ધ ક્રિમિનલ્સ - 2 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ક્રિમિનલ્સ - 2

"ધ ક્રિમિનલ્સ - 2"

હાઇવે થી ગામડા તરફ સડક ફંટાઈ, મેં બાઈક અંદર વાળી ને ધીમી કરી. અમરના શેઠનું ફાર્મ-હાઉસ રોડ પર જ હતું. દૂરથી શશીને બતાવીને કહ્યું "જેટલું જોવાઈ તેટલું જોઈ લે, આપણે રોકાવું નથી."

લોખંડનો મોટો ગેટ અને તેમાં જ નાનું બારણું પણ હતું. માણસોની આવન-જાવન માટે તે નાનો ગેટ ખોલતા હશે, મોટો ગેટ ગાડીઓ માટે જ ખોલવાની જરૂર પડે તેમ હતો. ગેટની અંદર નાની કેબીન બનાવેલ હતી, અને તેમાં નાની બારી બનાવેલી હતી. ગાર્ડ ત્યાં જ બેસતા હશે. ફાર્મ-હાઉસની ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ હતી, જે ખાસ ઊંચી નહોતી, લગ-ભગ આઠ ફૂટની હશે. અડધી કમ્પાઉન્ડ વોલની અંદર તરફ પંદર ફૂટના પોલ પર બે કૅમેરા હતા, જે એક જમણી તરફ એટલે કે મેન ગેટ તરફ નો અને બીજો ડાબી તરફનો હતો. અમરના કહેવા પ્રમાણે એવું જ બીજી ત્રણે દીવાલે પણ હતા. ટૂંકમાં આઠ કેમેરા ફાર્મ-હાઉસને ચારે તરફથી આવરી લે તેમ ગોઠવેલા હતા.

ફાર્મ-હાઉસની જમણી તરફ ની જમીન ખુલ્લી હતી, પણ ડાબી તરફ તેની બાજુનો પ્લોટ ખુલ્લો અને તે પછીના પ્લોટ પર ફક્ત ઈંટો થી બાઉન્ડરી બનાવેલ હતી, બીજું કોઈ જ કન્સ્ટ્રક્શન કરેલ નહોતું. તે પ્લોટ મને કામનો લાગ્યો, અવાવરું અને બાઉન્ડરી બાંધેલ પ્લોટ અમારો બેઝ કેમ્પ બની શકે.

અમે સીધા નીકળી ગયા. થોડે આગળ ગયા પછી હું બોલ્યો "જોયું શશી? શું જોયું?" શશીની નિરીક્ષણ શક્તિ કેવી છે તે જાણવા માટે જ મેં પૂછ્યું.

"હા, જોયું. દીવાલ ખાસ ઊંચી નથી, કે તાર પણ લગાડ્યા નથી. અને કેમેરા પણ ખોટી દિશાએ સેટ કરેલા છે."

"ખોટી દિશાએ? કેવી રીતે?" મેં શશીનું મગજ ચકાસવા માટે પૂછ્યું.

"ખોટું જ કહેવાય ને.. એક ડાબી તરફ અને એક જમણી તરફ.. એટલે જો કોઈ નાકની દાંડીએ કેમેરા રાખીને આગળ વધે અને તેની નીચે પહોંચી જાય તો પણ કેમેરા તેને જોઈ શકે નહિ."

"વાહ, તારા જેવીની જ મને જરૂર હતી..."

"રાજુ, તારો પ્લાન શું છે?"

"હમણાં તો કશું નહિ, હવે વિચારીશું."

જોકે મારા મગજમાં રૂપરેખા તો તૈયાર જ હતી, પણ હું શશીને ડરાવવા માંગતો નહોતો. અમે ફરીને ગેરેજ પર આવ્યા. શકીલ બધું સમેટીને જવાની તૈયારી જ કરતો હતો. શશી બાથરૂમ ગઈ તો શકીલ મારી પાસે આવીને બોલ્યો " ભાઈ, ભાભીને બીજી નોકરી ન મળે ત્યાં સુધી બધું સંભાળી લેજો..."

હું હસીને બોલ્યો "સાલા...ચેરિટી ટ્રસ્ટ ખોલ્યું છે, મેં?? કે મારી બાયડી છે તે?"

"ભાઈ તમારી વાત બરાબર છે પણ.. ભલે આ મહિનાનો મારો અડધો પગાર શશીભાભીને આપી દેજો..."

મેં શકીલની પીઠ પર ધબ્બો મારીને કહ્યું "ગાંડા, શશી મારી છે, તું ચિંતા ના કર.. અને હવે તે નોકરી પણ નહિ કરે."

"ભાઈ લગન કરી લો ને....."

"હા, તેની ડોહી મરે એટલી વાર છે, હાહાહા!!!"

શશી બહાર આવતા જ બોલી "કેમ હસે છે?"

"કશું નહિ." અને શકીલ ને ઈશારો કરીને બોલ્યો "જલ્દી બધું સમેટ, પછી આપણે જમવા જઈએ."

જમીને અમે ઘેર આવ્યા, શશીના ઘર પાસે બાઈક ઉભી રાખીને મેં કહ્યું "તું પણ મારે ઘેર જ ચાલ, અમર પણ આવતો જ હશે, આપણે વાત કરી લઈએ."

શશી બોલી "તું જા, હું માને જોઈને અને તેને કહીને આવું જ છું."

નાહીને નીકળ્યો કે અમર પુરી બોટલ અને ચવાણું લઈને આવ્યો. અમે પીવા બેઠા ને થોડીવારમાં શશી પણ આવી ગઈ. તે સોફા પર બેસી ગઈ ને ટીવી બંધ કરી.

"અમે હમણાં ફાર્મ-હાઉસ પર નજર નાખી આવ્યા."

"એમ?"

"અંદરની પુરી ભૂગોળ ફરી સમજાવ."

અમર ગ્લાસ ખાલી કરતા બોલ્યો "અંદર તો કહ્યું તેમ ફ્રન્ટ માં બિલકુલ સેન્ટરમાં નહિ પણ જમણી તરફ મેન ગેટ છે, અને ત્યાંથી સીધી સડક ઘર પાસે વળાંક લઈને પુરી થાય એવી બનાવેલી છે. ફ્રન્ટ કમ્પાઉન્ડને બીજે છેડે સર્વન્ટ રૂમ છે, જેની છતની ઊંચાઈ કમ્પાઉન્ડ વોલ જેટલી જ છે. તેમાં નોકર અને માળી રહે છે, બીજા બધા નોકરો છુટા છે, સાંજે, રાત્રે ઘેર જતા રહે છે."

"ઘર કેવું છે?"

"કઈ ખાસ નથી, પાર્ટી અને રંગરેલિયા મનાવવાને ધ્યાને રાખીને બનાવેલ છે, રહેવા યોગ્ય નથી. આવતે વર્ષે શેઠ એક્સટેન્ડ કરીને નવું અને મોટું બનાવવાનો છે."

"હમણાં કેવું છે તે કહેને ટોપા...."

"પાંચ ફૂટની પ્લીન્થ (ઓટલા) પર મોટો વરંડો, મોટો હોલ અને કિચન, ઉપર બે રૂમ કે જેને શેઠ અને તેની દીકરી બેડરૂમ તરીકે વાપરે છે. અને બીજા બે રૂમછે, તે સ્ટોર રૂમ તરીકે વપરાય છે. ઉપર જવા માટે હોલમાં જ સ્પાઇરલ સ્ટેર ગોઠવેલી છે."

શશી બોલી "ઘર ક્યાં છે? વચ્ચે કે છેડે?"

"છેક પાછળ, અને પ્લોટની વચ્ચે, જમણી બાજુ પતરાનો શેડ બનાવીને ગેરેજ જેવું બનાવ્યું છે. બાકી બધે બગીચો છે."

"મીટર રૂમ ક્યાં છે?"

"ઘરની જમણી બાજુની પ્લિન્થમાં ખાંચો પાડીને કબાટ ફસાવ્યું છે."

"મોનિટર તો ગાર્ડ ની કેબિનમાં જ હશે ને?"

"હા"

"તને ગાર્ડ ઓળખે છે?"

અમર ગર્વથી બોલ્યો "મને ન ઓળખે? અરે તેમના છાંટો-પાણીનો બંદોબસ્ત તો હું જ કરી આપું છું ને..."

"એટલે?"

"પાર્ટી હોય ત્યારે હું વહીસ્કી ગપચાવીને પ્લાસ્ટિકના બે લિટરના કેરબામાં ભરી રાખું છું, અને મોકો મળે કે પાર્ટી પતે ત્યારે નીકળતી વખતે તેમને આપી દઉં છું, બચારાઓને ઈંગ્લીશ અને ઈમ્પોર્ટેડ ક્યારે પીવા મળે..."

"પાર્ટી દર શનિવારે હોય જ છે?"

"મોટેભાગે તો હોય જ છે, અને હોય ત્યારે મારી ડ્યુટી તો ત્યાં પાક્કી જ. બધું પૂછ પૂછ અને વાતો જ કર્યા કરે છે તો અમને પણ સમજાવ કે તું કરવા શું માંગે છે? અમનેય જાણવાનો હક તો ખરો ને? શું કહે છે?" કહીને શશી તરફ જોયું. શશી કશું બોલી નહિ, ફક્ત માથું હલાવ્યું. મેં કહ્યું "હજુ કશું સોલિડ વિચાર્યું નથી, પણ એટલું તો નક્કી છે કે પાર્ટી પતશે પછી જ આપણે ત્રાટકીશું."

"એટલે કે શનિવારે રાત્રે.."

"હા, કોઈ પણ, આપણને અનુકૂળ પડે અને બધું પરફેક્ટ હોય તેવા શનિવારે. અને દીકરી નું શું છે? તે પાર્ટીમાં હોય છે? અને શેઠાણી?"

"દીકરી તો રખડતી છે, તે બીજે પાર્ટી કરે છે, અને શેઠાણી અલપ-ઝલપ ખાલી હાઈ-હલ્લો કરીને રૂમમાં જતી રહે છે, થોડી-થોડીવારે હાજરી પુરાવી જાય છે, અને ભાઇલોકોની પાર્ટી હોય તો તો તે આવતી જ નથી."

"સરસ, બે વાત નક્કી થઇ ગઈ, એક તો પાર્ટી પછી જ અને બીજી કે દીકરી હાજર નહિ હોય તેવી પાર્ટી પછી જ આપણે હરકતમાં આવીશું."

"દીકરી પાર્ટીમાં નહિ જાય તો?"

"તો તે જાય તેની વાટ જોઈશું, શું ઉતાવળ છે? તે હાજર ન હોય તે આપણે માટે સારું રહેશે. હજુ કઈ રહેતું નથી ને જણાવવા જેવું?"

"આમ તો બધું કહી જ દીધું છે, અને હા એક કૂતરો છે."

"કૂતરો? સાલા પહેલા કહેવું જોઈએને..."

"મને કઈ એટલું મહત્વનું લાગ્યું નહિ, એટલે..."

"ગધેડા, આ જ મહત્વનું છે, કેવો કૂતરો છે? અને શું, કેવી રીતે, બધું જ કહે."

"આલ્શેસિયન છે, પણ મેં હંમેશા તેને તેના નાના ઘરમાં બંધ કરેલો જ જોયો છે."

"તેનું ઘર ક્યાં છે? અને તેને કોણ સાચવે છે?"

"સર્વન્ટ રૂમને અડીને જ નાનું ઘર બનાવ્યું છે, અને માળી તેનું બધું કરે છે."

હું વિચારમાં પડ્યો, ને થોડીવારે બોલ્યો "તું પાર્ટી હોય ત્યારે જ ફાર્મહાઉસ જાય છે, અને પાર્ટી હોય ત્યારે જ કૂતરાને પુરી રાખતા હશે કે જેથી મહેમાનોને ભસે નહિ કે હુમલો ન કરે.. એટલે તને એમ લાગે છે કે તેને બંધ જ રાખે છે, પણ રોજ રાત્રે અને પાર્ટી પછી પણ તેને ખુલ્લો જ રાખતા હશે, તેને રાખ્યો છે જ એ માટે.... હવે સાલા મને ફરીથી બધું વિચારવું પડશે..."

અમરના મોં પરથી એવું લાગતું હતું કે તેણે બહુ મોટી મુર્ખામી કરી નાખી હતી. તેને રિલેક્સ કરવા માટે હું બોલ્યો "વાંધો નથી, નિપટી લઈશું, હું તેનું કશું વિચારું છું...

મારુ મગજ પૂર-પાટ દોડી રહ્યું હતું, એક ખતરનાક યોજના આકાર લઇ ચુકી હતી. પણ હમણાં મારે કશું બોલવું નહોતું. "અમર, તારા શેઠની રખાત નો નંબર અને એડ્રેસ લાવ્યો?"

"હા, પણ તેનું આપણને શું કામ છે?"

"કશું નહિ, આ તો જાણી રાખ્યું હોય તો કામ લાગે એટલે.." અમરે નંબર અને એડ્રેસ લખેલ કાગળ મને આપ્યો.

"અમર, તારી શેઠાણી અને રખાત નું કેવું છે? શેઠાણી શેઠના આ સબંધ વિષે જાણે છે?"

"આખું ગામ જાણે છે તો શેઠાણી ન જાણતી હોય? શેઠાણી-શેઠ ને રખાત બાબતે ચડ-ભડ થતી જ રહે છે. તું તો ઘણો પંચાતીયો.. તેના લફરામાં આપણને શું ઇંટ્રેસ્ટ?" અને શશી તરફ ઈશારો કરીને બોલ્યો "તારા લફરામાં ધ્યાન આપને... આખો મોહલ્લો તમારી ચર્ચા કરે છે, તે સંભાળને.... છોડ, હવે મારે શું કરવાનું છે?"

હું હસીને બોલ્યો "કશું નહિ, મજા કર... કઈ હશે તો તને જણાવીશ..."

અમરના ગયા પછી શશી બોલી "રાજુ તું શકીલ વિષે શું વિચારે છે?"

"હુંહ.. જોઈએ...અમર કદાચ ચાર ભાગ માટે રાજી ન પણ થાય."

"ભલે ત્રણ ભાગ કરીશું, હું મારા ભાગમાંથી શકીલને આપીશ, તે મારુ બહુ રાખે છે."

"જોઈએ.. તારા ઘેરે સિલાઈ મશીન છે ને?"

"હા"

"સરસ, જાડું કેનવાસ કે પડદાનું કાપડ લઇ ને દોઢ ફૂટ બાય છ ઇંચનો એક નળાકાર સીવી લાવજે. એક છેડો બંધ કરજે... તારી માને ખબર ન પડે."

"કેમ? તે શું કામનું?"

"પછી બધું સમજાવીશ, કાલે મને ઘણી વસ્તુઓ ભેગી કરવી છે અને ખરીદી પણ કરવી છે."

"રાજુ હિંસા તો નહિ થાય ને?"

"કેમ, તું તો શેઠનું ખૂન કરવાની હતીને..." કહીને હું મૉટે થી હસ્યો અને શશીને બેડ પર પટકીને બોલ્યો "ત્યાંની તો ખબર નથી, પણ જો તું ના પાડીશ કે નખરા કરીશ તો હમણાં જરૂર હિંસા થશે...."

***

મારે શશી કે અમરને મારી યોજના કહીને ટેંશનમાં લાવવા નહોતા, તેઓ કશે અજુગતું વર્તન કરી નાખે તે પોસાય તેમ નથી. અને એટલે જ હું તેમને વધારે ટેંશન આપતો નહોતો. હા, શકીલ મારી ટાઇપનો છે. થોડો એગ્રેસીવ છે, પણ વિશ્વાસુ, અને બિલકુલ મારી જેમ જ વિચારવાવાળો છે. તેને જો અમારી સાથે ભેળવવામાં આવે તો મારુ ઘણું ભારણ ઓછું થાય તેમ છે. અને શશીની પણ તેને સાથે લેવાની ઈચ્છા છે.. અમરને પૂછવું પડે.. અને શકીલ? તે મારી વાત ટાળશે નહિ, અને ટાળશે તો પણ જરાય ચિંતા નથી, તે મરી જશે પણ મારી વિરુદ્ધ એક શબ્દ પણ બોલશે નહિ. અમરને પૂછ્યા પછી જ શકીલને વાત કરીએ.

બીજે દિવસે સાંજે અમે ફરી મળ્યા. મેં શકીલની વાત છેડી, શશીએ તેને આગળ વધારી, અને અમારા આશ્ચર્ય વચ્ચે અમર તરત જ માની ગયો અને હા કહી દીધી. શશી ખુશ થઇ ગઈ, તેણે શકીલને ફોન કરીને હમણાં જ ઘેરે આવી જવા કહી દીધું.

શશી કેનવાસનો નળાકાર સીવી લાવી હતી, મારી ઈચ્છા મુજબનો જ હતો, તે લઈને મેં બેડ નીચે ફેંક્યો. થોડીવારમાં શકીલ પણ આવી ગયો, હું પીતો રહ્યો, શશી અને અમરે જ તેને બધી વાત કરી. બધું સાંભળીને શકીલ મારી સામે જોઈ રહ્યો, તે બોલ્યો "ભાઈ તમે શું કહો છો?"

"તું નિર્ણય લે, બધું જ તને જણાવી દીધું છે, ને મારુ કોઈ જ દબાણ નથી. ન ઈચ્છા હોય તો પણ કશું નહિ, તું અહીં આવ્યો જ નહોતો કે અમે તને કશું કહ્યું જ નથી તેમ ભૂલી જજે."

શકીલ બોલ્યો "હું તો તમારી સાથે જ છું, પણ મને શશિભાભીની ચિંતા છે, તેમને આમાં પાડવા જેવું નથી, તેમને દૂર રાખો તો સારું."

"બધું બરાબર રહેશે તો શશી સાથે અને જો અજુગતું બનશે તો શશીને પિક્ચરમાં આવવા જ દઈશું નહિ.. ને તું તારી ચિંતા કર.. ને લાવ અડધો પગાર લાવ્યો?" હું શશી તરફ ફરીને બોલ્યો "આ ભાભીનું પૂંછડું તને દર મહિને પોતાનો અડધો પગાર આપવાનો છે." કહીને હું હસ્યો.

શકીલ હસતા બોલ્યો "હવે મારે શું કરવાનું છે?"

"કાલે તું બસમાં નડીઆદ જજે ને હું લિસ્ટ આપું તે બધું ખરીદી લાવજે."

"કેમ નડીઆદ? અહીં નહિ મળે?"

"અહીંથી નથી લેવું, અને નડીઆદમાં પણ એક દુકાનથી એક જ વસ્તુ લેજે અને બીજી માટે બીજા બજારમાં કે દૂર જજે, સમજ્યો કે નહિ?"

"સમજી ગયો, જાઉં?"

"હા, બાકી બધું સવારે ગેરેજ પર સમજાવું."

શકીલના ગયા પછી અમર બોલ્યો "આમ તો હું ઓળખું છું, ઘણા વરસથી તારી સાથે છે, પણ ભરોસા લાયક તો છે ને?"

મારી પહેલા શશી બોલી પડી "બિલકુલ, તેની ખાતરી હું આપું છું."

હું અમર સામે જોઈને બોલ્યો "હવે એક જ પ્રોબ્લેમ છે કે માલ ક્યાં સંતાડીશુ?"

"તેની ચિંતા ના કર, અમારી એક સાઈટ છે જે કોર્ટના સ્ટે લાગવાને કારણે અધૂરી પડી છે, તે બેસ્ટ છે, પંદર દિવસ તો આરામથી નીકળી જશે."

"ગુડ, ઠંડુ પડશે પછી આપણે નિકાલ કરી નાખીશું."

સવારે શકીલને લિસ્ટ આપીને નડીઆદ રવાના કર્યો. આમ તો તેને કશું સમજાવવાની જરૂર નથી, તો પણ લો-પ્રોફાઈલ રહેવાનું અને વાણી-વર્તન પર સંયમ રાખવાની સલાહ આપી. કોઈની નજરમાં અમારામાંથી કોઈ આવે તે અમને જ ભવિષ્યમાં નુકશાન કરી શકે છે. મોડી શશી આવી, "શકીલ ગયો?"

"હા"

અમે ગેરેજ પર જ મંગાવીને જમ્યા. દિવસ કશી નવાજુની વગર પસાર થયો. સાંજે શકીલના આવ્યા પછી તેને ગેરેજ સોંપીને હું અને શશી ઘેર આવ્યા. શકીલ બધું લઇ આવ્યો હતો.

***

"કાલે રાતે ફાર્મ-હાઉસમાં પાર્ટી છે."

રૂમમાં આવતા જ અમર બોલ્યો. શશી પ્લેટમાં ઓમલેટ લઈને કિચનથી બહાર આવીને સોફા પર બેસીને ખાવા લાગી.

હું બોલ્યો "અમર પાર્ટી કેટલા વાગ્યે જામે છે? અને કેટલા વાગ્યે પુરી થાય છે?"

"નવ-સાડાનવમાં તો બધાજ આવી જાય છે. કેટરિંગવાળા તો સાત વાગ્યાના આવી જશે ને બધી તૈયારીઓ કરશે. અને એક-દોઢ-બે વાગ્યામાં તો બધા જતા જ રહે છે."

"અમર તું તારા શેઠનો ફોન અડધો કલાક માટે સ્વીચ ઓફ કે સાઇલેન્ટ કરી શકે? કે થોડા સમય માટે ગાયબ કરી શકે?"

"કેમ?"

"સવાલ ન પૂછ, જવાબ આપ.." હું કડકાઈથી બોલ્યો.

"ફોન તો ટેબલ પર અહીં-તહીં જ મુકતા ફરે છે, ખિસ્સામાં પણ રાખે, કહેવાય નહિ. પણ જો ટેબલ પર પડ્યો હશે તો હું સાઇલેન્ટ અથવા સ્વીચ ઓફ કરી શકીશ."

"તે કરતા તું સ્વીચ ઓફ કરીને તારા ખિસ્સામાં મૂકી દઈશ તે વધારે સારું રહેશે."

"શેઠને ફોનની જરૂર પડશે તો?"

"શોધવા દેજે, તને શું? આપણો સમય થાય કે તું ફરી મૂકી દેજે..."

"એક્ઝેટ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ગાયબ કરવો છે? અને જો ગેરંટી નથી, મોકો મળશે તો જ થઇ શકશે."

"બરાબર દસ થી સાડા દસ સુધી... હા, હાંફળો-ફાંફળો થઈને કશું ઊંધું મારીશ નહિ, મોકો ન હોય તોયે વાંધો નથી, સમજ્યો? હવે શેઠની રખાતનો મને નંબર અને એડ્રેસ આપ."

"એટલે કાલે રાતે જ આપણે પૂરું કરવું છે?" કહીને અમરે મને એડ્રેસ અને નંબર લખેલ કાગળ આપ્યો.

"ના, હજુ વાર છે, થોડું કામ બાકી છે, આ આપણા કામનો જ એક ભાગ છે."

"મને કઈ સમજ પડી નહિ."

"પાર્ટી પછી બધું સમજાવીશ.. સમજી ગયોને શું કરવાનું છે?"

બીજે દિવસે હું મારા રૂટિન મુજબ કામે લાગ્યો. શકીલ નડિયાદથી બધું લઇ આવ્યો હતો, તે ચેક કર્યું, મારી અપેક્ષા મુજબનું જ હતું. હવે શકીલને બીજું એક કામ કરવાનું હતું, જૂની કાર ખરીદવાનું... તેમાં પણ તેને કહેવા જેવું કશું નહોતું, તે એક્સપર્ટ છે. સાંજે ગેરેજ બંધ કરીને ઘેર આવ્યો, અને ફ્રેશ થઈને જમવા નીકળી ગયો.

જમીને આવ્યો તો શશી રૂમમાં જ બેઠી હતી. "ક્યાં ગયો હતો? હું જમવાનું લાવી છું."

"હું તો જમી આવ્યો, ફોન કરીને કહેવું જોઈએને..."

અમર આવ્યો નહિ, મેં તેને ફોન કર્યો અને ફોનવાળી વાત યાદ દેવડાવી.

"શશી તારી માં હજુ ઊંઘની ગોળીઓ ખાય છે? કઈ ખાય છે?"

"હા, વેલિયમ-ફાઈવ. કેમ?"

"મને આઠ-દસ જોઈએ."

"કેમ? ઘેર ચાર-પાંચ પડી હશે, પુરી થાય પછી માં જ લાવે છે અને પ્રિસ્ક્રિપશન વગર આપતા નથી."

"કેમ કેમ ના કર્યા કર... જે ઘેર પડી છે તે લઇ લે, તારી માંને ખબર ન પડે તેમ, શોધે તો શોધવા દેજે, પછી કહેજે કે બીજી લઇ આવને.. અને બીજી લાવે તો એમાંથી પણ ચાર-પાંચ લઇ લેજે ને બધી મને આપી જજે." શશી કશું બોલી નહિ, તેને ખોટું લાગ્યું હતું, તેને મનાવવા હું બોલ્યો "હવે પૂછ, કેમ-કેમ કેમ?"

તે હસી પડી, ને બોલી "કેમ?"

"મારે લેવી છે, તારા ટેંશનમાં મારી ઊંઘ ઉડી ગઈ છે, બસ? સંતુષ્ટ?"

સાડા નવ થયા, હું કપડાં પહેરીને તૈયાર થયો, ને શશીને કહ્યું "ચાલ, આપણને જવું છે."

તે બોલી "ક્યાં?" મેં ધારદાર નજરે તેની સામે જોયું, તે હસીને બોલી "ક્યાં પૂછ્યું છે, તેં તો કેમ બોલવાનું ના કહ્યું હતું ને...." કહેતી તે મારી સાથે થઇ ગઈ.

બાઈક પર અમે આરામથી અને ધીરે ધીરે ફરતા રહ્યા, દસ વાગ્યા કે અમે એક પીસીઓ પાસે રોકાયા. ખિસ્સામાંથી નંબર કાઢ્યો ને લેન્ડ-લાઈનથી શેઠની રખાત ને ફોન જોડ્યો.

"મેડમ, હું શેઠનો ડ્રાઈવર કિશન બોલું છું, શેઠે મને તમને લેવા મોકલ્યો છે, પણ ગાડી ચાલી શકે એમ નથી."

"લેવા? ક્યાં? મને તો કશી એવી વાત થઇ નથી."

"ઘેર, પાર્ટી માં.. તમને ફોન કર્યો પણ લાગતો નહોતો, કહ્યું કે જાડેજા સાહેબ આવ્યા છે, અને તમારી સાથે ડીલ કરાવવાની છે, એટલે જલ્દી લઇ આવ."

"કોણ જાડેજા? ભલે હું વાત કરી લઉં છું. શેઠાણી ઘેર છે?"

"ના મેડમ, તમે રિક્ષામાં જતા રહેશો કે હું રીક્ષા લઈને આવું?"

"ના, બસ તું હવે તારું કામ કર." કહીને તેણે ફોન કાપી નાખ્યો.

બસ મારુ કામ પૂરું થયું હતું, અમે નીકળી ગયા. હવે શશીથી રહેવાયું નહિ, તે બોલી "કહેને આ બધું કેમ અને ફાયદો શું?"

"જો, હવે તે શેઠને ફોન કરીને પૂછશે, જો ફોન અમર પાસે હશે તો તેને જવાબ નહિ મળે."

"તો?"

"તો બે વસ્તુ બને, તે પાર્ટીમાં ન જાય અથવા રીક્ષા કરીને જતી રહે. અને તે જાય, એમાં જ મને રસ છે."

"જશે તો શું ફાયદો થશે?"

"ન જાય તો કહેવાનો કશો અર્થ નથી, અને જશે તો શુ ફાયદો થયો તે તો તને સવારે અમર જ કહેશે."

------- બાકી છે.