The Criminals - 5 books and stories free download online pdf in Gujarati

ધ ક્રિમિનલ્સ - 5

"ધ ક્રિમિનલ્સ - 5"

(છેલ્લું પ્રકરણ)

શકીલે કારની હેડ લાઈટ ચાલુ કર્યા વગર જ ધીરે ધીરે સડક તરફ હંકારી. પાછળ હું અને શશી અમરની બાઈક પર ગોઠવાયા અને મેં પણ લાઈટ ચાલુ કરી નહિ. સડક પર આવ્યા છતાં મેં લાઈટ વગર જ બાઈક ભગાવી. ફાર્મ-હાઉસ પસાર થયું, અમને બહારથી કોઈ હિલ-ચાલ પકડાઈ નહિ. પણ શેઠાણીએ પોતાને ચાદરમાંથી છોડાવી લીધી હશે અને મોં માંથી ચાંપ કાઢીને ગાર્ડને બોલાવી લાવી હશે...અમે આરામથી ટહેલતા ઘેર આવ્યા. અમર અને શકીલ માલ ઠેકાણે પાડીને વાન ગેરેજમાં છુપાવીને પોતપોતાને ઘેર જશે.

***

દસ વાગ્યે મારી આંખ ખુલી. શશી પાસે નહોતી. તે કિચનમાં કશું કરી રહી હતી. ચુપકેથી જઈને હુંએ તેને પાછળથી જકડી ને ઊંચકી લીધી, તે ડરીને ચીસ પાડી ઉઠી, બોલી "ગધેડા, હમણાં મારુ હાર્ટ ફેઈલ થઇ જતું.. "

"ક્યારની ઉઠી છે?"

"સૂતી જ ક્યાં છું? ડરને કારણે સખત ગભરામણ થાય છે, તું તો ખરો જડ અને ઠંડા લોહીનો છે..."

"કેમ?"

"ઘસઘસાટ અને ઘોડા વેચીને ઊંઘ્યો, જાણે કશું બન્યું જ નથી... તને ઊંઘ આવે જ કેવી રીતે?"

"સાચું છે, કશું જ બન્યું નથી... અને તું પણ એમ સમજી લે તે તારા માટે અને બધા માટે સારું છે."

"ગેરેજ ખોલીને બેઠો છે, તારે તો પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનો મિનિસ્ટર હોવું જોઈએ..."

"હો, જલ્દી ચા-નાસ્તો લાવ, મારે જવું છે."

"ક્યાં?"

"ગેરેજ પર, હજુ ઘણું કામ બાકી છે."

"હું પણ આવીશ.." કહીને શશી કામે લાગી અને હું બાથરૂમમાં ગયો. યાદ આવતા જ બાથરૂમમાંથી બોલ્યો, "શશી, પેપરમાં તો નહિ આવ્યું હોય, પણ ગુજરાતી ચેનલ લગાડ, જો શું કહે છે?"

બાથરૂમમાંથી બહાર આવ્યો તો શશી ચા-નાસ્તો ટેબલ પર મૂકીને ટીવી જોતી બેઠી હતી. મને જોતા જ બોલી "નીચે સ્ટ્રીપ પર ન્યુઝ સ્ક્રોલ થાય છે, તેમાં લખે છે કે શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર પર ખૂની હુમલો.. લૂંટની આશંકા, બિલ્ડર આઈસીયુમાં..."

"હુંહ..." કહીને મેં ચા-નાસ્તો પતાવ્યો અને ઝડપથી તૈયાર થયો, શશી તો તૈયાર જ હતી. અમે અમરની બાઈક પર જ ગેરેજ જવા નીકળ્યા.

રવિવારને લીધે બજાર, ગલી, ટ્રાફિક વગેરે બધા જ આળસમાં હતા. શકીલે ગેરેજ ખોલ્યું હતું, બીજા છોકરાઓને રજા હતી. શકીલ એકલો જ હતો અને પાછળ હતો. તે શું કરતો હશે તે હું જાણતો હતો.

શશીને કેબિનમાં ટીવી સામે બેસાડીને ન્યુઝ પર નજર રાખવાનું કહીને હું પાછળ શકીલ પાસે ગયો. શકીલે તેનું કામ બખૂબી પતાવ્યું હતું. વાન ટુકડાઓમાં વેરાયેલી પડી હતી. અને તે ચેસીસ ના ટુકડા કરતો હતો. કલાક પછી તો બધું સગે-વગે અને સાફ થઇ જશે. મને જોતા જ તેણે સ્માઈલ આપ્યું, હું નીચે બેસી ગયો અને વાનમાંથી ઉતારેલો મારો થેલો ખોલ્યો, અને તેમાંથી રેતી ભરેલ થેલી બહાર કાઢી. બ્લેડ મારીને થેલી ફાડી નાખી અને રેતી નીચે ધૂળમાં મેળવી દીધી, અને ખાલી થેલી શકીલ એસિટિલિન ટોર્ચથી ચેસીસ કાપતો હતો, તેની તરફ ફેંકી. શકીલે ટોર્ચથી થેલીને રાખમાં ફેરવી નાખી. ડક્ટ-ટેપ રોલનો પણ એજ અંત આવ્યો, અને છેલ્લે ચાર માસ્ક, ગ્લોવ્ઝ, દોરડું વગેરેને પણ શકીલે સ્વધામ પહોંચાડી દીધા.

"શું રાત્રે બધું વગે કરી આવ્યા ને?"

"હા ભાઈ.... આ શેઠનું તમને શું લાગે છે? મને તો ત્યારે જ ડાઉટ થઇ ગયો હતો."

"હા, અમરે માર્યો ત્યારે જ મને લાગ્યું કે વધારે પડતી તાકાત વાપરી છે.. એટલે જ બધું ફેરવ્યું ને.."

થોડીવારે અમર પણ આવી ગયો અને અમારી સાથે બેઠો. શશી દોડતી પાછળ આવીને બોલી "શેઠ મરી ગયો..."

અમને તો ખબર જ હતી, પણ અમર ડઘાઈને બોલ્યો "શું?" કહેતા તે પણ ટીવી જોવા દોડ્યો. શકીલ અને મેં એકબીજાની સામે જોયું, અને અમે પણ કેબિનમાં ટીવી સામે આવ્યા.

ચિબાવલી રિપોર્ટર એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ કરીને અને એક એક વાક્ય દસ દસવાર ઉછળી ઉછળી ને બોલી રહી હતી. તે ફાર્મ-હાઉસની બહાર ઉભી રહીને રિપોર્ટિંગ કરી રહી હતી અને બધું બતાવી રહી હતી. અને સનસનીખેજ લૂંટ અને મર્ડર કહી રહી હતી. અમર ટેંશનમાં હતો, "સાલો, એમ કેવી રીતે મરી જાય??"

"તારો આ મહિનાનો પગાર તો બાકી નથી ને? બસ, તો પછી તને શું ટેંશન છે?" કહીને હું અને શકીલ હસ્યા, શશી કે અમર હસ્યાં નહિ.

અમર ચિંતામાં બોલ્યો "ચોરી થઇ એટલે પોલીસ નો પહેલો શક નોકરો પર જ જશે, એટલે મારી પણ ઉલટ તપાસ અને પૂછ પરછ કરવામાં આવશે જ... મને મારથી બહુ ડર લાગે...."

હું બોલ્યો "ડર નહિ, મને ખબર છે કે એક તમાચામાં જ તું પેન્ટ ભીની કરી નાખે એવો છે, એટલે જ મેં તને બચાવવા અને સાથે અમને પણ બચાવવા ઝીણું કાંત્યું છે."

"ઝીણું કાંત્યું હોય કે જાડું, પણ મને પોલીસ બોલાવશે તે તો નક્કી જ છે... બહારગામ જતો રહુ??"

"બેવકૂફો જેવી વાત ના કર, તને નહિ બોલાવે... ચોરી થઇ જ ક્યાં છે?"

"એટલે?" અને ટીવી સામે હાથ કરીને અમર બોલ્યો "આ શું કહે છે, સાંભળતો નથી??"

શકીલ ખડખડાટ હસતા બોલ્યો "સોરી અમરભાઈ , પણ તમારું મોઢું જોઈને હસવું રોકાયું નહિ.. ટેંશન ન લો અને ટીવી જોતા રહો, તમને ગમે તેવા સમાચારનો હજુ સમય નથી થયો, શું કહો છો ભાઈ?" કહીને મારી સામે જોયું.

અમર બોલ્યો "સમય ગયો ભાડમાં... તમે મને હમણાં જ કહી દો, મારા પેટમાં ગોટા વળે છે."

હું હસતા હસતા બોલ્યો "સાલા ગોટા વળે છે... અમથું લખપતિ થવાય છે? શકીલ તેને કહે, આપણા ગેરેજમાં ટોયલેટ નથી, આ ક્યાંક અહીં જ બગાડી ન નાખે....."

શકીલ બોલ્યો "અમરભાઇ, ચોરી કે લૂંટ થઇ જ નથી, કેમકે બધું જ સલામત અને સેફ છે, સેફ માં વીસલાખ અને ઘરેણાં પણ એમને એમ પડ્યા છે, અને ડ્રેસિંગ ટેબલ પર વોલેટ, બ્રેસલેટ, અને શેઠાણીના કાઢેલા ઘરેણાં પણ સલામત છે, એટલે આ ચોરી કે લૂંટનો મામલો બનતો જ નથી."

અમર બોલ્યો "તો તો મર્ડરનો કેસ બને, તે તો વધારે ગંભીર ગણાય ને?"

હવે હું બોલ્યો "હા મર્ડર.. પણ તે ચોરી કે લૂંટ માટે નહિ..."

"બરાબર ભસોને મારા બે બે બાપાઓ...."

"મર્ડર થયું છે, પણ કોઈએ બહારથી આવીને શેઠને માર્યો છે તે સાબિત થશે નહિ. ગાર્ડ એમ કહેવાના નથી કે અમે ચોરીનો શરાબ ગટકાવીને બેહોશ પડ્યા હતા, તેઓ તો એમ જ કહેશે કે બરાબર ફરજ પર હતા અને કોઈ અંદર આવ્યું જ નથી, અને તેમની વાતનું સમર્થન સીસીટીવી ફૂટેજ પણ કરશે."

હવે શશી અને અમરને કૈંક મારા પ્લાનનો ખ્યાલ આવી રહ્યો હતો, અને તે બંને થોડા રિલેક્સ થયા હોય એમ મને લાગ્યું. મેં આગળ ચલાવ્યું "ગાર્ડ તો પોતે કેટલા ચોકન્ના છે તે બતાવવા બેડરૂમની લાઈટ ચાલુ જોઈને શેઠને ફોન કરીને પૂછ્યું હતું તે પણ ઉલ્લેખ કરશે."

અને આગળ બોલ્યો "અને કૂતરો પણ ખુલ્લો હતો, ભલે ગાર્ડે મોડો ખોલ્યો, પણ બોલશે નહિ, અને તે પછી તો તેને શેઠ સાથે ફોન પર વાત પણ કરી જ હતી ને...."

અમર ઊંડા વિચારમાં હતો, તેને હજુ સંતોષ થયો હોય એમ લાગ્યું નહિ, તે બોલ્યો "તો પછી આ ટીવીવાળા ચોરી અને લૂંટની કેમ બૂમો પડ્યા કરે છે?"

"શેઠાણીની ફરિયાદ મુજબ તો એ જ છે ને.... હવે પોલીસ તને કહ્યું તે શોધી કાઢશે પછી જ સત્ય, ના ના અસત્ય બહાર આવશે, અને તે અસત્યને પોલીસ સત્ય સાબિત કરશે...હાહાહા!!!"

"એટલે કે..."

"હવે તું માથું ન ખા... તને ગમે તેવા સમાચારને વાર છે, ટીવી જોતો રહે."

"પણ મને સમજાવ તો ખરો.. હજુ ય ઘણી વાતો સમજાતી નથી." શશીએ પણ અમરની વાતમાં સુર પુરાવ્યો. હું શકીલ સામે જોઈને બોલ્યો "મને સિગરેટ આપ, અને આ બેવકૂફોને તું સંભાળ.."

શકીલે મને સિગરેટ આપી અને પોતે પણ સળગાવી, ને બોલ્યો " શેઠનું ખૂન શેઠાણીએ કર્યું છે... અને તેના કારણો પણ શોધવા પોલીસ માટે અઘરા નથી. શેઠનો લગ્નેતર સબંધ, અને તેને કારણે કાયમી ઝઘડા, કંકાસ.. અને તે જાહેર છે, અને વધારામાં ખૂટતું ભાઈએ રખાતને પાર્ટીમાં મોકલીને પૂરું કર્યું છે."

"પણ શેઠાણીએ તો આપણને જોયા છે, મતલબ તેને ખબર છે કે આપણે શેઠને માર્યો અને ચોરી કરી છે."

શકીલ બોલ્યો "તેની વાત માનવા લાયક છે? ચોરી કરવા આવ્યા હતા તો વિસ લાખ અને ઘરેણાં કેમ ન લઇ ગયા? પોતાને બાંધી રાખી હતી તો છોડી કોણે? ખૂનીઓ છોડી ગયા... વાહ, કોણ માનશે? પહેલા તો બાંધી હતી તેની કોઈ નિશાની જ નહિ મળે."

શશી બોલી "બરાબર તપાસ કરવામાં આવે તો બેડરૂમમાંથી અને આપણે બારીમાંથી નીચે ઉતર્યા ત્યાં અજાણ્યા પગલાંઓ મળી શકે છે."

હું સાંભળી રહ્યો હતો, બોલ્યો " સાચું.. સો ટાકા પગેરું અને નિશાન મળે.. પણ તેનાથી શેઠાણીને કશો ફાયદો ન થાય."

"કેમ?"

"ખૂન શેઠાણીએ જ કરાવ્યું તે સાબિત થાય, ખૂની આવ્યો કે આવ્યા, શેઠનું ખૂન કર્યું અને કશું પણ લીધા વગર કે શેઠાણીને ઘસરકો પણ પાડ્યા વગર જતો રહ્યો અને શેઠાણી જોતી રહી, એમ? એનો અર્થ એમ થયો કે તે શેઠાણીનો બોલાવેલો ભાડુતી ખૂની હતો.... જો નહોતો તો શેઠાણી ની બાજુમાં સુતેલા પતિને મારી નાખ્યો તે પણ ખબર પડી નહિ? બાંધી રાખી હતી, તો ફરી એ જ સવાલ કે છોડી કોણે??"

હવે અમર અને શશી ખુશ અને સંતુષ્ટ હતા, અને અમર તેના ઓરીજીનલ મૂડમાં ફરી આવી ગયો હતો. "ટોપા, એટલે તો અમે તને લીડર બનાવ્યો હતો, મારા ભાગમાંથી તારી બધી ઉધારી કાપી લેજે, બસ? અને ઉપરથી સો રૂપિયા બક્ષિસ મારા તરફથી, ખુશ?"

શકીલ કીટલી ભરીને ચા અને નાસ્તો લાવ્યો. ખાતા ખાતા હું બોલ્યો "પૈસા હાથમાં આવ્યા પછી જરાય હવામાં ઉડવાનું નથી, કે પૈસા ઉડાવી નાખવાના પણ નથી, આ આપણું પહેલું અને છેલ્લું કામ હતું. એટલે ફરી કડકા ન થઇ જવાય તેમ વાપરજો અને ઈન્વેસ્ટ કરજો."

અમર મારી સામે જોઈને બોલ્યો "તું શું કરવાનો છે?"

"વિચાર્યું નથી, પણ સૌથી પહેલા તો હું અને શશી યુરોપ ફરવા જવાના છીએ." કહીને મેં શશીને પાસે ખેંચી.

"લે.. અમને કહે છે કે પૈસા ઉડાવતા નહિ, ઈન્વેસ્ટ કરજો.. તો તું યુરોપ શું કરવા, ઈન્વેસ્ટ કરવા જવાનો છે?" અને પછી તે જ જાણે તાળો મળી ગયો હોય એમ બોલ્યો "સમજી ગયો, તને તો બે ભાગ એક શશીનો પણ મળવાનો છે ને... એટલે એક ભાગ તમે મોજ-મજા કરવા ઉડાવી શકો છો." અને તે શકીલ તરફ જોઈને બોલ્યો "તું શું કરવાનો છે?"

"કશું નહિ, મારો ભાગ પણ ભાઈ પાસે જ રહેશે, તે જેમ કહેશે તેમ કે તેમને જેમ યોગ્ય લાગશે તેમ મારે માટે કરશે."

અમર મને જોઈને બોલ્યો "લે.. તને તો મજા પડી ગઈ.. ત્રણ ત્રણ ભાગ તને મળી ગયા.." કહીને મને આંખ મારીને તાળી આપી.

શશી બોલી "અમર તારો માલ પણ અમારી પાસે જ રહેવા દેજે, તું ખોઈ કાઢીશ.. અમે દર મહિને તને ચા-નાસ્તાના પાંચસો-હજાર હાથ-ખર્ચી આપતા રહીશું."

અમરે મને બતાવીને શશીને કહ્યું "તું તારો માલ સંભાળી રાખે તે જ ઘણું છે..." અને મને જોઈને બોલ્યો "માલ મળે પછી હું મારા ભાગમાંથી શશીને પાંચસો રૂપિયા આપીશ, પાર્લરમાં જવા માટે.. તને ડર નથી લાગતો? તું કઈ રીતે સૂએ છે તેની પાસે?"

***

પૂરો દિવસ લોકલ ચેનલ પર આ જ ચાલતું રહ્યું. તપાસમાં લાગેલ ઇન્સ્પેક્ટર ગોહિલ પહેલીવાર પત્રકારો સામે આવ્યો, બધા તેને ઘેરી વળ્યાં, તે બોલ્યો "પોલીસ તપાસ ચાલુ છે, અને પોલીસે ઘણી કડીઓ મેળવી છે, વધારે નહિ કહું, પણ એટલું જરૂર કહીશ કે આ ચોરી કે લૂંટનો કેસ બિલકુલ નથી."

- એટલે આ ધંધાદારી અદાવત હોઈ શકે?

"ધંધાદારી નહિ પણ અંગત...ઘરેલુ.." કહીને તે ગાડીમાં બેસી જતો રહ્યો.

મને આ જ સાંભળવું હતું. પોલીસ બરાબર મારા કંડારેલા ટ્રેક પર આગળ વધી રહી હતી. મેં અમરને ધબ્બો માર્યો "સાંભળ્યું? ખુશ? જોતો જ રહેજે, રાત સુધીમાં તો તમે બધા મારા પગમાં આળોટી જશો ને મારા ભક્ત બની જશો.

હું તો કોન્ફિડેન્ટ જ હતો, અને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે ત્રીજે દિવસે તો પોલીસે શેઠના ખૂન માટે શેઠાણીની ધરપકડ પણ કરી દીધી. અમારા પ્લાનમાં શેઠને મારી નાખવાનું નહોતું, પણ એવું કશું બને તો તે વિષે વિચારીને જ હું પહેલેથી આગળ વધ્યો હતો અને શેઠાણીને ફસાવવાનો કારસો રચ્યો હતો.

પોલીસ હવે પત્રકારોને ખુલીને જવાબ આપતી હતી. અને શેઠાણી જ ખૂની છે, તેવા નિષ્કર્ષ પર પહોંચવાના પોલીસ પાસે પૂરતા કારણો હતા. શેઠાણીનું સાચું બયાન પોલીસને જૂઠું અને શંકાસ્પદ લાગતું હતું, - બે હતા, ખબર નથી, ત્રણ-ચાર હતા, વગેરે, અને બે કલાક રોકાયા હતા, કેમ? તેનો પણ સંતોષકારક જવાબ શેઠાણી

પાસે નહોતો, કે પોલીસને તેનાથી સંતોષ નહોતો.

અને નોકરો, ઓળખવાવાળા, વગેરે એ પણ શેઠાણીએ કેમ એવું પગલું ભર્યું તેના અનેક કારણો ગણાવ્યા હતા, અને શેઠાણી સાથે હમદર્દી પણ બતાવી હતી. ટૂંકમાં ટીવીએ શેઠની ઈજ્જત ઉછાળી હતી, અને શેઠાણી તરફી સહાનુભૂતિનો માહોલ ઉભો કર્યો હતો.

ટીવીવાળાને તો કામ મળ્યું જાણે.. શેઠની રખાતને પણ શોધી કાઢી હતી, પણ તે કોઈ સાથે વાત કરવા તૈયાર નહોતી.

રિપોર્ટર ઉછળી ઉછળીને પોતાની પાછળ રખાતનું ઘર બતાવી રહી હતી, અને કેટલા સમયથી અને કેવા સબંધ હતા, અને ક્યાં મળ્યા હતા અને શેઠાણી કેટલી દુઃખી હતી, તેની સ્ટોરીઓ પણ બનાવી કાઢી હતી.

બે કોડીના સાયકોલોજીસ્ટ અને સમાજશાસ્ત્રીને પકડીને ડિબેટ કરવા બેસાડી દીધા હતા. અને તેઓ શેઠાણીએ કેમ અને કેવા સન્જોગોમાં ખૂન કર્યું તે સમજાવી રહ્યા હતા.

અમે હવે નિશ્ચિન્ત હતા. શકીલ બોલ્યો "માલ હવે ખસેડી લઈએ, શું કહો છો ભાઈ?"

"હા, હવે બિન્દાસ લઇ આવજો, વાંધો નથી." કહીને અમર સામે જોયું, અમરે ડોકું હલાવ્યું.

શશી દુઃખી અને ઉદાસ લાગી રહી હતી, મેં તેના ગળામાં હાથ નાખીને બોલ્યો "સ્વીટી, હવે શું છે? કેમ ઉદાસ છે?"

"મને શેઠના મરવાનું જેટલું દુઃખ નથી, તેનાથી વધારે બિચારી નિર્દોષ શેઠાણીના ફસાવાનું છે."

હું તેને ગાલે કિસ કરીને બોલ્યો "શેઠાણીને કશું નહિ થાય, પોલીસ ચાર્જ-શીટ મુકવામાં ઉતાવળ કરી રહી છે, તેમના માટે કેસમાં હવે કશું રહ્યું નથી, પણ એવા ઘણા સવાલો છે જે એમને એમ જ રહી જાય છે. ડિફેન્સ લોયર તેનો લાભ લેશે અને જોજે શેઠાણી પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જશે."

રાત્રે મારે ઘેર બંને થેલા ખાલી કર્યા. અમારી ધારણા કરતા ઘણું વધારે હતું. બે હજારની નોટના પંચ્યાસી બંડલ હતા, એટલે કે એક કરોડ સિત્તેર લાખ.. અને વિસ ગ્રામ ગોલ્ડની સિત્તેર બિસ્કિટ હતી. હવે અમરને પણ અમે વિસ લાખ અને ઘરેણાં છોડી આવ્યા તેનું દુઃખ નહોતું.

***

અમે ત્રણ બેડરૂમનું ઘર લીધું હતું. શશીની માં ને પણ અમારી સાથે જ રહેવા લઇ આવ્યા હતા. અને શકીલ સાથે પાર્ટનરશીપમાં નવું અને મોટું ગેરેજ ખોલ્યું હતું.

આજે રવિવાર છે, એટલે શશીએ મને ઉઠાડ્યો નહિ. મારી આંખ ખુલી અને રોજની જેમ જ અમારી એક વર્ષની ઢીંગલીને શોધવા લાગ્યો, તે બેડ પર કે રૂમમાં પણ નહોતી. હું હોલમાં આવ્યો, મારી ઢીંગલી નીચે રમકડાં ફેલાવીને રમી રહી હતી, મને જોઈને હસી અને બે હાથ ઊંચા કર્યા. મેં દોડીને તેને ઊંચકી લીધી અને તેને સેંકડો કિસ કરી, અને તેને ખોળામાં લઈને સોફા પર બેઠો.

કિચનમાંથી શશી બોલી "દીકરીને એંઠા મોઢે ચાટી લીધી હૉય તો ચા લાવું?"

"હા, જલ્દી લાવ, પછી તને પણ ચાટવી છે."

શશી ચા નાસ્તો ટેબલ પર મુક્યો ને મારી સામે ઉભી, મેં તેનો હાથ ખેંચીને બાજુમાં બેસાડી દીધી અને તેને ગાલે કિસ કરી, તે જોઈને ઢીંગલી પણ પોતાના ગાલે આંગળી મૂકીને રડી, અમે બંને હસી પડ્યા અને સાથે તેના બંને ગાલે કિસ કરી ત્યારે જ તે ચૂપ થઇ. શશીની માં તેના રૂમમાં હતી.

અમર ન્યુઝ પેપર નું કોકડું વાળીને અંદર આવી ગયો ને અમારી સામે બેઠો. અને અમારા જિલ્લાની પૂર્તિનું પાનું ખોલીને અમને બતાવ્યું. શેઠાણી પુરાવાને અભાવે નિર્દોષ છૂટી હતી તે સમાચાર હતા. હું શશી સામે જોઈને બોલ્યો "બસ? હવે ખુશને??"

શશી બોલી "હા, હવે મને સારું લાગે છે, પણ બચારીનો બે વર્ષે નિવેડો આવ્યો, વગર વાંકે તે બચારી બે વરસ સબડી ને..."

"એટલો ભોગ તો આપવો જ પડેને..."

"શેને માટે?"

"આપણે તેને લંપટ, હલકટ પતિથી છુટકારો અપાવ્યો અને કરોડોની માલ-મિલકતની માલકીન બનાવી.. એટલા માટે બે વર્ષ તો કંઈ જ ન કહેવાય..." અને પછી અમર સામે જોઈને બોલ્યો "જા.. કેમ બેઠો છે? ચા પીવી છે?" શશી સામે જોઈને બોલ્યો "જલ્દી ચા આપ કે તે પીને રવાના થાય, જ્યાં સુધી ચા નહિ આપે તે જશે નહિ."

શશી હસી અને અમર માટે ચા લાવી. ચા પીને અમર ઉભો થયો, ને શર્ટ અને પછી પેન્ટના ખિસ્સે હાથ લગાડીને બોલ્યો "શશી, એક પાંચસો રૂપિયા આપ ને.., હું લાવતા ભૂલી ગયો છું."

શશી ખડખડાટ અને પેટ પકડીને હસવા લાગી, હું બોલ્યો "શશી, ભિખારી ગમે તેટલો લખપતિ થઇ જાય તો પણ ભિખારી જ રહે છે અને ભીખ માંગવાનું ભૂલે જ નહિ...."

---------- સમાપ્ત

વાચક મિત્રો, આશા છે કે આપને મારો આ પ્રયાસ ગમ્યો હશે. હલકી-ફુલકી થ્રિલર લખવાની ઘણા સમયથી મારી ઈચ્છા હતી, પણ મગજમાં કશું ક્લિક થવાની વાર હતી.. અને ક્લિક કરી આપવાનું કામ કર્યું લેખક મિત્ર નિલેશ મુરાનીએ... અને તે પછી પણ તેમની સલાહ-સૂચન માંગતો જ રહ્યો અને તેમને પણ કંટાળ્યા વગર મને સાચવ્યો...તેમનો આભાર નથી માનતો કે માનવો પણ નથી, અમારા સબંધ એવા છે કે આ તો મારો અધિકાર છે, તેમણે કશી ધાડ નથી મારી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED