કૃષ્ણ
ભાગ - ૨
માર્ગદર્શક - વ્યક્તિના જીવન માટે
નમન આર મુનશી
૭ - વિવિધ ભાષાના જાણકાર
જે માણસ એક-બે કરતા વધારે ભાષાના જાણકાર હોય તેને 'વિવિધ ભાષાવિધ' કહે છે. કૃષ્ણ અનેક ભાષાના જાણકાર હતા. આથી જ તેઓ જુદા-જુદા રાજ્યોના કે ક્ષેત્રોના રાજાઓ કે તેમના કુટનિતિજ્ઞોથી સરળતાથી સંવાદ રચી સકતા હતા, વ્યવહાર કરી સકતા હતા, સાહજિક સંવાદ-સેતુ કેળવી સકતા હતા. અનેક ભાષાઓની જાણકારી હોવાથી કોઈપણ કુટનિતિજ્ઞ તેમની સાથે છળ-કપટ કરી સકતા ન હતા. ઉપરાંત કૃષ્ણ પણ તેમની વાત સરળતાથી તેમની જ ભાષામાં સમજાવી સકતા હતા.. જેથી વાતની ખોટું અર્થઘટન તો અટકતું જ હતું પરંતુ વાતનું મહત્વ પણ જળવાઈ રહેતું હતું. તેમની સફળતાનું આ એક બહુ અગત્યનું પાસું છે. આજથી ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણે, ભાષાની જાણકારીનું મહત્વ સમજી લીધું હતું.
એકવીશમી સદીમાં માત્ર એક ભાષાની જાણકારી રાખવી એ કૂવામાંના દેડકા સમાન છે. આજે દુનિયા ખુબ જ ઝડપથી બદલાઈ રહી છે. કોઈપણ વ્યવહાર માટે આજે એકથી વધુ ભાષાની જાણકારી આજના સમયની માંગ છે, પ્રથમ આપણે ઘરમાં બોલાતી ભાષા એટલે માતૃભાષાની જાણકારી પ્રાપ્ત કરીએ છઈએ - શીખીએ છઈએ. પરંતુ માતૃભાષા જ વ્યાપારિક કે અન્ય વ્યવહારોમાં ચાલતી હોય તે જરૂરી નથી. આપણી માતૃભાષા ગુજરાતી છે. કારણકે આપણે ગુજરાતમાં રહીએ છીએ. તેવી જ રીતે બંગાળમાં બંગાળી તો તામિલનાડમાં તમિલ ભાષા માતૃભાષા બને છે. પરંતુ આપણી રાષ્ટ્રિય ભાષા હિન્દી છે, તો આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી જ સર્વસામાન્ય. સર્વમાન્ય ભાષા છે.
યુવાપેઢીએ કે શાળામાં ભણતા વિદ્યાર્થીએ સારી કારકિર્દી કે ધંધામાં ઉચ્ચ સફળતા કે તમારા જ વિસ્તારમાં સફળ થવું હશે તો પણ એક થી વધુ ભાષાની જાણકારી મેળવવી જ રહી. માતૃભાષા ઉપરાંત હિન્દી અને ઇંગલિશ ભાષામાં પારંગત થવું હવે જરૂરી જ નહિ અનિવાર્ય છે. હમણાં તો, ઇંગલિશ ઉપરાંત ચાઈનીઝ કે ફ્રેન્ચ જેવી ભાષા શીખવાનો પણ ટ્રેન્ડ છે કારણકે આ દેશોમાં પણ કારકિર્દીની તકો વધી રહી છે.
શબ્દોમાં ઘણી તાકાત હોય છે, શક્તિ હોય છે. અન્ય ભાષાની જાણકારી તમને બીજાઓથી બે ડગલાં આગળ લઇ જશે. સામાન્ય રીતે કોઈપણ ભાષામાં હજ્જારો-લાખો શબ્દો હોય છે પરંતુ બોલચાલમાં માંડ ૫૦૦ કે ૧૦૦૦ શબ્દો જ ઉપયોગમાં હોય છે. વધારે માં વધારે શબ્દોની જાણકારી રાખશો તો તમારી બોલવાની પદ્ધતિ વધુ પ્રભાવક હશે, તમારી રજુઆત વધુ અસરકારક રહેશે. જે તમને નોકરી કે ધંધામાં કે વ્યવસાયમાં લાભકારી થશે.
તમે અન્યો જોડે કેવી રીતે, કેવી ભાષામાં વાતચીત કરો છો તે ખુબ જ મહત્વનું છે. આ આવડત તમારી સફળતામાં મહત્વની થઇ પડશે. આજે જાણકારી અને માહિતી બે બાબત એવી છે કે જે કોઈપણ વ્યક્તિની સફળતામાં મહત્વનું પરિબળ બની શકે છે. વિવિધ ભાષાની જાણકારી તમને આ બંને બાબત ઝડપથી સમજવામાં સરળતા પ્રદાન કરશે. ઘણા દરવાજાના તાળા ખોલી આપશે.
જયારે આપણે સખત હરીફાઈ તેમજ સતત ઝડપથી પરિવર્તન પામતી ટેક્નોલોજીના યુગમાં પ્રવેશી ચુક્યા છે, દુનિયાના અનેક દેશો આપણા દેશમાં રોકાણ કરવા આવી રહ્યા છે ત્યારે આપણા દેશમાં, રાજ્યમાં કે શહેરમાં અનેક તકો વધી રહી છે. કારકિર્દીના અનેક દરવાજા ખુલી રહ્યા છે ત્યારે વિવિધ ભાષા પરની જાણકારી તમને જ ઉપયોગી થઇ પડશે.
કૃષ્ણે તો ૫૦૦૦ વર્ષ પહેલા અમલમાં મૂક્યું હતું તો આજે આપણે કેમ ન કરીએ.
માર્ગદર્શન:
ભાષાની જાણકારી તમને શિક્ષિત બનાવે છે પરંતુ વિવિધ ભાષાની જાણકારી તમને વિદ્વાન બનાવશે.
૮ - મૃદુભાષી
વ્યક્તિ ખુબ જ હોશિયાર હોય કે ભણેલો હોય પરંતુ જો તે બોલવામાં કઠોર હોય તો બધું જ નકામું. બોલવું એ પણ એક કળા છે. જે કઈ કેહવું હોય તે એવી રીતે કેહવું જોઈએ કે વ્યક્તિને પોતાનાપણાનો એહસાસ થાય
કૃષ્ણ ક્યારેય પોતાની વાણી પરથી કાબુ ગુમાવતા નહિ.સૌને ગમે તેવી કર્ણપ્રિય ભાષા બોલવી સરળ નથી. તેને માટે શાંત મગજ હોવું જરૂરી છે. તેઓ વ્રજમાં ગોપીઓ જોડે જેટલી મધુરતાથી વાત કરતા હતા તેટલી જ મધુરતાથી વડીલો જોડે વાત કરતા હતા. કૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમ્યાન પણ એટલીજ સ્વસ્થતાથી પોતાની મધુર વાણી જાળવી રાખી હતી. કૃષ્ણની મહાનતા જ એ છે કે ભયંકર યુદ્ધની શરૂઆતમાં અને યુદ્ધ દરમ્યાન પણ મીઠી વાણી બોલી સકતા હતા.
શબ્દો આછકલા ન હોવા જોઈએ, તમે જે બોલો છો તેમાં વજન હોવું જોઈએ. ઘણા માણસોને ઉદ્ધાતાઈથી વાત કરીને શબ્દોનો બગાડ કરવાની આદત હોય છે, જે તમને ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. સત્ય તો એ છે કે આપણી જીભ કામ બનાવી શકે છે તો કામ બગાડી પણ શકે છે. બીજાને મદદરૂપ હોય તેવું બોલો, સાચું બોલો, માહિતીસભર બોલો, જરૂરી હોય તેવું અને તેટલું જ બોલો, જેથી બીજાને સાંભળવાનું ગમે. પ્રેમથી બોલો, જરૂર ન હોય તો ચૂપ રહો પરંતુ વાણી વિલાસ કરીને ફાલતુ વાદ-વિવાદ થાય તેવું બોલવું નહિ.
આપણે રોજ-બરોજ આપણી વસ્તુ-પ્રોડક્ટ વેચવાની છે ક્યાં તો આપણી 'આવડત' વેચવાની હોય છે. એટલે આપણે વેપારી હોઈએ તો આપણી વસ્તુ વેચવાની અથવા વ્યવસાયી કે નોકરિયાત હોઈએ તો આપણી આવડત થી કામ ચલાવવાનું હોય છે. સારી-સાદી ભાષામાં વાત કરશું, વાણીમાં મીઠાસ રાખશું તો અન્યોને આકર્ષિત કરી શકશું. તેમનો વિશ્વાશ વધશે તો આપણી સફળતા પણ વધશે.
પાણી અને વાણી, હંમેશા સમજી વિચારીને વાપરવા જોઈએ. બંનેમાં અસીમ તાકાત છે. પાણી જીવનનો આધાર છે તો વાણી વ્યક્તિત્વનો. પાણી દુષિત હશે તો જીવન-શરીર ખરાબ કરશે અને વાણી દુષિત હશે તો વક્તિત્વ ખરાબ થશે. પાણી અને વાણીમાં અખૂટ ઉર્જા પણ છે. દુર્ભાગ્યે બંને સહેલાઈથી ઉપલબ્ધ છે. તેથી બંનેની કિંમત ઓછી સમજાઈ છે. પરંતુ બંને માણસની જિંદગી સંવારવાની તાકાત ધરાવે છે. માણસનું સૌંદર્ય ખરાબ હશે તો મેકઅપ દ્વારા સુધરાવી શકાશે પણ જો વાણીમાં મીઠાસ - મૃદુતા ન હશે તો નિષ્ફળતાની ખાતરી સમજજો.
તમે દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિને જોશો-સાંભળશો કે તેમના જીવનનો અભ્યાસ કરશો તો તેમની મૃદુભાષી અભિવ્યક્તિ જરૂર દેખાશે.
માર્ગદર્શન:
મૃદુભાષી બનો - ફતેહ મેળવો.
૯ - વૈજ્ઞાનિક દ્રષ્ટિ - પર્યાવરણનું જતન
આજે, ૨૦૧૭ મા, દુનિયા આખી, વિકસિત તેમજ વિકાસશીલ દેશો ભેગા મળીને લાખો કરોડો રૂપિયાનું આંધણ કરીને પર્યાવરણની ચિંતા કરે છે, 'ગ્લોબલ વૉર્મિંગ, એટલે કે પૃથ્વી પર વધતા તાપમાનની ફિકર કરે છે. અરે પૃથ્વીના અસ્તિત્વ ટકાવવા માટે જ વિચાર કરતા થઇ ગયા છે, ત્યારે આજથી ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણે વાસ્તવિક વૈજ્ઞાનિક અભિગમની વ્યાખ્યા અને પરિભાષા સ્પષ્ટ રૂપે દુનિયાને આપી દીધી હતી. જયારે વિજ્ઞાન એટલે શું એ પણ કોઈ જાણતું ન હતું ત્યારે પ્રકૃતિના ઋતુચક્રની સમજ આપી દીધી હતી. પૃથ્વી પર બદલાતી ઋતુ માટે, ઠંડી, ગરમી કે વરસાદ માટે કોઈ ભગવાન નહિ પરંતુ પર્વત, જંગલ, વન અને પ્રાણીજગત જવાબદાર છે તેવું સાબિત પણ કરી દીધું હતું.
મઝાની વાત તો એ છે કે આજે ય ભારતમાં, ૨૧ની સદીમાં, વૈજ્ઞાનિક યુગમાં વરસાદ ન પડે તો લોકો હવન કરીને ઇન્દ્ર ભગવાનને રાજી કરવા મંડી પડે છે, જે માન્યતા-રૂઢિનું ખંડન આજથી ૫૦૦૦ વર્ષ પહેલા કૃષ્ણે કર્યું હતું. જંગલ કાપવા છે, પર્વત તોડવા છે, પશુ-પંખીનો શિકાર કરવો છે અને વરસાદ પણ જોઈએ છે.
વ્રજના લોકો પણ એવું જ ધ્રડતા પૂર્વક માનતા હતા કે વરસાદ ઇન્દ્ર દેવની કૃપાથી - મહેરબાની થી થાય છે. તેથી વ્રજના લોકો દર વર્ષે ભેગા મળીને ઇન્દ્રની પૂજા-આરતી કરતા જેથી ઇન્દ્ર દેવ ખુશ રહે. તેમને જાત -જાતના ભોગ ધરાવતા હતા અને ઇન્દ્રની નારાજગી ન રહે તેવા પ્રયાસ કરતા હતા. પરંતુ કૃષ્ણે કહ્યું કે વરસાદ ઇન્દ્રની કૃપા કે મહેરબાનીથી નહિ પરંતુ વ્રજની આજુબાજુ આવેલ વનરાજી અને ગોવર્ધન પર્વતને કારણે પડે છે, તેથી ખરેખર પૂજાના હકદાર તો જંગલ અને ગોવર્ધન પર્વત છે. જો તમારે પૂજા કરવી જ હોય તો ગોવર્ધનની કરો પણ ઇન્દ્રની પૂજા કરવાનું બંધ કરો. વરસાદના વાદળોને પર્વત રોકે છે તેથી જ વરસાદ પડે છે, કોઈ દેવી-દેવતાની મહેરબાનીથી નહિ.
આજે માણસ પોતાની જરૂરિયાત પુરી કરવા જંગલો કાપી રહ્યો છે, પર્વતો તોડીને રસ્તા બનાવી રહ્યો છે, વળી વરસાદની અપેક્ષા પણ રાખે છે.જંગલ-પર્વતની મહત્વતા ઉપરાન્ત કૃષ્ણે પશુધનની માવજતનું પણ વિશેષ મહત્વ વિશ્વ સમક્ષ દર્શાવ્યું છે. પોતે ગોવાળના રૂપમાં ગાયને વિશેષ દરજ્જો આપ્યો હતો અને આજે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે ગાય માણસને ઉપયોગી સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે.એમણે જે પશુધનની માવજત કરવાની શિખામણ આપેલી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ફક્ત માણસ અને માણસ જ ઋતુચક્રને બગાડવા માટે જવાબદાર છે. પર્યાવરણને સુધારવું, સાચવવું અંત્યંત જરૂરી બની ગયું છે, નહિ તો આવનારા સમયમાં પૃથ્વી પર જીવન અઘરું થઇ પડશે.
કૃષ્ણે જંગલ - ગોવર્ધન પૂજા દ્વારા જૂની-પુરાણી રૂઢિગત માન્યતા તોડીને નવો વૈજ્ઞાનિક અભિગમ સમજાવ્યો. જૂની ઘરેડમાંથી નીકળશો તો નવું મળશે. એ જ જૂની રિઢીચુસ્ત માન્યતાઓને વળગી રહેશો તો અધોગતિ થશે, પ્રગતિ નહિ. આજેય સમાજમાં અનેક પ્રકારની રૂઢિચુસ્ત ગેરમાન્યતાઓ ધર્મ અને દેવી-દેવતાઓને નામે લોકોના મનમાં ઠસાવી દેવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓને આગળ આવતી રોકવા માટે.
પરંતુ બાળકોએ, યુવાનોએ દરેક ઘટનાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મુલવવાની જરૂર છે. ત્યારબાદ જરૂર જણાય તો ભલે દુનિયા સામે લડવું પડે તો લડી લેવું પણ વૈજ્ઞાનિક અભિગમથી જ આગળ વધવું.
માર્ગદર્શન:
ઋતુચક્ર વૈજ્ઞાનિક - પ્રવૃત્તિ- પ્રકૃતિને કારણે બદલાય છે, કોઈ દેવી-દેવતાના કારણે નહિ.
પર્વતો-જંગલોની રક્ષા કરો, માણસો તેમનું સર્જન કરી શકે તેમ નથી.
વરસાદ વગર જીવન શક્ય નથી. કારણકે વરસાદ જ જમીન પર પાણી પહોંચાડે છે જ્યાં નદી કે દરિયો ઉપલબ્ધ નથી ત્યાં પણ.
૧૦ - કર્મ
પુરા બ્રહ્માંડમાં કર્મ-કાર્ય ઉપર જો કોઈએ સૌથી સ્પષ્ટ, સચોટ, વિસ્તૃત અને અધિકારીક રીતે અભિપ્રાય આપ્યો હોય તો એ છે કૃષ્ણ. મહાભારતના યુદ્ધની શરૂઆતમાં કૃષ્ણ દ્વારા અર્જુનને જે જ્ઞાન આપવામાં આવ્યું હતું, જે 'ગીતા' તરીકે ઓળખાય છે, તે ગીતાનો મહત્વનો સાર 'કર્મ' ઉપર જ આધારિત છે. 'ગીતા' એ પૃથ્વી પરનો સૌથી સુંદર ગ્રંથોમાંથી એક ગણાય છે.
મહાભારત યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે, રાજગાદી ઉપરાંત ધર્મ અને અધર્મ વચ્ચે થયેલું હતું.કૌરવોએ દરેક પ્રકારે અધર્મ આચરીને પાંડવોને તેમના હક્કથી વિચલિત કરી દીધા હતા. બંને પક્ષોની વિશાલ સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં ભેગી થઇ હતી. યુદ્ધની શરૂઆતમાં જયારે બંને પક્ષે યુદ્ધ કરવા ભેગા થયેલા કાકાઓ, મામાઓ, સાસરાઓ, ભાઈઓ, ગુરુઓ, વડીલો, રાજાઓ ઉપરાંત અન્ય સગાસંબંધીઓ પાર દ્રષ્ટિ નાખી ત્યારે અર્જુન ભાંગી પડ્યો. અર્જુનને યુદ્ધનો ડર ન હતો પરંતુ તેને સાગા સંબંધીઓને હણવા પડશે તે વિચાર ક્ષુબ્ધ કરી દેતો હતો. જે વડીલોના આશીર્વાદ લઈને મોટો થયો છે, તેઓનો વધ કરવો તેને અઘરો હતો. તેનું મન વિચલિત થઇ ગયું. બંને પક્ષે થનાર ખુવારી તેને અકળાવતી હતી. તેથી તેણે યુદ્ધ કરવાની ના પડી દીધી અને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા. તેણે કહ્યું "ફક્ત રાજસુખ મેળવવા હું સ્વજનોને હણવા તૈયાર નથી"
કૃષ્ણે જયારે અર્જુનને આ રીતે પીછેહટ કરતા જોયો ત્યારે તેને સમજાવ્યો કે તેણે તો માત્ર કર્મ કરવાનું છે. યુદ્ધ ટાળવાના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે યુદ્દની નોબત આવી છે. કૃષ્ણે ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં તેમજ દીર્ઘ રીતે તેને ઉપદેશ આપ્યો જે કર્મના સિદ્ધાંત 'ગીતા' તરીકે પ્રખ્યાત છે. મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે.-
૧ અર્જુન તારામાં આવી મલિનતા ક્યાંથી આવી! કૃષ્ણે કહ્યું.
૨ જો યુદ્ધ કરવાના તારા 'કર્મ' નું આચરણ નહિ કરે તો યોદ્ધા તરીકેની તારી કીર્તિ જ ખતમ થઇ જશે.
૩ હંમેશા તારા અપયશનું વર્ણન થશે જે મૃત્યુથી વધારે ખરાબ હશે.
અર્જુન ક્ષત્રિય હતો અને ધર્મને માટે, રાજ્યની રક્ષા માટે કે પોતાના હક્ક માટે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનું કર્મ છે. યુદ્ધ કરતા તે મૃત્યુ પામે તો પણ સ્વીકારવું જોઈએ. કૃષ્ણે વ્યથિત થયેલા અર્જુનને કહ્યું કે તારામાં અત્યારે ખરે સમયે મલિનતા ક્યાંથી આવી. આ તો કાયરતા છે.
દરેક વ્યક્તિએ સમય, કાળ અને આવડત તેમજ સમાજની, ઘરની જરૂરિયાત પ્રમાણે કામ કરવું જોઈએ. આજના યુગમાં આર્થિક ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિનું વિશેષ મહત્વ છે. આજે કોઈપણ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ આર્થિક વળતરનો જ રહે છે. કેમ કે પૈસા તમને, તમારા કુટુંબને, તમારા દેશને સુખાકારી આપે છે. તેમજ ઘણી તકલીફમાંથી બહાર કાઢે છે. ઘરના દરેક સભ્ય ખુશ રહે, સલામત રહે તે માટે કાર્ય કરવું જોઈએ. આમ તો કૃષ્ણના સમયમાં પણ 'ધન'નું મહત્વ હતુ જ પરંતુ ત્યારે 'ધન' રૂપિયા, પૈસા કે ડોલર સ્વરૂપમાં ન હતું. કૃષ્ણે અર્જુનને કહ્યું કે યુદ્ધ કરવાના તારા ક્ષત્રિય કર્મ નું તું પાલન નહિ કરે તો લોકો તને કાયર ગણાશે, તારું અપમાન કરશે, તું સમાજમાં નિંદાપાત્ર થઇશ.
જયારે તમે તમારી આવડત પ્રમાણે કામ કરો છો ત્યારે સમાજ તમને આવકારે છે, માન આપે છે પરંતુ જયારે કોઈ કામ નથી કરતા અને નકામા થઈને ઘરમાં બેસો છો ત્યારે ઘરના સભ્યો પણ તમારું માન જાળવશે નહિ. આ આજના યુગની સત્ય હકીકત છે.
કૃષ્ણે ગીતામાં કહેલો એક શ્લોક ખુબ જ પ્રચલિત છે.
"कर्मणये वाधिकारस्ते मां फलेषु कदाचन ।
मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्वकर्मणि" ।।
મોટેભાગે, આ શ્લોકનું ભાષાંતર થયું છે ત્યારે કહેવાયું એમ જ છે કે ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી માટે ફળની આશા-અપેક્ષા રાખ્યા વગર કર્મ કરતા રહો. પરંતુ આ અર્ધસત્ય છે. કારણકે જે કૃષ્ણ તમને કર્મ કરવાનો ઉપદેશ આપતા હોય તે એટલું તો જાણતા જ હોય કે કોઈપણ મનુષ્ય, કાર્ય, ફળની આશા વગર કરે જ નહિ. જયારે કોઈ કાર્યનો આરંભ થાય ત્યારે જ તેણે માટેનું ફળ એટલે કે લક્ષ્ય નિર્ધારિત જ હોય. હા, તમારી સફળતા અને નિષ્ફળતા, સારા અને ખરાબ ફળનો આધાર કામ પ્રત્યેની નિષ્ઠા, આવડત તેમજ સાતત્યતા જેવા પરિબળો પર આધારિત હોય છે. એટલે એક વાત તો નક્કી જ છે કે આપણે જે કાર્ય કરશું તેનું ફળ તો નિશ્ચિત જ છે. પરંતુ તે આપણા ધાર્યા પ્રમાણેનું હોય પણ અને ન પણ હોય. જો ફળ તમારા ધાર્યા પ્રમાણેનું ન હોય તો તો નિરાશ થઈને બેસી જવાની જરૂર નથી. ફરીથી, નવા જોશ સાથે, નવી આશા સાથે કાર્ય કરવા તૈયાર થઇ જવું જોઈએ. જો તમે બાહ્ય કે આંતરિક પરિસ્થિતિને આધાર માનીને કાર્ય કરવું કે ન કરવું તે નક્કી કરતા હો તો તે સૌથી ખરાબ અને નિંદનીય બાબત છે. જો કોઈ ખેડૂત હવા અને ઋતુ પોતાને અનુકૂળ થવાની રાહ જોતો રહેશે તો તે ક્યારેય કશું જ રોપી શકશે નહિ કે કશું લણી શકશે નહિ.
કૃષ્ણે કહ્યું હતું કે ત્રણેય લોકમાં મારા માટે કોઈપણ કર્મ નિર્ધારિત નથી કે નિયત કરેલ નથી. છતાં હું નિયત કર્તવ્ય-કર્મ કરતો રહું છું. જો હું કર્મ ન કરું તો બધા મનુષ્યો જરૂરથી તેમનું જ અનુશરણ કરશે ત્યારે હું વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનીશ.
કોઈ વ્યક્તિનું કાર્ય ફક્ત તેના જીવન પૂરતું માર્યાદિત રહેતું નથી. પ્રત્યેક વ્યક્તિ કોઈ ને કોઈ કુટુંબ, પરિવાર, સમાજ, સંગઠન, ગામ, શહેર, રાજ્ય કે દેશ સાથે જોડાયેલ હોય છે. તમારા કર્મ કે અકર્મ ની અસર તમારા કુટુંબ, મિત્ર થી માંડીને સમગ્ર દેશ પર થાય છે. તમે કાર્ય કરો કે ન કરો બંને સ્થિતિમાં તમારા મિત્રો, સંબંધીઓ, પુત્રો તમને અનુસરશે. જો તમે કાર્ય ન કરશો તો તમારો પુત્ર પણ કાર્ય કરવાનું ટાળશે. કૃષ્ણ તો ભગવાન હતા તેમને પૃથ્વી પર કોઈ પણ કાર્ય કરવાની આવશ્યકતા ન હતી પરંતુ તેઓ માનવીય અવતારમાં હતા તેથી માનવ માટે યોગ્ય હોય તેવા સર્વ કાર્ય તેમણે જાતે કર્યા હતા. શિક્ષણ પ્રાપ્ત કરવાથી માંડીને કુસ્તી સુધીની વિદ્યા જેવી રીતે મનુષ્ય મેળવે છે, તે રીતે જ પ્રાપ્ત કરી.
કૃષ્ણે કહ્યું "પ્રત્યેક વ્યક્તિ જેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને પણ કર્મ કરવું જ પડે છે. કોઈપણ માનવ, કર્મ, કાર્ય વિના રહી શકતો નથી". જયારે વિવશ મજબુર થઈને પણ કાર્ય તો કરવું જ પડે છે તો પછી હસતા-રમતા આનંદિત સ્વભાવ સાથે કાર્ય શાને ન કરવું જોઈએ.
જેવી રીતે કિનારા પર ઉભેલું જહાજ સુરક્ષિત હોય છે, પરંતુ જહાજ-વહાણ નું નિર્માણ કિનારે ઉભા રહેવા નથી થયું, વહાણનું કાર્ય તો નદી-દરિયામાં જવાનું હોય છે. તેવી જ રીતે મનુષ્યે પોતાના કર્મ માટે ઘરની બહાર નીકળવું જ પડે છે.
ગીતાના શ્લોક દ્વારા કૃષ્ણ ખાતરી આપે છે કે તમારા કાર્યનું ફળ તો મળશે જ. જો તમે કાર્ય કરતા રહો તો ફળ પાછળ-પાછળ આવશે જ. ઘણી વખત ફળની ચિંતામાં માણસ કાર્યનો આરંભ કરતા જ અટકે છે.
માર્ગદર્શન:
અકર્માં રહેવા કરતા કર્મશીલ રહેવું સારું, પરિણામ ગમે તે આવે.
૧૧ - પ્રતિબદ્ધતા
કર્મનો સિદ્ધાંત સમજાવતા કૃષ્ણ ખુબ જ વ્યવસ્થિત રીતે કાર્યનો ઉદ્દેશ-હેતુ તેમજ કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વિષે પણ સમજાવે છે.
અર્જુન ક્ષત્રિય હતો. તેના જીવનમાં ધર્મની રક્ષા માટે યુદ્ધનો અવસર હતો, ત્યારે સંબંધીઓને જોઈને યુદ્ધ કરવાથી વિચલિત થતો હતો. કૃષ્ણ એ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ક્ષત્રિયના જીવનમાં આવો અવસર ક્યારેક જ આવે છે. જયારે યુદ્ધમાં જીતે તો શુભ-ફળ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આજે તારા યુદ્ધનો હેતુ ધર્મની સ્થાપનાનો છે. તેથી તું ઉભો થા અને યુદ્ધ કર.
જયારે તમારો હેતુ, સ્પષ્ટ હોય ત્યારે તેના પ્રતિની પ્રતિબદ્ધતા જ તમને સફળતા અપાવે છે. એકવીશમી સદીમાં દુનિયાભરમાં તમને મિશન એટલે કે લક્ષ્ય અને પ્રતિબદ્ધતા વિષે અનેક પુસ્તકો, પ્રવચનો ઉપલબ્ધ છે. ત્યારે કૃષ્ણએ ૫૦૦૦ વર્ષ પહેલા કહ્યું હતું, તમારી કારકિર્દી કે ધંધામાં કે વ્યવસાયને સફળ કરવા માટે બે જ બાબત અતિશય મહત્વની છે. ૧. લક્ષ્ય-મિશન- કોઈપણ કાર્યના પ્રારંભે, ધંધાની શરૂઆત કરતા પહેલા તમે લક્ષ્ય નક્કી કરો તે જરૂરી છે. ફક્ત કરવા ખાતર કરવાથી કાર્યમાં સફળતા ન મળે. પરંતુ લક્ષ્યને સામે રાખીને પ્રયત્નો કરશો તો જરૂર સફળતાની ટકાવારી વધી જશે. ૨. પ્રતિબદ્ધતા - લક્ષ્ય-હેતુ ને નક્કી કર્યા પછી તેમને મેળવવા માટે પ્રતિબદ્ધતા કેળવો. જયારે લક્ષ્ય પ્રાપ્ત કરવા એક પગ આગળ મુકશો ત્યારે બીજો પગ આપોઆપ આગળ જ પડશે. પ્રયત્નો ઊંચા એટલે કે ઉત્કૃષ્ટ હોવા જોઈએ. ધ્યાન મુસાફરીના સ્થળ પર હોવું જોઈએ, રસ્તા કેવા છે તેના પર નહિ. તમારા પ્રયત્ન પર ધ્યાન આપો, આજુબાજુની પરિસ્થિતિ પર નહિ. લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારાથી થાય એવા તમામ પ્રયત્ન કરો. લક્ષ્ય પ્રાપ્ત થાય કે ન થાય.
લક્ષ્ય પ્રાપ્ત થશે તો 'સફળ' કહેવાશો, પ્રાપ્ત ન થાય તો 'નિષ્ફળ' કહેવાશો પરંતુ વ્યક્તિ તરીકે 'વિફળ' ન કહેવાશો.
કૃષ્ણે અર્જુનને કહ્યું 'જો યુદ્ધ કરતા તું મૃત્યુને પામીશ તો તને સ્વર્ગ મળશે કારણકે તે તારું કર્મ પુરી નિષ્ઠાપૂર્વક કર્યું છે અને જો જીત મેળવશે તો રાજ-સુખ ભોગવશે. બંને તરફે જીત તારી જ છે. જો તું પ્રતિબદ્ધતા સાથે લક્ષ્ય પ્રાપ્તિ માટે મંડી પાડીશ.
જ્યાં 'ચાહ' હોય છે ત્યાં 'રાહ' પણ હોય છે, અથવા તો 'રાહ' ત્યાં જ હોય છે જ્યાં 'ચાહ' હોય છે. જેઓ મુશ્કેલીઓ આગળ ઘૂંટણો ટેકવતા નથી, જેઓ પોતાના માર્ગથી ચલિત થતા નથી તેઓ જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. પોતાનો હેતુ સિદ્ધ કરવા ધૈર્યતાથી આગળ વધતા રહેવું એ જ ખરી કસોટી છે. તક વારંવાર મળતી નથી. માટે જે તક પ્રાપ્ત થઇ છે તેનો ઉપયોગ કરી લેવો.
સફળતા એ સમજણ અને કર્મ ના સમન્વયથી પ્રાપ્ત થાય છે. ખરેખર તો તમારી પ્રતિબદ્ધતા તમને કાર્ય કરવા ગતિમાન રાખે છે જે સફળતા તરફ દોરી જાય છે.
આપણને નાનપણથી બે વાતો ખુબ જ ખોટી રીતે સમજાવવામાં આવી છે. એક તો સસલા અને કાચબા વચ્ચેની દોડ જેમાં સસલા ને ઉંઘાડીને કાચબા ને જીતાડવામાં આવે છે. અને બીજી વાત ચાદર જોઈને પગ પહોળા કરવાની.
સસલો એટલો મૂર્ખ નથી હોતો કે લક્ષ્ય પહેલા જ ઊંઘી જાય અને ચાદર નાની હોય તો મોટી લાવી શકાય. સવાલ છે તમારી પ્રતિબદ્ધતા, કાર્ય માટેની તેમજ તમારા પોતાના લક્ષ્ય માટે કેટલી છે, તેનો છે.
માર્ગદર્શન -
તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રતિબદ્ધ બનો.
૧૨ - જવાબદાર
'ઊંઘ સુખદ હોય છે, પરંતુ જિંદગી ઊંઘવા માટે નથી'.
વ્યક્તિ-માનવી પોતાની પરિસ્થિતિ સુંદરવા માંગે છે. વધારે પૈસા મેળવવા માંગે છે, પરંતુ પોતે બદલવા માંગતો નથી. નોકરીમાં વધારે પગાર મેળવવો છે પરંતુ વધારાની જવાબદારીથી દૂર ભાગવું છે. ધંધા માં વધારે આવક મેળવવા ઈચ્છે છે પણ વધારાની મહેનત કરવા તૈયાર નથી. વ્યક્તિ સફળ થવા માંગે છે પરંતુ સફળતા માટે કિંમત ચૂકવવા તૈયાર નથી. તમારા બાહ્ય પરિબળો બદલવા તમારે અંદરથી બદલાવું પડશે, જાગ્રત થવું પડશે, જવાબદાર થવું પડશે. તમે જ તમારી જિંદગી માટે જવાબદાર છો. ભગવાને તમને શક્તિ આપી છે, આવડત આપી છે, જેનો કેવી રીતે, કેટલી જવાબદારીથી તમે ઉપયોગ કરો છો તેના પર તમારી તેમજ તમારા કુટુંબની જિંદગીનો આધાર છે. તમે કાર્ય પ્રત્યે જવાબદાર બનો, તમે જે કાર્ય કરો, ધંધા માટે કે નોકરી માટે, પરંતુ સંપૂર્ણ જવાબદારીથી ગુણવત્તા સભર કામ કરો તો જ સફળતા મળશે.
કૃષ્ણે, કંસનો વધ કરવા માટે મલ્લ-કુસ્તી જેવા દાવપેચ શીખવાની જવાબદારી પણ નિભાવી જ હતી. અર્જુનને સ્પષ્ટ જવાબદારી સોંપતા કૃષ્ણે કહ્યું હતું કે પલાયનતા એ કોઈપણ સમસ્યા નો હલ નથી. અર્જુનની યુદ્ધથી પલાયનતાનો અર્થ દુર્જનોને લાભ, અધર્મ નો ધર્મ પર વિજય, કૌરવોની દુષ્ટતાનો વિજય, કૌરવો પાંડવોને કાયર સમજશે અને વર્ણવશે. કૌરવો નિરંકુશ બની વધારે પરેશાન કરશે. કૃષ્ણ આ સારી રીતે જાણતા હતા કે આ એકજ મોકો છે.
સફળતા મેળવવા માટે, યોગ્ય સમયબંધનમાં કામ પૂરું કરવું જરૂરી છે. સફળતા માટે અમર્યાદિત સમય ઉપલબ્ધ નથી હોતો. આ કામ અત્યારે ન કરીએ તો ચાલશે જેવો બેજવાબદાર અભિગમ ન રખાય. હું જે પણ કામ કરીશ તે પુરેપુરી જવાબદારીથી, ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામ કરીશ. મારા હાથ નીચેથી જે કામ થશે તે ઉચ્ચ ગુણવત્તા વાળું જ રહેશે. એવું કોઈપણ કાર્યની શરૂઆતમાં કે ઘરેથી નીકળતા પહેલા મગજમાં સેટ કરી દો.
જીવનમાં કંઈપણ આસાનીથી મળતું નથી, કશુંક મેળવવા માટે બલિદાન આપવા તૈયાર રહેવું પડશે. સારા સ્વાસ્થ્ય માટે કસરત માટે સમય આપવો પડશે. સારા ભવિષ્ય માટે વર્તમાનમાં એશો-આરામ ત્યજવા પડશે. છોકરાઓની કારકિર્દી માટે તમારી જિંદગી કઠિન કરવી પડશે. ભણવામાં-પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા, આનંદ-પ્રમોદ-ટીવી જોવાનો સમય ઘટાડવો પડશે. ઘણા લોકોને ડીશમાં ખાવાનું છોડી દેવાની આદત હોય છે એટલે કે તેઓ જે કામ શરૂ કરે તે અધવચ્ચે જ છોડવાની પ્રવૃત્તિ વાળા હોય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા પહેલા જ કાર્ય પડતું મૂકે છે. અને પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવે છે.
કૃષ્ણે જન્મથી મૃત્યુ સુધી પોતાની જવાબદારી, પોતાના પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે બરાબર નિભાવી હતી. જવાબદારી માનવીને ઉચ્ચ સ્થાને લઇ જાય છે.
માર્ગદર્શન - બહાદુર બનો, જવાબદાર બનો.
પબ્લિકેશનની મર્યાદાને કારણે આ ઈ - બુક ૩ ભાગમાં પ્રકાશિત કરવી પડે છે. ૩ ભાગ પૂર્ણ થતા આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ અને મહત્વ સાર્થક થશે.
વધુ ભાગ - ૩ માં