મારી વ્હાલી દીકરી Shakti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી વ્હાલી દીકરી

મારી વ્હાલી દીકરી

આજે જયારે તું વિવાહ-યોગ્ય થઇ આ ઘરમાંથી વિદાય થવા તૈયાર થઇ રહી છે ત્યારે હું તને કંઈક કહેવા માંગુ છું. તારી સામે હોત તો કદાચ મારી લાગણીઓને ઉમટતાં નહિ રોકી શક્યો હોત. આથી વિચાર્યું કે લાવ પત્ર દ્વારા મારી વાત તારા સુધી પહોચાડું.

હજુ પણ એ દિવસ મને યાદ છે જયારે તારો જન્મ થયો હતો અને તારી મમ્મી કરતા પણ પહેલાં મેં તને જોઈ હતી. સાવ નાની નાજુક પરી જેવી તું મને જોતા જ હસી ઉઠી હતી. અને ત્યારે એક પિતા બનવાની લાગણીથી હું પરિચિત થયો હતો. ઘણાં લોકોને એવી આશા હતી કે છોકરાનો જન્મ થાય તો સારું. પણ મારા માટે અને તારી મમ્મી માટે તો તું અમારા જીવનમાં એક નવું જ પરોઢ લઈને આવી હતી લક્ષ્મીના રૂપમાં.

જરાક મોટી થઇ પછી તારી કાલીઘેલી વાતો અને નાના નાદાન તોફાનો જોવામાં મારો આખા દિવસનો થાક ક્યાં ઉતરી જતો એ ખ્યાલ જ નહિ રહેતો. આમ પણ પહેલેથી તને તારી મમ્મી કરતાં મારી સાથે લગાવ કંઈક વધારે રહ્યો છે. નાની હતી ત્યારે ક્યારેક તને વઢું કે કોઈક વાર તારા તોફાનોથી હેરાન થઈને હાથ ઉપાડું તોય તું અડધો કલાકમાં ફરી પાપા પાસે જ આવી જતી. મને તારા બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે કે જયારે તું તારી મમ્મી સાથે તારા મામાને ત્યાં રહેવા ગઈ હતી. તું નાની હતી એટલે હજુ બોલી શકતી ન હતી છતાંય ત્યાં મારા વગર તું એટલી હિજરાતી હતી કે તું સતત રડતી રહેતી. તારા મામાના ઘરે બધાં ઘભરાઈ ગયા હતા કે તને શું થઇ રહ્યું છે? અંતે તેં રડવાનું બંધ નહિ કરતાં મમ્મીએ રાતે જ ફોન કરી મને જાણ કરી. અને બીજે દિવસે સવારે જેવો હું તારા મામાને ત્યાં ઓટલા પર પહોંચ્યો કે તરત મને બારીમાંથી જોઈને તેં રડવાનું બંધ કરી દીધું. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે વાસ્તવમાં તું મારા વિના રહેવાની ટેવ ન હોવાના લીધે રડે છે. ત્યારથી આજદિન સુધી બહુ ઓછા એવા પ્રસંગો બન્યા છે કે તું મારાથી દૂર રહી હોય.

નાની હતી ત્યારથી તું મને મારી દાદી હોય એમ વઢે, "પપ્પા આમ નહિ કરવાનું.", "પપ્પા સમયસર દવા લઇ લો.", "પપ્પા તમારાથી આ રીતે મમ્મીને ખિજાવાય?".. અને હું બસ તને સાંભળતો રહું. ક્યાં જતાં રહ્યા એ દિવસો? સમય જાણે પાંખ લગાવીને ઉડી ગયો અને તું મોટી થઇ ગઈ. જયારે કોઈપણ તારા લગ્ન વિશે વાત કરે ત્યારે હું અંદરથી એકદમ હચમચી ઉઠું છું. મારી ઢીંગલી જેને મેં એક ફૂલની જેમ ઉછેરી એને મારે કોઈ અન્યનાં હાથમાં સોંપી દેવાની? હું કઈ રીતે રહી શકીશ મારી દીકરીથી આટલું દૂર? અરે જેને સોંપવાની છે એને થોડી ખબર છે કે મારી ઢીંગલીને આઈસક્રીમ બહુ ભાવે પણ એ જ આઈસક્રીમ જો એ રાત્રે ખાય તો એને કફ થઇ જાય છે. એના સાસરે કોણ એની વાતો કહ્યા વિના સમજી જશે? જે ઘર તારી વાતો અને કિલકારીથી સદાય ગુંજતું રહે છે એ જ ઘરમાં જયારે તું મહેમાનની જેમ આવીશ ત્યારે કેવી રીતે જોઈ શકીશ હું તને?હું જાણું છું દીકરા કે સંસારનો નિયમ છે કે દીકરીને સાસરે વળાવવી જ પડે પણ છતાંય મનને સમજાવવું કપરું છે.

તેં જયારે તારા માટે જાતે પાત્ર પસંદ કર્યું ત્યારે તારો વિરોધ કરવાનો મારો ઉદ્દેશ્ય લેશમાત્ર પણ ન હતો. પણ એક પિતા તરીકે મને ચિંતા હતી કે ક્યાંક સાસરે તને કોઈ દુઃખી તો નહિ કરે ને? તારું ભવિષ્ય એ વ્યક્તિ સાથે સુરક્ષિત તો હશે ને? એ વ્યક્તિ પણ તારી અને તારા સ્વમાનની રક્ષા કરશે ને? તને ત્યાં એકલા પડી જવાની લાગણી તો નહિ થાયને? હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં તને તારા કોઈ પણ નિર્ણય માટે પસ્તાવો થાય આથી જ દરેક બાબત વિશે તારી સાથે ચર્ચા કરવી મને જરૂરી લાગી. એક માતા-પિતા તરીકે અમારી ફક્ત એ જ ઈચ્છા હોય કે તું ખુશ રહે. તારી ખુશીથી વધારે અમારા માટે શું હોય શકે?

દીકરા આમ તો હંમેશા આપણે ચર્ચા કરતા હોઈએ એટલે તું જાણે જ છે છતાંય થોડી વાતો કહેવા માંગુ છું. દીકરા, અમારી જેમ જ તને ત્યાં તારા નવા માં-બાપ મળશે. શક્ય છે કે એ લોકોના વિચાર, રહેણી-કહેણી અહીંયા કરતાં થોડી અલગ હોય તો ત્યારે તું શક્ય તેટલી ધીરજથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાનાં પ્રયત્નો કરજે. છતાંય ક્યારેક તને એવું લાગે કે કોઈક બાબતમાં એમની સાથે વિચારોનો મેળ નથી જ પડતો તો ત્યારે શાંતિથી અને વિવેકથી તારી વાત કહેવાનો પ્રયાશ કરજે. મને અચૂક વિશ્વાસ છે કે તેઓ તારી વાત સમજશે. એ જ રીતે એના ઘરનાં દરેક સભ્યો સાથે શાલીનતાથી વર્તન કરજે અને અમે જે સંસ્કારો તને આપ્યા છે તેને દીપાવજે.

વળી ક્યારેય તારા સાસરાને પિયર સાથે સરખાવીશ નહિ. કોઈક વાર એવું બને કે સાસરામાં આર્થિક પરિસ્થિતિ નાજુક હોઈ તો એ સમયે તું હિમ્મત હાર્યા વિના તારા પતિનો સાથ આપજે. અથાગ પરિશ્રમ અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા વડે તમામ સમસ્યાનું સમાધાન થઇ શકે છે દીકરા. આવા સમયમાં તારા પતિને હૂંફ, સહકાર અને આગળ વધવાનું પ્રોત્સાહન આપજે.

કોઈક બાબતમાં તું મુંજાઈ જાય, શું કરવું એ નહિ સમજાય ત્યારે તારા પતિને મિત્ર ગણીને શાંતિથી તારી વાત રજુ કરજે. એ નવા વાતાવરણમાં સેટ થવામાં ચોક્કસ તારી મદદ કરશે. અને ha દીકરા, તારા પતિને તારો મિત્ર ગણજે, એના દરેક સારા-ખરાબ વખતમાં એની પડખે ઉભી રહેજે. પણ સાથે સાથે સતત એના કામમાં દખલગીરી કરી એને પોતાનાથી દૂર નહિ કરીશ. અહીંયા તું દરેક બાબતમાં મક્કમપણે તારો અભિપ્રાય દાખવે છે અને પોતાની મનમાની ચલાવે છે. પણ ત્યાં જઈને પહેલાં દરેકના વિચાર સાંભળીને પછી પોતાનો અભિપ્રાય શાંતિથી રજુ કરજે. અને હા, ત્યાં કોઈ તારા ધાર્યા મુજબ નહિ વર્તે તો એ વાતને તું દિલથી લગાડીશ નહિ. જરૂરી નથી કે દરેક માણસ તારી ઈચ્છા મુજબ જ વર્તે.

એક વાત હંમેશા ધ્યાન રાખજે દીકરા કે લગ્ન થઇ જવાથી અમારા પરનો તારો અધિકાર ઓછો બિલકુલ નથી થતો. તારો અધિકાર હંમેશા અમારા પર હતો અને રહેશે . ક્યારેક એવું લાગે કે તારું કોઈ નથી, તું પોતાની જાતને એકલી મહેસુસ કરે ત્યારે યાદ રાખજે કે તારા માં-બાપ હમેશા તારી પડખે છે અને રહેશે. પોતાની જાતને ક્યારેય એકલી સમજીને મુંજાઈશ નહિ. હું અને તારી મમ્મી બન્ને બસ એક ફોન જેટલા દૂર હોઇશુ.

બસ આટલું કહેવું હતું. તારા સંસ્કારોમાં અમને શ્રદ્ધા છે દીકરા. સદાય જીવનમાં ખુશ રહે અને ભગવાન તમામ ખુશીઓ તારા ખોળામાં ભરી દે પ્રાર્થના રહેશે ભગવાનને. ઘર તેમજ ઘરનાં દરેક સભ્ય તારા પોતાના છે અને પોતાના રહેશે. અહીંયાની દરેક વસ્તુઓમાં તારી યાદ સમાયેલ છે અને તારી દરેક નાની-નાની વસ્તુઓને અમે સાચવશું. જેથી જયારે પણ તું અહીં આવે ત્યારે ફરી મારી ઢીંગલી બનીને આખા ઘરને કિલ્લોલથી ભરી શકે અને જીવનને ફરી ફરી માણી શકે.

લિખતિંગ,

રાતોના ઉજાગરા કરી તારી વિદાય માટે મનને મનાવી રહેલ તારા પપ્પા.

***