જુઈ Shital Jignesh gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુઈ

*જૂઇ*

“ ભારત માતાની જય, વંદે માતરમ...”

જેવાં નારા સાથે ગલીમાંથી ટોળું નીકળ્યું. આઝાદી મેળવવા માટેનો આક્રોશ અને ઝનૂન તેમાંના દરેક વ્યક્તિનાં હાવભાવમાં સ્પષ્ટ જોઈ શકાતો હતો. અન્ય ગલીમાંથી બે-ત્રણ નાનાં બાળકો પણ જોડાયાં.

“હજુ તો તમે ઘણાં નાનાં છો.શાળા છોડીને અમારી સાથે ચળવળમાં શું કામ જોડાયાં છો. શિક્ષકને ખબર પડશે તો શિક્ષા થશે. તમારાં માતા- પિતા જાણે છે?”

"આ દેશ અમારો પણ છે. આજે શાળામાં રજા છે. શાળાનાં એક અધ્યાપકનું અવસાન થયું છે.”

બાળપણથી જ દેશભક્તિની લાગણીઓ ધરાવતાં એક બાળકે જવાબ આપ્યો. એ જોઈને અન્ય ક્રાંતિકારીઓમાં પણ અંગ્રેજો વિરુદ્ધ નારા લગાવવામાં નવો ઉત્સાહ આવ્યો.

“સાયમન ગો બેક, અંગ્રેજો ભારત છોડો”

ત્યાં જ ચારરસ્તા પર અંગ્રેજી સૈનિકોનું ટોળું બંદૂકો સાથે ધસી આવ્યું. ગોળીઓનાં વરસાદમાં ઘણાં ક્રાંતિકારીઓ શહીદ થયાં. નાનાં બે બાળકો ભાગ-દોડમાં કચડાઈ ગયા. એ જ રસ્તા પર શાકભાજીનો ધંધો કરીને ગુજરાન ચલાવતો એક કાછીયો પણ લારી છોડી ભાગવા ગયો. અને ગોળીનો શિકાર થતાં મોતને ભેટ્યો. લારીની બાજુમાં ફૂટપાથ પર ઘટનાથી સાવ અજાણ એવી નાનકડી બાળકી રડી રહી હતી. કદાચ મૃત્યુ પામેલ કાછીયાની દીકરી હતી. ઘટનામાં બચી ગયેલો લઘર- વઘર એક બાળક ત્યાં પહોંચ્યોં. હળવેકથી હાથમાં ઉઠાઈ.

“ના-ના,ચૂપ થઇ જા.હું છું ને.” કહેતાં એને છાતી સરસી ચાંપી.

એ પણ જાણે પહેલાંથી જ ઓળખતી હોય એમ ચુપ થઈ ગઈ.

“મા, જો હું કોને લાવ્યો? હવેથી આ આપણી જોડે રહેશે. તને મોટી થઈને કામમાં મદદ કરશે. આપણાં આંગણામાં સુગંધ ફેલાવશે. એનું નામ જૂઈ રાખીએ.”

“અરે, તું આ કોને ઉઠાવી લાવ્યો? તારાં આ હાલ કેવી રીતે થયાં! તને ના પાડી કે તું હજી ઘણો નાનો છે. દેશને આઝાદી અપાવવાનું છોડીને ભણી લે. અને હા, તને એની નાત-જાત ખબર છે? મારે કોઈ બીજી જાતની મારાં ઘરમાં ન જોઈએ. કોનું લોહી હશે ભગવાન જાણે ! મારું આખું ઘર અપવિત્ર કર્યું. શિવ..શિવ..”

“મા, તું આ કયા યુગમાં જીવે છે. નાતની ખબર નથી પણ લોહી માણસનું છે! રહી આઝાદી અપાવવાની વાત તો હું મારાં પિતાજી તથા દાદાજીનું અનુસરણ કરી રહ્યો છું. મારી વ્હાલી મા, મને ખબર છે તું મને ખુબજ પ્રેમ કરે છે. મને કંઈ નહીં થાય. જે ઘરમાં બે દેવી સમાન સ્ત્રીઓ હોય ત્યાં મારો વાળ કોઈપણ વાંકો ના કરી શકે.
એનાં મૂંગા આશિર્વાદ મારી રક્ષા કરશે.”

મા થોડીકવાર માટે માની ગઈ. મનમાં હજુ પણ કચવાટ હતો. આ કોની પેદાશ હશે! દિલથી ક્યારેય સ્વિકારીનાં શકી. દીકરો આ વાત સારી રીતે સમજતો હતો. રોજ માને સમજાવવા પ્રયત્ન કરતો.

નાનકડી કળી હવે કૂલ બની. એ પણ આઝાદીની લડતમાં ભાગીદાર બની.

“જૂઈ, ચાલ આજે પેલાં બાગમાં બધાંએ ભેગાં થવાનું છે. તું તો અમારી લીડર છે. બીજી છોકરીઓની પ્રેરણા છે..”

“હા હા હવે, બહુ થયાં વખાણ. ચલ હવે તું જ મોડું કરાવે છે. હમણાં મા જોઈ જશે તો ઘરમાં પાછી બોલાવી લેશે.”

જૂઈ ઘણી જ ચબરાક અને ચાલાક હતી. અંગ્રેજો એનાથી તોબા પોકારી ઉઠ્યા હતા. સવારે કૉલેજ જાય અને સાંજે દેશને સ્વતંત્ર કરાવવા માટે પોતાનું યોગદાન આપે.

“ હા, તો કાલે આપણી ચર્ચા ક્યાં અટકી હતી? દારૂગોળો તો પહોંચી ગયો છે. હવે એમાંથી હથિયારો બનાવવાનું કામ ક્યાં કરીશું ? ત્યાં સુધી તેને છુપાવવો અઘરો છે. જો મારી માને ખબર પડી તો રાતોરાત હું ઘરની બહાર..."

“જૂઈ મારાં ઘરનાં ભોંયરામાં લઈ જઈએ. ત્યાં નકામો સામાન રાખ્યો છે. કોઈને ગંધ નહીં આવે. કૉલેજથી છૂટીને કામ કરશું. તારી માને કહી દેજે, વધારાનો ક્લાસ હતો. અથવા મને ભણાવવા રોકાઈ હતી.”

“એ વાત સાચી. પરંતુ મેં મારાં ભાઈથી કશું જ છુપાયું નથી. હું એને તો સાચું કહીશ. ક્યારેક તારી અને મારી મા ભેગી થશે તો... ચલ ત્યારની વાત ત્યારે. અત્યારે તો તું કહે છે એમ જ કરીએ. ઘણો ખતરો છે. દેશ માટે થઈને એ પણ ઉઠાવી લઈએ.”

જૂઈ ચુપચાપ ઘરે આવી. હજુ રૂમમાં જ જતી હતી ત્યાંજ...

“ અલી ઓય, બહુ ભણ્યાં હવે. થોડુંક કામ કરી લે. બહાર વાસણ પડ્યાં છે. મારાં દીકરાએ તને માથે ચડાવી છે. નહીંતર હું તો ક્યારની... તારે ભણીને ક્યાં સાહેબ થવાનું છે. મારી જેમ ઘર જ સાચવવાનું છે. હા પણ તને પરણશે કોણ...?"

“ મા, એવું કેમ બોલે છે. હું પણ તો તમારી જ દીકરી છું. કરી નાંખીશ બધું કામ આવું ન બોલ કે હું તારી નથી. એકવાર ભેટી લે મને..”

ત્યાં જ દીકરો આવ્યો. એનાં કાને માના શબ્દો અફળાયા.બે ઘડી એને થયું કે માને સામે બોલીને સંભળાવી દે. એનાં સંસ્કારે એમ કરતાં રોકી લીધો.

“શું થયું મારી જૂઈને ? અહીં આવ મારી પાસે. હા એ તારી પણ મા છે. થોડીક જુનવાણી છે. મા અહીં આવ એનાં માથે હાથ ફેરવ.”

દીકરાનું માન રાખવા માએ છોકરીના માથે હાથ ફેરવ્યો.
જુવાન થતાં જૂઈનું રૂપ વધુ નિખર્યું હતું.

એકદિવસ વિલાયતથી આવેલ એક છોકરાં તરફથી જૂઈનું માંગુ આવ્યું.

“જૂઈ, મારી વ્હાલી બ્હેની. અહીં આવ અને સાથે મોઢું મીઠું કરાવવા માટે ગોળ લઈ આવજે. ખુશ ખબર છે. મા તું પણ આવ. તું કહેતી હતીને કે આનો હાથ કોણ પકડશે? એની સુવાસ છેક પરદેશ પહોંચી. એ લોકોએ નાત જાત વિષે કોઈ જ પૂછપરછ કરી નથી. માત્ર જૂઈનો હાથ માંગ્યો. એની સાથે કૉલેજમાં ભણે છે. રોજ આપણી જૂઈને જોતો હશે. સામેથી એ લોકો આવ્યા.”

જૂઈ દબાતા પગલે, આંખો ઢાળીને ત્યાં આવી. તેનાં બંધ હોઠોમાં ઘણાંય સવાલો હતાં...

“એ તો બોલ કોણ છે છોકરો? જૂઈ વિષે બધી વાત કરીને.. કાલ ઉઠીને કોઈ તકલીફ ના થાય. મારે આ ઘરમાં વહુ લાવવાની બાકી છે. એ અભાગણ મારાં ઘરને ના લઈ ડૂબે.”

“ભાઈ, મા શું બોલે છે. હું આ ઘરની દીકરી નથી. આપણી મા એક જ નથી? તો હું કોનું લોહી છું. ભાઈ ચુપ કેમ છે. બોલ કંઈક.”

મા દીકરાની આંખમાં આંખ મેળવવા વ્યર્થ પ્રયાસ કરતી રહી. શબ્દ બાણ છૂટી ગયું હતું. ખબર નહીં કેટલા સંબંધો વેધશે...

-શીતલ ગઢવી
******************************