નિશા - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિશા - 1

"નિશા - 1"

એરપોર્ટથી ટેક્સીમાં સીધો જ ઉર્વીને ઘેર જવાનું વિચાર્યું હતું, પણ આ કપડામાં મોત થયેલા ઘરમાં ખરખરો કરવા માટે જવું બરાબર નથી, એમ વિચારી ટેક્સી પહેલા હોટેલ પર લેવડાવી.

જોકે હું મોડો પડ્યો હતો. ઉર્વી, મારી ઉર્વી ત્રણ દિવસ પહેલા મને આ દુનિયામાં એકલો, નિરાધાર છોડીને જતી રહી હતી. ત્રણ દિવસમાં તો બધા સંબંધોના સમીકરણ જ બદલાઈ ગયા હતા.

નાહીને જીન્સ અને સફેદ કુર્તો પહેર્યો, અને ટેક્સીમાં ઉર્વીના ઘેર આવ્યો. લિફ્ટમાં ઉપર આવતા જ જોયું કે ઉર્વીનો ફ્લેટ લોક હતો. ઉર્વી તો નથી રહી, પણ નિશા? તે તો ઘેર હોવી જોઈએને.. ક્યાં ગઈ હશે? જરૂર તે નાનીને ઘેર જતી રહી હશે. આમેય સત્તર વર્ષની છોકરીને એકલી છોડી શકાય નહિ, અને તેનું હવે નાની સિવાય કોઈ રહ્યું છે જ કોણ?

બાજુના ફ્લેટની બેલ વગાડી, એક સ્ત્રીએ બારણું ખોલતા જ મારી તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ ફેંકી. હું ઉર્વીના ફ્લેટ તરફ ઈશારો કરીને બોલ્યો, "આ?? કોઈ નથી? નિશા ક્યાં ગઈ?" અને મારુ અનુમાન સાચું હતું, "નિશાને આજે જ તેના નાની પોતાની સાથે લઇ ગયા છે, તેઓ પણ ત્રણ દિવસથી અહીં જ હતા."

"મને તેમનું એડ્રેસ આપી શકો?"

"ના, નથી... ફોન નંબર છે."

નંબર લઈને હું નીચે આવીને સિગરેટ સળગાવી. મારે નિશાને તો મળવું જ પડશે.

ફોન કર્યો, ઉર્વીની મમ્મી હતી, "આંટી, હું આકાશ છું, ઉર્વીનો દોસ્ત... ઉર્વીનું સાંભળીને દુઃખ થયું, સોરી, હું વિદેશ હતો તેથી મોડો પડ્યો."

"થનાર થઇ ગયું.. ભગવાનની મરજી.."

"આંટી મારે તમને મળવું છે, ખાસ તો નિશાને... તે મજામાં તો છે ને?"

"મજામાં? બે વર્ષ પહેલા બાપ અને હવે માં ને ખોઈને..." કહેતા આંટીને ગલે ડૂમો બાઝ્યો, ને તે બોલી શક્યા નહિ. હું પણ કશું બોલ્યો નહિ, સ્વસ્થ થતા જ તેમણે મને એડ્રેસ આપ્યું.

એડ્રેસ શોધતા તકલીફ પડી નહિ. જૂની બિલ્ડિંગના ચાર માળ હું સડસડાટ ચઢીને બેલ વગાડી. ઉર્વીની મમ્મીએ બારણું ખોલ્યું, "આંટી કેમ છો? હું આકાશ.. ઉર્વીનો દોસ્ત.. થોડીવાર પહેલા મેં ફોન કર્યો હતો..."

"હા, હા, આવો, હું તો નામથી ઓળખું છું તમને, પણ જોયા આજે જ." કહીને મને અંદર હોલમાં દોર્યો. હું ચારે તરફ જોઈ રહ્યો હતો, મિડલ ક્લાસ ઘરમાં હોય તે બધું જ મને જોવાઈ રહ્યું હતું.

"બેસો ને, આકાશભાઈ."

"નિશા ક્યાં છે?"

"અંદર છે, હું બોલાવું છું, તમે બેસો." કહીને આંટી અંદર રૂમમાં ગયા. હું એક ખુરશી ખેંચીને બેસી ગયો, ને સિગરેટ કાઢી, પણ અહીં પીવી યોગ્ય ન લગતા પાછી મૂકી દીધી.

નિશા નાની સાથે બહાર આવી. સત્તર-અઢાર વર્ષની યુવતી... માય ગોડ.. કેટલી ખુબસુરત.. તેની માં ઉર્વી કરતા પણ વધારે. આમ તો મેં નિશાને સેંકડોવાર જોઈ હશે, ચોરી છુપી થી.. પણ આટલી નજીક અને મારી સામે પહેલી વાર જ જોઈ રહ્યો હતો. હું ઉભો થઇ ગયો. નાનીએ મારી ઓળખાણ આપી, "આ આકાશભાઈ છે, તારી મમ્મીના દોસ્ત."

મેં હસીને નિશા સામે હાથ લાંબો કર્યો, નિશાએ કમને મારી સાથે હાથ મિલાવ્યો અને સ્માઈલ આપ્યું. નિશાને મારુ આવવું અને મમ્મીના દોસ્ત તરીકે ઓળખાણ આપવી તે ગમ્યું હોય તેવું લાગ્યું નહિ. નિશાનો હાથ પકડીને મને એક અજબ રોમાંચ થયો, મને તેનો હાથ છોડવાનું મન થયું નહિ. નિશાએ ધીરેથી પોતાનો હાથ ખેંચીને છોડાવી લીધો. મારી નજર તેની તરફ જ હતી, તેના સિવાય મને જાણે કશું જોવાતું જ નહોતું. ટીનેજ છોકરીઓ કરે છે એમ તેણે પણ વાળની એક લટ સોનેરી રંગાવી હતી, અને તેને એવી રીતે કાપેલી હતી કે તે લટ તેના મોં પર જ ઝૂલતી રહે.

તેને અકળામણ, અસુવિધા થઇ રહી હોય તેવું મને લાગ્યું. ખરું જ છે ને? મારો વર્તાવ જ એવો હતો.. હું ટીકી ટીકીને તેને જ જોઈ રહ્યો હતો. મારે સંસ્કારી લોકો જેવો વર્તાવ કરવો જોઈએ, પણ નિશા છે જ એટલી ખુબસુરત કે હું નજર હટાવી શકતો જ નથી...

નાની બોલી, "બેસો ને, કેમ ઉભા છો?"

હું બેઠો અને નિશા પણ મારી સામે મન વગર અને નીચું જોઈને બેઠી હતી. હું નાની સામે જોઈને બોલ્યો "અચાનક બધું કેવી રીતે થયું? ન્યુઝ મળતા જ મારે નીકળવું હતું પણ શક્ય બન્યું નહિ, સોરી..."

"હા, બધું ઝડપથી અને એક ઝાટકે જ પતી ગયું.. મને તો હજુ વિશ્વાસ નથી બેસતો કે ઉર્વી રહી નથી..." કહેતા નાની ગળગળા થઇ ગયા. મને શું બોલવું તે સમજાયું નહિ. મારી નજર તો નિશા તરફ જ હતી. તે ભલે નીચું જોઈ રહી હતી, પણ મારી નજર તેને વાગી રહી હતી તે તેના મોં પર સાફ જોવાતું હતું. પણ મને પડી નહોતી. થોડીવારે નિશા મારી તિર જેવી નજરને કારણે અકળામણ અને ગુસ્સા સાથે ઉભી થઈને નાની સામે જોઈને બોલી, "આ અંકલ મમ્મીના દોસ્ત છે તો હું કેમ ઓળખતી નથી?"

"બેટા હું ઓળખું છું." પણ નાનીને બોલતા અટકાવીને હું જ બોલ્યો, "બરાબર છે, તું મને ન જ ઓળખે, કારણકે આપણે પહેલીવાર મળીએ છીએ. અને પ્લીઝ, મને અંકલ ના કહે."

"હું એજ પૂછું છું કે તમે મમ્મીના દોસ્ત છો તો કેમ આપણે અગાઉ મળ્યા નથી? કે મમ્મીથી તમારે વિષે સાંભળ્યું નથી? મમ્મીના લગભગ બધા દોસ્તો, સહેલીઓને હું ઓળખું જ છું."

"નિશા, હું પુના રહું છું. બિઝનેસ ને લીધે અવાર-નવાર મારે મુંબઈ આવવું જ પડે છે. એવું બન્યું હોય કે હું આવ્યો હોઉં ત્યારે તું હાજર ન હોય."

તે ફરી બેસી ગઈ, ને નીચું જોવા લાગી. તે કૈંક ઊંડા વિચારમાં પડી હોય તેમ મને લાગ્યું. નાની ઉભા થઈને બોલ્યા, "ચા પીશોને? હું લાવું છું." કહીને કિચનમાં જતા રહ્યા. નાનીના જતા રહેવાથી ફરી હું બેશરમીથી નિશાને તાકવા લાગ્યો. "નિશા, મમ્મી તો રહી નથી.. તું એકલી છે, નાની પણ એજેડ છે.."

"તો??" તે મને અટકાવીને કરડાકીથી બોલી.

"તો કશું નહિ, હિમ્મત રાખજે અને કઈ પણ મદદની જરૂર પડે તો મને કહેજે."

"આભાર અંકલ.. પણ એની જરૂર નહિ પડે, અને તમે મારી ચિંતા ના કરો." તે અંકલ શબ્દ પર વધારે ભાર આપીને બોલતી હતી.

"પોતાનું જતું રહે તેનું દુઃખ હોય જ, પણ પોતે દુઃખી છે તે બીજાને બતાવવું ખુબ અઘરું છે, નહિ? ત્રણ દિવસથી ફાલતુ લોકો સામે જબરદસ્તી ઉદાસ મોં બનાવીને તું કંટાળી ગઈ હોઈશ. બધું ભૂલીને આગળ વધ.. આપણે બહાર કશે જઈએ, તને સારું લાગશે અને ફ્રેશ પણ થઇ જઈશ."

"હું ફ્રેશ જ છું, અને હું અજાણ્યાઓ સાથે બહાર જતી નથી. અંકલ..." નિશા તોછડાઈથી અને અંકલ શબ્દ પર ભાર દઈને બોલી. મને શું થઇ રહ્યું હતું કે હું શું ચાહતો હતો તે નિશાને સમજાવી શકતો નહોતો. મને કઈ ન સૂઝતા બોલ્યો, "હું અજાણ્યો નથી, ઉર્વી, તારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, નાની પણ મને ઓળખે છે, તું પણ જલ્દી ઓળખી જઈશ. અને તને ફરી કહું છું કે મને અંકલ કહેવાની જરૂર નથી. "

નિશા વ્યંગભર્યુ હસતા બોલી, "તો શું કહું? મમ્મીના દોસ્ત છો ને? તો મારા અંકલ ના થયા?"

હું ગૂંચવાયો, "બરાબર છે, પણ તું મને અંકલ કહે તે મને ગમતું નથી. મારી સાથે ફરવા આવ, તને બધી સમજ પાડી દઈશ. પ્લીઝ, ના ન પાડીશ..."

આંટી ચા લઈને આવ્યા, હું તેમને જોઈને બોલ્યો, "આંટી નિશાને હું લઇ જાઉં છું, કલાકેક ફરી આવીએ, તમે કહો તો... મારે નિશા સાથે વાત પણ કરવી છે."

આંટી કશો જવાબ આપે તે પહેલા નિશા ઉભી થઇ ગઈ અને રૂમમાં જતા જતા બોલી, "મારે તમારું કશું કામ નથી, કે તમારી સાથે બહાર પણ જવું નથી.. કાલથી તો હું કોલેજ પણ જવાની છું, આવજો..." કહેતા અંદર જતી રહી. હું નિરાશ વદને નાની સામે જોઈરહ્યો, તે બોલ્યા, "નિશાની મરજી.. મને તો વાંધો નથી, છતાં હું સમજાવીશ."

"આંટી સમજાવજો.. તેને લીધે જ હું રોકાઇશ.. નહિ તો આજે જ પુના જવાનો હતો." કહેતા હું ઉભો થયો અને મારો કાર્ડ ટેબલ પર મૂકીને નીકળી ગયો.

મને કશું જ કામ નહોતું. બારમા જઈને બેઠો. નિશાનો ચહેરો મારી નજર સામેથી ખસતો નહોતો. તેના હાથનો સ્પર્શ હજુ હું મારી હથેળીમાં અનુભવી રહ્યો હતો. બિલકુલ ઉર્વી જ જાણે...

અઢાર વર્ષ, હા અઢાર વર્ષથી આ સ્પર્શનો અનુભવ હતો મને. અમે એકબીજાના ગળાબૂડ પ્રેમમાં હતા, અને આ વાત અમે દુનિયાથી છુપાવી રાખી હતી, કોઈ જ જાણતું નહોતું.. ના, એવું તો ન કહી શકાય, સાવી જાણે છે, સાવી.. મારી પત્ની. માંડ ગળે થૂંક ઉતાર્યું. ફોન કરું? કરવો જોઈએ, પત્ની છે. ખિસ્સામાંથી ફોન કાઢીને લગાવ્યો, "સાવી, હું બોમ્બે છું, એક-બે દિવસમાં આવી જઈશ."

"મને ખાતરી જ હતી કે તું ત્યાં જ બેસીને રડતો હોઈશ.. તે તો ત્રણ દિવસ પહેલા પહોંચી ગઈ ઉપર.. તું હવે ત્યાં શું કરે છે?"

"હા ત્રણ દિવસ પહેલા... પણ મારાથી નીકળાયું જ નહિ, હું તો આજે સવારે જ યુએસથી આવ્યો છું."

"ભલે આજે આવ્યો, તેને ઘેર જઈને રડી આવ્યોને? તો હજુ એક-બે દિવસ ત્યાં શું કરવાનો છે? કે બીજી શોધે છે?"

મને સખત ગુસ્સો આવ્યો, પણ હું ઝઘડીને મૂડ ખરાબ કરવા માંગતો નહોતો, બોલ્યો "હા, બીજી મળી તો ગઈ જ છે..પણ..." કહીને ફોન કાપી નાખ્યો. સાવીથી વાત કર્યા પછી મૂડ ખરાબ થવાની ગેરંટી હોય છે. ગમે તેમ, કાયદેસર હું તેનો પતિ છું... કાયદેસર..?

ફરી લાર્જ પેગનો ઓર્ડર રિપીટ કર્યો. મને હજુ પીવું હતું, પણ હાલ પૂરતા ચાર ઇનફ છે, હોટલ પર પણ પહોંચવાનું છે, ત્યાં જઈને વાત.

રૂમમાં આવતા જ ઇન્ટરકોમ પર રૂમ સર્વિસને કહીને બોટલ મંગાવી. ફરી મને નિશા યાદ આવી.. ઓહ કેટલી સુંદર.. આમ તો તેને સેંકડોવાર જોઈ હશે, પણ આજનો અનુભવ જ જુદો હતો. ઉર્વીએ ક્યારેય મને નિશાથી મળવા દીધો નહોતો. પણ ચોરી-છુપી હું તેને જોઈ જ લેતો.

મેં મારી હથેળી સૂંઘી, હજુ પણ તેમાંથી નિશાના સ્પર્શની સુવાસ આવતી હતી. તેની આંખો, હોંઠ, મારા મગજમાંથી ખસતા નહોતા. તેને ફરી મળવાની ઇચ્છાએ જોર પકડ્યું. પણ તે મારાથી ચીડાયેલી છે, અને હમણાં જ તો મળીને આવ્યો છું, ઉતાવળ કરીને કામ બગાડવું નથી. હવે સાંજે કે કાલે જ ફોન કરીશ અથવા તેને ઘેર જઈને તેને મારી સાથે એકાંતમાં મળવા મનાવીશ.

પૂરો દિવસ રૂમમાં જ પસાર કર્યો. પુનાથી સાવીનો ફોન આવ્યો નહિ કે મેં પણ કર્યો નહિ. વીસ વર્ષથી અમે એક જ છત નીચે રહીએ છીએ, બસ એટલું જ... આરવને ફોન કરું? તે પણ હવે મોટો અઢાર વર્ષનો મને સમજી શકે એવો થઇ ગયો છે. હા, આરવ સાથે વાત કરું. "હલ્લો બેટા, હું.."

તે મારી વાત કાપતા બોલ્યો, "મને મમ્મીએ કહ્યું, કે તમે બોમ્બે છો."

"હા બેટા, તને તો ખબર પડી જ હશે કે મારી ફ્રેન્ડ ઉર્વી નથી રહી, મને આવવું જરૂરી હતું."

તે રુક્ષતાથી બોલ્યો, "ખબર છે ડેડી.. પણ હવે તો તેના હાડકાય બચ્યા નથી... હવે ઘેર આવી જાવ તો સારું, તમે મોડું તો કરી જ નાખ્યું છે." કહેતા જ આરવે ફોન કાપી નાખ્યો.

મારો દીકરો પણ મારાથી નફરત કરે છે? મને કોઈ જ સમજી શકતું નથી? મને એક ઉર્વી જેવા દોસ્તની જરૂર છે, જે મને સમજી શકે.. ઉર્વી ગઈ.. હા, નિશા છે.

ઉર્વી ના મળી હોતી તો હું ઘણા વરસો પહેલા આત્મહત્યા કરી લેતો અથવા બાવો બની જતો, અત્યારે પણ એવી જ લાગણી થઇ રહી હતી, પણ નિશા? હા નિશા છે જે ઉર્વીની જગ્યા લઇ શકે... પણ નિશાનું વલણ જોઈને લાગે છે કે થોડો સમયનો ભોગ તો આપવો જ પડશે... પણ તેને જોયા પછી લાગે છે કે મારામાં ધીરજ રહી નથી.

સવારે સીધો જ નિશાને ઘેર પહોંચી જઈશ. તેને ઇમ્પ્રેશ કરવા માટે શું લઇ જાઉં? આજ-કાલની છોકરીઓને શું ગમે છે? ડ્રેસ? પરફ્યુમ? ઘડિયાળ? ફોન? મને કઈ સમજાયું નહિ. સાંજે મોલમાં ફરવા અને નિશા માટે કશી ગિફ્ટ શોધવા આવ્યો. છેવટે એક નાની હેન્ડબેગ નિશા માટે લીધી. પછી તેને જ પૂછીશ, અને તે જે માંગશે તે આપીશ.

રાત્રે હોટલના જ ડાઇનિંગ હોલમાં જમી આવ્યો, ને રૂમમાં આવીને ફરી બોટલ ખોલી. પહેલો ઘૂંટ ભર્યો કે મારો ફોન વાગ્યો, ઉર્વીની મમ્મી હતી, હવે ઉર્વી નથી, નિશા છે, એટલે નિશાની નાની હતી એમ કહેવું જ સહેલું છે. "હા આંટી બોલો, હું તમારા ફોનની જ રાહ જોઈ રહ્યો હતો."

"આકાશભાઈ, કાલે સવારે દસ વાગ્યે તમે ઘેર આવજો, નિશા તમને મળશે."

સાંભળતા જ મારામાં જોશ અને ઉત્સાહ ઉભરાયો. "ઓહો!! આંટી તમારો ખુબ ખુબ આભાર નિશાને મનાવવા માટે."

"ના, મારો આભાર ના માનો, મેં તેને મનાવી નથી, ફક્ત કહ્યું ને જાણે કેમ પણ તે તરત જ તમને મળવાની હા કહી દીધી."

"બસ, મને એ જ જોઈએ છે, કાલે મળીએ."

હું ખુશ હતો, ફરી મેં મારી હથેળી સૂંઘી, આહ.... જલ્દી સવાર પડવી જોઈએ, અને જલ્દી સવાર પાડવાનો એક જ રસ્તો છે, નવી બોટલ મંગાવી.

સવારે વહેલી મારી આંખ ખુલી ગઈ. મેં જેટલું પીધું હતું તેને જોતા આંખ તો ન ખુલવી જોઈએ, પણ નશાની ઉપર નિશાને મળવાની ઈચ્છા બળવત્તર સાબિત થઇ હતી. જોકે મારુ માથું ભમતું હતું, પણ નાહ્યા પછી મને સારું લાગ્યું. રૂમમાં જ ચા-નાસ્તો મંગાવી લીધો. અને બેગ ખોલીને કેવા કપડાં પહેરી જવા તેની અસ્મનજસમાં પડ્યો. છેવટે જીન્સ અને ટી-શર્ટ પસંદ કર્યા. ટી-શર્ટ પહેરતા પહેલા બગલમાં ડિયો છાંટ્યું, વાળને જેલ લગાડીને સેટ કર્યા, જૂતા પોલિશ કર્યા, અને નીકળ્યો નિશાને મળવા.. મારામાં એક અજબ ઉત્સાહ હતો.

ટેક્સીમાં નિશાને ઘેર આવ્યો, નિશાનું નહિ પણ તેના નાનીનું ઘર હતું. ભલે. ટેક્સી છોડી નહિ ને ઉપર આવ્યો. નાનીએ મારુ સ્વાગત કર્યું, "આવો આકાશભાઈ..." હું હોલમાં બેઠો અને નિશાને શોધવા લાગ્યો. તે રૂમમાંથી બહાર આવી. વાહ, તેણે પણ જીન્સ, ટી-શર્ટ પહેર્યા હતા. મારાથી ઉભું થઇ જવાયું, "ગુડ મોર્નિંગ નિશા..." કહીને હાથ લાંબો કર્યો. નિશાએ નજર મેળવી નહિ, ઔપચારિકતા પૂરતો મારા હાથ સાથે હાથ અડાડીને ખેંચી લીધો. બસ તેનો એટલો સ્પર્શ જ મને રોમાંચિત કરવા પૂરતો હતો.

મેં તેને માટે લાવેલ હેન્ડ-બેગ તેને આપી, તેણે હાથમાં લીધા વગર જ પૂછ્યું, "શું છે?"

"મારી પહેલી ગિફ્ટ તારે માટે.."

"મારે કશું ન જોઈએ." કહીને તે બેસી ગઈ, હું પણ બેસી ગયો. તેની નાની બોલ્યા, "લઇ લે બેટા, કોઈ પ્રેમથી આપે તો ના ન પાડીએ, અને આકાશભાઈ તો તારી મમ્મીના દોસ્ત એટલે અંકલ કહેવાય."

નિશાએ મારા હાથમાંથી બેગ લઈને ટેબલ પર મૂક્યું. "આકાશભાઈ ચા પીશોને?" કહીને નાની ઉભા થયા.

"ના આંટી, અમે બહાર પી લઈશું, અને કદાચ લંચ પણ કરીને જ આવીશું." કહેતા હું ઉભો થયો અને નિશા સામે હાથ લંબાવ્યો, પણ તેણે પોતાનો હાથ મારા હાથમાં આપ્યો નહિ, ને ઉભી થઈને બારણાં પાસે ગઈ અને હાઈ હિલવાળી સેન્ડલ પહેરી. મને ખોટું લાગ્યું, પણ નિશા મારી સાથે આવવા તૈયાર થઇ તેટલું જ મારે માટે પૂરતું હતું. ટેક્સીમાં પણ તે સંકોડાઇને છેડે મારાથી અંતર રાખીને બેઠી. તે કશું બોલતી નહોતી. મેં ટેક્સી એક રેસ્ટોરન્ટમાં લેવડાવી.

----- બાકી છે.