આંસુડે ચિતર્યા ગગન
(25)
October 21, 2009 ત્રણ દિવસની શોધખોળને અંતે મુંબઈ પોલીસ શેષનો કોઈ પત્તો ન મેળવી શકી ત્યારે છાપામાં જાહેરાત આપવાનું અંશે નક્કી કર્યુ.
બિંદુની અસ્થિર તબિયત અને અંશીતાના મૃત્યુના સમાચારને પ્રાધાન્ય આપતી ફોટા સાથેની જાહેરખબર આપી. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકના છાપામાં સમાચારો ચમક્યા. પણ શેષભાઈનો ન પત્ર આવ્યો કે ન ફોન આવ્યો. પચાસ ટકા એમની બચવાની જે અપેક્ષા હતી તે ધીમે ધીમે ઘટી ગઈ. મોટરમાંથી કૂદી પડીને તરત મૃત્યુ પામ્યા હશે ? જંગલી જાનવરોએ એમના મૃતદેહને ફાડી ખાધો હશે કે પછી શેષભાઈને ક્યાંક ગોંધી ને સિંહા જુઠ્ઠું બોલતો હશે ? કંઈ જ સમજાતું નહોતું.
લભશંકરકાકા બિંદુના અસ્થિર મગજથી દુ:ખી હતા. અર્ચના અને દિવ્યા તેને સાચવતા હતા. પોલીસ શોધ ભલે ચાલુ રહેતી – પણ હવે વધુ મુંબઈ નહીં રોકાવાય તેવું લાગતા બિંદુને લઈને અમદાવાદ જતા રહેવાનું નક્કી કર્યું.
બિંદુ એની ઢીંગલીને ખવડાવતી, રમાડતી, નવડાવતી અને કાલુ કાલુ બોલીને તેના પપ્પાની ફરિયાદો કરતી રહેતી… અંશ બિંદુને જોતો અને શેષભાઈના શબ્દોને યાદ કરતો Take care of Bindu and take care of Anshita. મારી અમાનત જાળવજે.
અર્ચના આ પ્રસંગોથી હવે દ્રઢ નિર્ણય પર આવી ગઈ હતી કે ત્રીસ વર્ષ પહેલા લગ્ન નહીં… અંશીતાનું નુકસન અસહ્ય હતું. અને જવાબદારી આવી પડી તે વધારામાં. જ્યોતિષ સાચો પડતો હતો. એના સાસરી પક્ષની સ્ત્રી જ અજાણતા તેને દુ:ખી કરી અહી હતી. પણ એક સ્વત્વ બંધાઈ ગયું હતું. બિંદુને સાજા કરવાની પધ્ધતિ તે શોધી રહી હતી.
***
શેષ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પારસીબાવાઓ જતા રહ્યા હતા. હોસ્પિટલનું બિલ ચૂકવાઈ ગયું હતું. કોણ જાણે કેવી રીતે લાવ્યું અને સાજો કરી ગયા એ દરેક બાબતનો જવાબ હોસ્પિટલમાંથી ‘અમને ખબર નથી’ એ ત્રણ શબ્દોમાં પૂરો થઈ જતો.
શારીરિક અશક્તિઓ મનને નબળું કરતી હતી. – નર્સને પૂછ્યું તો કહેવામાં આવ્યું પાંચ દિવસ બેહોશ હતા. દવા ચાલુ હતી – હજી પણ સપૂર્ણ આરામ ન થાય ત્યાં સુધી રહી શકાય એમ હતું. તે શેષની મરજીની વાત હતી. પાંચ દિવસના છાપા વાંચવાની જિજ્ઞાસા વ્યક્ત કરી – અંશીતાનું મૃત્યુ અને બિંદુનું ગાંડા થઈ જવું વાળી વાતથી ખૂબ દુ:ખી થયો.
સિંહા પકડાઈ ગયો હતો. પૈસા સલામત હતા તે જાણીને નિશ્ચિંત થયો. સિંહાને અંશીતાના ખૂન બદલ એરેસ્ટ કર્યો હતો. શેષની શોધખોળ ચાલુ છે એટલું વાંચતા તેને વધુ શ્રમ પડ્યો હોય તેવી લાગણી થઈ આવી. તેનું મન કહેતું હતું શેષ નામશેષ થતાં કેમ અટકી ગયો ?
એણે શું કરવું તે દ્વિધામાં હતો. પૂનાથી બોમ્બે જવું – એટલે બિંદુને સાચવવી – અંશીતા સિવાય બિંદુની સામે જતા હવે તેને ડર લાગતો હતો. બિંદુનું શું થશે એ ચિંતા અંશ ઉપર છોડી દઈશ. અંશના લગ્ન અટકી ગયા – અર્ચનાના ગ્રહો આવું જ કંઈક કહેતા હતા ને – ફરીથી નિંદરમાં ઢળી ગયો. એકાદ કલાક પછી જાગ્યો ત્યારે હોસ્પિટલનો લેબોરેટરી ટેકનિશીયન પેંડો આપવા આવ્યો – એના છોકરાનાં જન્મની ખુશીનો…. શેષ પેંડો હાથમાં લઈને અટકી ગયો.
‘ભાઈ ! તુમ કહાંકે રહેનેવાલે હો ?’
‘યુ.પી. ઈટારસી જીલે કા. ’
‘કૈસે હૈં બચ્ચા બીવી ઠીક હૈ ના ?’
‘’હાં છોટે ભૈયાને લીખા તો હૈ – ઈસ બાર બુલાયા ભી હૈ. લીખતા હૈ દો હોલીયાં બીત ગઈ તુમ નહીં આયે હો… ઈસબાર આ જાઓ…
‘ક્યા કહેતે હો ભૈયા ? દો સાલ સે તુમ તુમ્હારે ઘર નહીં ગયે ?’
‘હાં – યે નૌકરી હી ઐસી હૈ કી જાના ચાહું તો ભી ન જા પાઉં… ઔર પૂના સે ઈટારસી પૂરે દો દિન કા રાસ્તા હૈ. ’
‘તો તુમ્હારી જોરુ યહાં આઈ હોગી…’
‘ક્યોં ?’
‘નહીં વૈસે હી પૂછ રહા હું…’
‘ઉન્હેં દેખે હુએ તો દો સાલ ગુજર ગયે હૈં.’
‘તો ફીર યે બચ્ચા કૈસે ?’ શેષને આશ્ચર્ય થયું.
‘ક્યોં ભઈ… હમારે ભાઈ લોગ જો હૈં વહાં પર ! ’
‘ક્યા બોલતા હૈ તુ યાર !’
‘હાં ઠીક હી તો કહેતા હું અગર આપકી જોરુ આપકે ભાઈ કે ઘર ભૂખી જાયેગી તો આપકા ભાઈ ઉસે ખીલાયેગા નહીં ?’
‘વો તો ઠીક હૈ… લેકીન ઉસકે સાથ ઐસે તો નહીં રહેતે – ’
‘ભઈ શરીર ઔર પેટ દોનોં કી ભૂખ એક સી હી તો હોતી હૈ – વક્ત આતા હૈ તો ભૂખ લગતી હૈ ઔર મિટતી હૈ .’
‘ભઈ આપકો તાજ્જુબ હો રહા હૈ ઉસ બાત સે હમેં ભી તો તાજ્જુબ હો રહા હૈ – દ્રૌપદી ભી તો અર્જુન કે ભાઈયોં કે સાથ હીલમીલ કે રહતી થી – ’
‘ખેર ! બચ્ચા મુબારક હો – લેકીન મુઝે તાજ્જુબ લગ રહા હૈ. તુમ લોગ ઇસ તરહ સે રહ કૈસે સકતે હો ? તુમ્હેં પતા હૈ, લક્ષ્મણજીને સીતાજી કે પૈર કે ઘુંઘરુ હી પહેચાને થે ક્યુંકિ ઉન્હોંને આંખ ઉઠા કે કભી સીતાજી કે સામને નહીં દેખા થા. – ભાભી તો માં કે બરાબર હોતી હૈ. ’
‘હોગા ભાઈ આપકી બાત અલગ હૈ હમારી અલગ… રામ રામ ભૈયા…’
‘શેષને ભૈયાની વાત ઝણઝણવી ગઈ. બિંદુની અસ્થિર મનોદશા – આક્રમક કામુક વલણ અને પોતાની નિ:સહાય હાલત આ બધું તેના દુ:ખમાં વધારો કરશે. આમેય અંશ માટે તેને કૂણી લાગણીઓ છે. એ મારી ગેરહાજરીમાં સ્પંદનો પામશે… મારે તેઓથી દૂર રહેવું જોઈએ. પણ અર્ચના – એનો હક્ક…. અંશની પોતાની લાગણીઓ… રાવજી બોલતા સંભળાયો… ને “મેરી માય સીસ્ટર” કહ્યું હતું. અંશની સાથે બિંદુ રહે તો… એના મગજને કંઈક રાહત લાગતી હતી. બધું અશક્ય લાગતું હતું છતાં એનું મન અલિપ્ત થઈ જવા માગતું હતું. દૂર સુદૂર ક્યાંક એવી જગ્યાએ જ્યાં ફક્ત આત્મા હોય… મનની શાંતિ હોય… અને કુદરતે એને એવી કેડીઓ પર લાવીને મૂકી દીધો હતો જ્યાંથી તેનું પાછુ જવું શક્ય તો હતું પણ નિરર્થક હતું.
‘રાવજીની પત્નીની જેમ ભાગી જવું, પ્રયત્ન કરવો – કદાચ અંશ પીગળી જાય. – કદાચ કંઈક સારુ થાય. એ પણ એક શક્યતા છે. પણ હવે પાછા નથી ફરવું તે નક્કી છે. પણ તેના પાછા ન જવાથી અશોક કંસ્ટ્રક્શનના કાર્યોનું શું ?’
‘હવે આગળ કેવી રીતે વધવું ? ગુપ્તવાસ કેવી રીતે વેઠવો ? દરેક પ્રશ્નનો જવાબ હતો રાવજી. દિલ્હી રાવજીને કોલ બૂક કરી દેવાની ઈચ્છા થઈ. અને તેનો અમલ કરી દીધો. ’
***
દિલ્હી રાવજી ઉપર ફોન આવ્યો – ‘હેલ્લો ?’ ‘રાવજી ! મારી વાત ધ્યાનથી સાંભળજ્ અને એ રીતે અમલ કરજે. મારે છ એક મહિના ગુપ્તવાસ વેઠવો છે. અંશીને સિંહાએ પછાડી. બિંદુ પાગલ થઈ ગઈ છે. હવે હું અમદાવાદ કે મુંબઈ ક્યાંય જવા માગતો નથી. ક્યાંક ગુપ્તવાસ કે જ્યાંથી હું અંશ અને બિંદુને એકબીજાને સમજી શકે તેવો સમય આપી શકું.’
‘પણ કેમ ?’
‘તું અહીં રુબરુ આવે છે ને મને લેવા ?’
‘જરૂર ! પણ તારું એડ્રેસ ?’
‘પૂનાથી બોલું છું, ડબાવાલા હોસ્પિટલમાંથી ’
‘ભલે .’
‘ધ્યાન રાખજે કે હું અહીં છું તે લીક ન થાય – ’
‘હં…’
‘અને તું આવે છે તો થોડા પૈસા લેતો આવજે. અને રજાઓ ઉપર ઉતરવાની તૈયારી સાથે આવજે.’
‘અરે હા. એક એક ખુશખબર , તારું ટેન્ડર પાસ થઈ ગયું છે. ’
‘ભલે. તેની ચર્ચા મારે કરવી પડશે.’
‘આ તારો ગુપ્તવાસ મગજમાં નથી ઉતરતો.’
‘હું ઉતારું ?’
‘રુબરુ આવે છે ને ?’
‘હા. ’
‘ત્યારે વાત ’
‘ભલે અને હા ત્યાંનો ફોન શું છે ?’
‘૪૦૪૨૨૧૧ આફ્રીકાથી કોઇ પત્ર ?’
‘છે રુબરુમાં’
‘ભલે આવજે ..’
‘આવજે.’
***
સવારથી સાંજ સુધી અંશ તેના પેશન્ટોમાં બીઝી રહેતો – બિંદુ તેની ઢિંગલીમાં – અર્ચનાનાં પ્રેક્ટીસ અવર્સ પછી બિંદુ અને તેના ઘર વચ્ચે ડીવાઈડ થઈ ગઈ. જજ પિતા અને માતા છોકરી સાથે બની રહેલી દુર્ઘટનાઓને સહેતા હતા.
મહિનો પૂરો થયો અને અશોક કંસ્ટ્રક્શનમાંથી શેષભાઈનો પગાર આવ્યો – અનસૂયાબેને સાથે મોકલેલી ચીઠ્ઠીમાં લખ્યું હતું – શેષભાઈની ભાળ ચાલુ છે. એના કાર્યોને સાચવવા એમના મિત્ર રાવજી પટેલે મિસ્ટર સહેગલ નામના ભાઈને ડેન્ગ્યુ કરેલા છે. અને રીક્વેસ્ટ પણ કરી છે કે સહેગલ અને શેષ બંને મિત્રો છે. સહેગલનો પગાર હમણાં એ લેતા નથી અને એ તમને મોકલવા જણાવે છે.
રુબરુ ચર્ચા કર્યા પછી એવા તથ્ય ઉપર આવ્યા છીએ કે શેષભાઈનો પગાર તમને મોકલવો અને તેઓ એમના મહેનતાણાનું શેષભાઈના આવ્યા પછી નક્કી કરશે. માનદ્ કાર્ય કરવા માટે કહે છે કે શેષના તેમના ઉપર બહુ મોટા ઉપકાર હતા. આપને ક્યારેક રુબરુ મળવા આવશે. બિંદુની સારવાર ખર્ચ અંગે આપ ગૂંચ ન અનુભવશો – મોટો ખર્ચ હોય તો પણ બેધડક લખશો.
આશ્ચર્ય સાથે અર્ચનાને જ્યારે અંશે પત્ર બતાવ્યો ત્યારે અર્ચનાને કહ્યું કે – માણસે જાળવેલા સંબંધો તેમના માઠા પ્રસંગે જ કામ લાગે છે. અનસુયાબેનને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મિ. સહેગલ દિલ્હી છે. અને આવશે ત્યારે ફોન કરશે.
અંશ અને અર્ચના બિંદુભાભીને સાજા કરવા પ્રયત્નશીલ હતા – તે સમય દરમ્યાન લાઈબ્રેરી રીડીંગમાં બિંદુભાભી જેવો જ એક કેસ એની વાંચન પ્રવૃત્તિ દરમ્યાન આવ્યો. એક બાઈ સતત રડતી રહેતી હતી. “મુઝે માફ કર દો, મુઝસે ગલતી હો ગઈ – નજમા કો મૈને ગંવાયા હૈ વોહી મેરી બડી સજા હૈ – ” એમ વિલાપ કરતી એ માતાના ગાંડપણનું કારણ એની દીકરી હતી. એની દીકરી રમતી રમતી પાણીનાં હોજમાં જઈને પડી હતી. પોતાની બેદરકારીને કારણે એ મા એ હોજમાં પડેલ દીકરીની કોઈ ખબર ન લીધી. જ્યારે યાદ આવ્યું અને શોધખોળ કરી ત્યારે તેનો મૃતદેહ મળ્યો. જે જોઈને તેના પતિએ તેને લાફો માર્યો ધુત્કારી કાઢી અને એ ગુમ થઈ ગયો. એના સારવારમાં શોક ટ્રીટમેન્ટ અને પતિની હૂંફ હોય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. અને એ કેસ ત્રણ મહિને ઓલરાઈટ થઈ ગયો હતો.
અંશને અર્ચના કેસ હિસ્ટ્રી સમજાવતી હતી. એ કેસ અને આ કેસમાં બે પરિબળ સમાન છે. અને તે Loss of her child and avoidance from husband. પૂર્વ કહાણીની ઈ ન્કાવાયરી કરવા એ પેપરનાં લેખક ડોક્ટરને પત્ર લખી પૂછાવડાવીએ વાળી વાત ઉપર બંને જણા સહમત થયા.
‘અર્ચી ! તને નથી લાગતું નથી આપણે ક્યાં જવા નીકળ્યા છીએ – અને ક્યાં ફાંટો વળી ગયો છે. ’
‘ક્યાં જવા નીકળ્યા છીએ ?’
‘આપણું સુખ શોધવા નીકળ્યા હતા – અને આ બિંદુભાભીના પ્રશ્નમાં તું અટવાઈ ગઈ – હું અટવાઈ ગયો. ’
‘કેમ ? બિંદુભાભી કોઈ છે ? ’
‘ના – કોઈ તો નથી – પણ… તું જે રીતે સારવાર કરે છે તે જોતાં લાગે છે તારો ત્યાગ અનન્ય છે.’
‘મેં શું ત્યાગ કર્યો છે ? ’
‘કંઈ નહીં – તું તારી ફરજ નિભાવે છે. પણ… પણ મને કોણ જાણે કેમ તારું આ બધું કરવું તારી ફરજ કરતાં વધુ લાગે છે. ક્યારેક ગળગળો થઈ જાઉં છું. આભાર વ્યક્ત કરવાની લાગણી થઈ આવે છે. ’