પલાશ Shital Jignesh gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલાશ

પલાશ

શીતલ જીગ્નેશ ગઢવી

કાંકરા ખર્યા. દિવાલોની તિરાડો રડી રહી. આધાર સ્તંભ પાસેની દિવાલ મજબૂત હતી. ત્યાં જ નાની ઈંટો બોલી.

" કેમ રડે છે? તારા લીધે બધાય ના ચ્હેરા વિલાઇ ગયા. તું છે તો અમે ટક્યા.. અમારો આધાર સ્તંભ."

ત્યાં તો ઉંબરો પણ બોલ્યો.

"નથી સહન થતું. આ ઘરના માલિક એટલે મારા નિર્જીવ શરીરમાં પ્રાણ પુરનારા. મને યાદ છે એમની પ્રગતિના દિવસ. સાવ કોરી જમીનમાં એમની પત્નીના હસ્તક મુકાયેલ નીવ."

***

"તરૂ... ચાલને થોડોક ઝપાટો રાખ. સારું મહુર્ત જતું રહેશે. તમે બૈરાંઓ.. ગમે તેટલી અગાઉથી તાકીદ કરો તોય સરવાળે મોડું જ કરો. ક્યાં અટવાયા ભાગ્યવાન?"

***

રાજેશભાઇ અને તરૂબેન ગામડેથી આવેલ દંપતિ હતું.

"હવે આવી તો ગયા. ઘર થતા થશે પહેલા પેટ પૂજાનું વિચારવું પડશે." રાજેશભાઇ બોલ્યા. તરૂબેને પોતાનો વિચાર કહ્યો.

"આપણે સ્કૂલની બહાર રીશેષના સમયે ઠેલો લગાવીએ તો કેવું? વિદ્યાર્થીઓને નાસ્તાના છુટક પેકેટ સાથે તમે મારી નાસ્તાની ગરમ વાનગીઓ વખાણો છે એમાંની એકાદ બે હું ત્યાં ઉભી બનાવું."

રાજેશભાઈને વિચાર તો ખુબ સારો લાગ્યો. ગામડેથી થોડાક રૂપિયા સાથે લાવ્યા હતા. તેની સાથે આ પ્રકારના ધંધાથી જ શરૂઆત થઇ શકે એમ હતી. પણ એની સાથે બીજા સામાજિક વિઘ્ન વિચાર માંગી લે એમ હતા.

"તમારો વિચાર સૌથી ઉત્તમ..રાણી. મારી તકલીફમાં તમે વધુ તકલીફ લેશો એનું મને દુઃખ છે. હું તમને મારી અર્ધાંગિની રૂપે મારા ઘરની અન્નપૂર્ણા તરીકે લાવ્યો હતો. અને તમે તો.. હું સપ્તપદીના વચન ન નિભાવી શક્યો."

તરૂબેને એમના મોઢા પર પોતાનો હાથ મૂકી દીધો.

"આ શું બોલ્યા.. સપ્તપદીનું સાતમુ વચન યાદ કરો. એ હું છું. બસ હવે બીજું કઈ વિચાર્યા વિના આ પૈસા લો અને જોઈતી વસ્તુ લઇ આવો. તમારી આ અન્નપૂર્ણા પર વિશ્વાસ રાખ જો."

તરૂબેનની વાતમાં દ્રઢતા જોઈ રાજેશભાઇ કઈ ન બોલ્યા. બંનેય જણે જરૂરી સાધનસામગ્રીનું લિસ્ટ બનાવ્યું.

"હવે તમે આટલી વસ્તુ અત્યારે લઇ આવો. બાકી બધું ભગવાન પર છોડો. સૌ સારાવાના થશે. હું હંમેશા તમારી સાથે જ છું."

"ભાગ્યવાન તમે છો મા અન્નપૂર્ણાનો અવતાર. મારે ક્યાં કોઈ ચિંતા જ! લાવો ત્યારે.." બોલી રાજેશભાઇ જથ્થાબંધના બજારમાં જઈને વસ્તુઓ લઇ આવ્યા.

"લઇ તો આવ્યો.. પણ સાચવીશું ક્યાં? આ તો ધર્મશાળા.. અહીં મુનીમને ખબર પણ પડશે તો.. કાઢી ન મુકે." રાજેશભાઈને ચિંતા થઇ.

"તમે બેસો.. પાણી પીવો. આપણે બંનેય જઈને મુનીમને સમજાવીએ. આપણી પરિસ્થિતિ સમજાવીએ."

આ દંપતી એક ધર્મશાળામાં રોકાયું હતું. શહેરમાં આવીને તરત ઘર મળવું દુર્લભ હતું. ભાડા પણ વધારે હોવાથી પહેલાં રોજી રોટીની વ્યવસ્થા કર્યા પછી ઘર માટે નક્કી કરવાનું હતું.

"મુનીમ જી." તરૂબેને વાતનો દોર હાથમાં લીધો.

એમણે મુનીમજીને બરાબર સમજાવી લીધા. ભગવાનનું કરવું કે એ માની પણ ગયા. તરૂબેન અને રાજેશભાઈએ સખત મહેનત ચાલુ કરી.

"આન્ટી.. આ ભૂંગળાનું પેકેટ આપોને."

સ્કૂલની બહાર લારી લગાવીને બાળકોને પસંદ પડે એવી દરેક વસ્તુઓ વેચતા. ધીમે ધીમે એમણે સ્કૂલની સામે જ દુકાન ભાડે લઇ લીધી. અને થોડાક સમયબાદ વેચાણે.

"કહુ છું.. હવે એક ઘર લઇએ તો.. કમાણી સારી થાય છે. હપ્તા ભરી શકાશે." તરૂબેનની વાતમાં રાજેશભાઈએ રાજીપો બતાવ્યો. દુકાનની સમીપ જ ખાલી પ્લોટમાં ઘર બનાવવાનું નક્કી કર્યું. એક એક રૂપિયો ભેગો કરી ઘર બનાવ્યું.

"તરૂ.. ક્યાં ગઈ?"

"ઓ..ઓ.." બાથરૂમમાંથી તરૂબેનની ઉલ્ટીઓ સાથે સારા સમાચાર બહાર આવી રહ્યા હતા. રાજેશભાઇ તરત ત્યાં દોડ્યા.

"બેસ.. વ્હાલી શું થાય છે તને? ચલ ડોક્ટરને બતાવી આવીએ."

તરૂબેન શરમથી નજર નીચી કરી ગયા. રાજેશભાઈ એ નજરમાં બધું જ કળી ગયા. ખુશીથી ઉછળી પડ્યા.

"તરૂ.. આજે તો તેં મને સાચે જ આ ધરતી પર સૌથી ધનવાન કરી દીધો. બે ખુશીઓ સાથે. નક્કી આવનાર બાળક કોઈ મહાન આત્મા હશે."

પતિ પત્ની ડોક્ટર પાસે ગયા. તરૂબેનના અનુમાન પર રિપોર્ટે પોતાની છાપ મૂકી. બંનેય વ્યક્તિ એક અજીબ પ્રકારનો આનંદ લઇ ઘરે ગયા.

"અહીં આવ મારી વ્હાલી.. તેં આજે મને જે ખુશી આપી એ આ ઘર કરતા વધુ છે. હવે આ દરેક દિવાલોની ઈંટોમાં પ્રાણ પુરાશે. એમાં બાળકની કિલકારી ભરાશે. મારો હરખ સમાતો નથી."

તરૂબેન શરમાઈને રાજેશભાઈને વળગી ગયા. નવમહિના અને ઉપર દસ દિવસ બાદ એમના ઘરે પુત્ર રત્નની પધરામણી થઈ.

"પલાશ..મારી આંખોની તલાશ.. અહીં જ પુરી થાય."

માતા પિતા એને જોઈને જ જીવતા હતા. હવે એમનો ધંધો પણ સારી રીતે ચાલી રહ્યો હતો. સમયને પાંખો આવી. વાતાવરણમાં એકદમ શાંતિ હતી. પલાશ છોડ માફક ધીરે ધીરે મોટો થઇ રહ્યો હતો. એમ પણ જો દીકરી હોય તો ઝાડની જેમ મોટી થાય. પણ આ તો દીકરો. સુખ પોતાનું સરનામું બદલતું રહે છે. જો એ કાયમી ઠેકાણું પસંદ કરે તો એનું મૂલ્ય ઘટી જાય.

સરખી ઘરેડમાં જીવન વીતી રહ્યું હતું. એક સવારે તરૂબેન ક્યારનાં પલાશને સ્કૂલે જવા માટે તૈયાર થવા ઉઠાડી રહ્યાં હતા.

"ચલ.. સ્કૂલે જવાનો સમય થયો. ઉઠ."

તરૂબેન એને ઉઠાડવા મથી રહ્યા. ત્યાં જ ધરા ધ્રુજી. ઘરની છત તૂટી પડી. તરૂબેન દીકરાને ઉઠાવીને દોડ્યા.

ઘર રમતના પત્તાંની જેમ વિખેરાઈ ગયું. માત્ર સ્તંભ ઉભો હતો. ત્રણે વ્યક્તિ સમયસર ઘરની બહાર નીકળી ગઈ. ફર્ક માત્ર એટલો જ હતો કે જિંદગી બચી પણ જિંદગીભર જે મેળવવા મહેનત કરી તે ઘર સાથ છોડી ગયું. કુદરતના પ્રકોપે એ ઘરને પોતાનામાં સમાવી લીધું.

-શીતલ ગઢવી