ઇબુચાચા Piyush Jotania દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇબુચાચા

ઇબુચાચા

ટ્રીન.. ટ્રીન.. ટ્રીન...ટ્રીન..

હાલો છોકરાંવ… ફૂગ્ગા લઇ લ્યો…. રંગબેરંગી ફૂગ્ગા.. મીઠી મીઠી સુતરફેણી ખાવ… સુતરફેણી...

ગામની વાંકીચૂંકી સાંકડી શેરીઓમાંથી ટ્રીન.. ટ્રીન.. ટ્રીન.. ટ્રીન.. કરતી એક સાઇકલ રોજ પસાર થાય. સાઇકલ અને તેની ઉપર ઠાઠથી સવાર થયેલા ઇબુચાચા, બંનેનાં દિદાર સરખાં જ હતાં, ખખડધજ.

દેશી હિસાબ મુજબ ઇબુચાચા પાંસઠ વર્ષનાં ગણાય. દેખાવ જોવો તો સાવ સુકલકડી જેવો લાંબો-પાતળો દેહ, મોઢા ઉપર સુખ-દુ:ખની કરચલીઓ અને નાની એવી ધોળી દાઢી રાખે. સફેદ કુર્તો અને લીલી લુંગી હારે માથા ઉપર ઝાળીદાર ગોળ ટોપી કાયમ હોય. બુઢાપાનાં દિવસોમાં પણ મોજેફકીરીથી જીવતા ઇબુચાચા આખા ગામનાં ચાચા જ કહેવાતાં.

સવારમાં વહેલાં ઊઠીને માલિકની બંદગી કરે. બંદગી પૂરી થાય ત્યાં સુધીમાં અમીના ચૂલે ચા બનાવી નાખે. ચા હારે બંને સાંજનો ટાઢો રોટલો અડધો-અડધો ખાય. મનમાં કુરાનની આયાત બોલતાં જાય અને જિંદગી જીવતા જાય.

શીરામણ પતાવી અમીનાએ વાહીદું શરૂ કર્યુ. ઇબુચાચાએ રોજની જેમ સાઇકલની સેવા શરૂ કરી. સાઇકલને બે ડોલ પાણીથી નવડાવી. પોતાના જૂના ઝભ્ભામાંથી થેલી બનાવતાં વધેલાં કાપડનાં ગાભાથી સાઇકલ સાફ કરી. હેન્ડલને ઘસીને ચમકાવ્યું. રીંગને બે વખત સાફ કરી. ઘાસલેટ અને બગડી ગયેલાં ખોરા તેલનું ઊંઝણ કર્યુ. પછી જોરથી પેડલ ફેરવ્યું એટલે ફરરર્....કરતું ટાયર ફર્યું. ચેન અને ટાયરનો ફોરો અવાજ સાંભળીને મોઢું મલકાયું. મલકાતાં ચાચાને જોઇને અમીના પણ હસી પડી.

સાઇકલ બરાબર સાફ કરીને ઇબુચાચાએ અદબથી ટકોરી વગાડી. ટ્રીન.. ટ્રીન… ટ્રીન.. ટ્રીન..

“ચલો અમીના મારી સાઇકલ તૈયાર છે.”

ઇબુચાચાની સાહજિક વાતને અમીના વધાવતી હોય એમ સાવરણો પડતો મૂકીને નજીક આવી. ચુંદડી સરખી કરી. મોઢા ઉપર લાલી કરતી હોય એવો ઢોંગ કરી, મશ્કરી કરતાં બોલી: “હાલો, હું પણ તૈયાર છું.” ”

“અરે....પણ ક્યાં જવું છે?”

“શેરપુરનાં મેળામાં. જ્યાં આપણે પહેલી વખત મળ્યા હતાં.”

“અમીના, અત્યારે ત્યાં મેળો હોય?”

“ના હોય તો શું છે? ત્યાં આપણી યાદો તો છે ને?”

“હા..બિલકુલ તારા જેવી. એમ કહીને ચાચાએ અમીના પર નઝર નાખી. બુઢ્ઢાની આંખોમાં પહેલાં જેવી ધાર તો ન હતી, પણ પ્રેમ તો હજી એટલો જ ઊભરાતો હતો.

અમીના ચાચાની આંખોમાં થઇને ભૂતકાળમાં ઊંડી ઉતરી ગઇ.

સુખ-સાહ્યબી અને જુવાનીનાં જોશથી ભરપૂર એવાં ઇબ્રાહિમ અને અમીનાની જોડી ગામમાં ચર્ચાતી હતી. કાચી કળી જેવી અમીનાનાં નખરાં પણ હજાર હતાં. રૂપાળા ગોળ ચહેરા પર ગુલાબી પાઉડર કાયમી રહેતો. હોઠ ઉપર લાલી અને આંખોમાં આંજેલું લાંબા છેડાવાળું કાજલ તેની આંખોને વધુ ધારદાર બનાવતું હતું. માથા ઉપર મહેંદી નાંખેલાં સોનેરી વાળ ચમકતાં હતાં. હોઠની ઉપરનો કાળો તલ તેના ચહેરાની રોનક વધારતો હતો. ચિકનબુટ્ટી ભરેલો અનારકલી કુર્તો તેનાં દેહને બરાબર સાચવી રાખતો હતો. અમીનાને આખી રીતે જૂઓ તો જાણે ચાંદનો ટૂકડો જ જોઇલો.

ઉપરવાળાએ ઇબ્રાહિમને પણ અમીનાની ઔકાતને અનુરૂપ જ બનાવ્યો હતો.સફેદ કુર્તો અને પઠાણી પાયજામામાં તે ફરિશ્તા જેવો લાગતો. જાણે જન્નતમાંથી જ જોડી મોકલી હોય!

કબૂલ...કબૂલ...કબૂલ...બોલીને બંનેનાં નિકાહ થયા હતાં. જીવનની કેટલીય તડકી-છાંયડી જોઇને બંને આજે જીવનનાં છેલ્લા પડાવે પહોંચી ગયા હતા. હવેલી જેવડાં મકાનમાં નિકાહ કરીને આવેલી અમીના જિંદગીના કેટલાય તોફાનોનો સામનો કરીને આજે ઇબુચાચા સાથે અડિખમ ઊભી છે. અને કદાચ એટલે જ ઇબુચાચા જીવે છે!

ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ગોથા ખાઇને ઊભેલી અમીનાનાં ગળે ડુમો ભરાઇ ગયો. આંખમાંથી આંસુ બહાર નીકળે તે પહેલાં જ અમીના જાગૃત થઇ ગઇ. અબુચાચાને કોણીનો ઠોસો મારીને બોલી,

“હાલો, તમે જાવ હવે.”

“હા અમીના, હવે હું થોડું રળી આવું. બચ્ચાવ પણ મારી રાહ જોતા હશે.”

રસોડામાં જતાં-જતાં અમીનાએ યાદ કરાવ્યું “આજે તો સાઇકલમાં નવો પંખો નંખાવી જ લેજો.”

“જી બેગમજી” એટલું બોલી ઇબુચાચાએ સાઇકલ મારી મૂકી.

આમ તો અમીના પંખો નખાવવા માટે રોજ યાદ કરાવે પણ ઇબુચાચા કોઇને કોઇ બહાનું કાઢીને વાત ટાળી નાખે.

આગળનાં ટાયરનો પંખો લગભગ ત્રણ મહિનાથી નીકળી ગયો હતો. અગાઉ પણ ત્રણ-ચાર વખત પસાની દુકાને નખાવ્યો હતો, પણ આ વખતે તો પસાએ ચોખ્ખું જ કહી દીધું કે: “ચાચા, પંખો સાવ સડી ગયો છે. સ્ક્રૂ મરાય એવી કોઈ જગા વધી નથી. હવે નવો પંખો લઇ લો.”

“પણ બચ્ચા, આ પંખો તો સારો છે. હજી એકાદ વખત નાખી દે.”

“ચાચા, પંખામાં એટલાં કાણા પડી ગયા છે કે હવે તો રીવેટ પણ મૂકાય એમ નથી. એટલે આ નવો પંખો નાંખી જ દઉં છું.”

ઇબુચાચાએ પંખો હાથમાં લીધો. બીજો હાથ ઝભ્ભાનાં ખિસ્સામાં નાખ્યો. ઝળી ગયેલા ઝભ્ભાનાં ખિસ્સામાં માંડ થોડાક સિક્કા હોય એવું લાગ્યું. કદાચ વધુ સિક્કાનો વજન ખિસ્સું ખમી શકે એમ પણ નહોતું!

ચાચાએ હાથ ખિસ્સામાં જ રાખ્યો. પંખો પાછો મૂકી દીધો. ચાચાનો ચહેરો જોઇને પસો પરિસ્થિતિ પારખી ગયો.

“ચાચા, પંખો નાખી આલું છું. ફદિયા મહોરમે આલજો.”

“ના..ના..રે’વા દે. પંખાની કંઇ જરૂર નથી. ખોટો વજન કરે છે. એ કરતા તો ખુલ્લું ટાયર સારું.”

ટ્રીન...ટ્રીન...ટ્રીન..ટ્રીન...કરતાં ઘરેથી નીકળીને ઇબુચાચા ગામનાં ચોરા પાસે પહોચ્યાં. ટકોરીનો અવાજ સાંભળીને શેરીના છોકરાવે તેમને ઘેરી લીધાં. એક-બે છોકરાવે તેનાં ઝભ્ભાનો છેડો પકડી લીધો, કો’કે સાઇકલ ખેંચવા માંડી, તો વળી મનસુખ તો સાઇકલની સીટ પર બેસી ગયો. મનસુખને સાઇકલ ઉપર બેઠેલો જોઇને બચુડો રડવાં લાગ્યો. ચાચાએ બચુને પ્રેમથી ઊંચકીને સાઇકલ પર બેસાડી દીધો. આગળ મોહન અને પાછળ બચુને બેસાડીને ચાચાએ સાઇકલ સવારી ઉપાડી. ટ્રીન...ટ્રીન... ટ્રીન...ટ્રીન...કરતાં જાય અને છોકરાવ રમાડતાં જાય. કેટલાંક છોકરાંવ સાઈકલ સાથે દોડે, કો’ક ધક્કો મારે, તો કેટલાંક ઊભા-ઊભા હુરીયો બોલાવે. છોકરાંવ હારે ચાચા પણ છોકરા જેવાં બની ગયા હતાં. કેવું મજાનું દ્રશ્ય! આવો નિર્દોષ નજારો જોઇને ઉપર આકાશમાં બેઠાં-બેઠાં હરિ જરૂર હરખાતાં હશે અને માલિક પણ મલકાતાં હશે.

સાઇકલ સવારી પૂરી થયા પછી છોકરાંવ ભાગ ખાય. કોઇ ફૂગ્ગો લે, તો કો’ક કાકડી લે, તો કો’ક સુતરફેણી ખાય. ચાચા પણ મોટા હાથે સુતરફેણી આપે. ઇબુચાચા ધંધો કરવાં કરતાં ધર્મ વધુ કરતાં. પૈસા વધતાં ન હતાં, પણ પ્રેમ જરૂર વધતો હતો.

છોકરાંવની બઘડાટી સાંભળીને અરજણકાકા ડેલી બહાર નીકળ્યા. હાથમાં મોટો ડંગોરો લઇ માથે પાઘડી સરખી કરતાં કરતાં આઘેથી હાંકોટો નાખ્યો. ડંગોરો ભીત હારે પછાડ્યો. અરજણકાકાને જોઇને છોકરાંવ દેકારો કરતાં ભાગ્યાં.

છોકરાંવનાં ગયા પછી ઇબુચાચા અરજણકાકાનાં ઓટલે બેઠાં. તેનાં ઘરેથી લોટો પાણી પીધું અને ટાઢક કરી.

“એલા ઇબુડા! આ છોકરાંવ તને રોજ કનડે છે, તો’ય તું કેમ કંઇ બોલતો નથી?”

“બચ્ચાવ તો અલ્લાહનું રૂપ હોય છે, અરજણ.”

“પણ તોય આમ માથે થોડાં ચડાવાય?”

“શરારત કરતાં બચ્ચાંવ મને બોવ પ્યારા લાગે છે. એની હારે રમતાં-રમતાં મને મારો સલીમ યાદ આવી જાય છે.” આટલું બોલતાં આંખ ભીની થઇ ગઇ.

અરજણે ઇબુનાં ખભે હાથ મૂકી દિલાશો આપ્યો.

આંખો લૂંછીને ઇબુચાચાએ વાત આગળ વધારી.

“જો અરજણ, આપડાં ગામ ખાતે સાઇકલ માંડ બે. એક ધનીશેઠનાં મુનિમની અને એક મારી. એની સાઇકલ નવી નક્કોર અને મારી તો જૂનો રેકડો. આપડાં પરાનાં છોકરાંવ તો મુનિમની સાઇકલ અડી પણ શકવાનાં નથી. તો પછી મારી સાઇકલને ખેંચીને ભલેને રાજી થાય. એમાં વાંધો શું છે?”

ઇબુચાચાની ઉદારતા અને નિખાલસતા અરજણકાકા જોઇ રહ્યાં. ક્યાં ઇબુચાચા જેવાં નાના માણસનું મોટું મન, અને ક્યાં ઓલા મુનિમ જેવા મોટા માણસનો સંકુચિત જીવ! વાહ ઇશ્વર તારી કમાલ!

“ઇબુચાચા, તારી સાઇકલ ભલેને જૂનવાણી હોય, પણ ઓલાં છોકરાંવની ટોળી હારે તારી સવારી હાથીની અંબાડી જેવી શોભતી હતી હો.”

રામ અને રહીમની આંખો મળી, દોસ્તીનો દરિયો ઉભરાયો અને બંને ભેટી પડ્યા. એકબીજાનાં ખભ્ભે હાથ નાખીને ઝૂલતાં હતાં. જાણે કૃષ્ણ-સુદામાની જોડી. ધર્મની ધાર આજે પણ તેમની દોસ્તીને તોડી શકી ન હતી.

“હાલ અરજણ, હવે હું રજા લઉં? મારે હજી ફૂગ્ગા વેચવાનાં છે.”

“રોટલા ખાઇને જાજે ભાઇબંધ.” અરજણે આગ્રહ કર્યો.

“ના અરજણ, તને તો ખબર જ છે કે હું કૂતરાને રોટલા નાખ્યા વગર ખાતો નથી. ગામમાં રોટલા નાંખીશ, થોડાંક ફૂગ્ગા વેચીશ અને પછી ઘરે જઇને અમીના હારે રોટલો ખાઇશ.”

“ભલે ભેરું, જેવી તારી મરજી. કાલે પાછા મળીશું”

“ઇ તો જેવી માલિકની મરજી.”

“ખુદા હાફિજ.”

ઇબુચાચા સાઇકલ પર સવાર થયા. ટ્ર્રીન..ટ્રીન... ટ્રીન...ટ્રીન...કરતાં કરતાં સાંકડી શેરીઓમાં ફરીને કૂતરાંને રોટલો નાખ્યો. માથે હાથ ફેરવ્યો અને આગળ હાલતાં થયા.

થોડાં આગળ જઇને વડલાનાં છાંયડે પોરો ખાવા બેઠાં. થોડું પાણી પીધું. ખિસ્સામાંથી સિક્કા કાઢીને ગણવાં લાગ્યાં. આમ તો આ તેમનો રોજનો ક્રમ હતો. પણ આજે સિક્કા ગણવાની થોડી વધારે તાલાવેલી હતી. આજનાં વેપારનાં અને બીજા ખિસ્સામાં સાચવીને મૂકેલાં સિક્કા ગણ્યાં. મોઢું હરખાઇ ગયું. અમીના માટે નવું કાપડું લેવામાં થોડાંક રૂપિયા ઘટતાં હતાં, જે આજે ભેગા થઇ ગયા. બધા સિક્કાની પોટલી વાળીને ખિસ્સામાં નાખી. મનમાં અલ્લાહનો આભાર માન્યો.

યા માલિક...યા માલિક...બોલતાં બોલતાં ઝડપથી સાઇકલ ચલાવી. ગામમાં આવીને સીધા જ સુલેમાન સઇની દુકાને ઊભા રહ્યાં.

“સલામ વાલેક્કુમ, સુલેમાનમિયા”

સુલેમાન સઇ નામનો જ દરજી હતો. આખા ગામની ખબર રાખવી અને સૂબાને ફાન ફૂંસી કરવી એ એનું મુખ્ય કામ હતું. સુલેમાનનાં લખણની આખા ગામને ખબર હતી, પણ સૂબેદાર હારે સારા સંબંધ એટલે કોઇ બોલે નહિં.

ઇબુચાચાને આવતાં જોઇને સુલેમાન ચશ્મા નીચા કરીને સીવવાં લાગ્યો.

ઇબુચાચા ઓટલે ઊભા રહ્યાં. આવકારો ન મળ્યો એટલે ઓટલાથી આગળ ન વધ્યા. અપમાન જેવું લાગતું હતું, પણ અમીના માટે કાપડું લેવું હતું એટલે ગમ ગળી ગયા.

“સલામ વાલેક્કુમ, સુલેમાનમિયા” ઇબુચાચાએ ફરીથી કહ્યું.

થોડીવાર પછી સંચો બંધ કરીને મોઢું ઊંચું કર્યું. ચશ્મામાંથી નજર કાઢીને “આવો” એટલો ટૂંકો જવાબ દીધો.

“સુલેમાનભાઇ, અમીના માટે મેં તમને કાપડાંનું કહ્યું હતું તે આવી ગયું?”

“કાપડું?.....ક્યું કાપડું?”

“અરે સુલેમાનભાઇ, જૂઓને હું અને અમીના ગયા વખતે કાપડું લેવા આવ્યા હતાં, ત્યારે અમીનાને ગુલાબી કાપડું ગમી ગયું હતું. પીળું ભરત ભરેલું હતું. ગુલાબી ફૂલ હતાં. અને આખામાં ઝરીનાં તાર હતાં એ કાપડું.” ઇબુચાચા હરખભેર બધું બોલી ગયા.

“તમે ક્યાં કાપડાની વાત કરો છો?” સુલેમાને યાદ કરવાનો ડોળ કર્યો.

“ભાઇ, સરખું યાદ કરો. ગયા વખતે હું લેવા આવ્યો હતો, પણ એમાં થોડા રૂપિયા ઘટતાં હતાં, એટલે મે તમને એ સાચવીને રાખવાનું કહ્યું હતું....યાદ છે?” ઇબુચાચા ગભરાઇ ગયા.

“સાલ્લું...કંઇ યાદ આવતું નથી. શેની વાત કરો છો?” સુલેમાને જાત મુજબ કળા કરવાનું ચાલું રાખ્યું.

ઇબુચાચાનો જીવ મૂંઝાઇ ગયો. અમીનાને એ કાપડું બહું ગમી ગયું હતું. કેટલાય વખતથી લેવાનો વિચાર હતો, પણ ફદિયાનો મેળ થાતો ન હતો. સાઇકલનો પંખો નાખવાનું માંડી વાળીને કાપડાં માટે પૈસા ભેગા કર્યા હતાં. હવે માંડ રૂપિયાનો મેળ થયો ત્યાં કાપડું મળતું નથી. ઇબુચાચાને નિરાશા ઘેરી વળી. અમીનાને ખુશ કરવાનાં અરમાન ઉપર ટાઢું પાણી ફરી ગયું. મનોમન અલ્લાહને યાદ કર્યાં. આશા અને નિરાશા વચ્ચે દુકાનમાં ચારેકોર નઝર કરી પણ કંઈ દેખાયું નહિં. થોડા અંદર ઘુસીને ફરી ઝીણી નઝર કરી. અચાનક અભેરાઇનાં ખૂણામાં ગુલાબી રંગનો છેડો દેખાયો. નઝર રોકાઇ ગઇ. હરખાઇને બોલી ઊઠ્યાં: “એ રહ્યું ખૂણામાં.”

પોતે સંતાડેલું કાપડું દેખાઇ જતાં સુલેમાન ઝંખવાણો પડી ગયો.

“કયાં છે? ક્યાં છે?” કરતો ખૂણા પાસે ગયો.

“સાલ્લું અહીં સંતાઇને પડ્યું છે.” એમ બોલી બહાર કાઢ્યું.

ઇબુચાચાનાં જીવમાં જીવ આવ્યો. સુલેમાનનાં હાથમાંથી ઝડપથી ઝૂંટવી લીધું.

“કેટલા ફદિયા આલું?”

સુલેમાન ખંધું હસતાં બોલ્યો; “આમ તો આવું કાપડું હવે ક્યાંય મળતું નથી. પણ અમીનાભાભીને ગમી ગયું હતું એટલે ખાસ મંગાવી દીધું છે. એટલે મોંઘું આવ્યું છે. વળી સુબેદારની નઝરમાંથી બચાવવાની પણ કિંમત થાય. એટલે ત્યાર કરતાં અત્યારે વધુ રૂપિયા આલવાં પડશે, ઇબુભાઇ.”

ઇબુચાચા સુલેમાનની લુચ્ચાઇને જોઇ રહ્યાં. પાવલી-પાવલી ભેગી કરીને આજે અમીના માટે કાપડું લેવાનો મેળ થયો છે, એમાં પણ આ સુલેમાનને શરમ નથી. કચવાતાં જીવે સિક્કાની પોટલી સુલેમાનનાં હાથમાં આપી દીધી.

સિક્કા ગણતો સુલેમાન હરખાતો હતો અને ઇબુચાચાનો જીવ કપાતો હતો. ઊકળતાં મને ઓટલો ઉતરી ગયા. સાઇકલનું પેડલ મારી ઘર તરફ ઉપડ્યા. મનમાં નવા કાપડાનાં વિચાર શરૂ થઇ ગયા. નવું કાપડું ઓઢેલી અમીના તેને નઝર સામે દેખાવા લાગી. મોઢા ઉપર ચમક આવી ગઇ. પગમાં જીવ આવી ગયો અને ટ્રીન....ટ્રીન...ટ્રીન...ટ્રીન...કરતી સાઇકલ દોડાવાં લાગી.

ઘરની ડેલી પાસે સાઇકલ ઊભી રાખી. ખડકીમાંથી અંદર ડોકું કાઢ્યું. અમીના ક્યાંય દેખાઇ નહિં. કદાચ રસોડામાં રોટલા ટીપતી હશે. આજે અમીનાને અચાનક આ નવું કાપડું ઓઢાડીને ખુશ કરી દેવી છે, એમ બબડતાં-બબડતાં અંદર ઘુસ્યાં.

“એકલાં-એકલાં શું બબડો છો?” વાડામાંથી આવતી અમીના બોલી.

ઇબુચાચાએ કાપડું પોતાની પાછળ સંતાડી દીધું. પણ અમીના દેખી ગઇ.

“આ પાછળ શું સંતાડો છો?”

“કંઇ નથી, અમીના. એ તો બસ એમ જ.”

“ખોટું બોલવાનું રહેવા દો. તમારી હારે પાંચ દહકાં કાઢ્યાં છે. હું તમને ઓળખતી નહિં હોઉં? શું લાવ્યા છો?”

પોતાની ચોરી પકડાઇ ગઇ. એટલે ઇબુચાચા પ્રેમથી બોલ્યાં: “અમીના, તારા માટે એક ચીજ લાવ્યો છું, તને ગમતી ચીજ. એટલે એમ નહિં બતાવું. તારી આંખો બંધ કરીદે.”

“બચપના કર્યા વગર હવે બતાવી દો. મારે હજી રોટલા ટીપવાના છે.” એટલું બોલી અમીના રસોડા બાજુ ચાલતી થઇ.

ઇબુચાચાએ તેને રોકી.

“અમીના, એમ ના કર. તારી ગમતી ચીજ છે. આંખ બંધ કરીને ઊભી રહે.” ઇબુચાચાએ જીદ કરી.

“એવી વાત છે? મારા માટે લાવ્યા છો? તો ઊભા રહો. હું પણ તમને કંઇક આપવાની છું.

અમીના અંદર ગઇ. થોડીવાર પછી પોતાની પાછળ સંતાડીને કંઇક લાવી. ઇબુચાચા વિચારમાં ખોવાઇ ગયા. અમીના શું લાવી હશે? શુંકામ લાવી હશે? પૈસા ક્યાંથી કાઢ્યા હશે? પોતાની બંગડી લેવાને બદલે મારા માટે શું લાવી હશે?

“હવે તમે આંખો બંધ કરો”

“ના અમીના, તું આંખો બંધ કરી ઊભી રહે.”

“ના, તમે.”

“ના, તું.”

મીઠી રકઝક સાથેનો આગ્રહ લાંબો ચાલ્યો.

“તો પછી અમીના, આપણે એમ કરીએ કે બંને આંખો બંધ કરી ઊભા રહીએ અને બંને હારે જ ચીજ આલીએ.” ઇબુચાચાએ વચલો રસ્તો કઢ્યો.

“કબૂલ.”

બંનેએ આંખો બંધ કરી. એક હારે જ ચીજ સામે રાખી. બંનેએ હારે આંખો ખોલી.....અને પછી ખુલ્લી જ રહી ગઇ.

કેમકે ઇબુચાચાનાં હાથમાં હતો અમીનાને ગમતું ગુલાબી કાપડું અને અમીનાનાં હાથમાં હતો સાઇકલનો પંખો.

બંનેનું હૈયું ભરાઇ ગયું, આંખો છલકાઇ ગઇ અને એકબીજાનાં વિચારમાં ઊંડા ઉતરી ગયાં.

***

રચનાકાર:

પીયૂષકુમાર પી. જોટાણિયા

કુંકાવાવ (જિ-અમરેલી)

9429222277