લાડવો લગ્નનો... Rohit Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાડવો લગ્નનો...

લાડવો લગ્નનો...

[ખાસ નોંધ- આ લેખ પરિણિત પુરુષોએ એમની પત્નીથી છુપાઇને વાચવો પડશે, અને અપરિણિત યુવાનોએ પણ એમના જોખમ પર વાચવાનુ રહેશે (વાંચીને ક્યાક લગ્ન કરવાનુ માંડી વાળે તો), તે છતાય સાહસવીરો જો વાચે તો એના માટે અમે જવાબદાર નહી હો....]

લગ્ન...આહ...કેટલુ સુંદર શબ્દ. આ લાડવાનુ નામ જ એવુ છે કે જે ખાય તે પસ્તાય ને ના ખાય તે લલચાય. મારુ પોતાનુ માનવુ છે કે ના ખાઇને લલચાવા કરતા ખાઇને પસ્તાવુ વધુ સારુ, કેમ?

આપણે ન્યા લગ્નમા પાંચ વસ્તુઓ સૌથી ખાસ હોય.

૧. હરખપદુડા થયેલા વરરાજા

૨. બે વેંત ઉંચી હાલતી વરરાજાની બેન

૩. નાગિન ડાંસ

૪. દાળની ડોલ લઇને આશા રાખીને ફરતા એ વાંઢાઓ કે કોકની હારે ગોઠવાઇ જાય

૫. રિષાયેલો નિકટનો સંબંધી

લગ્નમા પણ ખરુ થાય, ખીખીખી કરીને ફરતી દુલ્હનની બહેન અને સહેલાણીઓ, ક્યારે મોકો મળેને મોજડી સંતાડીને એ વરરાજા નામના બકરાને હલાલ કરે, એ જ ફિરાકમા હોય. આપણા ભાઇબંધુઓ લાખ પ્રયાસ કરી લે પણ એ મોજડીઓ ક્યારે છુમંતર થઇ જાય ખબર જ ના પડે હો....

એમ પણ એ નવરા ભાઇબંધુઓને આપણી મોજડી બચાવવા કરતા એ છોકરીઓમાથી એકાદની હારે ગોઠવાઇ જાય એમા વધારે રસ હોય.

ક્યારેક ક્યારેક તો મોજડીની ખેંચતાણ પણ છોકરા છોકરીઓ વચ્ચે થવા લાગે, ને એમા બિચારી નિર્દોષ મોજડીને અંતે તુટવુ જ પડે, નુકશાન તો વરરાજાનુ જ ને? કોના બાપાની દિવાળી? આ મારી સાથે થયેલો અંગત કડવો અનુભવ છે હો ભાઇસાબ.

લગ્ન સંપન્ન થાય ને વર-વધુ સ્ટેજ ઉપર જઇને ઉભા રહે, ત્યા જઇને જ્યારે વરરાજા સામેના બધા નજારા જુએ એટલે મનમા થોડો પસ્તાવો પણ થાય. થોડો ટાઇમ વધુ રોકાઇ જાત તો આના કરતા સારુ મોડલ મળે તેમ હતુ. એટલા માટે જ મોબાઇલ લેવામા અને છોકરી પસંદ કરવામા બહુ ઉતાવળ કરવી નહી, શી ખબર થોડા ટાઇમ રાહ જોવાથી વધુ સારુ મળી જાય તો?

એક તો માંડ કોઇ છોકરી પસંદ આવે, ગગો તો એવો હરખાય કે સપનામા લગ્ન અને ટાબરિયા સુધી પણ પહોચી જાય, બાપડો નજીક જઇને એ છોકરીને ધ્યાનથી જોવે ને માંડ નજર માથે મુકેલા લાલ ટપકા પર પડે, ત્યારે બિચારાને ખબર પડે કે ગગુડી તો વિવાહીત છે. અરે ભલી થાય તારી બરાબર માંગ ભરને, તો ગગા જેવા વાંઢાઓને ખબર પડેને કે આગળ વધવા જેવુ છે કે રેડ સિગ્નલ જોઇને સપનાઓની ગાડીને યુ-ટર્ન મા વાળી લેવી.

શરૂઆતમા તો પતિ એના ફોનમા ન જાણે ક્યા ક્યા નામથી એની પત્નીનો નંબર સેવ રાખે છે, માય જાન, સ્વીટ હાર્ટ, ડાર્લીંગ....ઓહોહો...પણ જેમ જેમ સમય વીતતો જાય એમ એમ નામ પણ બદલાતા જાય. લગ્નના પાંચ વરસ બાદ માય વાઇફ, દસ વરસ બાદ હોમ, ને વીસ વરસ સુધીમા તો એને લખી નાખવાનુ જ મન થાય “રોંગ નંબર”. એ વાત અલગ છે કે એ વાત માત્ર એના મનમા જ રહી જાય.

એક દોસ્તે મને પુછ્યુ કે ભાઇ કોઇના લગ્નને કેટલા વરસ થયા છે એ કેવી રીતે અંદાજો લગાવી શકાય?

શાંત ચિત સાથે મે પણ જવાબ આપ્યો, એ દંપતીનો કબાટ ચેક કરીને....શરૂઆતી લગ્નના પાંચ વરસ સુધી એમના કબાટમા પર્ફ્યુમ, પાવડર, ક્રીમ્સ, મેકઅપ સામાન...એ બધુ જોવા મળશે. દસ વરસ બાદ બામ, પેઇનકિલર ગોળી, વિભિન્ન પ્રકારની દવાઓ એ બધુ....પચ્ચીસેક વરસ બાદ માળા, ચંદન પાવડર, ભગવદ ગીતા....એ બધુ, હવે સમજ્યો. જાણે કે હુ પરમ જ્ઞાની હોવ એમ એ દોસ્ત મને જોઇ રહ્યો.

ઘરમા સાસુ વહુ વચ્ચે થતા ઝઘડાઓ પણ ખતરનાક હોય છે. બિચારો પતિ તો “સુડી વચ્ચે સુપારી” હોય એવી એની સ્થિતિ હોય છે, કોનો પક્ષ લેવો માનો કે પત્નીનો એ જ અવઢવમા હોય છે, બિચારો માથે હાથ દઇને બેઠો રહે છે.

સાસુ વહુના ઝઘડામા સૌથી દુખી બિચારો પતિ થાય છે અને વધારે ખુશી તો એના બાપાને થાય છે. અંતે નવાઇ સાથે બિચારો એના બાપાને પુછી જ લે છે, “હુ તફલીફમા છુ, ને તમે ખુશ થાવ છો?”

આનંદિત મુદ્રામા બાપા જવાબ આપે, “અરે બેટા જે કામ હુ છેલ્લા પચ્ચીસ વરસથી ના કરી શક્યો, એ જ કામ મારી વહુ આજે કરી રહી છે, આજે મને ખુશ થઇ જવા દે, થોડો ઝુમી લેવા દે.” એ વાત અલગ છે કે ખુશી છુપાવવી પડે હો, ઘડપણમા પત્નીના હાથનો મેથીપાક સહેન ના થાય ને?

આ જ કારણે ઘરમા સૌથી વધારે કોઇની બનતી હશે તો એ સસરા અને વહુની. જે બદલો બિચારા એ ના લઇ શક્યા, એ જ આજે એનો સાથીદાર ચુની ચુનીને એના દુશ્મન સાથે લેતા ન હોય એવી લાગણી થાય છે. બીજી બાજુ જમાઇ અને એની સાસુની પણ ખુબ બનતી હોય છે, ભાઇ એમના આખા ઘરની મોટી ચિંતા જમાઇરાજા એકલા હાથે હેંડલ કરતા હોય તો કેમ ન બને.

સૌથી વધારે વેઠવુ તો પતિને જ પડે છે. ઘરમા મા અને પત્ની, ઓફિસ જાય તો બોસ...જે પહેલાથી સતર ફાઇલ આપણાને સોપવા રેડી જ હોય. બિચારો હાંફળો ફાંફળો થઇને માંડ ઘરે જાય તો એક જ આશા હોય, જમીને ચાદર ખેચીને સુઇ જવુ.

ઘરે જતા જ પત્ની એના હૈયાનો ઉભરો ઠાલવે, “તમે તો મને ક્યાય ફરવા નથી લઇ જતા, સમય જ નથી મારા માટે.” આખરે અનિચ્છાએ એને ફરાવવા લઇ જવા રજા માટે ઓફિસમા બોસને વાત કરવી પડે. રજાનુ નામ સાંભળતા જ બોસ તો ધરાર ઘસીને જ ના પાડી દે, ત્યારે ખુશીમા આવીને એવી ઇચ્છા થાય કે એની ટાલને જ ચુમી લઇએ.

તમને ખબર છે આ ધરતી ઉપર સૌથી આનંદિત અને શાંતિવાળા દિવસો ક્યા?. જ્યારે પત્ની પિયર જાય. એક ડોકટરે સલાહ આપી કે તમે ટેન્શનને સાથે ના રાખો. મે પણ ભોળા મને કહી દીધુ, “દરરોજ એને પિયર મુકી આવવી યોગ્ય નહી ગણાય ને.” ડોકટરને પણ મારી નાદાની ગમી.

એકવાર કાલુપુર સ્ટેશન આગળ ઉભો હતો. એક ભાઇનુ કોલસા જેવુ મો જોઇને મારાથી રહેવાયુ નહી, કુતુહલવશ થઇને પુછી જ લીધુ. “અરે મારી બાયડી પિયર ગઇ છે, ખુશીમા આવીને એંજીનને જ ચુમી લીધુ એટલે.” એ ભાઇની ખુશી જોઇને હુ પણ ખુશ થઇ ગયો, પણ પછી યાદ આવ્યુ એની ગઇ છે, મારી થોડી....એ તો ઘરે જ છે ને.

મારા દોસ્તની પત્ની ઘણીવાર એને ટોકતી, “હુ આખા ઘરનુ કામ સંભાળુ, બાળકોને સંભાળુ, સામાજીક પ્રસંગો સાચવુ, બધુ હુ જ કરુ તો તમારે શુ કરવાનુ, ખાલી નોકરા જ કરવાના.” બિચારો ખુબ કંટાળી ગયો હતો, એણે મને વાત કરી ને મે એને યુક્તિ આપી.

ચાર દહાડા થયા નહી ને ફરી એની પત્નીએ વાત નિકાળી. મારી યુક્તિ મુજબ હસીને એણે જવાબ આપ્યો, “સ્વીટ હાર્ટ હુ તારી નશીલી આંખોના દરિયામા ડુબવાથી માંડ માંડ બચુ છુ, મારો દિવસ તો એમા જ જતો રહે છે, તો બીજુ હુ શુ કરી શકુ?”

આવો મીઠો જવાબ સાંભળીને એની બાયડી ખુશ થઇ ગઇ, “ઓહો તમે પણ શુ, બોલો આજે તમારા માટે મનગમતુ શુ બનાવુ?” આટલુ સાંભળતા તો એની આંખો ઝળહળી ઉઠી. મનોમન મારો આભાર વ્યક્ત કર્યો.

એક દિવસ સાસુનો જમાઇ પર ફોન આવ્યો, ઘરમા કથા રાખી હોવાથી આમંત્રિત કર્યા. પતિ-પત્ની બંને ગયા. કથાને અંતે પંડિતજીએ પુછ્યુ, “સ્વર્ગમા કોણ જવા ઇચ્છશે?” જમાઇને છોડીને સાસુ, પત્ની, સાળા, સાળી બધાએ હાથ ઉપર કર્યો. પંડિતને નવાઇ લાગી, “કેમ જમાઇરાજ તમારે નથી જવુ?”

જમાઇરાજે જે ઉતર આપ્યો એના કારણે ચાર દિવસ સુધી ઘરની બહાર રહેવુ પડ્યુ, “ જો આ બધા સ્વર્ગમા જતા રહે, તો મારા માટે સ્વર્ગ તો અહી બની જશે.” જમાઇરાજ મલકાયા.

પત્નીના પ્રેમને ક્યારેય વાક્યુધ્ધથી નહી, વાણીચાતુર્યથી જીતવી પડે યાર. જો એની સામે પડવા ગયા તો તમારી ખેર નથી. વાત યાદ આવી એટલે કહુ છુ, મારા એક મિત્ર સાથે પણ ખરુ થયુ. કોઇએ દાઝે ભરતા ચાવી ભરી દીધી, “અરે કોઇની સાથે અન્યાય કરવો એનાથી પણ મોટો ગુનો છે અન્યાય સહેવો. કયા સુધી તારી બાયડીની ગુલામી કરતો રહીશ? વધારે કરતી હોય તો જોરથી આપને બે ઊંધા હાથની....”

ઘરે જતા જ બાહુબલી પત્ની પર બરાડ્યા, “એય....હવેથી હુ કહુ એમ જ ઘરમા થશે, રહેવુ હોય તો રહેજે નહી તો કાઇ નહી.” પત્નીએ કટાક્ષમા હાસ્ય કરીને નકારમા ડોકુ ધુણાવ્યુ. ચણાના ઝાડે ચડેલા ભાઇ હાથ ઉપાડવા ગયા. એ દિવસે બંને દંગલ મુવી જોવા જવાના હતા, જે થિએટરમા જોવાના હતા, એ બધા જ સીન જાહેરમા પાડોશીઓએ જોયા. (એ ભાઇનુ હાલ શબ્દોમા વર્ણવી શકુ એમ નથી, તમે જ સમજી જજો.)

અમુક મુસીબત ક્યારે આવી જાય એની કોઇ ગેરેંટી નહી બોસ, એક વાર પત્નીને માતાજી આવ્યા કહે, “બોલ બેટા માંગે તે આપુ.”

પતિએ પુછ્યુ, “તમે ક્યા માતાજી”

“હુ વાઇફાઇ મા આલેલે, માંગે તે આપુ બોલ”

પતિ તો ઘેલો થઇ ગયો કહે, “છુટાછેડા અપાવો મા...આ બાયડીથી હવે કંટાળયો.” બિચારો ભોળપણમા આવીને બોલી ગયો.

માતાજી તો જતા રહ્યા, પણ જે હાલત એની બાયડીએ કરી...શરીરના દરેક અંગ છુટા પડી ગયા હોય એવો આભાસ થયો.

હવે ઝઘડાની વાત નિકળી જ છે તો અંગત અનુભવ પરથી એક સલાહ આપીશ, ગમે તો સ્વીકારજો. પત્ની સાથે કોઇ દિવસ ઝઘડામા પડવુ નહી, હાર કોઇ પણ બાજુથી આપણી જ છે.

એક દિવસ મારે પત્ની સાથે ઝઘડો થઇ ગયો, ગુસ્સામા આવી ટિફિન લઇને ઓફિસે ચાલતી પકડી. બપોરે એક વાગે ટિફિન ખોલ્યુ, સાલુ બહુ કડકડતી ભુખ લાગી હતી. ટિફિન ખાલી હતુ, મારા તો હોશ ઉડી ગયા. તરત જ સમજી ગયો કે મેડમે બદલો લીધો છે પણ કોઇ વાત નહી, મારી ઓફિસનો દોસ્ત ક્યારે કામ આવશે? એની પાસે જઇને બેઠો જ હતો ને એણે ટિફિન બીજી બાજુ સરકાઇ દિધુ, “સોરી યાર ભાભીનો ફોન આવ્યો હતો, ના પાડી છે.”

સાલો દોસ્ત મારો ને ચાપલુસી બીજા કોઇની? પણ કોઇ વાંધો નહી હોટલ ઉપર પૈસા આપ્યે ક્યા નથી મળતુ? ઓફિસની બહાર નિકળતા એક વાર પર્સમા કેટલા પૈસા છે એ ચેક કરવાનુ મન થયુ, જોયુ તો એકદમ ખાલી, ડેબિટ કાર્ડ પણ ગાયબ....સાંજ તો મે માંડ પાડી સાહેબ.

ઘરે જતા જ પહેલુ કામ મારી શ્રીમતીને મનાવવાનુ કર્યુ. એ દિવસે ઉપવાસ કરીને મને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. “મારી ભુલ હતી” આ ત્રણ અક્ષરનુ સુંદર મનોહર વાક્ય તમારા અને તમારી પત્ની વચ્ચે એ પ્રમાણેનુ પ્રેમ લાવશે કે જે આઇ લવ યુ કહેવાથી પણ નથી આવતુ. ભુલ આપણી હોય તો ચોક્ક્સ સોરી કહેવાનુ, ને ભુલ એની હોય તો પણ આપણે જ સોરી કહી દેવાનુ. સ્વર્ગ તો જમીન પર જ આવી જશે.

એકવાર કદાચ મંગળ ગ્રહ પર જીવન શક્ય બની જશે, પણ પત્નીને કાબુમા રાખવી ક્યારેય શક્ય નહી બને. જો સુખેથી જીવવુ હોય તો ત્રણ વાત ક્યારેય ના ભુલતા....

૧ પત્નીનો જન્મદિવસ

૨ લગ્નની વર્ષગાઠ

૩ વેલેંટાઇન ડે (સાલુ માર્કેટમા નવુ આવ્યુ છે)

ચાલો હવે રજા લઉ, ક્યાક મારી શ્રીમતી મારો આ લેખ વાંચી જશે, તો તમને હસાવવાના ચક્કરમા ક્યાક મારે લેવાના દેવા થઇ જશે, ઓકે બાય.

હાર્ટ ટચીંગ પોઇંટ- “જીવનમા બે મહિલાઓનુ મહત્વ અને યોગદાન આપણા જીવનમા ખુબ મોટુ છે સાહેબ. એક માતા અને બીજી પત્ની. એક આપણાને આ જીવનમા લાવે છે અને બીજી જીવનના અંત સુધી આપણો સાથ આપે છે.”

મિત્રો જો આ હાસ્યલેખ ગમે તો રેટીંગ કરજો, કમેંટસ કરજો, મિત્રો સાથે શેર કરજો. આભાર.

રોહિત સુથાર