કૃષ્ણ Naman Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ

કૃષ્ણ

ભાગ - ૧

માર્ગદર્શક - વ્યક્તિના જીવન માટે

નમન આર મુનશી

આમુખ

કૃષ્ણ નામ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થયી જાય. એક હસ્તી-રમતી પ્રતિમા આંખ સામે તરવરતી દેખાય. નટખટ બાલ-ગોપાલ પણ યાદ આવી જાય. દર વર્ષે જો કોઈ અવતારનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાતો હોય તો તે કદાચ શ્રી કૃષ્ણનો જ. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એટલે કૃષ્ણ.

કૃષ્ણ ઉપર અનેક પ્રકારે, અનેક સ્વરૂપે, અનેક દ્રષ્ટિએ, અનેક ભાષામાં હજારો પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ છે પરંતુ આપણે શરૂઆતમાં ટૂંકમાં પરિચય આપીશુ પરંતુ આ પુસ્તક આધ્યાત્મિક કે ધાર્મિક કે ઉપદેશાત્મક રીતે નથી લખ્યું. આ પુસ્તકમાં કૃષ્ણ એક સામાન્ય માનવીને માટે કઈ રીતે માર્ગદર્શક બને છે તે દર્શાવ્યું છે. કૃષ્ણ એક પૂર્ણ પુરુષોત્તમ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેમને તેમના જીવન દ્વારા સંપૂર્ણ જગતને અનેક વર્ષો પછી પણ ઉપયોગી થાય તેવા દ્રસ્ટાન્ટો આપ્યા છે.

આજે લગભગ ૫૦૦૦ વર્ષો પછી પણ કૃષ્ણ નું જીવન યુવાનો માટે સાચા અર્થમાં માર્ગદર્શન પૂરું પડે છે. યુવાનો એટલે શાળાએ જતા બાળકોથી માંડીને વ્યક્તિ જ્યાં સુધી પોતાને યુવાન સમજતો હોય ત્યાં સુધી. ૫ વર્ષનું બાળક હોય કે ૫૦વર્ષની આધેડ વ્યક્તિ, કૃષ્ણના માર્ગદર્શક ગુણોનો અભ્યાસ કરે, પાલન કરે તો તે જિંદગીમાં જરૂર સફળ થયી શકે. વાંકી યુવાનો એટલે કોઈ પણ ધર્મના યુવાનો, કોઈ પણ દેશના યુવાનો, કોઈ પણ જાતિના યુવાનો, કૃષ્ણના ગુણોને અનુસરે તો કોઈપણ ક્ષેત્રે સફળ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. જો તમે કોઈક ક્ષેત્રમાં પાછા પડતા હસો અથવા તો તમને નિષ્ફળતા પ્રાપ્ત થઇ હોય, જીવનમાં નિરાશા વ્યાપી ગઈ હોય, જીવન કંટાળાજનક લાગતું હોય, કોઈ પ્રકારની અસુરક્ષા કે ખાલીપણું અનુભવાતું હોય. એક વખત કૃષ્ણના ગુણને તમારી દ્રષ્ટિએ તમારા જીવનમાં ઉતારી જુઓ અને તે રીતે ફરીથી શરૂઆત કરો. મને ખાતરી છે કે તમે ફરીથી ઉભા થઈને દોડવા માંડશો.

આજે ૨૧મી સદીમાં, હરીફાઈને કારણે, ટેકનોલોજીમાં, સંદેશા-વ્યવહારમાં, જીવનશૈલીમાં આવેલ પરિવર્તનને લીધે- જિંદગી અતિશય ઝડપી બની ગઈ છે. વ્યક્તિની સફળતા અને નિષ્ફળતાની ઝડપ પણ વધી ગઈ છે. વ્યક્તિને કાર્ય કરવાનો સમય ગાળો ઓછો થઇ ગયો છે. આજે જો તમે એક તક જતી કરશો તો બીજી વ્યક્તિ એ તક ઝડપીને આગળ વધી જશે. જો તમે તમારા કામમાં ધીરા પાડશો તો પાછળથી કોઈ ઓવરટેક કરીને તમારાથી આગળ નીકળી જશે. આજે સમાજમાં નૈતિક, સામાજિક કે પારિવારિક મૂલ્ય, કામના બોજ હેઠળ, પરિણામના દબાણ હેઠળ, આર્થિક સંકડામણ હેઠળ બદલાઈ રહ્યા છે.

કૃષ્ણના સમગ્ર જીવનમાંથી, એમની કલાઓમાંથી, એમના કર્તવ્યમાંથી, એમના આચરણમાંથી,એમની વ્હ્યુરચનામાંથી, આપણને ખુબ જ સચોટ અને વાસ્તવલક્ષી માર્ગદર્શન મળે છે. કૃષ્ણ એ ક્યારેય ઉપદેશો આપ્યા નથી. કૃષ્ણ એ ક્યારેય પાબંદી કે રોક લગાવી નથી. કૃષ્ણએ ક્યારેય માનવીય સંવેદનાને ફગાવી નથી, ઉલ્ટા એમને જીવનના દરેક તબક્કે સામાન્ય માનવી તરીકે જ જીવન જીવ્યું છે.

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં, કૃષ્ણએ અર્જુનને જે સંદેશ આપ્યો હતો તે આજે ૫૦૦૦ વર્ષ પછી પણ દરેકે દરેક વ્યક્તિને માટે લાગુ પડે છે. આ સંદેશ 'ગીતા' કે 'ભગવદ ગીતા' ના નામથી ઓળખાય છે. વિવાદોથી ઉપર ઉઠીને કે નિષ્પક્ષ રીતે જેમણે આ 'ગીતા'નો અભ્યાસ કર્યો છે તેમણે સ્વીકાર્યું છે કે 'ગીતા' થી ઉપર સમગ્ર માનવજાતને માટે લાભકારી કોઈ પુસ્તક નથી. કૃષ્ણનું જીવન કોઈ વિશેષ ધર્મના જ યુવાનો કે યુવતીઓ માટે કે કોઈ સંપ્રદાય માટે સીમિત નથી. કૃષ્ણનું માર્ગદર્શક સ્વરૂપ સાર્વદેશિક અને સાર્વકાલિક છે. કૃષ્ણ એ સમગ્ર માનવજાતિના શાશ્વત મિત્ર છે.

ભારતનું સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણ છે. આજે હજારો વરસો પછી પણ લોકોની રુચિ તેમનામાં વધતી જ રહી છે. કવિઓ-લેખકો ની પ્રેરણા છે - કૃષ્ણ. કૃષ્ણ જીવનને જાણવા-માણવા કોઈ વિશેષ ચક્ષુ કે મનની જરૂર નથી. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જરૂર છે પરંતુ સામાન્ય માણસને માટે આસાનીથી ઉપલબ્ધ પણ છે.

આ પુસ્તક કૃષ્ણના જીવનના કેટલાક ગુણો, માનવજીવનમાં તેમનું પ્રદાન, આજના યુગ માટે, અંદાજે ૫૦૦૦ વર્ષ પછી પણ કેટલા ઉપયોગી છે, પ્રસ્તુત છે તે જાણવાનો નમ્ર પ્રયાસ છે. ભગવાન કૃષ્ણ ને જ વંદન કરીને આ પુસ્તક લખ્યું છે. આશા રાખું છું દરેક વાંચનારને ઉપયોગી થાય અને તમારા જીવનમાં પ્રેરણા મળે - જીવન આનંદિત બને. કૃષ્ણ નો આભાર.

તમે કોઈપણ ક્ષેત્રથી જોડાયેલા હો, કૃષ્ણ જીવનને, ગુણોને માર્ગદર્શક તરીકે અનુસરશો તો હું આશા રાખું છું કે તમને જરૂરથી નવી દિશા મળશે, પ્રેરણા મળશે અને પ્રગતિ કરશો.

નમન આર મુનશી.

***

કૃષ્ણ જીવન પરિચય ટૂંકમાં

પૂર્ણ પુરુષોત્તમ એટલે જે પુરુષો પૂર્ણ જીવનનો આનંદ લે છે તેવા પુરુષોમાં ઉત્તમ, શ્રેષ્ઠ. કૃષ્ણ માટે આ એક વિશેષણ ઘણું બધું કહી જાય છે. કૃષ્ણનો જન્મ પૃથ્વી પર વ્યાપ્ત અધર્મને ખતમ કરીને ધર્મ ની સ્થાપના કરવા માટે થયો હતો. દેવકી અને વાસુદેવ નામના માતા-પિતાને ત્યાં આઠમા પુત્ર તરીકે જન્મેલા કૃષ્ણને, કંસ નામના દૃષ્ટ રાજા દ્વારા મારી નાખવાના અનેક પ્રયત્નો થયા હતા. કારણકે એવી આકાશવાણી થઇ હતી કે કંસનું મૃત્યુ દેવકીના આઠમા પુત્ર દ્વારા થશે. તેમનો જન્મ મથુરાની જેલમાં થયો હતો જ્યાંથી એમના પિતા વસુદેવ તેને સંતાડીને યશોદા અને નંદ નામના ગોવાળને ત્યાં મૂકી આવે છે. આમ કૃષ્ણ મથુરાથી, ગંગા નદીને સામે કાંઠે આવેલ ગોકુલ ગામમાં મોટા થાય છે, ગોવાળોના છોકરાઓ જોડે રમીને મોટા થાય છે. એ દરમ્યાન કંસ તેમને મારી નાંખવા અનેક રાક્ષસો મોકલે છે પરંતુ કૃષ્ણ એક પછી એક દરેકને મારી નાંખે છે. છેવટે ૧૨ વર્ષની ઉંમરે મલ્લયુદ્ધમાં કંસને મારીને પોતાના માતા-પિતાને છોડાવે છે અને મથુરા નગરીને દૃષ્ટ રાજાના પંજામાંથી છોડાવે છે.

ત્યાર બાદ તેમને અનેક દૃષ્ટ રાજાઓ જોડે યુદ્ધ કર્યાઅને તેમને હરાવી દરેક રાજ્યમાં શાંતિ તેમજ ધર્મની સ્થાપના કરી. કૃષ્ણના જીવનમાં સૌથી મહત્વનું યુદ્ધ એટલે મહાભારતનું યુદ્ધ. મહાભારત એ કૌરવો તેમજ પાંડવો નામના કાકા કાકાના કુટુંબો વચ્ચે લડાયેલું યુદ્ધ. દુર્યોધન એ કૌરવોનો મોટોભાઈ, કૌરવો ૧૦૦ હતા. પાંડવો ૫ હતા. પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટા હતા. ઉપરાંત, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ. યુદ્ધના સૌધી નિપુણ અર્જુન હતો જેના ઉપર જ પાંડવોની જીતનો આધાર હતો. દુર્યોધનની જીદને કારણે, હઠને લીધે દુર્યોધનના પિતા ધુતરાષ્ટ્રએ પાંડવોને અન્યાય કર્યો. આ અન્યાય અને અધર્મને દૂર કરવા મહાભારતનું યુદ્ધ લડાયું.

કૃષ્ણની વાત કરીએ તો જન્મથી માંડીને મૃત્યુ સુધી, તેમના અનેક પાત્રો હતા. પુત્ર, મિત્ર, યોદ્ધા, વ્યવસ્થાપક, રાજનીતિજ્ઞ, પ્રેમી અને પતિના રૂપમાં કૃષ્ણ સર્વશ્રેષ્ઠ હતા, કૃષ્ણ વિષે કોઈ સાહિત્ય વાંચીયે, તેમના અગાઢ જીવન વિષે જાણીયે, તો આશ્ચર્યચકિત થઇ જવાય તેવું તેમનું સંપૂર્ણ જીવન હતું. આજે ૫૦૦૦ વર્ષો પછી પણ કૃષ્ણ એ પ્રેરણાનું પ્રતીક છે, આસ્થાનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે. એમના ગુણો અને કલાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે, ઉપયોગી છે.

કૃષ્ણ એ કદાચ એકમાત્ર ભગવાન છે કે જેમની રોતલ અથવા દુઃખદ તસ્વીર ક્યાંય જોવા ના મળે.

કૃષ્ણના ગુણો, કલાઓ, માર્ગદર્શક છે. કૃષ્ણનું જીવન અગાધ તેમજ દ્રષ્ટાંતરૂપ છે. તો તેમની શૈલી પણ અદભુત છે. તેમના બધા ગુણોનું અને સમગ્ર જીવનનું વર્ણન કરવું શક્ય નથી કેમકે આધ્યાત્મિક કે ધાર્મિક દ્રષ્ટિએ આ પુસ્તક નથી. આ એક માર્ગદર્શક (ગાઈડ) પુસ્તક માત્ર છે.

કૃષ્ણે માનવ સ્વરૂપે જ પોતાનું જીવન જીવ્યું હતું તેથી તેમને દરેક પ્રકારે માનવીય આવડત કે માનવીય મર્યાદાને અનુલક્ષીને જીવનનો નિર્વાહ કર્યો હતો. માનવીય જીવનની ખામીઓ કે ખૂબીઓ થી તેઓ પણ દૂર રહ્યા ના હતા. કૃષ્ણ એ ઘણી બધી લીલાઓ તેમજ ચમત્કારો કર્યા હતા પરંતુ સાથે સાથે એમને એ પણ ખ્યાલ રાખ્યો હતો કે પોતે માનવ છે, ભગવાન નથી. તેમના વ્યવહાર થકી એમને માનવતા સુપરમાનવ બનાવવા માટે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા ન હતા.

***

૧ - શિક્ષણ

જન્મ પછી માનવીય જીવનની સૌથી મહત્વની અને રોમાંચક ઘટના જો કોઈ બને છે તો તે છે, શિક્ષણ. પ્રથમ તેને ઘરમાં જ શિક્ષાનો પ્રારંભ થઇ જાય છે. ચાલવાથી માંડીને બોલવાની શિક્ષા ઘરમાં જ મળે છે. બાળક તેના માતા-પિતા કે અન્ય બાળકને ધ્યાનથી જોતું હોય છે. માતા-પિતાના આચરણ-વ્યહવાર અને બોલ-ચાલ ને ગ્રહણ કરતુ જાય છે. માતા-પિતા તેમજ અન્ય ભાઈ-બહેનને ચાલતા જોઈને જ તે ચાલવાની કોશિશ કરે છે. ધીમે ધીમે બોલવાની કોશિશ કરે છે. માતા-પિતા તેમજ ઘરની વ્યક્તિઓ તેને શીખવાડે છે. મોટેભાગે માતા જ ઉત્તમ શિક્ષણ આપે છે.

આ એક સામાન્ય શિક્ષણની પ્રક્રિયા છે, જે દરમ્યાન બાળકને અન્યની 'કોપી' જ કરવાની હોય છે.. જેવી રીતે ઘરના સભ્યો વાતો કરતા હોય તે રીતે જ વાત કરવાની તે કોશિશ કરે છે, સમજે છે પરંતુ આ શિક્ષા પૂરતી નથી.

બાળકની ખરી શિક્ષા-વિદ્યા, શાળા-કોલેજમાં જ પ્રાપ્ત થાય છે. કૃષ્ણન સમયમાં શાળા-કોલેજ ને ગુરુકુળ કહેવાતું હતું. વિદ્યાર્થીએ આ ગુરુકુળમાં જ રહેવાનું અને શિક્ષણ મેળવવાનું રહેતું. ગુરુકુળમાં પ્રાથમિક તેમજ ઉચ્ચ શિક્ષાની સાથે સાથે રોજ-બરોજની વ્યહવારિક શિક્ષા પણ આપવામાં આવતી હતી. પ્રથમ સૌ વિદ્યાર્થીને એક સરખી શિક્ષા આપવામાં આવતી, ત્યારબાદ બાળકની રુચિ,આવડત, સક્ષમતા ને ધ્યાન માં રાખીને તેમજ બાળકની મરજી પ્રમાણે ઉચ્ચ શિક્ષા દ્વારા નિપુણ બનાવામાં આવતા હતા. ત્યારના સમયમાં, રાજાઓ, અંદરો અંદર તેમજ અન્ય રાજા જોડે લડતા રહેતા હતા. તેમની વચ્ચે હંમેશા સંઘર્ષ રહેતો હતો. તેથી રાજકુળના સંતાનોએ ફરજીયાત યુદ્ધ અને શાસ્ત્રોનો અભ્યાસ કરવો જ પડતો. આ ઉપરાંત ગુરુકુળમાં પોતાના રોજિંદા કર્યો જેવા કે કપડાં ધોવા, વાસણ સાફ કરવા તેમજ લાકડા કાપવા જેવી વ્યવહારિક આવડત વધે તેવી પણ શિક્ષા આપવામાં આવતી હતી. અન્ય વિદ્યાર્થી જોડે સમભાવ-મદ્દ્દભાવ વગેરે બાબતો પર પણ મહત્વ આપવામાં આવતું હતું.

કૃષ્ણને કપિ દ્વારા આપવામાં આવતા શિક્ષણની જરૂર ન હતી પરંતુ માનવીય જન્મને કારણે, માનવીય પ્રવૃત્તિને અનુકૂળ સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની આસ્થા અને શિક્ષણનું મહત્વ વ્યક્ત કરવા તેઓ ગુરુ સાંદીપનીના ગુરુકુળમાં ૬૪ દિવસની સખત શિક્ષા મેળવી હતી. તેઓએ શાસ્ત્રો અને શસ્ત્રોની તાલીમ મેહનત કરીને મેળવી હતી. તેમજ અન્ય વિદ્યાર્થીની જેમ જ લાકડા કાપવા, કપડાં ધાવા, વાસણ સાફ કરવા જેવી પ્રવૃત્તિ પણ કરી જ હતી. કૃષ્ણ એ આ રીતે શિક્ષા અને શિક્ષક (ગુરુ) નું મહત્વ સરળ રીતે સમજાવ્યું છે. તેઓ એ વાતને સમજાવવા માંગતા હતા કે "ભણતર જ ઉદ્ધારક છે".

દુઃખની વાત એ છે કે કૃષ્ણના ૫૦૦૦ વર્ષ પછી પણ કેટલાક માતા-પિતા છોકરાને ભણવા મોકલતા જ નથી, તેઓ ભણતરનું મહત્વ જ સમજતા નથી. પોતાના સ્વાર્થ ખાતર બાળકોને મજૂરી કરવા મોકલી આપે છે. ઘણા માં-બાપની મજબૂરી પણ હોય છે પરંતુ આજના સમય માં દરેક સરકાર ભણવા માટે સહાય કરતી જ હોય છે, તો પણ માતા-પિતા મજબૂરીનું બહાનું કાઢીને બાળકોને અભણ રાખે છે. અને તેમના ભવિષ્યને ખરાબ કરી નાંખે છે. તો સામે પક્ષે એવા પણ ઘણા બાળકો છે જે પોતે ભણવાનું મહત્વ સમજતા નથી ને અધવચ્ચે શિક્ષણ છોડી દે છે, પોતાનું જીવન અંધકારમય બનાવી દે છે, પછી જિંદગીભર પસ્તાય છે.

દરેક વિદ્યાર્થીએ સમજવું જરૂરી છે કે ભણતર જ ઘડતર કરશે જિંદગીનું. દરેક માતા-પિતાએ સમજવું પડશે કે શિક્ષણ વગર દુનિયામાં રેહવું દુષ્કર છે તો જીવવું તો અશક્ય જ છે. જો કોઈ અભણ વ્યક્તિ કોઈક ક્ષેત્રમાં સફળ થઇ હશે તો તેણે પોતાના ક્ષેત્રમાં ખુબ જ મેહનત કરીને જાણકારી, વ્યહવારિક વિદ્યા-શિક્ષણ મેળવ્યું જ હશે. આજનો યુગ જયારે તીવ્ર સ્પર્ધા અને ઝડપી પરિવર્તનનો છે ત્યારે શિક્ષણનું મહત્વ અનેકઘણું વધી જ જાય છે.

યુવાનો એ સમજવું જોઈએ કે કૃષ્ણ તો ભગવાન હતા તો પણ તેમણે શિક્ષા પ્રાપ્ત કરવા મેહનત કરી જ હતી તો અપને તો સામાન્ય માનવ છે. આપણે આપણી તેમજ આપણા કુટુંબની ઉપરાંત દેશની સ્થિતિ સુધારવા માટે અભ્યાસ-ઉચ્ચ અભ્યાસ મન લગાવીને કરવો જોઈએ. ભણવું જ જોઈએ.

કોઈ ભવ્ય ઇમારતના નિર્માણ માટે 'પાયો' મજબૂત હોવો જરૂરી છે. એ જ પ્રમાણે આપણા ઉજ્જવળ ભવિષ્ય અને ઝળહળતી કારકિર્દી માટે શિક્ષા જ જરૂરી છે. તમારી આર્થિક તેમજ સામાજિક 'ઇમારત' શિક્ષારૂપી 'પાયા' પર જ ટકશે. જો 'પાયો' કાચો હશે તો 'ઇમારત' પણ કમજોર જ રહેશે.યાદ રાખજો વિદ્યા-શિક્ષા વિનાનો ઉત્સાહ વ્યર્થ છે.

માર્ગદર્શન: કૃષ્ણ, શિક્ષા અને શિક્ષક (ગુરુ) વગરની જિંદગીને વ્યર્થ ગણે છે.

૨ - પ્રેમ

"અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ" - સબસે ઊંચી પ્રેમ સગાઇ. પ્રેમ ની કોઈ પરિભાષા નથી. પ્રેમ ની કોઈ વ્યાખ્યા નથી, પ્રેમ નું કોઈ વર્ણન નથી, પ્રેમનો કોઈ રંગ નથી, પ્રેમ નો કોઈ વર્ણ નથી, પ્રેમની કોઈ જાત નથી, પ્રેમની કોઈ ઉમર નથી, પેમ એટલે પ્રેમ. પ્રેમ દરેક સ્વરૂપે ઉપસ્થિત છે. માતા-પુત્ર, પિતા-પુત્રી, ભાઈ-બહેન, મિત્ર-મિત્ર દરેક રૂપમાં અને સ્વરૂપમાં પ્રેમ હોય છે. કૃષ્ણ એ નિર્મળ પ્રેમનું દ્રષ્ટાંત છે.

કૃષ્ણ ખુબ જ આકર્ષક દેહ-લાલિત્ય ધરાવતા હતા, બાળપણમાં પોતાની નટખટ અદાઓથી લોકોને આકર્ષિત કરતા હતા, તેમની સુંદરતા અસાધારણ હતી તો બોલી મધ જેવી મીઠી હતી. મધુર વાણી સર્વેને આકર્ષતી હતી. કોમળતા મુગ્ધ કરતી હતી તો સુંદરતા પ્રેમમાં પડતી હતી.

વ્રજ-ગોકુળની અનેક છોકરીઓ (ગોપીઓ), નાની કે મોટી, પરણીત કે કુંવારી, તેમણે દિલ દઈ બેસતી હતી. ગોપીઓ કૃષ્ણની સખી-મિત્ર, આજની ભાષામાં બહેનપણી કે ગર્લફ્રેન્ડ હતી. તેઓ કોઈ પણ જાતના સંકોચ વગર સ્ત્રી અને છોકરીઓ જોડે મસ્તી તોફાન કરતા, રમતા હતા. રાસ પણ રાચવાતાં હતા. ગોપીઓ તેમણે સાચા હૃદયથી પ્રેમ કરતી હતી. તો કૃષ્ણ પણ તેમણે પ્રેમની ભાષામાં જ ઉત્તર આપતા હતા. કૃષ્ણનો પ્રેમ દરેક વ્યક્તિ માટે સરખો અને પવિત્ર હતો. આજે જેને 'પ્લુટોનિક લવ' કહેવાય છે તેવો નિશ્વાર્થ પ્રેમ, જેમાં શારીરિક આકર્ષણ કે શારીરિક મિલનને કોઈ સ્થાન ન હતું. દુર્ભાગ્યે આજના આધુનિક જમાનામાં પ્રેમ 'પ્લુટાનિક' છે તેવું સાબિત કરવું પડે છે ત્યારે ૫૦૦૦ વર્ષ પેહલા પ્રેમ એ સહજ બાબત હતી. આજે સંકુચિત માનસિકતા ધરાવતા લોકો એક છોકરા અને એક છોકરી વચ્ચેની સાહજિક મોજ-મસ્તી-ટીખળ ને પ્રેમ નું નામ આપી દે છે, અનેક જાતના નિયમ-કાનૂન થોપી દે છે.

કૃષ્ણને આબાલ-વૃદ્ધ થી માંડીને, ગોપીઓ, મિત્રો, વાંસળી, સંગીત, મધુબન તેમજ સમગ્ર વ્રજધામ પ્રેમ કરતુ હતું. પણ કૃષ્ણનો વિશેષ પ્રેમ તો રાધા જોડે હતો. રાધા, કૃષ્ણના પ્રેમમાં લીન થઇ ગઈ હતી, તો કૃષ્ણ પણ રાધાને હૃદયથી ચાહતા હતા, પ્રેમ કરતા હતા. મહત્વની નોંધવા જેવી વાત એ હતી કે રાધા કૃષ્ણથી ઉંમરમાં ઘણી મોટી હતી, રૂપ માં વધુ સુંદર હતી, રાધા ગોરી હતી તો કૃષ્ણ શ્યામ હતા, પરંતુ સાચો પ્રેમ સામી વ્યક્તિની ઉણપ, ખામી નથી જોતો બસ, એ વ્યક્તિને જ જોઈ છે. ઉણપો સહીત વ્યક્તિનો સ્વીકાર કરે છે.. શરતો અને સગવડથી 'પ્રેમ' ન કરાય. રાધા જોડે પ્રેમ થયો ત્યારે કૃષ્ણની ઉમર માંડ ૫ કે ૬ વર્ષની હશે. આમ તો કૃષ્ણએ અન્ય ઘણી યુવતીઓનું દિલ હરિ લીધું હતું જેમાં રાધા, લલિતા અને વિશા મુખ્ય હતી. પરંતુ રાધા માટે વિશેષ કહી શકાય તેવો પ્રેમ હતો.

ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ એટલે સાચા હૃદયથી કરેલો પ્રેમ. કૃષ્ણ એ જેને પ્રેમ કર્યો એમની જોડે છળ-કપટ ક્યારેય નથી કર્યું. તેમનો પ્રેમ આનંદ આપતો હતો કારણકે નિસ્વાર્થ હતો. પ્રેમનો બોજો બંને પક્ષે નથી અનુભવ્યો. આજે પ્રેમ તો થાય છે પરંતુ અનેક બંધન સાથે જોડાય છે. પ્રેમ માં બંધન જરૂર હોય છે પરંતુ ફક્ત 'પ્રેમ-બંધન'.

જયારે પોતાના ઉદ્દેશ્ય માટે વ્રજ છોડવું પડ્યું ત્યારે ય તેમનો પ્રેમ વચ્ચે ન હતો. રાધાનો પ્રેમ પણ નહિ કે અન્ય ગોપીઓનો પ્રેમ પણ નહિ. તેઓ વચ્ચે પ્રેમ હતો, માત્ર આકર્ષણ નહિ કે કોઈ બંધન નહિ. પ્રેમને સમર્પણની જરૂર હોય છે. કૃષ્ણ પવિત્ર પ્રેમના પ્રતીક હતા. તેમણે અનેક રીતે અને અનેક રૂપમાં પ્રેમ ને આગળ વધાર્યો, પ્રેમના અસ્તિત્વને ટકાવ્યો. તેમણે રુક્મણીના પ્રેમનો પણ સ્વીકાર કર્યો ને લગ્ન પણ કર્યા.

સમગ્ર સંસારમાં ભાગ્યે જ કૃષ્ણની પત્ની રુક્મણિ જોડે કોઈ મૂર્તિ કે ફોટો જોવા મળશે. રાધા-કૃષ્ણની જ જોડીની મૂર્તિ જોવા મળશે. બોલાય પણ રાધા-કૃષ્ણ જ છે. આ એક એવો અલૌકિક-આલ્હાદક પ્રેમ હતો જેની સંસાર માં તુલના થઇ શકે નહિ. રાધા અને કૃષ્ણ બંને એ પ્રેમ ને જીવ્યો હતો, છેલ્લે સુધી. રાધા કૃષ્ણ નો પ્રેમ અમગ્ર માનવજાત માટે ભેટ સમાન છે. જ્યાં આજે પ્રેમનું મહત્વ ફક્ત લગ્નના બંધન સુધી સીમિત રહી ગયું છે. આજે પતિ કે પત્નીને એવી ખબર પડે કે મારી પત્ની કે મારા પતિને લગ્ન પહેલા અન્ય યુવક કે યુવતી જોડે 'પ્રેમ' હતો તો? કદાચ વાત લગ્નજીવનને વેર-વિખેર કરવા સુધી પહોંચી જાય. કારણકે આજે પ્રેમને સારીરિક બંધન સાથે જોડી દેવાયો છે, નહિ કે 'પ્રેમ' ને એક 'લાગણી' તરીકે. આજે 'પ્રેમ' ને 'લફરાં' નું નામ આપી દેવાયું છે. કૃષ્ણની આઠ પત્નીઓ હતી અને દરેક ને કૃષ્ણના રાધા જોડેના પ્રેમ ની ખબર હતી જ . પરંતુ ક્યારેય જીવનમાં બાધારૂપ ન બનાવ્યો.

આજે કોઈ યુવક કે યુવતી, પ્રેમ હોય અને કોઈક કારણસર લગ્નમાં ન પરિણમે તો રૂઢિચુસ્ત સમાજ બંનેને માટે જીવવાનું ભારી કરી મૂકે છે. કારણકે એવું માની કે ધારી લેવાયું છે કે પ્રેમમાં હતા એટલે શારીરિક રીતે પણ જોડાયેલા જ હશે. અમુક કિસ્સામાં આ સાચું પણ હોય છે પરંતુ બધા જ કિસ્સા માં આવો સિક્કો મારવાની જરૂર નથી જ નથી.

માર્ગદર્શન: પ્રેમ ને પ્રેમ તરીકે જાળવો, પ્રેમનું મૂલ્ય સમજો. પ્રેમને શારીરિક દ્રષ્ટિએ ન મૂલવો. તેની અનુભૂતિ કરો. પ્રેમ બે વ્યક્તિના આત્માના મિલન માટેનો સેતુ છે.

૩ - સ્ત્રી દાક્ષિણ્ય

આજે, ૨૧મી સદીમાં સ્ત્રી પુરુષની સમોવડીયા બનાવ સંઘર્ષ કરી રહી છે. સમાજ પુરુષપ્રધાન બનતો ગયો અને સ્ત્રી ફક્ત પુરુષનું રમકડું કે ઘરમાં કામવાળી બનીને રહી ગઈ. મૉટે ભાગના દેશોમાં આજે પણ સ્ત્રીની સ્થિતિ દયનિય છે. રોજ-બરોજ સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. સ્ત્રીની જાહેરમાં છેડતી થાય છે, અપમાન થાય છે, બળાત્કાર થાય છે. સ્ત્રી અને પુરુષ બંનેને એકબીજા વગર ચાલી શકે તેમ નથી. તેમ છતાં પુરુષ સ્ત્રીને રમકડું સમજે છે. અને તેમની લાગણી કે માંગણીને ધિક્કારતો રહે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે 'પુરુષ' ને પેદા થવા માટે કોઈ ને કોઈ 'સ્ત્રી' ની જ જરૂર પડે છે.

ભણેલી-ગણેલી સ્ત્રી એ કોઈપણ રાષ્ટ્ર માટે ઘરેણાં સમાન મૂલ્યવાન છે. સ્ત્રી સશક્ત હશે તો જ રાષ્ટ્ર મજબૂત બનશે. સ્ત્રીનું અપમાનજનક સ્થિતિમાં રહેવું કોઈપણ રાષ્ટ્ર માટે સૌથી મોટું કલંક છે.

કૃષ્ણ કામણગારા હતા તેમની સુંદરતા પાર અનેક ગોપીઓ પાગલ હતી. ગોપીઓમાં ફક્ત કુંવારી જ નહિ, પરંતુ પરણીત-વિવાહિત ગોપીઓ પણ હતી. અનેક યુવતીઓ કૃષ્ણને પેમ કરતી હતી, તેમને દિલ દઈને બેઠી હતી. તેમ છતાં કૃષ્ણએ તેમનો છળ કર્યો ન હતો.તેમનો પ્રેમ અલૌકિક હતો. કૃષ્ણએ સર્વના પ્રેમનો સ્વીકાર કર્યો હતો, મોહાંધતાનો નહિ. પ્રેમને શારીરિક સંબંધમાં રૂપાંતર કર્યું નહતું. આજ ગોપીઓ જયારે ચાંદની રાતમાં ઘર છોડીને, પોતાના પતિને મૂકીને કૃષ્ણની સાથે રાસ રમવા આવી ત્યારે કૃષ્ણએ ના પડી દીધી હતી, તેમને ઘરે પાછી મોકલી દીધી હતી. કૃષ્ણએ સામાજિક મૂલ્યોને હંમેશા મહત્વ આપ્યું છે. આજે તો યુવતીને પ્રેમમાં ફસાવી, ભોગવીને, છોડી દેવામાં આવે છે. ત્યારે કૃષ્ણએ ગોપીઓનું માન સન્માન જળવાઈ રહે તેમજ સામાજિક નૈતિકતા ખાતર હંમેશા સચેત રહેતા હતા.

કૃષ્ણે અલગ અલગ પરિસ્થિતિઓમાં આઠ છોકરી જોડે લગ્ન કર્યા હતા. એ સમયે, બહુવિવાહ પ્રથા અપરાધ ગણાતો ન હતો. તેમ જ પોતાના રાજ્યની સુરક્ષા માટે બહુવિવાહ એક ઉત્તમ રસ્તો રહેતો. તેમ છતાં કૃષ્ણે દર વખતે પોતાની પૂર્વ વિવાહિત પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો અને તેમની સલાહ પણ લીધી હતી. આ રીતે એમને પૂર્વ-વિવાહિત પત્નીની સંમતિ મેળવીને, તેમનું માં વધાર્યું હતું. તેમને સ્ત્રીના હક્ક અને આદરની સંપૂર્ણ સંતુષ્ટિ કરી હતી. આ રીતે તેમને ખુબ જ મહત્વનું કામ પોતાના આચરણ દ્વારા પ્રસ્થાપિત કર્યું હતું.

આ ઉપરાંત તેમને ૧૬૦૦૦ સોળ હજાર છોકરીઓને પત્નીનો દરજ્જો આપ્યો હતો. તેમણે ભારતમાં બહુ મોટી સામાજિક અસ્થિરતા સર્જાતા અટકાવી હતી. કામરૂપ નામનો રાજા હતો તેણેઅનેક રાજાઓને હરાવીને તેમની પુત્રીઓને કેદ કરી લીધી હતી. આ છોકરીઓ કઈ અપરાધી ન હતી પરંતુ આ રાજાઓની અનાથ પુત્રીઓ હતી. કૃષ્ણે આ કામરૂપ રાજાને હરાવીને આ છોકરીઓને બંદીમાથી મુક્ત કરાવી હતી. આ છોકરીઓ જોડે કોઈ લગ્ન કરવા તૈયાર ન હતું તેથી, કૃષ્ણએ તેમણે પોતાના સામ્રાજ્યમાં શરણ આપ્યું તેમજ તેમની જોડે વિવાહ કરીને તેમને સામાજિક દરજ્જો પણ આપ્યો હતો. તેમણે ૧૬૦૦૦ સ્ત્રીને માન-સન્માન આપવા ઉપરાંત દેશમાં સામાજિક અરાજકતા અટકાવીને સ્ત્રી દાક્ષિણ્યનું સન્માન જ કર્યું હતું.

આ ઉપરાંત કૃષ્ણ સ્ત્રી દાક્ષિણ્ય પ્રત્યે કેટલા સ્પષ્ટ હતા તેના બે ઉદાહરણ જોઈએ.

૧. રુક્મણીનો ભાઈ, રુક્મણીના લગ્ન અપરાધિક વૃત્તિવાળી વ્યક્તિ જોડે કરવા માંગતો હતો. જયારે રુક્મણિ કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી ચુકી હતી. રૂક્મણિએ કૃષ્ણની મદદ માંગી. કૃષ્ણએ રુક્મણીને ભગાડીને લગ્ન કર્યા. તેના ભાઈ જોડે યુદ્ધ પણ કર્યું. કૃષ્ણએ રુક્મણિની લાગણીને માન આપીને તેની સાથે લગ્ન કર્યા અને સાથ નિભાવ્યો.

૨. એવી જ રીતે કૃષ્ણ એ પોતાની બહેન સુભદ્રા અર્જુનને પસંદ કરતી હતી તો સુભદ્રા ની ઈચ્છા પ્રમાણે, એની મરજી મુજબ ખુશીથી અર્જુન જોડે વિવાહ કરાવી આપ્યા હતા જેને માટે એમણે મોટાભાઈ બલરામની પણ નારાજગી વ્હોરી હતી.

આમ, કૃષ્ણ કોઈપણ પક્ષપાત વગર સ્ત્રીની ઈચ્છાને, માન-સન્માનને, આદર તેમજ પ્રાધાન્ય આપતા હતા.

આજે તો સ્ત્રી દાક્ષિણ્ય તો દૂર, ઘણા દેશોમાં સ્ત્રીના અસ્તિત્વનો જ સવાલ ઉભો થયો છે. ખાસ કરીને આપણા દેશમાં ગર્ભ પરીક્ષણ કરીને જો સ્ત્રી-બાળક હોય તો તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે એમાં સૌથી મોટો ભાગ સ્ત્રી (સાસુ) જ ભજવે છે.

માર્ગદર્શન:

સ્ત્રી/છોકરીની મરજીની વિરુદ્ધ કશુ કરવું નહિ. સ્ત્રીની ઈચ્છાનું, ઇજ્જતનું ધ્યાન રાખવું. તેમને પ્રેમ કરો પણ તેમની સાથે 'મેલી' રમત ન રમશો. કોઈપણ કારણસર છોકરીઓ તમારી તરફ આકર્ષાય તો તેમની લાગણી સાથે ચેડાં ના કરશો. તમે પોતે સંયમ રાખજો. શારીરિક સંબંધ જ મુખ્ય હેતુ જીવનનો ન બનાવતા.

૪ - આશક્તિ-વિરક્તિ

કૃષ્ણ જીવનની સૌથી રસપ્રદ અને મહત્વની બાબત. કૃષ્ણ બાલપણથી જ સૌ કોઈના લાડકા હતા. વ્રજની દરેક છોકરીઓ તેમને બેહદ પ્યાર કરતી હતી. રાધા જેવી મિત્ર હતી. નંદ-યશોદા જેવા પ્રેમાળ પાલક માતા-પિતા હતા. આખું વ્રજધામ દિલથી આવકારતું હતું. બાલ-ટોળકી માખણ ચોરીને ખાવાથી માંડીને અનેક મસ્તી કરતી હતી. ભૂખ્યા-તરસ્યા-રહેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. જિંદગી એકદમ સરસ રીતે પસાર થઇ રહી હતી પરંતુ...

૧૨ વર્ષની વયે, કૃષ્ણે વ્રજધામ છોડી દીધું. કારણ? લક્ષ્ય.

કૃષ્ણને પોતાનું લક્ષ્ય શુ છે તેની જાણ હતી. તેમને ખબર હતી કે તેમનો જન્મ ફક્ત વ્રજભૂમિમાં જ પસાર કરવા માટે નથી. તેમને જગતનું ભલું-કલ્યાણ કરવાનું હતું. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા વ્રજ છોડવું જરૂરી હતું. દુષ્ટ રાજા કંસ તેમજ અન્ય અધર્મી રાજાઓ કે જેઓ દિવસ-રાત પ્રજા પર જુલ્મ કરતા રહેતા હતા. જેઓએ પ્રજાનું જીવન અસહ્ય બનાવી દીધું હતું. તેઓને મારવા જરૂરી હતા. વ્રજમાં રહીને આ કાર્ય કરવું શક્ય ન હતું. તેથી તેઓએ પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે બધા સંબંધોની સંપૂર્ણ અવગણના કરીને વ્રજ છોડી દીધું. પોતાના લક્ષ્ય તરફ પ્રગતિ કરી ગયા. નંદ-યશોદાનો વ્હાલ, મિત્રોની મિત્રતા કે રાધાના પ્રેમને પણ તેમણે લક્ષ્ય આડે આવવા ન દીધો. વ્રજની યાદો દિલમાં ભરીને આગળ વધવામાં જ ધ્યાન આપ્યું.

લાગણી દિલથી બંધાય પરંતુ સંબંધ મગજથી રખાય. કૃષ્ણે ખુબ જ ઉત્કૃષ્ટ રીતે ઉદાહરણ પૂરું પડ્યું છે. જયારે તમારું જીવન સુખેથી પસાર થતું હોય, જિંદગીમાં કોઈ જાતની તકલીફ ન હોય, સમય આનંદ-મંગલમાં પસાર થઇ રહ્યો હોય ત્યારે લક્ષ્ય તરફ વધવું અને તે પણ ખબર હોય કે લક્ષ્ય આસાન નથી, રસ્તો સંઘર્ષમય છે, અનેક મુસીબતોનો સામનો કરવો પાડવાનો છે અને કદાચ જીવન જ અઘરું થઇ પાડવાનું છે, લક્ષ્યની દિશામાં આગળ વધવું એ ખરેખર કપરું કામ છે. કારકિર્દી માટે આપણે જે કોઈ ભોગ આપવો જે કોઈ સ્થિતિ ત્યાગવી પડે કે જે કોઈ શહેર કે ગામ છોડવું પડે તો તે માટે તૈયાર રહેવું. તમે કેટલી લાગણી કમાયા તે કોઈ નહિ જોય. તમે કેટલા સફળ થયા તે જ જોવશ. લાગણી રાખવી ખરાબ કે ખોટી બાબત નથી. પરંતુ 'લાગણી' તમારી 'બેડી' ન બનાવી જોઈએ. પછી સગા માતા-પિતા કેમ ન હોય.

ખુબ જ વ્યહવારિક તેમજ સમજદારીવાળી વાત છે. કૃષ્ણ માટે માનવજગતનું કલ્યાણ એ એકમાત્ર ઉદ્દેશ-લક્ષ્ય હતું. તો આજના સમય પ્રમાણે આપણા કુટુંબની આર્થિક સમૃદ્ધિ એ આપણું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ. ઘરમાં પૈસા હોવા જરૂરી છે. તમારા કુટુંબના પ્રથમ સભ્યો તમારી પત્ની-બાળકો, ત્યારબાદ માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી, તેમની જરૂરિયાત પુરી કરવા માટે તમારે પૈસાની જ જરૂર પડશે. માંદગીના સમયે દવા માટે પણ પૈસાની જ જરૂર પડશે. તમારા માતા-પિતા-કુટુંબીજનોની લાગણીને આધીન તમે કોઈ બહારની તક ગુમાવશો તો છેવટે તેઓ પણ તમને જ બોજારૂપ લાગશે.

ઘણા લોકો રોજગારી મેળવવા બીજા ગામ, શહેર, રાજ્ય કે દેશમાં જાય છે. જયારે કેટલાક લોકોને બંધન નડે છે. ક્યારેક નજીકમાં મળેલી તક એટલી સરળ હોય છે કે માણસ પરિસ્થિતિને આધીન થઈને બીજી તક વિશે વિચારતો જ નથી. જયારે જરૂરત ન હોય ત્યારે જ નવી તકો તરફ ધ્યાન આપતા રહેવું જોઈએ. જેથી કોઈ અસાધારણ પરિસ્થિતિ ઉદભવે ત્યારે માર્ગ શોધવા ન નીકળવું પડે.

આશક્તિ કોઈ પ્રત્યે એટલી ન હોવી જોઈએ કે જે તમારી જ પ્રગતિમાં રુકાવટ બની જાય. એનો અર્થ એવો કદાપિ નથી કે તમે તમારા માતા-પિતાને ભૂલી જાવ કે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પરંતુ જો તમને તમારા ગામ કે શહેર માં યોગ્ય તક ન મળતી હોય તો બીજે ગામ કે શહેર જઈને, દૂર રહીને પણ એમનો સારો ખ્યાલ રાખી શકશો જો તમારી આવક સારી હશે તો. બાકી જો તમારી આવક ઓછી હશે તો સાથે રહીને પણ તમે કઈ ન કરી શકશો. દવા કે અન્ય જરૂરિયાતો પૈસાથી જ પુરી થવાની છે. પગ બાંધેલા રાખીને દોડી શકાય નહિ.

કૃષ્ણે રાધા કે અન્ય ગોપીઓના પ્રેમને પણ એટલું મહત્વ ન આપ્યું કે પોતાનો હેતુ સિદ્ધ ન કરી શકાય. પ્રેમ નીચે પાડવા માટે નહિ પરંતુ જિંદગીમાં-કારકિર્દીમાં ઉપર ઉઠવા માટે હોવો જોઈએ. જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં વર્ચસ્વ-અધિકાર ન હોવો ઘટે. કૃષ્ણ વ્રજ, ગોપીઓ, પ્રેમિકાઓ કે મિત્રોથી દૂર ગયા હતા, ભૂલી નહોતા ગયા. સર્વેને યાદ રાખ્યા જ હતા. ફક્ત લક્ષ્ય પ્રાપ્તિ માટે તેમને છોડ્યા હતા. તમારી પાસે પૈસા હશે તો જ મિત્રો-સંબંધીઓ તમને યાદ કરશે. તમને મળતા રહેશે. જો તમે ગરીબ હશો તો જેને તમે નજીકનો મિત્ર ગણો છો તે પણ તમને છોડી દેતા અચકાશે નહિ. આ જીવનનું સત્ય છે, આજનો જીવન મંત્ર છે.

આજના સમયમાં વિશ્વમાં અનેક તકો સર્જાય રહી છે, તો આપણા શહેર કે ગામમાં જ રોજગારીની તકો માર્યાદિત થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં લાગણીની પૂછડું પકડીને કે પ્રેમને સાંકળ બનાવીને બેસી રહેવા કરતા જો તમારામાં આવડત હોય અને તમને ભરોષો હોય કે બીજે તમને વધારે સારું વળતર મળશે તો જવામાં સંકોચ ન રાખવો. બલ્કે તેમાં જ સમજદારી છે. જ્યાં ગતિ હોય છે ત્યાંજ પ્રગતિ હોય છે.

માર્ગદર્શન:

લક્ષ્ય-કારકિર્દી માટે જે કરવું પડે તે કરવું. પરિસ્થિતિને આધીન, બીજાના ભરોશે બેસી રહીને પોતાને લાચાર-મજબુર બનાવવા નહિ.

૫ - મિત્રતા

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર, પુરા વિશ્વમાં 'ફ્રેંડશીપ ડે' એટલે કે મિત્રતા દિવસ તરીકે ઉજવાય છે. મિત્રતાનું મહિમા વર્ણન થાય છે. જો જીવનમાં એકપણ સાચો મિત્ર નથી તો જીવન વ્યર્થ છે. મિત્ર વગરની જિંદગી એટલે મીઠા વગરની રસોઈ કે ખાંડ વગરની મીઠાઈ. તમે કોઈ મિત્ર નથી બનાવી શકતા તો જીવન કષ્ટદાયક બનશે. ખરો મિત્ર રણમાં વીરડી સમાન છે.

મિત્રતા કોની સાથે કરવી? ક્યારે કરવી? કેવી રીતે કરવી? શું કામ કરવી? એવું વિચારીને મિત્રતા થાય નહિ. મિત્રતામાં સ્થિતિ ને સ્થાન હોતું નથી. મિત્ર ગરીબ પણ હોય અને પૈસાદાર પણ. મિત્રો વચ્ચે લેખા-જોખા હોતા નથી. ગરીબ મિત્ર ક્યારેય પાર્ટી ન પણ આપી શકે તે કારણે જો મિત્રતા તૂટી જતી હોય તો તે મિત્રતા નથી. મિત્રો વચ્ચે સ્થળનું અંતર પણ મહત્વનું નથી. મિત્ર એટલે મિત્ર-બસ.

મિત્રના દુઃખને સમજવું પડે, સાંભળવું પડે, સહન પણ કરવું પડે. આપત્તિમાં જયારે બધા ભાગે ત્યારે હસતા મોઢે તમારી સાથે રહે તે મિત્ર. મિત્રતામાં અહંને સ્થાન નથી. મિત્ર હોય ત્યાં નિખાલસતા હોય, મિત્રતામાં છળ-કપટ ન હોય, ઊંચ-નીચ ન હોય, નાત-જાત ન હોય કે ધર્મ ન હોય. મિત્રતા જ સૌથી મોટો ધર્મ છે, જેના જીવનમાં એક સાચો મિત્ર હોય તેનું જીવન ધન્ય છે.

આજે ફેસબુક ફ્રેંડ્સ નો જમાનો છે. મિત્રો હજારો પણ બધા વચ્ચે મિત્રતા નહિ. તેમ છતાંય ફેસબુકે બહુ મહત્વનું કામ કર્યું છે. મિત્રો બનાવી આપવાનું, જે માણસ તમને મળ્યો પણ નહિ હોય તેને તમારા મિત્ર બનાવી આપવાનું, જુના મિત્રો શોધી આપવાનું, મેળવી આપવાનું. સમય સંજોગોને કારણે જે મિત્રો દૂર ગયા છે તેવા મિત્રોને પાસે લાવવાનું કામ ફેસબુક કરે છે.

આજે 'ફ્રેંડશીપ ડે' ઉજવવો પડે છે. કારણકે જીવનમાં સંબંધો રહ્યા છે પણ લાગણી નથી રહી, મિત્રો રહ્યા છે પણ મિત્રતા નથી રહી. સાચી વાત તો એ છે કે 'ફ્રેંડશીપ ડે' પણ મિત્રો માટે નથી - મિત્રતા માટે છે. મિત્રતા એટલે ફ્રેંડશીપ. જે સાચા અર્થમાં મિત્રતા નિભાવે છે તેઓ માટે ફ્રેંડશીપ ડે છે.

કૃષ્ણ - સુદામા

કૃષ્ણ - સુદામા એ મિત્ર અને મિત્રતા માટેનું જીવંત ઉદાહરણ છે. કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં મળ્યા, સાથે ભણ્યા, મિત્ર બન્યા અને મિત્રતા પણ બંધાઈ. સમય જતા કૃષ્ણ રાજા બન્યા પરંતુ સુદામા અતિ-ગરીબ બ્રાહ્મણ જ રહ્યા. ઘરમાં બે ટેંક ખાવાના પણ ફાંફા હતા. ભિક્ષા માંગીને ઘરનું પૂરું કરતા હતા. ભિક્ષામાં પણ વધુ કાંઈ મળતું નહિ. તેમના લગ્ન થયા, બાળકો થયા, પરિસ્થિતિ વધુ વિકટ બની. સુદામાની પત્નીએ, કૃષ્ણ ને મળવા જવાનો આગ્રહ કર્યો. ઘણી આનાકાની પછી સુદામા તૈયાર થયા. કૃષ્ણ રાજા હતા, ખાલી હાથે જવાય નહિ, ઘરમાં કાંઈ હતું નહિ, થોડાક તાંદુલ હતા, તે સુદામાની પત્નીએ રાંધી આપ્યા જે સંકોચ સાથે સુદામા લેતા ગયા.

ઈચ્છા હોવા છતાં મોંઘી ભેટ પોસાય તેમ ન હતી. ધીમે ડગલે, અસ્વસ્થ ચીત્તે, આવકાર મળશે કે નહિ, મળશે તો કેવો મળશે, જેવા અનેક વિચારોની ગડમથલ સાથે, કૃષ્ણ ના મહેલે પહોંચ્યા. પાછા વળવાનો પણ વિચાર ઝબકી ગયો. વિશાળ મહેલ, પોતે કંગાળ. દ્વિધા છતાં પાછા ન વળાયું.

કૃષ્ણ ને સમાચાર મળ્યા, સુદામા આવ્યા છે. સુદામા, સુદામા તો મિત્ર, પળનો પણ વિલંબ કાર્ય વિના, કૃષ્ણ દોડ્યા, મહેલના દરવાજા તરફ - મિત્રને આવકારવા. રાણીઓ વિચાર કરે છે કોણ છે આ સુદામા કે જેને માટે રાજા કૃષ્ણ આમ દોડ્યા. પરંતુ આજે 'રાજા કૃષ્ણ' નહિ, 'મિત્ર કૃષ્ણ' દોડતા હતા. મિત્ર ને આવકારવા. દોડતા-દોડતા પહોંચ્યા દરવાજે. દોડીને વળગી પડ્યા સુદામાને. મિત્રે આવકાર્યા મિત્રને. સમય પણ થંભી ગયો, જોવાને આ ઘડી. સુદામા અચકાય છે, સુદામા કઈ બોલી શકતા નથી, તેમનું મન સ્થિતિ-પરિસ્થિતિનું આકલન કરવા મથતું હતું. અંતર મોટું હતું. તેમના કપડાં સામાન્ય હતા તો કૃષ્ણ રાજવેશમાં હતા. પરંતુ કૃષ્ણ એ દિલથી 'મિત્રતા' નિભાવી હતી. કૃષ્ણ તો સાચા મિત્ર હતા, એમને મન મિત્રનું મહત્વ હતું, મિત્રતાનું મહત્વ હતું. સુદામાનું મહત્વ હતું, તેમના પહેરવેશનું નહિ.

સુદામાને ઊંચા આસને બેસાડ્યા, પોતે નીચે પગ પાસે બેઠા. સુદામાના પગ ધોયા, મિત્ર દૂરથી આવ્યો હતો, મિત્ર ચાલતો આવ્યો હતો, થાકીને આવ્યો હતો, મિત્રના પગ દુખતા હશે, મિત્રના પગે છાલ પડ્યા હશે. બસ, નિખાલસતાથી વાતો કરી, સાથે જમાડ્યા, તાંદુલનો પ્રેમથી સ્વીકાર કર્યો, સુદામાની ગરીબી દૂર કરી. સુદામાની દશા, હાલત, જાતપાત કઈ ન જોયું, બસ મિત્ર જોયો અને મિત્રતા જોઈ.

કૃષ્ણ અર્જુનને પણ મિત્ર માનતા હતા અને તેનો પણ છેવટ સુધી સાથ નિભાવ્યો હતો.

માર્ગદર્શન:

મિત્ર બનાવો તો મિત્રતા પણ નિભાવો.

મિત્રતા બાંધવાની નહિ કેળવવાની હોય.

મિત્રતા રૂપાળી નહિ, ટકાઉ બનાવો.

૬ - વિનયી

'વિદ્યા વિનયથી શોભે છે' - આ વાક્ય આપણને શાળા સમયથી જ શીખવાડવામાં આવે છે. વિનય એટલે બીજાને સન્માન. ગુરુને આદર, વડીલને વંદન, ગુરુ પ્રત્યે અપાર પ્રેમ, આદર, સન્માન તેમજ જીવનમાં ગુરુનું મહત્વ સ્વીકારવું એ વિનય. જે આપણને શીખવાડે તે ગુરુ. માણસ ગમે તેટલો મોટો થાય, જીવનના દરેક તબક્કે કોઈક ને કોઈક સ્વરૂપે ગુરુની જરૂરિયાત રહે જ છે, જે તેને સાચા અને સારા માર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહે.

કૃષ્ણ પોતે બધી વિદ્યાના જાણકાર હતા તેમ છતાં માનવીય જીવનમાં દ્રષ્ટાંત પૂરું પાડવા તેઓએ શિક્ષણ લેવા ગુરુ સાંદીપનીનો આશ્રય લીધો. ગુરુની મહત્તા અને મહત્વતા સાબિત કરી. તેઓ બીજાને પણ કોઈપણ જાતની વિદ્યા શીખવવા સમર્થ હતા. તેમ છતાં તેમણે અર્જુન સહીત બધાને ગુરુ દ્રોણ પાસે શિક્ષા પ્રાપ્ત કરવા મોકલ્યા હતા. આમ તેમને શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.

મહાભારતના યુદ્ધ પહેલા પણ કૃષ્ણએ અર્જુનનને વિવિધ દેવો પાસે આશીર્વાદ લેવા તેમજ તપ-સાધના કરીને શસ્ત્રો મેળવવા અનુરોધ કર્યો હતો. કૃષ્ણ પોતે અર્જુનને બધા શસ્ત્રો આપવા સમર્થ જ હતા પરંતુ બીજા દેવી દેવતાઓ ઉપરાંત વિનય-વિવેકનું મહત્વ સ્થાપિત કરવા અર્જુનને દેવી-દેવતાઓ સમક્ષ તપ-સાધના કરવા આગ્રહ કર્યો હતો.

કૃષ્ણ કોઈપણ સ્થિતિમાં વિનય ભૂલતા ન હતા. તેમનો વિનય મિશ્રિત વ્યવહાર તેમણે ઘણી પરિસ્થિતિમાં લાભકારી રહેતો હતો. મહાભારતના યુદ્ધમાં પણ કૌરવ પક્ષે ઉભેલા ભીષ્મ, દ્રોણ અને અન્ય વડીલો પ્રત્યે વિનયી રહેતા હતા. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, ખરાબ હોય, કે લક્ષ્ય ગમે તેટલું અઘરું હોય, વિનમ્રતા છોડવી જોઈએ નહિ. ઘણી વખત તમારો સ્વભાવ જ તમને નડતો કે તારતો હોય છે. નઠારા માણસ કરતા નિષ્ઠુર વ્યક્તિ વધારે તીરષ્કારને પાત્ર હોય છે. માણસ ખરાબ હોય તો ચાલે પણ માણસનો સ્વભાવ જ ખરાબ હોય તો કોઈ નહિ સ્વીકારે. સ્વભાવ વિનયી હશે, વર્તણુકમાં વિનમ્રતા હશે તો મુશ્કેલ સમયમાં પણ અનેક મદદગાર મળશે. પરંતુ જો અવિવેકી-સ્વભાવ હશે તો બધા તમારી પ્રત્યે શંકાશીલ બનશે. અવિવેકી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે, જે ખુદને જ સમાપ્ત કરવા જેવું કહેવાય. દુશ્મનોની સાથે પણ વિનયી વ્યવહાર કરવો એ કળા છે. વિનમ્ર માણસ હંમેશા સન્માન પ્રાપ્ત કરે છે. જયારે ઉદ્ધત માણસને સૌ કોઈ ધિક્કારશે.

નોકરી કે ધંધો કરતા હોઈએ, જો સ્વભાવમાં તોછડાઈ હશે તો સાથી કર્મચારીથી માંડી ને ઉપરી અધિકારીમાં અવગણના પામશો, કારકિર્દી ખતમ થઇ જશે. ધંધામાં સૌથી મહત્વ વિનયશીલ સ્વભાવનું છે. કારણકે જો ગ્રાહક ખુશ રહેશે તો વારંવાર આવશે તો ધંધો વધશે. ગ્રાહક વસ્તુ કરતા વધારે વેપારીના વર્તન પર ધ્યાન આપે છે. વસ્તુ તો એને બીજેથી પણ મળી રહેશે. જો ગ્રાહકને મીઠો આવકાર આપશો, તેમની જોડે શાંતિથી વાતો કરશો તો જરૂર સંતોષ પામશે. નોકરીમાં સાથી કર્મચારી ઉપરાંત ઉપરી અધિકારી સાથે સૌજન્યશીલ વ્યવહાર,કામમાં મદદ, તમને લોક્પ્રીય બનાવશે તેમજ આગળ વધવાની તક પણ ઉપલબ્ધ કરાવશે.

વિનય-વિવેક વિનાની કોઈપણ શિક્ષા, ગમે તેવું ઉચ્ચ ભણતર એ પાંદડા વિનાના વૃક્ષ બરાબર છે, તે જમીન પર જગ્યા તો રોકે છે પરંતુ કોઈને છાંયડો આપતું નથી. વિનમ્રતામાં પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકવાની સંભાવના છે.

કોઈને રસ્તો ઓળંગવામાં મદદ ન કરશો તો ચાલશે પણ પકડેલો હાથ અધવચ્ચે છોડશો નહિ, કોઈનો ભરોસો તોડશો નહિ.

માર્ગદર્શન:

હંમેશા વિનયી બનો, વડીલોનું માન જાળવો - ગુરુઓ પ્રત્યે આદર રાખો.

પબ્લિકેશનની મર્યાદાને કારણે આ ઈ - બુક ૩ ભાગમાં પ્રકાશિત કરવી પડે છે. ૩ ભાગ પૂર્ણ થતા આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ અને મહત્વ સાર્થક થશે.

વધુ ભાગ - ૨ માં