કૃષ્ણ - 3 Naman Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ - 3

કૃષ્ણ

ભાગ - ૩

માર્ગદર્શક - વ્યક્તિના જીવન માટે

નમન આર મુનશી

૧૩ - હંમેશા ખુશ

કદાચ, કૃષ્ણ એ દુનિયાના એકમાત્ર ભગવાન છે જેમની કોઈપણ દુખીસ્વરૂપમાં તસ્વીર કે મૂર્તિ ક્યાંય જોવા ન મળે. એવું નથી કે તેમને કોઈ તકલીફ ભોગવી જ નથી. બલ્કે, કૃષ્ણ એકમાત્ર ભગવાન છે જેના પર જન્મની સાથે જ મૃત્યુનો પણ ઓછાયો હતો. કંસરાજા માટે ભવિષ્યવાણી થઇ હતી કે તેનો વધ, તેની જ બહેન દેવકીના આઠમા પુત્ર ના હાથે થશે. કૃષ્ણ એ દેવકીનો આઠમો પુત્ર હતા. તેથી કંસે તેને મારી નાખવા અનેક યુક્તિ-પ્રયુક્તિ કરી, રાક્ષસોને મારવા વ્રજધામ સમયાંતરે મોકલતો જ રહ્યો હતો, કૃષ્ણે દરેકને મારવા માટે તેમની સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો - લડાઈ લડવી પડી હતી. આમ કૃષ્ણ ની જિંદગીની શરૂઆત જ સંઘર્ષમય વાતાવરણમાં થઇ હતી. ત્યારબાદ પણ મૃત્યુ સુધી અનેક લડાઈ લડવી પડી હતી. પરંતુ કૃષ્ણે ક્યારેય ચહેરા પર, પોતાના સ્મિત પર સંઘર્ષ, તણાવ કે દુઃખને હાવી થવા ન દીધું હતું. ચાહે રાક્ષસો જોડે લડાઈ હોય કે મહાભારતનું ભીષણ યુદ્ધ, કૃષ્ણ હંમેશા હાસ્યથી ભરપૂર રહેતા હતા. ચહેરા પર માત્ર મંદ હાસ્ય. કૃષ્ણ એ ખુશીનો પર્યાય હતા. તેથી જ તેમને સૌ કોઈ પસંદ કરતા હતા.

સુખ અને દુઃખ તો દિવસ અને રાતની જેમ જીવનના અભિન્ન અંગ છે. તેને કોઈ ટાળી શક્યું નથી, સ્વયં ભગવાન પણ નહિ. ધંધો, નોકરી કે વ્યવસાય, કાયમ સારા દિવસો કોઈના જતા નથી. ધંધામાં ક્યારેક તેજી હોય તો ક્યારેક મંદી હોય, તો ક્યારેક કોઈ નવી જ સમસ્યા આવીને ઉભી રહી જાય. ક્યારેક સારો વકરો થાય તો ક્યારેક ગ્રાહક માટે પણ ફાંફા પડે. નોકરીમાં ક્યારેક સરસ કામ થઇ જાય, બોસ ખુશ પણ થાય પરંતુ ક્યારેક બધું બરાબર હોવા છતાં ગડબડ થઇ જાય અને બોસ ગુસ્સે થાય. વ્યવસાયમાં ક્યારેક લાંબો કોન્ટ્રાકટ મળી જાય તો ક્યારેક દિવસો સુધી રાહ જોવી પડે. પણ પરિસ્થિતિઓ માટે, દુઃખી થઈને રડવા કરતા કે માથે હાથ મૂકીને બેસી રહેવા કરતા, હસતા-હસતા સમસ્યાનો સામનો કરવો જોઈએ. મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી.

બંગલા-ગાડીમાં રહીને પણ દુઃખી રહેવાય છે તો ઝૂંપડામાં રહીને પણ ખુશ રહેવાય છે. પરીક્ષા હોય કે રમત, હાર થઇ હોય કે જીત, યાદ રાખવા જેવી વાત એ છે કે જ્યાં વાદળ હોય ત્યાં જ મેઘધનુષનું સર્જન થાય છે. મેઘધનુષ હંમેશા ચોમાસામાં દેખાય છે, ઉનાળામાં નહિ. કોઈ માણસની જિંદગીમાં દુઃખ નહિ આવે તો સુખની કિંમત જ ન સમજાય.

જીવનમાં પડકારો પ્રત્યેનો અભિગમ જ, પડકારોને સરળતાથી ઝીલીને હલ કરી દે છે. જયારે તમારા સારા દિવસો હોય, જયારે તમારી દરેક વસ્તુ સારી રીતે જઈ રહી હોય, જયારે તમારા દરેક કાર્યમાં સફળતા મળતી હોય ત્યારે હસવું કે હસતા રહેવું ખુબ જ સરળ છે. પરંતુ, જયારે દરેક વસ્તુ ખોટી થઇ રહી હોય, દરેક કાર્યમાં અવરોધ સર્જાતો હોય કે દિવસો ખરાબ રીતે પસાર થતા હોય ત્યારે હસતા રહેવું કઠિન હોય છે. હાસ્ય તમને નીચે પડવા દેતું નથી. હાસ્ય તાણમાંથી રાહત અપાવે છે. ભૂલોને સુધારવાની નવી શક્તિ આપે છે. જયારે જિંદગીમાંથી 'હાસ્ય' ચાલ્યું જાય છે ત્યારે બધું જ ગુમાવ્યું ગણાય, જિંદગી પણ.

દુઃખ આવવાનું હશે તો આવશે જ, તેને આવવા દો. દુઃખને પણ ખુશીથી આવકારવા તત્પર રહો. જો તમે તેને બદલી શકો એમ હોય તો બદલી નાખો પરંતુ નકારાત્મક વિચાર કે દુઃખી ચહેરાથી, દુઃખની અસર વધુ અનુભવાશે. હાસ્ય-ખુશી, દુઃખને પણ ઉલ્લાસમાં - આનંદમાં બદલી નાખશે. કૃષ્ણ જયારે ગોવાળિયાઓ જોડે રમતા હતા ત્યારે પણ રાક્ષસો પીછો કરતા હતા, તેમને મારવા પ્રયત્ન કરતા હતા, તેમને પરેશાન કરતા રહ્યા હતા પરંતુ કૃષ્ણે ક્યારેય ગોવાળિયાઓ જોડે રમવાનું કે ગોપીઓ જોડે રાસ રચવાનું છોડ્યું નહિ. હસતા-હસતા દરેક રાક્ષસો જોડે મુકાબલો કર્યો અને માર્યા પણ.

માર્ગદર્શન -

કૃષ્ણ હંમેશા કહેતા હતા કે ભૂતકાળના કાર્ય પર રડતા રહેવાની જરૂર નથી, સમયની સાથે ચાલતા રહો, વર્તમાનમાં જીવો, એ પ્રમાણે કાર્ય કરો. જેથી ભવિષ્યમાં સુખી થાઓ. આશાવાદી બનો - ખુશ રહો.

૧૪ - સંઘભાવના

સંઘભાવના - કોઈપણ સંસ્થા, ધંધા, કે નોકરી, અન્યની મદદ વગર ચાલી શકે નહિ. માણસ એકલો કશું જ કરી શકતો નથી. કડવી વાત તો એ છે કે માણસ જ એકમાત્ર વહેમમાં જીવે છે કે તેના વગર કશું જ શક્ય નથી. ધંધો કે રમત-ગમે, સંઘભાવના ખુબ જ જરૂરી હોય છે. કોઈપણ સંસ્થાનું મહત્વ અને અસ્તિત્વ તેમાં રહેલી સંઘભાવના પર જ ટકે છે. જયારે કોઈ કામમાં 'ટાર્ગેટ' પૂરો કરવામાં સ્ટાફના દરેક સભ્યો સાથે મળીને કામ કરે ત્યારે જ પરિણામ મળે છે. ક્રિકેટની રામતમાં કોઈ બેટ્સમેનને સદી કરવા માટે, સામે છેડે બીજો દોડવાવાળો તો જોઈએ જ. કોઈ બેટ્સમેન ૩૦૦ રન કરે પણ ખેલાડીઓ 'કેચ' પકડવાનું જ છોડી દે તો?

કૃષ્ણે પોતે સર્વશક્તિમાન જ હતા. તેઓ માટે બધું જ શક્ય હતું પરંતુ તેમને કોઈપણ સિદ્ધિ પોતાને નામે જ અંકિત કરવાનું હંમેશા ટાળ્યું હતું. સંઘભાવના પર એમને હંમેશા મહત્વ આપ્યું હતું.

જયારે કૃષ્ણે ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું સૂચન કર્યું ત્યારે ઇન્દ્ર દેવ ક્રોધે ભરાયા, જોરદાર વરસાદ તેમજ આંધી-તોફાન સર્જીને વ્રજધામ પર ગુસ્સો ઉતાર્યો. ચારેતરફ અફડાતફડી, જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ, પશુ-પક્ષી તેમજ ગામવાસીઓ માટે આશરો લેવો અઘરો થઇ પડ્યો. ત્યારે કૃષ્ણએ સર્વના રક્ષણ માટે ગોવર્ધન પર્વત ને ટચલી આંગળીએ ઉપાડી લીધો, સર્વને તેની નીચે આશરો લેવાનું કહ્યું. બધા ગોવર્ધન પર્વતની નીચે પહોંચી ગયા એટલે કૃષ્ણે ત્યાં ઉપસ્થિત ગામવાસીઓને પોતાની લાકડીનો ટેકો આપવાનું કહ્યું. દરેક ગામવાસીને અહેસાસ થયોકે પોતાની લાકડીના ટેકે પર્વત ઉભો રહી શક્યો છે. સર્વ ને ગર્વ થયો, યશ મળ્યો પરંતુ ખરેખર તો પર્વતનું વજન કૃષ્ણે પોતાની આંગળી પર જ ઝીલી રાખ્યું હતું.

કૃષ્ણે દરેક સંગ્રામ વખતે પોતાના મોટાભાઈ બલરામને સાથેજ રાખ્યા હતા. ફક્ત સાથે જ રાખ્યા ન હતા પરંતુ દરેક વખતે તેમની બહાદુરી અને પરાક્રમની પ્રશંસા પણ કરતા હતા જેથી બલરામને પૂરતો જશ મળે, તેમજ તેમના કાર્ય માટે આત્મસંતોષ થાય.

સફળતાનું પહેલું પગથિયું સ્ટાફ, મિત્રો કે કુટુંબના લોકોનો વિશ્વાસ મેળવવાનું છે. આપણા કોઈપણ કાર્યમાં બીજાની જરૂર પડવાની જ છે. જે લોકો આપણને મદદ કરે છે, સહયોગ આપે છે. તેમનો આભાર માનવાનું ન ભૂલવું જોઈએ. તેમના સહકારનું મહત્વ અને મૂલ્ય સમજીને તેમને યશ આપવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. નોકરી કરતા, સાથે કામ કરનાર દરેક વ્યક્તિના કામની કદર કરવી જોઈએ. જો તમે ઊંચા પદ પર બેઠા છો તો અન્ય સ્ટાફની કિંમત પણ મૅનેજમેન્ટ ને સમજાય તે રીતે રજુઆત કરવી જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે ઉપરી અધિકારી કે ઊંચી પોસ્ટ પર બેઠેલ વ્યક્તિ એવી રીતે રજુઆત કરતો હોય છે કે બધું કાર્ય તેની પોતાની જ આવડતને કારણે થયું છે. સઘળો યશ પોતાને જ મળે તેવી કોશિશમાં રહે છે.

ઉદ્યોગ કે ધંધાના કે કંપનીના માલિકોએ પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પટાવાળાથી માંડીને સી. ઈ. ઓ. સુધીની બધી જ વ્યક્તિ કોઈક ને કોઈક ભાગ ભજવે છે. જો સી ઈ ઓ મોટા ગ્રાહકોને આકર્ષિત કરે છે તો પટાવાળો તેમને પાણી-ચા-નાસ્તો આપી સ્વાગત પણ કરે છે. દરેકના કામની કદર થવી જોઈએ. તેમને કામ પ્રમાણે આર્થિક લાભ પણ મળવો જોઈએ. હા, તેમને પગાર તો ચુકવવામાં આવે જ છે, પરંતુ ઘણી વખત તેમના કામના વખાણ પણ મહત્વના પ્રોત્સાહક નીવડે છે.

રાજકીય પક્ષ કે સરકારમાં પણ કોઈ નેતા એકલો જ કશું કરી શકે નહિ. તેમને પણ વખતોવખત સાથીઓની કદર કરવી પડે છે. સાથીઓ નારાજ થઇ જાય તો અન્ય જોડે જોડાઈ જશે.

કૃષ્ણે હંમેશા સંઘર્ષના સમયે ગ્રામજનોથી, સાથીઓથી, આગળ રહીને વાર ઝીલ્યો હતો, દરેક મુકાબલામાં તેઓ પ્રથમ રહેતા હતા, સાથે સાથે યશના ભાગીદાર અન્યને જ ગણાતા હતા. કૃષ્ણ મહાભારતના યુદ્ધ વગર જ દુર્યોધન અને કૌરવોને સબક શીખવાડવા, પરાસ્ત કરવા સમર્થ જ હતા. પરંતુ તેમ કરવા જતા ભગવાન તરીકેની છાપ લોકોમાં મજબૂત થતે ઉપરાંત માનવીનું માનવીય પ્રયત્નો, માનવીય શક્તિઓ, માનવીય પરિણામો પરથી વિશ્વાસ જ ઉઠી જાતે. આજે અર્જુનની સિદ્ધીઓનું ઉદાહરણ અપાય છે, પાંડવોની સંઘર્ષમય નીતિમત્તા સાથેની જીતનું ઉદાહરણ અપાય છે. કૃષ્ણે જાતે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો ન હતો પરંતુ તેઓ પોતે પોતાની જવાબદારીમાંથી ભાગ્ય ન હતા. યુદ્ધમાં પ્રત્યેક ક્ષણે સાથે રહેવા અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું. સમગ્ર યુદ્ધમાં સાચા નેતા તો કૃષ્ણ જ હતા, પરંતુ યુદ્ધનો સઘળો યશ પાંડવોની સેનાને તેમજ પાંડવોને આપ્યો.

માર્ગદર્શન - સંઘભાવના એ સફળતાનો આધારસ્તંભ છે.

૧૫ - આત્મવિશ્વાસ

૧ ડગલું આગળ મૂકવું તે પાછા ન હટવું, ન હટવું. .

૨ 'યા હોમ' કરીને પડો - ફતેહ છે આગળ.

૧૯ મી સદીના, સુરતના સમાજ સુધારક વિખ્યાત કવિ નર્મદની આ બે પંક્તિ ખુબ જ પ્રેરણાદાયક અને જુસ્સાવાર્ધક છે. જિંદગીમાં કોઈપણ કાર્યની શરૂઆત આત્મવિશ્વાસથી કરવી જોઈએ. "આત્મવિશ્વાસ" બીજા પાસેથી ઉધાર મળતો નથી, ઉછીનો લઇ શકાતોનથી, વેચાતો પણ મળતો નથી કે કોઈ ઝાડ પર પણ ઉગતો નથી. એ તમારે તમારી જાત પાસે મંગાવાનો છે. તમારી જાતે કેળવવાનો છે. હું આ કામ કરી શકીશ કે નહિ એવી દ્વિધા અનુભવાતી હોય, કાર્યની સફળતા વિષે શંકા-કુશંકા ચાલતી હોય તો પહેલું કામ આત્મવિશ્વાસ વધારવાનું કરવું જોઈએ. કોઈપણ કાર્ય કઠિન નથી જો કાર્યની શરૂઆત આત્મવિશ્વાસથી થાય. કાર્યમાં સફળતા કે નિષ્ફળતા મળતી રહે પરંતુ દરેક કાર્ય કરવું તો આત્મવિશ્વાસથી જ. જો એક નિષ્ફળતા થી ઘભરાઈને કે પરિસ્થિતિને લીધે કાર્ય છોડી દેશો તો સફળતા ક્યારેય ન મળે, પરિસ્થિતિ ક્યારેય ન બદલાય.

તમે શાળાએ જતા હોવ, કૉલેજમાં જતા હોવ, નવી કે જૂની નોકરી, નવો કે જૂનો ધંધો કરતા હોવ, આત્મવિશ્વાસ તમને પ્રગતિ જ કરાવશે. એક પગ આગળ પડશે તો બીજો આગળ જ પડશે એવો વિશ્વાસ તમારી જાત ઉપર રાખો, તેનું નામ 'આત્મવિશ્વાસ'. હંમેશા પ્રયત્નો ઊંચા રાખવા.

એક વખત એક ન્યુઝપેપરમાં એક કંપનીએ નોકરી માટે બે જાહેરાત આપી હતી. બંને જાહેરાતમાં ઉમેદવારની લાયકાત, જરીરિયાત, અનુભવ અને કાર્યક્ષેત્ર સરખા જ હતા. પરંતુ એક જાહેરાતમાં માસિક પગાર ૪૫૦૦૦/- અને બીજી જાહેરાતમાં માસિક પગાર ૯૦૦૦/- રૂપિયા હતો. બીજી જાહેરાત માટે ઉમેદવારોની અરજી લગભગ ૪૦૦૦ હતી તો પહેલી જાહેરાત જેમાં પગાર વધારે હતો તેમાં ફક્ત ૭ અરજી આવી હતી. કારણ? ફક્ત આત્મવિશ્વાસનો અભાવ.

મોટેભાગના લોકોએ પોતાને ૪૫૦૦૦ પગારને લાયક જ નથી એવી ધારણામાં બાંધી લીધા હતા, કેદ કરી લીધા હતા. જયારે બંનેમાં કામ એક જ સરખું કરવાનું હતું . માણસ પોતે જ આત્મવિશ્વાસ નહિ રાખે તો દુનિયાની કોઈ તાકાત તેને મદદ નહિ કરી શકે.

આત્મવિશ્વાસવાળી વ્યક્તિ દરેક મુશ્કેલીમાંથી પણ તક ઉભી કરી શકશે પરંતુ આત્મવિશ્વાસ ન હોય એ વ્યક્તિ દરેક તકમાં પણ ખામી જ કાઢશે. કોઈપણ કાર્યના બે જ પરિણામ હોય છે. ૧ સફળતા અથવા ૨ નિષ્ફળતા. આત્મવિશ્વાસ જ તમને સફળ કે મહાન વ્યક્તિ બનાવશે. આત્મવિશ્વાસ તમને નિષ્ફળતા પછી કાર્ય સારી રીતે કરવાની પ્રેરણા આપશે.

મહાભારતના યુદ્ધ વખતે અર્જુનની સામે ગુરુઓ, વડીલો સાથે એક એક થી ચડિયાતા યોદ્ધાઓ હતા. સગા-સંબંધીઓ સામે પક્ષે હોવા છતાં કૃષ્ણે અર્જુનને પોતાની જાત પર, પોતાના આયુધો પર, પોતાની આવડત પર, વિશ્વાસ રાખીને યુદ્ધ કરવાની આજ્ઞા આપી હતી. જેમાં અંતે વિજય અર્જુનનો જ થયો.

કૃષ્ણે પોતે, ફક્ત ૧૨ વર્ષની ઉંમરે પહોંચ્યા હતા ત્યારે કંસ જેવા બળવાન, કપટી રાજા જોડે મલ્લ-કુસ્તીમાં ઉતરવું પડ્યું હતું. શું કૃષ્ણે ત્યારે પોતાની અને કંસ વચ્ચે ની ઉંમરની તુલના કરી હતી? પોતાની અને કંસની તાકાતના ફરક વિષે વિચાર્યું હતું? કંસની સિદ્ધિઓ વિષે વિચાર્યું હતું? કૃષ્ણે પોતાની અને કંસ ની શારીરિક બાંધા વિષે વિચાર કર્યો હતો?

જવાબ છે 'ના'. કૃષ્ણે ફક્ત પોતાના પર વિશ્વાસ રાખ્યો, પોતાની વિદ્યા પર ભરોસો રાખ્યો, પોતાની મલ્લ-કુસ્તીની તાકાત સમજી. આ હતો સાચો આત્મવિશ્વાસ. પરિણામ. . . કંસ પરાસ્ત.

માર્ગદર્શન - મહાન વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે નો તફાવત ઘણી વખત આત્મવિશ્વાસ હોય છે.

૧૬ - શાંતિ અને વિકાસ

કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ચુક્યા હતા, દરેક સંજોગો અને માર્ગો યુદ્ધ તરફ જ જતા હતા. કૌરવ રાજકુમાર દુર્યોધન પાંડવોને કોઈપણ રીતે કંઈપણ આપવા તૈયાર ન હતો. તેની જીદ પાંડવોના હક્કને દબાવી રહી હતી. દુર્યોધને સ્પષ્ટ રૂપમાં કહી દીધું હતું કે તે પાંડવોને સોઈની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નથી. બધાને ખાતરી થઇ ગઈ હતી કે જો પાંડવોએ હક્ક મેળવવો હશે તો યુદ્ધ અનિવાર્ય છે, તેમ છતાં, કૃષ્ણ એક વખત છેલ્લો શાંતિનો પ્રસ્તાવ લઈને કૌરવોની સભામાં જવા તૈયાર થયા હતા.

પરંતુ ભીમે કૃષ્ણને કહ્યું કે જો યુદ્ધ નહિ થાય તો મારી પ્રતિજ્ઞાનું શું થશે? ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે દુર્યોધનના ભાઈ દુશાશનની છાતીનું લોહી દ્રૌપદીના વાળમાં લગાવશે.

કૃષ્ણે, પળનોય વિલંબ કાર્ય વિના કહ્યું કે 'જો તારી પ્રતિજ્ઞાના ભોગે, યુદ્ધ ટાળી જતું હોય અને રાજમાં શાંતિ સ્થપાતી હોય તો, તારી પ્રતિજ્ઞાનો ભોગ કઈ બહુ મોટો ભોગ નથી'. ટૂંકમાં જ કૃષ્ણે શાંતિનો મહિમા અને યુદ્ધના પરિણામની સ્પષ્ટતા કરી દીધી હતી. જ્યાં યુદ્ધ છે ત્યાં વિનાશ જ છે, ચાહે જીત કોઈની પણ થતી હોય.

આજે વિશ્વભરમાં ચારેતરફ આતંકવાદનો ફેલાવો થઇ રહ્યો છે, યુદ્ધ થઇ રહ્યા છે, ત્યારે કોને ફાયદો થતો હશે? વીશમી સદીમાં પણ બે વિશ્વયુદ્ધ થયા હતા. આતંકવાદ આજે એક બહુ જ વિકટ, આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ગયી છે. આતંકવાદથી કોઈપણ દેશ બાકાત નથી, દરેક દેશ પ્રભાવિત થઇ ચુક્યો છે. યુદ્ધ દરમિયાન લાખો સૈનિકો, હજારો લોકો જાન ગુમાવે છે. વિશ્વયુદ્ધ દરમ્યાન અનેક દેશોના, અનેક શહેરો નષ્ટ પામ્યા, કરોડોની સંપત્તિ ગુમાવી, અનેક લોકો પાયમાલ થયા. બીજા વુશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ઝીક્યાં ૧૯૪૫માં, જેની અસર ૭૦ વર્ષ પછી પણ અનુભવાય છે.

જ્યાં સુધી યુદ્ધ ટાળી શકાય એમ હોય ત્યાં સુધી ટાળવું જ જોઈએ. જયારે કોઈ જ આરો ન હોય અને રાષ્ટ્રના હિત માટે યુદ્ધ કરવું જ પડે એમ હોય ત્યારે જ યુદ્ધ કરવું જોઈએ. કૃષ્ણે છેવટ સુધી મહાભારતનું યુદ્ધ ટાળી જાય એવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ કૌરવો કોઈ રીતે સમાધાન કરવા તૈયાર ન હતા અને યુદ્ધ થયું. બંને પક્ષે ભયંકર જાન-માલનું નુકસાન થયું. કૃષ્ણે આજીવન યુદ્ધની સ્થિતિમાં પણ યુદ્ધને અંતિમ ઉપાય તરીકે જ પસંદ કર્યું હતું.

કૃષ્ણે કહ્યું છે કે યુદ્ધ એટલે વિનાશ અને શાંતિ એટલે વિકાસ. શાંતિ અને વિકાસ એક જ સિક્કાની બે બાજુ છે, જ્યાં શાંતિ હશે ત્યાં જ વિકાસ હશે, પ્રગતિ હશે. યુદ્ધમાં તો બંને પક્ષે ગુમાવવાનું જ વધારે હોય ચ્ચે. યુદ્ધ એટલે વિનાશ અને અધોગતિ. ભીમની પ્રતિજ્ઞાથીવધારે મહત્વ એમને શાંતિને આપ્યું હતું. જે દેશમાં પ્રજા હળીમળીને રહેતી હોય, જ્યાં રાજ્યો વચ્ચે ઝગડા ન હોય, પ્રજા વચ્ચે અહમ ન હોય, તે દેશ ઝડપથી પ્રગતિ કરે છે. જયારે પ્રગતિ થાય છે ત્યારે ફક્ત રાજ્ય કે દેશનો જ વિકાશ થતો નથી પરંતુ સમગ્ર દેશની પ્રજાની આર્થિક તેમજ સામાજિક ઉન્નતિ થાય છે. પ્રજાની સુખાકારી વધે છે.

હિટલર અને નેપોલિયન જેવા તાનાશાહો એ પોતાની સત્તાલાલસા ખાતર, વિશ્વને ગુલામ બનાવવા માટે વિશ્વયુદ્ધો કર્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ૪ યુદ્ધ થયા. અંતે માનવજગત માટે નુકસાનકારક જ નીવડ્યા.

માર્ગદર્શન -

કોઈપણ વ્યક્તિ વિશેષની પ્રતિષ્ઠા કે અભિમાન કરતા રાષ્ટ્રહિત વધુ મહત્વનું છે. યુદ્ધ કરતા શાંતિ વધારે મહત્વની છે.

૧૭ - જીવનને માણો

તમારી ઉમર કેટલી છે, તમારું ગામ કે શહેર કયું છે, તમારી આવક શું છે, બધું જ ગૌણ છે, મહત્વનું છે 'જીવન'. જિંદગીને મનભરીને માણો. કૃષ્ણે બાળપણ ગોવાળિયાની વચ્ચે,નદીકિનારે, વનવગડામાં, ગોપીઓની જોડે ધમાલ મસ્તીમાં, રાસ લીલા રમીને વિતાવ્યું. છોકરીઓ જોડે મન-મુક્ત બનીને ખેલ્યા, ક્યાંય છીછરી હરકત નહિ. યુવાન થયા, તરત વ્રજ છોડવું પડ્યું, કંસ જોડે યુદ્ધ કરતા પહેલા અને પછી અનેક રાજાઓ જોડે લડાઈ લડવી પડી, સાંદિપની ઋષિના આશ્રમમાં ભણ્યા, લગ્નથી લઈને મહાભારતના યુદ્ધ સુધી. બસ, લડાઈ, ઝગડા, સંઘર્ષ થી ભરપૂર જિંદગી. પરંતુ તેમણે જિંદગીને દરેક તબક્કે, દરેક રીતે માણી હતી. ક્યારેય ચેહરા પર દુઃખ નહિ, સ્થિતિ વિકટ હોય, સંઘર્ષમય હોય, તો પણ ચહેરા પર ફક્ત હાસ્યની જ છાપ. જિંદગીને માણતા શીખવું હોય તો કૃષ્ણ જીવનમાંથી જ. દુનિયાના એકમાત્ર ભગવાન જેને જન્મથી મૃત્યુ સુધીના જીવનને, પળે પળે માણ્યું હતું અને માણવાનો સંદેશ આપ્યો છે. કૃષ્ણે ક્યારેય ભારે ભરખમ ઉપદેશ આપ્યા જ નથી.

દોસ્તો જોડે મસ્તી પણ કરી, ગોપીઓના મટકા પણ ફોડ્યા, લોકોના ઘરેથી માખણની ચોરી પણ કરી, રાધા જેવી બે-ત્રણ સખીઓ જેની જોડે ખુલીને પ્રેમ પણ કર્યો, તો રાક્ષસોથી પોતાની જાતને બચાવી પણ ખરી. કૃષ્ણના જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો તો જણાશે કે જન્મથી મૃત્યુ સુધી, જીવનના દરેક પડાવ પર કૃષ્ણ, આપણને યુવાન રહેવા, સમય પ્રમાણે આનંદ લેવા, પ્રોત્સાહિત જ કરે છે. કૃષ્ણનો સંદેશ જ આ છે કે જિંદગી જેવી છે તેવી પણ તરછોડો નહિ, માણો.

સફળતા-નિષ્ફળતા તો દરેક ના જીવનનો ભાગ છે, જીવન નહિ. જિંદગી પ્રત્યેનો અભિગમ તમને માનવી બનાવે છે. બાકી જિંદગી તો પશુઓ પણ જીવે છે. આજે વિશ્વમાં મુશ્કેલીઓ, પડકારો વધી ગયા છે. ફક્ત મોંઘવારી કે રોજગારી જ મુખ્ય સમસ્યા નથી રહી પરંતુ આતંકવાદ જેવી સમસ્યા પણ માણસની જિંદગી કઠિન બનાવી રહી છે. કેટલાય લોકો ભૂખને કારણે મરી રહ્યા છે તો કેટલાક વધુપડતું ખાવાને લીધે, રોગી બનીને મરી રહ્યા છે. કેટલાક પોતાના સુખ કરતા બીજાના સુખને જોઈને દુઃખી થઈને ક્યાં તો મરી રહ્યા છે, ક્યાં તો મારી રહ્યા છે.

માણસે અનેક મોરચે લડવાનું હોય છે. ઘરમાં પત્ની, બાળકોને ખુશ રાખવાના હોય છે, નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે, ધંધામાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું છે, તો ડોક્ટરે દર્દીને જલ્દી સારો કરવાનો હોય છે, માણસને ક્યારેક તો દિવસના ૨૪ કલાક પણ ઓછા પડે છે.

આવી સ્થિતિમાં ખુશ કેવી રીતે રહેવું? મનને પ્રફુલ્લિત કેવી રીતે રાખવું? જીવનને કેવી રીતે માણવું?

આ જ તો અપને કૃષ્ણ પાસે શીખવાનું છે. કૃષ્ણએ સમસ્યાઓની વચ્ચે પણ જીવનની દરેક ક્ષણને માણી છે, દરેક ક્ષણનો ઉલ્લાસ મનાવ્યો છે. આપણે પણ આ જ રીતે જીવનનું મહત્વ સમજવું જોઈએ, ક્ષણનું મહત્વ સમજવું જોઈએ. ફક્ત સમસ્યાની ચિંતા કર્યા કરવાથી સમસ્યા ખતમ નથી થવાની પરંતુ, ઉલ્લાસથી જીવશો તો સમસ્યા એટલી વિકટ નહિ લાગે. ભણવામાં મન નથી લાગતું, વાંચવાની ઈચ્છા નથી થતી તો ઘડીક દોસ્તો જોડે રમી આવો પણ સમગ્ર જીવન 'રમત' માં પૂરું ન કરશો, ભણવાનું મહત્વ સમજો. જો કોઈ રમતને જ જીવનની કારકિર્દી બનાવવી હોય તો માતા-પિતાને વિશ્વાસમાં લો, પરંતુ જો ભણતર અગત્યનું છે તો રમતા રમતા, હસતા હસતા વાંચન વધુ સરળ બનશે. ભણવામાં નિષ્ફળતા, સારા માર્ક્સ નથી આવ્યા, પરીક્ષામાં નાપાસ થવું, ધંધામાં નુકસાન જવું, નોકરી છૂટી જવી, પ્રેમમાં નિષ્ફળતા, પ્રિય વ્યક્તિથી છુટા પડવું, ઘરમાં કંકાસ, માતા-પિતા-ભાઈ-બહેનનો ઠપકો જેવી અનેક નાની મોટી સમસ્યા નડતી હોય તો પણ ક્યારેય હતાશ થવું નહિ. કૃષ્ણે દરેક પળે જીવનનો ઉલ્લાસ મનાવ્યો હતો. આ સમય જો પરેશાનીથી - મુશ્કેલીઓથી ભરેલો છે તો આવનારો સમય ઉત્તમ જ હશે. આપણી મનોદશા કે મૂડ કે અભિવ્યક્તિ શ્રેષ્ઠ હશે તો સંપૂર્ણ જીવન ઉલ્લાસપૂર્વક, અનેક મુશ્કેલી સાથે પણ, જીવંત બનશે. જેઓ પોતાના જીવનમાં બદલાવ લાવવા ઈચ્છે છે તેમણે ઉલ્લાસિત થવું જ પડશે. કૃષ્ણે યુદ્ધના મેદાનમાં જ 'ગીતા' નો ઉપદેશ આપ્યો.

યુદ્ધના મેદાનમાં ઉભેલ દરેક વ્યક્તિ માટે, કૃષ્ણ આદરણીય હતા, સન્માનનીય હતા. તેમ છતાં કૃષ્ણે અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું, તેમણે નીચલા સ્તરે કામ કરવાનું સ્વીકારીને, યુદ્ધનો ઇતિહાસ બદલી નાખ્યો. મહાભારતના યુદ્ધ દરમ્યાન ઘોડાઓની સેવા કરતા, એમના ઘાને સાફ કરતા પણ વાંસળી વગાડી શકતા હતા. કાર્ય મહત્વપૂર્ણ છે, જીવનનિર્વાહ કરવા કાર્ય કરવું જોઈએ, જીવનના ઘણા લક્ષ્યાંક પૂર્ણ કરવા દોડધામ જરૂરી છે, ઓફિસ જરૂરી છે, દુકાન જરૂરી છે, ફેક્ટરી જરૂરી છે, સમર્પણ પણ જરૂરી છે પરંતુ સાથે સાથે ખુશમિજાજ રહેવું પણ એટલું જ જરૂરી છે.

જીવનની દરેક પળને ઉલ્લાસિત કરો ભલે વાતાવરણ આપણને અનુકૂળ ન હોય, ભલે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોઈએ, આપણે જવાબદાર છીએ કે બીજા કોઈ પરિબળો, પરંતુ નિરાશ નહિ જ થઈએ. પરિસ્થિતિ - વાતાવરણ હું જ બદલી શકીશ એવો ધ્રડનિશ્ચય કરીએ. મારા ચહેરા પર નિરાશા - દુઃખના હાવભાવ નહિ આવવા દઉં. હું આ સ્થિતિનો સામનો ખુશી સાથે કરીશ, હું ઉલ્લાસિત બનીશ, મારા માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે, મારા દેશ માટે, સમગ્ર દુનિયા માટે. કૃષ્ણ પોતાની પાસે ઉપલબ્ધ દરેક સાધનો સાથે ઉલ્લાસિત હતા. હું મારી પાસે જે કંઈપણ છે, તેની સાથે આનંદિત રહીશ. આનંદ ઉલ્લાસ ને જીવનનો આધાર બનાવો. જીવનનો મૂળમંત્ર બનાવો. તમે પોતે અનુભવશો કે જીવન બદલાઈ રહ્યું છે, પારિવારિક ક્ષેત્ર થી કાર્યક્ષેત્ર સુધી.

કોઈ વ્યક્તિના પ્રવેશથી વાતાવરણમાં ખુશી -આનંદનો માહોલ છવાઈ જાય છે, જયારે કોઈ વ્યક્તિના પ્રવેશથી ખુશી-આનંદનો માહોલ ગમગીની માં ફેરવાઈ જાય છે. હું ખુશી-આનંદનું પ્રતીક બનીશ, ગમગીનીનું નહિ. મારી અભિવ્યક્તિ મધ જેવી મીઠી બનાવીશ. મારુ જીવન ઉલ્લાસિત કરીશ અને ફૂલોની ખુશ્બૂની હેમ બધે ફેલાવીશ. મારુ જીવન કિંમતી છે. આજે જેવું છે તેવું પરંતુ કાલે આવું નહિ જ હોય. વધારે સારું જ હશે.

પરીક્ષામાં નાપાસ થયો કે સારા માર્ક્સ નથી આવ્યા, કઈ નહિ - વધારે સારો પ્રયત્ન કરીશ. માતા-પિતા-ભાઈ-બહેને ઠપકો આપ્યો, કઈ નહિ - હું બીજી વાર આવું નહિ કરું. ધંધામાં નુકસાન થયું, કઈ નહિ - હું બીજી વાર શરૂઆત કરીશ. દેવું વધી ગયું, કઈ નહિ - બધું ચૂકવીશ, ભલે સમય લાગશે પણ હાર નહિ માનીશ. ટાર્ગેટ પૂરો નહિ થશે, બોસ ગુસ્સે થશે, કઈ નહિ - હું વધારે પ્રયત્ન કરીશ. ઘરમાં કંકાશ થાય છે, કઈ નહિ - હુ પરિવર્તન લાવીશ. પરિસ્થિતિ હદ બહારની વણસી ગઈ છે, જિંદગી જીવવું કઠિન થઇ રહ્યું છે - કઈ નહિ - હું હિમ્મત હારીશ નહિ, જિંદગી હારીશ નહિ.

આજથી જ, અત્યારથી જ હું કૃષ્ણ જીવનને યાદ કરીને ઉભો થઈશ અને ઉલ્લાસિત થઈને જીવન જીવીશ.

***