આંધી-7 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંધી-7

આંધી-૭

જીપનું ડ્રાઇવર તરફનું પડખુ શીલા સાથે ભયાનક વેગથી અથડાયું.. પરંતુ એમા તે કંઇ કરી શકે તેમ નહોતો. તેની પાસે વિકલ્પો વિચારવાનો સમય પણ નહોતો. જેટલી ભયાનક ઝડપે તેણે જીપને શીલા પાછળ ઘુસાડી હતી એટલી જ ઝડપે તે ડ્રાઇવીંગ સીટની બાજુની સીટમાં કુદીને જીપની બહાર કુદયો....અને ભયાનક તેજીથી જીપની આડાશે ગોઠવાયો. “ બે.... એક.... ” ..... ખુદ પોતાના જ ધબકારા તેને સંભળાઇ રહયા હતા..... બે સેકન્ડોની ખામોશી અને...

“ ધડામ...ધુમ..... ધડામ.... ” એકસાથે કેટલાય ભયાવહ ધમાકાઓ વાતાવરણમાં પડઘાઇ ઉઠયા. એકાએક રાત્રે કોઇએ એકસાથે ઘણીબધી ઝળહળતી લાઇટો ચાલુ કરી દીધી હોય તેમ એ સમગ્ર વિસ્તાર ઉપર પ્રકાશનો એક તેજ-પુંજ છવાઇ ગયો. ધરતીમાં જાણે વિનાશક કંપન થયું હોય તેમ ધરા ધ્રુજી ઉઠી. એક પછી એક ભયાનક ધમાકાઓથી આખો પહાડી વિસ્તાર ખળભળી ઉઠયો. વાવાઝોડામાં જેમ ઘાસના તણખલા ઉડે તેમ કેમ્પ અને તેની આસ-પાસનો સમગ્ર વિસ્તાર હવામાં ઉચકાયો. એ ધમાકાઓ એટલા જબરદસ્ત હતા કે તેની ગુંજ માઇલોના માઇલો દુર સુધી પડધાઇ ઉઠી. બોમ્બ વિસ્ફોટોની અડફેટે ચડનાર તમામ ચીજ-વસ્તુઓ અને માનવીયોનું અસ્તીત્વ ક્ષણભરમાં નેસ્તો-નાબુદ થઇ ગયું. પુરી પાંચ મિનીટ સુધી એ ધમાકાઓનો સીલસીલો ચાલુ રહયો. એ બોમ્બ વિસ્ફોટોએ કેમ્પની એકે-એક ચીજને જાણે હવામાં ઉછાળી હતી, તેના ટૂકડે-ટૂકડા દુર સુધી વિખેર્યા હતા અને તેને સળગાવીને ભસ્મીભૂત કરી નાંખી હતી. આખો કેમ્પ હવામાં ઉંચકાયો હતો અને તહસ-નહસ થઇને ત્યાં વીખેરાયો હતો. સ્વપ્નેય કોઇ વિચારી ન શકે એવા ભયાવહ ધમાકાઓ થયા હતા અને એ ધમાકાઓની તુરંત બાદમાં આગનો એક વિશાળ ગોળો આકાશમાં ઉપર...ઉંચે ઉઠયો. કાળા..ઘેરા.. જંગી માત્રામાં ધુમાડાના ગોટે-ગોટ વાતાવરણમાં છવાયા. સમગ્ર આકાશને જાણે તેણે પોતાની આગોશમાં સમેટી લીધુ હોય એમ એ ધુમાડાનો વિશાળ જથ્થો પુરા વાતાવરણમાં ફેલાયો. રાત્રીનાં ઘનઘોર અંધારામાં એ વાદળોનાં લીધે અચાનક વધારો થઇ ચુકયો હતો અને એક ભયાવહ માહોલ રચાયો.

જે ક્ષણે ધમાકાઓ થયા હતા એ જ ક્ષણે તે જીપમાંથી બહાર કુદીને જીપનાં પડખે ભરાયો હતો. તેણે પોતાની આંખો બંધ કરીને બંને હાથની પહેલી આંગળીઓ કાનમાં સખ્તાઇથી ઠુંસી દીધી હતી. ધમાકાઓ એટલા જબરદસ્ત હતા કે જો તેણે એવું ન કર્યુ હોત તો તેના પોતાનાં જ કાનનાં પડદા ફાટી જાત. તેમ છતાં તે ધ્રુજી ઉઠયો હતો. તેના પગ નીચેની ધરતીમાં જે કંપન ઉઠયુ હતું એ એક નાનકડા ઝલઝલાંથી કમ તો નહોતું જ.... એ ધડાકાઓનો પ્રત્યાઘાતનો જુવાળ ચો-તરફ ફેલાયો અને એ વિસ્તારની તસુએ તસુ જમીનમાં હડકંપ મચી ગયો. તે જે શીલા પાછળ સંતાયો હતો એ શીલાને આગળની બાજુએથી કોઇએ જાણે પોતાના બન્ને હાથોથી પકડીને ઝુલાવી રહયુ હોય તેમ હલી ઉઠી. તેની જીપમાં અચાનક જીવ આવ્યો હોય એમ જીપ ભયાનક રીતે ધ્રુજી ઉઠી હતી જેનો થડકો તેણે ખુદ મહેસુસ કર્યો હતો. અને.... જે પરિસ્થિતીથી બચવા તે શીલાની પાછળ ભરાયો હતો એ પરિસ્થિતી તો ધમાકાઓ સમાપ્ત થયા બાદ... તેની બીજી કે ત્રીજી મીનીટે જ સર્જાણી હતી. શાંત તળાવનાં સ્થીર પાણીમાં અચાનક વજનદાર પથ્થર ફેંકવામાં આવે..અને “ ધુબાક... ” કરતો એ પથ્થર સ્થીર થઇ ગયેલા પાણીમાં બરાબર વચ્ચેના ભાગમાં પડે.. એ પછી પાણીમાં જે વજનદાર વમળો સર્જાય... એ વમળો જેવી રીતે તળાવનાં કિનારા તરફ ગતિ કરે, કંઇક એવા જ વમળો, આંદોલનો અહીં બોમ્બ ધડાકા બાદ ઉઠયા હતા. પરંતુ અહી એ વમળો પાણીનાં નહિ, બોમ્બ ધડાકાનાં કારણે આસપાસનાં હવામાનમાં ફેલાયેલા રેડિયો-એકટીવ કિરણોનાં હતાં. એ શક્તિશાળી બોમ્બ ફાટયા તેની બીજી જ ક્ષણે તેમાંથી ભયાનક ગરમી અને તેજકિરણોનો એક મોટો જથ્થો વાતાવરણમાં ફેલાયો અને પાણીમાં ઉઠતા ગોળાકાર વમળોની જેમ જ આસ-પાસનાં વાતાવરણમાં ફેલાયો હતો. એ ખતરનાક, શક્તિશાળી કિરણોની અડફેટે ચડનારી તમામ ચીજો એ જ ક્ષણે સળગીને નેસ્તોનાબુદ થઇ ગઇ.... કેમ્પ તો તબાહ થયો જ હતો પરંતુ એ સાથ-સાથે કેમ્પની આજુ-બાજુનો લગભગ એક કિલોમીટરની ત્રીજીયા જેટલો વિસ્તાર એ રેડિયો એકટીવ કિરણોનાં પ્રભાવમાં આવીને નષ્ટ થઇ ગયો.

તેણે જે ગતીએ જીપ ભગાવી હતી, અને જે તત્પરતાથી જીપને શીલા પાછળ વાળી હતી. તેના કારણે તે એ રેડિયો એકટીવ કિરણોના સંપર્કમાં આવતા બચ્યો હતો.

હજુ તેનું મીશન સંપૂર્ણપણે પુરુ નહોતું થયું. કેમ્પમાંથી જે મીની ટ્રક જેવું વાહન ( જે મીનીટ્રક જ હશે એવો તેણે અંદાજ લગાવ્યો હતો ) અને બાકીનાં નકસલવાદીઓ, કે જે કેમ્પમાં નહોતા, એ લોકો હજુ જીવીત હતા. જે તેના મીશન પ્રમાણે અત્યાર સુધીમાં ખતમ થઇ જવા જોઇતા હતાં. પરંતુ એવું થયું નહોતું. એ નકસલવાદીઓ હજુ સુધી જીવીત હતાં.

બરાબર વીસ મીનીટ બાદ તે જીપની આડાશેથી ઉભો થઇ બહાર આવ્યો અને કેમ્પની દિશામાં નજર કરતો ઉભો રહયો. તેણે પોતાનાં બંને હાથ કમર ઉપર ટેકવ્યા અને કંઇક સ્તબ્ધતાથી દુર સુધી ફેલાયેલા કાળા ધુમાડાને તાકી રહયો. ઘનઘોર રાતનો અંધકાર અને ઉપરથી તેમાં છવાયેલા ઘટાટોપ કાળા ધુમાડામાં તેને કેમ્પ વિસ્તારનો કોઇ ચોક્કસ ખ્યાલ નહોતો આવતો. તેમ છતા એ કેમ્પની જગ્યાથી ઠીક-ઠીક ઉપરવાસમાં ઉભો હતો એટલે કેમ્પના ભસ્મીભૂત થયેલા અવશેષોને નીહાળી શકતો હતો. કેમ્પ અને તેની આસપાસનાં વિસ્તારમાં ઠેક-ઠેકાણે આગ ભભૂકી રહી હતી તેમાં કેમ્પમાં બનાવેલા કોટજો, જનરેટર, જીપ, ટ્રક અને તમામ વસ્તુઓ સળગીને રાખ થઇ ચુકી હતી...પરંતુ હજુ તેનું કામ પુરુ થયું નહોતું. બે જ સેકન્ડમાં તે ત્યાંથી હટયો અને જીપની પ્રદક્ષીણા ફરી ડ્રાઇવરની બાજુની સીટથી અંદર ઘૂસ્યો. ડ્રાઇવર સીટ તરફનો ભાગ જંગી શીલા સાથે ઘસાઇને તેની સાથે ચીપકી ગયો હતો એટલે એ તરફથી તો તે જીપમાં દાખલ થઇ શકે તેમ નહોતો. જીપની અંદર ઘુસી તે ગીયર બોક્ષ કુદાવી ડ્રાઇવર સીટ પર બેઠો. કલચ પર પગ દબાવી ગીયર ન્યૂટ્રલ કર્યો. ઇગ્નીશનનાં વાયરો ભેગા કરી જીપ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. બે વાયરો ભેગા થતા જ સ્પાર્ક થયો અને એન્જીન ધમધમી ઉઠયું.... તે આશ્ચર્ય પામ્યો. તેને એમ હતું કે જીપ ચાલુ કરવામાં મથામણ કરવી પડશે પરંતુ એક કહ્યાગરા દીકરાની જેમ પ્રથમ ટ્રાયે જ જીપે હોંકારો દીધો હતો. તેણે ગાડી રીવર્સ ગીયરમાં નાંખી, કલચ છોડી અને લીવર આપ્યું. જીપના એન્જીનમાં જોરદાર ઘરઘરાટી થઇ અને પાછલા વ્હિલ ગોળ ફર્યા, ટાયર નીચેની ચીકણી જમીનમાંથી ટાયરોનાં ઘર્ષણનાં કારણે માટી હવામાં ઉછળી, જીપ થોડી પાછળની બાજુ ખેંચાઇ, શીલા સાથેનું તેનું આલીંગન છુટયુ અને ફરી પાછી તે ઉબડ-ખાબડ રસ્તા પર આવી. જીપનો પાછલો ભાગ કેમ્પ તરફ ફર્યો... રીવર્સ ગીયરને પહેલામાં તબદીલ કરી તેણે જીપ ભગાવી.

તેણે અનુમાન લગાવ્યું હતું કે આ સાંકડી નેળ જેવા રસ્તે થઇને જ એ મીની ટ્રક કોઇક જગ્યાએ ગઇ હશે, કારણકે એ સિવાય આજુ-બાજુના વિસ્તારમાં કયાંય કોઇ બીજો રસ્તો નહોતો. તેનું એ અનુમાન એકદમ બરાબર હતું તેની સાબિતી તેને થોડીવારમાં જ થવાની હતી. એ શીલાથી થોડે આગળ વધતા રસ્તો બે પહાડોની દર્રા વચ્ચે થોડો ઉપરવાસમાં, ઉંચે જતો હતો. ફુલ પ્રેશરથી તેણે પગ એક્સિલેટર ઉપર દબાવ્યો અને જીપને થોડી ત્રાંસમાં, તેના જમણા હાથ બાજુની પહાડીના ઉપરવાસ તરફ દોડાવી. દસ જ મીનીટમાં તે પહાડીની, એ તરફની નાનકડી ટોચ જેવી સમથળ જગ્યાએ આવી પહોંચ્યો.. અહીથી આ પહાડીનો બીજી તરફનો ઢોળાવ શરૂ થતો હતો. તે જીપમાંથી નીચે ઉતર્યો. નાનું, લંબગોળ ડબ્બા જેવું નાઇટવિઝન શક્તિશાળી બાયનોકયુલર બહાર કાઢી તેણે, સામે પહાડીનાં ઢોળાવ અને ત્યાંથી દુર સુધી પથરાયેલા જંગલ વિસ્તારનો બારીકાઇથી જાયજો લીધો. લગભગ ત્રણ મીનીટ સુધી બાયનોકયુલર તેની આંખે રહયું.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.