મહાન દાદાજી Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાન દાદાજી

મહાન દાદાજી

પ્રશાંત સેતા

શ્રુતિ અગ્રવાલ અને શમિના બેગ ક્યારેય અલગ ન પાડી શકાય એવી બહેનપણીઓ હતી. નાનપણથી બન્ને સાથે હતી, ચોક્કસપણે પહેલા ધોરણથી! શ્રુતિ જ્યારે દસ વર્ષની થઇ ત્યારે તેના માતા-પિતાને એક જીવલેણ અકસ્માતે મોતને ઘાટ ઊતારી દિધા હતા. તેનાં માતા-પિતાની ગેરહાજરીમાં તેનાં દાદાજી નારાયણ અગ્રવાલે એકલા હાથે શ્રુતિને ઊછેરી હતી. નારાયણ અગ્રવાલ પરિવાર અત્યંત પૈસાદાર, વગવાળો અને સમાજમાં ઉચ્ચ માન અને હોદ્દો ધરાવતો. નારાયણ અગ્રવાલનો જયપુર શહેરની વચ્ચો-વચ્ચ મોટો બંગલો હતો કે જેમાં શ્રુતિ રાજકુમારીની જેમ ઊછરી હતી. બાળપણથી જ શ્રુતિને બધી સગવળતાઓ મળતી હતી.

બીજી બાજુ શમિના બે બહેનો અને એક ભાઇ સાથે ગરીબ મુસ્લિમ પરિવારમાં ઊછરી કે જે જયપુરનાં એક મુસ્લિમ વિસ્તારમાં હાઉસીંગ બોર્ડનાં ઘરમાં રહેતા હોય. તેનાં માતા-પિતા રોજેરોજનું કરીને ખાવાવાળા હતા, પિતા ફેક્ટરીમાં સામાન્ય કામદાર હતા અને માં શાક વહેંચતી. એ લોકો ગરીબ હતા પરંતુ શખત પરિશ્રમ કરી પોતાનું પેટ પાળવાવાળા અને બહુ પ્રામાણિક હતા. બસ, પોતાનાં બાળકો માટે આંખોમા મોટા સપનાઓ હતા. શમિના પ્રાથમિક સ્કુલથી જ બહુ હોશિયાર હતી અને પુરા અભ્યાસ દરમિયાન પ્રથમ જ આવતી.

શમિના ક્યારેક શ્રુતિનાં ઘરે ભણવા જતી અને શ્રુતિ શમિનાનાં ઘરે રોજ તેની સ્કુટી પર શમિનાને સ્કુલ જતી વખતે લઇ જતી. એ પરંપરા કોલેજ સમયે પણ ચાલી, ફર્ક માત્ર એટલો હતો સ્કુટીની જગ્યાએ કાર આવી ગઇ હતી.

નારાયણ અગ્રવાલે તેની જિંદગીમાં ઘણા ચડ – ઉતાર જોયા હતા, તો સ્વાભાવિક રીતે હિન્દુ – મુસ્લિમનાં ઘણા હુલ્લડો પણ જોયા હોય. શ્રુતિનાં શમિનાનાં ઘરે જવાનાં નિત્યક્રમને લીધે બહુ ચિંતિત રહેતા. ‘શ્રુતિ શમિનાનાં ઘરે હોય અને અચાનક હિન્દુ-મુસ્લિમનું હુલ્લડ ફાટી નીકળે તો?’ આ સવાલ નારાયણ અગ્રવાલને ને ધ્રુજાવી મુકતો.

ઘણી વખત તો તેની ચિંતા વિશે શ્રુતિ સાથે પણ ચર્ચા કરી હતી

‘શ્રુતિ બેટા, શમિના સાથેની તારી મિત્રતાથી મને કોઇ આપત્તી નથી. મને આપત્તી છે તેનાં ઘરે જવાથી, કહું તો એ વિસ્તારમાં જવાથી..’

શ્રુતિ તેનાં દાદાજીનાં કરચલીવાળા હાથોને તેનાં હાથમાં લેતી, તેને દબાવતા કહેતી ‘દાદાજી, તમે ચિંતા ન કરો. હું મારૂ ધ્યાન રાખીશ. અને એ લોકો બહુ સારા માણસો છે...’

‘મને ખબર છે, બેટા, એ લોકો બહુ સારા માણસો છે. પણ, શમિનાનાં એક કાકા થોડા દુષ્ટ છે’, નારાયણ અગ્રવાલ કહેતા અને ચુપ થઇ જતા

‘દાદાજી, શમિનાનાં માતા – પિતા મને તેમની દિકરીની જેમ જ રાખે છે’, શ્રુતિ કહેતી

નારાયણ અગ્રવાલે એવા ઘણા કિસ્સાઓ જોયેલા હતા કે જેમાં ખાસ હિન્દુ – મુસ્લિમ મિત્રો હુલ્લડ વખતે મિત્રોમાંથી દુશ્મનો બની જતા. પણ એ વાત શ્રુતિને સમજાવવામાં નિષ્ફળ જતા.

‘શ્રુતિ બેટા, મારા જીવવાનો ઉદ્દેશ માત્ર તું જ છે’, નારાયણ અગ્રવાલ કહેતા અને તેની આંખોમાં આંસુ આવી જતા ‘જો તને કાંઇ થઇ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહી કરી શકું’

શ્રુતિ માટે નારાયણ અગ્રવાલ બહુ રક્ષણાત્મક હતા. નારાયણ અગ્રવાલ પરિવારનું એક માત્ર બાળક એટલે શ્રુતિ હતી.

‘ચિતા ન કરો, દાદાજી’, શ્રુતિ દાદાજીને ભેટીને કહેતી. શ્રુતિ જાણતી હતી કે દાદાજીની ઊંમર થઇ રહી હતી, એટલે સ્વભાવ થોડો વધારે ચિંતાતુર થઇ જવો સ્વાભાવિક હતો.

નારાયણ અગ્રવાલ શમિનાને તો બાળપણથી જ ઓળખતા હતા, પણ શમિનાનાં આખા પરિવારને નજીકથી જાણતા હતા. શમિનાનાં પિતાએ બે વર્ષ નારાયણ અગ્રવાલની ફેક્ટરીમાં કામ કર્યું હતું. બહુ પ્રમાણિક માણસ હતો, પરંતુ તેનો નાનો ભાઇ થોડો અવળચંડો હતો. ઘણા હુલ્લડો થયા હતા, શમિનાનાં પિતાએ ક્યારેય હુલ્લડોમાં ભાગ લીધો ન હતો, પરંતુ શમિનાનાં કાકાનું નામ મોખરે રહેતું. શ્રુતિ – શમિનાની મિત્રતા તો છતાંય સારી જ રહી હતી, આ જન્મમાં તો તોડવી મુશ્કેલ જ હતી.

રાબેતા મુજબ કોલેજનાં અંતિમ વર્ષમાં પણ શમિના એ ટોપ કર્યું અને જોગાનુંજોગ એ દિવસે શમિનાનો જ્ન્મદિવસ પણ હતો. શમિનાની સફળતાથી નારાયણ અગ્રવાલ ખુબ જ ખુશ હતા. તેણે શમિનાને નવો નકોર મોબાઇલ ફોન જન્મદિવસની ભેટ તરીકે આપ્યો. જન્મદિવસ નિમિત્તે નારાયણ અગ્રવાલે શ્રુતિ – શમિનાનાંની મિત્રતાથી પ્રભાવિત થઇને એક મોટી ફોટો ફ્રેમ પણ શમિનાને ભેટમાં આપી. નારાયણ અગ્રવાલે તેનાં એક વફાદાર માણસને ખુદ શમિનાનાં ઘરે જઇ ફોટો ફ્રેમ ફિટ કરવા કહ્યું હતું. ફોટો ફ્રેમનાં ચારેય ખુણે શ્રુતિ શમિનાનાં હાથથી દોરેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ હતા. નારાયણ અગ્રવાલનાં આદેશ મુજબ એ માણસ પોતે શમિનાનાં ઘરનાં ડ્રોઇગ રૂમમાં ફ્રેમ ફિટ કરી આવ્યો હતો.

એ દિવસે સાંજે શ્રુતિ ઘરે આવી ત્યારે નારાયણ અગ્રવાલ તેની રાહ જોઇ રહ્યા હતા. એ શ્રુતિને એક ચિઠ્ઠી આપવા માંગતા હતા.

‘શ્રુતિ બેટા, તને અને શમિનાને મારી ફોટો ફ્રેમ ગમી?’, નારાયણ અગ્રવાલે પુછ્યું. શ્રુતિ નારાયણ અગ્રવાલની બાજુંમાં તેનું બાવડું પકડીને બેસી ગઇ

‘હાં દાદાજી. બહુ સરસ હતી’, શ્રુતિએ ઉત્સાહથી જવાબ આપ્યો

‘બેટા, મારે તને કાંઇક આપવું છે’, નારાય્ણ અગ્રવાલે કહ્યું અને તેની ડાયરીમાંથી એક કાગળ કાઢ્યો અને શ્રુતિને આપ્યો. પછી ઊભા થઇને સુવા માટે જતા રહ્યા

કાગળમાં એક વાક્યમાં કાંઇક લખેલું હતું જે શ્રુતિ થોડી જ ક્ષણોમાં વાંચી ગઇ. પછી, એ કાગળને વાળીને તેનાં મોબાઇનાં કવરમાં મુકી દિધો. દાદાજીને સ્માઇલ આપી કે જે ધીરે-ધીરે પોતાનાં બેડરૂમ તરફ જઇ રહ્યા હતા.

દિવસો પસાર થવા લાગ્યા. શ્રુતિ અને શમિનાએ સાથે એમબીએ પણ પાસ કર્યુ. આ બાજુ, શ્રુતિનાં દાદાજીએ શ્રુતિને યોગ્ય છોકરો શોધવાની શરૂઆત કરી દિધી. દાદાજીની તબિયર ખરાબ રહેતી હતી, તો એની ઇચ્છા હતી કે તેને કાંઇ જાય એ પહેલા શ્રુતિને સારા ઘરે વિદાય આપી દે.

આખરે ૨૪ વર્ષની ઉમરે શ્રુતિની સગાઇ રાજીવ મુનોત સાથે થઇ, એક એનઆરઆઇ બિઝનેસમેન દિનેશ મુનોતનો છોકરો. દિનેશ મુનોત શ્રુતિનાં પપ્પાનાં મિત્ર હતા કે જેમને એક સમયે નારાયણ અગ્રવાલે અમેરીકા જવા તેમજ સેટલ થવા આર્થિક રીતે મદદ કરી હતી. ત્યારથી એ નારાયણ અગ્રવાલને ખરા દિલથી માન આપતા. એ માનતા કે એ જે કાંઇ પણ હતા તે નારાયણ અગ્રવાલને લીધે જ હતા. અમેરિકામાં ઘણી બધી રેસ્ટોરન્ટોનો માલિક દિનેશ મુનોત તેની સફળતાનો પુરેપુરો શ્રેય નારાયણ અગ્રવાલને જ આપતા.

એક દિવસ દિનેશ મુનોતે નારાયન અગ્રવાલને એ કહેવા માટે ફોન કર્યો હતો કે તે ઇન્ડીયા આવવાનો હતો એટલે હંમેશ મુજબ નારાયણ અગ્રવાલને મળવા આવશે. વાતવાતમાં તેને ખબર પડી હતી કે નારાયન અગ્રવાલ તેની પૌત્રી માટે છોકરો શોધતા હતા. બીજો કાંઇ પણ વિચાર કર્યા વગર દિનેશ મુનોતે શ્રુતિનો હાથ તેના છોકરા રાજીવ માટે માંગી લીધો હતો. નારાયણ અગ્રવાલે શ્રુતિ – રાજીવની મિટીંગ કરાવવાનો પ્રસ્તાવ મુક્યો અને જો એ બન્ને એકબીજાને પસંદ કરે તો તેને કોઇ આપત્તિ ન હતી. પછી તો ઘટનાઓ ઘટાવાની શરૂઆત થઇ. શ્રુતિ રાજીવની સગાઇ થઇ ગઇ અને તાબડતોડ લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી અને તૈયારીઓ પણ ચાલુ થઇ ગઇ હતી.

એ બધામાં શ્રુતિ શમિનાને કેવી રીતે ભૂલી શકે? એક દિવસ શ્રુતિએ શમિનાનાં ઘરે જઇને બધાને વ્યક્તિગત રીતે લગ્નમાં આવવાનો આગ્રહ કરવા જવનો પ્લાન કર્યો. લગ્ન પછી શ્રુતિ અમેરીકા જતી રહેવાની હતી એટલા માટે શમિનાએ શ્રુતિને ઘરે જમાડવાનો પ્લાન કર્યો કે જે શ્રુતિ ના ન પાડી શકી.

શમિનાનાં ઘરની એ મુલાકાત શ્રુતિ માટે ભયંકર શાબિત થઇ હતી. ખરેખર તો શ્રુતિની એ છેલ્લી મુલાકાત બની રહી હતી. સાંજે આંઠ વાગ્યા આસપાસ શમિનાનાં પપ્પા, તેની બે બેહેનો, શમિના અને શ્રુતિ ડ્રોઇગ રૂમમાં બેઠા હતા, વાતો કરતા હતા અને હસતાં હતા. શમિનાનાં મમ્મી રસોડામાં રસોઇ બનાવતા હતા સાથે-સાથે વારંવાર ડ્રોઇગ રૂમમાં બધા સાથે વાતો કરવા આવ-જાવ કરતા હતા. અને અચાનક કાંઇક એવું થયુ કે જેણે બધાની આંખનાં ડોળા બહાર અને મોઢા ખુલ્લા કરી દિધા હતા. ધડામકરતો ઘરનો દરવાજો ખુલ્યો અને શમિનાનો ભાઇ ઘરની લાદી પર પડ્યો. તેનું આખું શરીર લોહીલોહાણ હતું. તેને કોઇએ ધારદાર હથિયારોથી ઘાયલ કર્યો હતો, પરંતુ હજી જીવતો હતો. ત્યાં હાજર કોઇ સમજી જ ન શક્યું એ શું થયું હતું? શમિનાનો એક નો એક ભાઇ અસ્લમ ડ્રોઇગ રૂમની લાદી પર લોહીનાં ખાબોચિયામાં પડ્યો હતો શમિનાનાં મમ્મીએ અસ્લમનું માથું એના ખોળામાં લઇ લીધું. શમિનાનાં પિતા અસ્લમ પાસે દોડીને આવી પહોંચ્યા

‘અસ્લમ, આ શું થયું? તારી આવી હાલત કોણે કરી?’, શમિનાનાં પિતા ચિલ્લાઇ ઊઠ્યા

‘અબ્બુ – અમ્મી, બહાર હિન્દુ – મુસ્લિમનું હુલ્લડ ફાટી નિકળું છે’, અસ્લમ છેલ્લા શબ્દો બોલ્યો અને તેનાં શ્વાસ ત્યાંજ અટકી પડ્યા. અસ્લમે દુનિયા છોડી દિધી.

શ્રુતિ તો જગ્યા પર જ ખોડાઇ ગઇ, અને શમિના પણ! શમિનાની માં પોક મુકી રડી પડી. શમિનાની બે બહેનો પણ તેનાં ભાઇની બોડી પાસે જઇને વળગી પડી

ધ્રુજતા હાથે શમિનાનાં પિતાએ તેનાં નાના ભાઇને હકીકત જાણવા માટે ફોન કર્યો. તેને માહિતી મળી કે અચાનક હુલ્લડ ફાટી નીકળ્યું હતુ. એ દિવસે સાંજે મુસ્લિમ છોકરાનાં એક ગ્રુપે એક હિંદુ છોકરીની છેડતી કરી હતી. ગુસ્સે ભરાયેલા હિંદુ છોકરાઓએ પોતાનો ગુસ્સો ઠાલવતા એ મુસ્લિમ ગ્રુપનાં એક છોકરાને પતાવી દિધો હતો, અને તોફાન શરૂ થયુ હતું. હિન્દુઓ – મુસ્લિમો હાથમાં તલવાર, ધારીયા, હોકી જે આવે તે લઇને રોડ પર ઊતરી ગયા હતા. પોલીસ પણ ટોળાઓને કન્ટ્રોલમાં કરવામાં નિષ્ફળ નિવળી હતી. જયપુરનાં ઘણા વિસ્તારોમાં વાતાવરણ એકદમ સંવેદનશીલ હતું અને ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો.

‘પણ, મારા છોકરાને કેમ મારી નાખ્યો?’, શમિનાનાં પિતાએ પુછ્યુ

‘શું? અસ્લમ?’, સામે છેડેથી કહ્યુ

‘હા. એ બધામાં મારા છોકરાને શું લેવા દેવા હતા? મારા છોકરાને કેમ મારી નાખ્યો?’, શમિનાનાં પિતાનાં અવાજમાં એક દર્દ અને ગુસ્સો બન્ને હતા. એક નો એક છોકરો ગુમાવ્યો હતો કે જે શમિના જેટલો જ હોશિયાર હતો અને એન્જીનિયરિગનાં અંતિમ વર્ષમાં ભણતો હતો

‘ભાઇ, હુલ્લડ ફાટી નીકળે ત્યારે ઘણા નિર્દોષ લોકો મરાઇ જતા હોય છે; અસ્લમ પણ એમાનો એક હશે. ટોળાઓ જોતા નથી કોણ ગુન્હેગાર છે અને કોણ નહી. એ લોકો મારી જ નાખે છે. આ બધો ઉપદ્રવ હરામી રાજકારણીઓ જ કરાવતા હોય છે’ સામે છેડેથી કહ્યુ અને ફોન મુકાયો આટલું કહ્યા પછી ‘હું તમારે ત્યાં આવુ છુ’

શમિનાનાં કાકા થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયા, એક જ કોલોનીમાં રહેતા હતા. અસ્લમની ડેડ બોડી જોઇને તેની આંખમાં લોહી ભરાઇ આવ્યું

‘મારા છોકરાને કોણે માર્યો’, શમિનાનાં પિતાએ પુછ્યુ

‘ભાઇ, ટોળાને ચહેરો નથી હોતો’, શમિનાનાં કાકાએ જવાબ આપ્યો. તેણે શ્રુતિ સામે જોયું, ઘરમાં એક હિન્દુ છોકરી હતી.

‘આપણે અસ્લમનો બદલો લેશુ, તમારા ઘરમાં હાજર હિન્દુ છોકરી અસ્લમની કિંમત ચુકવશે. લોહીની સામે લોહી, ભાઇ’, શમિનાનાં કાકાએ કહ્યું અને ઘરનો દરવાજો ફટાકથી બંધ કરી દિધો.

શમિનાનાં પિતાએ તેની સામે જોયું અને પછી શ્રુતિ સામે

શ્રુતિનાં રૂવાડાં ઊભા થઇ ગયા અને ત્યાંજ ખોડાઇ ગઇ, શ્રુતિએ અનુભવ્યુ કે તે ફસાઇ ગઇ હતી. શમિનાનાં કાકાએ કહેલા શબ્દો શાંભળી શ્રુતિનાં તો મોતિયા જ મરી ગયા હતા. તેનાં દાદાજી હમેંશા કહેતા કે શમિનાનાં કાકા દુષ્ટ હતા.

શમિનાં અચાનક કુદી પડી, ‘ચાચા, આ તમે શું બોલી રહ્યા છો? આ બધામાં શ્રુતિનો શું વાંક?’ તેણે શ્રુતિને કવર કરતા કહ્યું ‘શ્રુતિને ટચ કરવાની પણ કોઇ હિમ્મત નહી કરતા’

‘અસ્લમનો પણ શું વાંક હતો’, શમિનાનાં કાકાએ સામો સવાલ કર્યો

‘ચાચા, આ વાત વ્યાજબી નથી. અબ્બુ, તમે કાંઇ બોલતા કેમ નથી?’, શમિનાએ કહ્યું પણ તેના શબ્દોનો કાંઇ ખાસ વજન પડ્યો નહી.

‘ચાચાની વાત સાચી છે. જેમ અસ્લમે મુસ્લિમ હોવાની કિંમત ચુકવી તેમ શ્રુતિએ હિન્દુ હોવાની કિંમત ચુકવવી પડશે’, શમિનાનાં પિતાએ ગુસ્સાથી કહ્યુ

‘અબ્બુ…’ શમિના બોલવા જતી હતી પણ તેની વાત કાપી નાખી

‘તું વચ્ચે નહી પડીશ’, શમિનાનાં પિતાએ કહ્યું અને તેને કાંડેથી ખેંચી એક રૂમમાં પુરી દિધી. શમિનાનાં કાકા શ્રુતિની સામે ખોડાઇ ગયા. શમિનાની બહેનોને પણ રૂમમાં જતા રહેવા કહ્યુ. શમિનાનાં પિતા ડ્રોઇગ રૂમમાં આવ્યા કે જ્યાં શમિનાનાં કાકા શ્રુતિતે ધ્રુજાવતા હતા. શ્રુતિ સાચી મુશિબતમાં હતી. શમિનાની માં હજી શાંત જ હતી, તેના ખોળામાં હજી અસ્લમનું માથું હતુ અને પોક મુકીને રડી રહી હતી. તેની પાસે બોલવા માટે કોઇ શબ્દો કે આપવા માટે કોઇ અભિપ્રાયો ન હતા.

અચાનક શમિનાનાં જન્મદિવસે શ્રુતિનાં દાદાજીએ આપેલી ચિઠ્ઠીમાં લખેલા શબ્દો યાદ આવ્યા. એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે “જ્યારે પણ તું શમિનાનાં ઘરે હોય અને કોઇ મુશિબતમાં ફસાઇ જાય તો શમિનાનાં જન્મદિવસે મેં આપેલી ફોટો ફ્રેમને ઊલટી કરવી”

દાનવ સમાન શમિનાનાં પિતા અને કાકા શ્રુતિ સાથે કેવી રીતે બદલો લેવો તેની ચર્ચા કરતા હતા. સદનસિબે એ દિવસે શ્રુતિ ફોટો ફ્રેમ નીચે જ હતી. તેણે ફોટો ફ્રેમ સુધી હાથ લંબાવ્યો અને ફોટો ફ્રેમ ઊલટી કરી, ફોટો ફ્રેમની પાછળનો ભાગ જોઇને શ્રુતિ ચોંકી ગઇ. ફોટો ફ્રેમની પાછળ બે પિસ્તોલ ફિટ કરેલી હતી. તેનાં દાદાજીએ તેનાં એક વફાદાર માણસને ફ્રેમ ફિટ કરવા મોકલયો હતો. ફેમની પાછળનું લાકડું પિસ્તોલનાં આકારનું કોતરાવી તેમાં બે પિસ્તોલ સમાવી દિધી હતી. તરત જ શ્રુતિને સમજાઇ ગયું કે તેનાં દાદાજીએ તેનાં આત્મરક્ષણ માટે વ્યવસ્થા કરી રાખી હતી. સમય વેડફ્યા વગર શ્રુતિએ બન્ને પિસ્તોલ કાઢી અને બન્ને ભક્ષકો સામે તાકી દિધી. શ્રુતિનાં હાથમાં પિસ્તોલ જોઇને એ બન્ને પાછળ ખસી ગયા. ફોટો ફ્રેમ પાછળનું રહસ્ય જાણી એ લોકો પણ દંગ રહી ગયા. ત્રણ વર્ષથી એ ફોટો ફ્રેમ એ જ દિવાલ પર ટંગાયેલી હતી, કોઇને અંદાજો પણ ન હતો કે તેમાં બે પિસ્તોલ હતી. શ્રુતિએ એ બન્નેને ગોઠણભેર બેસાડી દિધા અને હાથ માથા પાછળ રાખવા કહ્યું. શ્રુતિ જેમ તેમ કરી દરવાજા સુધી પહોંચી અને દરવાજો બહારથી બંધ કરી ભાગી ગઇ. કોઇ કાંઇ ચાલાકી કરે એ પહેલા શ્રુતિ નાસી ગઇ. પિસ્તોલ પોતાની બેગમાં મુકી છુપાઇ છુપાઇને તેની કાર પાર્ક કરી હતી ત્યાં પહોચી ગઇ. ક્યાંય પણ બ્રેક માર્યા વગર સિધી ઘરે પહોંચી

ઘરમાં દાખલ થતાંવેંત જ તેનાં દાદાજીને ભેટી પડી અને ખુબ રડી. શ્રુતિનાં દાદાજી પણ બહુ ચિંતિત હતા કારણ કે શ્રુતિનો ફોન ઊપડતો જ ન હતો. આખરે, શ્રુતિને ભેટેલી જોઇને નિરાંતનો શ્વાસ લીધો.

બે અઠવાડિયા પછી:

શ્રુતિ રાજીવ સાથે લગ્ન કરીને અમેરીકા જતી રહી. શ્રુતિનાં દાદાજીએ પણ તેનાં બધા બિઝનેસ બંધ કરીને બાકીની જિંદગી ગાળવા અમેરીકા જતા રહ્યા. હજી પણ કોઇને કોઇ રીતે શ્રુતિનાં આત્મરક્ષણનું ધ્યાન રાખતા રહેતા. આટલું બધું થઇ ગયું હોવા છતાંય શ્રુતિ શમિનાની મિત્ર બની રહી. તેનાં લગ્નમાં આવવા ફોન પણ કર્યો હતો. પરંતુ, શમિનામાં શ્રુતિ કે તેના દાદાજી સાથે આંખો મેળવવાની હિમ્મત ન હતી. તેનાં પિતા અને કાકાની હરકતથી શમિના બહુ શરમ અનુભવતી હતી એટલે લગ્નમાં પણ ન ગઇ કે પછી શ્રુતિને છેલ્લી વખત ‘બાય’ કહેવા માટે પણ ગઇ નહી. શમિનાનાં પિતા પણ પોતે કરેલી ન ભુલી શકાય એવી હરકત માટે અફસોસ કરતા રહ્યા. શ્રુતિનાં દાદાજીએ શમિનાનાં પિતા કે કાકાને પાઠ ભણાવવા માટે કોઇ પગલાઓ ન લીધા, એ બહુ સારી રીતે સમજતા હતા કે એક ના એક દિકરાને ગુમાવવાનું દુ;ખ કેવું હોય શકે...!!

સમાપ્ત

વાંચવા બદલ ધન્યવાદ… જય હિન્દ