Duratvani Samvedna Sumit "Yaksh" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Duratvani Samvedna

દુરત્વની સંવેદના

ગઝલસંગ્રહ

-ઃ લેખક :-

સુમિત ‘યક્ષ’

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મયંદ (પુત્ર)

સર્જક પરિચય

- સુમિત ‘યક્ષ’

આપની ગઝલ રચનાઓમાં પણ શબ્દ દેહે ચિત્રકાર દેખાઈ આવે છે. સર્જનમાં સ્વાનુભૂતિ અને સ્વાનુભવ ન ઉતરે તે કેમ બને ? ભાઈ શ્રી, ગઝલોમાં પ્રેમ, ઝંખના, મિલન, સપનાં, સહ્ય્દયતા તો જુસ્સાભર્યું ઓજસ ઠેર ઠેર પ્રગટે છે.

સાહિત્ય જગતનાં સંગ્રહરૂપી બે બુંદ બદલ ખૂબ-ખૂબ અભિનંદન સેલ્યુટ. કલમ અને કિત્તા (પીંછી) દ્વારા વધુમાં વધુ સર્જન થતું રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભ કામનાઓ સહ વિરમુ છું...

- ધરમસિંહ પરમાર (ગઝલકાર-લેખક), રાધનપુર

નામ : સુમિત ચૌહાણ

ઉપનામ : ‘યક્ષ’

વતન : કાણિયોલ - હિંમતનગર

હાલ : ધોળકા

જન્મ તારીખ : ૧-૬-૧૯૫૪

શૈક્ષણિક લાયકાત : એપ્લાઈડ આર્ટ

વ્યવસાય : પૂર્વ પ્રાધ્યાપક શ્રીમતી આર.વી.શાહ કોલેજ ઓફ ફાઈન આર્ટસ્‌ (વ્યાવહારિક કલા, ઈલેસ્ટ્રેશન - ઉદાહરણચિત્ર)

પ્રસિદ્ધ પુસ્તકો : ૧૧

ચિત્ર પ્રદર્શન : ૪

કેફિયત

“દૂરત્વની સંવેદના” ગઝલસંગ્રહમાંની ગઝલોના વિષય અને તેમાં પ્રયોજિત શબ્દો કાંઈક આમ રહ્યા છે - મજબૂરી, યાદ, સ્મરણ, વેદના, લાગણી, વેરાન, બંજર, ઘર, મકાન, શહેર, આંસુ, હસ્તાક્ષર, ગઝલ લખવાની વાત, દૂરત્વની સંવેદના, સાવન, વિદાય, શબ્દ, અંદરની વાત, સ્મૃતિ, અસંભવ, જમાનો, પગલાં, દૃશ્ય, ધરા, સમંદર, પ્યાસ, પથ્થર, દર્પણ, નયન વગેરે. એમ ઘણા બધા અર્થસભર શબ્દો-વિષયો રચનાઓમાં વિચારોને-લાગણીને વાચા આપતા ગૂંથાયા છે, મુખરિત થયા છે. શબ્દો-વિષયોમાં અવનવાં પ્રતીકો ધારણ કરી અર્થપૂર્ણ રીતે વાચા આપી શબ્દદેહે ગૂંથાઈ ધાર્યા અર્થ-મર્મ મૂર્તિમંત કરી આકાર ધરવાને યોગ્ય બન્યા છે. હું કહું તો કદાચ શબ્દોની પસંદગી વિષયોમાં પ્રતિકાત્મક રીતે કાવ્યત્વ પામી તેની કવિતાને-ગઝલીયત-શેરીયતને સબળ રીતે વાચા આપે છે. ગઝલરચનાની સંયોજનામાં મુખ્યત્વે સમૃદ્ધ-લાઘવયુક્ત અને નજાકતભર્યા શબ્દો અને આંતરિક ઉદ્‌ભવતા તેના અર્થ-ભાવ જ વધુ સબળ રહ્યા છે, તેથી રચનાઓ સમગ્રપણે હું માનું છુ ંકે બોલકી-બળુકી થઈ શકી છે. ગઝલકાવ્યને અનુરૂપ મહીન નક્કાશીભરી નાજુકતા હું રચનાઓમાં લાવી શક્યો છું, છતાં ખુમારી પણ હર તરહની ઠેરઠેર દેખાય છે. ગઝલો-શેરમાં, રચનાઓમાં પ્રણયનો ખુમાર બેશુમાર ગાતી અનુભવાતી સંભળાય છે. વળી, તે સૂરીલી લયયુક્ત બાનીમાં વાત કરતી-ગાતી મૌન કે મુખર જણાય છે - અનુભવાય છે, સંવેદનાને. રચનાઓની સંયોજનામાં તેની આંતરબાહ્ય સ્વરૂપમાં લેવાયેલાં તત્ત્વો-સાધનોની વાતે - સાચી લાગણી ઊર્મિ સ્વરૂપે શબ્દદેહ પામે અને ગઝલ રચનાઓમાં ઢળી પૂર્ણપણે ગઝલરાગ ધરાણ કરે, તે છે. આવી લલિત સમૃદ્ધ સુડોળ ગઝલરચના સ્વયં તો આનંદની મૂર્તિ હોય છે. તે તેના થકી અન્યને પણ આનંદ પ્રદાન કરી તૃપ્તિના સાગરમાં લવલીન કરી મૂકે છે. આ ફારસી ગઝલ રાગ-કાવ્ય પ્રકાર સ્વયંમાં એક પ્રણયકાવ્યની ઓળખ ધરાવે છે, ને તેમાં તે પૂર્ણપણે ખીલી ઊઠે છે.

આમ, ગઝલની ગહનતા-ગહેરાઈની ગઝલગોષ્ટિ-વાત કરતાં... શાંત થાઉં, મૌન થાઉં, શમુ અહીં આ તબક્કે-પગથિયે સહેજ ક્ષણ. કહું, આખર તો શબ્દદેહે જ તો મુખરિત થવાનું છે, ને એ થશે, હવે ! આ સંપુટને-ગઝલસંગ્રહ કહું કે ગઝલિસ્તાન, સદાય તેનો આગળનો માર્ગ પ્રશસ્ત હો. તેની પ્રશસ્તિ ચૌદિશ પ્રસરો પ્રશંસકો પ્રસન્ન થાઓ. અંતે, સર્વે દૈનિક પત્રો-પ્રીન્ટ મીડિયા અને મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું, ધન્યવાદ !

- સુમિત ‘યક્ષ’

ધોળકા

અનુક્રમણિકા

•વાંસવન

•હોઉં ના

•ગઝલ છે

•મ્હેક જેવું

•કાગળો પર

•આ ઉપવને

•રાત છે

•યાદને

•આહત

•લાગણી મરઘટની

•ફૂલોને

•પર્ણ વગર

•કાગળની હોડી

•એક તારું ઘર

•ગાલ પર સરતા

•ફ્રેમમાં ભીંતે

•ઊભાં રહો પળભર

•ખીલતાં ફૂલો

•ગઝલ લખતો હોઉં તો

•પ્રબળ કૈંક

•દૂરત્વની સંવેદના

•સાવન હશે

•શબ્દ ક્યાં

•કોઈ અંદર

•એકદમ

•હતી, એક

•અંદરથી

•અસંભવ

•યાદોને

•અળગાં રહો

•આખો જમાનો

•જેટલાં પગલાં

•વૃક્ષની નીચે

•દૃશ્ય આછું

•તારું નહીં

•તું ધરા

•લાગણીમાં

•શબ્દનો પથ્થર

•નયનમાં

•મૂળસોતું

૧. વાંસવન

વાંસવન પક્ષીના કલરવ સાંભળું,

હું હૃદયના નાદ હરપળ સાંભળું.

ટોચનાં પર્ણોથી ટપટપ બિંદુઓ,

વરસતાં મોતીશાં ખળખળ સાંભળું.

ડાળ પર પોપટ ને મેના ગૂંથતાં,

વાતને મધુવનની ચંચળ સાંભળું.

વા પલાશવનનો વાતો કેસરી,

તન જલાવે, ‘યક્ષ’ ભડભડ સાંભળું.

કંદરાઓમાં ઊંડાણે જૈ ઊભો,

પર્વતોના નાદ હરહર સાંભળું.

૨. હોઉં ના

હોઉં ના તોયે હશે શમણાંની રાતો,

ઊઘડી કરશે ફૂલો જનમોની વાતો.

બારણું ખોલ્યું જરા અમથું લગાર-

ને ધસી આવી બધી ખુશ્બૂની જાતો.

ભીંજવી ચાલી ગઈ વરસાદી મોસમ,

ને છલોછલ છલકતી ગમતીલી યાદો.

વીંધવાનું ઊડવા વેરાન આખું,

કૈંક ધખધખતી મળી ખમવાની ઘાતો.

પલકમાં પથરાય છે રેતીનો દરિયો,

ઝાંઝવાંમાં શોભવી ભીંજાતી ભાતો.

૩. ગઝલ છે

ગઝલ છે સુરાહી સુરા આ ગઝલ સાકી ગઝલ છે,

જીવનારા અજબ, પીનારા ગજબ પ્યાલી ગઝલ છે.

દડમજલ હો જિંદગી તો કેટલી લાંબી સફર આ,

ફક્ત ખાલી સજલ જુઓ નયન મતવાલી ગઝલ છે.

લોક દેતાં રહ્યાં, દીધો હિસ્સો બનતો બરાબર,

હુંય પીવું એય પીવે ના પલ ધરાઈ ગઝલ છે.

એક ઓઢી કામળો જીવતો રહ્યો કાળઓ કલૂટો,

નિત મનાવે કૈંક ગાવા, બોલકી બાલી ગઝલ છે.

સાદગી તુજ તાજગી છે નજાકત ને નક્શીદાર છે,

‘યક્ષ’ જાણે અસલ સીદીસૈદયની જાલી ગઝલ છે.

૪. મ્હેક જેવું

મ્હેક જેવું નામ જે તમે દીધું,

શોક જેવા નામને તમે લીધું.

પાંખડી છો પાતળી જરી નાજુક,

અંગ કોમળ પોયણે તમે દીધું.

રેશમી છો ફૂલ, રંગ ખુદ ખુશ્બૂ,

નામ ખુદ સુગંધને તમે દીધું.

તારલા સરખું તમે હસી પડતાં,

તેજ ઝગમગ દીવડે તમે દીધું.

વરસતો વરસાદ ને વચન માગ્યું,

‘યક્ષ’ને માગ્યું અને તમે દીધું.

૫. કાગળો પર

કાગળો પર અક્ષર કેવળ લખાય,

ના હૃદયની વાત તો તે પર લખાય.

રોમેરોમે રમત માંડી આરપાર,

કલમથી તો થોડીક જ અસર લખાય.

પણ વનો ટહુકા થકી તો સંભળાય,

ક્યાં લખી લીલાશની લીલપ લખાય.

ઊગતા સૂરજને મેં આપ્યું છે અર્ધ્ય,

ડૂબશે સૂરજ વ્યથાઓ નવ લખાય.

દિવસ, રાત્રી, પ્રહર, સંધ્યા, ક્ષણ જીવાય,

લેખ આખર ‘યક્ષ’થી આગળ લખાય.

૬. આ ઉપવને

આ ઉપવને રંગીન કૂંડાં જોઈ લો !

છે કેટલાં સંગીન રૂડાં જોઈ લો !

ગોળ, ચોરસ, ષષ્ટકોણ ને સરસ,

છે હારબંધ કતાર બધાં જોઈ લો !

કેવાં રૂડાં ! રંગીન ને ફૂલો ભર્યાં,

કૂંડાં છે સોાનનાં ડૂંડાં જોઈ લો !

જોઈ લો છેલ્લે રૂપકડાં ને રોઈ લો,

ઊડી જશે કૂંડાં ને રૂડાં જોઈ લો !

આ મોગરો ગુલાબ શું કેકટસ ખીલ્યાં,

હસતાં ફૂલો કાંટે મહેક્યાં જોઈ લો !

૭. રાત છે

રાત છે કાળી સિતારા વગર,

ક્યાં કશો પર્યાય તમારા વગર.

શુષ્ક, નિર્જળ રણ સમી ટળવળે,

જિંદગી તૃષિત જળધારા વગર.

કેટલું ચાલ્યાં હતાં સાથમાં,

પમ હવે મુશ્કેલ સહારા વગર.

ના મળે મંજિલ ને મઝધારમાં,

નાવ ભટકે છે કિનારા વગર.

‘યક્ષ’ આ મજબૂર થૈ ને ઊભા,

ને ફરી ચાલ્યા નઝારા વગર.

૮. યાદને

યાદને કરજો પરત ને પત્ર પાછા લો તમે,

શબ્દ પાછા લો, પરત એ શ્વાસ મારા દો મને.

એ મૂકેલાં પુસ્તકે સૂકાં ગુલાબો લો ભલે,

લાગણીના છોડ લીલાછમ્મ આપ્યા દો મને.

નામને ઇનામ બિલ્લા-બેજ સિક્કા પ્રેમના,

લો બધું પાછું ! પરત લો, સ્નેહ માગ્યા દો મને.

ભેટસોગાતો ગૂંથઅયાં ફૂલ રૂમાલે નામ લો,

લો મને સરનામું દો, ને નામ સાચા દો મને.

એ વિસામા ઝૂલતા, એ ઘાટ, કેડી શાખમાં,

‘યક્ષ’ દો પાછા-પરત એ દિવસ પાછા દો મને.

૯. આહત

આહત હૃદયની વેદના વીસરી તમે જાઓ છો,

આસ્થાને દઈને ઠોકરે-ઠેસે અને જાઓ છો.

કેવા મળ્યા આસાન શા અવસર તમે જાણો છો,

છૂટી હવે આશ્લેષથી છેટે ઘણે જાઓ છો.

એ પીપળાના ઓટલે જોયેલ પૂજામાં રત,

વરસો પછી દૃશ્યો મૂકી ધૂસર ક્ષણે જાણો છો.

આ શ્વાસનાં ઊડી ગયાં પંખી સહુ આંખેથી,

ઝાંખા બની આકાશથી આગળ હવે જાઓ છો.

હદપાર મનને રિક્ત કરતાં ‘યક્ષ’ સરતાં જાઓ છો,

છો સ્નેહનાં સારસ મને સોંપી વને જાઓ છો.

૧૦. લાગણી મરઘટની

લાગણી મરઘટની જાણે કે સજાવટ હતી,

લોકોને એમ કરવાની ખાસ ફાવટ હતી.

દાહ આપ્યો કે ચિતાનો અગ્નિ ભડભડ બળ્યો,

આગ ક્યારે ઠરે, એ સૌને ઉતાવળ હતી.

ચાર લોકો એકઠાં થઈને ઉતાવળ કરે,

સાવ સંબંધોની જાણે કે પતાવટ હતી.

ચાર ઊઠ્યા, આઠ બેઠા, બાર ચાલ્યા ગયા,

એક અદાવતની પતાવટ જેવી દાવત હતી.

‘યક્ષ’ બતલાવવાની આ કેવી આદત, છતાં

ચાહ રસ્મો-રિવાજોમાં હજુ પણ સલામત હતી.

૧૧. ફૂલોને

ફૂલોને જોઉં તો આનંદ મળે છે,

જો તમને જોઉં સદાનંદ મળે છે.

કાગળનાં ફૂલો તો સજાવટમાં શોભે,

અસલી ફૂલોમાં ખુશ્બૂ-રંગત મળે છે.

વૃક્ષોને જોઉં વનરાજીને જોઉં,

નિજાનંદ-આનંદ સદંતર મળે છે.

ત્યાં કોણ ઉપવનમાં વાતો કરે છે,

એ મિલનની વાતોમાં અંગત મળે છે.

‘યક્ષ’ ફૂલ લઈ લો ને ખુશ્બૂય લઈ લો,

ફૂલોમાં ફરું છું તો સંગત મળે છે.

૧૨. પર્ણ વગર

પર્ણ વગર વૃક્ષાતો અંદર,

કાષ્ટ સમો કષ્ટાતો અંદર.

પીત્ત પર્ણ થઈ ખરખર ખરતાં,

ભયગ્રસ્ત થઈ પસ્તાતો અંદર.

માર્ગ ડૂબ્યા ને લક્ષ ડૂબ્યાં,

રાહ વગર રસ્તાતો અંદર.

દીપજ્યોત ના વધવું દુષ્કર,

અસ્ત થવા અસ્તાતો અંદર,

‘યક્ષ’ છું અસ્પષ્ટ વળી છું,

અદૃશ્ય રહી મુસ્કાતો અંદર.

૧૩. કાગળની હોડી

કાગળની હોડી તોય સાગર તરે છે,

મંઝિલ મળે તેને સઅદાર મળે છે.

છે શ્રદ્ધાી વાતોય કેવી નિરાળી,

પથ્થરની આંખોમાંય ઈશ્વર મળે છે.

ચણનારો ઈમારત બરોબર ચણે તો,

પાયાની ઈંટોને ઈમારત ગણે છે.

વેરાન બંજર રણ મળે ના સરોવર,

તરસ્યાં હરણ ઝાંઝવાં પાછળ મરે છે.

પીળાં પડીને ‘યક્ષ’ ખરખર ખરે છે,

મોસમ મળે પૂર્ણ રૂપ નૂતન ધરે છે.

૧૪. એક તારું ઘર

એક તારું ઘર મને મોહી ગયું,

મ્હેક તારું મન મને મોહી ગયું.

એક લીધો ટર્ન ને ફળિયું મળે,

ચોક સામે ઘર, અને મોહી ગયું.

છેક તારું મન મને વાતો કરે,

કોક મીઠી મધ ક્ષણે મોહી ગયું.

કૈંક આછું પાતળું સ્મરણ હજી,

સાવ સારું જણ મને મોહી ગયું.

‘યક્ષ’ લીલા આશ્લેષે ગુંજતું,

વ્યક્તિત્વ તુજ સમગ્રને મોહી ગયું.

૧૫. ગાલ પર સરતા

ગાલ પર સરતા અશ્રુકણ લૂછવા દે,

શું બનેલી વાત આખર પૂછવા દે.

ઊંબરાની પાર તું ઊભી રહે છે,

આંગણામાં તો મને ક્ષણ ઊભવા દે.

હું તરસ છુપાવીને યુગોથી ઊભો,

તું છલકતા સ્નેહ સાગરથી પી જવા દે.

ફૂલ સરખી તું ખીલે જો ડાળખી પર,

તો મધુકર થઈ મને પળ ગુંજવા દે.

આ તરફ જોને ઘડીભર ભાવભીનું,

અંકુરોને લાગણીના ફૂટવા દે.

૧૬. ફ્રેમમાં ભીંતે

ફ્રેમમાં ભીંતે જડ્યા એ સ્મરણોના હસ્તાક્ષર,

વરસ સોનેરી મઢ્યા છે સ્મરણોના હસ્તાક્ષર.

કાળના એ ખોતરીને પહાડ પર્વતો ડુંગરો,

મેં ખડક પર કોતર્યા છે સ્મરણોના હસ્તાક્ષર.

છેક ઊંડે જઈ પડેલા ભીતરે ઊંડાણમાં,

રેત-જળમાંથી મળ્યા છે સ્મરણોના હસ્તાક્ષર.

પથ્થરો જાણે ડૂબે તો એ તરે છે નામથી,

આપના નામે કર્યા છે સ્મરણોના હસ્તાક્ષર.

‘યક્ષ’ જે પામ્યા તમારા હાથના હસ્તાક્ષરો,

શ્વાસમાં ઊંડે ધર્યા છે સ્મરણોના હસ્તાક્ષર.

૧૭. ઊભાં રહો પળભર

ઊભાં રહો પળભર ચરણમાં આપની ઝૂકી રહી છે ડાળખી ફૂલો ભરી,

રંગો સુગંધો સાથમાં રાખી વિવિધ મૂકી છે ડાળખી ફૂલો ભરી.

ભરપૂર જલદી આપની ઇચ્છા મહીં પામી વળી પગલાં મહીં જઈ હતી,

તમને પગે વીંટાઈને પંપાળતી ચૂમી રહી છે ડાળખી ફૂલો ભરી.

જે રાહ છે લીધા હવે એ સાવ કૈં સરિયામ તો ચોખ્ખા નથી તમને કહું,

પળ રાહ સુઘડ પુષ્પ આચ્છાદિત પર ઘૂમી રહી છે ડાળખી ફૂલો ભરી.

અંધાર છે કાજળ સજ્યો ને મંડરાતો એક ઠસ માસૂમ હયાતીની તરફ,

ક્ષણ જરા પાછું વળી જો તેજ કણ મૂકી રહી છે ડાળખી ફૂલો ભરી.

જો ‘યક્ષ’ તડકો, ઘાસ, કેડી આંખમાં ભરતાં ઊડી તારી છબિ જોઈ રહ્યા,

શું તુંય કૂણી ડાળખી જેવું જરા ઝૂલી રહી છે ડાળખી ફૂલો ભરી.

૧૮. ખીલતાં ફૂલો

ખીલતાં ફૂલો બહારો આપ છો,

જળ, નદી, પનઘટ, કિનારો આપ છો.

રાહ કાંટાઓ ભર્યા ચાલ્યા કરું,

એક મંજિલનો મિનારો આપ ચો.

આપની વાતો લખું, થાકું નહીં,

શ્વાસની સઘળી કિતાબો આપ છો.

ચડે વહે ઝરણું તરલ શા ટેરવે,

ને બજે તે એક સરગમ આપ છો.

કૈંક કરમાઈને ખીલ્યાં ફૂલ છો,

મહેકતાં ફૂલની બહારો આપ છો.

૧૯. ગઝલ લખતો હોઉં તો

ગઝલ લખતો હોઉં તો ચુપચાપ લખતો હોઉં છું,

શબ્દ લખતો અર્થ આપોઆપ લખતો હોઉં છું.

વ્યર્થ લખતો હોઉં ના અનર્થેય લખતો હોઉં ના,

ગીત લખતો હોઉં છું, ગુણગાન લખતો હોઉં છું.

સાદ કરતો, રાગ કરતો આગ ને વેરાન બધું,

દર્દ અંદર વલવલી સરિયામ લખતો હોઉં છું.

આપના સાદર લખું છું જિંદગીની કશ્મકશ,

એમના લૈને વિષય મદમસ્ત લખતો હોઉં છું.

‘યક્ષ’ને પૂછું, લખું પ્રશ્નાર્થ સર્વ જજબાત સમજી,

માફ કર, સંસારની સચ બાત લખતો હોઉં છું.

૨૦. પ્રબળ કૈંક

પ્રબળ કૈંક ઉત્કટ તમારા ઉપર,

ઢળી લાગણી ક્ષણ અદાના ઉપર.

અમસ્તુ સ્મતિ ફરકી ગયું હોઠ પર,

તહોમત ન મૂકો અમારા ઉપર.

અચાનક ગઈ ખુલ્લી બારી તરફ,

પડી સ્હેજ નજરો તમારા ઉપર.

હતું કે મલકશે જરીક મુખ પણ

ઢળ્યો સાવ પાલવ ચહેરા ઉપર.

હજી યાદ છે એ મનહૂસ ઘડી,

તમે પાડ્ય પડદો ઝરૂખા ઉપર.

૨૧. દૂરત્વની સંવેદના

દૂરત્વની સંવેદના ટોળે વળી પૂછે,

નજદીકતાઓ આપની આંસુ જરી લૂછે.

ઠૂંઠાં બનેલાં વૃક્ષ સમ હાલત અભાવોની,

સંભવ મને અસ્તિત્વના વારે ઘડી પૂછે.

ઇચ્છા ને અનુકૂળતા સમાંતર એટલી પામું,

વરસો પછી આ વિશ્વ પણ ઉત્સવ ગણી પૂછે.

શું લાગણી ભીની હશે, તું જો મને પૂછએ,

તો ઝંખનાને મૂર્તરૂપ આપી ફરી પૂછે.

છે જીવવાની ‘યક્ષ’ ક્ષણ, અવસર સમી મળશે,

હા ના કહેતાં જાય તું ભવ ભવ પછી પૂછે.

૨૨. સાવન હશે

સાવન હશે, મધુવન હશે તું પણ હશે,

આ મહેફિલો હું ના રહું તો પણ હશે.

લીલાં વને કે જંગલે, આ ઉપવને,

ફૂલને સરસ ખીલી જવાની ક્ષણ હશે.

પી ના શકો આસવ અગર મારા વગર,

પીનાર સાથે કોઈ તો સ્વજન હશે.

વિદાય વેળા દોસ્ત સૌ આવી જશે,

દોસ્તી મહીં ચાહે કશી અનબન હશે.

યાદો તણો પાલવ ગ્રહી વધવું પછી,

પથમાં ભલે વેરાન કોઈ રણ હશે.

હું ખૂબ આઘે દૂર ચાલ્યો જાઉં છું,

કાળી બધી રાતો હશે ને ગમ હશે.

લો જોઈ લો દૃશ્યો નહીં જોવા મળે,

સૂર્યાસ્તને બાકી પળો બેત્રણ હશે.

૨૩. શબ્દ ક્યાં

શબ્દ ક્યાં ગમતા મળે છે,

લાખ યત્ન કરવા પડે છે.

ઝરણ ખળખળખળ વહે છે,

મહીં શબ્દ મીન સમ તરે છે.

કૈંક અંદર ટળવળે છે,

શબ્દ મળે તો કળ વળે છે.

ગાય છે એ ગણગણે છે,

કોણ હોંકારો ભરે છે.

સાદ દૈ વાતો કરે છે,

કોણ મન મદમસ્ત કરે છે.

કોણ કરે છે ઘા, મરે છે,

કોણ ભીતર ઘા ભરે છે.

શબ્દ તો ફરતા ફરે છે,

ક્યાં નિશાની કૈં કરે છે.

શબ્દ જો ગમતા મળે છે,

‘યક્ષ’ બસ વાતો કરે છે.

૨૪. કોઈ અંદર

કોઈ અંદર વીંજણા ઢોળે છે,

ઝૂલણે ઝૂલતું ચડ્યું ઝોલે છે.

મન મસ્ત અચલ હસ્તી સમ ઊભું,

દ્વાર દરવાજે દિલના ડોલે છે.

વાત પુરાણી વાવની વાસી-

વમળમાં વક્ર વહી વાસ બોલે છે.

વાગોળ ઊંધા મસ્તકે લટકી,

રાનમાં વેરાન વાગોળે છે.

ક્ષણ ઝરૂખે અલપઝલપ ઝળુંબી,

કાળ કાળું પ્રતિબિંબ તોડે છે.

કાંકરી રજકણ ભરી રેતની,

ખરી ક્યાંક સમયને શૂન્ય છોલે છે.

‘યક્ષ’ મૂંગા રક્તભીના ડૂસકાં,

અટક્યાં અંતરિયાળ ટોળે છે.

૨૫. એકદમ

એકદમ સ્મૃતિમાં ઊફસી આવ્યું શહેર,

જે હૃદયમાં ખૂબ ઊંડે દટાયું શહેર.

છે દબાયું દટાયું જલાવ્યું છતાંય,

મન મહીં મોતી સમું જડાયું શહેર.

જિંદગી તો હતી ફક્ત તાણો જરીક,

છેક વાણો થઈને વણાયું શહેર.

ક્યાંક કણસતું ને રડતું જણાયું કદીક,

આંખનાં આંસુઓમાં તણાયું શહેર.

ડૂબતું ક્યાંક, તરતું ક્યાંક ટૂટે-ચણાય,

વધતું-ઘટતું મનોમન ચણાયું શહેર.

હસતું-રમતું મળ્યું, ધ્રૂજતું પણ મળેલ,

એક જર્જર મહાલય જણાયું શહેર.

યાદ આવ્યું અચાનક ભૂલાયું ક્ષણેક,

રોમરોમે છૂપાયું, સમાયું શહેર.

૨૬. હતી, એક

હતી, એક તારીય આદત હતી,

શું, આદતમાં તુજની નજાકત હતી.

કોલ મળવાના દઈ ગુમ થઈ ગયાં,

લાગણીઓ ક્યાં કૈં અસંભવ હતી.

સાવ માગણીની જેમ જ માંગી હતી,

માંગણીઓય આદિ અદ્દલ હતી.

સાથ તારો જ તારો ઝંખ્યો હતો,

ભવભવની લાગણી તો અમાનત હતી.

સાથ જીવ્યાની વાતો ભૂલી ન જા,

સાત જન્મોની તાજી સાબિતી હતી.

ખોટ શી છે તારે પછી કેમ નમી,

તુજની આંખે ઊતરી અચાનક હતી.

૨૭. અંદરથી

અંદરથી છું પથ્થર બોલ,

તું ચાહે તો મલમલ બોલ.

ચાલે તો મુજ સાથે ચાલ,

નહિતર ‘ના’નો અક્ષર બોલ.

સામે મળશે તો પૂછવાનો,

ક્યા મળવું છે ટાઈમ બોલ.

ઘસડાઈને તું ચાલે છે,

અર્થ સ્પર્શનો નક્કર બોલ.

નામ તું તારું કૈં તો બોલ,

ક્યાં લગ રે’શે અવર અબોલ.

આંખો ઢાળી તું ચાલે છે,

દૃષ્ટિનાં કૈં સગપણ ખોલ.

વજ્જર શો આઘાત સહીશું,

‘યક્ષ’ ગમે તે કૈં પણ બોલ.

૨૮. અસંભવ

અસંભવ સદંતર બહકતા રહ્યા છે,

અકબંધ સંબંધોય મહકતા રહ્યા છે.

અરે કૈંક ઉન્નત નસીલા મદોન્મત્ત,

ચહેરા તરોતર ચમકતા રહ્યા છે.

અભાવોમાં અવસર ઉપસતા રહ્યા છે,

સદા સાથ તુજની ચમકતા રહ્યા છે.

ઉપસતા ગયા રંગ સપનાની અંદર,

વિકસતાં જ ફૂલો વિખરતાં રહ્યાં છે.

નથી વાસ્તવિકતા સ્વીકૃત સનાતન,

પરસ્પર અવલંબન વણસતાં રહ્યાં છે.

તિરસ્કૃત-વિકૃત શબ્દ સરતા સરે છે,

સ્વભાવે અનિચ્છિત છલકતા રહ્યા છે.

અપેક્ષિત મહેચ્છાય અનુત્તર ભલેને,

સલામત નિજાનંદ મલકતા રહ્યા છે.

૨૯. યાદોને

યાદોને પળ છંછેડજે મારી તરફ,

જંજાળ મૂકી આવજે મારી તરફ.

વરસો પછી તું લાગશે તારી તરફ,

થંભી જતા પગ ચાલશે મારી તરફ.

ઊપડીને પગ અટકી જશે તારાયે પણ,

યાદો ગ્રહી કર લાવશે મારી તરફ.

ચકલી બની ઊડી ગયાં રસો ભલે,

ખેતર ભરેલા મોલ છે મારી તરફ.

તારી તરફ રણ છે બધે ફેલાયેલાં,

લે, આવજે વરસાદ છે મારી તરફ.

ફૂલો લઈ-દઈને ઉઝરડા છો ગયા,

ભીતર હજીયે ઘાવ છે મારી તરફ.

સૂરજ ગરમ અંગાર તારા દેશમાં,

મનગમતી શીળી છાંય છે મારી તરફ.

જન્મોનાં સરનામાં નથી મળતાં જરા,

સંકેત ‘યક્ષ’ આપજે મારી તરફ.

૩૦. અળગાં રહો

અળગાં રહો કોને કહું ભેગાં સદાય છે,

કેવી રીતે વીસરી શકું ભેગાં બધાંયને.

ખુશ્બૂભર્યાં ટૂટી પડ્યાં ફૂલો વસંતમાં,

સપનાં સહુ ગૂંથી લઉં ભેગાં બધાંયને.

સગપણ બધાં વીંખાઈ ચૂક્યાં જ્યાં ને ત્યાં જુઓ,

સ્નેહી લઉં શોધી, કરું ભેગાં બધાંયને.

આંસુ ખર્યાં ટપટપ કરી તેનાં નયન થકી,

મોતી સમાં ઝીલું, કરું ભેગાં બધાંયને.

ખંડેર જેવાં લાગણીનાં ઘર થયાં હવે,

ચણતર નવેસરથી ચણું ભેગાં બધાંયને.

ભૂલાં પડી રઝળી પડ્યાં, બંધન સમાજનાં,

હું પ્રેમને ધાગે વણું ભેગાં બધાંયને.

નીચે ખરી ઊડી રહ્યાં પાનાંય ‘યક્ષ’ જુઓ,

સ્મરણો તણાં પાનાં કરું ભેગાં બધાંયને.

૩૧. આખો જમાનો

આખો જમાનો એ અને દોસ્તો !

પથ્થર બધા માને મને દોસ્તો !

લોકો કહે તુજને ભૂલી જાઉં,

દિલ તો કહે એ ના બને દોસ્તો !

ચાલ્યો લઈ જે હાથ હાથોમાં,

મૂકી દઉં, સમ છે મને દોસ્તો !

હું અશ્વોની માફક ગતિવાન છું,

કોઈ ટોકે એ ના ગમે દોસ્તો !

સાબૂત મુજ પગલાં વળો પાછાં,

મારે જવું છેટે ઘણે દોસ્તો !

માથે ઉપાડું આખી જહાંને,

અંદર ભલેને ગણગણે દોસ્તો !

હું જ્યાં વણું છું મલમલી સપનાં,

ચાદર સરસ એ ઉકેલે દોસ્તો !

લૂંટી રહ્યા સૂરત સુરા સમજી,

આખો જમાનો એ અને દોસ્તો !

ઘૂંટો ભર્ય ‘યક્ષ’ ઉમ્રભર ઝૂમ્યો,

બાકી ગલાસ ઢળ્યો ભલે દોસ્તો !

૩૨. જેટલાં પગલાં

જેટલાં પગલાં-કદમ આગળ ભરું છું,

તેટલાં કૈં બેવડાં પાછળ પડું છું.

સાવ ધીરે લગભગ વધુ હલબલું છું,

સંપૂર્ણ-પૂર્ણ જોશમાં ડગ ભરું છું.

કેટલું આગળ ગયો શ્રદ્ધા થકી ઉપર,

ક્યાંય મુજથી લોકને આગળ ગણું છું.

આ સમર્પિત જિંદગી આખી પડી છે,

સૂર્ખ તુજ કદમો તળે સાદર ગણું છું.

લાગણી પાલવ સમી ઊડી રહી જે,

મંદિર શી ઉન્નત ધજા આખર ગણું છું.

પુરુષાર્થ શિખરે છે અચલ સ્થાયી,

એ જ ચાદરને અસલ મંદિર ગણું છું.

ડગ ભરું આગળ સતત ઘૂમી વળું છું,

‘યક્ષ’ ખુદ હર રાહ - મુસાફર ગણું છું.

૩૩. વૃક્ષની નીચે

વૃક્ષની નીચે ઊભાં’તાં આપણે,

પળ નહીં વરસો ઊભાં’તાં આપણે.

વૃક્ષ પરની પાનખર જોઈ નહીં,

છાંય શીતળ ઝંખતાં’તાં આપણે.

કેટલું ચાલ્યાં હતાં કોને ખબર,

દ્વારથી ક્યાં ડગ વધ્યાં’તાં આપણે.

તેં સતત માન્યા કરેલું સ્વપ્ન પણ,

ભોંય પર નક્કર ઊભાં’તાં આપણે.

લાગણીના અંકુરો ઉપવન થયા-

ને ફૂલો જેવું ખીલ્યાં’તાં આપણે.

આંસુઓ રોપી વધ્યાં રણ રેતમાં,

મૌન ક્ષણ ખળખળ વહ્યાં’તાં આપણે.

‘યક્ષ’ લો પાછાં વળી પળ જોઈએ,

કે પ્રથમ ક્યાંથી મળ્યાં’તાં આપણે.

૩૪. દૃશ્ય આછું

દૃશ્ય આછું દૂરથી જોવા મળ્યું છે,

છત ઉપર સરકારને ફરવા મળ્યું છે.

ચાંદ વાદળની તળેથી નીકળ્યો પળ,

ચાંદની શીતળ જરા ઢળવા મળ્યું છે.

કલ્પનાની વાત કરવાની નથી કૈં,

એક જીવતું સ્વપ્ન અકારણ મળ્યું છે.

આજ આછી ખુશનૂમા મોસમ મહેકી-

કેશમાં પુષ્પોને નીરખવા મળ્યું છે.

કાંઈ ઝાંખા દિસશે પતંગિયાં પણ,

મુક્ત દુપટ્ટાનેય ફરફરવા મળ્યું છે.

ધૂંધળા સંબંધ ને એવું મહોરું,

‘યક્ષ’ સઘળા અવસરે જોવા મળ્યું છે.

૩૫. તારું નહીં

તારું નહીં તો હું હવે કોનું પૂજન કરું,

ઉન્નત પુરાની પ્રેમની મૂરત સર્જન કરું.

ચાહ્યા સદા એકત્વ ભાવે શું ફરી કહું,

મધુકર નથી કે હું બધાં ફૂલે ગુંજન કરું.

ફાલી વસંત ફૂલે ફૂલે, વૃક્ષે ને ઉપવને,

કોયલ સરીખું આમ્રકુંજે હું કુંજન કરું.

ઘેરાય છે વાદળ સમજ અણસાર મેઘનો,

ટહુકા કરીને મોરના જેવું નર્તન કરું.

ઊંચાઈ છે ધારણ કરી પાવન તુજ પ્રેમને,

ભીતરના ગર્ભગૃહે તને હરદમ સ્થાપન કરું.

સપનાં લઈ ઊંચે ઊડું ખુલ્લા આકાશમાં,

પંખી બની હર ડાળ પર ઝૂલું, ગાયન કરું.

‘યક્ષ’ જુદાઈ કે મિલનનો ગમ છે ક્યાં હવે,

પાવન હૃદયના ભાવથી અર્પણ જીવન કરું.

૩૬. તું ધરા

તું ધરા છે આભ છે,

તું સમંદત સાત છે.

તું જ છે સપનું અને,

તું જ પંખી જાત છે.

તું સુવાસ તું શ્વાસ છે,

તું જ તું ચોપાસ છે.

રંગ-રૂપ તું પુષ્પ તું,

અંગ અંગે રાગ તું.

કેસૂડાનું ફૂલ તું,

ફાગ યાને આગ છે.

આશ છે કે પ્યાસ તું,

એક આછો ભાસ છે.

છે સરોવર ઘાટ તું,

તું મિલન, તું સાંજ છે.

સાજ તું, સંગીત તું,

રાગ ને વિરાગ છે.

ચંદ્રની તું ચાંદની,

તું શીતળતા ખાસ છે.

વિસ્તરેલું આભ તું,

તું તારલાની ભાત છે.

રેતના અક્ષર અમે-

તું જ સાચું નામ છે.

ભીંતરે ઘૂંટાય એ

‘યક્ષ’ તારી વાત છે.

૩૭. લાગણીમાં

લાગણીમાં છેક ઊંચું સ્થાન છે કાયમ તમારું-

ને કિતાબોમાં ગહકતું ગાન છે કાયમ તમારું.

હસ્તરેખાઓ મહીં તો શોધતો કાયમ રહ્યો છું,

ભાગ્યરેખાઓ મહીં પણ નામ છે કાયમ તમારું.

ભાવભીની લાગણીઓને કુંપળો ફૂટી ગઈ છે,

ડાળખી ઝૂકતાં કરે સ્વાગત છે કાયમ તમારું.

આપથી અંજાનમાં કૈં ફૂલ પણ ખીલી ઊઠ્યાં ને-

રેશમી મ્હેકી રહ્યાં બેધ્યાન છે કાયમ તમારું.

એકલો શોધી વળ્યો છું જંગલો, ખીણો, પહાડો,

યાદની ઘાટી પછી ત્યાં ધામ છે કાયમ તમારું.

કંટકો વેરાન રણને પાર સૌ વીંધી ગયા છો,

મન હવે તો ખુશ્બૂનું ઉદ્યાન છે કાયમ તમારું.

જ્યાં શિલાઓ પથ્થરો પર નામ કોતરતો રહું,

‘યક્ષ’ ઉન્નત શિખરે સન્માન છે કાયમ તમારું.

૩૮. શબ્દનો પથ્થર

શબ્દનો પથ્થર પડે તો ઠીક છે,

મૌન દર્પણનું ફૂટે તો ઠીક છે.

શ્વાસ તો હાંફી રહ્યા સાવન વગર,

યાદની આંધી ચઢે તો ઠીક છે.

વેદનાઓ શ્વાસને ટકરાય છે,

ઝખનાનું રણ ટળે તો ઠીક છે.

સાવ સંયમ નથી કે સીમા નથી,

વાત અટકે આટલે તો ઠીક છે.

તેજ ઝાંખું થાય આંખે આભલું,

આંખમાં સૂરજ બને તો ઠીક છે.

ચરણ માંડું ને ધરા છો ધમધમે,

સાત સાગર ઘૂઘવે તો ઠીક છે.

‘યક્ષ’ આ નાટક હવે છે ક્યાં સુધી ?

શૂન્યનો પડદો પડે તો ઠીક છે.

૩૯. નયનમાં

નયનમાં જેટલું માર્દવ હતું,

શબ્દમાં એટલું લાઘવ હતું.

ધુનન વાણીમાં શાને આટલું,

અધર પર કોઈનું સ્મરણ હતું.

ગવન સાથે ગગન પણ ફરફરે,

હૃદયથી હૃદયનું મિલન હતું.

ન ઊપડે એકલાં નાજુક ચરણ,

ચરણમા ંઝૂરતું વારણ હતું.

ક્ષિતિજ પર ડાબલા કૈં સળવળે,

સમયનું આગમન આંગણ હતું.

બધું વિસરી જવું છે એમનું,

હાસ્ય પણ કેટલું કોમળ હતું.

રહ્યો સંબંધને કરવો અલગ,

જીવનની સાથ તો બંધન હતું.

ભરોસે છિન્ન મંજિલ થઈ ગઈ,

ભરોસા નામ એ નાટક હતું.

કિનારા મોત થઈ ટૂટી રહ્યા,

હૃદયસાગર તણું પતન હતું.

ભર વસંતે અગન દાઝી રહ્યો,

‘યક્ષ’ નયને અશ્રુતોરણ હતું.

વિરોધો ગગન થઈ ટૂટ્યા હતા,

છતાં અમ શીશ ઉન્નત હતું.

૪૦. મૂળસોતું

મૂળસોતું ઊખડ્યું મારું મકાન,

સ્વપ્નનું સ્વર્ણિમ રૂપ પ્યારું મકાન.

ગામથી ખુદના જ ઊખડ્યો છું સમૂળ,

સાદ દે છે રાતદિન મારું મકાન.

ઓતરાદી દિશનો વાયો સમીર,

મન મહીં મ્હોરી ઊઠ્યું આખું મકાન.

સંગતિ મિત્રોની માણી યાદગાર,

એક સ્મૃતિચિહ્‌ન સમ ન્યારું મકાન.

બાળપણ જે છાંયડે વીત્યું તમામ,

‘યક્ષ’ઉર વટૃક્ષ શુ છાયું મકાન.

પિતૃઓનો વાસ તે મંદિર સમાન,

પાદસ્પર્શએ ધન્યતા પામ્યું મકાન.