ડાકોરનો ફાગણી પૂનમનો મેળો Mahesh sparsh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

ડાકોરનો ફાગણી પૂનમનો મેળો

સંસ્કૃતમાં એક સરસ પંક્તિ છે “ ઉત્સવ પ્રિયા ખલુ માનવા: ” એટલે કે બધા માણસોને ઉત્સવ પ્રિય હોય છે. એમાંય ગુજરાતીઓ તો ખુબ જ આનંદી સ્વભાવના હોય છે. ઉત્સવો તેની એક આગવી ઓળખ બની ગયા છે. આજે આપણે આવા જ એક ઉત્સવની વાત કરીશું. જે ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે મેળા સ્વરુપે ઉજવાય છે.

પુરાતન કાળમાં ડાકોરની આસપાસનો આખો વિસ્તાર ખાખરીયા વન તરીકે ઓળખાતો હતો. ગાઢ જંગલવાળો આખો વનવિસ્તાર રળિયામણો હોવાથી ઋષિમુનિઓ તપા કરવા અહીં આવતા. એક દંતકથા મુજબ ડંકઋષિ નામના એક ઋષિ અહીં તપ કરતા હતા. એક દિવસ તેમના તપથી પ્રસન્ન થઇ ભગવાન શંકર પ્રગટ થયા. અને ડંકઋષિને વરદાન માંગવા કહ્યું. તો ડંકઋષિએ તો વરદાનમાં સ્વયં ભગવાનને જ માંગી લીધાં. તેમણે ભગવાનને કહ્યું , “ ભગવાન તમે અહીં મારી પાસે જ રહો.” આથી ભગવાન પોતનું વચન પાળવા પોતની હયાતી સ્વરુપે એક શિવલીંગ અહીં મૂકતા ગયા . જે ડંકનાથ મહાદેવના નામે પ્રસિધ્ધ થયું. જેને કારણે આ આખોય વનવિસ્તાર ડંકપુર નામે ઓળખાવા લાગ્યો.

હાલનું આ ડાકોર શ્રી કૃષ્ણના પરમ ભક્ત વિજયાનંદ બોડાણાને આભારી છે. બીજી એક દંતકથા મુજબ ભક્ત બોડાણા પોતાના હાથમાં તુલસીના કુંડા લઇને દર છ મહિને ભગવાનના દર્શન કરવા ડાકોરથી દ્વરિકા પગપાળા જતા. ૭૨ વર્ષની ઉંમર સુધી આ સિલસિલો છલુ રાખ્યો. પછી ભગવાને બોડાણાને કહ્યું કે હવે તમારે અહીં આવવાની જરૂર નથી. તમે ગાડું લઇને આવજો હું તમારી સાથે ડાકોર આવીશ. એટલે બોડાણાજી ગાડું લઇને દ્વારિકા ગયા. ત્યાં ગુગળી બ્રાહ્મણોએ તેમના ગાડાને અટકાવ્યું. અને તેમની ભગવાનને સાથે લઇ જવાની વાત પર હંસી ઉડાવી. બ્રાહ્મણોએ મંદિરના દરવાજાઓને તાળા મારી દીધા. ભગવાને બધા તાળા તોડી નાંખી ઊંઘી રહેલા બોડાણાને જગાડી પોતાને ડાકોર લઇ જવા કહ્યું. પછી બોડાણાનિ સાથે ભગવાન ગાડામાં બેસી ડાકોર આવવા નીકળ્યાં. પછી થાકેલા બોડાણાને આરામ કરવાનું કહી ભગવાને ગાડું હંકાર્યુ. બીજા દિવસે સવારે ઉઅમરેઠથી થોડે દૂર સીમળજ ગામ આગળ બિલેસ્વર પાસે લીમડા પાસે ગાડું ઊભું કર્યું. ભગવાને તે લીમડાની ડાળને પકડતા તેમના સ્પર્શથી તે મીઠી થઇ ગઇ હતી.

દ્વારિકાના ગુગળીઓ બોડાણાનો પીછો કરતાં ડાકોર આવી પહોચ્યાં. આથી ભગવાને પોતાની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડવા બોડાણાને કહ્યું. બોડાણાએ મૂર્તિ તળાવમાં સંતાડી દીધી. ગુગળીઓની સાથે આવેલા સૈનીકોમાંથી એકે બોડાણાની તરફ ભાલાનો પ્રહાર કર્યો. માથમાં સખત ઘા વાગવાથી બોડાણા મૃત્યુ પામ્યા. પણ ગુગળીઓ તો હઠ લઇને બેઠા કે મૂર્તિ લઇને જ જઈશું. છેવટે નક્કી થયું કે બોડાણાની પત્ની ગંગાબાઇ મૂર્તિની ભારોભાર સોનું ગુગળીઓને આપે તો તેઓ મૂર્તિ ડાકોરમાં રહેવા દેશે. ગંગાબાઇ પાસે તો સોનાની એક વાળી સિવાય કાંઇ નહોતું. આથી તોલાતી વખતે ભગવાન ગંગાબાઇની સવાવાલ વજનની વાળી જેટલા વજનમાં હલકા થયા. એટલે શરત મુજબ ગુગળીઓએ મૂર્તિ ડાકોરમાં જ રાખવી પડી.

નિ:સ્વાર્થ ભક્તિવાળા માણસોના હ્રદયકમળમાં ભગવાનનો વાસ થાય છે. એ ભક્ત બોડાણા અને ગંગાબાઇએ સિદ્ધ કરી બતાવ્યું. તેમના પ્રતાપે ડાકોર તીર્થધામ બની ગયું. દૂર દૂરથી ભગવાનનાં દર્શને લોકો આવવા લાગ્યા. ડાકોરની વસ્તી વધવા લાગી.ડાકોરવાસીઓ

અનન્ય ભક્તિભાવથી રોજ વિધ વિધ પ્રકારના ઉત્સવ કરવા લાગ્યા. ઠેર ઠેરથી ભક્તોની ભજન મંડળીઓ યાત્રાધામમાં આવવા લાગી. થોડા સમયમાં જ ડાકોર દૂર દૂરના પ્રદેશ સુધી સુપ્રસિદ્ધ થઇ ગયું.

ડાકોરનું રણછોડરાયજીનું હાલનું આ મંદિર ઈ.સ. ૧૭૭૨ માં એક લાખ રુપિયાના ખર્ચે શ્રી ગોપાલ જગન્નાથ તામ્બવેકરે બંધાવ્યું હતું. તેમાં બાર રાશી પ્રમાણે દરેક બાજુ બાર બાર પગથિયાં છે. આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે. ઊંચામા ઊંચો મિનારો નેવું ફૂટ્નો છે. તેના ચોવીસે મિનારા સોનાના વરખથી મઢેલા છે. તેમા કાળા રેતાળ પથ્થરની સવા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ ફૂટ પહોળી પ્રતિમા છે. મુખ્ય ઘુંમટની અંદર દિવાલો પર તૈલી ચિત્રો છે. જે શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર્યને દર્શાવે છે.

ખેડા જિલ્લાના આ પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું અનેરું મહત્વ છે. દર વરસે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવતાં હોય છે. ઘણાં બધાં તો પગપાળા આવે છે. આ ભાવિક ભક્તોની સેવાનો લહાવો લેવા સંખ્યાબંધ સ્વંમ સેવકો દ્વારા રસ્તામં ઠેર ઠેર વિસામા ઊભા કરવામાં આવે છે. અહીં તેમની નિશુલ્ક નિ:સ્વાર્થભાવે પૂરા ભાવ પૂર્વક ભોજન – પાણી , દવા – માલીસ વગેરે સેવા કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રસ્તાની આજુ બાજુ ઠેર ઠેર શૌચાલયો , સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવે છે.

શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની બસોની અને અલાયદા બસ સ્ટોપની પણ સુવિધા કરવામાં આવે છે. જિલ્લા પોલિસ વહીવટી તંત્ર પણ સુરક્ષાને ધ્યાને લઇને બાજ નજરે ખડે પગે રહે છે.

મેળાના દિવસે આખું ડાકોર દર્શનાર્થીઓથી ઊભરાય જાય છે. ગલીએ ગલીએ “ જય રણછોડ માખણ ચોર “ ના નારા ગુંજી ઉઠે છે. એટલું જ નહિ પણ ઠેર ઠેર વિવિધ પ્રકારની વસ્તુંઓ , રમકડાં અને ખાણી – પીણીની ચીજ વસ્તુંઓના સ્ટોલના લીધે મેળની જમાવટ જામે છે.

મેળાનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ઉત્સવ – દોલોત્સવનું આયોજન કરવામાં આવે છે તે છે. હજારોની સંખ્યામાં પ્રેક્ષકો બેસી શકે તેવા વિશાળ મેદાનમાં ભવ્ય મંડપ અને આકર્ષક સ્ટેજ બનાવવામાં આવે છે. જ્યાં સતત બે દિવસ સાંજના સમયથી મોડી રાત સુધી સમગ્ર જિલ્લાના શ્રેષ્ઠ કલાકારો દ્વારા ઉત્તમોત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકકળા રજૂ કરવામાં આવે છે. અને ડાકોરના ઈતિહાસ્ની ઝાંખી કરાવવામાં આવે છે. જે દરેક માટે એક યાદગાર ઉત્સવ બની રહે છે. રણછોડરાયજીના પાવન દર્શનની સાથે સાથે મેળાનો ભરપૂર આનંદ લૂંટવાનો લહાવો દરેકે એક્વાર તો લેવો જ જોઇએ.

મહેશ “ સ્પર્શ ”

મુખ્ય શિક્ષક

કન્યાશાળા , ઠાસરા

મુ.પો.તા. : ઠાસરા,

જિ : ખેડા. – ૩૮૮૨૫૦

મો : ૯૬૬૨૫૧૯૨૭૫

૯૬૩૮૯૯૪૬૫૯

Email : sparsh_mahesh@yahoo.com

ડાકોર રૂડું ધામ

શેઢી પખાળે પગ સદા, ને ગોમતી હૈયે રમે,

રણછોડજી જ્યાં છોડમાં ને પોળમાં વાસો કરે,

ડાકોર રૂડું ધામ જોવા લઇ જજે હો વાલમા.

ગાડામાં બેસી દુવારિકાથી જ્યાં દેવ પધર્યા,

ભોળા ભગતના નેહને વશ થઇ જ્યાં વસીયા,

ડાકોર રૂડું ધામ જોવા લઇ જજે હો વાલમા.

શ્યામલ થવા સારુ સહુ જન ગોમતીમાં નહાતા,

વરસો વરસ નવલા વરસે અંકોટ લૂંટાતા,

ડાકોર રૂડું ધામ જોવા લઇ જજે હો વાલમા.

જ્યાં હાજરી છે ભક્તની નિજ દેવની સેવા મહીં,

જ્યાં લીમડાની ડાળ છે મીઠી હેતે ઝૂલી રહી,

ડાકોર રૂડું ધામ જોવા લઇ જજે હો વાલમા.

જૂનાગઢ મહીં નરસૈયો, ડકોરમાં બોડાણો,

ને દાસ એક ‘ મહેશ ’ છે જેનો ડભાલીમાં જાણો,

ડાકોર રૂડું ધામ જોવા લઇ જજે હો વાલમા.

મહેશ “ સ્પર્શ ”

મુખ્ય શિક્ષક

કન્યાશાળા , ઠાસરા

મુ.પો.તા. : ઠાસરા,

જિ : ખેડા. – ૩૮૮૨૫૦

મો : ૯૬૬૨૫૧૯૨૭૫

૯૬૩૮૯૯૪૬૫૯

Email : sparsh_mahesh@yahoo.com