સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 10 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૪

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦ : બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા

‘Some force whole regions, in despit,

Of geography, to change their site;

Make former times shake hands with latter,

And that which was before, come after.’

- Butler’s Hudibras

ચાર તંબુઓમાંથી એક સ્ત્રીવર્ગને માટે હતો, બીજો માનચતુરને માટે હતો; ત્રીજામાં સાધુ આદિના સત્કારને માટે યોજના હતી; અને ચોથો રાજ્યનાં માણસો અથવા પુરુષવર્ગના અતિથિઓને માટે હતો અને એમાં ચંદ્રકાંતને રાખવા કલ્પના હતી. મોહની ગઈ તેની સાથે સુંદર અને કુસુમને સાથે લઈ ગુણસુંદરી પોતાના તંબુમાં ધીમે પગલે ગઈ અને એને પગલે વૃદ્ધ માનચતુર આવ્યો ને પૂછવા લાગ્યો :

‘ગુણસુંદરી ! મોહની પાસેથી કાંઈ નવીન જણાયું ?’

ગુણસુંદરી : ‘ચંદ્રાવલી એને લઈ થોડી વારમાં આવશે અને આપણાં નાક રહેવાનાં છે કે કપાવાનાં તે કહેશે.’

માનચતુર : ‘તમે અમસ્તો શોક કરો છો. સંસારને તો ઝુલાવનાર હોય તો ઝુલાવીએ તેમ ઝુલે એવો છે. આપણાં નાકબાક છે એવાં ને એવાં રહેશે ને દીકરીને નકામાં ડામ દેશો નહીં. બહારવટિયામાંથી બચી ને જળમાંથી જીવી તો સાધુઓમાં સમાશે ને જગતને તે જણાવવાની કાંઈ જરૂર નથી. માટે મૂંઝાશો મા ને હું સૌ સવળું ઉતારીશ.’

ગુણસુંદરી : ‘બહારનાં નાકને આપ રાખશો પણ હૃદયમાં પડ્યો ઘા રુઝાવાના નથી. આપણે જેને અધર્મ ગણીએ છીએ તેને આ સાધુલોક ધર્મ ગણે છે ને કાંઈ કાંઈ ગાંડાં કાઢી બેઠા છે ને હજી ગાંડાં કાઢશે ને તેમને નિવારવાનું કાંઈ સાધન આપણી પાસે નથી. ખરું પૂછો તો કુમુદનું નામ દેવું મને ગમતું નથી, એ આવશે તો જોવી નહીં ગમે, ને બોલશે તો સાંભળવું નહીં ગમે. મારા મનની બીક ખરી છે એવું મારું કાળજું કહે છે. ને મારી કૂખને લજવનારી આ પુત્રી ન પડી પેટ પથરો ને ન ગઈ મરી !’

માનચતુર : ‘તમે ભોળાં છો ને જગતની માયા સમજતાં નથી. એ દીકરીને મોઈ ઇચ્છો છો તે હવે તમ સ્ત્રીજાતને શું કરીએ ? પણ બોલોને, કે એણે તે શો વાંક કર્યો ? એક જણની સાથે એનો જીવ જોડી પછી એના શરીરને બીજે ઠેકાણે આપણે ફેંક્યું, ને ત્યાં આવો કર્મફૂટ્યો માટી મળ્યો. ગુણસુંદરી, કહેવું બધાંને સારું છે પણ કરવું તો મહા કઠણ છે. તે છતાં આ છોકરીએ આટલી ટક્કર ઝીલી પોતાનું ને તમારું પણ સાચવ્યું. હવે જ્યારે ઈશ્વરે જ એને જોઈતો જન્મારો આપ્યો ત્યારે આપણે હજીયે આપણું નાડું પકડી રહીએ તો આપણાં જેવાં મૂર્ખ કોણ ? ક્યાં બહારવટિયા, ક્યાં સુભદ્રા, ક્યાં માતાનો બેટ, ક્યાં સુંદરગિરિ, ક્યાં સરસ્વતીચંદ્ર, ને ક્યાં એ ? જ્યારે ચારે પાસથી આટલાં ચક્ર ગોઠવાઈને મળ્યાં ત્યારે આ ઘડિયાળ ચાલવા માંડ્યું ત્યાં શું તમે જ મા થઈને કમાન તોડી નાખશો ? લોક તો પારકા ઘરમાં હોળી સળગાવે ને ચારે પાસ નાચી નાચી તાળીઓ પાડે, માટે આપણે પણ શું એ ઘર સળગતું જોવું ને લોકમં ભળવું ? માટે ઊઠો, ને આ ઘેલછા મૂકી દો. જુઓ, બળીઝળી મહામહેનતે કંઈ શીતળ થવા આવેલી રાંક દીકરી તમારી પાસે આવે ત્યારે એને પછી બાળવા માંડશો નહીં, એને વઢશો નહીં, એની સાથે અબોલા રાખશો નહીં, મોં ભારેખમ કરશો નહીં, થોડાબોલાં પણ થશો નહીં - એવું એવું કરશો તો એ ચકોર જાત તરત તમારા ગુપ્ત રોષને ચેતી જશે ને પ્રકટવા માંડેલી જ્યોત ચરચર થઈ હોલાવા માંડશે. માટે ડાહ્યાં થઈ એને ખોળામાં બેસાડી દિલાસો આપજો. અને એના સુખનો માર્ગ મા થઈને બતાવજો, ને એનાં આંસુ લોહજો. ગુણસુંદરી ! તમે આમ મારું કહ્યું કરવામાં ચૂકો તો તમને મારા - એટલે ગણતાં હો તો તમારા વડીલના - સોગન છે. હું જાણું છું કે તમને હું બહુ વહાલો છું ને મારા સમ તમે પાળ્યા વિના નહીં રહો. તો તમારે આટલો વિશ્વાસ રાખી હું જાઉં છું ને પરિવ્રાજિકા મઠમાંથી આવવાનો માર્ગ રોકી વચ્ચે બસું છું ને એ આવશે તેની સાથે પાછો આવીશ. તમારી સાથે બધી વાત કરતાં એ શરમાશે, માટે એને ને કુસુમને સાધુજનોને માટેના તંબુમાં જવા દેજો ને બે બહેનો એકબીજાની વાત જાણી લેશે. બેટા કુસુમ ! બહેનની અમૂંઝણ ટાળજે ને પછી ગુણિયલને કહેવું હોય તે એકાંતમાં કહેજે - આપણે સૌ સવળું કરીશું; ને બહેનને કહેજે કે કોઈ એના ભણી નહીં રહે તો દાદાજી તો રહેશે જ ને જેમ બહારવટિયાઓમાંથી તેને ઉગારવા ઘોડે ચડ્યા હતા તેમ હવે સંસારના દુઃખમાંથી તેને ઉગારવા તારા દાદાજી આખા સંસારમાં સામી બાકરી બાંધવાના છે, માટે એને કહેજે કે રજ ચિંતા કરીશ નહીં. ગુણસુંદરી, એ બે બહેનો વાતો કરે એટલી વાર તમે ને સુંદર ચંદ્રાવલીને અહીં બેસાડી એની પાસેથી સૌ વાત જાણી લેજો ને એની સલાહ લેજો. એ પણ બહુ ડાહ્યું ને વહાલવાળું પરગજુ માણસ છે. કુમુદ અહીં આવે એટલી વેળા કોઈ એની પૂછપરછ ન કરે માટે આપણાં માણસોને પણ તંબુઓની પેલી પાસ માંડવાઓમાં રાખ્યાં છે ને તમારા બોલાવ્યા વિના કોઈ આમ ડોકિયું પણ ન કરે એવો હુકમ આપ્યો છે. હું હવે જાઉં છું - તમે જોજો હોં ! મેં કહ્યું છે તેમાં રજ ચૂક ન થાય - મેં મારા સોગન દીધા છે !’

માનચતુર ગયો.

ગુણસુંદરી નિઃશ્વાસ મૂકી બોલી : ‘સુંદરભાભી ! શું થવા બેઠું છે તે સમજાતું નથી. સંસારના સર્વ પ્રવાહથી અવળે માર્ગે આમ ખેંચાઈએ છીએ ને ઘરના વૃદ્ધ અને વિદ્વાન પુરુષો પણ આપણને ખેંચવામાં ભળે છે. તમારા દિયરની ઇચ્છા પ્રમાણે વર્તવામાં પતિવ્રત રહેલું છે ને તેમની ઇચ્છા આપણી વૃત્તિથી છેક અવળી ! તેમને નિવારવાનો અધિકાર વૃદ્ધોને રહ્યો તેમાં મામાજીએ નિવૃત્તિનું મૌન ધાર્યું ને વડીલ તો ચાલતી વહેલમાં બેસી ગયા ! આ કાળે સાસુજી હોત તો આપણી આ અવસ્થા ન થાત !’

સુંદરગૌરી : ‘ભાભીજી, કાંઈક યુગ જ નવો બેસવા માંડે છે. જે આપણે સ્ત્રીઓએ કરાવનું કામ તે પુરુષોએ હાથમાં લેવા માંડ્યું !’

ગુણસુંદરી : ‘અંગ્રેજી વિદ્યા સ્ત્રીઓની સ્વતંત્રતાનું સાધન ગણાય છે. તેણે મારા તમારા અધિકાર જડમૂળથી કાપી નાખવા માંડ્યાં ને હવે તો દીકરીઓ પણ બાપની ઠરી ને આપણી મટી.’

સુંદરગૌરી : ‘અધિકાર ને લક્ષ્મીના તેજમાં સૌ તણાય. મહારાજના પ્રધાને અને કમાતે દીકરે જે કહ્યું તે વડીલ પણ કરે તો દીકરીઓ કરે તેમાં શી નવાઈ ? એ કાલ દીકરીઓને મહેલ ચણાવી આપશે પણ આપણ રંક જાતના હાથમાં શું હોય જે હોય આપણું કહ્યું કરે ? સંસાર સ્વાર્થનો સગો છે ને ભોગની તૃષ્ણામાં જુવાનિયા બધો સ્વાર્થ દેખે છે.’

ગુણસુંદરી : ‘સુંદરભાભી, સ્વામીની નિંદા વિચારમાં પણ થાય તો પતિવ્રત ભંગ છે. માટે આ વાત જવા દો. હવે તો આ કાળજું વલોવાઈ જાય છે ને કંઈક દોહ્યલું થઈ આવે છે તેમાંથી છુટાય તો સારું. સૌભાગ્યદેવી ગયાં ને હું રહી !’

બોલતાં બોલતાં ગુણસુંદરીની આંખોમાં આંસુની ધારાઓ ચાલી રહી.

સુંદરગૌરી : ‘ભાભીજી, તમારે પતિવ્રત છે પણ હું તો કુમુદને સમજાવવાને છૂટી છું. શું એ મારું કહ્યું નહીં માને ?’

ગુણસુંદરી : ‘મોહનીએ કહ્યું તે ન સાંભળ્યું સુંદરભાભી ? જવા દો એ વાત. હવે પ્રાણ ને પ્રતિષ્ઠા સાથે લાગાં જ જશે. બીજો માર્ગ નથી. જાઉં છું, જરીક આ કનાત પાછળ જઈને આવું છું - જઈશ - રોઈશ ! મારી જોડે ન આવશો - મને એકલી પડવા દો.’

ગુણસુંદરી ઊઠી ને એણે જવા માંડ્યું. એ ગઈ - ‘ભલે જરા જઈ આવો, મોકળું મૂકશો ત્યારે કળ વળશે.’ સુંદર બોલી. એક કોચ ઉપર બેસી રહી ને ક્રોધ ભરેલા મુખથી, ઉછાળો મારી, એક ખુરશી ઉપર બેસી રહેલી કુસુમને કહેવા લાગી :

‘તમને જન્મ આપ્યા તે આ માટે ! જા ! વડીલે આજ્ઞા આપી છે તે જોડેના તંબુમાં જઈને તારી બહેનને જે પૂછવું હોય તે પૂછજે ને કાન ફૂંકવા હોય તે ફૂંકજે. હવે તમે બે જણીઓ માની મટી છો ને આપે બે બળદિયા આંક્યા તે મ્હાલાય તેમ મહાલો.’

કુસુમ ધીરે રહી બોલી : ‘કાકી, આકળાં શું કરવા થાઓ છો ? બહારની વાતો સાંભળી બહેનને માથે વગરન્યાયનો આરોપ શું કરવા મૂકો છો ? હજી એના મોંની વાત તો જાણી નથી ને પૂછી પણ નથી.’

સુંદરગૌરી : ‘શું જાણવાનું હતું ? ફલોરા, તું મોહની અને ચંદ્રાવલી મળી જે કહો તે ખરું, અને હું અને તારી મા ખોટાં - ત્યાં સાંભળવાનું યે શું રહ્યું ? એ ને તું ને બધાં શું કહેશો તે ન સમજીએ એવી નાની કીકી હુંયે નથી ને તારી મા પણ નથી ! વટલી જઈને આવી થઈ તે વંઠી જઈને નાતરું કરશે; ને તારે બાવી થઈને મીરાંબાઈ થઈ નાચવું છે ! દીકરો સપૂત ઊઠ્યો તેણે સૌભાગ્યદેવીને સ્મશાન દેખાડ્યું ને દીકરીઓ કુળદીપક નીવડી તે ગુણસુંદરીને સ્મશાન દેખાડશે ! કુમુમ ! અમારા હાથ નીચે પડ્યા ને હવે તો દીકરીઓ કરશે તે માવરો વેઠશે’ માટે તું જા અને જેમ તને સૂઝે તેમ કરજે ને કરાવજે !’

કુસુમ : ‘હા, હું જાઉં છું ! ને કુમુદબહેનને બધાં તરછોડશો ત્યારે હું એની થઈશ. નથી તેને પૂછતાં કે બેટા, શું થયું ? ને નથી તેને કહેતાં કે તું ગભરાઈશ નહીં. મને મારી રજ ચિંતા નથી - આ તંબુની પેલી પાસની ખોમાં કુસુમને ગબડાવી પાડશો તે ખમાશે પણ આટલી આટલી દુઃખની ચેહમાં ગરીબડી કુમુદબહેનને નાખી તેને હવે શાંતિ વાળવાની વાત તો રહી પણ દાઝ્‌યા ઉપર ડામ દો છો ને નથી કોઈ જોતું ન્યાય કે અન્યાય - તે તો કુસુમથી નહીં ખમાય.’

સુંદરગૌરી : ‘જા બાપુ, જા.’

કુસુમ : ‘તે જાઉં છું જ. પણ સરત રાખજો કે ગુણિયલને શાંત કરવાને સાટે નકામાં ઊકળવા દો છો ને મા અને કાકી જ કુમુદબહેનની વાત સરખી સાંભળવાની વાટ જોતાં નથી તે સૌ પસ્તાશો.’

‘કળિયુગનું માહાત્મ્ય પૂર વેગથી બેઠું !’ એવા શબ્દો કાકીના મુખમાંથી પોતાની પૂંઠ પાછળ નીકળતા સાંભળતી સાંભળતી કુમુદ સુંદરને મૂકીને બીજા તંબુમાં જઈ તેની બહાર માર્ગ ઉપર દૃષ્ટિ જાય તેમ ખુરશી માંડી બંઠી. બે પાસ ઝાડોવાળા લાંબા સાંકડા રસ્તાનો વાંક ઘણો ઓછો આછો થઈને છેક આઘેથી દૃષ્ટિની હદ બાંધતો હતો. ઉપર ઝાડોની ઘટા, નીચે લાલ માટી વચ્ચે દબાયેલા પથરા ને પથરાઓની વચ્ચે માટી, આખે રસ્તે ઝાડની શીતળ લાંબી પથરાયેલી છાયામાં વચ્ચે વચ્ચે પાંદડાંઓમાં થઈને આવતા તડકાની - કરોળિયાની હાલતી જાળ જેવી - જાળીઓ અને કંઈ કંઈ ડાળો વચ્ચેના માર્ગમાં થઈને આવતા તડકાના સાપ જેવા લિસોટાઓ : કુસુમની આતુરતાને સ્થાને તૃપ્તિ ભરવા લાગ્યાં. રસ્તાની છેક પેલી પાસ તડકામાં કંઈક છાયાનો આકાર દેખાય કે ત્યાં થઈને કોઈ માણસો આવતાં હશે એવી કલ્પનાથી તે ચમકતી હતી ને ઊભી થઈ થઈને, આંખો ઝીણી કરીને, દૂર દૃષ્ટિ નાંખતી હતી; કોઈક વેળા કલ્પના ખોટી પડતાં બેસતી હતી; કોઈક વેળા માણસને સાટે ગાયો, ઘેટાં, હરિણ ને કૂતરાં આવતાં દેખાતાં; કોઈ વેળા ભીલ, સાધુઓ, યાત્રાળુઓ વગેરે આવજા કરતાં નીકળતાં; પણ બહેનને જોવાની આતુર આંખો થાકી નહીં.

એ માર્ગના છેડાની પેલી પાસ માનચતુર રસ્તાની એક પાસ ‘માઈલ’ દર્શાવવાના પથરા ઉપર, હાથમાં લાકડી ને લાકડીની ટોચ ઉપર હડપચી ટેકવી બેઠો હતો, ને જે આવે તેને તેની પાછળ કોણ છે એવું પૂછતો હતો.

અંતે ચંદ્રાવલી અને કુમુદ માનચતુરની દૃષ્ટિમર્યાદામાં દેખાયાં. કુમુદે ભગવી કંથા ધારી હતી ને ચંદ્રાવલીની આંગળીએ ગળગી ધીરેથી વાતો કરતી કરતી આવતી હતી. એના મુખ ઉપર શોકને સ્થાને ધૈર્ય, શાંતિ, સ્થિરતા અને આગ્રહ હતાં, ને એના કપાળ વચ્ચે ઊભા તિલક પેઠે બે-ત્રણ ઊભી કરચલીઓ વળી હતી. થાકેલી લાગતી હતી પણ એના પગ થાકને ન ગાંઠતાં નવા પ્રાણથી ઊપડતા લાગતા હતા. એની દૃષ્ટિ છેટેથી માનચતુર ઉપર પડી તેની સાથે એ ઊભી રહી, વાતો કરતી અટકી, ને ચંદ્રાવલીને ચાલતી અટકાવી.

‘કેમ, બેટા, અટકી ?’ ચંદ્રાવલીએ ચિંતાથી પૂછ્યું.

કુમુદસુંદરી : ‘મારા વૃદ્ધ પિતામહ જેવું કોઈ છેટે દેખાય છે.’

ચંદ્રાવલી : ‘એ તો એ જ. બેટા, જે અતિવત્સલ ધર્મિષ્ઠ પિતાની તું પુત્રી છે તેના પુણ્ય શરીરનું આ ઉદ્‌ભવસ્થાન તું પરમતીર્થ જેવું ગણજે.

સંસારના અભ્યાસ એમની પાસે બે કઠોર વચન બોલાવે તો હિમાલયના કર્કશ કઠિન પથરાઓ વચ્ચે વચ્ચેના અવકાશમાં ગંગાજીનું મિષ્ટ અમૃત જળ પોતાનો માર્ગ કરે તેમ, તું પણ મિષ્ટતા છોડ્યા વિના ચતુર ગતિથી ચાલજે.’

કુમુદસુંદરી : ‘પ્રલયને પ્રસંગે સૃષ્ટિની ચિંતા કરતા પરમપુરાણ વૃદ્ધતમ નારાયણ એકલા જાગે છે તેમ એ મારા પરમવત્સલ વડીલ મારી ચિંતા કરતા જ બેઠા હશે.’

તે બોલતી હતી એટલામાં તો માનચતુર જ તેની પાસે આવ્યો ને એનું મુખ જોવા નીચો વળી બોલ્યો : ‘મારી કુમુદ !’

‘હા ! વડીલ ! આપ ખુશી છો ?’ બોલતાં બોલતાં કુમુદની આંખોમાં આંસુ ભરાયાં ને એ રોઈ પડી : ‘મેં આપને સર્વને બહુ દુઃખી કર્યા !’

માનચતુર એને માથે અને વાંસે પોતાનો કરચલીવાળો વૃદ્ધ હાથ મૂકતો ફેરવતો બોલ્યો :

‘બેટા ! તું રજ ગભરાઈશ નહીં. જેણે તને બહારવટિયાઓમાંથી ઉગારી તે જ હું છું. કોઈ તારું નહીં થાય તો હું થઈશ - પણ તારો આ ભેખ મારાથી જોવાતો નથી!’

માનચતુરનાં વૃદ્ધ નેત્રમાં પણ આંસુ ભરાયાં તે ઊંચું જોઈ ઊંચે હાથે લોહતી લોહતી પૌત્રી બોલી : ‘દાદાજી, વિધવાના વસ્ત્ર કરતાં આ ભગવી કંથા વધારે સારી છે. ને ચંદ્રાવલીબહેન જેવાં સાધુજનના સત્સમાગમ મારા સંસારના ઘા રુઝાવી બહુ શાંતિ આપે છે - માટે આપ સ્વસ્થ થાવ. આપે મારા બાળપણમાં ગુણિયલની આટલી આટલી ચિંતા કરી ને આટલે વર્ષે હજી પણ અમારી ચિંતા કરવાનું આપને બાકી રહે એ મને ગમતું નથી. આપ સર્વ આટલે સુધી મારે માટે આવો અને હું આપનાથી ગુપ્ત રહું તો કૃતઘ્ન થાઉં માટે આપને મળીને સાધુસમાગમમાં આયુષ્ય પૂરું કરવા આજ્ઞા માગીશ તેની આપ ના નહીં કહો!’

‘કુમુદ ! બેટા ! તારા સુખને માટે જે કહીશ તે કરીશું. આ ઊંચેથી આભ પડશે તેની તારા દાદાને ચિંતા નથી, પણ તારી આંખમાં આંસુનું ટીપું સરખું દેખું છું ત્યાં મારો જન્મારો ધૂળ વળ્યો સમજું છું.’

શોક સમેટી વાતો કરતાં કરતાં સૌ તંબુ ભણી વધ્યાં ને સૌ છેટેથી દેખાતાં, હરિણ પેઠે કુસુમ દોડતી દોડતી આવીને ‘બહેન ! તમે આવ્યાં ?’ કરી બળથી કુમુદને વળગી પડી ને કુમુદે એને છાતી સરસી ચાંપી. બે બહેનોની આંખોમાં હર્ષનાં આંસુ હતાં. પણ કુમુદનો હર્ષ અપ્રકટ હતો ત્યારે કુસુમનો હર્ષ ઊછળતો હતો. બે બહેનોને અત્યંત પ્રેમથી મળેલી જોઈ રહેલા માનચતુરનું હૃદય નવા આનંદથી તૃપ્ત થતા તૃપ્ત થયું નહીં.

‘કુસુમ ! બહેનની તું હવે એકલી જ નથી ! હવે એનાં ભગવાં કઢાવવાં એ તારી ચતુરાઈની કસોટી !’

કુસુમ કુમુદથી છૂટી પડી, પળ વાર એનો ભેખ જોઈ રહી, ને વડીલ સામે કમળનાળ જેવો કંઠ ફેરવી બોલી :

‘દાદાજી ! અમે બે બહેનો જ હવે એકબીજાંની એકલી રહી એ તો ખરું કહ્યું. હવે ગુણિયલ પણ બહેનનાં નથી. બાકી ભગવાં તો મને પણ ગમ્યાં ને હવે તો આપના મોંની વાણી ફળો ને બહેનનાં જેવાં ભગવાં મને પણ મળે એટલે હું મારાં કુમુદબહેનની ને કુમુદબહેન મારાં ! દાદાજી ! ચતુરાઈ તો ભગવાં રાખવામાં છે - ઉતારવામાં નથી !’

વાર્તાવિનોદ આ નવા રૂપથી પ્રવાહ પામ્યો અને ચારે જણ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યાં. તંબુ આવ્યો એટલે કુસુમ બોલી :

‘દાદાજી, આપે ગુણિયલને શિખામણ દીધી તે શેઠની શિખામણ ઝાંપા સુધી રહી છે. માટે હવે આ ચંદ્રાવલીમૈયાને ગુણિયલ પાસે બેસાડો કે બધી વાત કહી એમનો ઓરતો પૂરો કરે ને એમને ને કાકીને ટાઢાં પાડી માદીકરીને હસતાં મળવાનો પ્રસંગ આણે. બાકી હમણાં બહેનને ત્યાં લઈ જશો તો ગુણિયલ મનના ઊભરા કાઢ્યા વિના નહીં રહે, ને ઊભરાં નહીં કાઢે તો નહીં બોલે ને નહીં હસે, ને કંઈ નહીં બોલવાનું બોલી બેસશે. આટલા દુઃખમાંથી છૂટી બહેન આવ્યાં છે તેમનાથી આ જોઈ નહીં શકાય ને એમનું કાળજું કહ્યું નહીં કરે ને હું આવીશ તો ગુણિયલ જોડે લડી પડીશ. માટે અમે બે અમારી મેળે આ તંબુમાં બેસી વાતો કરીશું ને આપને ગુણિયલનો વિશ્વાસ પડે ત્યારે અમને બોલાવજો તે વાતો કરી રહ્યાં હોઈશું તો આવીશું. બહેન, ગભરાશો નહીં. ગુણિયલને હમણાનું આવું આવું બહુ થાય છે ને પાછાં જાતે જ શાંત થાય છે. તે આપણે એ શાંત થશે ત્યારે જઈશું ને તે પછી આવું થવાનો એમને ફરી વારો નહીં આવવા દઈએ; આપણે ધારીશું તે કરીશું.’

ચંદ્રાવલી ભણી જોઈ કુમુદ બોલી : ‘ચંદ્રાવલીબહેન, મને લાગે છે કે કુસુમ યોગ્ય માર્ગ દર્શાવે છે. મારે માટે અનેક ઊડતી કથાઓ સાંભળી અનેક સંકલ્પવિકલ્પથી મારાં વત્સલ ગુણિયલનું ચિત્ત મંથન પામતું હશે અને તેમની પાસે બધી વાત મારે સ્વમુખે કહેવી તે સંસારની નીતિથી અને રીતિથી વિરુદ્ધ છે ને આપના સમાગમથી ચિત્તના પડદા તોડવાનો જે અધિકાર હું પામી છું તે અહીં તોડીશ તો સુલટાને સ્થાને ઊલટું પરિણામ આવશે. માટે તમે દાદાજી જોડે પ્રથમ ગુણિયલ પાસે જાવ અને મારા સંબંધમાંનો સર્વ ઇતિહાસ તમે એમને અથથી ઇતિ સુધી જાણો છો તેવો કહી બતાવજો ને પવનથી કંપતા દીવા પેઠે અનેક વાતોથી કંપતા એમના કોમળ હૃદયને તમારી સાધુવૃત્તિની દક્ષતાથી સ્થિર કરજો ને તેની સ્થિરતા પ્રત્યક્ષ કરો એટલે તેની આજ્ઞા માગી મને બોલાવજો. એમની પાસે તરત આવવાનો મને ભય નથી, પણ એમના પોતાના સ્નેહમર્મને સારું દર્શન જ ત્રાસ આપશે તે મારાથી જોઈ નહીં શકાય. પણ તમારી અચલ પવિત્રતા ઉપર એમને પરમ પ્રીતિ છે, તમારાં વચન ઉપર એ અત્યંત શ્રદ્ધા રાખશે, અને તમારી સુજનતા એને શાંત કરશે.

દાદાજી ! ચંદ્રાવલીબહેનને માટે આપને બહુ કહેવાની અગત્ય નથી. મને બે વાર એમણે આયુષ્ય આપ્યું અને ત્રીજી વાર આયુષ્યની સફળતા આપી. રાંક કુમુદને માટે આપે આ વૃદ્ધ શરીરને અત્યંત ભયમાં નાંખ્યું અને આપના મનને પરમ ચિંતામં નાંખ્યું છે ને નાંખો છો તો હું વધારે શું કહું ? ચંદ્રાવલીબહેને મારી વીતેલી વાતો સર્વ પોતાના હૃદયમાં લખી રાખી છે તેમાંના લેખ આપ વાંચજો - ને આપ, પિતાજી અને ગુણિયલ, ત્રણ જણ મળી મારા ધર્મનો ન્યાય કરજો એટલે તે પછી મારે કાંઈ જોઈતું નથી. સંસારનો ત્યાગ કરવો મારે હવે બાકસ નથી પણ ત્યાગી જનોના સંપ્રદાયમાં સ્વસ્થતા પામી છું ને આ ભેખ એક વાર સ્વીકાર્યો છે તેનો હવે ત્યાગ થાય એમ નથી. દાદાજી ! હવે મારી ચિંતામાંથી સર્વને મુક્ત થવા વારો આવે છે ને હવે આપે મારે માટે ચિંતા કરવી બાકી રહી છે તે ચિંતાને ચંદ્રાવલીબહેન પાસેથી સર્વ વાત સાંભળીને આટોપી લેજો. ગુણિયલને કહેજો કે કુમુદ જેવી રાંક હતી તેવી રાંક હજી છે, પણ એને માથે ધર્મ પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં લઈ એનું મોં દેખાડવાનો એને અધિકાર આપશો તો એ આપનાં પવિત્ર પ્રેમાળ દર્શનનો લાભ પામશે ને એ અધિકારને યોગ્ય કુમુદને નહીં ગણો તો આજ સુધીનાં એનાં નવ્વાણું ટૂંકાં ભાગ્યમાં સોમું એક ઉમેરાશે. દાદાજી, કુમુદ હવે પોતાનાં ટૂંકાં ભાગ્યને કરેલાં કર્મનાં ફળ જ ગણે છે ને એ કડવાં ફળ ખાતાં મોં બગાડતો નથી. દાદાજી, સાધુજનનો સમાગમ ફરીથી આવા અવતારમાંથી મને મુક્ત કરશે ને ધારેલાં ભગવાંનો ત્યાગ હવે કરું તે ફરી એવા અવતારના કૂવામાં પડવા જેવું છે તે ન કરવું એ હવે મારો નિશ્ચય છે, અને નિશ્ચય કર્યો છે તેટલી ક્ષમા કરજો. મારાં વચનથી આપની વૃદ્ધ આંખોમાં આંસુ આવે છે તે ન આણશો. દાદાજી ! હું પરમ સુખી થઈ છું તે જાણી આનંદ પામો.’

પોતાનાં આંસુ લોહતો લોહતો માનચતુર નરમ પડી જઈ બોલ્યો : ‘બેટા ! તારું એકેકું વેણ મારું કાળજું કોરી નાખે છે. મારાથી નથી બોલાતું !’

ડોસો નીચે બેસી કપાળે હાથ દઈ હૃદયમાં રોવા લાગ્યો ને કુમુદ એને ગળે વળગી એનાં આંસુ લોહવા લાગી.

‘દાદાજી, કુમુદને આવી વહાલી ન કરશો. આપે આવે આવે પ્રસંગે કદી આવું પોચું મન દેખાડ્યું નથી તે હવે આપના ઘડપણમાં આપના હૃદયને આમ હલમલાઈ જતું જોવાનું હું બાળકનું ગજું નથી.’

કંઈક સ્વસ્થ થઈ, ઊભો થઈ, માનચતુર બોલવા લાગ્યો : ‘ચિંતા નહીં. કુમુદ, તારે ભગવાં રાખવાં હશે તો હું પણ ભગવાં લઈ આ સાધુઓમાં રહીશ. મારા કુટુંબનો આટલો આટલો વિસ્તાર હતો તેમાંથી સર્વ હવે તારા અને કુસુમના ઉપર આવી રહ્યું ને તેમાં પણ તેં ભગવાં ધાર્યાં ને કુસુમ કોણ જાણે શું કરશે ! બેટા ! હવે હમણાં આ વાત નકામી છે. થોડી ઘડીમાં, અને થોડી ઘડીમાં નહીં તો એકબે દિવસમાં સૌ વાતનો ફેંસલો થઈ જશે તો હું એટલા માટે અધીરો નહીં બનું. પણ તમે બે બહેનો મારા ઘડપણનો છેડો કેવી રીતે આણો છો તે જોઈશું, ને તે પછી તારા જેવી બાળકને જ્યારે ભગવાં જ ગમશે ત્યારે હું પણ જ્યાં તું ત્યાં હું - મને પણ ભગવાં ગમશે. ભગવાં ધરીશ, પણ જે બે ચાર વર્ષ જીવવાનાં બાકી હશે એટલાં તને જોતો જોતો પૂરાં કરીશ ત્યારે જ મારો જીવ ગતે જશે.’

કુમુદસુંદરી : ‘દાદાજી, આપ સાધુ થશો તો સુખી થશો ને આપ અહીં વસશો તો હું વધારે સુખી થઈશ. હું મારે માટે જે કહું છું તે સંસારથી કંટાળીને નહીં પણ મારા અંતઃકરણથી કહું છું તેની હવે આપને શંકા નહીં રહે.’

માનચતુર : ‘ના, બેટા હવે નહીં રહે. તો કુસુમ તું કુમુદને લઈ સાધુજનને માટેના તંબુમાં જા અને હું ચંદ્રાવલીને લઈ ગુણસુંદરી પાસે જાઉં છું.’

કુમુદસુંદરી : ‘ચંદ્રાવલીબહેન મોહનીમૈયાએ ગુણિયલને જે વાક્યપ્રહાર કર્યા તેવા તમે નહીં કરો એવું મને અભયવચન આપીને જાઓ. મને જન્મ આપી એણે અનેકધા દુઃખ વેઠ્યું છે તે દુઃખોમાંથી એને મુક્ત કરી મારે ઋણમુક્ત થવું છે.’

ચંદ્રાવલી : ‘મધુરી ! ચંદ્રાવલીથી તને અભયવચનની સર્વથા પ્રાપ્તિ જ છે ને તે પણ વગર માગ્યે મળી સમજવી. માનચતુરજી ! આપની મધુર પુત્રીનું નામ અમે મધુરીમૈયા પાડ્યું છે.’