આજે વસંતભાઇ અને સ્મિતાબેનના લગ્નની ૨૫મી વર્ષગાંઠ હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી બંને સપનાઓ જોઇ રહ્યા હતા. એકબીજાને સરપ્રાઇઝ આપીને ખુશ કરવાની, મહેમાનોને બોલાવવા, ફરીવાર લગ્ન કરવા અને રાત્રે ફરી એ જ મીઠી મધુરજનીની રાત....બધુ જ અધુરુ રહી ગયુ. સૌથી મોટી સરપ્રાઇઝ તો ઉત્સવીએ જ બંનેને આપી હતી.
સવારના ૯ વાગ્યા હતા. બંને ચા પી રહ્યા હતા. હજુ સુધી બેમાથી એકેય “હેપ્પી મેરેજ એનિવર્સરી” પણ નહોતુ કહ્યુ. ઉત્સવી ક્યારે પાછી આવે, એ જ તલપ બંનેને હતી. અત્યાર સુધી દરરોજ સો વાર તેઓ બંને ઉત્સવીને ફોન કરતા હતા, જે સ્વીચ ઓફ આવતો હતો. સવારથી જ સગા-સંબંધીઓ અને મિત્રોના ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા.
વસંતભાઇ પ્રાઇવેટ કંપનીમા મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ત્યાથી ૧૫ દિવસની રજા લઇ લીધી હતી. સ્મિતાબેન તેમના કરતા પણ વધારે દુખી હતા. જો તેઓ નોકરી જતા રહે, તો પાછળથી સ્મિતાબેન એકલા પડી જાય અને હજારો વિચારોના વમળમા ક્યાય ખોવાઇ જાય અને ફરી દુખ તેમને ઘેરી વળે, આમ વસંતભાઇ નહોતા ઇચ્છતા. ચોવીસે કલાક તેઓ સ્મિતાબેનનુ ધ્યાન રાખતા. પ્રેમ આપતા, હુંફ આપતા. જેથી તેઓ આ દુખમાથી બહાર નિકળી શકે. સ્મિતાબેનની સામે તેઓ હસવાનો નાટક કરતા અને ખુદ એકાંતમા રડી લેતા.
સાંજના ૭ વાગ્યા હતા. સ્મિતાબેન બેડરૂમમા જ હતા. પલંગ ઉપર દિવાલની પાસે માથુ ટેકવીને બેસેલા હતા. વસંતભાઇ રૂમમા પ્રવેશ્યા.
“હેપ્પી મેરેજ એનિવર્સરી માય સ્વીટ હાર્ટ. મારા જીવનના દરેક ક્ષણને આ ૨૫ વર્ષમા ખુબ જ સુંદર બનાવવા બદલ ખુબ આભાર.” વસંતભાઇએ સ્મિતાબેનના કપાળે ચુંબન કર્યુ.
સ્મિતાબેન પણ તેમને વળગી પડ્યા, “હેપ્પી મેરેજ એનિવર્સરી....”
વસંતભાઇએ જ આખરે વિશ કરવાની શરૂઆત કરી. કદાચ સ્મિતાબેનનુ ધ્યાન થોડીવાર માટે પણ દુખમાથી હટી જાય. આ જ કારણે તેમણે વિશ કર્યુ. નહિતર આજનો દિવસ ખાસ હોવા છતા તેમના બંને માટે ખાસ નહોતો. થોડી વાર બંનેમાથી કોઇ કઇ જ ના બોલ્યુ. માત્ર એકબીજાની બાહોમા સમાયેલા રહ્યા. ત્યા જ ડોરબેલ વાગી. વસંતભાઇએ જઇને બારણુ ખોલ્યુ. સામે દિવ્યા મોટુ ગિફટ બોક્સ લઇને ઉભી હતી.
“હેપ્પી મેરેજ એનિવર્સરી અંકલ....” દિવ્યા ડાઇનિંગ રૂમમા પ્રવેશતા બોલી.
“થેંકયુ બેટા.” વસંતભાઇએ નિરસ સ્મિત કર્યુ.
“અંકલ આંટી ક્યા છે?” દિવ્યાએ પુછ્યુ.
“ઉપરના રૂમમા.” વસંતભાઇએ કહ્યુ.
દિવ્યા તરત જ સીડી ચડીને ઉપર પહોચી ગઇ.
“હેપ્પી મેરેજ એનિવર્સરી આંટી.” સ્મિતાબેનને ગળે લગાવીને ઉમળકાભેર દિવ્યા બોલી. સાથે જ લાવેલી ગિફ્ટ પણ આપી.
“સોરી આજે મારી એકઝામ હતી, નહી તો સવારે જ આવી જાત.” દિવ્યાએ કહ્યુ.
“થેંક્સ....” સ્મિતાબેને કહ્યુ.
“અને અંકલ આજનો પ્રોગ્રામ શુ છે? આંટીને ક્યાક લઇ ગયા કે નહી?” દિવ્યાએ પુછ્યુ.
“નહી બેટા મન નથી.” સ્મિતાબેને કહ્યુ.
“નહી...નહી....એવુ બિલકુલ નહી ચાલે....ચલો બંને તૈયાર થઇ જાઓ. હુ તમને બંનેને મસ્ત રેસ્ટોરેન્ટમા લઇ જાઉ છુ. થોડી ઘણી પાર્ટી કરીશુ યાર.” દિવ્યા વાતાવરણને હળવુ કરવાના હેતુથી બોલી. એક આદર્શ યુગલ જેમની આજે લગ્નની વર્ષગાંઠ હતી, તેની ઉજવણી કરાવીને દિવ્યા બંનેને ખુશ કરવા માંગતી હતી.
“નહી બેટા પ્લીઝ રહેવા દે ને.” વસંતભાઇએ કહ્યુ.
“તમે બંને એમ નહી માનો, જો આજે તમે મારી સાથે ન આવો તો હુ આજે બિલ્કુલ નહી જમુ અને મને સહેજ પણ ભુખ સહન નથી થતી, મને ચક્કર આવવા લાગે છે. મારી તબિયત બગડશે તો તમે બંને જવાબદાર, ઠિક છે ને.” દિવ્યાએ જિદ્દ પકડી. અંતે હારીને બંને એની સાથે જવા તૈયાર થયા.
દિવ્યાએ કબાટમાથી વસંતભાઇનો સુટ નિકાળ્યો અને સ્મિતાબેનની લાલ રંગની બાંધણીવાળી સાડી નિકાળી, જેમા બંને હંમેશા સુંદર લાગતા હતા. મન ના હોવા છતા બંનેએ કપડા બદલ્યા. ત્રણેય કારમા ગાર્ડન રેસ્ટોરેન્ટમા જવા નિકળ્યા. કાર દિવ્યાએ ચલાવી અને પાછળની સીટે વસંતભાઇ અને સ્મિતાબેન બેઠા. વસંતભાઇએ એમની પ્રિયતમાનો હાથ પોતાના હાથમા પરોવીને રાખ્યો હતો. તેઓ બસ તેમને જ જોઇ રહ્યા હતા, જ્યારે દુખી અને વ્યથિત થયેલા સ્મિતાબેન બારીની બહાર રસ્તાઓ પર થતી ચહલ-પહલ નિહાળી રહ્યા હતા.
***
દિવ્યાએ કારને પાર્કિંગ પ્લોટમા ઉભી રાખી ત્યારે બંનેની વિચારતંદ્રાઓ તુટી. ત્રણેય કારની બહાર નિકળ્યા. રેસ્ટોરેન્ટમા વધારે ભીડ નહોતી. દિવ્યાએ એક ખુણાનુ ટેબલ પસંદ કર્યુ. ત્રણેય ખુરશી પર ગોઠવાયા. વેઇટર આવ્યો અને દિવ્યાએ જ ઓર્ડર આપ્યો. એ ઘણી વાર ઉત્સવીના પરિવાર સાથે રેસ્ટોરેન્ટમા આવતી, એટલે એમની પસંદનો ખ્યાલ એને હતો. વસંતભાઇને સ્પાઇસી ડિસ ખુબ ભાવતી, જ્યારે સ્મિતાબેનને સ્વીટ ડિસ. એમની પસંદનો ખ્યાલ દિવ્યાએ રાખીને એ મુજબ જ ઓર્ડર આપ્યો હતો.
બંનેના ચહેરા ઉદાસ હતા, એ દિવ્યા જોઇ શકતી હતી. શક્ય એટલી હળવાશભરી અને રમુજી વાતો દિવ્યા બંનેની સાથે કરતી હતી, જેથી બંને આજના દિવસને માણી શકે. રેસ્ટોરેન્ટમા વસંતભાઇનુ જુના જમાનાનુ મનપસંદ ગીત વાગી રહ્યુ હતુ. “પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો....”
“અંકલ આજે તમારા લગ્નને ૨૫ વર્ષ પુર્ણ થયા છે તો આ સુનેહરા અવસર પર તમે આંટીને રોમેન્ટિક અંદાઝમા કઇક કહેવા નહી માંગો?” દિવ્યાએ પુછ્યુ.
વસંતભાઇ ચુપ જ રહ્યા.
“અંકલ પ્લીઝ, આ અવસર ફરી નહી મળે, મહેરબાની કરીને આજે તમે બંને તમારા બધા દુખોને ભુલી જાઓ અને આજના આ સુખમયી દિવસને માણો, જીવો.… એકબીજા સાથે....” દિવ્યાએ દરેક શબ્દ પર ભાર મુક્યો. વસંતભાઇએ થોડુ વિચારીને સ્મિતાબેનનો હાથ પકડ્યો.
“તારાથી પહેલા મારા જીવનમા કઇ જ ખાસ નહોતુ,
તુ આવી ને જિંદગી નામના ફુલમા મીઠી સુગંધ ભળી ગઇ,
હુ તો એક સાધારણ વસ્તુ હતો,
તુ મને અડી ને હુ સોનુ બની ગયો,
હુ હસ્યો ત્યારે તુ હસી, હુ રડ્યો ત્યારે તુ પણ રડી,
મારા સુખને તારા પ્રેમથી વધારે સુખમયી બનાવ્યુ,
મારા દુખને તારા પ્રેમથી ખુશીમા ફેરવી દીધુ,
જીવનના દરેક મોડ પર મારી સાથે હાથમા હાથ પરોવીને રહી,
મે ઇશ્વરને ક્યારેય નથી જોયા,
પણ જો કોઇ મને પુછે તો હુ કહીશ,
મે આજ દિન સુધી ઇશ્વરના બે રૂપ જોયા છે,
એક મારી મા ને બીજી તુ....”
વસંતભાઇ આટલુ બોલતા ગળગળા થઇ ગયા. સ્મિતાબેન તેમની બાજુમા બેસેલા વસંતભાઇને ભેટી પડ્યા. તેમણે વસંતભાઇની પીઠ પર એટલા કસીને હાથ પરોવ્યા હતા કે આજે એમનાથી અળગા થવાની તેમની કોઇ ઇચ્છા નહોતી. બંનેની આંખોમાથી અશ્રુ વહી રહ્યા હતા. થોડી વાર બાદ બંને ફરી ખુરશી પર ગોઠવાયા. દિવ્યાએ આ દ્રશ્યને મોબાઇલના કેમેરામા કેદ કરી લીધુ, સાથે તાળીઓથી બંનેના પ્રેમને વધાવી લીધો. આસપાસના લોકો પણ આ દ્રશ્ય થોડી વાર માટે જોઇ રહ્યા.
વેઇટર ઓર્ડર મુજબ જમવાનુ લઇ આવ્યો. ત્રણેય એ જમવાનુ શરૂ કર્યુ.
“પનીર પસંદા, ઉત્સવીની ફેવરિટ ડિસ, ના જાણે મારી દિકરી શુ કરતી હશે, જમી પણ હશે કે નહી?” આટલુ વિચારતાની સાથે સ્મિતાબેન ફરી રડી પડ્યા. વસંતભાઇએ તેમને ફરી ગળે લગાડીને સાંત્વના આપી અને પાણી આપ્યુ. ત્રણેય જમ્યા બાદ ઘરે જવા રવાના થયા.
***
પંદર દિવસ બાદ....
સ્મિતાબેન સોસાયટીમા આવેલી લીલાબેન પાસેથી શાકભાજી ખરીદી રહ્યા હતા. તેમનો ઉદાસ ચહેરો જ ચાડી ખાતુ હતુ કે તેમની સાથે કઇક ઘટીત થયુ છે. તેમની આસપાસ રહેનારી ત્રણ-ચાર મહિલાઓ પણ શાકભાજી ખરીદવા આવી પહોચી.
“અરે સ્મિતાબેન ઉત્સવી નથી દેખાતી આજકલ, ક્યાક બહાર ફરવા ગઇ છે કે શુ?” કલ્પનાબેને જાણે સ્મિતાબેનને ઝખ્મ આપ્યો.
“ના...ના...એ ઘરે જ છે.” સ્મિતાબેને કહ્યુ.
“હે...પણ, અમે તો નથી જોઇ?” કલ્પનાબેને પુછ્યુ.
“તબિયત સારી નથી અને વાંચે પણ છે, પરીક્ષા પણ આવવાની છે ને .” સ્મિતાબેને કહ્યુ.
“એટલુ બધુ પણ શુ વાંચવાનુ કે ઘરની બહાર નિકળવાનો પણ સમય ના મળે?” નિશાબેને પુછ્યુ. સ્મિતાબેન બનાવટી હસ્યા.
કલ્પનાબેન કટાક્ષમા હસ્યા, “રહેવા દો હવે સ્મિતાબેન, ફેસબુક પર ઉત્સવીએ અપલોડ કરેલા મેરેજના ફોટાઓ મે જોઇ લીધા છે, અત્યારે લંડનમા છે ને? લવ મેરેજ કરી લીધા ને ઉત્સવીબેને.”
સાંભળતા જ સ્મિતાબેનને મોટો ધ્રાસ્કો પડ્યો. કઇ પણ બોલ્યા વિના શાકભાજીને પડતી મુકીને સીધા ઘરમા જતા રહ્યા. આંખોમા આંસુની સાથે દિલમા અસહનિય પીડાઓ હતી. ઘરમા દાખલ થતા જ સ્મિતાબેન વસંતભાઇને વળગી પડ્યા.
“અરે શુ થયુ, રડે કેમ છે?” વસંતભાઇએ પુછ્યુ.
“હવે તો ઉત્સવી વિશે આસપાસ પણ ખબર પડી ગઇ.” સ્મિતાબેને કહ્યુ.
“હમમ...સારુ થયુ, આજ નહિ તો કાલ, ખબર તો પડવાની જ હતી ને?” વસંતભાઇએ તેમના વાળમા હાથ ફેરવીને હુંફ આપી.
“આપણી આબરૂ...” સ્મિતાબેન આગળ બોલવા જાય એ પહેલા જ વસંતભાઇએ અટકાવી.
“અરે સ્મિતા, સમાજમા આપણો આ કાંઇ પહેલો બનાવ બન્યો છે? ન જાણે દુનિયામા આવા કેટલાય બનાવો દરરોજ બનતા હશે, દરરોજ કેટલાય મા-બાપની આત્મા રૂબાતી હશે, બળતી હશે, આજકાલના યુવાનોના વિચારો આપણા કરતા અલગ છે, ઉમરના આ તબકકામા જ્યારે આપણાને તેમની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ આપણાને છોડી દે છે, ખેર એ બધુ ભુલીને હવે આપણે દુખમાથી બહાર આવવુ પડશે, ઉત્સવી થોડાક દિવસોમા આવી જશે, તુ ચિંતા ન કર, પછી એને મળી લેજે બસ.” વસંતભાઇએ સમજાવતા કહ્યુ.
“હવે આપણે શુ કરીશુ?” સ્મિતાબેને કહ્યુ. વસંતભાઇ પાસે કોઇ જવાબ નહતો.
“તમે મને દુખમાથી બહાર લાવવા આ બધુ કહો છો, પણ અંદરથી તમે પણ તુટી ગયા છો, એકલામા જઇને રડી લો છો, તો તમને શુ લાગે છે, મને ખબર નહિ પડતી હોય?” સ્મિતાબેને કહ્યુ. સાંભળીને વસંતભાઇ ગળગળા થઇ ગયા. આંખોના કિનારા ભીના થઇ ગયા. સ્મિતાબેને તેમના આંસુ લુછ્યા. આ દુખના સમયમા બંને એકબીજાના ભાગીદાર બનીને આ દુખને મટાવવાની હવે કોશિષ કરવા માંગતા હતા.
***
બે મહિના વ્યતિત થઇ ગયા હોવા છતા વસંતભાઇને ઉત્સવીની કોઇ ભાળ નહોતી મળી. ઉત્સવીના ગયાના ૧૫ દિવસ બાદ તેઓ વિરાજના પિતા ધર્મેંદ્રભાઇને મળી આવ્યા હતા. તેમની વાતોથી એવુ લાગતુ હતુ કે તેઓ જાણે છે પરંતુ બતાવવા નથી માંગતા. આમ કરીને તેઓ બદલો લેવા માંગતા હતા. વસંતભાઇ અને તેમની પત્નીને તડપાવવાનો આ મોકો તેઓ ગુમાવવા નહોતા માંગતા. બંને પતિ-પત્ની દરરોજ, દર કલાક, દરેક ક્ષણે ઉત્સવી ક્યારે આવે એવી રાહ જોતા હતા. ઉત્સવીએ ફેસબુક પર અપલોડ કરેલા ફોટા તેમના નિકટના સંબંધી અને મિત્રોએ પણ જોઇ લીધા હતા. આખરે સત્ય બધાને કહેવુ પડ્યુ. ઘણા લોકો તેમની હાંસી ઉડાવતા કે મહેંણા મારતા, પણ તેમને કોઇ મો પર નહોતુ કહેતુ, તેની જગ્યાએ બીજી-ત્રીજી વ્યકિતઓ પાસેથી સાંભળવા મળતા હતા. બંને શાંતિ રાખીને આ દુખમયી દિવસો પસાર કરી રહ્યા હતા. આટલા મહિનાઓ પસાર થયા હોવા છતા, ઉત્સવીએ એક વાર પણ તેમની સાથે સંપર્ક નહોતો સાધ્યો એ એક નવાઇની વાત હતી.
***
એક સંબંધીના લગ્નમા વસંતભાઇ અને સ્મિતાબેન હાજરી પુરાવા ગયા. કંપનીમાથી ઘરે આવતા વસંતભાઇને આઠ વાગી ગયા, ત્યાર બાદ તૈયાર થઇને લગ્નસ્થળે પહોચતા નવ વાગી ગયા હતા. સુંદર સજાવેલુ મંડપ, મહેમાનોની ચહલપહલ, લગ્નની ચોરીમા બેસેલા વર-વધુ, જગમગતી રોશની અને લગ્નના વાતાવરણને વધુ મહેકાવે એવુ મનમોહક હળવેકથી વાગી રહેલુ સંગીત. બંને પતિ-પત્ની આ દ્ર્શ્ય જોઇને ભાવુક થઇ ગયા. ઉત્સવીના લગ્ન માટે જોયેલા તમામ સપનાઓ તેમને અહી આબેહુબ દેખાઇ રહ્યા હતા.
કન્યાદાનના વિધીની શરૂઆત થઇ. એ દ્રશ્ય જોવુ, એટલે જાણે વસંતભાઇ અને સ્મિતાબેનના દિલમા એક સાથે સો કાંટાઓ ખુંચી ગયા હોય. વસંતભાઇ અને સ્મિતાબેન ત્યા વધુ ન રોકાઇ શક્યા અને ત્યાથી નિકળી ગયા ત્યારે રાત્રીના અગિયાર વાગ્યા હતા. પાર્ટી પ્લોટની બહાર આવેલ રસ્તાના ફુટપાથ પર વસંતભાઇ અને સ્મિતાબેન બેસેલા હતા. સ્મિતાબેને એમનો ચહેરો વસંતભાઇના ખભે મુકેલો હતો અને હાથોમા હાથ પરોવેલા હતા.
“આપણા પણ કેટલા બધા સપનાઓ હતા, નહિ? ઉત્સવીના લગ્ન ખુબ ધામધુમથી કરવા હતા ને?” સ્મિતાબેને કહ્યુ.
“હમમમ....” વસંતભાઇએ કહ્યુ.
“હવેથી આપણે ક્યારેય કોઇના લગ્નમા નહી જઇએ, નવપરિણિત વર-વધુને આશિર્વાદ આપવાને બદલે ક્યાંક મનમા રહેલા દુખથી તેમને નજર ન લાગી જાય.” સ્મિતાબેને કહ્યુ.
“હમમમ....” વસંતભાઇએ કહ્યુ.
સ્મિતાબેનની નજર રસ્તા પર હતી. વાહનોની હેડલાઇટથી થતી રોશની વારંવાર તે બંનેના ચહેરા પર પડતી હતી. બંને દુખને ભુલાવવાની કોશિષ ધીમે ધીમે કરી રહ્યા હતા, પરંતુ અહી લગ્નમા આવીને વર્ષોથી સજાવેલા સપનાઓ એ દંપતીની આંખોમા આબેહુબ તરવરી ઉઠયા હતા. હ્રદયમા અસહનિય પીડાઓ થઇ રહી હતી.
“તમે કઇ બોલતા કેમ નથી?” સ્મિતાબેને ચહેરો વસંતભાઇના ખભેથી હટાવીને તેમના ચહેરા સામે જોયુ.
વસંતભાઇની આંખો બંધ હતી. અસંખ્ય અશ્રુધારાઓ તેમની આંખોમાથી વહી રહી હતી. હવે ધીમે ધીમે તેમનુ શરીર ધ્રુજી રહ્યુ હતુ. તેઓ જમીન પર ઢળી પડ્યા. તેમણે બંને હાથ છાંતીએ મુકી દીધા. આ દ્રશ્ય જોઇને સ્મિતાબેનનુ હૈયુ હચમચી ઉઠ્યુ.
“શુ થયુ તમને?” સ્મિતાબેને તેમને ઢંઢોળ્યા.
વસંતભાઇને હાર્ટ-એટેક આવ્યો હતો, એ સ્મિતાબેન સમજી ચુક્યા હતા. તુરંત જ ૧૦૮ ને ફોન લગાવ્યો. એમ્બયુલેન્સ ૧૫ મિનિટમા આવી પહોચી. તેમને સિટી હોસ્પિટલમા ખસેડવામા આવ્યા. સ્મિતાબેનના પ્રાણ હવે તેમનો સાથ છોડી દેશે એવો દરેક ક્ષણે તેમને આભાસ થતો હતો, તે છતાય હિંમત રાખીને તેઓ દરેક ક્ષણ સાથે લડી રહ્યા હતા. આ સમય એવો હતો કે જો આનાથી લડવુ એટલે જીવન જીતવુ અને હારવુ એટલે જીવન ત્યજી દેવુ.
***
બે દિવસ બાદ વસંતભાઇની તબિયતમા સુધાર આવ્યો હતો. જીવનના આ દુખદ સમયને પણ એ દંપતી માત આપી રહ્યુ હતુ.
“હુ તમારાથી નારાજ છુ, આવુ પણ કોઇ કરે છે ભલા? મારે તમારા સાથે વાત નથી કરવી.” સ્મિતાબેને હવે ગુસ્સો પ્રગટ કર્યો.
“જો તુ નારાજ થઇ જઇશ તો આ હ્રદયના ધબકારા અટકી પડશે, ગાંડી.” વસંતભાઇએ કહ્યુ.
“સુહહહ...” સ્મિતાબેને તેમના હોઠ પર આંગળી મુકી દીધી.
“તમને ખબર છે કે વસંત છે તો સ્મિતા છે, વસંત નથી તો સ્મિતાનુ કોઇ અસ્તિત્વ જ નથી.” બોલતા બોલતા સ્મિતાબેનની આંખોમા આંસુ આવી ગયા. બંનેએ હાથમા હાથ પરોવ્યો.
“આઇ લવ યુ માય ડાર્લિંગ.” વસંતભાઇએ કહ્યુ.
“આઇ લવ યુ ટુ.” સ્મિતાબેને પ્રેમથી એકેએક શબ્દ પર ભાર મુકીને કહ્યુ.
“મારે તારા હોઠ ચુમવા છે.” વસંતભાઇએ કહ્યુ.
“તમને અહિયા પણ આ બધુ સુઝે છે, બેશરમ...” સ્મિતાબેને કહ્યુ.
“અરે સોનુ તારા હોઠની ચુમ્મી આગળ તો બધી દવાઓ પણ બેઅસર છે. તુ આપ પછી જાદુ જો.” વસંતભાઇએ કહ્યુ. સ્મિતાબેને વસંતભાઇના હોઠ પર ખુદના હોઠ મુકી દીધા.
“હમમ...આઇ લવ યુ ટુ, બાય ધ વે, આજે મને બે વાતની ખુશી છે, એક તો જીવનમા પહેલી વાર તે મને આઇ લવ યુ કહ્યુ અને બીજુ તારી કિસ મળી.” વસંતભાઇએ કહ્યુ.
“ચાલ ને હવે બધે દુખોને ખંખેરી નાખીએ, ફરી એક નવા જીવનની શરૂઆત કરીએ.” વસંતભાઇએ કહ્યુ.
“સાચી વાત છે, એમ પણ તમારા સિવાય મારુ છે પણ કોણ, તમને કઇ થઇ જશે તો? હુ તો જીવી જ નહી શકુ. હવે આપણે બધા દુખોને અહી જ ભુલીને ઘરે જઇશુ.” સ્મિતાબેને મકકમ નિર્ધાર કરીને કહ્યુ.
વસંતભાઇ સ્મિતાબેનના હાથને ચુમ્યા. “જીવનને એક નવા સફર તરફ વાળીએ, માત્ર હુ અને તુ.”
***
ચાર મહિના વધુ વ્યતિત થઇ ગયા. ઉત્સવીએ એકવાર પણ વસંતભાઇ અને સ્મિતાબેન સાથે વાત પણ નહોતી કરી. બંનેને દુખ તો હતુ, પણ બંને એકબીજાને પ્રેમ અને સાંત્વના આપીને દિવસો પસાર કરતા. ઘણીવાર ઉત્સવી એમના સપનાઓમા આવતી અને તેઓ દુખી થઇ જતા. દિવ્યા સપ્તાહમા બે-ત્રણ વાર મળવા આવતી અને ખબર અંતર પુછતી.
વસંતભાઇ ઉત્સવીને દરરોજ ફેસબુક પર ઉત્સવીને મેસેજ મોકલતા, પણ તેનો કોઇ રિપ્લાય નહોતો આવતો. તેણે લંડનના અમુક ફોટોઝ છ મહિના પહેલા અપલોડ કર્યા હતા, ત્યાર બાદ કોઇ અપડેટ નહોતુ કર્યુ. બંને પતિ-પત્નીનો જીવ ગભરાતો હતો. આ કારણથી હવે પોલિસ સ્ટેશનમા ફરિયાદ કરવી જરૂરી હતી. જે વિશે હવે બંને વિચારી રહ્યા હતા.
સ્મિતાબેનનો ૪૫મો જન્મદિવસ હતો. બંને કાંકરિયા ફર્યા. સાંજે તેમની ફેવરીટ રેસ્ટોરેન્ટ “અમે ગુજરાતી” મા ગયા. આજે ઘણા મહિનાઓ બાદ વસંતભાઇ ખુશ હતા અને હોય પણ કેમ નહિ, આજે એમની પ્રિયતમાનો જન્મદિવસ હતો, સૌથી ખાસ દિવસ. એમને જોઇને સ્મિતાબેન પણ આજે ખુશ હતા. ઉત્સવીની થોડી ઘણી યાદો તેમને આવતી હતી, પણ વસંતભાઇના ઉમળકાની આગળ એ યાદોને દબાવી રાખી. રાત્રે દસેક વાગ્યે તેઓ ઘરે પાછા ફર્યા.
રાતના ૧ વાગ્યા હતા. એકસાથે દસ-પંદર વાર ડોરબેલ વાગી જવાના કારણે બંને જાગી ગયા. વસંતભાઇ એકલા નીચે જવા લાગ્યા ત્યા જ સ્મિતાબેને હાથ પકડ્યો, “થોભો હુ પણ આવુ છુ.” બંને નીચે ગયા અને વસંતભાઇએ બારણો ખોલ્યો. સામેના વ્યક્તિને જોતા જ બંને સ્તબ્ધ થઇ ગયા. સામે તેમની વહાલસોયી દિકરી ઉત્સવી ઉભી હતી.
“મોમ....ડેડ...” કહેતાની સાથે જ તે બંનેને વળગી પડી.
વસંતભાઇ અને સ્મિતાબેન કોઇ સપનુ જોઇ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ હતુ. પરંતુ સામે જે દેખાઇ રહ્યુ હતુ એ સત્ય હતુ.
“આપણા ઘરમા છ મહિના અને ઓગણીસ દિવસ બાદ સ્વાગત છે તમારૂ.” વસંતભાઇએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ. ઉત્સવી રડી રહી હતી. તેણે તેના મોમ-ડેડની માફી માંગી. તેને ખુદના કરેલા કાર્ય પર પસ્તાવો થતો હતો.
“સોરી મોમ-ડેડ, મે જે કર્યુ એ માફીને લાયક નથી, મે તમારી આત્મા દુભાઇ છે, શક્ય હોય તો મને માફ કરી દો.” ઉત્સવીએ હાથ જોડતા કહ્યુ.
“બેટા….” સ્મિતાબેન ઉત્સવીને વળગી પડ્યા. મા-દિકરી વચ્ચેનુ એ મિલન આંખોની સાથે દિલને પણ રડાવી દે તેવુ હતુ. થોડીક નારાજગી બાદ વસંતભાઇનો ગુસ્સો ઉત્સવીના ચહેરાને જોઇને ઓગળી ગયો. તે આખરે તેમની વહાલસોયી દિકરી જે હતી. ત્રણેય વચ્ચેનુ મિલન અને વહાવેલા આંસુઓ એક અલગ જ પ્રકારનુ દ્રશ્ય ઉભુ કરતુ હતુ.
“બેટા, આમ અચાનક આટલી રાતે? શુ થયુ? બધુ બરાબર તો છે ને? વિરાજ ક્યા છે?” સ્મિતાબેને એકસાથે બધા સવાલો પુછ્યા.
“મોમ, વિરાજ હૈવાન છે, ડેડ સાચુ જ કહેતા હતા, હુ જ પાગલ હતી, આંધળા પ્રેમની પટ્ટી આંખે બંધાયેલી હતી અને તમને દુખી કરીને મને મારા કર્મોની સજા મળી ગઇ ” ઉત્સવીએ રડતા રડતા કહ્યુ.
“શુ મતલબ? શુ થયુ બેટા?” વસંતભાઇએ અધીરા થતા કહ્યુ.
ઉત્સવીએ એની સાથે બનેલી ઘટના કહેવાનુ શરૂ કર્યુ.
***
ઘરેથી નિકળ્યા બાદ ઉત્સવી વિરાજ સાથે હનીમુન માણવા લંડન ગઇ હતી. ત્યાથી આવ્યા બાદ તે વિરાજ સાથે દિલ્હીમા રહેવા લાગી. વિરાજના પિતાનો ત્યા આલીશાન બંગલો હતો. વીસેક દિવસ બાદ ઉત્સવીએ વિરાજને એના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પરંતુ બીજા દિવસે વિરાજ સવારથી જ ગાયબ હતો, મોડી રાતે પરત ફર્યો હતો. એના ચહેરા પર લાલ નિશાન હતા, જાણે કે કોઇએ એને માર્યો હોય.
“અરે આ શુ થયુ તને?” ઉત્સવીના મુખ પર ચિંતાના વાદળ છવાઇ ગયા.
“હુ તારા મોમ-ડેડને મળવા ગયો હતો. તારા ડેડએ જ મારો આ હાલ કર્યો છે.” વિરાજે કહ્યુ.
ઉત્સવી એના ડેડના આવા વર્તનથી ડઘાઇ ગઇ. એણે એ જ દિવસે નક્કી કર્યુ કે એ હવેથી એના મોમ-ડેડ સાથે કોઇ સંબંધ નહી રાખે. અઠવાડિયા સુધી તે દુખી જ રહી, પણ ધીરે ધીરે એના જીવનમા બધુ સામાન્ય થવા લાગ્યુ.
શરૂઆતના ત્રણ મહિના તો ઉત્સવીએ ખુબ ખુશીથી વિરાજ સાથે વિતાવ્યા. એ સમય દરમિયાન ઉત્સવીએ એક વસ્તુ અજીબ રીતે અનુભવી કે એકાંતની પળો માણતી વખતે ઘણી વખત વિરાજ એની સાથે જંગલીની જેમ વર્તતો, પણ શરૂઆતના તબક્કામા તેને ગમતુ. પણ દરેક વસ્તુની એક હદ હોય છે. ઉત્સવીની સહનશક્તિની પણ હવે હદ આવી ગઇ હતી, ધીમે ધીમે તેને ચીડ ચડવા લાગી. વિરાજ તેને દર રાત્રે થકવી દેતો. ઉત્સવીને તેની અંદર ખુદના માટે પ્રેમની જગ્યાએ વાસના દેખાતી.
એક દિવસ વિરાજ શરાબના નશામા ધુત થઇને ઘરે આવ્યો. ઉત્સવીને ધક્કો મારીને પલંગ પર પાડી દીધી અને તેના ગળા પર બચકા ભરવા લાગ્યો. આજે તેને મોમ-ડેડની ખુબ યાદ આવી રહી હતી, આ કારણથી તે દુખી હતી, યાદોમા ખોવાયેલી હતી. વિરાજની સાથે અંતરંગ પળો માણવાનો તેનો કોઇ ઇરાદો નહતો, એટલે તે પલંગ પરથી તરત ઉભી થઇ ગઇ.
“વિરાજ, આજે મારી કોઇ ઇચ્છા નથી. તુ સુઇ જા...” ઉત્સવીએ ગુસ્સામા કહ્યુ.
“અરે મે તારી ઇચ્છા નથી પુછી, હુ ઇચ્છુ એ મુજબ જ તારે રહેવાનુ છે ઓકે.” વિરાજ ઉભો થતા બોલ્યો.
“તુ નશામા છે, આપણે કાલે વાત કરીશુ.” ઉત્સવી બીજા રૂમમા સુવા માટે જવા લાગી.
વિરાજે તેનો હાથ પકડીને તેના ચહેરાને ખુદની તરફ કર્યો અને ગુસ્સામા આવીને જોરથી બે તમાચાઓ મારી દીધા. ઉત્સવી વિરાજના આવા વર્તનથી હતપ્રભ થઇ ગઇ. વિરાજ આટલેથી અટક્યો નહી. ઉત્સવીને જબરદસ્તીથી પલંગ પર સુવડાવીને તેની ઇચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો. એ રાતે ઉત્સવી એના મોમ-ડેડને યાદ કરીને ખુબ રડી હતી.
ઉત્સવીને હવે ધીરે ધીરે અહેસાસ થતો હતો કે તેણે ભરેલુ પગલુ ખોટુ હતુ. તેના ડેડ સત્ય કહેતા હતા કે વિરાજ એક યોગ્ય વ્યક્તિ નથી, પણ પ્રેમમા અંધ બનેલી ઉત્સવીને એ વાત સમજાઇ જ નહી.
બીજા દિવસે હોશમા આવ્યા બાદ ઉત્સવીને મનાવવા વિરાજે માફી માંગી અને ત્રણેક દિવસમા મનાવી પણ લીધી. વિરાજે અઠવાડિયા સુધી સારુ વર્તન કર્યુ અને ફરી એ જ બધુ શરૂ.
“હવે લગ્ન કરી લીધા છે તો હુ નિભાવી જ લઇશ, કદાચ આ જ મારૂ નસીબ છે અને ઉપરથી વિરાજને છોડી પણ દઉ તો હુ જઇશ ક્યા? મોમ-ડેડ સાથે તો જાણે મે સંબંધ જ તોડી નાખ્યો હોય એવુ વર્તી છુ.” ઉત્સવી મનોમન આમ વિચારતી અને વિરાજના અત્યાચારોને સહન કરતી.
ત્રણ મહિના વધુ આમ જ પસાર થઇ ગયા. દરરોજના થતા ઝઘડાઓ અને રાતે ચાલતો શરીરનો ખેલ, આ બધી વાતથી ઉત્સવી દુખી રહેવા લાગી. જાણે કે તેનુ જીવન નરકને સમાન બની ગયુ હતુ. તેની તબિયત હવે ખરાબ રહેતી. નાની ઉમરમા જ બ્લડપ્રેશરની બિમારી તેને લાગુ પડી ગઇ હતી. એક દિવસ તો વિરાજે હદ કરી નાખી.
“બેબી, મારી પાસે એક મસ્ત પ્લાન છે, જેનાથી આપણાને ફન અને થ્રિલ મળશે.” વિરાજ રોમાંચીત થઇને બોલ્યો.
“શુ...?” ઉત્સવી નિરસ સ્વરે બોલી.
“ગેમનુ નામ છે, ચેન્જ ધ પાર્ટનર....” વિરાજે કહ્યુ.
“મતલબ...?” ઉત્સવીને નવાઇ લાગી.
“મારો ફ્રેંડ કુમાર અને તેની વાઇફ આજે રાતે આપણે અહી આવશે, એ બિયરનો બોક્સ પણ લેતો આવશે. પહેલા ડ્રિંક પછી ડાન્સ અને પછી....” વિરાજે વાક્ય અધુરુ રાખ્યુ.
“પછી....” ઉત્સવીએ પુછ્યુ.
“હુ એની વાઇફ સાથે અને તુ મારા ફ્રેંડ સાથે....એન્જોય ધ ગેમ ઓફ સેક્સ....” વિરાજની આંખોમા વાસના સળવળતી સ્પષ્ટ દેખાતી હતી.
“છી...શેમ ઓન યુ....” ઉત્સવી ઉભી થઇ ગઇ.
“તારી પત્ની માટે તુ આમ વિચારી પણ કેવી રીતે શકે?” ઉત્સવીના ગુસ્સાનો પારો આસમાને પહોચી ગયો અને તેણે વિરાજને લાફો મારી દિધો.
ગુસ્સાના કારણે વિરાજ જાણે હવે જંગલી ઢોર બની ગયો હતો. તેણે ખુદનો બેલ્ટ નિકાળ્યો અને એનાથી ઉત્સવીને મારવા લાગ્યો. તેની સુંવાળી અને ગોરી પીઠ પર આજે લાલ રંગના ચાંઠા પડી ગયા હતા. વિરાજ ધુંઆપુંઆ થઇને ઘરની બહાર નિકળી ગયો અને દરવાજાને તાળુ મારીને ગયો, જેથી ઉત્સવી બહાર ન જઇ શકે. ઉત્સવીનો મોબાઇલ પણ તેણે લઇ લીધો જેથી તે કોઇ સાથે સંપર્ક ન સાધી શકે. ઉત્સવી આખો દિવસ અને રાત દર્દથી કણસતી રહી. તે જયા સુધી એના પિતાને ત્યા હતી, ત્યા સુધી મારઝુડ કે ઝઘડો કોને કહેવાય, એ પણ નહોતી ખબર. જયારે અહી વિરાજે બધુ જ બતાવી દીધુ હતુ.
***
બે દિવસ બાદ વિરાજ ઘરે એના ફ્રેંડ કુમાર અને એની વાઇફને લઇને આવ્યો.
“ભાઇ પહેલા થોડી આનાકાની કરશે, સંભાળી લેજે.” વિરાજે કુમારને આંખ મારી અને એની વાઇફને લઇને બીજા રૂમમા જતો રહ્યો.
ઉત્સવી વિચારોમા ખોવાયેલી એના રૂમમા હતી. ત્યા જ કોઇએ દરવાજો બંધ કર્યો અને ઉત્સવીની વિચારધારા તુટતા એ બાજુ જોયુ.
“હેયયય.… તમે કોણ છો? બારણુ કેમ બંધ કર્યુ?” ઉત્સવીએ પુછ્યુ.
“જસ્ટ રિલેકસ ડાર્લિંગ.” કહીને કુમાર એના શર્ટના બટન ખોલવા લાગ્યો.
ઉત્સવી કુમારની નિયતને પરખી ગઇ અને તરત ઉભી થઇને બહાર જવા લાગી. કુમારે તેને પકડી લીધી અને તેના બંને હાથ ઉત્સવીની કમર ફરતે વીંટાળીને તેને કસીને પકડી લીધી.
કુમાર ઉત્સવીના શરીરમાથી આવતી સુગંધને માણતા બોલ્યો, “જાનેમન, થોડુ એન્જોય કરી લઇએ.” કુમાર તેના ગળાને ચુમવા લાગ્યો.
ઉત્સવી થોડી તાકાત લગાવીને કુમારથી અળગી થઇ અને કુમારને ખેચીને લાફો મારી દીધો. તે રૂમની બહાર જવા લાગી, ત્યા જ ફરી કુમારે એને પકડી લીધી અને ઉચકીને તેને પલંગ પર ફેકી દીધી. ઉત્સવી સંપુર્ણપણે કુમારના શરીરના નીચે દબાઇ ચુકી હતી. તે ખુદને છોડાવવાના તમામ નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. હાથને શક્ય એટલો લંબાવીને ઉત્સવીએ માંડ નાઇટ લેમ્પ હાથમા પકડી અને કુમારના માથે મારી.
અચાનક પ્રહાર થતા કુમારે જોરથી ચીસ પાડી અને સાઇડમા સુઇ ગયો. જ્યારે બીજા રૂમમા કામાતુર બનેલા વિરાજ અને કુમારની વાઇફને આ ચીસ ધ્યાનમા ના આવી. ઉત્સવી દરવાજો ખોલીને તુરંત નીચેના રૂમમા આવી ગઇ. બે દિવસ સુધી કેદ થયેલી ઉત્સવીને આજે અહીથી ભાગવાની યોગ્ય તક મળી હતી. ડ્રોઅરમાથી વિરાજના પર્સમાથી હજાર રૂપિયા લઇને ઉત્સવી તુરંત ઘરની બહાર નિકળી ગઇ અને ટ્રેન પકડીને અમદાવાદ આવી પહોચી.
***
વર્તમાન...
ઉત્સવી રડી રહી હતી. સ્મિતાબેન તેને ગળે લગાવીને સાંત્વના આપી રહ્યા હતા. વસંતભાઇના દિલમા દુખ અને આંખોમા વિરાજ પ્રત્યે ખુન્નસ હતુ. સારુ હતુ કે વિરાજ તેમની સામે નહતો, નહિતર કદાચ વસંતભાઇ તેનુ ખુન પણ કરી નાખત.
સવાર થતા જ વસંતભાઇ અને સ્મિતાબેન ઉત્સવીને લઇને પોલિસ સ્ટેશન પહોચી ગયા. વિરાજ અને એના મિત્ર કુમાર વિરુધ્ધ એફઆઇઆર નોંધાવી. બીજી તરફ ડિવોર્સ લેવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા આરંભી. પોલિસે વિરાજ અને કુમારની ધરપકડ કરી, ધર્મેંદ્રભાઇએ તેમની રાજકીય વગ વાપરી જોઇ, પરંતુ ન્યાયવ્યવસ્થા આગળ તેમણે હાર માનવી પડી.
કેસ ચાલતો રહ્યો અને બે વર્ષ બાદ ઉત્સવીને ન્યાય મળ્યો. વિરાજ અને કુમારને એમણે કરેલ ગુનાઓ મુજબ યોગ્ય સજા આપવામા આવી અને વિરાજથી ડિવોર્સ લઇને ઉત્સવીએ જીવનની બીજી ઇનિંગ સ્ટાર્ટ કરી. વસંતભાઇ અને સ્મિતાબેને ધૈર્ય અને શાંતિ રાખીને ઉત્સવીને જે પ્રેમ અને સાથ-સહકાર આપ્યો, એના જ કારણે આ બધુ સંભવ થયુ. કોઇએ ખુબ કીધુ છે, “છોરુ કછોરુ થાય, પણ માવતર કમાવતર ના થાય”
***
સાંજનો સમય હતો, સુર્યાસ્ત ખુબ સુંદર લાગી રહ્યો હતો. કાંકરિયાના તળાવ પાસે બેસેલી ઉત્સવી આથમતા સુર્યને જ તાકી રહી હતી. હવાના કારણે ઉડતા વાળને તે વારંવાર કાનની પાછળ સરકાવતી હતી. તેના મનમા અમુક શબ્દો ગુંજી રહ્યા હતા.
“માતા પિતા....
ધરતી પરના ભગવાન....
તેમના ચરણોની ધુળ માથે લગાવીને,
કરી દઉ મુજને પાવન....
ચાહે મળી જાય મને લાખ સુખ,
પરંતુ એમણે આપેલ પ્રેમ, હુંફ અને મમતાની આગળ
એ તમામ સુખ છે બેકાર....
બને તો સ્મિત વેરીને, પ્રેમથી વર્તીને આપુ તેમને સુખ
નહિતર રડાવવાનો પણ મને કોઇ હક નથી....”
***
સમાપ્ત....
રોહિત સુથાર “પ્રેમ”