠી જવાનું રહેતું. એના આ ફિક્સ સમયપત્રકમાં કોઈ જ રવિવાર કે રજાને સ્થાન ન હતું. રજાના દિવસે પણ એ નિશ્ચિત સમયે ઉઠીને તૈયાર થઇ પોતાનું કંઈ પણ કામ કરવા બેસી જતો.

મનસ્વીને આ સમયના કાંટે ચાલતી ઝીંદગી અકળાવતી પણ એની ફરિયાદો સાંભળનાર કોઈ જ ન હતું. પ્રજય પોતાની પિક્ચર-પરફેક્ટ ઝીંદગીમાં લેશમાત્ર પણ ખામી સહન ન કરતો અને મનસ્વીને એની આ જ પરફેકશનની ભૂખ ગૂંગળાવનારી લાગતી.

કોલેજના દિવસોમાં એ શિખા સાથે ઘણીવાર પાણીપુરી અને ચાટ ખાવા જતી. પણ લગ્ન પછી પ્રજયના મતે એ અનહાયજીનીક હોવાથી એ લારી પરની પાણીપુરી અને ચાટ ભૂલી ગઈ હતી. આ બધું મનસ્વીને દંભી લાગતું. એ મુક્તમને જીવવામાં માનતી હતી. જયારે પ્રજયને માટે આ "દંભ" એ જ પરફેક્ટ જીવન જીવવાની રીત હતી.

***