કિંમત Mahesh sparsh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિંમત

કિંમત

“ પાં..ચ..સો.રૂપિયા ? ના,ના... આપીશ. હજુ તો પહેલાનાં આપેલાં જ ક્યાં પાછા આપ્યા છે ?” બા એકદમ તાડૂકી ઊઠી.

જોકે એની વાતેય સાચી હતી. અગાઉ ઘણી વખત મહીજીને કે તેની માને ટાણે – કટાણે સો – બસો રૂપિયા ઉછીના આપ્યા હતા. પણ એકેય વખત પાછા મળ્યા નથી. એટલે જ કદાચ, આ વખતે બાએ મને આપવા દીધા નહીં હોય.

પણ, આ વખતે તો મહીજી બીચારો બહું તકલીફમાં હતો.

“ એક નોનછીંક ફોલ્લી જેવું થયેલું. એમોંથી આ બધી રોંમાયણ થઇ. ખબર નય કશુંક એરું બેરું આભડી જ્યુંસ...ક... બીજું કોંઇ ! કશી ખબર પડતી નંય. પંદર દા’ડાથી ઘર – ઘરાકું દવા કરી જોય પણ, કશો ફરક પડતો નથ. ગોંમવારા દાક્તર જોડે જ્યો તો કે છ ક.. વેરાહર શે’રમોં જંઇન હારા દવાખોનામોં દવા કરાય. નંઇ તો આખો પગ..” એટલું કહેતા કહેતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલા.

થોડી વાર પછી એણે વાત આગળ વધારતા કહ્યું, “ જો તું, પોંનસો રૂપિયા આલે તો ઉં દવાખોને જવ.”

એની આંખોનાં ઝળઝળિયાંએ મારા હ્રદયને ભીનું ભીનું કરી દીધું. મારી પાસે હજાર રૂપિયા હતા. થોડી ખેંચ પડત પણ જેમતેમ કરી ગાડું ગબડાવી લેત. દસ – પંદર દીવસમાં પગાર પણ થવાનો હતો. મનમાં તો મેં મહીજીને પાંચસો રૂપિયા આપી દેવાની તૈયારી કરી જ લીધી હતી. પણ...

“ પ્રિતેશ પૈસા બૈસા આપતો ના. તને તો ખબર છે જ ને કે આપણને જ કેટલી બધી તાણ પડે છે. એક એક રૂપિયો વિચારી વિચારીને વાપરવો પડે છે.” મોટા બહેને પણ બાના પક્ષમાં વોટ આપ્યો.

મેં સામે દલીલ પણ કરેલી, “ બીચારાને દવા નહી થાય તો પગ કપાવવાનો વારો આવશે. અને આપણે ક્યાં દયા – દાનમાં આપવા છે. ઉછીના તો માંગે છે. આપી દેશે પાછા.”

“ આવો ને આવો ભોળો રહીશને તો તું ભિખારી થઇ જઇશ એક દિવસ. આ લોકો તો ખાલી ખાલી બહાના બતાવી પૈસા પડાવતા હોય છે. થોડાંક રોંદણા રડે ને સામેવાળો પીગળી જાય. પૈસા આપી દે. પછી મનમાં ખુશ થાય કે પાછા ક્યાં આપવા છે તે આપણે ચિંતા ! એકેય વાર ત્યાંથી ઉછીના આપેલા પૈસા પાછા મળ્યા છે ખરા ? અરે ! એ બધું તો ઠીક પણ આપણા ઘેર કોઠીઓ ભરેલી છે ધનની? તે... લોકોના દુ:ખ દૂર કરતા ફરીએ? તારા પપ્પાના ચશ્મા ટૂટી ગયા છે એ જ પહેલા સરખા કરાવ ને? બે મહીનાથી કરિણાનું બીલ બાકી છે એ ચૂકવી દે ને પહેલા ? ના જોયા હોય તો પાછા મોટા દાનેશ્વરી કર્ણ ?” ફાટી ગયેલો બ્લાઉઝ સાંધતા – સાંધતા બાએ મારો ઉધડો જ લઇ લીધો.

મહીજીને હું કશો જવાબ આપી શક્યો નહીં. પછી તેણે વીલા મોંએ ઘર તરફ ચાલવા માંડ્યું. મારું મન પણ એની સાથે, દૂર દૂર ભૂતકાળ ભણી ડગ ભરવા માંડ્યું.

અત્યારે મારા ઘરને પાક્કો ઓટલો ને ઓટલાની ફરતે થોડી ઊંચી નાની પાળી છે, એ વરસો પહેલા નહોતી. ત્યારે હું માટીના ઓટલા પરથી ઠેકડો મારીને દિવસમાં ઓછામાં ઓછું ચાર – પાંચ વાર તો મહીજીની પાસે તેના ઘરના આંગણે લખોટીઓ રમવા કે બકરીના બચ્ચા રમાડવા જતો રહેતો. ત્યારે હું સાત – આઠ વરસનો હોઇશ અને મહીજી મારાથી ચાર પાંચ વરસા મોટો. હું ત્રીજા – ચોથા ધોરણમાં ભણતો હોઇશ ને એણે તો ક્યારેય સ્કૂલ જોઇ પણ નહોતી. તોય એની સાથે મારે પાક્કી ભાઇબંધી થઇ ગયેલી.

પછી તો અમારી એ દોસ્તી ઉંમરની સાથે સાથે ઘર આંગણું ઓળંગીને ખેતરો ને વગડા સુધી વિસ્તરતી રહેલી.

રજાના દિવસે ઘરનાઓની નજરમાંથી બચીને ચોરી – છૂપીથી મહીજી સાથે ગોરસ આંબલી, રાયણ ને બોર ખાવા દૂર દૂર ગમે તેના ખેતરમાં ને વગડામાં જતો રહેતો. ચોમાસામાં પૂર આવે પછી ઘણી વાર તો મહીજીની સાથે શેઢી નદીના કાંઠે ઉપડી જતો. મહીજી કાંટામાં અળસિયું પરોવીને ગલ પાણીમાં નાંખે. માછલી અળસિયું ખાવા કાંટો મોમાં નાંખે એટલે ગલ સહેજ ખેંચાય કે તરત જ મહીજી આંચકા સાથે ગલ ખેંચી લેતો. એ સાથે જ કાંટા સાથે માછલી પણ ટપાક દઇને બહાર !

ખબર નહીં, કેમ ? પણ, મને એ જોવાની બહું મજા આવતી. પરંતું મારા ભાગ્યમાં એ લ્હાવો લેવાનું માત્ર બે કે ત્રણ વાર જ લખ્યું હતું. કારણ કે ઘરે પિતાજીને એ વાતની ખબર પડી જાય તો, માછલીની જેમ મારા પણ રામ રમી જાય.

મહીજીની સાથે મધ કાઢવા જવાનું સાહસ પણ કરેલું. મહીજીનો તો એ ધંધો હતો. મધ કાઢવામાં એ એક્સપર્ટ હતો. ગમે તેવા ઊંચા ઝાડ ઉપર કે ગમે તેટલા કાંટા – ઝાંખરામાં મધપૂડો હોય તો એ પળવારમાં જ તેમાંથી મધ લઇ આવતો. એની મધ કાઢવાની રીત પણ નોખી હતી. મધમાખીઓથી ઉભરાતા પૂડા ઉપર તે માત્ર પોતાની હથેળી ફેરવતો ને જાણે કે તેના સ્પર્શમાં કોઇ જાદુ હોય એમ બધી મધમાખીઓ કશી જ કનડગત વિના સ્વેચ્છાએ પોતાનો મધરૂપી ખજાનો જાણે મહીજીના હવાલે કરી દેતી હોય એમ મધપૂડા ઉપરથી ઊડી જતી. પછી મધપૂડામાંથી એ મધ લઇ લેતો અને મારી સામે ધરી દેતો. ધરાઇને હું મધ ખાતો. મને પૂડા સાથેનું જ મધ ભાવતું. પૂડો મોંમાં મૂકીને ચાવો એટલે મધથી આખું મોં ભરાઇ જાય! જો કે મહીજી તો આખા પૂડાને એક પાતળા કપડામાં નાંખતો. પછી કાપડના ચારેય ખૂણા હાથમાં ભેગા કરી એક પછી એક આમળેટા આપે એટલે બધું મધ ગળાઇ જાય. કાપડમાં જે કાચું મીણ વધતું એને બજારમાં વેચી દેતો. મધ તો અમારા દેસાઇ વગામાં જ બધા વેચાતું લઇ લેતા. આવા ચોખ્ખા મધની એને સારી એવી કિંમત પણ મળતી.

એકવાર મેં પણ મધ કાઢવાની જીદ કરેલી. “ મનેય તારી જેમ મધ કાઢતા શીખવાડ.” પહેલાં થોડી આનાકાની પછી એ માની ગયો હતો. મને કહે, “ અવરે, અવરે પરેમથી મોંછો પર આથ ફેરવવાનો. જરાય બીવાનું નઇ.” પછી બીડી સળગાવીને ધુમાડો કાઢતાં – કાઢતાં તે કહે, “ ધુમાડાના લીધે મોંછો કૈડે નઇ.” પછી મારો હાથ પકડીને એણે મધમાખીઓ ઉપર ફેરવેલો. અદ્દભૂત ! મારા આશ્ચર્યની વચ્ચે બધી મધમાખીઓ ઊડી ગઇ ! મધ કાઢવાનો એ મારો પહેલો અને છેલ્લો અનુભવ. એ આખો દિવસ હું રોમાંચિત રહેલો. કોઇ મોટો જાદુ કર્યો હોય એવો અહેસાસ થયા કરેલો.

અમારા ગામમાં કે બાજુના ગામમાં નટ – બજાણિયા કે મલ્લ આવે એટલે ભવાઇના ખેલ થાય ત્યારે અને કોઇ સરકસવાળાઓએ પડાવ નાંખ્યો હોય ત્યારે. એ બધા ખેલ જોવાનું મને બહું ગમતું. પણ, એ બાધા ખેલ રાત્રે જ થતાં. એટલે એકલા તો જવાય નહીં. આવા વખતે મહીજી મારી વારે ધાતો. મારા બા – બાપુજીને એ બાબતે તો મહીજી પર વિશ્વાસ હતો કે એ મને સાચવીને લઇ જશે અને સાચવીને લાવશે. એટલે મને એની સાથે જવાની રજા મળતી. સાથે સાથે વાપરવા માટે બે – પાંચ રૂપિયા પણ મળતા. જો કે મોટા ભાગે મારે એ રૂપિયા વાપરવની જરૂર પડતી નહોતી. કારણ કે મને ભાવતું મીઠું પાન, ચોકલેટ કે બિસ્કિટ મહીજી જ પોતાના રૂપિયાથી ખરીદી આપતો. મારા આગ્રહ છતાં મારા રૂપિયા વાપરવા દેતો નહીં.

“ ચાલ હવે ઘરમાં. જમવું નથી કે શું ? ” ઘરમાંથી બાએ સાદ પાડ્યો. ઓટલાની પાળી ઉપરથી ઊભો થઇને હું ઘરમાં ગયો. જમવા બેઠો પણ કશું ભાવ્યું નહીં. હમણાં જ તો ભૂતકળની થાળીમાંથી બોર,રાયણ,મીઠું પાન, ચોકલેટ ને બિસ્કિટ એમ કેટલું બધું ધરાઇ ધરાઇને ખાધું હતું !

ઓટલાની પાળી પરથી ઊભા થતાં પહેલાં ત્રાંસી નજરે મેં મહીજીના ઘર ભણી જોઇ લીધું હતું. મહીજી ભોય પર પાથરેલી પથારીમાં પડ્યો પડ્યો બીડીના કસ તાણતો હતો.

હું ઘણી વાર મહીજીને કહેતો કે તું બીડી પીવાનું છોડી દે તો કેવું સારું ? નિશાળમાં મને સુટેવો – સંસ્કાર ને એવી બધી ડાહી ડાહી વાતોનું શિક્ષણ મળતું એના પરિપાક રૂપે હું એક શાણા માણસની પેઠે મારા જિગરી દોસ્તને સુધારવા પ્રયત્નો કરતો. “ તું બીડી છોડી દે તો દિવસની ચાર – પાંચ રૂપિયાની બચત થાય. અને મહિનાની સવા સો – દોઢસોની બચત થાય. તું કેટલી બધી બચત કરી શકે !”

મહીજી જવાબમાં માત્ર હસતો જ. હું એની સાથે મારી બધી જ વાતો કરતો. મારા ભણવાની, મોટા થઇને એન્જિનિયર બનાવાના સપનાની, સંગીત શીખવાની, કરાટે શીખવાની વગેરે. એને સમજણ પડે કે ના પડે પણ, હું મારા મનની બધી વાતો એની આગળ કરતો.એ એકાગ્ર થઇને સાંભળતો.

હું મોટો થઇને મોટો સાહેબ બનીશ એવુ જાણીને એ ખૂબ રાજી થતો. પણ, થોડી વાર પછી એ ઉદાસ થઇ જતો. “ તું મોટો સાયેબ થઇ જેસ પછી તો મન ભૂલી જ જેસ ને?”

હું એને કહું કે “હોતું હશે યાર! કેવી વાત કરે છે? તને તે ભૂલી જવાય? ” પછી જ એના ચહેરા પર ચમક આવતી.

મહીજી મારા મનમાંથી ખસતો જ નહોતો. રાત્રે પરાણે આંખ મીંચાઇ. પણ, મહીજી ત્યાંય હાજર ! કપાયેલાં પગ સાથે એ પ્રશ્નાર્થ નજરે મારી સામે તાકી રહ્યો હતો. જાણે કે એની એવી દશા માટે હું જ જવાબદાર ના હોઉં ?

અરે ! આ શું એક મહીજીમાંથી દશ – બાર મહીજી ક્યાંથી પ્રગટ થઇ ગયા ? જોર જોરથી બૂમો પાડીને એ બધા જ મારી પાસે હિસાબ માંગવા લાગ્યા.

“ લાવ, ખેતર ને વગડામાં ફરવા લઇ જતો એની કિંમત આપ. મેં ખવડાવેલાં બોર, રાયણ ને ગોરસ આંબલીની કિંમત આપ. મેં ખવડાવેલા મધની અને મધ કાઢવાનો જાદુ શીખવ્યાની કિંમત આપ. કાંટામાં પકડાઇ જતી માછલી જોવાનો આનંદ આપ્યો તેની કિંમત આપ. ભવાઇ ને સરકસ જોવા લઇ જતો એની કિંમત આપ. મેં ખવડાવેલાં પાન, બિસ્કિટ ને ચોકલેટની કિંમત આપ. એ બધાની વ્યાજ સાથેની કિંમત આપ મને..” મારો હાથ પકડીને કહે છે “ મને કિંમત આપ...ઊઠ...”

“ઊઠ ક્યારની બૂમો પાડુ છુ. આજે શનિવાર છે. સવારની સ્કૂલ છે. નોકરીએ નથી જવાનું ?” બા પથારી પાસે આવીને ક્યારનીય મને ઢંઢોળી રહી હતી.

ફટાફટ પથારીમાંથી બેઠો થઇ ગયો. ઝટપટ સ્નાનાદિ ક્રિયાઓ પતાવી. મોડું થઇ જતું હતું એટલે ચા – નાસ્તો કરવા પણ ના રોકાયો. અને સ્કૂલે જવા નીકળી ગયો. પણ રોજના કરતાં આજે જુદા રસ્તે, મહીજીના ઘરે થઇને ગયો.

- મહેશ “ સ્પર્શ ”