Vankanya Sumit "Yaksh" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vankanya

વનકન્યા

ગઝલસંગ્રહ

-ઃ લેખક :-

સુમિત ‘યક્ષ’

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

દેવ્યાની (પુત્રી)

સર્જક પરિચય

કેટલીક વ્યક્તિઓ દરેક ક્ષેત્રમાં એટલી કાર્યકુશળ હોય છે કે તેઓ પરફોર્મિંગ આર્ટસ્‌, કલા ફોટોગ્રાફી ઉપરાંત કલમના યે ગજબના કસબી હોય છે. તેમના કુંચળામાંથી જેમ ઉત્તમ કલા-સર્જન થતું રહે છે તેમ કલમમાંથાી ઉત્કૃષ્ટ સાહિત્ય, બાળસાહિત્ય, કાવ્યો, ગીતો, હાઈકુ, કવિતા, વાર્તા સર્જાતાં રહે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે ધોળકાના કલિકુંડવાસી ૬૧ વર્ષીય સર્વ કુશળ કલાકાર-લેખક શ્રી સુમિત ચૌહાણ ‘યક્ષ’.

હવે સુમિત ‘યક્ષ’ના નામે સાહિત્ય સર્જન કરતા સુમિતભાઈ પોતે એક અચ્છા કલાકાર, તસવીરકાર, કવિ, બાળસાહિત્યકાર હોવા ઉપરાંત અમદાવાદ સી.એન. ફાઈન આર્ટસ્‌ના વિદ્યાર્થી તેમજ વી.વી.નગર ફાઈન આર્ટસ્‌ કોલેજના પદવીધર હોઈ ધોળકાની ફાઈન આર્ટસ્‌ કોલેજમાં વર્ષો સુધી અધ્યાપન કાર્ય પણ કરી ચૂક્યા છે. સ્થાનિક સાહિત્ય સંસ્થા ‘પ્રત્યાયન’ સાહિત્ય વર્તુળના પણ તેઓ સભ્ય છે.

બાળગીતો, ગઝલો રચવી એ તેમની પ્રમુખ રુચિ છે. તેમજ રચેલાં બાળગીતોનાં પાંચ સંગ્રહો - ‘પિકનિક’, ‘ડ્રાઉં-ડ્રાઉં’, ‘થનક-થનક’, ‘ગાતાં પંખી’ અને ‘ગાઉં હું તો’ પ્રકાશિત થઈ ચૂક્યા છે.

સુમિત ‘યક્ષ’ એક ઉત્તમ કક્ષાના ગઝલકાર છે, તેની પ્રતિતી તેમના હાલમાં પ્રકાશિત થયેલા બે ગઝલ સંગ્રહો ‘મૌન તારું’ અને ‘એક કપ ચાનો’ જોતાં અને વાંચતાં થાય છે. પોતે ઉત્તમ કલાકાર-તસવીરકાર હોવાથી ગઝલ સંગ્રહોનાં આવરણો પોતે જ તૈયાર કરે છે, આવરણો મનોહર, નયનરમ્ય અને અર્થપૂર્ણ છે. ‘યક્ષ’ની ઋજુ અને સરળ સ્વભાવગત મુદ્રાની છાંટ સર્જનમાં ઝિલાયેલ ભારોભાર વર્તાય છે. અંતે, શુભકામનાઓ સહ...

- જગદીશ બિનીવાલે, અમદાવાદ.

કેફિયત

સલામ...! ઓગણીસ કે ત્રણસો પચાસ લહરમાં ગઝલ રચાતી હશે, એ તેના સર્જકની હુન્નરબંદી કે તેના ઉસ્તાદની ઉસ્તાદીનો વિષય રહ્યો હશે. પણ, મૂળમાંથી ગઝલને આપબળે તેની બાંધણી ને છંદશાસ્ત્રથી લઈને પૂર્ણ ગઝલ રચવા સુધીની સ્વયં એકલ સફર ખેડવી અને એ પણ કોઈના સહારા કે આધાર-માર્ગદર્શન વિના, તે પણ તેની રીતની એક ઉપલબ્ધિ કે સફળતા હોઈ શકે એમ હું માનું છું. આમ ઘણા લાંબા રજળપાટના અંતે મંઝિલ સુધી પહોંચવામાં - ધ્યેય પ્રાપ્ત કરવામાં - ત્યાં સુધીમાં કાંઈ કેટલીયે ગઝલ રચનાઓનાં બાળમરણ થયાં હશે, અસંખ્ય રદબાતલ કરવી પડી હશે, ગઝરચનાઓ. પણ આખર ધીમે ધીમે સઘળું શાસ્ત્ર ને ગઝલલેખન પણ હું માનું છું કે કાંઈખ સમજાઈ છે, મને.

ગઝલસંગ્રહમાં આત્મલક્ષી ને સ્વકેન્દ્રી વિષયવસ્તુને લઈને રચનાઓ થઈ છે. રોજબરોજના - દૈનિક જીવનમાં ઘટતા પ્રસંગોના ફળસ્વરૂપ લાગણીઓના ઉતાર-ચઢાવમાંથી જન્મતી સંવેદનાને કારણે જે ઊર્મિ પ્રગટતી, જન્મતી, સ્ફૂરણા થતી તે સહજપણે ગઝલસર્જનમાં પ્રવેશી-પ્રગટી ઊઠી. આમ શેર કે ગઝલરચનામાં અનાયાસે-અજ્ઞાતપણે લાગણીઓની ઉભરતી-શમતી ભરતી-ઓટ થકી આંતરિક હાર્દને ભીંજવતી જતી છાલક થકી ત્યાં સર્જનાત્મકતાનું પ્રાગટ્ય સંભવ્યું, ને રચનાઓ સર્જાતી-રચાતી, શેર-ગઝલની ઈમારત આકાર લેતી, લેતી ગઈ. આમ આંતરિક લાગણીઓના ઉદ્‌ભવ થકી શબ્દ સ્ફૂર્યા - સ્ફૂરણા થઈ ને શેર-ગઝલનો સર્જનોમાં ઢળી આકાર લઈ શબ્દસ્થ થઈ. રચનાઓ શબ્દદેહે સાકાર થઈ, આમ.

... આમ મારા આ ગઝલસંગ્રહમાં પમ આ પ્રકારે જે રચનાઓ થઈ, તે સર્વેનું ચયન થઈ, ભાવસભર ને અર્થપૂર્ણ રીતે વણાઈ - સબળ કાવ્યત્વ પામેલી, તે સર્વે ગ્રંથસ્ત થઈ છે. અંતે, વાંચકો-ભાવકોને ગઝલપ્રિયજનોને ખુશી અર્પી તેનું હોવું-હોવાપણું-કાર્ય પૂર્ણ કરશે, ને તેમ થશે... અંતે, સર્વે દૈનિક પત્રો - પ્રીન્ટ મીડિયા અને મિત્રોનો અત્યંત આભારી છું. ધન્યવાદ !

- સુમિત ‘યક્ષ’

ધોળકા

અનુક્રમણિકા

•વનરાજી

•એક ડગમાં

•ડુંગરો માથા ઉપર

•આપ તો

•મને ઘેલું અજબ

•જે મળેલું

•તરસ એવી મને

•જિંદગી વેરાનમાં

•એક ડગલું

•માર્ગ

•સંગાથ તુજ

•આખી હયાતી

•બોલ ઝંખે છે

•આ તરફ

•ભલે એક જ

•વાત ફૂલોની

•બંધ દરવાજા

•ખીલતા રંગોય

•આજ ભીતર

•આ પ્રયાસો

•સંવેદનાઓ

•સમતુલા

•વાટમાં

•સંકેત

•તેજ સામે

•દોસ્તો બધાયે

•ભીતરે

•દ્વારને

•અમારું ગગન

•ઉદરમાં ઈંડું

•મુસીબતના સમયમાં

•હજુ ઢળતી

•અવિશ્વાસથી

•એકધારું મૌન

•થશે એક

•એક આખી જિંદગી

•એક લીલું પાંદડું

•આંખમાં તારી

•છોડ કેડી

•અલિપ્ત

૧. વનરાજીની

વનરાજીની લીલી ધારે,

વનકન્યા વન ચીરી ચાલે.

હરણાંની ખરીએથી ફૂટી,

ઝરણાં વ્હેતાં કીડી ચાલે.

પુષ્પો ને પાંદડીઓ સીંચી,

ઘાસલ ધરતી નીરી ચાલે.

પથ્થરને ઠોકરમાં લઈને,

પગલાં ડુંગર વીંધી ચાલે.

સૂક્ષ્મ રૂપે પંખીઓ ઊડ્યાં,

વન આકાશે ધીરી ચાલે.

‘યક્ષ’ સ્વરૂપ લઈ ડાળે ઝૂલું,

મંદ હવાઓ શીળી ચાલે.

૨. એક ડગમાં

એક ડગમાં માઈલો કાપી ગયા,

એમ ક્ષણમાં જિંદગી પામી ગયા.

એ વિસામાઓ હતા, ભૂલ્યો નથી,

લોક જેને મંઝિલો માની ગયા.

જે તવારિખે લખાઈ દાસતાં,

નામનાંએ પર્ણ સૌ ભૂલી ગયાં.

આંસુઓની પાર જોઈ વેદના,

યાતનાઓની કથા જાણી ગયા.

મૌન એકલ માર્ગ સૂના વિસ્તર્યા,

‘યક્ષ’ લેતાં નામ તુજ ચાલી ગયા.

૩. ડુંગરો માથા ઉપર

ડુંગરો માથા ઉપર રોપી દીધા,

અસ્પષ્ટ આરોપો તમે થોપી દીધા.

સર્વ હક્કો આપે આપી દીધા,

હાથના કાંડા તમે કાપી લીધાં.

ચોતરફ કિલ્લા તમે બાંધી દીધા,

દ્વાર-દરવાજા બધા ભીડી દીધા.

સ્વપ્ન સર્વે આપને માગી લીધાં,

રક્તનાં આંસુ અમે તો પી લીધાં.

સૌ સ્નેહીઓનાં મુખડાં જોઈ લીધાં,

‘યક્ષ’ને દૃશ્યો બધાં ખોઈ દીધાં.

૪. આપ તો

આપ તો દેખાવ છો ગઝલોમાં,

આપને માનું હજુ સ્વજનોમાં.

ખાસ અંગત છો, હતા ને રહેશો,

સર્વકાળે છો તમે પ્રિયજનોમાં.

ઉત્તરો આપીને થાક્યો છું હું,

ના વધુ પૂછો મને પ્રશ્નોમાં.

ના શીરીફરહાદ, લેલામજનૂ,

યાદ કરશે લોક પણ કસમોમાં.

લક્ષ અવતારે જનમ જનમોમાં,

‘યક્ષ’ બંધાવું રહ્યું વચનોમાં.

૫. મને ઘેલું અજબ

મને ઘેલું અજબ તુજનું ગજબ લાગ્યું,

સતત તુજ યાદનું વળગણ વ્યસન લાગ્યું.

બધી વાતો વચન અદ્‌ભુત સૌ લાગે,

સરલ સાચા રૂપે તુજમાં સ્વજન લાગ્યું.

ભલે સગપણને દુનિયા આજ ઠુકરાવે,

મને તો પણ મિલન મ્હેફિલ અદ્દલ લાગ્યું.

જીવ્યા તે સૌ બધું એ દજમઝલ લાગે

છલકતા જામ જેવું તુજ હૃદય લાગ્યું.

કનેથી ‘યક્ષ’ની લૈ પરત ના દેજે,

મળ્યું તે સ્મૃતિનું ચિત્રણ સરસ લાગ્યું.

૬. જે મળેલું

જે મળેલું માન ગુમાવ્યું તમે,

ભીતરેથી નામ મિટાવ્યું તમે.

આંસુઓને દિલમાં રોક્યાં અમે,

પાંપણે મુજ રક્ત રેલાવ્યું તમે.

પ્રેમ સમજી પી ગયા ઘટઘટ અમે,

છે હળાહળ ઝેર મિલાવ્યું તમે.

સૌ જગતનાં દ્વાર ખખડાવ્યાં અમે,

દ્વાર મારા કાજ ભિડાવ્યાં તમે.

‘યક્ષ’ના ત્યાં સાદ સૌ અટકી ગયાં,

શસ્ત્ર તીખું સખ્ત હુલાવ્યું તમે.

૭. તરસ એવી મને

તરસ એવી મને આપી તમે ના માપસર આપી,

તમે આપી તરસ આખી અગન રણની અસર આપી.

ફક્ત બે ઘૂંટ મય માગી હતી બે બુંદભર આપી,

અમે માગી બહારો ને તમે તો પાનખર આપી.

ઘણીએ મુક્ત ફરવાની હતી ઇચ્છા-મહેચ્છાઓ,

સદંતર કેદ કાળી દૈ, સજાઓ ઉમ્રભર આપી.

ન એકે ટુકડો આપ્યો ગગનમાં મુક્ત વિહરવા,

પહેલાં પાંખ કાપી, વેદનાઓ રીતસર આપી.

ગજબનો ન્યાય તોળ્યો છે ખુદા પણ પૂછશે તમને,

લઈ ફૂલો, દઈ કંટક પીડાઓ પ્રાણહર આપી.

૮. જિંદગી વેરાનમાં

જિંદગી વેરાનમા ંચાલી રહી છે રાતદિન,

ઓસ ઝાકળ ઝાંઝવે મ્હાલી રહી છે રાતદિન.

દૂર સુધી જળ તણો અણસાર વરતાતો નથી,

રક્ત પીને જિંદગી ફાલી રહી છે રાતદિન.

થોર ઊગી નીકળ્યા છે જો જરા મુજ જિંદગી,

કંટકોની ધાર પર ચાલી રહી છે રાતદિન.

સાવ સૂના રાહ છે ને તુજ અબોલાયે ખરા,

જિંદગી સૂનકાર મુજ સાલી રહી છે રાતદિન.

‘યક્ષ’ તુજ સુગંધ વિણ પીળી પડી ફૂલદાનીઓ,

એક લીલી લાગણી ઠાલી રહી છે રાતદિન.

૯. એક ડગલું

એક ડગલું માઈલો લાગે કદીક,

હોઉં પથ્થર પૂતળું જાણે ઘડીક.

ઉર મહીં વંટોળ આંધીઓ અપાર,

ડગ ખસે ના એક ક્ષણ આગે જરીક.

છેક અંદરથી ઊઠે ટહુકો પુકાર,

મન ખૂંપેલું રેતમાં ભાગે તહીં જ.

જે વ્યથાઓ દાબતો ઉજળતી એ જ,

લાગણીને પીડતાં જાગે બધી જ.

આખરી એકલ ઊભો અંતિમ છેક,

‘યક્ષ’ અંગત દોસ્ત ના લાગે કરીબ.

૧૦. માર્ગ

માર્ગ પથ મંઝિલ ડગર હું ચાલતો,

હર કદમ આઠે પ્રહર હું ચાલતો.

જ્યાં સતત વંટોળ આંધી ઊઠતાં,

રણ વીરાનામાં અજબ હું ચાલતો.

એક ખોબો જળ તો મોટી વાત છે,

યોજનો જળની વગર હું ચાલતો.

હું નદીની કલ્પનાની રાહમાં,

એકદમ નોંધી નજર હું ચાલતો.

શુષ્ક રોપી વૃક્ષ લીલુંછમ થવા,

‘યક્ષ’ની ભીતર સજળ હું ચાલતો.

૧૧. સંગાથ તુજ

સંગાથ તુજ સંગત મળી રહે,

સંયોગ પળ સંગમ મળી રહે.

સંવાદ તાજામાજા મળે પછી,

સંગ મધુ તો વ્યંજન મળી રહે.

સંકલ્પ સંજ્ઞારૂપ તર્ત મળે,

તો સકળ સૌ રંગત મળી રહે.

વળગણ હજી તાજું સહર્ષ મળે,

સવિશેષ કૈં અંગત મળી રહે.

નિસબત નથી કોઈ છતાં કશે,

સરિયામ તું જંગમ મળી રહે.

૧૨. આખી હયાતી

આખી હયાતી અસ્તિત્વ અડધા બની ગયા છે,

વાતો, વચન, ગીતો અદ્દલ પડઘા બની ગયાં છે.

વાગોળણાં સ્મરણો વૃથા અવસર વહી ગયેલા,

કિસ્સાના રૂપ આંખો તળે મડદાં બની ગયા છે.

તેં જે કહ્યું એ આજ દિન મારે તો માનવાનું,

હર્ફ તુજ શબ્દ સાચે જ આવરદા બની ગયા છે.

શમણાં મહીંનાં દૃશ્ય સૌ સાચાં ગણી રહેલો,

વાસ્તવમાં ભ્રમ ને ભ્રાંતિઓ પડદા બની ગયાં છે.

ખ્યાલો હજી પણ ‘યક્ષ’ના જિદ્દી અટલ રહ્યા છે.

ત્યાં જિંદગીના રસ્તા જ્યાં અઘળા બની ગયાં છે.

૧૩. બોલ ઝંખે છે

બોલ ઝંખે છે હયાતી રાતદિન,

ચૂપકી સાધી સજાવી રાતદિન.

તોય અવગણના કરી મારી હતી,

દોસ્તી ઝંખી તમારી રાતદિન.

સાવ સૂના રાહ પર ચાલ્યા કદમ,

પાર એકલતા અમારી રાતદિન.

રોજ ખ્યાલોમાં મળી લૈશું જરા,

જિંદગી ખ્વાબો બનાવી રાતદિન.

‘યક્ષ’ તો માણે છતાં જીવનસફર,

માર્ગ છો અનબન કહાની રાતદિન.

૧૪. આ તરફ

આ તરફ છાયા ઘડી ફેલાવજો,

ઊડતો આંચલ જરી રેલાવજો.

ખીલતી મોસમ સુહાની રાહ પર,

પાનીએ મેંદી સજાવી આવજો.

સ્નહભીની નજર ક્ષણભર દો મને,

હર ઝલક રોનક મઢાવી આવજો.

બોલ એકેએક ઋજુતા ભરા,

ખુશબૂ લઈને નશીલી આવજો.

‘યક્ષ’ મીઠું સ્મિત મલમલ આપજો,

લાગણી ભીતર તણી મિલાવજો.

૧૫. ભલે એક જ

ભલે એક જ લીટી ખાસ લખો,

લખો એક પત્રનો જવાબ લખો.

લખો કોઈ ગમતા ફૂલનું નામ,

પછી નામ ચાહે અનામ લખો.

કમળ યા ગુલાબ ચીતરો યાને,

પ્રથમ અક્ષર કાગળને ધાર લખો.

મ્હેક શ્વાસની બીડજો ફક્ત,

સ્પર્શ ટેરવાંની તમામ લખો.

‘યક્ષ’ દો કદમ રુશનાઈ કૈ,

લફજ ગઝલ રુબાયાત લખો.

૧૬. વાત ફૂલોની

વાત ફૂલોની કરીને સાંભરી,

યાદ ક્ષણે તાજી થઈને સાંભરી.

આંખ તાકી એકટશ અનિમેષ ને,

આહ આંસુમાં ભળી એ સાંભરી.

રેત સાગરમાં ઊભા તરસ્યા અમે,

સ્મૃતિએ ખોબો ધર્યો ને સાંભરી.

સાથ પળભરનો હતો છૂટી ગયો,

આંખ ભીની તર થઈને સાંભરી.

શૂન્યમાં ભળતા ગયા પગરવ બધા,

‘યક્ષ’ની યાદો ફરીને સાંભરી.

૧૭. બંધ દરવાજા

બંધ દરવાજા તરફ જોઈ ચરણ અટક્યાં,

શ્વાસમાં અગણિત ભીતર બાણ જૈ બટક્યાં.

મુગ્ધ મનમાં જેટલાં સ્મરણ હતાં ઝળહળ,

પાંપણોની ધાર પરથી આંસુ થૈ ટપક્યાં.

જોઈએ છે જિંદગીને મુઠ્ઠીભર તડકો,

એક માગ્યું’તું કિરણ અંધાર દૈ છટક્યાં.

સ્મૃતિઓના આયને તસવીર બની આછી,

સ્પર્શ આછા ટેરવે રૂપ કાચ થૈ તડક્યાં.

‘યક્ષ’ દીવાલો સમા દ્વારે જઈ ઊભા,

એક ડગલું ક્યાં વધે પથ વજન કૈં ખડક્યાં.

૧૮. ખીલતા રંગોય

ખીલતા રંગોય ઊતરી જાય છે,

ત્રાસદાયક બાફ વધતી જાય છે.

શ્વાસ ઊના પાર ઊતરે છે યુવા,

બાહુપાશે વાસ પ્રસરી જાય છે.

ખોલતાં બારી સરે છે ચાંદની,

શ્વેત ચાદર સાફ લસરી જાય છે.

ચંદ રોશનદાનનાં કિરણો થકી,

આખરી પળ રાત પ્રજળી જાય છે.

કોઈ ઓળો ભાસ સરખો લાગતો,

‘યક્ષ’ વીંધી દ્વાર ઝડપી જાય છે.

૧૯. આજ ભીતર

આજ ભીતર ફાંસ ખટકે છે હજી,

શ્વાસ અંદર શ્વાસ અટકે છે હજી.

આંખમાં રોપેલ શમણાં રાતભર,

આંસુઓના પાસ લજવે છે હજી.

દૂર ઊભો છું જઈ હદપાર તો,

પમ વ્યથાઓ ભાગ ભજવે છે હજી.

સાવ તૂટી લાગણી જોડાય ના,

લાગણીની વાસ પજવે છે હજી.

એકદમ અટકી ગયા પગ બારણે,

‘યક્ષ’નો આભાસ ભટકે છે હજી.

૨૦. આ પ્રયાસો

આ પ્રયાસો ક્યાંક ક્ષણ અટકી જશે,

ને પ્રવાસી એકદમ ભટકી જશે.

એક ડગલું લાગશે ડુંગર સમું,

ને હૃદય એ જોઈને હબકી જશે.

કોઈ અંતિમ ધ્યેય પર પહોંચ્યા નથી,

લક્ષની પહેલાં જ પગ લથડી જશે.

શોધતાં પાછળ રહ્યા ગત વેગળા,

જિંદગીભર સ્વીકૃતિ ખટકી જશે.

‘યક્ષ’ વીસરેલી વ્યથા પજવે મને,

ક્યાંક પંગુ લાગણી કચડી જશે.

૨૧. સંવેદનાઓ

સંવેદનાઓ લીન થઈ ગઈ,

જિંદગી આખી મીણ થઈ ગઈ.

જિંદગી સાગર ભરતી હતી,

છલકાઈ જળ ને ફીણ થઈ ગઈ.

મૂર્તિ પૂજાની હાથથી સરી ગઈ,

શ્રદ્ધા ટૂટીને ક્ષીણ થઈ ગઈ.

સિદ્ધિનાં શિખરો આંબવા જતાં,

સ્વપ્નો વીખરીને ચૂર્ણ થઈ ગયાં.

દોસ્તી નથી અકબંધ પણ છતાં,

‘યક્ષ’ અમલ અફીણ થઈ ગઈ.

૨૨. સમતુલા

સમતુલા મળવી નવ શકે એમ પણ બને,

ને નાવ લાંગરી નવ શકે એમ પણ બને.

યાતના સભર અંધાર ટપકે અહીં તહીં,

તણખોય ક્ષણ જલી નવ શકે એ પણ બને.

સૂરજ સરતો જશે, રક્તમાં ઠરતો જશે,

શ્વાસને શ્વાસ મળી નવ શકે એમ પણ બને.

‘યક્ષ’ની પળ પળ બની ગઈ વેદના ને હવે,

સાત ઘોડા ધસી નવ શકે એમ પણ બને.

ના મળી શકાતું, ના વળી શકાતું કદી,

ઝંખનાઓ ફળી નવ શકે એમ પણ બને.

૨૩. વાટમાં

વાટમાં માણસ મળે છે ક્યાં બધાં,

આયખે અવરોધ થૈ બેઠાં બધાં.

જાતરાને ક્યાં સુધી લંબાવશું,

છે પંડના પાંખા તરાપા બધા.

ડૂબતાંને શું દિલાસા આપવા,

લૈ ક્યાં સુધી તરશું ભરોસા બધા.

શબ્દમાં ઘૂંટ્યો અમલ શો એટલો,

ચાલી રહ્યાં છે ઊઠતાં પડતાં બધાં.

‘યક્ષ’ની ઓળખ-પુરાવો તું થજે,

સાચનાં દર્પણ લઈ ફરતાં બધાં.

૨૪. સંકેત

સંકેત લોચન ઓળખી શકતાં નથી,

કે સંભળાતા સાદ શમણાંના નથી.

ઓઝલ પવન ઘોડા સતત દોડ્યા કરે,

દીવાલ ચરણો લંગવી શકતાં નથી.

કોના સહારે છોડવાનાં એમને,

ક્ષણભર વળીને દ્વાર જોવાતાં નથી.

અવસાદને ભૂલી જઈશું એક દિન,

પણ આપના શબ્દોને ભૂલાતા નથી.

એ રાહના અંધારમાં ચાલ્યા જશું,

વન વન પડ્યા અંગારને ગણતા નથી.

૨૫. તેજ સામે

તેજ સામે તાકવાનું ક્યાં સુધી ?

ચૂપ થૈને જાગવાનું ક્યાં સુધી ?

મૌન અડવાણા પગે રઝળ્યે જવું,

સીમ-શેઢા વાત ફરવું ક્યાં સુધી ?

દ્વારથી આઘી નહીં નજરો ઢળે,

ભીતરે બસ ઝૂરવાનું ક્યાં સુધી ?

અંતની કેડી સતત લંબાય છે,

ધૈર્યને આખર ચલાવું ક્યાં સુધી ?

કષ્ટ કાળાગૃહનું વિકસ્યા કરે,

નષ્ટ શ્રદ્ધા ‘યક્ષ’ રાખું ક્યાં સુધી ?

૨૬. દોસ્તો બધાયે

દોસ્તો બધાયે મોતના કારણ બની બેઠા,

મારા જ પડછાયા બધા દુશ્મન બની બેઠા.

પથ્થર હતા એ ઠોકરે ઠેસે ચડ્યા દરદર,

સ્થાપન કરી પૂજ્યા અમે ઈશ્વર બની બેઠા.

સોંપી ગયેલા એમને થાપણ બધી મિલકત,

પાછા ફરી જોયું અસલ માલિક બની બેઠા.

કૈં કેટલાં અરમાનથી માંડી હતી દુનિયા,

બસ એક તોફાને અમે બેઘર બની બેઠા.

૨૭. ભીતરે

ભીતરે સંઘર્ષ ઊઠ્યા વ્યર્થના,

ટેળવે અંકુર ઊગ્યા સ્પર્શના.

શબ્દ શોધ્યા જડતા નથી ને,

કોમળ પર્ણ ફૂટ્યાં સ્પર્શનાં.

વગડે વક્ષો મહોર્યાં લીંબુડાં,

પંખી ચહકી રહ્યાં સ્પર્શનાં.

સંબંધ પળ બોલી ઊઠ્યા એ,

સંદેશ થઈ પ્રગટ્યા સ્પર્શના.

૨૮. દ્વારને

દ્વારને ખખડાવવાથી શો ફરક,

મૌનને પડકારવાથી શો ફરક.

ભીતરેથી લાખ વાટો નીકળે,

બંધ દરવાજા કટેથી શો ફરક.

ચીસને દાબી શકાતી જો નથી,

હોઠને તો ભીડવાથી શો ફરક.

ભીંસને ભેદી શકત કોઈ નહીં,

ભીડને ભૂલી જવાથી શો ફરક.

૨૯. અમારું ગગન

અમારું ગગન તો સહુથી ઉપર છે,

હવા છે, ધરા છે, પહાડો, સડક છે.

હવાના દડામાં અમારું સદન છે,

ધરા ઓગળે છે તળિયે અગન છે.

સૂતેલી સડક પર પહાડો ફરે છે,

સરકતી પ્રવાહી સડકને હૃદય છે.

અમારા નગરમાં બરફનાં છે ઈગ્લૂ,

બરફની ભીંતો પર અમારું ગગન છે.

૩૦. ઉદરમાં ઈંડું

ઉદરમાં ઈંડું ખખડે, ખળભળે ભીતર ફૂટે નયન,

ક્ષણોના ગર્ભમાં વિકસી રહ્યું મૂંગું બની મરણ.

હવાના પડોમાં શૂન્ય સરકે છે પાપા પગલી,

સમયના કાનમાં તો ચીસની કોઈ નથી અસર.

અગન પીને સમંદર ટીપે ટીપે અટકે ટપકે,

કટકો સૂરજ ખટકે નયને કિરણ ભટક્યા કરે સતત.

રગોમાં રક્ત ન મળે, અશ્વ હણહણે ગતિ ટળવળે,

નહીં સળવળે શ્વાસ શમે મૌન થઈ શબદ.

૩૧. મુસીબતના સમયમાં

મુસીબતના સમયમાં તો ઘણા દોસ્ત મળ્યા,

છતાં દોસ્ત સમા એ ક્યાં હતા સમસ્ત મળ્યા.

સદાયે સાથ આપ્યો તે વહી આગળ ગયા,

અમે સંગાથ માગ્યો તો હતા પ્રવચન મળ્યાં.

બતાવી રાહ સૌ લોકો ગયા પાછા વળી,

નહીં મંઝિલ મળી એ રાહ સૌ બંજર મળ્યા.

સૂરજની વાટ જોવામાં ગયાં વર્ષો વીતી,

તિમિરને ભેદવા જેવાં નહીં લોચન મળ્યાં.

૩૨. હજુ ઢળતી

હજુ ઢળતી કળીના શ્વામાં જીવન સુવાસ છે,

ભલે સૂરજની આંખમાં અંતિમ ઉજાસ છે.

વ્યથાઓ વિરાટ કેવો હિસાબ છે,

જોયો સહુ પ્રયાસમાં મૃત્યુનો ભાસ છે.

તારી કૂખે કણકણ વિષે છો રણ અફાટ છે,

થૈ પુષ્પ તારે પારણે ઝૂલવાની આશ છે.

હજુ ભરતી પછીની ઓટમાં જીવનની આશ છે,

ભલે તરતી ક્ષણોની પાંખમાં અંતિમ પ્રાસ છે.

૩૩. અવિશ્વાસથી

અવિશ્વાસથી ખરડેલ બેઉ હાથ છે,

તુજ પાલવે બાંધ્યા કૂણેરા શ્વાસ છે.

હૈયે મનોરથ થૈ ગયા કુંઠિત જો,

મૂંગું થઈ આકાશ આ અટવાય છે.

તારી હથેળીએ રચેલી ભાતમાં,

અણસાર શું લીંપેલ ઝાંખું નામ છે.

સંભાળ સગપણ શબ્દ ફક્ત ક્યાં હતો,

તુજ પાલવે બાંધ્યા કૂણેરા શ્વાસ છે.

૩૪. એકધારું મૌન

એકધારું મૌન આખર ક્યાં સુધી ચાલ્યા કરે

આભ સામે એકધારું તાકવાથી શું વળે

સ્વપ્ન આંજી આંખ પાંખે ઓરતા ફરક્યા કરે,

પાસપાસે ઝંખનાઓ જીવતો જુદા ફરે.

જિંદગી બેચાર દિનની જાતરા ને મરણ તક,

એક સરખી યાતનાઓ દૂર લંબાયા કરે.

પથ્થર, દરિયા, દિશાઓ, ડુંગરો પાછળ રહ્યા,

વિસ્તર્યા અંધાર પંથે, ડૂબતા દરિયા ભલે.

૩૫. થશે એક

થશે એક સપનાનો ઉદ્‌ભવ થશે,

કે ધારી સફળતાનો પગરવ થશે.

મનગમતી મધુરપ મળે હર બોલમાં,

દૂર સૌ આયખાની અધૂરપ થશે.

એક પગલું પડ્યું ને કુમકુમ ખર્યું,

આજ ઘર આંગણું મુજ લીલુંછમ થશે.

સ્હેજ સામે જોયું પળ ને અશ્રુ સર્યાં,

લાગણીનાં પૂર સર્વ નિર્બંધ થશે.

મનમાં ફૂટ્યાં ઝરણાંઓ ખળખળ વહે,

ધોધ વહેતો રહે દૃશ્ય અનુપમ થશે.

થતો એક વાતે તુજ અનાદર હતો,

એ જ વાતે એક દિન આદર થશે.

‘યક્ષ’ ઉર ટૂટ્યા સમુદ્ર ધસમસ વહે,

સવાલોમાં સ્વપ્નોનાં સર્જન થશે.

૩૬. એક આખી જિંદગી

એક આખી જિંદગી બાકી પડી છે,

ને કહે છે ભીતરે થાકી પડી છે.

જે હતી આગાહીઓ સાચી પડી છે,

માગણીની પેઢી કાચી પડી છે.

રાગની ઇચ્છા હજી ઊંડી પડી છે,

નાગણીઓ મન મહીં કાળી પડી છે.

જીવવા છો ઝંખના ભાંગી પડી છે,

લાગણી રાજી હજી તાજી પડી છે.

આ મહદ ભીની હવા બાઝી પડે છે,

મોસમો યાદો તણી ખાસી પડી છે.

‘યક્ષ’ કોમળ સ્પર્શની કેડી પડી છે,

ચાલ હળવે ડગ સફર કાફી પડી છે.

૩૭. એક લીલું પાંદડું

એક લીલું પાંદડું તમને કહું છું,

વૃક્ષ આખું લીલુડું તમને કહું છું.

જંગલો ને પર્વતો ખૂંદી વળ્યો છું,

પાન નાગરવેલનું તમને કહું છું.

સ્ફુરણાએ શબ્દમાં મળતો રહું છું,

સાવ સાચેસાચનું તમને કહું છું.

વેલ પર બુટ્ટા ફૂલોના મ્હેકતા હું

ફૂલ કોમળ મ્હેકતું તમને કહું છું.

‘યક્ષ’ની સળગી ગઈ આખી કહાની,

એક બાકી પાન હું તમને કહું છું.

૩૮. આંખમાં તારી

આંખમાં તારી ગગન સાત છે -

ને સ્વપ્ન મારાં પંખીની જાત છે.

તિમિરને તું વીંધવાને સમર્થ,

નૈન તારાં તીર-કમાન છે.

તું ફરી આ જન્મમાં આવી મળી,

પૂર્વજન્મોની કથાનું પાત્ર છે.

છેક ઉવેખેલ માસુમ લાગણી,

એ તો તારી મનસુફીની વાત છે.

ધૂંધળા બનતા જશે આ શબ્દ પણ,

બોલ તારા ગુંજવાના ખાસ છે.

૩૯. છોડ કેડી

છોડ કેડી, છોડ મારગ ચાલને આગળ હવે,

છોડ સરનામાં લખેલા, ફાડને કાગળ હવે.

છે તરસથી ત્રસ્ત આ આખી હયાતી ઝૂરતી,

વ્હેંત છેટે રેતકણમાં ઘૂઘવે સાગર હવે.

છેક સામે પારથી સંદેશ આવ્યા છે સરસ,

લે પલળ, વરસાદ લીલો ભીંજવે વાછટ હવે.

પૂર્ણ આખા રંગને પડદામાં રાખી ચાલજે,

એકધારા કાપવા અંધારને આગળ હવે.

થાકથી ઘેરાયેલી આંખો ડગર સામે ટકી,

‘યક્ષ’ને વધવું લઈને થાકનાં ભારણ હવે.

૪૦. અલિપ્ત

અલિપ્ત રહી શકાય નહીં,

કશુંય કહી શકાય નહીં.

છુપાવી એષણાઓ ને,

અલિખિત લખી શકાય નહીં.

અલાયદુ રહ્યા જીવનભર,

વ્યથા સમજી શકાય નહીં.

મિલન ખાતર સદા ઉત્સુક,

ક્ષણેક મળી શકાય નહીં.

કહ્યા મુજબ રહી હરપળ,

સતત ચાલી શકાય નહીં.

બધાં સ્વપ્નો મૂક્યાં પાછળ,

નગર છોડી શકાય નહીં.

ઊભા આતુર પથે બેશક,

હવે થોભી શકાય નહીં.