સૌરાષ્ટ્રની રસધાર-મોત સાથે પ્રીતડી Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રની રસધાર-મોત સાથે પ્રીતડી

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


મોત સાથે પ્રીતડી

આશરે ત્રણસો વરસ પહેલાં, પાણીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની ્‌અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતીત હતીઃ ‘મને રમવા દે; મૉતની સાથે રમવા દે.’ જુવાનીમાં જ મૉતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો.

એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઇ. સવાજીએ મોં મલકાવી કહ્યુંઃ “અરે મામા, ગઢપણમાંય માણસને જીવવું શૅ ગમતું હશે? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે શી મઝા પડે છે?”

મામા બોલ્યાઃ “ભાઇ, શું કરવું? મૉત આવે ત્યારે જ છુટકારો થાય ને?”

“મૉત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા! ઇશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે?”

“એ તો વાતો થાય, બાપ! પ્રાણ કાઢી નાખવા એ કાંઇ રમત વાત છે?”

“ના, મામા! વાત નહિ; સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.”

આખી કચેરીનાં મોં કાળાં પડી ગયાં. સહુ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામાને મરવા જેવું થઇ પડ્યું.

સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યાં. ભાઇની પાસે કાપડાની માગણી કરી. ભાઇ કહેઃ “બોલો બહેન, જે માગો તે આપું.”

“ભાઇ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.”

હસીને સવાજી બોલ્યોઃ “અરે બહેન! મુરખી! પાંચ વરસ વધારે જીવુંં તો તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જા, મારાં ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસે દેહ પાડીશ.”

ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઇ. ભાઇનું બોલ્યું કોઇથી ફરે તેમ નહોતું. બહેન, ભાઇને બરાબર ઓળખતી હતી. મૉતની વાટ જોતાં જોતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઇને મસ્તી કરી આવે, પણ કોઇ એની સાથે લડવા જાય નહિ.

પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયો નામે એક મોટો ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો; એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય; કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી જવું વધુ સારું. પણ તોમાંય ઘોડો ન લથડ્યો.

પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીોની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઇઓને ગારિયાધાર લાવીને સગી પબેનોની રીતે રાખી.

ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યુંઃ “શૂરવીરો, સાંભળો! તમે બરાબર તરવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઇઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાબિતી બતાવું છું.”

એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો, સામે તરવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો, કાઠીઓની તરવારો સામસામી જ અથડાઇ.

સામે પડખેથી ફરી વાર સવાજી બોલ્યોઃ “શૂરવીરો! આખા જગતની બાઇઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી હવે જોજો.” એમ કહીને પાછો ફોજ વચ્ચે ધસ્યો. ખડિંગ! ખંડિગ કાઠીઓની તરવારો સામસામી અફળાઇ. સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો.

પછી એ બોલ્યોઃ “હવે તો આવો, શૂરવીરો! સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો.”

એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે

કાંધાઉત સવે અખિયાત કીધી,

જુગોજુગ વંચાણી ખ્યાત જાકી.

કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી

મૂવો વરસ પચીસે ગોહિલ માંકી.

(કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વ્યાંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.)