Aandhi - 3 books and stories free download online pdf in Gujarati

આંધી-3

આંધી-૩

લગભગ પીસ્તાલીસ મીનીટ પછી તે એક વિશાળ ઝાડનાં થડ પાછળ અટકયો. પાંચેક મીનીટ સુધી તેણે ત્યાં ઉભા રહીને પોતાના ઝડપથી ચાલી રહેલા શ્વાસોશ્વાસને ઠીક કર્યા...એકાદ મીનીટ આંખો બંધ કરી....તે ઝડપથી દોડયો હતો અને જે સમયમાં તેણે અંતર કાપ્યું હતું એટલા સમયમાં કોઇ સામાન્ય માણસનું તો હ્રદય ફાટી પડે....પણ તે કોઇ સામાન્ય માનવી નહોતો. આવા કામ માટે જ તો તેને ઘડવામાં આવ્યો હતો. લોખંડી તાલીમ હેઠળ તે તૈયાર થયો હતો. તેનું શરીર, શરીર નહી લોઢુ બની ચૂકયુ હતું. શરીર જેટલુ સખ્ત અને મજબુત હતું, દિમાગ એટલુ જ તેજ અને શાતીર વિચારી શકતું.

એ વિશાળ ઝાડનાં મસમોટા થડ પાસે અટકીને તેણે તૈયારીઓ આરંભી....તેનું ટાર્ગેટ અહીથી વધુ દુર નહોતું. પીઠ પાછળથી થેલો ઉતારીને નીચે જમીન પર મુકયો. ડાબા હાથ ઉપર થોડીવાર પહેલા જ ફીટ કરેલુ મોબાઇલ ફોન જેવું “ ટ્રેકર ” યંત્ર ફરી ચાલુ કર્યું. સ્ક્રીન ચાલુ થઇ આટલે તરત એક બીંદુ ઉપર આંગળી દબાવી...એ બીંદુ કોઇ ચાક્કસ વિસ્તારની માહિતી દર્શાવતું હતું. તે ઝુમ થયું...અને ધ્યાનથી એ “ ઝુમ ” થયેલા વિસ્તારને નીરખી રહયો. ફરી પાછુ “ ઝુમ ” કર્યુ અને સ્ક્રીન ઉપર દેખાતા નક્શાના એક-એક એંગલને પોતાના કોમ્પ્યુટર જેવા દિમાગમાં ફીટ કર્યો. સ્ક્રીન ઉપરના નક્શાને આગળ-પાછળ સરકાવીને તેની ઇંચે-ઇંચ જગ્યાનો જાયજો લીધો. સ્ક્રીન ઉપર ઝબુકી રહેલી જગ્યા જ તેનો ટાર્ગેટ એરિયા હતો એટલે તેનું ગંભીરતાથી અધ્યયન કરવું તેના માટે જરૂરી હતું. ફટાફટ તેણે એ સમગ્ર વિસ્તારને પોતાની તીક્ષ્ણ દ્રષ્ટીમાં આવરી, જહેનમાં ઉતારી લીધો અને “ ટ્રેકર ” યંત્રને બંધ કર્યુ. એ જ્યાં ઉભો હતો તેનાથી બસ્સો કદમ દુર એ વિસ્તારનું લોકેશન યંત્રે દર્શાવ્યુ હતું. એ ટ્રેકર યંત્રની કનેકટીવીટી ઉપર વિશાળ આકાશમાં તરતા મુકાયેલા એક શક્તિશાળી ઉપગ્રહ સાથે જોડાયેલી હતી. તે એક જાસૂસી ઉપગ્રહ હતો જે નીચે ધરતી પરની તમામ હિલચાલો ઉપર બાજ નજરે ધ્યાન રાખીને તેની માહિતી પહોંચાડી રહયો હતો.

પણ આ વ્યક્તિ કોણ હતો....? તે શા માટે અહી હતો....? તેનું નામ શું હતું..? આ ભયાનક જંગલ વિસ્તારમાં તે શું કરી રહયો હતો...? તે કયા મીશન ઉપર નીકળ્યો હતો....? તે કેમ એકલો હતો....? તેને કઇ જગ્યાની તલાશ હતી...? તે શું કરવા માંગતો હતો....? તેની પાસે અત્યાધુનીક સાધનો કયાંથી આવ્યા...? આ તમામ સવાલોનાં જવાબ કોઇની પાસે નહોતાં....ફક્ત તે પોતે જ જાણતો હતો કે તે કોણ છે અને કયા મીશન પર કામ કરી રહયો છે.

તેણે ઝડપથી થેલો ખોલ્યો અને તેમાંથી એક શક્તિશાળી બાયનોક્યુલર કાઢી ગળામાં કોઇ માદળીયાની જેમ પહેર્યું. પછી ટાવોર એસોલ્ટ રાઇફલ ( ઇઝરાઇલ) કાઢી તેનો પટ્ટો જમણા ખભે ભરાવ્યો. થેલાની ઝીપ બંધ કરી, પીઠ પાછળ લટકાવી તે ઉભો થયો. કમરેથી નીચા નમીને બંને હાથ તેના બંને પગની પીંડીઓ ઉપર પસવાર્યા. બંને પગની પીંડીઓ ઉપર ચામડાના બેલ્ટ બાંધેલા હતાં. જેમાં હથેળીમાં સમાય જાય તેવી નાનકડી જર્મન બનાવટની ગનો ખોસેલી હતી એ ચેક કર્યું. ઉભા થઇ કમર પર લટકતા રેમ્બો છરાની ધાર પર આંગળી ફેરવી ચેક કરી. છાતી ઉપર પહેરેલા બખ્તરને ઠીક કર્યુ. તેના ઉપર જનોઇની જેમ આડા પહેરેલા ચામડાના પટ્ટામાં ખોસેલી તીક્ષ્ણ ધારવાળી ચાકુઓના સેટને એક નજરમાં આવરી લઇ, ઝાડના થડ પાછળથી બહાર નીકળી તે તેના ટાર્ગેટ વિસ્તાર તરફ ઝડપથી દોડયો....એક-એક સેકન્ડ તેના માટે કિંમતી હતી....તેનું મીશન સેકન્ડે-સેકન્ડની પરફેક્ટ ગણતરી પ્રમાણે ચાલી રહયુ હતુ. જો તેમાં સહેજે ચૂક થાય તો કદાચ તેની બધી મહેનત વ્યર્થ જાય અને તેની જાન પર આવી બને. જો કે મૃત્યુનો ડર તેને બિલકુલ નહોતો. મોતને તે હથેળીમાં રમાડતો. આ પહેલા પણ તે બે વખત મૃત્યુને હાથતાળી દઇને પાછો ફર્યો હતો. તેના દિમાગમાં હંમેશા એક જ ઝનૂન છવાયેલુ રહેતુ....અને એ ઝનૂન જીતનું હતું. નિષ્ફળતા તેણે કયારેય જોઇ જ નહોતી. એમ સમજોને કે નિષ્ફળ જવા માટે તેનું સર્જન થયુ જ નહોતું. અને તેની ઝડપ, તેની કામ કરવાની પધ્ધતી એટલી ભયાનક અને જબરદસ્ત હતી કે તે ગમે તેવા અઘરા મીશનને તે મીનીટોમાં ખતમ કરી શકતો.

લગભગ પચાસ કદમ નાકની દિશામાં સીધા દોડીને તે અટકયો. અહીથી દસ કદમ દુર નીચેની તરફ પહાડીનો ઢોળાવ શરૂ થતો હતો. એ ઢોળાવ તેણે સ્ક્રીન ઉપર જોયો હતો અને એટલે જ તે અટકયો હતો. ચારે તરફ ફેલાયેલા ગાઢ અંધકારમાં એકદમ નીરવ શાંતી પથરાયેલી હતી. સામાન્યતઃ જંગલમાં ઉઠતા પશુ-પંખીઓના ભયાવહ અવાજો સીવાય બીજા કોઇ અવાજો તેના કાને પડતા નહોતા. અરે...તે એટલો ચૂપકીદી અને સાવધાનીથી દોડયો હતો કે ખુદ તેનાં પોતાના પગલાનો અવાજ પણ તેને સંભળાયો નહોતો...તે તેના ટાર્ગેટની એકદમ નજીક હતો. તેની આંખો સામે, ઢોળાવની નીચે તળેટીની દિશામાં તકાયેલી હતી. ઢોળાવ બાળકોને રમવાની લસરપટ્ટીની જેવો ૪૫ અંશનાં કોણમાં, સામાન્ય રીતે પહાડોને હોય એવો હતો. તે જે જગ્યાએ ઉભો હતો ત્યાંથી છેક ઢોળાવનાં આખરી છોર સુધીની જગ્યાને જાણે કોઇકે બરાબર વ્યવસ્થિત કાપકૂપ કરીને સમથળ બનાવી હોય એવું લાગતું હતુ. તેણે ગળામાં લટકાવેલુ નાઇટવીઝન બાયનોકયુલર હાથમાં લઇ આંખો ઉપર મુકયુ....આછા ગ્રીન પ્રકાશની રોશનીમાં આગળ દેખાઇ રહેલો તળેટી વિસ્તાર કવર થયો. નાઇટવીઝન બાયનોકયુલરના શક્તિશાળી કાચ એ વિસ્તારની ઇંચે-ઇંચ જગ્યાને માપી રહયા.

નીચે તળેટીમાં એક કેમ્પ નંખાયેલો હતો. દુરથી કોઇ જુએ તો એમ જ સમજે કે જંગલ વિસ્તારમાં આદિવાસી પ્રજાએ વસાવેલુ નાનકડા કસ્બા જેવું કોઇ ગામ હશે. પરંતુ એ કોઇ કસબો કે કબીલો નહોતો... એ એક નક્સલાઇટ કેમ્પ હતો, “ આસામ ફ્રીડમ ” ના નામે ચલાવાતા એક આતંકવાદી જુથનો ટ્રેનીંગ કેમ્પ હતો, જ્યાં આસામના વિવિધ આંતરીયાળ વિસ્તારોમાં વસતા દારૂણ ગરીબીમાં જીવતા લોકોની, બાળકો, યુવાનોની બુધ્ધીને વ્હાઇટવોશ કે અપભ્રંશ કરીને ખૂંખાર આતંકવાદી બનવાની ટ્રેનીંગ અપાતી હતી. “ આસામ ની આઝાદી ” ના નામે ચલાવાતી નક્સલાઇટ પ્રવૃતિઓનો મેઇન મકસદ તો કંઇક અલગ જ હતો. એ લોકો લૂંટ કરતા, ધાડ પાડતા, બર્બરતાપૂર્વક હત્યાઓનો સીલસીલો આચરતા. ટ્રેનો, સરકારી તીજોરીઓ લૂંટતા. સ્વાતંત્રતા ચળવળના નામે તેના રસ્તામાં આવનારા રાજકારણીઓ અને પોલીસ અધીકારીઓની ક્રુર રીતે હત્યાઓ કરી નાંખતા.

એ કેમ્પમાં અત્યારે નિરવ સ્તબ્ધતા અને સુનકાર વ્યાપેલો હતો. દોઢેક એકરમાં પથરાયેલા કેમ્પને કાંટાળી વનસ્પતિઓના જાડા ડાળખાઓથી ફેન્સીગ જેવી વાડ બનાવીને કવર્ડ (રક્ષીત) કરવામાં આવ્યો હતો. એ વાડની અંદર છૂટા-છવાયા લગભગ વીસથી બાવીસ ઝુંપડા જેવા ઘરો બનાવેલા હતાં. તે એક પ્રકારના ઝુંપડા જ હતાં જેની દિવાલો અને છત જંગલી સુકા ઘાસથી બનાવેલી હતી. અત્યારે એ ઝુંપડાઓમાં ભારે શાંતી પથરાયેલી હતી. કોઇક જગ્યાએ સળગાવાયેલા ફાયર કેમ્પમાંથી સફેદ ધુમાડાની સેર નીકળી આકાશમાં ફેલાઇ રહી હતી. બે-ત્રણ જગ્યાએ તાપણા સળગતા હતાં. ત્રણેક ઝુંપડા જેવી કોટેજોની અંદર બલ્બ સળગતા હતા જેનું ઝાંખુ અજવાળુ ઘાસની દિવાલોને વીંધીને કોટેજની આસપાસમાં રેલાઇ રહયું હતું. કેમ્પની પાછળની તરફ ખુલ્લી જગ્યામાં ચાર બાંબુ ખૂપાડીને એક માંચડા જેવું બનાવાયુ હતું જેની નીચે એક જંગી ડિઝલ જનરેટર મુકવામાં આવ્યુ હતું. કોટેજોની અંદર સળગતા વીજળીના ગોળાનું કનેકશન એ જનરેટરમાં આપવામાં આવ્યુ હશે.....તે જે જગ્યાએ ઉભો હતો તેની બરાબર સામેની દિશામાંથી એ દરવાજાને પાર કરીને કેમ્પમાં દાખલ થવાનું હતું. તેમાં જબરદસ્ત જોખમ હતું, પરંતુ તે જે કામ કરવા માંગતો હતો એ કેમ્પમાં દાખલ થયા વગર...રીસ્ક લીધા વગર કરવું અશક્ય હતું. અત્યારે જે રીતની નિરવતા અને શાંતી કેમ્પમાં પથરાયેલી હતી એ માત્ર એક ભ્રમ હતો અને તે એ વાત સારી રીતે સમજતો હતો.

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુકઃ- Praveen Pithadiya.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED