ધ ક્રિમિનલ્સ - 3 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ક્રિમિનલ્સ - 3

"ધ ક્રિમિનલ્સ - 3"

સવારે ગેરેજ પર પહોંચ્યો તો શકીલે ખોલી દીધું હતું. મને જોતા જ બોલ્યો "એક ચોરીની મારુતિ વેન મળી છે, એન્જીન અને અમુક પાર્ટ્સની જ જરૂર છે એમ કહીને ખરીદી લીધી છે. સત્યાવીશ હજાર આપ્યા."

"ગુડ, ચાલે તો છે ને? ન ચાલતી હોય તો ચાલતી કરી દેજે.. ક્યાં છે ગાડી?"

"પાછળ ઢાંકીને છુપાવી છે."

હું જોઈ આવ્યો, ભંગાર હાલતમાં હતી. "તે બહારથી નવી લાગવી જોઈએ, અને કામ પત્યા પછી કલાકમાં જ તેના પૂર્જા-પૂર્જા છુટા પાડીને તેનું નામ-નિશાન ભૂંસી નાખજે."

"બે ફિકર ભાઈ."

થોડીવારમાં શશી પણ આવી. અમે કામ કરતા હતા, શશી કેબિનમાં બેસીને ટીવી જોઈ રહી હતી. અને ઝડપથી અમર આવ્યો ને સીધો કેબિનમાં ઘુસી ગયો. હું અને શકીલ પણ તેની પાછળ ગયા. તે બોલ્યો "મને કામ પર જવાનું મોડું થાય છે, અને ફોન પર વાત કરવી નથી, એટલે અહીં આવ્યો છું."

"રાતનું કહે, શેઠનો ફોન ગાયબ કર્યો હતો?"

"હા, પણ હું એ કહેવા આવ્યો છું કે રાતે પાર્ટીમાં ગજબ થઇ ગયું... મજા આવી, ખુબ નાટક થયા..."

મને તો અંદાજ હતો જ કે શું થયું હશે, તોયે બોલ્યો "જલ્દી ને ફટાફટ બોલીને ચાલવા માંડને...."

"અરે શેઠની રખાત સાલી ટપકી પડી.."

"પછી?"

"પછી શું? બધાનું મનોરંજન થયું.. શેઠાણી અને તેની વચ્ચે ઝઘડો.. અને ઝઘડો એટલે એવો કે એક-બીજાના વાળ વાળ ખેંચી નાખ્યા. મુશ્કેલથી છુટા પાડીને રખાતને પાછી રવાના કરી."

મારા મોં પર સ્મિત આવ્યું, અને મેં શશી સામે જોયું. "પછી?"

"પાર્ટીનો મૂડ ખલાસ થઇ ગયો, બધા મહેમાનો પણ જતા રહ્યા."

વિજયી મુસ્કાન સાથે હું કોલર ઊંચો કરવાની એક્ટિંગ કરીને બોલ્યો "એ બધો મારો પ્રતાપ છે.. અમે તેને મોકલી હતી, નહિ શશી? હવે સમજી ગઈ ને?"

"ના, કશું સમજાયું નહિ, આપણને શું ફાયદો થયો?"

"ફાયદો ભવિષ્યમાં થશે.. આપણે થોડા વધુ સેફ થઇ ગયા, આપણા પક્ષે પાંચ પોઇન્ટ વધ્યા છે, એમ સમજી લો..."

અમર ચિડાયો "ચોખ્ખું બોલને ટોપા..."

"બધું સમજાઈ જશે, મારા પર વિશ્વાસ રાખો."

શશી બોલી "શેઠ તપાસ તો કરશે ને કે ક્યાંથી અને કોણે ફોન કર્યો, વગેરે..."

"ભલે કરે, કરવા દે.. કઈ ફરક નથી પડતો..." કહીને હું બહાર નીકળી ગયો. અમર પણ ડ્યુટી પર જતો રહ્યો. શશી શાક ખરીદવા ગઈ. શકીલ મારી પાસે આવીને બોલ્યો "ભાઈ, મને સમજમાં આવી રહ્યું છે.."

શકીલ એટલે જ મને ગમતો હતો. તે મારી જેમ જ વિચારી શકતો હતો. હું થોડીવાર તેની આંખમાં જોયું, ને બોલ્યો "શું સમજમાં આવી રહ્યું છે? અમર કે શશી સાથે આ વિષે ચર્ચા કરીશ નહિ, અને તારી ચાંચ ડૂબે એટલું જ દિમાગ ચલાવજે.": કહીને હું કામે લાગ્યો.

***

મોડી સાંજે ગેરેજ બંધ કરવાની તૈયારી કરતા હતા, ને શશી આવી. હું કેબિનમાં હિસાબ લખી રહ્યો હતો, તે આવીને બેસી ગઈ. હું પાછળ ફરીને તેની સામે જોઈને બોલ્યો "ક્યાં ગઈ હતી? સવારની હવે જોવાઈ..."

"નોકરી માટે, એક-બે જગ્યાએ ગઈ હતી."

"કેમ? શું જરૂર છે? મેં કહ્યું તો છે તને."

"હા, કહ્યું છે, પણ ક્યાં સુધી? તારા ઉપકાર નીચે જ જીવવું?"

"ઉપકાર? બધું એક જ છે, કશું અલગ નથી.. મારુ એ બધું આપણું જ છે."

"બધું એક નથી..." કહીને શશી મોં ફેરવીને આડું જોવા લાગી. હું ઉભો થયો, તેને પણ પકડીને ઉભી કરી, ને તેની આંખમાં જોઈને બોલ્યો "બધું એક ક્યારે કહેવાશે? ચાલ, લગન કરી લઈએ?"

તે મને, મારી આંખમાં જ જોઈ રહી હતી, મને તેની આંખમાં ચમક અને મોં પર હાસ્ય જોવાયું. "કેમ? તું તો લગન જ કરવાનો નહોતો ને.."

મેં તેને બંને હાથે પકડીને મારી છાતી સાથે ભીંસી દીધી, ને બોલ્યો "હવે કરવા છે.." કહીને તેના ગાલ ચુમ્યા. તે મને અળગો કરીને મોટે થી બોલી "શકીલ... શકીલ..."

બહારથી શકીલ દોડી આવ્યો, "શકીલ, રાજુ અને હું લગન કરવાના છીએ..."

શકીલે તાળી પાડી અને મારો હાથ પકડીને બોલ્યો "ભાઈ, આ મને ખરેખર ગમ્યું..."

અમે બાઈક પર ઘેર આવવા નીકળ્યા. શશી બેશરમ બનીને મને જકડીને બેઠી હતી, શશી ખુશ હતી. મને જો ખબર હોતી કે લગન ની વાતથી શશી આટલી ખુશ થવાની છે, તો હું ક્યારનોય તેની સાથે લગન કરી લેતો... તેનેય બોલવું જોઈએ ને...

શશીના ઘર પાસે બાઈક ઉભી રાખી, તે ઉતરી પડી. હું પણ ઉતર્યો ને બોલ્યો "ચાલ."

"ક્યાં? તું પણ મારે ઘેર આવે છે?"

"હા, તારી ડોહીને વાત કરી લઉં, તે મરે ત્યાં સુધી ક્યાં વાટ જોવી, નહિ?"

કહીને હું તેના ઘરમાં ગયો. પાછળ તે પણ આવી. મને જોઈને તેની માં બોલી "આવ રાજુ." હું ખુરશી ખેંચીને બેસી ગયો, તેની માં પાણી લાવીને મારી સામે બેઠી. તે મારા બોલવાની રાહ જોઈ રહી હતી. મનેય સમજાયું નહિ કે કેવી રીતે વાત કરવી? પણ પછી સીધું જ પૂછી લીધું,

"માજી, મારે શશી જોડે લગન કરવા છે, તને કઈ વાંધો છે?"

તેની માં મને જોઈ રહી, થોડીવારે નીચું જોઈને બોલી "ના, મને કશો વાંધો નથી, જલ્દી કરજો, લોકો અને મહોલ્લાવાળાના મોં તો બંધ થાય..."

અને ખરેખર અમે લગન કરી લીધા. દોસ્તો અને મહોલ્લાના લોકોએ મળીને ખુબ ઉત્સાહથી અમને પરણાવ્યા. મારા ગેરેજમાં કામ કરતા ત્રણ છોકરા, શકીલ, દોસ્તો જ મારી ફેમિલી કહી શકાય, તે સિવાય મારુ બીજું કોઈ નથી. અમારી ગલી બ્લોક કરીને શામિયાનો અને સ્ટેજ બનાવ્યું હતું, આખો દિવસ મોટેથી ડીજે વગાડ્યું હતું.

તે પહેલા મારો રૂમ રંગાવ્યો હતો, ફર્નિચર પણ થોડું નવું લાવ્યા હતા, અને કિચનના પણ ખૂટતા વાસણો વગેરે શશી લઇ આવી હતી.

શશી ને કારણે હવે કઈંક ઘર જેવી ફીલિંગ આવતી હતી... શશી ખુબ જ ખુશ હતી, મારુ ઘર હવે તેનું ઘર હતું, તેને પોતાનું સપ્નાનું ઘર મળ્યું હતું. શશી હવે મારી હતી, લગનનો ફોર્મલ થપ્પો લાગ્યો હતો.. જોકે લગન ને કારણે અમારા સંબંધમાં કોઈ જ ફરક આવ્યો નહોતો.

શું ઘટે? કશું જ નહિ, સિવાય પૈસા.. જોકે મને ગેરેજની સારી આવક હતી, પણ હું સંતુષ્ટ નથી... જો અમારો પ્લાન સફળ થશે તો એક જ ધડાકે હું મારા જિંદગીના પંદર-વિષ વર્ષ બચાવી શકું એમ છું... મારે દુનિયા ફરવી છે, રખડવું છે...શશીનો હાથ પકડીને..

શશી એક અફલાતૂન અને ઉમદા વ્યક્તિ, સ્ત્રી છે, પણ કમનસીબી એ છે કે તે ગરીબ અને નીચલા તબકાનાં સમાજમાં છે. અહીં વ્યક્તિની કોઈ જ કિંમત નથી, પૈસા હોય તો તમે સીધા જ ખાનદાની, સંસ્કારી અને અક્કલમંદ લોકોમાં આવી જાવ છો.

હવે મારુ પરિવાર, ફેમિલી હતી. શશી એક ગૃહિણી બની હતી. તે ઘરનું કામ કરીને અને ખાવાનું બનાવીને રોજ ગેરેજ પર આવી જતી. પછી બપોરે અમે સાથે જ ઘેર જમવા આવતા. સાંજે પણ તે જયારે સમય મળે ત્યારે ગેરેજ પર આવી જતી. અને ગેરેજ બંધ કર્યા પછી અમે ફરતા-ફરતા અને ઘણીવાર બહાર જમીને જ ઘેર આવતા હતા. લગન પછી મને એવું લાગતું હતું કે મહોલ્લામાં મારી થોડી ઈજ્જત, માન વધ્યું છે. શશીને પણ હવે લોકો માન આપતા અને ઇજ્જતથી બોલાવતા થયા હતા. ગમે-તેમ, અમે ખુશ હતા.

"રાજુ, મને તું મળી ગયો, બસ હવે કશું જ ન જોઈએ..."

હું હસીને બોલ્યો, "હા, મને પણ તું મળી ગઈ, બસ બીજી ન જોઈએ.. એક જ પૂરતી છે."

"રાજુ, હું પૈસાની અને અમરના શેઠની વાત કરું છું, મને નથી જોઈતા પૈસા... હું ખુશ છું. હવે બસ મને માં બનવાની જ ઈચ્છા છે."

"શશી, હવે જ મને પૈસાની જરૂર છે, હું તને એ બધું જ આપવા માંગુ છું અને એ બધું જ કરવા માંગુ છું કે જે ફક્ત પૈસાવાળા હરામીઓ જ કરી શકે છે, આપણે કેમ નહિ?? અને તું તો એશો-આરામ અને રાજ કરવા માટે જ પેદા થઇ છે, તારી જિંદગી હું આ એક રૂમમાં અને ગંધાતા, ગરીબ મહોલ્લામાં બરબાદ નહિ થવા દઉં..."

શશી મારી ઉપર ઉંધી સુઈ ગઈ, તેણે વિશાલ છાતીમાં મારુ મોઢું, માથું દબાવીને મને ગુંગળાવી નાખ્યો, ને બોલી "મને બધું જોઈએ, પણ તારા ભોગે નહિ... તારા કરતા કિંમતી એ બધું નથી..."

***

અમરને લાગતું હતું કે લગન પછી મારુ ફોકસ અમારા પ્લાન પરથી હટી ગયું છે, અને તે ઉતાવળ અને ચડ-ભડ કરતો રહેતો હતો. હકીકતે એવું કશું નહોતું, લગનને કારણે અમારો પ્લાન લંબાયો હોય એવું મને લાગતું નહોતું. પણ હવે શશીની જવાબદારીનો ભાર પણ હું અનુભવી રહ્યો હતો, અને એટલે જ હું ખૂબ જ સાચવીને પગલું ભરવા માંગતો હતો.

અમે બધા સાંજે ગેરેજમાં બેઠા હતા, અમર પણ હતો. શકીલ બોલ્યો "ભાઈ, આ કેમેરાનું શું છે? બધું બરાબર રહેશે ને?"

"હા, ચિંતા ન કર, મેં અને શશીએ બરાબર ગણતરી કરી છે અને બ્લેન્ક એરિયાનો માપ કાઢ્યો છે, જરાય ચિંતા નથી."

"તમારી ગણતરી બરાબર જ હશે, પણ આપણે કોઈ જ જોખમ લેવું નથી."

શશી વચ્ચે બોલી "શકીલ તું શું કહેવા કે કરવા માંગે છે?"

શકીલ મારી સામે જોઈને બોલ્યો "ભાઈ, આમ પણ આપણને જરૂર છે, તો મારુ એમ કહેવું છે કે આપણે ગેરેજ માં સીસીટીવી કેમેરા લગાવડાવી જ લઈએ."

શશી બોલી "સારો આઈડિયા છે, બે કામ થશે, એક તો આપણને જરૂર જ છે અને બીજું કે આપણા કામમાં વધારે ચોકસાઈ આવશે અને આપણે બરાબર પ્રેક્ટિસ પણ કરી શકીશું."

અમર કશું બોલતો નહોતો, મેં કહ્યું "ભલે, લગાવડાવ... કેટલો ખર્ચ થશે?"

"ભાઈ લગભગ વિસ હજાર જેવા થશે, પણ હું હજુ બે-ચાર ઠેકાણે પૂછીને છેલ્લો ભાવ કઢાવું છું."

"વાંધો નથી." અને અમર સામે જોઈને મેં કહ્યું "સાંભળે છે ને? વિસ હજાર અને સત્યાવીસ હજારની વાન અને બીજા ખર્ચ અલગ.. તમારે બધાએ આ પૈસા મને મજરે આપવા પડશે."

અમર બોલ્યો "તને જરૂર હોય તો લગાવડાવ, આપણા કામ માટે તે જરૂરી નથી, મારુ તો કહેવું છે કે બિન્દાસ અંદર જઈશું અને પછી હું આપણું બધું ફૂટેજ ડીલીટ કરી નાખીશ અને કેમેરા જ બંધ કરી દઈશ.. સિમ્પલ.."

"વધારે અક્કલ ન વાપર, ખલાસ થઇ જશે..."

શશી મોટેથી હસી પડી, અમર ચિડાયો "ગમે તે કર, હું ખર્ચ પેટે એક રૂપિયો પણ આપવાનો નથી."

શશી બોલી "ખર્ચ પેટે ન આપતો, પણ ઉધારી તો પાછી આપીશ ને?" કહીને હસી.

"ઉધારી? તને શું લેવા-દેવા? તું તારું કામ કરને ડાહી...."

હું બોલ્યો "શશીને લેવા-દેવા તો ખરી જ ને.. તે હવે મારી વાઈફ છે."

"હશે... તારા ઘરમાં.. અહીં નહિ, હું તો કશું આપવાનો નથી." કહીને અમર જતો રહ્યો.

શકીલે ગેરેજમાં બિલકુલ ફાર્મ હાઉસમાં લાગેલા છે તે રીતે જ બે કેમેરા લગાવડાવ્યા હતા. અમે દિવસના અજવાળામાં, રાતે અને હેલોજન લાઈટના અજવાળે કેમેરા ને નાકની સીધમાં રાખીને તેની નીચે સુધી જઈ ને વારંવાર જોયું હતું. અમે કોઈ જ કેમેરામાં પકડાતા નહોતા. હવે અમે નિશ્ચિન્ત હતા અને કઈ રીતે જવું તે નક્કી કરી નાખ્યું હતું.

શકીલના કહેવા મુજબ આ રીતે એક જ પોલ પર કેમેરા લગાડવામાં વેપારીનો સ્વાર્થ હોય છે. તેમનો ખર્ચ, સાધનો, સમય અને મહેનત બચે છે.

હવે હું મારા કામથી સંતુષ્ટ હતો અને અમે બિલકુલ તૈયાર હતા.

દરેક વાતની ઇન્સ્ટ્રક્શન અને દરેક નાની-નાની બાબતો મેં દરેકને સેંકડોવાર કહી હતી, બધાને ગોખાઇ ગયું હતું. માલ સંતાડવાની અમરે બતાવેલી સાઈટ પણ હું જોઈ આવ્યો. અવાવરું પડી હતી. છ સ્લેબ ભરેલા હતા, બિલ્ડિંગનું હાડપિંજર જાણે.. સળિયા, કાટમાળ, પાટિયાઓ અને સ્કેફોલ્ડિંગની વસ્તુઓ આડેધડ ખડકેલી હતી. અમને એવું જ જોઈતું હતું.

***

અમરે આવીને કહ્યું "કાલે ગ્રાન્ડ પાર્ટી છે, ફાર્મ-હાઉસમાં."

અમે તૈયાર જ હતા. જોકે ગઈ પાર્ટી વખતે પણ અમે તૈયાર જ હતા, પણ શેઠની દીકરી પણ ત્યાં હાજર હોવાને લીધે છેલ્લી ઘડીએ અમે બધું કેન્સલ કર્યું હતું. પછી અમર ચિડાયો અને ગુસ્સે પણ થયો હતો કે "એક નશેડી અને ડ્રગ એડિક્ટ છોકરીને કાબુ કરતા વાર કેટલી? તેનાથી તું એટલો ડરે છે કેમ?"

હું ડરતો નહોતો, પણ મારે અલગ જ ખેલ પાડવો હતો. જોકે તેને હું એ કશો ખુલાસો આપ્યો નહોતો, અને સખતાઈથી બોલ્યો હતો કે નહિ એટલે નહિ... દીકરી ઘરમાં નહિ હોય ત્યારે જ આપણે ત્રાટકીશું.. શશીને મારા પર વિશ્વાસ હતો કે હું જે કઈ કરીશ તે બધાની ભલાઈ માટે જ કરીશ, અને શકીલ પણ મને સમર્થન કરતો હતો, કારણકે તેને પણ હું શું કરવા માંગુ છું, તેનો કાચો અંદાજ આવી ગયો હતો. અમરને પણ મારા પર વિશ્વાસ તો હતો જ પણ તેને ચચરતું એ હતું કે હું ખુલીને તેની સાથે ચર્ચા કરતો નહોતો.

ખેર, આવતીકાલ રાત માટે અમે ફરી એકવાર તૈયાર હતા. સવારે ગેરેજ પર શકીલને પણ કહી દીધું. તેણે મારુતિ વેન ફરી એકવાર સ્ટાર્ટ કરીને ચેક કરી. ભંગાર વેનને અમે કલર કરીને અને બધા ડેન્ટ કાઢીને એવી બનાવી હતી કે બહારથી તે બિલકુલ નવી જ લાગે, અને બધું કામ મારા ગેરેજમાં શકીલે કર્યું હતું.

શશીએ મને આપેલ આઠ વેલિયમ-ફાઈવ ટેબ્લેટનું પાવડર બનાવીને બે ભાગ કર્યા હતા, અને બે પડીકી બનાવી રાખી હતી. સાંજે સાત વાગ્યે અમર ઘેર આવ્યો, ખુબ ટેન્સ લાગી રહ્યો હતો.

આવતા જ બોલ્યો "શશી ચા પીવડાવ.." કહીને બેસી ગયો. ચા પછી મેં તેને બે પડીકી આપી, ને કહ્યું "ગાર્ડ માટે ચોરેલ વહીસ્કીના કેરબામાં એક નાખવાની છે."

"તો બે કેમ?"

"એક સ્ટેન્ડ બાય છે, એક કદાચ ખોવાઈ જાય, કે તું પાડી કે ઢોળી નાખે તો? નાખવાની એક જ છે, સમજ્યો?? અમે તૈયાર હોઈશું, જો દીકરી ઘેર હોય તો મને મિસ કોલ કરજે, એટલે અમે સમજી જઈશું કે દીકરી ઘેર છે.. અમે નીકળીશું જ નહિ, પણ જો સાડા દસ સુધી તારો મિસકોલ નહિ આવે તો અમે નીકળી જઈશું, અને આપણે નક્કી કર્યા મુજબ આગળ વધીશું, સમજ્યો કે ફરી કહું?"

"અરે બાપુ, આ બધી વાતો હું એક હજારને અગિયારમીવાર સાંભળી રહ્યો છું, પક્વ નહિ."

અમરને હુંએ એક સામાન્ય કે જે ઘરમાં લગાડીએ એવું મીડીયમ સાઈઝનું પેડ લોક આપ્યું અને કહ્યું "કુતરાના ઘર પર મારી દેજે. માળીએ માર્યું હોય તો પણ તેની ઉપર આપણું લોક મારી દેજે."

"ક્યારે?"

"ગમે ત્યારે... કોઈ ધ્યાન નહિ આપે.. આપણે તો પાર્ટી પછી માળી કૂતરાને છૂટો ન કરે તેટલું જોઈએ છે."

"છૂટો કરવા જશે ને બીજું, આપણું લોક જોશે ત્યારે?"

"કશું નહિ, તે ચાવી શોધશે, વધારેમાં વધારે ગાર્ડને પૂછશે... તારા નશામાં ધૂત અને તોછડા શેઠને ફરિયાદ કરવા નહિ જાય..."

"હા, ખુબ હલકટ અને તોછડો તો છે જ.. ન ચાલતા જ અમે તેના મો લાગીએ છીએ. પછી માળી શું કરશે?"

"રાતના બે તો થઇ જ ગયા હશે, એટલે વિચારશે કે સવારે વાત, ભલે આજે કૂતરો ઘરમાં રહેતો... અને તેં આપેલ દારૂ ઉડાવવામાં લાગી જશે."

"અને એવું ન કર્યું અને લોક તોડીને કૂતરાને છોડી દીધો તો?"

"તો પછી કૂતરાને ઠેકાણે પાડ્યા સિવાય કોઈ રસ્તો નથી..."

અમર પાર્ટીમાં ગયો. હું એ બેડ નીચેથી શશી સીવી લાવી હતી તે થેલી કાઢી, તેમાં મેં રેતી ભરીને તેનું મોઢું દોરીથી સખ્ત બાંધી રાખ્યું હતું. તે મેં કાઢીને મારા થેલામાં મૂકી, શશી જોઈ રહી હતી, બોલી "આ??"

''આ આપણું હથિયાર છે."

"પણ આ કેમ?"

"બીજું હોતું તો પણ તું કહેતી કે આ કેમ? એટલે વધારે માથું ન ખા."

અમે અમારા ફોન અહીં જ મૂકી જવાના હતા, એવી જ રીતે શકીલ પણ તેનો ફોન ઘેર મૂકીને જ આવ્યો હતો. શશી જમવાનું લાવી, અમે ત્રણે જમ્યા, શશી બરાબર જમી નહિ."શશી તું નહિ આવે તો ચાલશે..."

"ના, હું તો આવીશ.. હું તો વિચારતી હતી કે ફોન લઇ લેવા સારા, ફોન વગર તો આપણે ચારે બિલકુલ જાણે છુટા જ પડી જઈશું.."

"છુટા નહિ પડીએ, ફોન અહીં રાખવાનું કારણ એજ કે ભવિષ્યમાં કશી તપાસ થાય ત્યારે આપણા ફોનનું લોકેશન આપણા એરિયાનું જ બતાવવું જોઈએ.."

જમીને મેં મારી બેગ ચેક કરી, બાકી બેગો અને સામાનતો વાનમાં જ મૂકી રાખ્યો હતો. શકીલ જીન્સ પહેરીને આવ્યો હતો. તેને ગેરેજ પર રવાના કર્યો, અમે બંનેએ પણ જીન્સ ચડાવી. અને ફોન સામે જોતા બેઠા.

દસ થયા....., સાડા દસ થયા.. અમરનો મિસકોલ આવ્યો નહિ.. મતલબ દીકરી ઘેર નથી, અમારે નીકળવાનો અને દિવસોથી કરેલ તૈયારીઓને અંજામ આપવાનો સમય થયો હતો.

મેં શશી સામે જોયું, તેના જડબા અને આંખો ખેંચાયેલી હતી. "ડર લાગે છે?"

"ના"

"તો ચાલ ઉભી થા..."

અમે બંને બાઈક લઈને ગેરેજ પર આવ્યા, અને બાઈક અંદર મૂકી. શકીલે વેન બહાર કાઢી, અમે ઘુસ્યા અને વેન પુરપાટ ફાર્મ-હાઉસ તરફ મારી મૂકી. રસ્તામાં કોઈ કશું બોલતું નહોતું, હું અને શકીલ શાંત અને કોન્ફિડેન્ટ હતા, ફક્ત શશી ટેંશનમાં લગતી હતી.

રાતના સાડા દસ-પોણા અગ્યાર થયા હતા, એટલે ટ્રાફિક બિલકુલ નહોતો, તોયે શકીલે મુખ્ય રસ્તાઓ છોડીને નાની ગલીઓમાંથી વેન લીધી ને હાઇવે પર આવી ગયા. પોલીસ અમને રોકે અને ગાડીના પેપર વગેરે માંગે તે અમને પોસાય તેમ ન હતું.

વેન હાઇવેથી ઉતારીને નાની સડક પર વળી. ફાર્મ હાઉસ પાછળ રહી ગયું. અમે નક્કી કર્યા મુજબ ફાર્મ હાઉસથી લગભગ પચીસેક પ્લોટ જેટલા દૂર જઈને શકીલે વાનને સડકથી ઉતારીને પડતર જમીન પર હંકારીને છેક અંદર લગભગ એકાદ કિલોમીટર ગયા અને ઝાડવા અને ઝાડના ઓછાયે ઉભી રાખી. રાત કાળી ડિબાંગ હતી.. અમે નીચે ઉતર્યા. શશીએ મારો હાથ પકડી લીધો, મેં તેનો હાથ દબાવીને હિમ્મત આપી. અમે થેલા ઉપાડ્યા, ફરી એકવાર મેં બધું ચેક કર્યું.

હવે અહીંથી અમારે ચાલતા ફાર્મહાઉસ જવાનું હતું. ફાર્મહાઉસ પર નહિ પણ તેની નજીક બાઉન્ડરી બાંધેલ પ્લોટમાં જઈને રાહ જોવાની હતી. અમે સડક પર ચાલીને પણ જઈ શકતા હતા, પણ અમને કોઈની નજરમાં આવવું નહોતું, અમે જ્યાં હતા ત્યાંથી સડક ઘણી દૂર, લગભગ એક કિલોમીટર દૂર હતી. બધો સમાન ખભે ભરાવ્યો અને અમે ફાર્મહાઉસની દિશામાં સડકને સમાંતર પણ વગડામાં અને ઘોર અંધકારમાં અટકળે જ દિશા નક્કી કરીને આગળ વધી રહ્યા હતા. શકીલ સૌથી આગળ ગયો, થોડું અંતર રાખીને શશી અને હું હતો.

અંધારું અને ઉબડ-ખાબડ જમીનને લીધે ચાલવામાં તકલીફ પડતી હતી. શશી બે-ત્રણ વાર લથડાઈ અને ઠોકર વાગી. હું ઝડપથી તેનો હાથ પકડી લેતો. "ટોર્ચ સળગાવવા દે ને... બિલકુલ સન્નાટો તો છે, વાંધો નહિ આવે."

"ના એટલે ના.. ચાલ તું મારો હાથ પકડીને સાથે જ રહે.."

અમને હવે ફાર્મહાઉસની લાઈટો જોવાઈ રહી હતી. અમે તેની ડાબી દીવાલ તરફથી આવી રહ્યા હતા. અમે બાઉન્ડરી બનાવેલ પ્લોટ પાસે આવી ગયા હતા. નાની બાઉન્ડરી કૂદીને અમે અંદર આવી ગયા. અને ફાર્મ હાઉસની દિશાની બાઉન્ડરી પાસે આવીને દીવાલને ટેકે બેસી ગયા. શકીલ ત્યાંજ હતો. મેં ઊંચો થઈને જોયું, લાઈટોને કારણે ફાર્મહાઉસ ચોખ્ખું જોઈ શકાતું હતું. કેમેરા વાળા પોલ પર બે હેલોજન લાઈટ પણ હતી અને તે પણ કેમેરાની જેમ જ બંને દિશાએ ગોઠવેલી હતી. ટૂંકમાં બે લાઈટો તે તરફની પુરી કમ્પાઉન્ડ વોલને અજવાળતી હતી. એવું જ બાકીની ત્રણે દીવાલે પણ હતું. મ્યુઝિકનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો, શેઠ અને મહેમાનો પાર્ટી મનાવતા હતા, અને અમે અહીં તેમની પાર્ટી પુરી થવાની રાહ જોતા હતા. હું શશી પાસે દીવાલને ટેકે બેસી ગયો. શશી વચ્ચે બેઠી હતી. શકીલ લાંબો થઈને બેફિકર સૂતો હતો. શશીનું દિલ જોરથી ધડકતું હતું, તેને મેં બાથમાં સેરવી.

હવે અમારે વાટ જોવાની હતી, પાર્ટી પુરી થતા અને બધા રવાના થશે પછી અમર અહીં આવશે, તે પણ પોતાની બાઈક વાન પાસે જ ઝાંખરામાં પાર્ક કરીને ચાલતો અમારી જેમ જ અહીં આવશે."શશી, ભલે તું અહીં સુધી આવી, પણ હવે અહીં જ રહેજે.."

"ના, અહીં જ રહેવું હોતું તો આવવાની જરૂર જ શું હતી? ના, હું તો તારી સાથે જ રહીશ, અને તું મારી ચિંતા ન કર, હું તમને બોજ નહિ બનું, પ્રોમિસ..."

અમને હોર્ન સંભળાયું, મેં ઊંચો થઈને જોયું તો એક કાર ગેટ થી બહાર આવી રહી હતી. ફરી નીચે બેસતા હું બોલ્યો "પાર્ટી પતવા આવી લાગે છે, બધા ધીરે ધીરે જઈ રહ્યા છે."

શશીએ મારો હાથ પકડ્યો અને બીજો હાથ શકીલના માથે મુક્યો. શકીલ બેઠો થઇ ગયો અને શશીનો ખભો પકડીને દબાવ્યો. શશી બોલી "શકીલ, તેં મને પ્રોમિસ કર્યું હતું... રાજુને કશું થવું ના જોઈએ..."

"હા ભાભી, ભાઈને કશું નહિ થાય, કશું અજુગતું બનશે તો હું તમને કે રાજુભાઈને આંચ નહિ આવવા દઉં."

"શકીલ, હું એકલી છું, પુરી દુનિયામાં રાજુ જ ફક્ત એક છે કે જેને હું મારો કહી શકું, મને તેને ખોવો નથી..."

"ભાભી, રાજુ ફક્ત તમારો જ નહિ, પણ મારા જેવા કેટલાયે અનાથનો મોટોભાઈ છે."

હું બધું સાંભળી રહ્યો હતો, તેમના વેવલાવેડા વધારે લાંબા ચાલે તે પહેલા હું બોલ્યો "સાલું, મને આ જ પસંદ નથી.. બૈરાંઓનું તો કામ જ નથી, અને એટલે જ હું તને લાવતો નહોતો.. આ રડવાનો કે વસિયત કરવાનો સમય છે?"

થોડીવારે શકીલ બોલ્યો "ભાઈ, મ્યુઝિક બંધ થયું."

સતત સાંભળવાને કારણે ખબર જ પડી નહિ કે હમણાં જ કે ક્યારનું બંધ થયું છે. મેં ઘડિયાળ જોઈ, ને બોલ્યો "હા લાઈટો પણ ઓછી થઇ હોય એમ લાગે છે, અમર આવતો જ હશે."

પંદરેક મિનિટ પછી એક કાળો ઓલો બાઉન્ડરી વોલ કૂદીને અંદર આવ્યો ને અમારી તરફ ચાલવા લાગ્યો, તે અમર જ હતો. આવતા જ બોલ્યો "ઓહો, તમને તો આરામ છે..."

"શું પોઝિશન છે? બધા ગયા? અને ગાર્ડની પાર્ટીનો બંદોબસ્ત કર્યો ને?"

"હા, પૂરો બે લિટરનો કેરબો ભરીને આપ્યો છે, અને કહ્યું કે આજે વધારે માલ મળ્યો એટલે બચારા માળી અને કાકાને પણ ચખાડજો." કહીને અમર હસ્યો.

મનમાં જ મેં અમરને શાબાશી આપી, તે જરાય આકળો કે ટેંશનમાં લાગતો નહોતો. તેને હુએ અંડર એસ્ટીમેટ કર્યો હતો.

ખેર, હવે અમે ગાર્ડ પાર્ટી પુરી કરે અને વેલિયમ-ફાઈવ તેની અસર બતાવે તેની રાહ જોવાની હતી, આમ તો વિસ-ત્રીસ મિનિટ પૂરતી હતી, પણ અમે કલાક પછીનો સમય નક્કી કર્યો.

દુનિયામાં સૌથી કંટાળાજનક કામ કોઈ હોય તે વાટ જોવાનું છે...એક એક મિનિટ કલાક બરાબર લાગે છે. મારી વાત નથી કરતો, બીજાઓની વાત કરું છું, મારામાં તો યોગ્ય સમય ન આવે ત્યાં સુધી રાહ જોતા રહેવાની જન્મ-જાત ખાસિયત છે. શકીલ અને અમર આડા પડ્યા, અને સુતા-સુતા અમર શશીને ચીડવવા બોલ્યો "ડાયપર બાંધીને આવી છે ને?" કહીને હસ્યો. શશી ગુસ્સામાં કશું બોલવા જતી હતી ને મેં તેના મો એ હાથ મૂકીને બોલવા દીધી નહિ, ને અમરને કહ્યું "આ મજાકનો ટાઈમ નથી, શશી હિમ્મતવાળી છે, ડાઈપરની જરૂર તને ક્યાંક ન પડે.... કૂતરાનું શું છે?"

"ખાલી આગળો વાસેલો હતો, મેં આપણું લોક માર્યું છે. તું તો ખુબ ડરે છે, કુતરાથી..."

"આલ્શેસિયન તરાપ મારે ત્યારે અચ્છા અચ્છાને ડાઈપરની જરૂર પડી જાય...... તે તેના ઘરમાં પુરાયેલો જ રહેવો જોઈએ."

શકીલ બોલ્યો "શેઠ-શેઠાણી તો સુઈ ગયા હશે ને?"

અમર બોલ્યો "નહિ સુતા હોય તો સુઈ જશે, ખુબ ટટકાવ્યો છે, હરામી એ..."

બરાબર કલાક પછી અમર ઉભો થઈને બોલ્યો, "ચાલો, ગાર્ડ લોકોએ પાર્ટી કરી લીધી હશે, અને બેડરૂમની લાઈટો પણ બંધ છે."

------ બાકી છે.