પત્રોનો પટારો
- લેખકો -
અરાતીબા ગોહિલ, અર્ચના ભટ્ટ, પટેલ, આશા શાહ, ભૌતિક પટેલ,
ભવ્ય રાવલ, ચેતન ગજ્જર, ચેતના ઠાકોર, હરીશ મહુવાકર,
જય રાવલ, મીનાક્ષી વખારિયા, નિપુણ સી ચોકસી,
નીતા શાહ, રાજુલા શાહ, સોનિયા ઠક્કર, સુલતાન સિંહ,
સુરેશ લાલન, યશવંત ઠક્કર
પત્ર - 1
અરાતીબા ગોહિલ
પ્રિય યજ્ઞદીપ,
તને ફોન કરું ત્યારે સમય અને ગતિ વચ્ચે હરીફાઈ જામે. તારે ખૂબ વાતો કરવી હોય, ઓછા સમયમાં. મારે તારી બધી વાત સાંભળવી હોય ઓછા સમયમાં.
તારે વધુ પીક અપ વાળી બાઈક લેવી છે ને? તપ પાપા પાસેથી મંજૂરી લઇ આપવાનું કામ મારું, પણ એ માટે તારે એક પ્રોમિસ આપવું પડશે મને. કોઈ પણ સંજોગોમાં બાઈકની સ્પીડ અને બ્રેક બંને પર તું સંપૂર્ણ કંટ્રોલ રાખીશ.
જેમ શિયાળાની ઢળતી સાંજે જુઈ ચમેલી કે રાતરાણી મદમત્ત સુગંધ લઈને આવતો વાયરો ફૂલગુલાબી ગતિ સાથે વહે તો અત્તરના પૂમ્દાનું કામ જરૂર કરે છે. અને એમ મધ્યમ ગતિની સવારી રસ્તા, પ્રકૃતિ અને આસપાસના વાતાવરણનું સૌન્દર્ય તમારી નજરને ભરી દે. પણ ઉનાળાના આકરા તાપમાં હવાની મંદ ગતિ કેવી અકળાવે! ઝડપથી વહેતી હવા શીતળતા લઇ આવે માહો દૂરસ્ત તો. વાળી અંદર બહારના તાપને ઠંડકની ભેટ આપે. બાઈકમાં ઝડપ આવે એટલે તન મન ગતિમય બને, સમય સાથે હરીફાઈ કરે. નિશ્ચિત સમયે નિશ્ચિત મંઝીલ આવી મળે. આ સંજોગોમાં ઝડપ જરૂરી ખરી.
અને વરસાદી વાતાવરણમાં? વેગથી લહેરાતા પવન ડાળીને જમીન સુધી નમાવી સલામી આપતા વૃક્ષો એક બાજુ ને વાળી બીજી બાજુ ધરતીની રજ આભમાં ચડે.. મેઘાડમ્બરનું આવરણ રચાય. ઝંઝાવાત.. વીજળીનું નર્તન… અહા... પછી તો વા -ઝડી અને ધોધમાર વરસાદ. ધરતીનું ડોલન આકાશને ચૂમે. પ્રતિસાદ રૂપે નભ ઝુકે. ભીના ભીના જલ્બીન્દુઓની ખાંડા ધાર!
દીપ, આ નટરાજ શિવની દ્રુત ગતિ. વેગ... જીવનના લક્ષ્યને પામી લેવા વેગપૂર્વક સરકતી બાઈક. આ વેગ પણ જરૂરી જ છે હો! નિશ્ચિત ગતિ નક્કી કરેલા લક્ષ્યને વધુ નજીક લાવે છે. બાકી અનિયંત્રિત ગતિને અકસ્માત કહે છે તે વાત તું સારી રીતે જાણે છે.
અ રજૂઆત પછી પપ્પાએ બાઈક લેવાની મંજૂરી આપી દીધી છે. ચીયર અપ માય સન! અને સાંભળ, તારી યાદ જેમાં છુપાવી રાકી છે તેવા તારા સ્ટડી રૂમ્નાવાર્નાવાર સફાઈ થાય. તારી યાદો ઘેરી વાલે મને. તારું અરેબીયન નાઈટ્સ હાથમાં આવ્યું તો હું ખોવાઈ ગઈ મહેલોની દુનિયામાં! તારું મોજું, તારું સ્વેટર જાણે હજુ તું નાનકડો હો એમ મારી સામે ઉપસાવી આપે. તારું બેટ અને બોલ હોય કે પછી ફૂલ અને રેકેટ હોય એમ થાય કે તું અહી અત્યારે રમે છે. કેટલી બધી વાર્તાની કેસેટ અને કેટલી બધી ફિલ્મો! ખજાનો હતો તરમાંતે. આજે એ બધું અમારો – મારો ખજાનો બની બેઠું છે. આખી દિવાલનું ચિતરામણ કરી નાખ્યું હતું એ તને યાદ છે ને? પપ્પાજી ખીજાતા પણ હું એને ખીજાતી અને પછી બધું ઠેકાણે પડી ગયું.
તારા રૂમમાં તે મને આપેલું ફ્લાવરવાઝ ગોઠવાયેલું પડ્યું છે તારા સ્ટડી ટેબલ ઉપર. મને બરાબર યાદ છે એ મારા જન્મદિવસની તારા તરફથી મને મળેલી ભેટ છે. અતુલ્ય ભેટ છે એના વાદળી ગુલાબી રંગોની ચમક હજુ એમ જ છે. ફ્લાવર વાઝનો રંગ અમને ગમે એવો શોધવા તે કેટલી મહેનત કરી હતી! કેટલાય દિવસો સુધી બઝારમાં ફરતો એ કેમ ભૂલાય. તને થોડીક સમજ આવેલી એટલે તને જીદ હતી કે મમ્માને ભેટ તો આપવી જ અને તે પણ મન ગમતી જ. ભેટ ગમે જ પણ તારું વાત્સલ્ય એમાં ભળેલું હોય તો કહે એ અમૂલ્ય બને કે નહિ?
અહ્વે ઉનાળો ઉગ્ર બની રહ્યો છે ત્યારે તને મનાલી શિમલાની આપણી ટુર યાદ આવે છે દિપ? કેવી યાદગાર બની રહેલી! ચોતરફ નીખરેલું બરફનું સૌન્દર્ય. સવારે જીણી જીણી રેત જેવો વરસતો બરફ. સાંજ પછી ઠંડી વધે કે એકધારો રૂ ના પોલ જેમ ખર ખર ખરતો રૂપેરી ચાદર થઇ લાપેતાતો બરફ. શિલામાં મીઠા મીઠા બરફના ગોળા. ભીની ભીની ઠંડકને ગોળા બનાવી દે ને એકબીજા ઉપર ફેંકવાની કેવી મજા પડી ગઈ હતી! માર મસ્તી માર મજાક! બરફને ઉડાડતા એને કણને રેતી જેમ ઉડાડવાની સંકોરવાની કે એકમેક માથે હિમ અભિષેક કરતા આપણે કેવા તરબોળ થઇ ગયેલા! તારા પાપા આવી મસ્તીમાં કેવા ખીલ્યા હતા! ને તું પણ કેવો નટખટ થઇ રહેલો! મારી વાત ને? લે કરું છું હો? તોય ટ્રેનમાં મને મારું બાળપણ ફરીથી મળ્યું હતું. તમે જયારે એનો આનંદ લૂટી રહ્યા હતા ત્યારે હું ભૂતકાળમાં સારી પડી હતી. વર્ષો પહેલા તારા નાનું સાથે અહી આવી હતી. એ બધું પણ અત્યારે મારા મનમાં સંઘરાયેલું પડ્યું જ છે. પણ એ વખતે અને આ વખતે જે જોયું તેમાં કેટલો ફર્ક!
યાદ આવે મને આ ધોમ ધખતા તડકાને જોઇને. હા તું આ ગરમીમાં તારી કાળજી લેજે હો કે? મારી ચિંતા તને થયા કરતી હોય છે પણ બેટા મને તારી છીનતા હોય. મારી કામકાજ ચાલે છે. હા હમણાં મારું લખવાનું ખુબ સરસ જાય છે. મનમાં આવે તેને ઉતારી લઉં. કોઈ વખતે બે ત્રણ પક્તિઓ કાવ્યની આવે ને કોઈ વખતે આખું સળંગ કાવ્ય ઉતારી આવે. હમણાં હમણાં મને વાર્તાઓ અને નિબંધોમાં પણ રસ વધ્યો છે. વર્ષો અગાઉ લખ્યું હતું અને છપાયું હતું. હવે બધું ફરીથી તાજું થઇ રહ્યું છે. તારા પપ્પાજી મને ખુબ ટેકો આપે એટલે એ બધું શક્ય થઇ રહ્યું છે. જો ને હમણા એ મને વારંવાર કૈક લાવી આપે. મારી શાળાના પુસ્તકાલયમાંથી પણ ચૂંટીને સારા પુસ્તકો લઇ આવું. ચાય લઈને અમે બેસીએ. હું વાંચી સંભળાવું. અથવા હું ઝૂલા ઉપર બેસીને વાંચ્યા કરું ને તું નહિ હોવાના ખાલીપાને ભરી દઉ. હમણાં હમણાં મારું સર્જન ખાસ્સું વધ્યું છે એની તને ખબર જ છેને! વાળી સારા સામયિકમાં પ્રગટ થાય એટલે પાનો વધે હો મારા દીકરા!
બીજી એક વાત પણ છે મારા દીકરા! સવારમાં હું હિંચકે આવિને બેસું કે આપના આંગણામાં રહેલા આંબા ઉપર જામી પડેલી ખાક્થીની સુગંધ નાકમાં થઈને દિલમાં ભળી જાય છે. આંબા ઉપર બુલબુલ, દરજીડો, કોયલ, ખેરખટ્ટો એમના અવાજથી આંગણું મીઠું બનાવી દે છે. જાણે એવું લાગે કે મધુરું સંગીત બાજી રહ્યું છે! ચ્વિક ચ્વિક કે ચીક ચીક કે કુહુ કુહુ ણી જુગલબંધી જામે. આલાપ વધે ને વધતો જાય...
હા ઝૂલે બેસતા નજર ગઈ દરવાજે. કાળુડી કુતરીને બચ્છા થયા છે પાંચ સાત. કળા ધોળા ને કેટલાક રાતા. એમનું એક કાળું ગલુડિયું હટટુકટટુ… દડ દડ દડાની જેમ દરવાજાની લગોલગ આવી ગયું. એક દિશમાં દૂધ લઇ બધા ગલુડિયાની વચ્ચે મૂકી આવી કે ચપોચપ પીવા લાગ્યા. મને ખબર છે તને કુતરા અને ગલુડિયા વહાલા છે. એટલે તો તને આ વાત કરી! તું અહી હોય તો ઘરમાં દૂધ કેટલો વખત રહે એ સવાલ છે! તારો સમય એમાં જ જાય. ઊંચકી ઊંચકીને આમથી તેમ ફેરવ્યા કરે નીમને ટ્રેઈન કાર્ય કરે.
તારી ઈચ્છા છે ને કે તું ‘ગ્રેટ ડેન’ બ્રીડના કુતરાને પાળવાનો? આ વેકેશનમાં તને બાઈક અને સાથોસાથ તારી આ નવી ગીફ્ટ પણ ખરી જ. હા તને ભાવતો મુરબ્બો કરવા કેરી લેવા જવાની છે આપણા ફાર્મ હાઉસ ઉપરથી. તું આવીશ એ પહેલા બનાવી રાખું. કેસર હવે ત્યાં લુંબે ઝુંબે મહાલે છે. ફાર્મ હાઉસ પણ તારી રાહ જુએ છે મારી જેમ!
મારો કાગળ મળે એટલે જલ્દી કરજે મને ફોન હો?
સર્વ મંગલ કુશળતાના તને આશીર્વાદ.
લિ.
તારી મોમ.
***
પત્ર - 2
અર્ચના ભટ્ટ, પટેલ
પ્રિય ઈશ્વર,
તને એમ થશે કે વગર શરૂઆતે હું તને સીધું જ લખવા બેસી જાઉં છું નહીં, ન તો તારા ખબરઅંતર પૂછું છું ન કોઈ પ્રણામ પાઠવું છું પણ શું કરું આદત સે મજબૂર તને હું એટલો તો અંગત માનું છું ને કે તને એટલું પૂછવાની કદર સુધ્ધાં નથી કરતી કે આજે ફરી ઘણાં સમય બાદ તને પત્ર લખવા બેઠી છું તે તું નારાજ તો નથીને ? સાચું કહું ને તો ઘણીવાર મને તને પૂછવાનું મન પણ થઈ આવે છે કે, તારે કેટ કેટલાંને સાચવવાનાં, કેટકેટલાંને રાજી પણ રાખવાનાં અને તોય જો કોઈકનું કામ પૂરું ન પડે તો બધોજ દોષનો ટોપલો તારા ઉપર નાંખવામાં અમારી આ માણસજાત સ્હેજે પણ શરમાતી તો નથી જ પણ સાથે સાથે તારું અવમૂલ્યન પણ ખરાં હૃદયથી બસ કર્યે જ રાખે છે. મને ઘણીવાર સાચું કહું ને તો તારી દયા પણ આવવા લાગે છે કે આ તારે એકલાને તે વળી કેટ કેટલી પળોજણ છે, મારાથી પણ તને કોઈ મદદ તો કરી નથી શકાતી ઉપરથી તને પણ હું ઘડી ઘડી આમ કાગળો લખીને પટાવી પટાવીને એક એક કામ તારે માથે નાંખતી જ રહું છું. હું એ પણ સમજું છું અને સાથે સાથે હૃદયથી સ્વીકારું છું પણ ખરી જ કે આમ જ્યારે હોય ત્યારે નાની નાની વાત માટે તને બોલાવવો બહુ સારો નહીં, હું કાંઈ એકલી થોડી છું? વળી તું તો જગતનો નાથ, એમ ઘડી ઘડી નાના નાના કામ માટે પણ જો તને જ હાકલ કરતી રહું તો શું મારો મનુષ્ય ધર્મ ન લાજે ? આવું કંઈ કેટલીયે વાર વિચાર્યું હશે ને તોય વળી સ્હેજ જો મને તકલી લાગે કે સ્હેજ અમસ્તો પણ મારો આત્મવિશ્વાસ ડગે ને તો હું તારી પાસે દોડી આવું છું અરજ લઈને, એ વખતે અત્યારે કરી એમાંની કોઈપણ ડાહી ડાહી વાતો મને યાદ રહેતી નથી, તારી આપેલી ગીતા પણ મેં અનેકો વાર વાંચી છે, મનુષ્યએ કર્મ પ્રધાન રહેવું જોઈએ એ સત્ય હું હૃદયથી સ્વીકારું છું છતાં પણ ક્યારેક એનો અમલ સુધ્ધાં કરી શકતી નથી, કારણ આખરે તો હું ય આ કળિયુગની જ પેદાશને.... ? મારી મા એ ભલે મને સંસ્કાર સીંચનમાં કોઈ જ પાછીપાની નથી કરી તેમ છતાં પણ હું મારી જાત પર કેટલીકવાર કળિયુગનો રંગ ચડતો અટકાવી નથી જ શકતી.
ચાલ હવે મૂળ મુદ્દાની વાત કરું, આજે મને સવારથી જ એમ થતું હતું કે કંઈક લખવું છે મારે, વિષયવસ્તુ અલબત્ત નહોતો જ, લખવા બેસીશ અને વિષય મળી આવશે તેમ માનતી હતી પણ એમાંય સફળતા ન મળી, ખેર એ તો ભાઈ થઈ મારા મૂડની વાત, કોઈકવાર એવો ભૂડ ન પણ બને એમાં તું વળી શું કરવાનો હતો હેં ? પણ ત્યાં જ મને એક વિચાર સ્ફ્યુર્યો કે મારા જીવનમાં કંઈ કેટલાંય ચડાવ ઉતરાવ આવ્યા, મને તું સતત મારી સાથે જ છે અને મારો વાળ પણ વાંકો નહીં જ થાય એવો વિશ્વાસ હું જો કેળવી શકી હોઉં તો એ બધું જ આજે મારે તને કહેવું છે, મારે તને કહેવું છે કે તું છે એટલે જ મારું અસ્તિત્વ છે, અને હા તારા થકી જ હું બધે જ સફળતાથી સફર પાર કરી શકી છું, હા મારી જવાબદારીઓની સફર.
જવાબદારી ની વાત આવી છે તો એક વાત કહું, કે મેં એવાં ઘણાં લોકો જોયાં છે જે સતત એમ કહેતાં હોય છે કે આપણે તો ભાઈ રામ રાખે તેમ રહેવું, અને આ જ સૌથી મોટું અસત્ય હોય છે એમનાં જીવનનું, કારણ રામે તો જીવન આપ્યું હતું આનંદથી જીવવા અને બીજાને જીવાડવા શું ખરેખર સૌ એ એ કર્યું ખરું ? ના... તો પછી શો હક છે કે આપણે એમ કહીએ કે આપણે તો ભાઈ રામ રાખે તેમ જીવવું ? મારે તો અહીંથી જ મારી શરૂઆત થાય છે, કે તું તો ઈશ્વર છે, તેં મને જીવન આપ્યું, હું અલબત્ત જીવી પણ ખરી, પરંતુ તારી આપેલી સાદગી મને કોઠે ન પડી તે હું ઊડવા લાગી નકલી રંગ ચડાવીને નકલી દુન્યવી દંભની પાંખો લઈને, અને તોય જ્યારે પણ એ પાંખો જમાનાનો પવન સહન ન કરી શકી ત્યારે તેં મારો હાથ કોઈ ને કોઈ પ્રકારે પકડ્યો છે જ, તો પછી તું જ કહે ભલા, કે હું તને નિર્દયી કેવી રીતે કહું ? શાળામાં ભણતી હતી ત્યારે પણ કેટલાં સહાધ્યાયીઓ હતાં કે જેઓ મને ખૂબ આસાનીથી મ્હાત કરી શકે, ત્યારે મારી મા બનીને તેં મને પોરસી પોરસીને ભણતાં શીખવ્યું, આખી રાતોની રાતો મારી સાથે ઉજાગરા કરીને મા નાં સ્વરૂપે તું જ તો મારી હિંમત બનીને મને ભણાવતો હતો, પછી તને કોઈ તારા બાળ પ્રત્યે મમતા નથી એવું પણ હું તને શી રીતે કહું હેં ઈશ્વર ?
અરે આવી તો કંઈ કેટલીયે કબૂલાતો છે છે મારે કરવાની છે, જન્મ થયો અને સમજણ આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં માતાથી લઈને મિત્ર સુધીનાં દરેક સંબંધે તેં જ તો મને આવીને ઉગારી છે હર હંમેશ, હું કેવી રીતે કહું કે તારા સુધી મારી અરજ નથી પહોંચતી ? જીવનનાં મોટાં મોટાં સંઘર્ષો હોય કે પછી નાનાં નાનાં રિસામણાં મનામણાં, તેં જ તો મને એ બધાની વચ્ચે ટકી શકું તેવું મન આપ્યું છે તો પછી હું કેવી રીતે કહું કે હે જગતનના નાથ તું મારો બેલી નથી ? સાચું કહું ને તો હવે આ ઉંમરનાં અંતિમ પડાવે હું પહોંચી છું ત્યારે મને સમજાય છે કે જે વાતમાં તું છે જ નીં એવું હું માનતી હતી તે દરેક જગ્યાએ તેં જ તો આવીને મારો હાથ ઝાલ્યો હતો, પરંતુ મારી અંતરની આંખો પાસે તને જોઈ શકવાની દિવ્ય દ્રષ્ટિનો અભાવ હતો, મારી આંખો પર કળિયુગી ચશ્મા ચડેલા હતાં, અને જે મૂળમાં હતું તે જોઈ શકવાને બદલે કંઈક બીજું જ મને ચારેકોર ભાસતું હતું, રોડ પરની ઓરેન્જ કલરની લાઈટનો રંગ મારી આંખો પર એટલો છવાયેલો હતો કે રાત્રિનાં અંધકારમાં પણ ચંદ્રમાની શીતળ ચાંદની નો પ્રકાશ મને નજરે નહોતો ચડતો, અને જ્યારે જ્યારે પણ આવો અંધારિયો પ્રકાશ મને ડિપ્રેસ કરતો ત્યારે ત્યારે ચંદ્ર સમ શીતળ વ્હાલ પણ તેં જ મને કર્યું છે અને સૂર્યની પેઠે પ્રેમ હૂંફ પણ તેં જ મને આપી છે પછી તું જ કહે ઈશ્વર કે હું કેવી રીતે ન સ્વીકારું કે તારી અદાલતમાં ન્યાય સૌ કોઈને મળે જ છે, અને મને યાદ છે મારી મા એ મને હંમેશા એક જ વાત કહી છે કે દિકરા કસોટી તો ખરા સોનાની જ થાય, હવે તું જ મારી કસોટી પણ કરતો અને તું જ મને સાચવી પણ લેતો, તારી કસોટીઓથી હું ક્યારેક તો એટલી ત્રસ્ત પણ થઈ છું કે હું તને પ્રેમ કરું છું કે પછી તારા પ્રત્યે મને ખૂબ નફરત છે તે હું કળી જ ન્હોતી શકતી.
મને આજેય યાદ છે કે ઘણીવાર દુન્યવી ઝંઝાવાતોની સામે ઝઝૂમી ઝઝૂમીને જ્યારે પણ હું થાકી જતી ત્યારે થને પણ મેં ધમકીઓ આપી હતી, કે હવે જો તું મારો રસ્તો નહીં બતાવે તો તને હું એક પોટલામાં બંધ કરીને નાંખી આવીશ ઘરનાં કોઈ ખૂણામાં, અને એ પોટલામાં તને કેદ થયાં પછી જ્યારે ગૂંગળામણ થશેને ત્યારે જ તને સમજાશે કે ભીડમાં કે સંઘર્ષોની વચ્ચે ગૂંગળાવું શું ચીજ છે, અને છતાંય એવું કરતાં મારો જીવ ક્યારેય ચાલ્યો નથી એ પણ એટલી જ હકીકત છે. કહે છે ને કે છેને આપણે બહુ પ્રેમ કરીએ તેની સાથે આપણાં વિશેષ રિસામણાં મનામણાં હોય અને એ વાત આપણને બંન્નેને જ એ ખૂબ સરસ રીતે લાગુ પડે છે, કારણ જ્યારે જ્યારે પણ તેં મારી કસોટી કરવા પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે મને તું ખૂબ કપરો કહોને કે અત્યંત વસમો લાગતો, અને એક પળે મને દુવિધામાં મૂકીને બીજી પળે તું જ મને ઉગારી પણ લેતો ત્યારે મારો તારા પ્રત્યેનો વિશ્વાસ વધુ ને વધુ દ્રઢ થતો, તારા માટેની આસક્તિ વધતી જતી મારી, મને એમ દ્રઢ પણે થઈ આવતું કે ખરેખર આ દુનિયામાં સૌથી ઉપર કોઈક એક સત્તા કામ કરી જ રહી છે જે સૌનું જતન કરે છે, પરિક્ષાઓ લે છે તો એનું સારું પરિણામ પણ આપે જ છે, અને સૌથી અગત્યની એવી એક વાત કે, આપણાં કર્મ અનુસાર આપણને વહેલો કે મોડો ન્યાય મળે જ છે, અને એવું તારા દરબારમાં શક્ય છે ઈશ્વર, અને એટલે જ તું મારો સૌપ્રથમ પ્રેમ પણ છે, જ્યારે તારી સાથે ગુસ્સામાં હોઉં ત્યારે તને અપાર ગાળો આપી હશે મેં પરંતુ આજે એક સત્ય હૃદયથી કબૂલાત કરવી છે મારે, કે તું છે એટલે જ હું ટકી શકી છું, અને તારા વિનાના સંસારમાં મારું કોઈ જ અસ્તિત્વ નથી, આ બધું અહીં પત્રમાં એટલે લખું છું કે એ બીજે ક્યાંય પણ કોઈ પણ સ્થળે મારું અભિમાન કે અંધશ્રધ્ધા બનીને વાણી દ્વારા ન છલકાય, પણ સત્ય હૃદયથી જ્યારે આ વાત નીકળી જ છે તો લખીને જણાવવી, આ પત્ર ક્યાં પોસ્ટ કરી શકાય એવો છે, આ તો મન મંદિરમાં વાગોળવાની જ વાત છે પરંતુ જેમ તારા નામની નોટો ભરીને કોઈ ભંદિરમાં મૂકી આવીએ ને એ જ રીતે આજે આ પત્ર હું આપણાં ઘરનાં તારા નિવાસસ્થાન કહેવાતા એવાં મંદિરમાં જ તને અર્પણ કરી દઈશ, અને મને શ્રધ્ધા નહીં પણ અખંડ વિશ્વાસ છે કે મારો પ્રેમ, વિશ્વાસ અને તારી માટેનો અનુરાગ તારા સુધી પહોંચશે જ, અને તોય તું તો મારો જ છે એટલે તારો આભાર નથી માનતી પરંતુ તને હૃદયમાં પ્રેમથી સ્થાયી રાખી શકું એવો અનુરાગ તુજ સમક્ષ અહીં મારાં પત્ર દ્વારા વ્યક્ત કરું છું, આને મારી અરજ ગણે તો અરજ અને મારો એક પ્રેમી ભક્તનો હક ગણે તો હક પણ આમ જ મારી સામું જોતો રહેજે હોં...
બસ અહીં જ અટકું, ફરી પાછી આમ જ હૃદયની વાત લઈને આવી ચડીશ ગમે તે સમયે, તારું સાંનિધ્ય કેળવવા..
વંદન,
હું તો ઈશ્વર તારી જ છું ને....
લિ. મારાં ઝાઝાં ઝુહાર.....
***
પત્ર - 3
આશા શાહ
મારી વ્હાલી દીકરી,
ભુજ થી લિખિતન તારી મમ્માના જયશ્રીકૃષ્ણ વાંચજે. આ પત્ર મળશે ત્યારે તને નવાઈ તો જરૂર લાગશે કે, આજે જ્યારે વિડિયો કોલ અને વેબકેમની જબરજસ્ત સુવિધા છે જેના દ્વારા તમે સામે બેસીને વાતો કરી રહ્યા હોય એવું લાગે એવા આધુનિક અને યાંત્રિક યુગમાં મારી મમ્મા મને પત્ર લખી રહી છે.. ?? પણ….. દીકરા, ક્યારેક જે વાત કહેવા માટે શબ્દોને જીવ્હા સાથે સંતાકૂકડી રમવી પડે છે એ વાત, એ લાગણી આપણે પત્ર દ્વારા સુપેરે આલેખી શકીએ છીએ. જે વાત માટે હૈયાથી હોઠ સુધીનું અંતર કાપવું અઘરું પડી જાય છે એ વાત લાગણી નીતરતાં અક્ષરો દ્વારા ઝડપથી કહેવાઈ જાય છે. એટલે જ આજે મેં મારા મનની લાગણીઓને તારી સમક્ષ મૂકવા માટે પત્રનો સધિયારો લીધો છે.
દીક્કુ, તને તો યાદ જ હશે કે, ઘરનાં વડીલ સભ્યોના વિરોધના વંટોળ વચ્ચે પણ મેં અને તારા પપ્પાએ અડગ રહીને તને બે મહિના પહેલા ઉચ્ચશિક્ષણ માટે આપણાં ઘર અને શહેરથી દૂર હૉસ્ટેલમાં રહીને ભણવા મોકલાવી. બારમાં ધોરણ સુધીના અભ્યાસમાં હમેંશા અવ્વલ આવનારી મારી લાડકડીને પૂરા જોમ અને જુસ્સા સાથે પ્રગતિનો પંથ કાપવા હ્રદય ઉપર પથ્થર મૂકીને પહેલી વાર મારાથી અડગી કરી છે ત્યારે ભીંત ફાડીને ઊગી નીકળતા પીપળાની જેમ મારા ભાવવિશ્વમાં આજે યાદો ઊગી નીકળી છે.
બેટા, તારો જન્મ એ મારા માટે પણ બીજા જન્મ સમાન જ તો હતો. તને પામીને જ તો હું પૂર્ણ સ્ત્રીત્વને પામી શકી. તારા જન્મનો પ્રસંગ આજે પણ મારા મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોને લઈ આવે છે અને અશ્રુથી ધૂંધળી બનેલી મારી આંખોમાં સત્તર વર્ષ પહેલાનું એ દ્રશ્ય તરવરી ઉઠેછે. નવજાત, ગોરી-ગોરી નાનકડી ઢીંગલી, મારા હાડ-માંસમાંથી જ સિંચાયેલ મારો પોતાનો જ અંશ... નવ-નવ મહિનાથી તારા આગમનની કરેલી કલ્પના, તારા પ્રથમ સ્પર્શ સાથે મારા હ્રદયમાં ઊર્મિઓના પ્રચંડ પૂરને છલકાવતી ગઈ અને વીસ વર્ષની મુગ્ધાને ‘મમ્મા’ નો દરજ્જો આપતી ગઈ.
દીકરા, આશાની ઊજળી કિનાર સાથે હું જે ભાવવિશ્ર્વમાં વિહરી રહી હતી ત્યાં આજે પણ અગણિત દ્રશ્યો ઊર્મિઓના મોજા પર સવાર થઈને યાદો બનીને મારા મનોઆકાશમાં ચમકી રહ્યાં છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે... જાણ્યાં છે... અનુભવ્યા છે... તને પહેલી વાર સ્તનપાન કરાવતી વખતે તારી નાજૂક આંગળીઓ અને તારા ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ, એ રોમાંચ, તારો પહેલો ફૂટેલો દાંત, તારું ભરાયેલું પહેલું ડગલું, તારા મુખેથી બોલાયેલો પહેલો શબ્દ, તારી શાળાનો પ્રથમ દિવસ, તારું હાસ્ય, તારું રૂદન, તારી કાલીઘેલી ભાષા… આજે પણ મારા શ્વાસે શ્વાસમાં જીવંત બનીને ધડકી રહ્યાં છે.
બેટા, અત્યાર સુધી તું તારા પપ્પાના છત્ર અને મારા પાલવની છાયામાં જ રહેવા ટેવાયેલી હતી. ઘરની અંદર તું દરેકે દરેક સભ્યના સ્વભાવ અને ગમા-અણગમાથી પૂર્ણતા પરિચિત હતી. પણ હવે તારે એક અજાણી જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ સાથે રહેવાનું છે, નવા સંબધો વિકસાવવાના છે. પરંતુ... અહીં એ યાદ રાખવું ઘટે કે, અત્યારે તું તારા જીવનના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છો, અને એ છે... બાળપણ અને યુવાની વચ્ચેની સેતુ સમાન અવસ્થા એટલે ‘કિશોરાવસ્થા’ અથવા ‘ટીનએજ’. જીવનની આ અવસ્થા દરમ્યાન વ્યક્તિનું મન હરહમેંશ કંઈક નવું પામવાની જિજ્ઞાસા સેવતું રહે છે અને એ જિજ્ઞાસા, એ કુતુહલતા સંતોષવા માટે કયારેક ન કરવાનું કરી બેસતા હોય છે. નવા સંબધોની આંટીઘૂટીમાં પોતાની જાતને ખોઈ બેસતા હોય છે. દીક્કા, સંબંધો બાંધવા તો બહુ સહેલા હોય છે પણ એને નિભાવવા બહુ જ અઘરા હોય છે. સંબંધોનું સૌંદર્ય જળવાય તો જ ગુલમહોરની જેમ તે જીવનના તાપમાં અંતરને ઠંડક અર્પી શકે છે. અત્યાર સુધી તો તું અમારી સાથે હતી એટલે તેં તારા જીવનમાં ભરેલા દરેકે દરેક ડગલાની હું સાક્ષી રહી હતી પરંતુ હવે તું ત્યાં એકલી છો એટલે હું તને આટલું તો જરૂર કહીશ કે, હવે પછી તારા જીવનમાં આવનારા તમામે સંબંધોને ઓળખી એનું બરાબર મૂલ્ય સમજી તેને નિભાવતાં જરૂર શીખજે. પછી તે લોહીના સંબંધો હોય કે લાગણીના, મિત્રતાના સંબંધ હોય કે વિજાતીય આકર્ષણના... બેટા, દરેકે દરેક સંબંધની ગરિમા જાળવતાં જરૂર શીખજે.
મારી લાડલી, મેં અને તારા પપ્પાએ તો ક્યારેય તું દીકરીની જાત છો એટલે અમૂક વસ્તુ તારાથી થાય ને અમૂક ન થાય એવો ભેદભાવ નથી કર્યો. હર હમેંશ તને પુત્ર સમોવડી સમજીને તારા સ્વપ્નોને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે તને અત્યાર સુધીમાં તેં માંગેલું કે ઈચ્છેલું બધું જ મળ્યું છે પણ હવે તારા જીવનની ગાડીએ અલગ પાટા ઉપર દોડવાનું શરૂ કર્યુ છે એટલે બની શકે કે, શરૂ શરૂમાં તું જે ધાર એમાં તને ૧૦૦% સફળતા કદાચ ન પણ મળે, બની શકે કે તને કયારેક નિષ્ફળતાનો પણ સ્વાદ ચાખવો પડે પણ... દીકરી, પોતાની જાત ઉપર સંપૂર્ણ આત્મ વિશ્વાસ રાખીને જો તું આગળ વધીશ તો પરાજયને પણ વિજયમાં અવશ્ય પલટાવી શકીશ. કંઈક નવું શીખવાની ધગશ, ઉત્સાહ જ વ્યક્તિને આગળ લઈ આવે છે. પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખીને પોતાના અનુભવોને રચનાત્મક કાર્યમાં વાપરવાથી પોતાની જાતને દયામણી બનવાથી અચૂક બચાવી શકાય છે.
એવું પણ બની શકે કે, કદાચ તેં તારા મનોમસ્તિષ્કમાં અંકિત કરેલી સફળતા ન પણ મળે પરંતુ એનાથી હારી જઈને ક્યારેય જીવન નષ્ટ કરવાનું જેવું ખોટું પગલું ભરવાનો વિચાર સુધ્ધાં ન કરજે. ચડતી પડતી અને કસોટીઓ તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ રહે છે અને એમાંથી સાંગોપાંગ બહાર નીકળવું એ જ મોટી વાત છે. હતાશ વ્યક્તિના જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક તો હજારો નિરાશામાંથી પણ આશાનું એક કિરણ ચોક્કસ ઝબકે છે પરંતુ એના માટે જીવન હોવું પણ એટલું જ જરૂરી છે. સ્વજનો અને મિત્રો સામે પોતાના મનની વાત મૂકીને અને હતાશાને ખંખેરીને આગળ વધવામાં જ સમજદારી છે એ વાત હમેંશા યાદ રાખજે.
સમય અને સંજોગો કેટકેટલા પરિવર્તન લાવી દે છે નહિં... ??? આજે એકવીસમી સદીમાં તમે લોકો બધી વાત જે નિખાલસતાથી કરી શકો છો તેવી વાત અમારા સમયમાં અમે કરી હોત તો અમને બેશરમનું બિરૂદ મળી જાત. ખેર, પરિવર્તન તો સંસારનો નિયમ છે અને એને અપનાવીને ચાલવામાં જ સાર છે અને તું અત્યારે જીવનના જે તબક્કામાંથી પસાર થઈ રહી છો એમાં હું તારી મમ્માની સાથે-સાથે તારી સારામાં સારી મિત્ર પણ બનવા માગું છું. અત્યાર સુધી તેં તારા જીવનમાં બનેલી તમામે તમામ સારી નરસી બાબતોને મારી સાથે વહેંચી છે એવી જ રીતે બકા!! આગળ પણ મને બેસ્ટ ફ્રેંડ બનાવીને તારા મનમાં ઉઠતાં તમામ સવાલો અને એના માટે તારા મગજમાં ઝબકેલા જવાબોને પણ મારી સાથે અવશ્ય ‘શેર’ કરજે.
જો દીકરા, મને ખબર છે કે, સ્પ્રિંગને જેટલી દબાવો એટલી વધુ ઉછળે એટલે હું તારી જાતને કોઈ એક કોચલામાં સંકોચાવાનું નથી કહેતી, તને તારી રીતે રહેવાની, જીવવાની, વિચારવાની અને આગળનું ભવિષ્ય પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અમે આપી જ છે પણ... બેટા સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે ફક્ત એક પાતળી ભેદરેખા જ આવેલી છે એટલે બંને વચ્ચેનું અંતર સમજદારી પૂર્વક જાળવી રાખવું પણ એટલું જ જરૂરી બને છે.
અને અંતમાં... બેટા, આવનારા આ પાંચેક વર્ષ દરમ્યાન તું અમારાથી દૂર રહીને પોતાનું નવજીવન શરૂ કરવા જઈ રહી છો ત્યારે તારા સૌ અરમાન પૂર્ણ થાય અને અનંતના આશિર્વાદ તારા ઉપર સદા વરસતા રહે અને તું હમેંશા ખીલતી રહે એવી અભ્યર્થના સહ,
તારી મમ્માનું વ્હાલ...
***
પત્ર - 4
ભૌતિક પટેલ
વ્હાલી મમ્મી,
મમ્મી હું આજ ૨૩ વર્ષનો યુવાન થઇ ગયો છુ. કાલે સવારે તો હજુ તુ મારું ડાયપર બદલાવતી હતી ને આજ હું જીન્સ પહેરતો થઇ ગયો છુ. પણ આજે પણ હું તને જોવ છુ તો એક પ્રેમી તેની પ્રેમિકાને જેટલો વ્હાલ કરે છે તેના થી પણ વધારે તુ મને પ્રેમ કરે છે.
હજુ તુ મને એટલો જ પ્રેમ કરે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ રાધા ને કર્યો હતો. હા ! દરેક માં પોતાના પુત્ર વધુ વહાલો હોય છે. હું પણ જાણું છું તારો આ વહાલનો દરિયો હું ૬૦ વર્ષનો બુઢો થઇ જાવ ત્યારે પણ મારે જોવો છે માં !.
તુ જયારે દીકરો કહીને સંબોધે છે ત્યારે મને લાગે છે કે સ્વર્ગનું સુખ તારા ચરણોમાં જ છે.
મને રમકડા ખરીદી આપતી, મને એકડા અને બારક્ષરી શીખવાડતી હતી અને આજે જો તારો દીકરો તારા ઘુટેલા એકડાથી એન્જીન્યર બની ગયો છે. મારી દરેક પરિક્ષા જે ૧૦ની હોય કે પછી ૧૨ની હોય કે પછી કોલેજની હોય તે બધી પરિક્ષા જાણે તુ પણ ના આપતી હોય તેમ તે મારો સાથ આપ્યો છે. રાત્રે ૩. ૦૦ વાગ્યે પણ જાગીને તે મારા માટે ચા બનાવી છે. મારી સાથે જાગીને તે પણ રામાયણ, મહાભારતના પુસ્તકો વાંગોળ્યા છે. જયારે મને કઈ પણ થતું ત્યારે તુ ૨૪. ૦૦ કલાક મારી પાસે ઉભી રહી જતી અને કહેતી : “બેટા ચિંતા ના કરીશ તને વહેલા સારું થઇ જાય તે માટે મેં ભગવાનને પ્રાથના કરી છે. ” કેવી સરસ નિખાલસતા, કરુણા, દયા જે તારી પાસે છે તે બીજા કોઈની પાસે નહિ હોય તેવું કદાચ હું માનું છું.
અત્યારે હું આ પત્ર લખવા બેઠો છુ ત્યારે મારા હાથ ધ્રુજે છે. મમ્મી હું તારી સરખામણી કોની સાથે કરું ભગવાન સાથે ? નહિ !
“તુ જ મારી ભગવાન છે તું જ મારી ઈશ્વર અને અલ્લાહ છે. ”
જયારે તને કોઈ પૂછે કે તમે શું કરો છો ? અને તું તેમ કહે કે હું તો માત્ર ગૃહિણી છુ અને સામે વાળા વ્યક્તિની તારા પ્રત્યેની પ્રતિક્રિયા જોઈ ને મને ખુબજ ઘીન્ન ચડે છે. મારે તેવી પ્રતિક્રિયા આપતા વ્યક્તિઓને ગૃહિણીની સાચી વ્યાખ્યા સમજાવવી છે : “આ એ માં છે જે સવારે વહેલા ઉઠીને પોતાના દીકરા માટે નાસ્તો બનાવે છે, ટીફીન બનાવે છે (જે પહેલા પૂછે છે કે બેટા આજે શેનું શાક બનવું ?), કપડા ધોવે છે, વાસણ માંજે છે અને તે ઉપરાંત પણ તે પરિવાર માટે બીજું કેટ કેટલું કામ કરે છે આ બધુજ નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર કરે છે. અને મુખ પરનું સ્મિતતો એવું કે આખા ઘરનું દીલ જીતી લે.
માં જેમ તે મારો સાથ આપ્યો છે તેમ તે અર્ધાંગીની બનીને મારા પપ્પાનો પણ એટલોજ સાથ આપ્યો છે. સુખ હોય કે દુખ બધામાં સરખો હિસ્સો બની છો. જયારે પપ્પા મને POCKET-MONEY આપતા ત્યારે તું પણ તારા પોતાના પૈસા મને વાપરવા આપતી. જયારે હું નાનો હતો ત્યારે બાજુવાળા માસી કોઈ શીકાયત કે ફરિયાદ લઈને આવે ત્યારે તને ખબર હોય કે મારો વાંક છે છતાં મારા બચાવ માં તુ તારો જીવ રેડી દેતી. હમેશા મારો દીકરો છે તેમ કહી ને બોલાવતી ત્યારે મન માં જ મને ગર્વ થતું.
અને આજે પણ મને ગર્વ છે કે હું તારો દીકરો છું. કોઈ તને કઈ પણ સંભળાવી દે એ તુ સહન કરી શકે માં ! પણ હું તેને સહન નહિ કરી શકું જોર થી બે વળગાવી દઈશ. પછી ભલે તે કોઈ પણ હોય.
મમ્મી તુ મને હમેશા કહેતી કે હું વૃદ્ધ થઇ જઈશ પછી તું મને સાચવીશ કે વૃધ્ધાશ્રમમાં મૂકી આવીશ ? કદાચ આ એક એવો સવાલ છે જે દરેક માંના મનના ખૂણામાં રહીને ખપે છે. અને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. કારણકે આવા પ્રશ્નો આપણા આસપાસ ના જીવનમાં બનતા હોય છે.
પણ મમ્મી હું તને એટલું ચોક્કસ પણે કહેવા માંગીશ કે આજે સવાલનો જવાબ હું “હા” પાડીને આપી તો દઈશ પરંતુ સાચું તો એજ છે કે આને હું નિભાવીને આપીશ.
મમ્મી હું તને પ્રોમીશ આપું છું કે હું તને મારાથી ક્યારેય છૂટી નહિ પડવા દઉં. તે પછી ભલે ગમે તે સંજોગો વેઠવા પડે આપણે બને સાથે સુખ:દુખ માણીશું અરે તું જયારે વૃધ્ધ થઇ જઈશ ત્યારે લાકડીનો ટેકો બનશે આ તારો છોકરો.
અને જયારે તું જાતે જમી નહિ શકે ને ત્યારે મારા હાથેથી કોળીયો આપીશ તને એ મારું પ્રોમીશ છે તને.
મમ્મી તને યાદ છે જયારે હું નાનો હતો ત્યારે આપણી કાકાની દુકાન માંથી મેં કોઈને પુછીયા વિના ૫ રૂપિયા ની નોટ લઇ લીધી હતી. ત્યારે તો તે કશું જ ન હતું કહયું પરંતુ ઘરે આવીને મને બે લફાટ મારી દીધી હતી તારા સંસ્કારો હજુ અકબંધ છે મારી પાસે જ મને ખોટું કરવા બેસું ત્યારે મને તું યાદ આવી જાય છે તેના કારણે જ મેં આજ સુધી દારૂ, ઈંડા જેવી કઈ પણ વસ્તુને હાથ નથી લગાડ્યો.
હા ! મારા દોસ્ત લોકો બિન્દાસ બધું કરે છે પણ હું તેની સાથે બેસીને તેનો તમાશો જોવ છું.
મારે તને એ પણ કહેવું છું કે હું કોલજ માં આવીને એકવાર ભાન ગુમાવીને SMOKING કરેલું પરંતુ પાછળ થી પસ્તાવો પણ થયો હતો. તું આના માટે મને લફાટ મારી શકે છે. પરંતુ તું આવું નહિ કર એ મને ખબર છે. તું મને માફ કરી દઈશ.
મમ્મી તને યાદ છે. આપણે બંને એકવાર “તારે જમીન પે” જોઈ રહ્યા હતા. તને પેલું ગીત યાદ છે જે “તુજે સબ હે પતા હે ના માં મેરી માં”
તે જોઈ ને તે સાંભળીને હું કેટલી વાર રડ્યો છું. દીલ મુકીને રડ્યો છું. અરે તે ગીત સાંભળીને દરેક માં ના ચહેરા પર પણ આંસુ આવી જાય છે.
ક્યારેક કોઈ કારણોસર તું બહારગામ જતી અને હું ઘરમાં એકલો પડી જતો ત્યારે એક દિવસ માં હજારો વાર તું મને યાદ આવતી હતી પણ હું તને ફોન નહોતો કરી શકતો કારણકે હું તને ફોન કરું તો મારું પુરુષત્વ ઝાંખુ પડી જાય તેનો ડર હતો. તને ખબર હતી કે મારો દીકરો એકલો હશે એટલે જ તો તું મને ફોન કરતી અને પૂછતી બેટા ! જમ્યો કે નહિ ? કોને ત્યાં જમ્યો ? અને કેટ કેટલાય સવાલો !
માં પછીની પેઢીએ મમ્મી નામનો શબ્દ ઉચ્ચાર્યો અને હવે મોમ નામનો શબ્દ ઉચ્ચારી રહી છે. પરંતુ મને તો મમ્મી કહીને જ બોલાવતા આવડે છે. બીજા ઘણા બધા મોમ કહેતા હશે. પરંતુ મારા માટે તો તું મમ્મી જ છે અને રહીશ.
મમ્મી આપણે કાલે બેઠા હતા ને તે મારા લગ્ન માટેની વાત ઉચ્ચારેલી તે એ પણ કહયું જો તને ગમતી છોકરી હોય તો કે જે આપણે તેના મમ્મી પપ્પા પાસે જઈશું અને વાત કરીશું અમે ખોટું નહિ લગાડીએ.
હા ! મમ્મી મને છોકરી ગમશે પરંતુ મારી પસંદ કરેલી નહિ. તારી પસંદ કરેલી. હું તું જ્યાં કહીશ ત્યાં લગ્ન કરવા તૈયાર છું પણ મમ્મી મને એક વાર નો ડર છે. મારા લગ્ન પાછી તારી સાથેના પ્રેમ ઓછરતો તો નહિ જાય ને ?
મમ્મી મારે તને એ ત્રણ words કહેવા છે, જે હું અજ સુધી બોલી શક્યો નથી. કદાચ પુરુષોનું જીવન જ એવું હશે જે સહેલાઈથી કહી શકતા નથી. પણ આજે મારે કહેવું છે.
“ મમ્મી ! I LOVE YOU “
હું તને ખુબ જ પ્રેમ કરું છું. હું હજુ ભગવાનણે એ જ પ્રાથના કરીશ કે આવતા જન્મમાં તું જ મને મળે. તારું મ્રાતુંતત્વ પામીને હું ધન્ય થઇ ગયો છું.
તું આ પ્રત્ર વાચીશ ત્યારે તારી આખોમાં આંસુ હશે, પરંતુ એમ માનીશ કે તે હરખના આંસુ હશે.
મમ્મી હજુ એક word તો રહી જ ગયો જે most important છે.
“ THANK YOU !”
“રાત ભર જન્નતકી શેર કર રહા થા,
જબ સુબાહ આખે ખુલી તો પતા ચલા માં કે કદમો મેં સો રહા થા !”
લી.
તારો વ્હાલો પ્રુત્ર
***
પત્ર - 5
ભવ્ય રાવલ
તારા વિનાની વાત..
પ્રિય, મારા વિનાની તનેને..
એક એ સમય હતો અને એક આજનો સમય છે. મારા નામ અને આપણા સંબંધો સિવાય ઘણુંબધુ બદલાઈ ગયુ છે. દિવસો, મહિનાઓ, વર્ષ અને ઋતુઓ નિરંતર પસાર થતી જાય છે, તહેવારો, ઉત્સવો, પ્રસંગો ઉદાસીથી ઉજવાતા જતાં રહે છે. ભણતર અને અનુભવ, સંઘર્ષ અને સફળતા, ભીડની એકલતા વચ્ચે ક્યાંક આભાસ કરાવતો તારો એ નમણો ચેહરો અને સાંજનાં સમયે અજાણ્યા નંબર પરથી આવેલા બ્લેન્ક ફોન કોલ્સમાં સંભળાતા તારા હદયનાં ધબકાર અને કેટકેટલું જાણે તારા આવવાની જોરશોરથી આગાહી કરે છે. તારે મારી પાસે આવવું છે એટલે નહીં, મારે તું પાસે જોઈએ છે એટલે..
કારણ, હવે આંસુઑ સુકાવી શકે એવા ખભ્ભા મળતા નથી. સુખનાં સરનામા અને દુ:ખ ઓસડની હવે હરેરાજી થાય છે. સ્વાર્થી ન હતો, પણ બધેથી સ્વાર્થીઓનો શિકાર બની હું પણ છેતરાઈને થોડોઘણો હવે પ્રેક્ટિકલ બની ગયો છું. મારી અધૂરપને તારી જાણે તાતી જરૂરત વર્તાય છે. આ કારણોસર તને નવાઈ લાગશે પણ હમણાથી હું ઘણો બદલાઈ ગયો છું, બદલાઈ રહ્યો છું. કદાચ બદલાવવું પડ્યું છે. કદાચ મારાથી હારી, કદાચ બીજા માટે અને કદાચ જો તને હું જે હતો તેનાથી આ રીતે વધુ આકર્ષિ શકું અને તું મારી પાસે ભાગતી દોડીને આવે. પણ હા, હું બદલાયો ભલે હોય પણ આમ તો હજુ એવોને એવો જ છું અને એવો એટલે..
તું મને ધમકાવતી ત્યારે દબાયેલું હસીને જાણીજોઈ ડરી જતો એવો. તારા માટે બીજા પાસે ખોટું બોલતો અને તને ખોટું થાય તો ઈશ્વરને કડક ફટકાર આપું એવો. લોકો માટે જેવો તેવો પણ તારા માટે હું એવો ને એવો થોડો ફેંકું પણ હંમેશા ફેક્ટનાં પડખે હૌઉ છું. અકડુ ઘણાને નથી ગમતો એવો છતાં તારા પાસે સદાય નમતો. વગેરે વગેરે શું-શું કહું? તું તારાથી વધુ મને જાણે છે, ઓળખે છે, છતાં સો વાતની એક વાત કહી જ આપું. ઘણીવાર પાનાંને પાનાં ટાઇપ કરી બેકસ્પેસ મારી દીધી. સેવ કરેલી ફાઇલ ડિલીટ કરી નાખી. અંતે ન રહેવાયું અને તને પૂછ્યા વિના જ તારા માટે એક પુસ્તક લખી નાખ્યુ છે. તું પુસ્તક વાંચી મારા ઓટોગ્રાફ લેવા આવે એટલે નહીં પણ હા, મારા ફોટોગ્રાફ અને આપણા બાયોગ્રાફ સમી એકાદ યાદગીરી તારી પાસે રહે માટે. બાકી લખવું એ નશો અને પેશો છે અને તું હિસ્સો છે. મારા જીવનનો હિસ્સો એટલે..
જેના વિના હું હું નથી. હું નથી ત્યાં તું નથી અને તું નથી એ હર મહેફિલ, એ હર ખુશીનો અવસર, એ હર દુ:ખની ક્ષણ, વસ્તુની મજા અને વિચારનું મનોવિશ્વ મને નિર્જીવ ભાસે છે. કારણ સ્પષ્ટ છે, કારણ તું નથી. તું નથી તો કશું નથી. જીવનનો હિસ્સો તૂટીને અલગ થઈ ગયો છે અને એ તૂટન, એ વિખૂટાપન થકી જાણે સઘળું એક જીવન જીવવાની વ્યવસ્થાનો ભાગ લાગે છે. હવે પ્રેમમાંથી પૈસા મહત્વના બની ગયા છે. પ્રતિષ્ઠા આવી છે. ગમતી વસ્તુ ખરીદી શકું છું, ગમતી વ્યક્તિ પામી ક્યારે શકીશ? કેટલાય સવાલના જવાબ નથી. હવે ફેસબુકની પોસ્ટથી લઈ સરકારી અરજી કોઈ પાસે વંચાવ્યા વિના જ... કોઈ પાસે શું તારી પાસે કશું પણ પઠન કર્યા વિના પ્રસિદ્ધ થતું રહે છે. ફક્ત વાત અહિયાંથી ખતમ થતી નથી. તું નથી તો વાત શેઅર કરવા માટે કોને શું કહેવું, કેમ કહેવું અરે.. ખબર નથી પડતી વર્તવું કેમ? અગણિત પ્રશ્નોના જવાબ નથી એવું કોયડું રચાતું જાય છે જેમાં શૂન્યતા અને ખાલીપો છે. એ શૂન્યતા અને ખાલીપો એટલે..
ભેળસેળીયું જીવાય રહ્યું છે. આંગળીના નખ ખાવાની આદત છૂટી નથી, રાતે વહેલો સૂઈ જાવ છું. દરરોજ નાહતો નથી અને ખાસ તો મારો ચેહરો અરીસામાં હું જોઈ શકું નહીં એટલે દાઢી વધારી લીધી છે. એક ફાયદો એ થયો કે, લોકો મારા ચહેરાનાં ભાવ વાંચી ન શકે. મનમાં એનેકો સવાલ-શંકા અને પોતાના પાસે શેઅર ન કરી શકાય તેવી વાતોનો સંગ્રહ થઈ પડ્યો છે. કોઈને બોલાવી કે બતાવી ન શકું એવું અદ્રશ્ય અતીત લઈ બેઠો છું.. કોને કહું? કોણ સમજશે? અને કદાચ કોઈને કહી દઉં, કોઈ સમજી જશે તો પણ શું? તે તું તો નહીં જ હોય ને? તું નહીં તો કોઈ નહીં. તને ખબર જ હશે આજકાલનાં ભારતીય સમાજ અને ખાસ તો ગુજરાતી છોકરા/છોકરીઓની પોતાના પ્રેમિ/કા, પતિ/ત્નિ માટેની માનસિકતા વિચિત્ર બનતી જાય છે. એ બધુ જ જીણવટથી શેઅર કરે એવું ઈચ્છે છે. ખબર છે કેવું સૂક્ષ્મ શેરિંગ?? તેનો/ની પાર્ટનર ક્યાં હતો/તી થી લઈ જવાનો/ની તથા બેંક એકાઉન્ટથી ડિટેઈલ્સ, સેલેરી, ફેસબુક પાસવર્ડ અને મોબાઈલ સિક્યુરિટી પેટનથી લઈ શું શું પણ યાર તેમને પોતાના પાર્ટનરની ફિગર, કૂકિંગ રેસીપી લિસ્ટ કે કે પછી સૌથી મોટું તેમને શું ગમે, ન ગમે એ અંગે ખ્યાલ હોતો નથી. અજાણ નથી હોતા પણ જાણવા માગતા નથી. જ્યારે આપણે તો આ સિવાયનું બધુ દિલફોડી શેઅર કર્યું છે. તું ટાઇમમાં બેસતી એ તારીખની મને ખબર રહેતી અને હમણાં-હમણાં તારી બર્થડેટ કે મેરિજ એનિવર્સિરી યાદ રહેતી નથી. કેમ કે, તને હવે ઉપહારો આપવાના અને પત્રો લખવાના થતા નથી. કોણ જાણે આજે નાછૂટકે થોડું લખી નાખ્યુ છે. તું વાંચીને આજેપણ તારું મહત્વ સમજે એટલે નહીં પણ થોડું લખ્યું એટલે..
પહેલા તું હતી તો થોડું પણ ઘણું લાગતું અને હવે તું નથી તો ઘણું પણ કશું લાગતું નથી. ખૈર, કાફી છે આટલું.. નહીં? તારા-મારા-આપણા અને એકલા આજ માટે. આશા રાખું તારા વિશેની વાત તારા સિવાયનાં બધા વાંચશે તો પણ તારા વિનાનાં મને અને મારા વિનાની તને અને આપણી એકબીજા વિનાની વાતને પોતાની સમજી કોઈ ભૂતકાળનાં જાણીતા બનેલા અજાણ્યાને સમજાશે કે, કોઈનાં વિનાની વાત કોઈનાં વિના પણ કરી શકાય. બસ કોઈ હોવું જોઈએ. બાકી ઘણા હોવા છતાં હોતા નથી અને કોઈ એક ન હોવા છતાંય હોય છે. જો આ રહ્યું. હકીકતમાં ન હોવા છતાં હંમેશ છો ને?
લી.
તારા વિનાની વાત તારા વગર લખનાર..
પ્રિય, મારા વિનાની તનેને..
***
પત્ર - 6
ચેતન ગજ્જર
પ્રિય ભગવાન,
સરનામુઃ મંદિર, મસ્જિદ, ચર્ચ જ્યાં જ્યાં લોકો તને શોધવા જાય છે. આ પત્ર જ્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવામા આવે છે ત્યાં, એ બાબઓને પણ રૂબરૂ આપ્યો જે તારી સાથે વાતો કરે છે. એવા ભૂવાઓને પણ આપ્યો જેના ઘરે તુ હાજરા હજૂર છે. તારા સુઘી પહોંચવાના બધા પ્રયત્નો હુ કરી ચુક્યો છુ. છેલ્લે માતૃભાર્તિ એપ પર મુકુ છુ કદાચ તારી પાસે સ્માર્ટફોન હોય અને તુ વાંચી લે.
તુ કોણ છે એ હુ જાણતો નથી અને જાણુ પણ છુ. નામ તો બહુ સાંભળ્યુ છે પણ કદાપિ મુલાકાત નથી થઇ. અલગ અલગ પ્રકારના લોકો તને અલગ અલગ નામથી બોલાવે છે. હિન્દુઓ તને ભગવાન કહે છે અને તેમાં પણ તેત્રીસ કરોઙ વિકલ્પ છે. મુસ્લિમ અલ્લાહ, ખ્રિસ્તિ લોકો તને ગોઙ અને બીજા ઘણાબધા. મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો એટલે સૌથી પહેલો તારો પરિચય ભગવાન તરીકે થયો એટલે તને ભગવાન સંબોધુ છુ.
જ્યારે જ્યારે સવાલ પૂછતો કે ભગવાન કોણ છે? અને ક્યાં છે? ત્યારે જવાબ મળતો કે ભગવાન દુનિયાનો સર્જનહાર છે, સર્વેસર્વા છે જે આ દુનિયાને ચલાવે છે. સાદી ભાષામાં કહીએ તો ભગવાન આપણા માબાપ છે અને ઉપર સ્વર્ગંમાં રહે છે. ભગવાન કેવો દેખાય અને એમનુ ઘર સ્વર્ગ કેવુ હોય એ જીજ્ઞાશા ટી. વી. પર આવતી સીરીયલો પૂરી કરી દેતી. મારી પાસે વિશ્વાસ કરવા સિવાય કોઇ વિકલ્પ નહોતો કારણ કે બઘા જે મારા આદર્શ હતા, માતા પિતા, શિક્ષકો, ભાઇ બહેનો, મિત્રો એ બઘા તને માનતો હતા, તને પૂજતા હતા એટલે અમુક સવાલ તો હુ પૂછીજ ના શક્યો. પણ નાસ્તિક મન સવાલ પૂછી લેતુ અને જવાબ પણ એકજ મળતો જે ગુલામ માનસિકતા વાળો, સત્યની અવગણના કરતો અને સવાલોથી દૂર ભાગતો આસ્તિક આપે છે “શ્રઘ્ઘાના વિષયમાં સવાલ ના હોય”. જ્યારે તમને આ સાંભળવા મળે ત્યારા સમજવુ કે આસ્તિક પાસે તમારા તર્કસંગત સવાલોના જવાબ નથી.
તને ખ્યાલ તો આવી ગયો હશે કે હુ પ્રખર નાસ્તિક છુ. તારામાં રતીભર પણ વિશ્વાસ નથી. તો પછી જેનુ અસ્તિત્વ નથી એને પત્ર કેમ? પત્રના અંતમાં સમજાઇ જશે.
હુ નાનપણથીજ સાંભળતો આવ્યો છુ કા “ભગવાન સૌનુ ભલુ કરે છે”“ભગવાન સૌને સદબુઘ્ઘિ આપજે” “ઉપરવાળો બઘુ જોઇ રહ્યો છે” “ઉપરવાળાના મારમાં અવાજ નથી હોતો” “એ ન્યાય કરશે” “ભગવાન જે કરે છે તે સારા માટેજ કરે છે” “ભગવાનની મરજી વિરુઘ્ઘ પાંદઙુ પણ નથી હલતુ”. એક ઉમર સુઘી હુ પણ આ બઘા વાક્યોમાં આંઘળો વિશ્વાસ કરતો હતો જ્યાં સુઘી મારી સમજ વિકસી નહોતી ત્યાં સુઘી.
હુ મારી વાત નહિ કરુ કારણ કે તને લાગશે કે મારા પર વીતી છે એટલે હુ ગુસ્સે છુ અને મારી ભઙાશ કાઢુ છુ. હા હુ ભઙાશ કાઢુ છુ આ ગુલામ મનના સમાજ માટે જે હજારો દુખ વેઠે છે. એકદમ નિમ્ન કક્ષાની જીંદગી જીવે છે છતા તને પૂજે છે. એ સમાજ જે પોતે ભૂખ્યો રહે છે પણ તને ચઢાવો જરૂર ચઢાવે છે. મારુ મન સમસમી ઉઠે છે જ્યારે કોઇ માણસ પોતાના ભૂખ્યા દિકરાને સાંત્વના આપતો હોય છે કે ભગવાન સૌ સારાવાના કરશે પણ કદાપિ એ થવાનુ નથી કારણ કે એનુ મન તારુ ગુલામ છે.
શરૂઆત કરીએ તારા નામના આઘારે સમાજને વહેંચવો માટે બનાવેલા ઘર્મથી. ઘર્મ શુ છે? ઘર્મને તારી સાથે કોઉ લેવાદેવા નથી છતા તુ ઘર્મમાં સર્વોપરી છે. જો ખરેખર તુ હોત અને દુનિયામાં વસતા લોકોને સદબુઘ્ઘિ આપી હોત તો એ ગુલામ મન સમજત કે માનવતા એ સર્વોપરી ઘર્મ છે, પોતાનુ કામ પ્રામાણિકતાથી કરવુ એ ઘર્મ છે, બીજાને અઙચણરૂપ ના બનવુ એ ઘર્મ છે, ગરીબોનુ શોષણ ના કરવુ એ ઘર્મ છે, બઘા સાથે ભાઇચારાથી રહેવુ એ ઘર્મ છે, ઊંચનીચ ના ભેદભાવ બઘાને સમાન અઘિકાર આપવો એ ઘર્મ છે, સ્ત્રી અને કિન્નરોને અઘિકારોથી વંચિત ના રાખવા એ ઘર્મ છે, પર્યાવરણની રક્ષા કરવી એ ઘર્મ છે. શુ તારામાં માનવા વાળા લોકો આમાંથી કોઇપણ ઘર્મ પાળે છે? ના. એ તો એવો ઘર્મ પાળે છે જે મનુષ્યને મનુષ્યથી અલગ કરે છે, જે ખાલી નફરત ફેલાવે છે પ્રેમ નહિ.
આજે ઘાર્મિક લોકોમાં માનવતા મરી પરવારી છે. આજે સમાજના મોટાભાગના લોકો પોતાનુ કામ પ્રામાણિકતાથી નથી કરતા. આજે બીજાને અઙચણ બનવુ ફેશન છે. આજે અમીરો ગરીબોનુ શોષણ કરે છે. ભલભલા શાસ્ત્રોને ઘર્મ સાથે જોઙીને અંઘશ્રઘ્ઘાનો ઘંઘો એની ચરમસીમા પર છે. તુ ક્યાં છે? આજે તારા નામે મનુષ્યો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા છે. સમય મળે તો જરા સ્વર્ગ સુખ માંથી બહાર નીકળ અને પૃથ્વી પર આંટો માર. અશ્પૃષ્યતા, સ્ત્રીભ્રૃણ હત્યા, જાતિવાદ, આસમાનતા, જ્ઞાતિવાદ અને “ભગવાનવાદ” જેમા પોતાના ભગવાનને સર્વોપરી બતાવવામાં આવે છે, આ બઘુ આજે દુનિયાના ખૂણેખૂણે ખદબદે છે. પોતાના દેશના રાજકીય અને ઔઘૌગિક સ્વાર્થ માટે લાખો નિર્દોષ લોકોની હત્યા કરવામા આવે છે. આજે એક છોકરાને એટલા માટે આગળ વઘતો અટકાવવામા આવે છે કારણ કે એ નીચલી વર્ણમાથી આવે છે, રંગભેદ ના કારણે સેંકઙો લોકોની હત્યા કરવામા આવે છે. એક છોકરી સાથે બલાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવે છે કેમ? કારણ કે એ લોકો જાણે છે કે એને ન્યાય અપાવવામાં કોઇને રસ નહિ હોય. એક છોકરીને બાર વર્ષની ઉમરે વેચી દેવામાં આવે છે પછી જંગલી વરૂઓ એના શરીરને રોજ હજારો વાર ચૂંથે છે. એક સ્ત્રીને એટલા માટે સળગાવી દેવામા આવે છે કારણ કે એ છોકરાને જન્મ આપતી. આજે પણ હજારો સ્ત્રીઓને ઙાકણ જાહેર કરી એમની નિર્મમ હત્યા કરી દેવામા આવે છે, અને એવા ઘણા જઘન્ય કૃત્યો કરવામા જેની કલ્પના માત્રથી મન સમસમી ઉઠે છે. એમાથી મોટા ભાગના લોકો તારા ભક્તો છે. અમુક અપવાદ બાદ કરતા. હદ તો ત્યારે થાય છે અન્યાય તારા નામને આગળ ધરી કરવામા આવે ઠે અને તુ ચુપ રહે છે, કંઇ કરતો નથી.
તારા નામે જે નવા ધર્મની રચના કરવામા આવી છે જે ખાલી નફરત અને ધિક્કાર ફેલાવે છે જેમા માનવતાનો અંશ પણ નથી.
આતો ખૂબજ મોટા પ્રશ્નો છે કદાચ તુ આનુ નિરાકરણ લાવવા અસક્ષમ છે. ચલ તને ચેલેન્જ કરુ ઠુ કે એક દિવસ મધ્યમવર્ગના પરિવારમા બે દિવસ રહી આવ અને એમની તકલીફો દૂર કરી બતાવ.
મને તો સમજાતુ નથી કે તુ છે તો શુ જોઇ રહ્યો છે. મારા માટે તો આ બધુ અસહ્ય છે પણ હુ તો બધાના દુખ દૂર કરવા અસમર્થ છુ પણ તુ જો બધુ જોઇ રહ્યો હોય તો કંઇ કરતો કેમ નથી? મને ખબર છે મારા ગુલામ મનના ભાઇઓ સમજે છે કે તુ એમનો તારણહાર છે. એ એવી દલિલ કરે છે “ભગવાને જેને જેટલુ આપ્યુ છે એટલુજ એના માટે પૂરતુ છે” જે એમને પ્રયત્ન કરતા રોકે છે. એક બાપ એના બેટાને કહે છે કે “બેટા આપણે તો મજૂરી કરવા જન્મ્યા છીએ” ત્યારે તારો આત્મા કેમ સમસમી ઉઠતો નથી?
હુ નાનપણથીજ સાંભળતોજ આવ્યો છુ કે અમે બધા તારા સંતાન છીએ. જો આ સાચુ હોય તો એક વાત સમજી લેજે કે તુ આ દુનિયાનો સૌથી ખરાબ પિતા છે જેણે પોતાના સંતાનોને પોતાની મરજી પ્રમાણે જીવવાની છુટ તો આપી છે પણ હજી તે એમને પોતાની ગુલામીમાંથી મુક્ત નથી કર્યા. તુ એમને અંદર અંદર ઝઘઙાવે છે કારણ કે તારુ સામ્રાજ્ય ટકી રહે. જો તુ હોય તો પણ હુ તારી સર્વોપરીતા સ્વીકારવા તૈયાર નથી.
હુ જાણુ છુ કે તને પત્ર લખીને હુ મારી નબળાઇજ છતી કરુ છુ. હુ તને પત્ર લખુ છુ કારણ કે છેવટે છુ તો મનુષ્યને જે ખોટી આશાઓ પર પૂરી જીંદગી કાઢી નાખે છે. મે મારી સાથે આ પ્રકારના આવા ઘણા તર્ક કર્યા અને છેલ્લે આ તારણ પર આવ્યો કે તુ મનુષ્ય જાતિની એક ક્રાંતિકારી શોધ છે નિર્બળ મનના મનુષ્યને શક્તિ આપે છે પણ તેઓ નથી જાણતા કે તારી ઘણી આઙઅસર છે જે ઘણી ઘાતક છે પણ તુ સમાજની નસેનસમાં એવો પ્રસરી ગયો છે જેને સંપૂર્ણપણે કાઢવુ અશક્ય છે. એટલે મારા છેલ્લા પ્રયત્નરૂપ હુ તને પત્ર લખુ છુ જેથી મારા મનમા ક્યાંક ખૂણામાં રહેલો તારા પ્રત્યેનો અંશમાત્ર વિશ્વાસ પણ નાશ પામે અને હુ સમાજને પૂરા વિશ્વાસથી કહી શકુ છુ કે તુ નથી.
મને ખોટો સાબિત કરવા પત્રનો વળતો જવાબ આપ અને અત્યારસુધી કરેલી ભૂલો સુધાર અને જો તુ એ ના કરી શકે તો તારા હોવાથી કે ના હોવાથી કોઇ ફરક નથી પઙતો.
લિ.
ચેતન ગજ્જર
***
પત્ર - 7
ચેતના ઠાકોર
મુન્નાભાઇ, એમ. બી. બી. એસ
યરવડા
પૂના,
તા. x/xx/xxxx.
પ્રિય સર્કીટ,
જેલના સેલમાંથી મુન્નાના રામ રામ,તને એમ લાગે છે કે મુન્નાને ગુજરાતી કેવી રીતે આવડી ગયુ ? યાર, અહીં બાપુ રોજ રાત્રે મળવા આવે છે અને સલાહ સૂચન આપે છે. આપણને ગુડ મેનર્સ શિખવાડે છે. અમારુ શીખવા શીખવાડવાનુ કામ કાજ ગુજરાતીમા જ ચાલે છે. યાર, પણ એનાથી પણ મોટુ આશ્ચર્ય એ છે કે અહીં બા પણ રહે છે. સવારે મારા માથે હાથ મૂકે છે અને કહે છે,’ મુન્ના ઉઠો,સવાર થયુ ‘ મને પ્રાર્થના ગવડાવે છે.’ રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈશ્નવ જન તો તેને રે કહીએ “ યાર ભજન ગાવાથી મારા સ્વભાવમા ફરક પડ્યો છે. તુ કહેતો હતો કે વિનમ્રતાથી વાત કરવી. એવુ બધુ મારી સાથે થઇ રહ્યુ છે. હુ વિનમ્ર થયો છુ. વાતે વાતે માફી માંગી લઉ છુ. સોરી શબ્દ તો મારી નસોમા વહે છે.
મુમ્બઇમા તો રેડીયો વાગે ત્યારે ઉઠતો હતો ‘”ગૂડ મોર્નિંગ..... ઇંડીયા’બૂમ પાડીને પેલી રેડીયો વાળી સવારે સાત વાગે ઉઠાડતી હતી. અહીં તો બા પાંચ, સાડા પાંચ વાગે માથે હાથ મૂકીને ઉઠાડે છે. પ્રાર્થના અને યોગા પતે, પછી લાઇનમા ઉભા રહીને ચા, નહાવાનુ, હલકા થવાનુ, એમ અમારી પ્રાતઃક્રિયા ચાલે. આ બધાથી મારી જિંદગી બદલાઇ ગઇ છે. મને ઘરમા બધુ હાથો હાથ મળતુ હતુ. પણ અહીં રાહ જોવાથી, ધીરજ રાખવાની ટેવ પડી ગઇ છે. પણ સર્કીટ તારી કી ચેઇન બહુ યાદ આવે છે. જો મારા હાથમા અવી તો અમારા સેલનુ તાળુ ખોલવા કામ લાગત.
અહીંના જેલ સુપેરીટેંડંટ ડોક્ટર અસ્થાના જેવા કડક અને સડુ છે. વાતે વાતે એમને વહેમ આવે કે અમે કાંઇ છૂપાવી રહ્યા છીએ. કડક નિયમો પળાવે છે. અમારે રોજ કામ કરવુ પડેછે શેત્રંજી બનાવવી, પ્લાસ્ટીકની મેટસ બનાવવી, બાગ કામ કરવુ વગેરે.. યાર કામ કરવુ કોપી કરવાથી તો સહેલુ છે. આવડે એવુ કરીએ. કોપી કરવતો સેલ્ ફોન અને ઇઅરફોન્ની જરૂર પડતી હતી. પણ અહીં કામ કરતા કરતા જો આજૂ બાજૂ જોવાનો પ્રયત્ન કરીએ તો અસ્થાનાને લાગેછે કે જાણે ચોરી કરીને પેપર લખીએ છીએ. લાકડી લઇને પાછળ ઉભો જ હોય. અસ્થાના જેવો જ તકલુ પણ છે અને હસી હસીને ટેંશન દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અસ્થાના અમારા જેલના સંકુલમા રહે છે અને એની દીકરીને અમે પટાવવાના હોઇએ એમ દૂર રખે છે. યાર હવે તો હુ બે બાળકનો પિતા છુ. શા માટે એની દીકરીને પટાવુ? જરા પણ વિશ્વાસ નથી રાખતો. વહેમી છે અને તુ નહી માને પણ આ અસ્થાનાની દીકરી પણ ડોક્ટર થવાની છે. જો સાચુ કહુ તો મને ડોક્ટર થવામા અને ડોક્ટર છોકરીને પરણવામા રસ નથી. હવે જ્યારે મને સારુ ગુજરાતી આવડી ગયુ છે તો વિચાર આવે છે કે અ- સ્થાન એટલે ઘર વગરનો માણસ હશે ??
સર્કીટ, તારી ભાભી અને બચ્ચાઓની ખૂબ યાદ આવે છે. તારી ગાડી કેમ ચાલે છે. ગાડી યાર ટેક્સી નહી, જિંદગીની ગાડી. આજકાલ ગુજરાતી ભાષા સાથે બાપુ સાહિત્ય પણ શિખવાડે છે અને આ બધા કેદીઓમા મને એકલાને જ બાપુ તથા બા દેખાય છે. તને ખબર છે માણસને ભગવાનમા શ્રધ્ધા હોય તો ભગવાનના દર્શન થાય એમ મને બાપુમા શ્રધ્ધા છે માટે મને જ બાપુ દેખાય છે.
હું બહાર આવુ ત્યાર બાદ આપણે બન્નેએ અમેરિકા જવાનુ છે. રાજૂભાઇ હિરાણી અને વિધુભાઇ એ કહ્યુ છે કે મુન્નાભાઇ ચલે અમેરિકાના શુટીંગ માટે તૈયાર રહેવુ. આપણે બન્ને ત્યાંશુટીંગમા જવાના છીએ. માટે પાસપોર્ટ તૈયાર રાખજે. સીધી રીતે લેજે, બે નંબરનો નહી. ખોટાકામ હવે કરવાના નથી.
અહીં આવ્યા બાદ મે આત્મચિંતન અને આત્મમંથન કર્યુ છે. અને મારી જિન્દગીમા જે બન્યુ એને માટે હુ મારી જાતને જવાબદાર માનુ છુ. મારી આસપાસ જે કેદીઓ છે તે અભાવમા જન્મ્યા, છે કોઇની પાસે પૈસા નાહતા,કોઇ પાસે મા-બાપનો પ્રેમ ના હતો,કોઇ પાસે ભણતર ના હતુ એટલે ગુનેગાર બન્યા પણ મારી પાસે મા અને ડેડી હતા,એમનો પ્રેમ હતો,. બે બહેનો હતી, પણ હુ નાનપણથી જીદ્દી હતો. મા-બાપનુ ધ્યાન ખેંચવા તોફાન કરતો,જીદ કરતો. મને ભણવાની તક મળી તો પણ ના ભણ્યો. આ બધા માટે હુ મારી જાતને જવાબદાર ગણુ છુ. સારામિત્રો હતા અને ખરાબ પણ હતા પણ મે ખરાબ મિત્રોનો સાથ પસંદ કર્યો. બાપુ કહે છે કે આપણા દુષ્કૃત્યો માટે આપણે જ જવાબદાર છીએ. મારા માતાપિતા સામાજિક અને રાજકિય કાર્યકર્તા હતા. ફીલ્મોમા પણ એમનુ નામ હતુ અને આબરુ હતી. એમની આબરુનો પણ મે વિચાર ના કર્યો. મા મારી ભૂલોને માફ કરતી અને મને પિતાજીના મારથી બચાવતી. તેથી મને ફાવી વાગ્યુ. પણ માને મારા બગડવા માટે જવાબદાર નથી માનતો, દુનિયાની બધ્ધી માઓ એવીજ હોય છે. એમને પોતાના બાળકોના તોફાનો નિર્દોશ લાગે છે. માના ગયા પછી પણ મારી દરેક ગલતી વખતે પિતાજી મારી પડખે ઉભા રહ્યા. મને મુશ્કેલીમાથી છોડાવ્યો. મારી બહેનોની રખીની પણ મે લાજ નારાખી. એમની લાગણીઓને દુભવી. હવે જેલવાસ દરમ્યાન મન ભરીને પસ્તાવો થાય છે માટે પ્રાયશ્ચિત કરીશ. બા કહેતા હતા કે આપણી ભૂલોની કબુલાત કરવામા શરમ રાખવી નહી.
મારી સ્ત્રી મિત્રોએ પણ મને સુધારવા કોશીશ કરી હતી. મારી સાથે રી હેબ સેંટર સુધી આવી. મને સુધરવાની તક આપી. પણ બદલામા હું એમને સ્થિર જિંદગી આપી નાશક્યો એટલે એ લોકો ને બીજો વિકલ્પ શોધવો પડ્યો. એ લોકોએ કરેલા ત્યાગનો વિચાર ના કર્યો. આવા વાંકા નિર્ણયો લેવા માટે હું મારી જાતને જ જવાબદાર માનુ છુ. મારા મિત્રોએ મને સુધારવાની કોશીશ કરી પણ મે એલોકોનો સાથ છોડી દીધો અને ખરાબ મિત્રોની સાથે ચાલ્યો. માણસો પોતાના મિત્રોથી ઓળખાય છે એ હું ના સમજ્યો. અત્યારે મારા ખોટા નિર્ણયો અને ગુનાહોની સજા ભોગવુ છુ. આ સજા એ મારુ પ્રાયશ્ચિત છે. તામ્બામાંથી હું સોનુ બનીને નીકળીશ. જિંદગીની દરેક પરીક્ષા પાસ કરીશ. મારી સાથે બાપુ છે. એ મને સચ્ચાઇ, સત્ય અને અહિંસાનો માર્ગ બતાવે છે. હું મારામારી કરતો નથી, ગાળ બોલતો નથી, સુધરી ગયો છુ. તુ પણ સુધરી જજે. મારા જેવો જેંટલમેન થજે. આત્મખોજ અને આત્મમંથન કરજે. હું તને સાચી રાહ બતાવીશ.
બોલે તો કૃશ્ન ભગવાન પણ જેલમા જન્મ્યા હતા. એ બધાનો મારા ઉપર હાથ હોય એમ મને લાગે છે. શ્રધ્ધાનો સવાલ છે. હું તો ધાર્મિક થઇ ગયો છુ એમ લાગે છે. ભજન, યોગા, ચિંતન એ બધાથી જ મારા સ્વભાવમા બદલાવ આવ્યો છે. જોયુ, અડધી જિંદગી પતી ત્યારબાદ આટલી અક્કલ આવી છે પણ મારા બાળકોને એક સારા નાગરિક બનાવીશ, ભણાવીશ, સારા સંસ્કાર આપીશ.
ગાંધીજીનુ સપનુ હતુ કે બધા ધર્મના લોકો એકતાથી રહે. હું પણ એકતા માટે કામ કરીશ. પેલી તુશાર કપુરની બહેન એકતા નહી. એકતા એટલે હળીમળીને, ભેદભાવ વગર રહેવુ એમ બાપુ કહે છે. રેંટિયો ચલાવીશ. રેંટિયો ચલાવવો એટલે ગામના નાના ઉદ્યોગોને પ્રેરણા આપવી. યાર પૈસા તો ખૂબ કમાયો હવે સમાજ માટે કામ કરીશ. મારા પિતાજી અને મારી મા લોકોની ઉન્નતિ માટે કામ કરતા હત ત્યારે મને લાગતુ હતુ કે પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે. પણ અહીં સામાન્ય લોકોની વચ્ચે રહીને સમાજ સેવાના વિચારો આવે છે. એ લોકોના બાળકો પૈસા વગર કેવી રીતે ભણશે ? મે નક્કી કર્યુ છે કે એક શાળા અહીં જેલમા જ ખોલવી જેથી કેદી ભાઇ બહેનો તથા એના બાળકો બધા જ લાભ લે અને સારા નાગરિક બને.
ચાલ ત્યારે બહાર આવુ ત્યાં સુધીમા પાસપોર્ટ કરાવીને તૈયાર રહેજે. એકદમ જેંટલમેન થવાનુ છે,યાદ રાખજે. રાત્રે તારા કેસની બાપુ સાથે બેસીને ચર્ચા કરીશ. અને તને રસ્તો બતાવીશ. રાત્રે જાગીને પત્ર લખવાની રજા નથી. લાઇટ વહેલા બંધ થાય છે પણ બાપુને જોવા મારે લાઇટની જરૂર નથી. મારા અંતરમા અને મનમા વસે છે
લી. મુન્નાના રામ રામ. (બાપુએ રામ રામ બોલવાનુ કહ્યુ છે )
***
પત્ર - 8
હરીશ મહુવાકર
માય ડિયર સૂરજ,
‘અહો આશ્ચર્યમ’! મોબાઈલિયા યુગમાં કાગળ? વોટ્સ અપ કે ‘ઈ’ મેઈલના જવાબ નહિ. ફોનથી પણ તું કનેક્ટ થતો નથી. મારે તો કનેક્ટ થયા વિના નહિ ચાલે. એટલા સારું આ પોસ્ટ તને રવાના કરું છું.
પંદર વિસ દિ’માં ઘણા પાણી વહી ગયા. ‘ગ્રીષ્મા’ મારી પછવાડે પડી છે એટલે મારાથી રહા ન જાયે. એ મને ભીતર ને બહારથી તપાવે છે. ઉકળાટ ને ઉશ્કેરાટ થાય પછી હું શું કરું કહે જોઉં? આવડી આ એના રૂપ અને રંગને શહેર અને ગામ પ્રમાણે બદલે. એ તારા શહેર મુંબઈમાં જૂદી ને મારા શહેર ભાવનગરમાં જૂદી. તને મારી વાતોથી એનો થોડો ઘણો અંદેશો છે જ ને!
હજી ફાગણ ઉતર્યો નથી કે જાણે ચૈતરનો અંત હોય એમ એ વર્તે છે. આવા વખતે શીતળતા કોઈ આપે તો એ શેરડીનો રસ. બપોરે એકલા કઈ પીવાય નહિ એટલે મારા વિભાગના સહુ માટે મંગાવી લઉં ને બધા સાથે મળીને ટટકાડીયે. તો પણ સાંજના પરિવાર સાથે લિજ્જત લીધા વીના ન ચાલે. ક્રાઉનીંગ ગ્લોરી સમા વાઘાવાડી રોડ ઉપર ઘરશાળા સામે કે મારી કોલેજના દરવાજે શેરડીના સંચા મંડાયેલા છે ત્યાં પહોંચવાનું. આ બે જગ્યાએ માખીવૃન્દ સમ લોક્વૃન્દ ઉભેલું હોય જ. શેરડી અને રસ મારા ભાઈ એક સરખા ન હોય! આપણા વડા પ્રધાને શરુ કર્યું એ પહેલાનું સફાઈ અભિયાન આ લોકોએ આદરેલું છે. સાફ સંચો, ધોયેલા સાંઠા, આદુ લીંબુ ને મસાલો, ને ઉપરથી બરફના ટૂકડા. સાફ સુંદર ગ્લાસ અને સાફ સુથરો માણસ રસ પીરસે ત્યારે ‘ગ્રીષ્મા’ દૂર દૂર સરકી જતી ભળાય.
વિવાહ અને લગ્ન એ બે અંતિમો વચ્ચે પ્રેમીઓની જે સ્થિતિ હોય તેવી સ્થિતિ આપણી સવારના દસથી સાંજના છ સુધી! અલબત્ત જુદાઈ મીઠી હોય છે તે પછીથી સમજાય પણ આંખો ખૂલ્લી રાખીએ તો રૂપકડી ક્ષણો હાથ લાગે. અમારો આ ગીજુભાઈ બધેકા માર્ગ યાને કે વાઘાવાડી રોડને જોબનવન્તી ગ્રીષ્મા બહેતર બનાવે. લીમડા, ગુલમોર, સોનમર્ગ, ગરમાળાના લિબાસમાં એની દેહયષ્ટિ અત્યંત આકર્ષક લાગે. મન એક બાજુ એમાં હોય પણ બીજી બાજુ વહેતી ટોપી નદીમાં લાગે. હરિદ્વાર ગંગા કાંઠે સાંજની આરતી બાદના નદીમાં વહી જતા દીપકો જેમ ચિત્ત ચોંટડૂક થઇ ગયેલા છે તેવું જ કૈક આ ટોપીઓનું છે મારા ભાઈ!
તું જો ને નવો ને જૂનો ટોપી જમાનો અહી મિક્ષ અપ થઇ ગયેલો જોઈ શકાય. તારું બોલીવૂડ અહી સહજ મળે અમને – મને. દેવ આનંદ ને રાજેશ ખન્ના જતા હોય. ગાંધીજીનું નવું વર્ઝન
કેજરીવાલજી અલપ જલપ દેખાય જાય. કોઈ કોઈ મીલીટરી સૈનિકો જાણે રાજા ગાળવા આવ્યા હોય એવું લાગે. જાત જાતની સંસ્થાઓ માથા ઉપર ચડીને બેસી ગઈ હોય! વળી કંપનીઓ તો પહેલેથીજ આપણા માથા ઉપર રાજ કરે જ છે ને! પણ આ બધા કરતા મજા આવે માનુનીઓને જોવાની. અલબત્ત એમાં કઈ જોવા જેવું એવડી એ ‘જ્યોતિઓ’, ‘દીપાઓ’, ‘ દિવ્યાઓ’, ‘ભાનુમતીઓ’ રહેવા દેતી નથી હોતી તે જૂદી વાત. માથે રાઉન્ડ હેટમાં રાણી વિક્ટોરિયા કે રાણી મુખર્જી જોઈ શકાય. હવે યાર તું કઈ ગલકા કાઢતો નંય ભાષાના. હેટ રાઉન્ડ જ હોય ઈ મને ખબર સે. પણ મને ચોખવટની ટેવ છે નેતાને એની ખબર છે. હવે બધી કાઈ વિક્ટોરિયા નો હોય! મો પર મૂશ્કેટાટ દૂપટ્ટા બાંધીને એવી રીતે જતી હોય કે Keats ને કેવું પડે કે ‘ભાઈ હવે તું કે’ આમાં મારે કેમ કરીને A thing of beauty is joy for ever માણવું?’ અલબત્ત મજા એ વાતની આવે કે આવી આ માનૂનીઓએ પહેર્યું હોય પાછું સ્લીવલેસ ને કેપ્રી. ભાઈ ચહેરાની ત્વચા જ સાચવવાની ને!
આવી ગ્રીષ્મા કે રત્નાવલીઓની મને ઈર્ષા આવે. બાઈક પાછળ બેસીને પોલ્યુશન અને આઇડેન્ટિટીને ખૂલ્લો પડકાર ફેંકે! ‘ખૂલ્લમ ખૂલ્લા પ્યાર કરેંગે’ તે આનું નામ! ઓળખી બતાવો લ્યો! સાલું અફસોસ કોલેજ કરતા હતા એ ટાણે આવી શોધ વ્યાપક નહોતી ને વળી ખૂદ ‘ગબ્બર’ પાસે બાઈક પણ નહોતી. ગયાના રોદણા હવે શું રોવા હે!
કિડીઓ બહાર આવવા લાગી છે હવે આ ઉનાળાને લઈને. બગીચાના કૂંડાઓમાં સવારે પાણી નાખવા જાઉં ત્યારે એમના ઉદ્યમની રેવન્યુ સ્ટેમ્પ જોવા મળે. કૂંડામાંથી કેટલી બધી માટી સવાર પડતા સુધીમાં કાઢી નાખે! ખરેખર જ કિડી નાની ને ફૈડકો મોટો. કાશ આપણે એમાંથી કશુક શીખતે! નાની વાત, નાની નાની ઘટનાઓ, નાની નાની પ્રવૃતિઓ આપણને મોટી મોટી સિદ્ધિ આપે છે કે મહાસાગર રચી આપે છે. મારા વહાલા દોસ્ત હું એ વાત કરું છું કે ઘરને આંગણે ઝાડ વાવીએ, પાણી બચાવીએ કે એકાદ કૂંડું પક્ષીઓ માટે મૂકીએ તો ચકલી બચાઓ ને વૃક્ષો બચાઓ ને પાણી બચાઓ એવા અભિયાન આદરવા ન પડે. હવે વાત કાઢી જ છે તો તને કહી દઉં કે રિહાન અને મને ‘ટ્વીટર’ની આદત પડી ગઈ છે. ચા પીતા પીતા હું હિંચકે બેસું અને રિહાન મારી બાજુમાં ગોઠવાઈ જાય. એ વખતે થોડી વારમાં બૂલબૂલ કે ચકલીઓ પાણી પીવા આવે ને અમને ‘ટ્વીટ’ કરે જ. તે તારા ફ્લેટના દસમાં માળની બાલ્કનીમાં પાણીનું આવું એક કૂંડું લગાવેલ છે એની મને ખબર છે હો! તું આકાશી અસવાર મારા દોસ્ત ને હું ‘ભોય ભેગો’ એટલે કે ‘જમીન દોસ્ત’. પણ આવી નાની વાત જ તારા ને મારા ઋણાનુંબંધનું કારણ છે ને!
હા લે, તને બીજા કેટલાક ચિતરામણની પણ વાત કરવી છે. તને ખબર જ છે કે રિહાન, ઈશા, અને તારી ભાભી બધાય ચિત્રો દોરે. હું પણ પાબ્લો પિકાસો જ છું એ વાતની તને ક્યાં ખબર નથી! ફર્ક એટલો જ રહે કે એમના ચિત્રો સ્પષ્ટ હોય રંગ, રૂપ, આકાર, અને અભિગમથી. મારે મારા ચિત્ર નીચે લખવું પડે શેનું ચિત્ર છે તે.
હા પણ મૂળ વાત ભૂલાઈ જવાય છે. રિહાન અને હું સવાર સવારમાં આકાશી આકારો જોઈએ છીએ. અમે બંને અમારી કલ્પના પ્રમાણેના ચિત્રો વિશાળ નીલા ફલક પર ઉતારીએ. ઉનાળો છે તો પણ રોજ આકાશ ફરતું રહે. કોઈ વખતે કેટલાય દિવસ સાવ ખાલી કેન્વાસ રહે છે તો કેટલાક દિવસો વિવિધ બ્રશીઝ લઈને પેલો ‘નિરાકારી’ બેસી જાય છે ને તરેહ તરેહના આકારો આપ્યા કરે! નાના નાના સફેદ ફોરા શુભ્ર એવી સપાટી રચી આપે કે સૌન્દર્ય નદી નર્મદાના ખળખળ વહી જતા વારી જોઈ શકાય ને વળી થોડી વારમાં તો એ આખી નદી અરબી સમુદ્રમાં ફેરવાઈ જાય. અથવા તો બર્ફાચ્છાદિત હિમાલયની પર્વત માળા રચાઈ રહે. મોટા મોટા ઉછળતા કૂદતા મોજાઓ, કોઈવાર ક્રિસમસનું વૃક્ષ, કોઈ વખતે લાયન, ક્રોકોડાઈલ, કે આગ ઓકતો ડ્રેગન આવે. એક વાર એક રોકેટે આકાશના બે ફાડિયા કરી નાખ્યા. મેં કહ્યું, ‘exodus’. મને કહે, ‘ડેડી એ શું?’ પછી મેં એને બાઈબલની આખી કથા સંભળાવી. એમાં ઇઝરાયેલના મુસાફરો દરિયો ઓળંગવા ઉભા રહે મૂંજાઈને. મોઝીસ આગળ આવે છે ને એ પ્રાર્થે છે ખૂદાને. દરિયો તરત માર્ગ કરી આપે. બંને બાજુ ઉંચા પાણીની સ્થિર દીવાલો વચ્ચેથી સહુ સામે પર નીકળી જાય છે. તું પણ રસથી આ વાત વાંચજે. ‘શ્રદ્ધાનો હો વિષય તો પૂરવાની શી જરૂર?’
હા વેકેશન પડતા અમે ત્યાં ધામા નાખવાના છીએ એ તારી જાણ માટે. ઈશાએ લક્ષ્મી માટે સરપ્રાઈઝ ગીફ્ટ બનાવી રાખી છે. રિહાન પણ છે મશગૂલ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા. એ એની સાચુ દીદીને ગીફ્ટ આપશે. નસીમ, સુઝી માટે વારલી પેઈન્ટીગવાળું કેટલીક શોધી રાખ્યું છે પણ એનો ફોડ અત્યારે નહિ. અને હા તારા માટે ભાવનગરી ગાંઠીયા તો હશે પણ આપણને બેય ને ગમતી વસ્તુનો ખડકલો કરીશ. એવી ઘણી વસ્તુઓ છે જે બેયને ગમે પણ એ શું છે તે નહિ જ કહું જ. કલ્પના કરજે મળીયે ત્યાં લગી. કલ્પના પણ મજાની વસ્તુ ખરી કે નહિ? આપી તને એ અત્યારે જ. સ્વીકાર કર એનો.
તો ચલ હવે તું મને પોસ્ટ કર ને કાંતોક ફોન ઉઠાવ. પેલો ઓપ્શન સારો છે. વિચારજે.
We all fine n all of u vl b sailing in d same boat.
તારો ઉશ્કેરાટીયો, ઉકળાટીયો,
- ભાસ્કર.
***
પત્ર - 9
જય રાવલ
અસ્તિત્વની શોધ માટે ભટકતી એક નારી નો મહાદેવ ને પત્ર
મારા સર્વસ્વ, દેવો ના દેવ મહાદેવ,
તમે તો મારી દરેક પરિસ્થિતિ થી પરિચિત જ છો. કારણ કે આ જીવન એ તમારા જ આશીર્વાદ છે. પરંતુ આજે હું આપની સમક્ષ મને મળેલા અને મેં જીવેલા જીવન ની ઘટનાઓ કહીને અમુક પ્રશ્નો પૂછવા માગું છું..
મારા જન્મ સમય થી જ તમે મારી સાથેની દરેક ઘટનાઓ થી પરિચિત જ છો. જયારે હું મારી માતા ના ગર્ભ માં ખીલી રહી હતી ત્યારે મારી માતા સિવાય ના દરેક લોકો મારાથી નાખુશ હતા અને નહોતા ઈચ્છતા કે હું આ દુનિયા માં આવું. અરે, મારા પિતા પણ મને આ દુનિયા માં લાવવા નહોતા ઈચ્છતા. !! પરંતુ, મારી માતા નો સંઘર્ષ અને આકરી લડત ના અંતે મને આ દુનિયા માં આવવા મળ્યું.. અને જે પિતા મને આ દુનિયા માં લાવવા નહોતા ઈચ્છતા એ મને જોઇને બધું જ ભૂલી ગયા, જાણે એમને પોતાની જીંદગી ની સૌથી કિંમતી અને વહાલી વસ્તુ ના મળી ગયી હોય.. !! એ મને પ્રેમ કરતા, વહાલ કરતા થાકતા નહોતા. અને ઘર ના અન્ય લોકો ને પણ એમણે સમજાવ્યા અને મારા આગમન ને વધાવી લીધું. હું મારા પિતાની રાજકુમારી બની ગયી અને મારી દરેક નાની-નાની ઈચ્છા અને ખુશીયો મારા પિતા પૂરી કરવા તત્પર રહેવા લાગ્યા...
અચાનક જીવન માં અમુક વળાંકો આવે છે, અને જેમ જીવન એની દિશા બદલે છે, માણસ એનો સ્વભાવ બદલે છે એવું જ કંઈક મારા જીવન માં પણ થવા લાગ્યું.. મારા પિતા જે શેરબજાર નું પણ કામ કરતા, એ અચાનક બદલવા લાગ્યા. મારી માતા ને વારે વારે અપમાનિત કરવા લાગ્યા, એમની સાથે જઘડવા લાગ્યા અને ઘર માં કંકાસ થવા લાગ્યો... જે દીકરી એમના માટે સર્વસ્વ હતી, એના માટે પણ એમને ઘૃણા થવા લાગી. પિતાજી, ઘરે દારૂ પીને આવા લાગ્યા, અને આવા જ વ્યસનો માં ઘેરાયીને મારી માતા પર અત્યાચાર કરવા લાગ્યા.. આ બધું મારી નાની ઉંમર માં જોઇને મને ઘણું દુખ થતું અને એક જ પ્રશ્ન થતો કે મારી માતા ની આમાં શું ભૂલ છે? શા કાજે એને આ બધું ભોગવવાનું આવે છે, અને સહન કરવાનું આવે છે. ? શું એ માત્ર મારા ભવિષ્ય માટે થયીને આ અત્યાચાર સહન કરે છે, કે એની ભૂલ એ જ છે કે એને મારા પિતા ને જીવનસાથી તરીકે પસંદ કર્યા?
આ બધી ઘટનાઓ થી મારું કોમળ હૃદય ક્યાંક ભયભીત ના થયી જાય, અને પ્રેમ, લાગણી જેવી ભાવનાઓ ભૂલી ના જાય, એના માટે થયીને મને હોસ્ટેલ માં ભણવા મુકવામાં આવી. મારી માતા ને તો જાણે એમનું જીવન જીવવાની આશા જ દૂર મોકલી દેવી પડે એવી પરિસ્થિતિ હતી, છતાં પણ એ ડગી નહિ, અને મક્કમ મન રાખીને મારા સુંદર ભવિષ્ય માટે અને મને આ બધી તંગ પરિસ્થિતિ થી દૂર મોકલવા માટે આ અઘરો નિર્ણય લઇ લીધો.. ઉંમર ના જે પડાવ પર મને ઘર વાળા નો પ્રેમ, સહકાર, લાગણી અને ઉષ્માભર્યું વર્તન મળવું જોઈએ, એ સમય પર મને હોસ્ટેલ માં રહીને આ બધા થી દૂર એક અલગ જ દુનિયા માં જીવવું પડ્યું. !! જયારે મારે માતા-પિતા નો પ્રેમ જોઈતો હતો એ સમય પર મારે હોસ્ટેલ જીવન ના કડક વાતાવરણ નો ભાગ બનવું પડ્યું. !! જયારે મારે પરી-કથાઓ, વાર્તાઓ સાંભળવી હતી, એ સમયે મારે શિસ્ત અને સમય સુચકતા ના પાઠ શીખવા પડ્યા. !! જયારે મારે મારી માતા ના પ્રેમાળ હાથે બનાવેલ જમવાનું ખાવું હતું, એ સમયે હું જાતે જે પણ બનેલું હોય એ ખાયી લેતી હતી. !! જે પ્રેમ, લાગણી, સાથ-સંગાથ અને સહકાર માટે હું જન્ખતી હતી, એ જાણે વિલુપ્ત થયી ગયો હતો, અને હવે મારી સાથે અને મારી આસપાસ રહેતા લોકો માં હું એ પ્રેમ મળે એમ શોધવા લાગી.... !
આ સમય દરમિયાન મારી માતા તો એકદમ મજબૂત બની ગયા, અને જાણે પરિસ્થિતિ સાથે એમણે સમાધાન કરી લીધું હતું. અને મારા પિતા નું વર્તન સમય જતા લાગણીવિહીન થવા લાગ્યું હતું.. જયારે હું કૉલેજ માં ગયી એ વખતે એક વાર મારા પિતા મારા પર એટલા ગુસ્સે હતા કે એમને ઘરે કહી દીધું હતું કે હું જ્યાં પણ હોઉં ત્યાંથી પાછી બોલાવી લે અને હવે મારે આગળ કઈ ભણવાની જરૂર નથી.. પરંતુ, ફરી મારી માતા મારી મદદ એ આવી અને એમને મને એક વિશ્વાસુ સંબંધી ના ત્યાં થોડા સમય માટે મોકલી દીધી. બસ, નાનપણ થી માત્ર તિરસ્કાર, જઘડા, હિંસા અને દ્વેષ જોઇને મારું મન સુષુપ્ત થયી ગયું હતું, જાણે બધી જ લાગણીયો મરી પરવારી હતી.. મેં મનોમન દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે હું મારું જીવન મને અને મારી માતા ને અનુકૂળ બનાવીશ.. હું ભણી-ગણી ને એક સ્વતંત્ર જીવન જીવીશ અને મારા પગ પર ઉભી રહીને મારી માતા એ કરેલા સંઘર્ષો બદલ એમને એક સુખી અને શાંત જીવન આપીશ અને હું આજીવન જે પ્રેમ માટે તરસી છું અને વલખા માર્યા છે એ પ્રેમ લઈશ અને આપીશ... !!! અને આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે હું જીવન માં કંઈ પણ કરીશ... !!
આ બધું જોઇને હું પણ સ્વાર્થી અને કોઈ પર વિશ્વાસ ના મૂકી શકું એવું થયી ગયી હતી.. પણ, આ સમય દરમિયાન મને કૉલેજ માં એક મિત્ર મળ્યો અને પ્રેમ ની ભૂખ અને જન્ખના માં ખબર જ ના રહી કે અમે ક્યારે એટલા નજીક આવી ગયા કે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને અમારી દિનચર્યા એકબીજા વગર અધૂરી રહેવા લાગી.. એ મારી દરેક ખુશી નું ધ્યાન રાખતો અને હમેશા મારી પડખે ઉભો રહેતો, જાણે કે હું અત્યાર સુધી જે પ્રેમ માટે ભટકી એની શોધ એના પર આવીને અટકી.. !! પણ, મને એના સ્વભાવ માં પણ અમુક વાત ખૂંચવા લાગી. એ મારા માટે બહુ જ લાગણીશીલ હતો અને મને એ કોઈ સાથે વહેચી ના શકતો. અને મારા માટે એટલો જ સ્વત્વબોધક (possessive) થવા લાગ્યો, મને કોઈ સાથે વાત કરતો જોવે તો એને ના ગમે, બસ હું એની એટલે માત્ર એની જ એવું એને થયી ગયું હતું.. આ સમય દરમિયાન મારી કૉલેજ પતાવીને હું નોકરી પર લાગી ગયી હતી, અને મારી સ્વતંત્ર બનવાની અને પગભર બનવાની મંજિલ તરફ આગળ વધવા લાગી હતી.. અને નોકરી ચાલુ થયા પછી, એના વર્તન માં પણ મને મારા પિતાની ઝલક દેખાવા માંડી, અને મને લાગ્યું કે મારી જીંદગી પણ આખરે મારી માતા ની જેમ જ થયી જશે... !!!
આ સમય દરમિયાન નોકરી માં મારી સાથે કામ કરતા એક દોસ્ત સાથે સારી એવી મિત્રતા થયી ગયી અને મારા પ્રેમ ને જેણે મને ગુલામ ની જેમ રાખવાની ચાલુ કરીને અને મને એક પિંજરામાં પૂરીને રાખવાની કોશિશ કરી એને બહુ જ કઠણ નિર્ણય કરીને છોડી દીધો.. બહુ જ કપરો અને અઘરો નિર્ણય હતો આ મારો પણ હું જે નાનપણ થી મારી માતા સાથે જોયી હતું એ જ વસ્તુ મારી જીંદગી માં થાય એમ નહોતી ઈચ્છતી.. અને મારા આ કપરા સમય માં મારા એ ઓફીસ ના મિત્ર એ મને સાથ આપ્યો અને મને તૂટવાથી બચાવી.. ફરી મારું પ્રેમ અને લાગણી ભૂખ્યું મન સળવળ્યું અને મને એની સાથે પ્રેમ અને લાગણી બંધાવા લાગી, અને એક વાર અમે બધી જ મર્યાદા ઓળંગી લીધી. એ મિત્ર અમારા સંબંધ માટે બહુ જ મક્કમ હતો અને વચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગો માં એ મને દગો નહિ આપે... પણ, હું હવે એનાથી ધરાયી ચુકી હતી. અને એને કોઈ પણ રીતે મારી જીંદગી થી દુર કરવા માગતી હતી. અને આખરે મેં એને ખુબ જ અપમાનિત અને તિરસ્ક્રિત કરીને દૂર કરી દીધો અને એની દરેક વાતો સામે આંખ આડા કાન કરી દીધા. અને હવે તો હું પણ સ્વતંત્ર હતી અને મારા પગ પર ઉભી રહી ગયી હતી એટલે મારે કોઈની જરૂર નહોતી, અને જેની મારે જરૂર નહોતી એને હું મારી જીંદગી માંથી દૂર કરવા લાગી..
થોડાક સમય પછી મને ફરી એક છોકરો મળ્યો જેની સાથે મિત્રતા થયી અને પછી એની સાથે પણ અનેક વાર મર્યાદા ઓળંગી લીધી. ખબર નહિ મારી જીંદગી કયા રસ્તે જઈ રહી હતી.. ?!! અને એ છોકરા એ મને થોડા સમય પછી એક હકીકત જણાવી કે એ મારી સાથે લગ્ન નહિ કરી શકે કેમકે એ પહેલેથી કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે જ એના લગ્ન થવાના છે.. !! આ સંભાળીને મારા પગ તળે જમીન સરકી ગયી... મને તરત જ પેલો ઓફીસ વાળો મારો મિત્ર યાદ આવી ગયો કે જેના પ્રેમ ની મેં મજાક ઉડાવી હતી અને જેની સાથે લાગણીયો સાથે હું રમી હતી. અને તમે પણ મને કદાચ એની જ સજા આપી.. કેમકે એ તમારો બહુ મોટો ભક્ત હતો. મહાદેવ, હું હવે સાવ તૂટી ગયી હતી, કેમકે હવે મારી સાથે એવા જ લોકો આવતા જેને ફક્ત મારા શરીર સાથે રમવું હોય અને એમની ઇચ્છાઓ ને પૂરી કરવી હોય.. અને જે પ્રેમ માટે હું ભટકતી હતી એ મને કોઈ બીજા રસ્તે લઇ ગયો અને હું માર્ગ ભૂલી ગયી... જાણે કે હું એક ગણિકા બની ગયી છું જે માત્ર લોકોના મનોરંજન માટે અને ઈચ્છાપૂર્તિ ના સાધન તરીકે છે... !!!
કદાચ, હું હવે મારા એ પ્રેમ પાસે પણ જઈ શકું એમ નથી કારણ કે હું મારી પવિત્રતા ગુમાવી ચુકી છું, અને હવે એની સામે શું મોઢું લઈને જાઉં? મેં પૂરી ઓફીસ માં એનું ભારોભાર અપમાન કર્યું છે અને એવું અપમાન કે જેના માટે માફી પણ ઓછી પડે.. !! મારી સ્વતંત્રતા અને પગભર થવાની હોડ માં અને પ્રેમ ની લાલસા માં હું મારું વ્યક્તિત્વ, મારું સ્ત્રીત્વ ગુમાવી ચુકી છું. બસ, હું સ્વાર્થી બનીને રહેતી અને હવે લોકો મારો એમના સ્વાર્થ અને ઉપભોગ માટે ઉપયોગ કરે છે.. !! મારી માતા નો પણ મેં વિશ્વાસ તોડ્યો છે એમ લાગી રહ્યું છે.. !!
મહાદેવ, મારો એ ઓફીસ નો પ્રેમ તમને બહુ જ માનતો હતો અને એને તમારા માં બહુ જ શ્રદ્ધા હતી. અને તમે પણ જાણો છો કે આ સમાજ એક સન્માન અને પવિત્રતા ગુમાવેલી ચુકેલી સ્ત્રી સાથે કેવું વર્તન કરે છે એ. !? આ રૂઢીચુસ્ત અને સિદ્ધાંતો ને ભરેલા સમાજ માં મારા જેવી સ્ત્રી નું કોઈ સ્થાન નથી, માત્ર તમે જ છો કે જે અમારા માટે પૂજનીય છો અને અમને આ સમાજ માં કે સમાજ થી દૂર કોઈ જગ્યા એ સન્માન ભર્યું જીવન આપી શકો છો. એટલે જ તમને આ પત્ર લખી રહી છું. એક આશા સાથે કે મને મારી ભૂલો સુધારીને અને એનું પ્રાયશ્ચિત કરીને બાકીનું જીવન સુખપૂર્ણ રીતે જીવવા મળશે..
હે, મહાદેવ! આ બધું જ બરાબર છે અને મારાથી થયેલી ભૂલો નું પણ મને ભાન છે. પણ મારા તમને અમુક સવાલ છે પ્રભુ.. !! તમે મને એવા પરિવાર માં કેમ મોકલી જ્યાં એક સ્ત્રી નું સન્માન નથી જળવાતું અને જ્યાં મારા જન્મ ની કોઈને કંઈ જ ખુશી નહોતી? તમે નાનપણ થી મારા નસીબ માં સંઘર્ષ, અત્યાચાર, ઘૃણા આ બધું કેમ લખી દીધું? મારા જીવન માં પ્રેમ, લાગણી અને સન્માન ને કેમ અધૂરા રાખ્યા? જે પ્રેમ, લાગણી અને સંબંધો ની હુંફ મેળળવા માટે હું ભટકી અને મારો માર્ગ ભૂલીને ના જાણે કેમ એક ઉપભોગ નું સાધન અને ગણિકા જેવું જીવન જીવવા લાગી? જો તમે મને પહેલેથી ઘર, પરિવાર, માતા-પિતા નો પ્રેમ, હુંફ, લાગણી અને સહકાર આપ્યા હોત તો શું હું આ પરિસ્થિતિ માં હોત, કે મેં મારું સન્માન ગુમાવ્યું હોત? જો તમે મારા પિતા ને એટલી સૂજ આપી હોત કે પરિવાર અને બાળકો સાથે કેમ વર્તવું અને પ્રેમ આપવો, તો શું હું પ્રેમ ની લાલસા માં આમતેમ ભટકી હોત? જો તમે મારી માતા ને આટલી હિંમત આપી જેનાથી એ બધું સહન કરી શકી, તો એને એવું કેમ ના સુજાડ્યું કે મને લઈને દૂર જતી રહે અને પોતાની દીકરીને એક સુઘડ ભવિષ્ય આપે? શું મારી માતા મારી સાથે હોત તો હું આવી ભૂલો કરેત કે આવી પરિસ્થિતિ માં આવેત? તમે સંજોગો ને અનુકૂળ કરવાને બદલે શીદ ને એને પ્રતિકૂળ બનાવ્યા? હે! દેવો ના દેવ મહાદેવ, હે! ભોલાનાથ, હું જવાબ માંગુ છું તમારી પાસે મારા આ સવાલો ના? મારી આ જીંદગી ના? મારા અસ્તિત્વ ના? શું મારી સાથે જે થયું એમાં માત્ર મારી જ ભૂલ છે કે જેનાથી હું માર્ગ ભટકી? શું મારો પરિવાર મારી પડખે હોત તો આવું થયું હોત મારી સાથે? શું તમે સંજોગો ને પ્રતિકૂળ ના બનાવ્યા હોત તો આવું થયું હોત? આજે હું મારા અસ્તિત્વ ને શોધી રહી છું, કે આખરે હું કોણ છું? એક સ્ત્રી? એક દીકરી? એક પ્રેયસી? એક ગણિકા? એક મિત્ર? એક મનુષ્ય? મને મારા સવાલો ના જવાબ આપીને મારા અસ્તિત્વ સાથે ઓળખાણ કરાવીને, મારા જીવન નો ઉદેશ્ય કહો પ્રભુ, અને જીવન ને દિશા આપો.. !!! એ જ આશા સાથે આપને આ પત્ર લખી રહું છું..
- લી. પોતાના અસ્તિત્વ ની શોધ માં ભટકતું આપનું સર્જન (એક નારી).
***
પત્ર - 10
મીનાક્ષી વખારિયા
( ગાંધી બાપુ જ્યારે કસ્તુરબાથી દૂર રહેતાં ત્યારે બાનાં કુશળમંગળ પૂછવા રોજનો એક પત્ર લખતાં,બાએ જિંદગીમાં ક્યારેય બાપુને પત્ર લખ્યો નહોતો, જો લખવો હોત તો શું લખત ? એવો મને વિચાર આવ્યો. જીવલેણ માંદગીથી પીડાતાં બાએ આખરી દિવસોમાં એમને પત્ર લખ્યો છે એવી મેં કલ્પના કરી છે. )
'બાપુને પત્ર' (કાલ્પનિક)
અતિપ્રિય પતિપરમેશ્વર બાપુ,
તમને થશે બાએ ઘરડેઘડપણ આવું કેવું લખ્યું ? શરમ નહીં આવી હોય ? ના, બાપુ મને જરાય શરમ નથી આવી. તમે મારાં ધણી થ્યા એટલે મારાં પરમેશ્વરઅને પ્રિય પણ ખરા જ ને ? આટલાં વર્ષો તમારી સાથે વિલાયત અને આફ્રિકામાં રહીને હું પણ નવા જમાના સાથે કદમ મિલાવી શકું એવી થઈ ગઈ છું. ગુજરાતી તો જેવુતેવું આવડી જ ગયું છે, હા, મને ખબર છે કે મારાં અક્ષર નાના બાળક જેવા છે ગરબડીયા, તમે તે વાંચી લેશો એટલી તો ખાતરી છે. થોડું ગોટપીટ પણ શીખી ગઈ છું, ને પેલી ગોરીઓ બોલે ઇ બધુએ મને સમજ પડે હો ! આ તો તમારાં દાબને લીધે મેં મારી લાગણીઓને ક્યારેય વાચા નથી આપી. હું પણ સામાન્ય નારી જ હતી, ઘણાં કોડ હતાં અન્ય સ્ત્રીઓ જેવા ! મેં એને પોષવાની ભાવના રાખી હોત તો હું તમારો પડછાયો બની ચાલી ના શકત. તમારાં તરફની લાગણીને મારી આસક્તિ જ સમજી લો, તમારાં વિચારોને મેં માત્ર પ્રાધાન્ય જ નથી આપ્યું પણ મારાં રોમેરોમમાં વણી લીધેલાં. તમારા કદમથીકદમ મેં મેળવ્યા અને તમારા અવારનવારનાં જેલવાસ વખતે તમે પ્રગટાવેલી સ્વતંત્રતાની જ્યોતને અખંડ રાખી છે.
તમને તો ખબર જ છે કે આ મારી માંદગીમાંથી હું બેઠી નથી થવાની. દિવસરાત તમે મારું અદકેરું ધ્યાન રાખો છો તે હું જોઈ રહી છું, અનુભવી રહી છું. આ આગખાન મહેલમાં જ આપણે સાવ સામસામે છીએ, તમે જુઓ છો કે મારી તબિયતથી હું કેટલી કંટાળી ગઈ છું, હવે ઝાઝું જીવીશ નહીં, મારી પાસે માંડ ગણ્યા ગાંઠયા શ્વાસ બચ્યા છે બોલવાની તો તાકાત જ નથી રહી ત્યારે કોઈ પણ જાતની પ્રસ્તાવના વગર મારી વાત પત્રરૂપે શરૂ કરું છું કદાચ કહેવું છે તેટલું કહી પણ ન શકું. થાક લાગે છે. એટલે થોડામાં ઘણું સમજી લેજો.
કિશોર વયે જ આપણાં લગ્ન થયેલાં, હું તમારાથી છ મહિના મોટી હતી, સમવયસ્ક છોકરા કરતાં છોકરી વહેલી પરિપક્વ થઈ જતી હોય છે એ નાતે તમારાં કરતાં હું વધારે વ્યવહારુ અને દુનિયાદારી સમજતી હતી. એ તમને નહીં જચ્યું હોય એટલે જ કદાચ લગ્નની શરૂઆતના દિવસોમાં તમે એક સામાન્ય પુરુષની જેમ મારાં પર પતિરૂપે આધિપત્ય અજમાવવા ગયા, મારાં પહેરવા ઓઢવા પર તમારી નજર રહેતી, મારૂ અભણ હોવું તમને જરાય ન રુચતું. એટલે જ વસ્તારી પરિવારમાં તક મળતા જ તમે મને ભણાવવાનો આગ્રહ રાખતાં. તમે જગતનાં અન્ય પતિઓથી જુદા તો નહોતાં જ પણ એક શંકાશીલ મનોવૃતિ ધરાવતા અસહિષ્ણુ પતિદેવ તરીકે ફરમાન કાઢેલું કે મારે તમને પૂછ્યા વગર ઘર બહાર જવું નહીં. હું પણ સ્વમાની, ધરાર તમને પૂછ્યા વગર હવેલી દર્શન કરવા કે સમાજનાં વહેવાર સાચવવા ઘરની મહિલાઓ સાથે બહાર જતી રહેતી. તમે દોસ્તારોની ચડામણી હેઠળ મારી ઊલટ તપાસ આદરતા, પીછો કરતાં ને પછી આપણાં ઝઘડાં થતાં તે એયને દિવસો સુધી અબોલા...
મને પહેલી કસુવાવડ થઈ પછી સમય જતાં હરિલાલનો જન્મ થયો અને તમારે વિલાયત જવાનું થયું. મને અને નાનકડાં હરિલાલને ઘરના લોકોના ભરોસે મૂકીને તમે જતાં રહ્યાં, એ સૌ સારા જ હતાં પણ મને કેટલું ઓશિયાળાપણું લાગેલું કે તે વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી. તમને વિલાયત જવું હતું અને આપણી પાસે અન્ય કોઈ સગવડ ન હોવાથી મને પિયરથી મળેલો દાગીનો ગીરવે મૂકી ત્રણ હજાર રૂપિયાની સગવડ કરેલી ત્યારે મને હતું કે થોડા વખતમાં તમે મોટા વકીલ બની જશો ને મને સોનાના ઘરેણાથી લાદી દેશો પણ એ કદી શક્ય ન બન્યું. મને પણ દાગીનાનો મોહ હતો જ. ત્રણ વરસ પછી તમે પાછાં આવ્યા તોયે કામધંધો કરવાનું ન સુઝયું બિચારા જેઠજી જ આપણું ભરણપોષણ કરતાં, એમનો પણ પરિવાર હતો અને ખર્ચા વધતાં હાથ ખેંચમાં રહેતો તે ન છૂટકે મારે તમને કહેવું પડ્યું કે કંઇક કામધંધો કરો, તો તમે શું કર્યું એ યાદ છે તમને ? મને પિયર રવાના કરી દીધી, હું જાણતી હતી કે તમને મારો કોઈ વાંધો ન હતો, તમને તમારા સ્વભાવ સાથે જ વાંધો હતો. હું તો હોંશે હોંશે પિયર જતી રહી, બધાને મળાયું,આમ પણ હું ઘણા દિવસથી ગઈ નહોતી, એક મહિનામાં મને પાછી તેડાવી લીધી હતી યાદ છે ને ? ૧૯૦૬માં તમે આજીવન બ્રહ્મચર્યની બાધા રાખી, મારો અભિપ્રાય લીધો હતો મેં સહમતિ પણ આપેલી, તેની ના નહીં, તમે મારો જવાબ તો જાણતા જ હતાં કે હું તમારી વિરુધ્ધ નથી જ જવાની.
સાઉથ આફ્રિકામાં આપણાં ટોલ્સટોય ફાર્મ પર આપણે રહેવાનુ નક્કી કર્યું, ત્યાનાં વસવાટ દરમ્યાન હરિલાલને સ્કોલરશીપ મળતાં કાયદાના વિશેષ અભ્યાસ અર્થે લંડન જવું હતું, તો તમે છગનલાલને આગળ કર્યો, તેનું જવાનું શક્ય ન થતાં તમે સોરાબજી શાહપુરજી અડાજનિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે મારો હરિલાલ નાસીપાસ થઈ ગયો હતો અને આપણને છોડી ગયો હતો, સમજાવીને પરત લાવ્યાં પણ તેનું મન હતાશાની ગર્તામાં ધકેલાઇ ગયું હતું અને તે હમેંશ માટે આપણને છોડીને જતો રહ્યો. આગળ જતાં તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો તે વેળાએ મારાં જેવી અણીસુધ્ધ ધાર્મિક સ્ત્રીની શું હાલત થઈ હશે તેનો તમને અંદાજ છે ? એ વખતે તમે એકવાર પિતા તરીકેની ફરજ સમજી, દીકરાની ઇચ્છાને માન આપી લંડન જવા દીધો હોત તો હરિલાલનું અધઃપતન ના થયું હોત એવું મારું માનવું છે. થવા કાળ થઈને જ રહે છે પણ મોકો ચૂકયાનું મને અનહદ દુઃખ છે.
યાદ છે તમને, આપણે આફ્રિકાથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે કેટલી બધી ભેટસોગાદો મળેલી તે ? મને અલગથી સોનાની પચાસ ગિનીનો હાર મળેલો, તે મારો હતો છતાં પણ તમારામાંના મહાત્માએ મને પૂછ્યા વગર સઘળી ભેટસોગાદ સાથે એને પણ લોકર્પણ કરી દીધેલો, એમ કહીને કે એતો તમે પોતે કરેલી સેવાને લીધે મળ્યો છે, બાપુ હું એટલી ભોટ નથી ! તમારા સેવકોની, આશ્રિતોની સેવા તો મારે જ કરવી પડતી, તેથી એ ભેટ પર મારો હક્ક હતો. તમારી જીદ પાસે મારું કંઇ ન ચાલ્યું. હું પણ સંસાર અને વસ્તાર લઈને બેઠેલી, મારાં છોકરા-વહુઓ માટે કાંઈક તો મૂકીને જાત. બાપુ, શું કહું કેટલું કહું ? આપણાં અમદાવાદનાં આશ્રમમાં અત્યંજ દાદુભાઇ પરિવાર સાથે રહેવા આવેલાં, જન્મજાત વૈષ્ણવ એવી મને લગીરે ગમ્યું નહોતું કે આપણાં રસોડે આવી એ લોકો હાથ લગાડે ! તમારે કાને એ અંત્યજ પરિવાર વિષે મારાં અણગમાની વાત આવી તો તમે સંદેશો મોકલેલો કે એ પરિવાર તો અહીં જ રહેશે બાને ન ગમે તો બાએ પોતાનો રસ્તો કરી લેવો... ઘણું છે મનમાં, હવે મારી આ અંતિમ સફર છે નવી દુનિયામાં કોઈ ભાર લઈને નથી જવું એટલે જ પત્ર દ્વારા ઉભરો ઠાલવી રહી છું.
લાગે છે આગળ નહીં લખી શકું થાક લાગ્યો છે... ફરી પાછું સારું લાગશે ત્યારે લખીશ.... તોયે.... એટલું તો કહી જ દઉં.... તમે દેશસેવાનો ભેખ લીધેલો એટલે તમારાં સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેલાં તેનું મને અભિમાન છે. રૂબરૂમાં ક્યારેય નહીં પણ તમે પત્ર દ્વારા નિરંતર તમારાં પ્રેમની ખાતરી કરાવી જ છે. મારી એક જ આખરી ઇચ્છા છે કે જનમોજનમ તમે જ મને જીવનસાથીરૂપે મળો, મૃત્યુ આવે ત્યારે તમારી ગોદમાં હું સૂતી હોઉં.... લિ. બા ના જય શ્રીકૃષ્ણ.
***
પત્ર - 11
નિપુણ સી ચોકસી
મારી વ્હાલી દીકરી સમય જોને કેવો પવનની જેમ વહી ગયો..... અને તું નાની સી, નાજુક સી, નમણી સી, ખોળામાં હસતી ,ખેલતી,રમતી,રડતી...... ઢીંગલી સાથે રમતાં રમતાં શાળા અને ત્યાર પછી કોલેજ માં પણ પહોચી ગઈ. તારું બાળપણ, મઝાક મસ્તી એ મને મારા બાળપણ ની યાદ અપાવતું. તું નટખટ દીકરી તો ક્યારેક અંગત મિત્ર તો ક્યારેક મારી મા તો ક્યારેક દાદીમા બનીને મને સમજાવતી. આજે તું ઉંચાઈમાં મારી સમકક્ષ થઇ ગઈ છે ત્યારે તને બેટા એટલું જ કહેવું છે કે....
મારા આનંદની ગંગોત્રી છે તું લાગણીનું છલોછલ ઝરણું છે તું,આંખોમાં રમતું સપનું છે તું,ઘરમાં ખીલતું મેઘધનુષ છે તું,હૃદયમાં ગુંજતું ગીત છે તું.
આજે જયારે તું ૧૮ વર્ષ પુરા કરીને યુવાનીમાં કદમ માંડી રહી છે ત્યારે મને થયું કે ચાલ તને પત્ર લખું. રોજ તું મારી સાથે જ હોય એટલે મઝાક,મસ્તી કરતાં કરતાં હું મારી વાત તને કહી દેતો અને ક્યારેક આંખોથી પણ આપણે એકબીજાની વાતને,એકબીજાના મનને સમજી લેતા. પણ હવે કદાચ ભણવા માટે અને ત્યાર બાદ નોકરી માટે તારે ઘરની દૂર જવાનું થાય તો એક પિતા ,મિત્ર અને માર્ગદર્શક તરીકે મારા દિલની વાત તને આ પત્રથી કહેવા ચાહું છું. જે તને હવે પછીની જિંદગી જીવવામાં ખૂબ જ મદદરૂપ થશે.
ઈશ્વરના વરદાન રૂપે જયારે તારો જન્મ થયો. તું નહિ માને હું મારી જાતને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માનતો થઇ ગયો. દીકરો કે દીકરી જન્મે એ એક પિતા માટે સરખી જ ખુશીની વાત છે. પણ તારા જન્મથી મને વિશેષ ખુશી થઇ હતી અને મેં બધે જ પેંડા વહેચ્યા હતા અને પાર્ટી રાખી હતી. મને હજુ યાદ છે તારા જન્મ વખતે મેં પહેલી વાર તને હોસ્પિટલમાં હાથ માં લીધી અને તે એકધારી રીતે એકીટસે મારી સામે જોઇને સ્મિત કર્યું. હું ખુશીનો માર્યો પાગલ થઇ ગયો. જાણે સાક્ષાત સ્વર્ગની પરી ઘરે ના આવી હોય.
તારા માટે રમકડાં,કપડા લાવવામાં મને ખૂબ જ આનંદ મળતો. તારી કાલીઘેલી વાતોથી હું મારા આખા દિવસનો થાક ભૂલી જતો. તું મને મારી બાળપણ ની દુનિયામાં લઇ જતી અને હું મારા બાળપણની બધી જ મસ્તી તારી સાથે કરતો. તને ક્યારેય મેં રીક્ષામાં સ્કુલે ન મોકલી. ઘેટાં બકરાની જેમ બાળકોને રીક્ષા અને વાન માં ભરતાં એ જોઈ ને મને ખુન્નસ ચડતું. એટલે હું જ તને બાઈક પર મારી આગળ બેસાડીને સ્કુલે લઇ જતો. અને બાઈક પર તારી સાથે અલકમલકની કાલીઘેલી વાતો કરવી વચ્ચે સરસ મઝાની અસંખ્ય પપ્પી લેવાની અને આપવાની. એ મારા માટે અદભૂત સમય હતો.
હું બાઈક ચલાવતો નહોતો પણ જાણે કે હવામાં ઉડતો હતો. હું તને અલગ અલગ નામે બોલાવતો અને તું ખુશ થઈને ચીચયારી કરતી એ સાંભળી મને સ્વર્ગનો આનંદ મળતો. અને મેં તારા માટે કવિતા પણ લખી હતી...
દીકરી ઓ ખિલખિલ કરતી ખિસકોલી... મારા ઘરમાં ખિલતી પુષ્પકળી... ઓ ચીં ચીં કરતી ચકલી... મારા દિલમાં ભરતી પગલી... ઓ હવામાં ઉડતી હંસલી... મારા ઘરમાં જાણે રૂપની ઢગલી.. ઓ કૂ કૂ કરતી મીઠડી કોયલ.. ગીત મઝાના ગાતી હરપળ... ઓ રુમઝુમ રુમઝુમ કરતી મ્યાંઉડી... તારી પગલી તો છે કંકુ- ઢગલી... ઓ ફૂલોમાં રમતી ફૂલપરી... મારા શ્વાસોમાં મહેંકતી ધૂપસળી.. ઓ હસતી રમતી લાડકડી... મારા હ્રદય-સંગીતની સૂરાવલી....
-નિપુણ ચોકસી
તારું શાળાકીય જીવન પણ સરસ રીતે પૂર્ણ થયું. મને આનંદ છે કે શાળા જીવનમાં ભણતર સાથે તે રમતગમત ,વકૃત્વ સ્પર્ધાઓ ,ડાન્સ તથા અન્ય પ્રવૃતિઓમાં ભાગ લઇ શક્ય એટલું શીખવાનો પ્રયત્ન કર્યો છે.
હવે તું કોલેજ માં જશે. તારે ઘરથી દૂર હોસ્ટેલમાં પણ રહેવા જવું પડે. તે મારી પાસે ૧૦ માં ધોરણ પછી મારી પાસે મોબાઈલ માંગ્યો હતો પણ મેં ના પાડી હતી. પણ હવે તને હું મોબાઈલ અપાવીશ. સાથે આશા રાખું છું કે તું એનો દુરુપયોગ નહિ કરે. ફેસબુક, વોટ્સએપ, અને ઈન્ટરનેટ એ તારી આંગળી ના ટેરવા પર આવી જશે. મિત્રો બનાવવા, ચેટ કરવું ,અગત્યની માહિતી શેર કરવી એ હવે આજના યુગની જરૂરીયાત છે. પણ સાચું, સારું, ખોટું, ઉપયોગી, બિનઉપયોગી એ બધું તારે જાતે જ નક્કી કરતાં શીખવું પડશે. કોઈના પર આંધળો વિશ્વાસ મુકવો નહિ. કયા મિત્રો સાથે દોસ્તી કરવી ,કોનાથી દૂર રહેવું એ તારે શીખવું પડશે. તારે દુનિયાના પુરુષોની નજર ઓળખતાં પણ શીખવું પડશે. દરેક પુરુષ ખરાબ જ હોય છે એમ સમજી ને દૂર રહેવું એવું નથી પણ વ્યક્તિને તું એના બાહરી નકલી દેખાવ, અને ખોટા આડંબર કે બાપના પૈસે લહેર કરનારા લોકોથી તું દૂર રહેજે. અને જાત મહેનતથી આગળ આવેલા, મેઘાવી, જ્ઞાની લોકોને તું મિત્ર વર્તુળમાં સ્થાન આપજે. તને વાંચવાનો શોખ છે એ તું જીવન પર્યંત જાળવી રાખજે. પુસ્તકથી સારો કોઈ મિત્ર નથી. આત્મકથાઓ, ફિક્શન, એડવેન્ચર સ્ટોરીસ, નવલકથાઓ, હાસ્ય અને કવિતાના પુસ્તકો એમ અલગ અલગ રસ અને વિષયવસ્તુ ને તું વાંચીસ તો જીવનના મેઘધનુષી રંગને પામી શકીશ. પુસ્તકો થી તારું આત્મજ્ઞાન, આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. જેટલા પૈસા તું હોટેલ અને મુવી માં ખર્ચે એટલા જ પૈસા તું પુસ્તકો પાછળ ખર્ચો કરજે. કોલેજમાં ભણતી વખતે જે ભણવાનો ટાઈમ છે એ પ્રમાણિક પણે એ વિષયોને જ આપજે. ડીગ્રીમાં માર્ક્સ ની સાથે એનું ડીપ નોલેજ હોવું એટલું જ જરૂરી છે.
હમેશા કુદરત સાથે જ રહેજે. વહેલી સવારનો સૂર્યોદય અને સાંજના સૂર્યાસ્તને માણજે.
જે કામ છોકરાઓ કરી શકે છે એ બધા જ કામ તું પણ કરી જ શકે છે. હું માનું છું કે એથી ઉપર સ્ત્રીઓ ઘણા કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે. પર્વતો, જંગલો માં ટ્રેકિંગ કરવું, બધા જ પ્રકારના એડવેન્ચર સ્પોર્ટને માણવાના. તમે જ્યાં સુધી અંદરથી ડરતાં નથી ત્યાં સુધી તમને કોઈ જ ડરાવી શકતું નથી. અને જ્યાં સુધી તમે હાર સ્વીકારી નથી ત્યાં સુધી તમે જીતેલા જ છો. એટલે કર્મ અને પ્રયત્નો જી-જાન લગાવીને કરવા બાકી બધું ઈશ્વર પર છોડી દેવું. ધાર્યા પરિણામ ના પણ આવે. ફરી કોશિશ કરવાની. મંજિલ પ્રાપ્ત કર્યાના આનંદ કરતાં એ જગ્યાએ પહોચવાની જે મહેનત કરી છે એ પ્રવાસ બહુ યાદગાર અને મઝેદાર હોય છે. બસ એનો આનંદ લેવો. કોઈ વ્યક્તિ કે કોઈ કાર્ય આપણને નિરાશ કે ડીપ્રેસન તરફ ન લઇ જાય એનું ધ્યાન રાખવું. અને હમેશા કોઈ પણ સબંધમાં કે કાર્ય માં પીછેહઠ થાય તો માનવું કે એનાથી વધુ યોગ્ય સબંધ અને કાર્ય તમારી રાહ જોઈ રહ્યું છે. અણમોલ જિંદગી આંસુ સારવા માટે નથી. પ્રભુએ આપેલી જિંદગીને માણવાની હોય છે. મગજમાં અને દિલમાં ડીલીટ બટન રાખવું જેનાથી દુઃખી થવાય એવી બાબતોને ક્લીન કરતાં રહેવું. જેથી સતત નવા વિચારો, જ્ઞાન અને અનુભવો માટે અવકાશ રહે.
ભણ્યા પછી નોકરી પણ મળશે જ. પણ આગળ વધવા માટે કદી શોર્ટકટ કે ખુશામતનો ઉપયોગ કરવો નહિ. સખત મહેનત કર્યા કરવી. સફળતા સામેથી જ મળશે. લગ્ન પછી સાસરીયા, અન્ય સગાવહાલાં, ઓફીસ સ્ટાફ, પિયર પક્ષ બધા સાથે બેલેન્સથી સબંધો જાળવવા. આજના ડીજીટલ યુગમાં માણસો એકલા થતા જાય છે. માનવીય અને સામાજિક સબંધોની પણ મઝા હોય છે. એક વાત યાદ રાખજે કે "Those pleasure are greatest which are cheapest. " ઈશ્વરે જે આનંદો આપણા માટે સર્જ્યા છે તે ઉચ્ચ છે. માનવીએ નકલી દુનિયા બનાવી ઉભા કર્યા છે એ ક્ષણિક છે.
અને હા આ ઘર આજીવન તારું જ છે. તું લગ્ન કરીને વિદાય થાય એટલે આ ઘરની સભ્ય મટી નથી જતી. અમને તારી કંપની, હૂંફ અને પ્રેમની જરૂરત પહેલાની જેમ જ હંમેશા રહેશે. અને અમે બધા જ તારાથી દૂર હોવા છતાં સદા તારી સાથે જ છીએ. હંમેશા તું ભલે તારી દુનિયામાં જ્યાં પણ રહે, તું સદા ખુશ અને સુખી રહે......!
લી. પાપા.....
***
પત્ર - 12
નીતા શાહ
વ્હાલા દીકરા સ્તવન,
કેમ છે બેટા ? તારું કામકાજ કેમ ચાલે છે ? અરે હા, છેલ્લે તું ઘરે આવ્યો ત્યારે તને માઈગ્રેન નો થોડો દુખાવો હતો. ડોકટરે આપેલ દવાનો કોર્સ પૂરો કર્યો કે પછી ? 'સોરી મોમ ભૂલી ગયો '' as usual. થોડું સારું થાય એટલે સાવ કેરલેસ થઇ જાય છે પણ બેટા ફરી વારંવાર આ દુખાવો સહન કરવા કરતા એક વાર નિયમિત દવા લેવી સારી કે નહિ ? પાછો તું કહીશ કે આ મોમનું ભાષણ ચાલુ થઇ ગયું. પણ શું કરું હું પણ ''માં' છું એટલે ફિકર તો રહે જ છે. કામની સાથે સાથે તારું પણ ધ્યાન રાખજે બેટા.
કદાચ તને નવાઈ લાગશે કે આ ઈમેલ,વોટ્સઅપ અને ફેસટાઇમના જમાના માં આ letter writting નો શોખ ક્યાંથી જાગ્યો ? હા,તું સાચો જ છે બેટા. એના બે કારણો છે. પહેલું તો એ કે હું ખુલ્લા મને તને જે લખી શકીશ એ તને ફોન માં કે ફેસટાઇમ માં નહિ કહી શકું. આજે મારે ખુલ્લા મને માં-દીકરા ના સબંધોને થોડી વાર બાજુએ મુકીને સંકોચ વિના વાત કરવી છે. બીજી વાત સાચું કહેજે મારા હસ્તાક્ષર વાંચીને દુર રહીને પણ મોમ નો વ્હાલો સ્પર્શ ફિલ કરે છે ને ? સારું ચલ હવે તારી ભાષા માં કહું તો સેન્ટીવેડા બંધ... ! હવે મૂળ વાત પર આવું.
તે લગ્ન નહિ કરવાનો નિર્ણય લઇ લીધો છે. અત્યાર સુધી આપની જ્ઞાતિમાં અને અમારા સર્કલ માં પણ વારંવાર તારા લગ્નનો વિષય છેડતા જ હતા. ઉંમરલાયક દીકરો કે દીકરી થાય એટલે આપણા સમાજ માં આવી પૂછપરછ સામાન્ય છે. એમાં પણ સારું ભણેલા, દેખાવડા અને નેઈમ અને ફેઈમ કરી ચુકેલા દીકરા માટે લોકો વધારે પૂછે. એમના પ્રશ્નો ને સારી ભાષા માં હું ટાળતી હતી. જોઈશું, હું વાત કરી જોઇશ વગેરે. પણ હવે મારો નિર્ણય પણ પાક્કો કરી લીધો છે અને છેલ્લા એક વીકથી બધાને ચોખ્ખું કહી દવું છું કે સ્તવન ને હમણાં લગ્ન કરવા જ નથી. એટલે હવે મારે લોકો તરફથી આવતા પ્રશ્નો બંધ થઇ જ જશે.
બેટા, તું મુંબઈ માં તારા બોયફ્રેન્ડ 'હવન' સાથે રહે છે. હવન પણ ખુબ જ સંસ્કારી છોકરો છે. તું સમલૈગિક છે. અને હવન ને તે જીવનસાથી માની જ લીધો છે. તમે બંને ઉંમરના પ્રમાણમાં ખુબ જ મેચ્યોર અને સમજુ છો. તમે પણ એક માતાપિતા તરીકે અમારી જે પીડા છે તે પણ સમજો છો અને એ રીતે વર્તો પણ છો. ઘણી વાર વિચારું છું કે સમાજ આપણાથી બનેલો છે કે આપણે સમાજથી બનેલા છીએ ? પણ એક વાત સ્પષ્ટ કરું તો મારા માટે હવે મારા બાળકોની ખુશી જ અગત્યની છે નહિ કે સમાજ. કારણ બાળકોની ખુશી સાથે સીધું કનેક્શન માતાપિતા ની ખુશી સાથે જોડાયેલું જ હોય છે. હા, શરૂઆતમાં થોડું અજુગતું લાગતું હતું કે આવું તો હોતું હશે અને એક માં તરીકે નો માંલીકીપણાનો ભાવ કે મારો દીકરો આવું કરે જ શું કામ ? હું નહિ ચલાવી લઉં, હું કહું એમ જ થવું જોઈએ બ્લા,બ્લા,બ્લા... ! અને એટલે જ આપણી વચ્ચે ચકમક ઝરી અને મનદુઃખ થયું બંને પક્ષે. હું તારી તકલીફ સમજવા અક્ષમ હતી ક્યાં તો હું સમજવા જ નહોતી માગતી. કબુલ કરું છું મારું વલણ જડ હતું કારણ હું પણ આ જ સમાજ માં જીવી છું અને આવા કિસ્સા જોયા જ નથી. આ પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નહોતી. પણ ઈન્ટરનેટ અને અમુક પુસ્તકો દ્વારા હું સમલૈંગિકપણા ને સમજી શકી છું. તું મારો એકનો એક દીકરો છે. એકદમ હેન્ડસમ,પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી. મુંબઈ જેવી માયાનગરીમાં તું સ્થાન જમાવી ચુક્યો છે. ફેશન ડીઝાઇનર તરીકે તારો ડંકો વાગે છે. નંબર વન ની હિરોઈન પણ તારા ડીઝાઇન કરેલા આઉટફીટસ પહેરે છે. સ્ક્રીન પર જયારે તારો ઇન્ટરવ્યુ કે તારું નામ જોવું છું ત્યારે ખુશીના આંસુ સરી પડે છે અને દુઃખ પણ થાય છે કે કાશ મારો સ્તવન મારી પાસે હોત તો એને હગ કરીને અભિનંદન આપી શકી હોત! અરે, છેલ્લા ફેશન શો માં આપણી ગુજરાતી સાડી ને એમાં કિનખાબી વર્ક અને કિનખાબી બ્લાઉઝ ને જે રીતે તે ડ્રેપ કરી તી ! એક રીચ લુક,ડીસન્સી,ગ્રીન અને પર્પલનું કોમ્બિનેશન અને છતાં ય સાડી કેરી કરવામાં સાવ સરળ... ભલે લોકો અતિશયોક્તિ કહે પણ હું કહીશ કે આ ફક્ત મારો દીકરો સ્તવન જ કરી શકે. યાદ છે તને એક જયપુરી બેડશીટ હું લાવી તી અને સહેજ ટૂંકી પડી તી બેડ ની સાઈઝ પ્રમાણે, મને બહુ ગમી તી એટલે જીવ બાળતી હતી અને તે શું કર્યું તું યાદ છે ? એમાંથી મસ્ત મિક્ષ મેચ કરીને મારા માટે ફ્લોર લેન્થ નો ડ્રેસ પેલા મારા બહેરા ચંદુભાઈ દરજી પાસે કરાવ્યો હતો. ત્યારે તું આઠમાં ધોરણ માં હતો. તારી સ્કુલના એન્યુઅલ ફંક્શન માં પહેર્યો હતો અને કેટલા બધા કોમ્પલીમેન્ટસ મળ્યા હતા. ફ્લોર લેન્થની ફેશન અત્યારે ઓનડીમાન્ડ છે પણ તે આ ડીઝાઇન ૧૩ વર્ષ પહેલા કરી હતી. કાશ, એ દિવસો પાછા આવી શકે તો... જલ્સા જ પડી જાય!
બેટા કુદરતે તને ગે બનાવીને ઈશ્વરે મને લપડાક મારી હોય તેવું લાગતું હતું. મને તો ૩ વર્ષ પહેલા જાણ થઇ ગઈ હતી કે મારા સ્તવન ને કોઈ મિસ વર્લ્ડ કે સ્વર્ગની અપ્સરા પણ રીઝવી શકે તેમ નથી. હવે મને લાગે છે જે થયું તે સારું જ થયું નહિ તો હું તમારી જનરેશન ને કે તમારા વિચારોને ક્યારેય સમજી શકી ના હોત. ભૂલી ગઈ તી કોઈના પર આંગળી ચીંધવી કેટલી સહેલી છે ?પોતાના પર આવે ત્યારે જ સત્ય સમજાય છે. બેટા, સબંધો સજાતીય હોય કે વિજાતીય હોય જીવન માં ગમતા પાત્ર સાથે સેક્સનું સુખ માણવાનો દરેક નો અધિકાર છે. આવા સજાતીય સબંધો આગળ આપણો સમાજ કેમ નાક નું ટેરવું ચડાવે છે? જાણે કોઈ મોટો ગુનો ના કર્યો હોય એવી નજરે જુવે છે. અરે, જરા ઈતિહાસ માં ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે સજાતીય એ કોઈ નવો વિષય છે જ નહિ. આપણા સમાજ માં કોઈ સ્ત્રી કે પુરુષ લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહે તો એ કોઈ નવી વાત નથી પણ જો કોઈ લેસ્બિયન કે ગે સાથે રહે તો સમાજ કેવા કેવા ગંદા શબ્દો વાપરે છે? દરેક પુખ્ત વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો જન્મસિદ્ધ હક્ક છે એમાં કોઈએ ડખલ કરાવી જોઈએ નહિ. ન તો સમાજે, ન તો ભારતીય બંધારણે કે ન તો કાયદાએ... ! ભારતની બહારના દેશો માં જુવો, કાયદા ત્યાં પણ છે,સમાજ ત્યાં પણ છે, ગે અને લેસ્બિયન પણ છે. પણ ત્યાં લોકો બધાને સરખી નજરે જુવે છે. ત્યાં એ લોકો બીતા બીતા જીવતા નથી કારણ સમાજે સ્વીકાર કર્યો છે. તો આપણા ભારત દેશમાં આ સ્વીકાર કેમ નથી એ જ નથી સમજાતું.
ખેર, જવા દે બેટા એ બધું. તું જેવો છે એવો મારો સોનાનો દીકરો છે. તારો ફ્રેન્ડ હવન પણ મારો દીકરો જ છે. અમને તમારો આ સબંધ પણ માન્ય છે હા, પપ્પા ને ૯૦ % માની ગયા છે. તને જોશે એટલે ૧૦૦ % એમજ થઇ જશે. બસ જલ્દી આપણે બધા શાંતિ થી સાથે રહીને એકબીજાને સમજી શકીએ પ્લાન કર. ક્યાંતો તમે બંને અહી આવો અથવા અમને ત્યાં બોલવ. આપણે સાથે જ છીએ અને ભવિષ્ય માં પણ રહીશું જ,એટલે તું નિશ્ચિંત થઇ જજે. સાચી સમજણથી જ મકાન ને ઘર બનાવી શકાય... !
થોડો લેટર લાંબો થઇ ગયો પણ જરૂરી હતું. આશા છે તારો પણ ભાર હળવો થઇ ગયો હશે.
Love You Both... God Bless Both... !
તારી વ્હાલી મોમ,
***
પત્ર - 13
રાજુલા શાહ
તૃષા,
ઓળખે છે મને? કદાચ નહીં. હું તારી અંદર જ વસુ છું, તારો જ ભાગ છું. ખેર, મને ઓળખતા લોકોને ઘણો સમય લાગે છે. પણ તું તો મને ઓળખે જ છો. બસ ભુલી ગઈ છો થોડા સમયથી. તું પણ ફરીથી ઓળખી જાઇશ. પણ આજે તને મારી યાદફરીથી આપવાનુ એક કારણ છે એટલે આજ તને એક કાગળ લખું છું. ધ્યાનથી વાંચજે હો ને.. !
તૃષા, હું ઘણા સમયથી જોઉં છુ તને. તું કઈક બદલાયેલી છો આજકાલ. પહેલા તો તું મારો અવાજ સાંભળતી હતી, મને અનુસરતી હતી અને મારી જોડે કેટલિયે વાતો કરતી હતી. યાદ છે તને? તે જ્યારે પહેલો અક્ષર તારી ડાયરીમાં પાડ્યો હતો એ ક્ષણ? અચાનક જ કોઇ કારણ વગર વરસતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા જોર જોરથી હસી પડવાની ક્ષણ? ને ક્યારેક હકડેઠઠ ભીડ વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી પડવાની ક્ષણ? તું પળે પળ મારી સાથે જીવતી હતી. તું મારામય હતી. દિલનાં અવાજને અનુસરવાની તારી દોસ્તની સલાહ તે રગેરગમાં ઊતારી હતી. યાદ છે તને?
પણ તૃષા આજકાલ હું જોઉં છું તને. તે તારા કાન જાણે સજ્જ્ડ રીતે બંધ કરી દીધા છે. હું કેટલિયે વાતો તને કહું છુ, સાદ પાડું છુ પણ તે જાણે મને ના સાંભળવાની ઠાની લીધી છે. તું મને ધીમે ધીમે નફરત કરવા લાગી છે. હું જાણુ છુ કે તારા જિવનમાં બનેલી એ ઘટના માટે તું મને જવાબદાર ઠેરવે છે અને એવું ધારી બેઠી છો કે તે આજ સુધી મારી વાત સાંભળી ને મોટી મુર્ખતા કરી છે. પણ દિકરા, હું તને એ જ સમજાવા માંગુ છુ કે તું વિચારે છે એ સાચુ નથી. તને લાગેલા આઘાતનો એક પ્રત્યાઘાત છે બસ...
હા, હું માનુ છુ કે તું અત્યારે ઘોર અંધકાર વચ્ચે છો. દિશાહીન છો. શું કરવું એની કોઇ સમજ પડતી નથી. જીવન વ્યર્થ લાગે છે. જીવવાની જિજવિષા સુકાઈ રહી છે. જિવનનો મોટો હિસ્સો તે ખોયો છે. તારી અંદર આક્રોશ છે જે ધીમે ધીમે ઉપેક્ષિતતા બનતી જાય છે. તું મશીન બનતી જાય છે. તું કોણ છો, તારુ અસ્તિત્વ શું છે એ જ તું ભુલી ચુકી છો. તને પોતાને એક સજા આપી રહી છો. તને લાગે છે કે દિલથી જીવવાની સજા મલી છે તને. તને પિડીત રહેવામા એક જાતની ફાવટ આવવા લાગી છે. પણ દોસ્ત, આ સાચો રસ્તો નથી. તું એ વિચાર કે અત્યાર સુધી જીવનમાં તને જે કાંઈ મળ્યુ છે એની સામે છેલ્લા થોડા સમયમાં તે જે ગુમાવ્યુ છે એ કેટલું છે? વધારે છે? ઓછું છે? કે સાવ નહિવત છે? જિંદગી તને જ્યારે તોલમાપ લઈને ખુશી કે દુ:ખ આપવા બેઠી છે ત્યારે તું જિંદગી ને ત્રાજવાના પલ્લે મુકીને માપી જો. આજે કદાચ તારી પાસે હસવાનું કોઈ કારણ નથી પણ અત્યાર સુધી તને ખડખડાટ હસવાના કેટ્લા કારણો મળ્યા છે એ જો. અને બની શકે કે ભવિષ્યમાં તું જ કોઇની મુસ્કુરાહટનુ કારણ બનવાની હો ! આજે કદાચ તું એટલી નિરાશ છો કે તને તારુ ભવિષ્ય જ અંધકારમય દેખાય છે પણ તું એ વિચાર કે તુ બીજા કેટલા લોકોનુ ભવિષ્ય બનવા હજુ સક્ષમ છો? મુશ્કેલીઓ, કસોટીઓ, નિરાશા, દુ:ખ આ બધી નેગેટિવિટી જિંદગીનો જ એક ભાગ છે એટલુ તો તું પણ જાણે છે તો આજ એ બધાને તું તારી આખી જિંદગી કેમ બનવા દે છે?
હા, ઘણું મુશ્કેલ છે. જિંદગીના ઘાવ પર રુમાલ ઢાંકીને આગળ વધવું. છાતીફાડ હિંમત જોઇએ પડ્યા પછી ફરીથી બેઠા થવામા, બેઠા થઈને પાછુ લડવામા. ને તારામા એટલુ સત્વ તો છે જ કે તું આ હિંમત બતાવી શકે. તું પથ્થરમાથી પણ પાણી કાઢી શકે એમ છો. તું કેટ કેટલી મુશ્કેલીઓ પાર પાડીને આજ અહીં પહોંચી છો. તારુ અસ્તિત્વ કેટલું વિરાટ છે તૃષા અને તું આજ આમ સઘળું હારીને બેઠી છો? તું ભુલી ગઈ છો કે તારી અંદર શું ખજાનો ભર્યો છે. તારા આજ ખોખલા બનેલા આત્મવિશ્વાસની પાછળ લડાઈનું એક તેજ તરાર્ર કિરણ છુપાઈને બેઠુ છે જે હું જોઇ શકુ છુ પણ તું નહીં. તું તારી એક કાંકરી હટાવ અને જો કે એ એક છિદ્રમાથી તારી જિંદગીનો આખો સુરજ કેવો પ્રકાશે છે. તૃષા તું જાણતી નથી હજુ કે તું ધારે તો તુ શું શું કરી શકે ! તું કેટલી કાબિલ વ્યકતિ છો એની હજુ તને ખબર નથી. તારી પરખ મને છે. તું મારામાં ફરીથી વિશ્વાસ મુકી જો અને જો કે તું કેટલી ઉંચાઈ આંબી શકે એમ છો !
તૃષા તું તો કેટલું વાંચે છે. વાંચીને સમજે છે. કેટલાયે લોકોની જિંદગી તે સંવારી છે. તો આજ જ્યારે તારી સમજદારીની તને જ જરુર પડી છે ત્યારે કેમ પાછી પડે છે? તું તો મારી સિંહણ છો ને? તું આમ બીકણ થઈ જા એમ ના પોષાય મને. તારી ત્રાડ સાંભળવી છે મારે.
એક વાત હંમેશા યાદ રાખજે. બીબાઢાળ, દિલના અવાજને ભુલીને જિવવાવાળા તને ઘણા મળી રહેશે. અને તને એ લોકો ખુબ જ સુખી પણ દેખાતા હશે. પણ જો તું એ લોકોની અંદર ઝાંખીને જોઇશ તો તને એમના અધુરાપણાનો સાગર દેખાશે. જિવન એ કોઇ ૧૦ થી ૬ ના ઓફિસ ટાઇમ માં ફેલાયેલો કંટાળાજનક દિવસ કે થાકીને લોટપોટ થયેલી રાત નથી. તું આજ શ્રેય અને પ્રેયની પસંદગી વચ્ચે અટવાયેલી છો ત્યારે તું એક વાત યાદ રાખજે કે દિલથી જિવાયેલી એક ક્ષણ આખી જિંદગીને સાર્થક કરી દે છે જ્યારે દિલના અવાજને દબાવીને ગાળેલું આખુ જિવન અફસોસના એક ઢગલા સિવાય કશું જ નથી હોતું. તું તારો અવાજ સાંભળ અને એને બુલંદ બનાવ. જિવન એક ઉત્સવ છે અને એ ઉત્સવ છે એવું તને ત્યારે જ સમજાશે જ્યારે તું દિલથી જીવીશ. ત્યારે જ તું જીવન ઉજવી શકીશ.
અને આ બધું તો તું જાણે જ છે. સમજે છે. તે જ તો કહેલી આ બધી વાતો છે. પણ અત્યારે એ બધું તારી અંદર ક્યાંક ઊંડે ઉંડે દબાય ગયું છે. એટલે આજ તને હું બધું પાછુ યાદ કરાવું છુ. તારી અંદર ચેતના જગાડું છુ. તું તારી જાતને ફંફોસી જો, આ બધું તને ક્યાંક તારી અંદર જ મળી રહેશે.
બસ એક વાત યાદ રાખજે કે તારાથી હું છુ અને મારાથી તું છો. એકબીજા વગર આપણું અસ્તિત્વ જ નથી. એટલે મારી ઝાંસીની રાણી તૃષાજી, ફટાક કરતી ઉભી થા, તડાક દઈને દિવાલો તોડી નાખ, તારો ખજાનો તું ખોલ અને તારા દિલને, તારા આત્માને યાનિ કી મને પુન: જીવિત કર. અને પછી જો તારા જીવનમાં કેવી વસંત ખીલે છે અને તારી ખુશ્બુ કેટલી ઉંચાઈને આંબે છે.. !
અને છેલ્લે તારી જ લખેલી એક અછંદાસ કવિતા તને પાછી યાદ અપાવું છું...
દરેક ઘટના મને તોડે છે,
મારે છે, ફોડે છે
સતત ગુંચવી નાખે છે
ને છતાયે દરેક ઘટનાનાં અંતમા
હું ફિનિક્સ પંખીની જેમ
રાખમાથી પુન: જન્મ લઉં છુ...
ફંફોસી જો તૃષા, ઉંડે ઉંડે ફંફોસી જો.. જરુર કઈક મળશે તને... !
તારો અંતરાત્મા.
***
પત્ર - 14
સોનિયા ઠક્કર
મારા વ્હાલા પપ્પા,
તમને યાદ છે ? ગણિતમાં તમારા કેટલા સારા માર્ક્સ આવેલા અને એ વિષયના નામ માત્રથી હું કેટલી ડરી જતી હતી ! ત્યારે તમે મને એ આંકડાઓના આટાપાટામાંથી ખૂબ સરળતાથી બહાર લાવતા અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે ખુશ થઈ જાવ એવા માર્ક્સ હું લઈને આવતી. પપ્પા, આજે જીવનની પરીક્ષામાં હું બેઠી છું અને આમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો મને દેખાતો નથી. તમે તો અમને બધાને છોડીને દૂર અનંતની યાત્રાએ ઉપડી ગયા છો, પણ આજે મને આ સવાલોની આંટીઘૂંટીમાં તમારી ઘણી યાદ આવે છે અને આ પત્ર લખું છું, આશા રાખું છું કે મને તમે આ અંધકારમાંથી બહાર કાઢશો પપ્પા…
તમે મને હંમેશાં ‘બેટા’ કહીને બોલાવતા હતા. તમારા ગયા પછી બધા જ મને બેટા કહીને બોલાવે છે. જેમની નજરમાં પહેલાં મારું કોઈ મૂલ્ય નહોતું તેઓ હવે આ રીતે પ્રેમથી સંબોધે છે. પણ પપ્પા કોઈ પણ સંબોધનમાં તમારો જે સ્નેહનો સૂર હતો તે મને કેમ સંભળાતો નથી ?
એક વાર નવું આવેલું કમ્પ્યૂટર મારા હાથે બગડી ગયેલું ત્યારે હું કેટલી ડરી ગઈ હતી અને તમને કંઈ કહી શકી નહોતી. ત્યારે તમે મને એટલું જ કહેલું કે, ‘બેટા, ભૂલ તો થાય. પણ કોઈ દિવસ છુપાવાનું નહીં. બિન્દાસ કહી દેવાનું.’ એ દિવસ પછી હું નિર્ભય થઈ ગયેલી. પણ પપ્પા હવે ક્યારેક મારાથી ભૂલ થશે તો હું કોને કહીશ ? પહેલાં તો હું તરત દોડતી તમારી પાસે આવતી, હવે આ પગને કઈ દિશામાં લઈ જઈશ ?
તમે મને એક મંત્ર આપ્યો હતો, ‘વહેંચીને ખાવાનું.’ એક નાની ચોકલેટ હોય કે ભરપેટ ભોજન પણ ઘરમાં બધા જ સભ્યોમાં સરખા ભાગે વહેંચવાની શિખામણ તમે મને આપી હતી. ખુશી અને દુઃખ પણ આપણે શેર કરતા હતા. પણ પપ્પા હવે આ ઊભું થયેલું દુઃખ મારી આંખોમાં આંસુ લાવે છે. આ આંસુઓના સમંદરને હું આપણા પરિવારમાં કઈ રીતે વહેંચું ? સુખના તો ભાગ પાડી લઈશ પણ દુઃખને કઈ કરવતથી કાપીને હું બધાને આપું ?
આજે આ દુનિયાની અનેક કીકીઓમાં મને મારા પ્રત્યે દયાભાવ દેખાય છે. પાંચ માણસોની વચ્ચે આપણો પરિવાર મારા કારણે માથું ઊંચું રાખી શકતો હતો અને તમે આપેલા સંસ્કારો અને શિક્ષણ દુનિયામાં મને ગૌરવથી જીવાડવા પૂરતા છે. પણ પપ્પા આ દુનિયાની આંખોમાં મારા માટેની પેલી દયાને હું કેવી રીતે દૂર કરું ? મને સ્વમાનનો પાઠ તમે જ શીખવાડ્યો હતો, હવે એમની એ કરુણા મારા માટે અસહ્ય છે, કંઈક માર્ગ કાઢો…
તમે આ અનેક વિરોધોની વચ્ચે મને ભણાવી-ગણાવી છે, ને મારા પગ પર ઊભી કરી છે. આખી દુનિયા ‘દીકરી બચાવો, દીકરી ભણાવો’ના બણગા ફૂંકતી હતી તે પહેલાં જ મને પગભર કરવાનું સ્વપ્ન તમે સેવેલું. આજે હું ટટ્ટાર ઊભી છું ત્યારે જ તમે તમારા સ્નેહની શીળી છાયા મારા પરથી હટાવી લીધી ને ! આ ધોમધખતા તાપમાં મને સાંત્વનાની શાતા હવે કોણ આપશે ? મારી ભાંગેલી કરોડરજ્જુને કોણ પાછી ઊભી કરશે ?
કહેવાય છે કે એક બાપ માટે દીકરીના કન્યાદાનનું પુણ્ય ઘણું મોટું હોય છે. મને આજે અફસોસ થાય છે કે એ પુણ્ય હું તમને ન આપી શકી. અગ્નિની સાક્ષીએ તમારે મને એક સ્નેહીના હાથમાં સોંપી જવબદારીમાંથી મુક્ત થવાનું હતું તેના બદલે મેં મારા હાથે તમને અગ્નિના હવાલે કરી દીધા. પપ્પા, તમારી ચિતા તો ઠરી ગઈ પણ મારા હૃદયમાં લાગેલી એ ચિંતાની આગ ખબર નહીં ક્યારે ઓલવાશે ? મને તમારે હસતા હસતા વિદાય આપવાની હતી આ તો તેનાથી ઊંધું થયું. અમે તમને રડતા રડતા જવા દીધા. છેલ્લી વાર આવજો પણ ન કહી શકાયું પપ્પા !!! બોલો, આ બધી વેદના ક્યારે શાંત થશે ?
પપ્પા, બધા મને કહે છે કે ‘તારા પપ્પા તો હવે પિતૃ થઈ ગયા, દેવ થઈ ગયા. તમને ખૂબ આશીર્વાદ આપશો, ને તમે ખૂબ સુખી થશો.’ હું પહેલાં પણ સુખી જ હતી, હા તમારા ગયા પછી સુખ શબ્દ દૂર દૂર સુધી ક્યાંય દેખાતો નથી. મને સ્વર્ગમાંથી બેઠા બેઠા તમારા આશીર્વાદ કરતા ઘરમાં બેસી તમારી એ સૂચનાઓ અને સ્નેહની વધારે જરૂર છે. બોલો, તમે પણ આવું જ વિચારો છો ને ?
તમને યાદ છે ને તમે મને કેટલી બધી સમજાવતાં હતાં. ‘તારો સ્વભાવ સુધાર, વડીલો જોડે આમ વાત ન કર, આવું ન બોલાય.’ પપ્પા, દિલ પર હાથ મૂકીને કહું છું. આજે હું બરાબર એવી જ થઈ ગઈ છું જેવી તમે ઈચ્છતાં હતાં. તમારી કાલ્પનિક દીકરી આજે વાસ્તવિક બની ગઈ છે. તમે કહેતા હતા હું એવું જ કરું છું. કોઈને પણ એક ફરિયાદ કરવાનો મોકો આપતી નથી. હું બરાબર કરું છું ને પપ્પા ?
હવે આખા ઘરની જવાબદારી મારા ઉપર આવી છે એમ બધા જ મને કહે છે. પણ ચારેબાજુ મને સતત તમારો જ આભાસ થાય છે. ઘરના એકેએક ખૂણામાં, કણકણમાં તમે જ દેખાવ છો. ખબર નહીં ક્યાંથી ચારેબાજુ દોડવાની શક્તિ આવી ગઈ છે ? પહેલાં તો ઘરની બહાર જવાના વિચાર માત્રથી કંટાળો આવતો હતો અને હવે દરેક કામ સામે ચાલીને કરું છું. મને સમજાવશો આ સભાનતાનું બીજ ક્યાંથી રોપાયું મારામાં ?
તમે દવાખાનામાં હતા ને ઘરે બીમાર હતા ત્યારે સતત દોડાદોડી થતી હતી. આ બધું જોઈ તમે મને ક્યારેક પૂછી બેસતા, ‘થાકી ગયો મારો દીકરો ?’ સાચું કહું પપ્પા તમારા આ એક સવાલથી જ બધો થાક ક્યાંક ગાયબ થઈ જતો. આજે તો સવારની રાત ક્યાં પડે છે ને એ જ સમજાતું નથી. એટલો બધો થાક ચડ્યો છે ને પણ કોઈ આવો મીઠો સવાલ પૂછવાવાળું મારી પાસે નથી. આ મારો થાક ક્યારે ઊતરશે પપ્પા ? ફરી એક વાર આ સવાલ પૂછોને પપ્પા…
રોજ અડધી રાત્રે ઘરમાં બધાની આંખો એકસાથે ખૂલી જાય છે. બધી જ નજરો એકસામટી તમને શોધતી હોય છે. એ કાળમુખો સમય તમને લઈ ગયો છો ને ત્યારથી દરરોજ એ સમયે અમે બધા પડખાં ઘસતા હોઈએ છીએ. પણ હવે અમને શાંત કરી સૂવડાવનાર તમે અમારી સાથે નથી. ક્યારે જશે આ અજંપો પપ્પા ?
નદીમાં તો પૂનમે ભરતી આવતી હોય છે, તમારી વિદાય પછી અમારા બધાની આંખોમાં રોજ જ પૂનમની ભરતી આવતી હોય છે. ‘સ્ટ્રોંગ ગર્લ’નું નામ પામેલી હું આ પૂરને રોકવા કેમ અસમર્થ છું પપ્પા ? એવો કંઈ બંધ ખરો કે જે આ પાણીને વહેતું અટકાવી શકે ?
માણસને કેમ ઓળખવો એ તમે મને શીખવાડ્યું હતું. હવે જ્યારે એક એવો સમય આવ્યો છે કે મારે સાચા માણસની પરખ કરવાની છે ત્યારે જ મારા માર્ગદર્શક એવા તમે મને એકલી મૂકીને જતા રહ્યા છો. હું આ અસંખ્ય ભીડમાં સત્યને કઈ રીતે ઓળખી શકીશ ?
મને દરરોજ જ એક સવાલ થાય છે… મારી સેવા, પુણ્ય, નસીબ, સ્નેહ ક્યાં ઓછા પડ્યા તે તમે અમારાથી રિસાઈને દૂર ચાલ્યા ગયા ? પેલા ઈશ્વરના ઘરે એવી તો શું ખોટ પડી ગઈ કે મારા ઘરના દીપકનો અજવાશ લઈને પોતાના વૈકુંઠને દીપાવવા તમને એમની પાસે બોલાવી લીધા ? પપ્પા, તમે ભગવાનને મારો આ સવાલ પૂછજો હં…
પપ્પા તમને મારી એક ખાસિયત તો ખબર છે ને… હું જ્યારે ખૂબ જ ખુશ હોઉં ને ત્યારે ગમે તે વ્યક્તિનું નામ પાંચ-છ વાર બોલ્યા કરું. તમને હું ઘણી વાર ‘પપ્પા, પપ્પા, પપ્પા’ સતત કહ્યા કરતી. દર વખતે તમે મને થાક્યા વગર ‘હા, દીકા’નો પ્રત્યુત્તર આપતા. પણ પપ્પા હવે તો હું તમને દિવસમાં અનેક વાર બોલાવું છું, પણ આશ્ચર્ય તો જુઓ એક પણ વાર સામો જવાબ આવતો જ નથી ! તમે તો હવે સતત મારી સાથે જ છો ને, તો પછી મને ઉત્તર કેમ નથી આપતા ?
તમારા ગયા પછી તો મુસીબતોને ખુલ્લું આમંત્રણ મળ્યું છે. એક નવો દિવસ નવી વાત કે સમસ્યા લઈને આવે છે. ચારેબાજુ મને અંધકાર જ દેખાય છે. પહેલાં તો તમે મારો હાથ પકડી મને આ બધાથી છુટકારો અપાવતા હતા, હવે મારી ઢાલ જ મારી પાસે નથી તો હું કરું શું ?
બસ પપ્પા, એક-બેના વિચાર કરતા હતી અને આ તો સવાલોનો સંગ્રહ થઈ ગયો. એક છેલ્લી વાત કરવી છે… તમે મારા ભરોસે આખા પરિવારને આ ધરતી પર મૂકીને આકાશીસફરે નીકળ્યા છો, પણ કોઈ શંકા ન સેવતા. હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમારી ઈચ્છાને અને સપનાને એક ઊની આંચ પણ નહીં આવે. તમારો મારા પરનો વિશ્વાસ ક્યારેય ખંડિત નહીં થાય. બસ, મને એક શક્તિ આપજો, હૂંફ આપજો અને મારી આ પ્રશ્નાવલીનો એક ઉત્તર ચોક્કસ આપજો. તમારા આ દીકાની આંખો તમારા જવાબો માટે શબરી બની બેઠી છે.
તમારી ખૂબ જ યાદ આવે છે પપ્પા… વી આર લવ યુ…
લિ.
માત્ર ને માત્ર તમારી
વ્હાલી દીકરી
***
પત્ર - 15
સુલતાન સિંહ
સંબોધન તમને ગમે એ,
તમારા કરેલા પ્રશ્નોના મારી પાસે કદાચ કોઈ જવાબ નથી. શા માટે? કેમ? અને ક્યારે? એની પણ મારી પાસે કોઈ ચોક્કસ ખાતરી નથી પણ મારે થોડીક વાતો તમારી સાથે જરૂરી કરવી છે.
પ્રથમ વખતે અચાનક એ દિવસે અંધેરી સ્ટેશન પાસેની કપડાની દુકાનમાંથી બહાર નીકળતી વખતે આપણે સામસામે આવતા અથડાયા હતા. હું પડતા પડતા માંડ બચી હતી અથવા અચાનક તમે મને પડતા પડતા પકડી લીધી હતી. તમને ખબર હશે એમજ એ સરકતો હાથ અને અનુભવાયેલો સ્પર્શ એ સમયની લાગણીઓ દર્શાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આપણે એ દિવસે નાની અમથી ઓળખાણ કરેલી સુનંદા મેં મારું નામ કહ્યું પણ તમે ત્યારે માત્ર સ્મિત આપ્યું. હું હજુય કંઇક વિચારમાં હતી, પ્રથમવાર કોઈએ મને એટલા માનથી બોલાવી જેટલું એક પુરૂષે સ્ત્રીને ખરેખર માન આપવું જોઈએ અને પછી મને ચા પીવા બાજુની કીટલી પર આમંત્રણ પણ આપ્યું. હું કઈ પણ વિચારીને ના કહી દઉં એ પહેલા મારી લાગણીઓનો ધોધ મને તમારી સાથે દોરી ગયો. એ નાની હોટલના ટેબલ ખુરશી પર બેસી આપણે એ દિવસે જ્યાં ચા પીધી એ જગ્યા. હા એજ... અજેય ઘણી વાર ત્યાં હું જઈ આવું છું, લાંબો લાંબો સમય ત્યાં બેસીને ચા પીધા કરું છું ક્યારેક ચાર કપ તો ક્યારેક પાંચ પણ થઇ જાય છે. પણ, જો એ જગ્યા ના મળે તો હું ત્યાંથી નીકળી જાઉં છું મને ત્યાં સિવાય ક્યાંય બેસવું નથી ગમતું. ઘણી વખત એવું લાગે છે જાણે મારી દુનિયા એ ટેબલ ખુરશીના ઘેરાવામાં બંધાઈ પડી છે પણ... મારી આંખો જાણે એ વાત માની નથી શક્તિ બસ તમારા આવવાની આ આંખો એ ટેબલના સહારે મંડાઈને રાહ જોયા કરે છે.
અચાનક મારા જીવનમાં એક વિચિત્ર વંટોળ જાણે આવી ચઢ્યું હોય એવી એ સમયની લાગણીઓ હતી. દિલના સૂકાભઠ્ઠ રણમાં કદાચ પ્રથમ વખત વડલો ઘેરાઈ આવ્યા હતા. હું એજ કામના કરવા માંગતી હતી કે આ વરસાદ એક વાર વરસી જાય અને હું એમાં ભીંજાઈ જાઉં પણ... એ અશક્ય હતું કેમ કરીને એ મારે કહેવું એ મને સમજાતું ના હતું. અચાનક જાણે એ સુકા રણમાં ચાલતા ગરમીના હાહાકારમાં એક ઠંડી લહેર અડકતા અનુભવાય એવો આનંદ થઇ આવેલો તમારા એ ટકરાવ માત્રથી. પણ મારા માટે એ લહેર પણ મૃગજળ જેવીજ હતી કદાચ રણમાં રહેતા લોકો જેમ મૃગજળના જળથી ટેવાઈ એમ હું પણ ટેવાઈ ચૂકી હતી. તેમ છતાં મને એ મૃગજળ પાછળ દોડવાની ઈચ્છા થઇ આવી શા માટે હું ના દોડી, મારે એમાં ખોબા ભરી લેવા જોઈતા હતા પણ... મારા જીવનનો સુકો પટ એ પાણીને મારી નજીક પણ નહીં જ આવવા દે હું એક રેતાળ વંટોળ જેવી બની ચૂકી છું મારું જીવન ધૂળની ડમરી સિવાય કઈ આપી શકે એવું નથી કદાચ એટલે તમને કઈજ કહેતા પહેલા મારી સ્વરપેટી બંધાઈ ગઈ હશે. આપણે એ અંધેરી સ્ટેશનની મુલાકાત બાદ પણ લગભગ ચારેક વાર મળ્યા તમારા ઇશારા પણ મને સમજી જવાતા હતા, તમારી આંખો હું સમજી શકતી હતી, કદાચ, એક માત્ર વ્યક્તિ જેણે મને અહેસાસ કરાવ્યો કે શું સુંદરતા હોય છે લાગણીઓની અને શું એની પવિત્રતા હોય છે. અદભુત એ દિવસ, એ પળ અને... અને... મારા જીવનમાં તમે... પણ... બસ કદાચ હવે આપણે એક બીજાને ભૂલી જઈશું, ના એ કેમ બને આપણે કોશિશ કરવી પડશે, હા એજ... એ... ખુબજ જરૂરી છે. છૂટકોજ નથી એના વગર કદાચ મારો અને તમારો આ ટૂંકો સાથ યાદગાર બની રહે એજ ઉચિત છે એને આગળ વધારતા કાળા પડછાયા સિવાય કઈ પામી શકાવાનું નથી.
“પ્રેમ... ” કદી મેં જોયો નથી, અનુભવ્યો નથી કે સમજી પણ શકાયો નથી એવો શબ્દ છે આ. મારા માટે કદાચ પણ તેમ છતાંય જ્યારે તમારો સાથ માણ્યો એટલે જ મને ખબર પડી કે કદાચ પ્રેમ આવો હશે. પણ આટલો નિર્મળ હોઈ શકે એની મેં જીવન ભર કલ્પના પણ નહોતી કરી, કરીશ પણ નઈ, અને સાચું કહું તો હું એને હકદાર પણ નથી. હું મારા જીવનના કાળા પડછાયા તમારા જીવન પર નહી પડવા દઉં. કદાચ તમે છેલ્લી મુલાકાતમાં જે કહ્યું એ મારી અસલિયત જાણ્યા વગર કરેલો નિર્ણય હશે પણ હું તો બધું જાણું છું એ કેવી રીતે એનો સ્વીકાર કરી શકું. કેવી રીતે... એક વેશ્યા... અને તમે... મારાથી કઈ કહેવાય એવું નથી... બસ આટલું વાંચ્યા પછી મને ભૂલી જશો એજ ઠીક રહેશે તેમ છતાંય હજુ કોઈ જિજ્ઞાસા હોય તો આગળ વાંચજો...
એ દિવસ મારા માટે સૃષ્ટિનો સૌથી આનંદનો અને અમૂલ્ય દિવસ હતો અને કદાચ એની યાદો આજે એટલીજ ભયાનક પણ. મને એ પળે પળ યાદ છે એ હોટેલ, એ ટેબલ, અને એ મીણબત્તીનું આછું અજવાળું... આમતો મારા માટે આવા રંગો કઈ નવા નથી પણ આજે પ્રથમ વખત હું ત્યાં મારા દિલના અવાજે આવી હતી બસ એની ખુશી હતી. મને પ્રથમ વખત મારી સામે ગોઠવાયેલી બે આંખોમાં હવસ નઈ પણ લાગણીઓનો વહેતો ધોધ દેખાતો હતો. મારું દિલ આજે પ્રથમ વખત આટલું જોર જોરથી ધડકતું હતું. આજે પ્રથમ વખતે મને મારા શરીરના નીચોડાઈ જવાની બીક સતાવતી ના હતી. અને એમાંય એ વખત તો કદાચ મારા નીકળતા છેલ્લા શ્વાસ સમયે પણ મને યાદ રહેશે... તમે જમતા જમતા મારી સામે નજર નાખતા હતા મારૂ મન કેટલાય તર્ક કરતું પણ મારું દિલ તમારી આંખોની પારદર્શકતા જોઈ શાંત બની જતું હતું. તમે સીધાસાદા હતા એ હું જાણતી હતી પણ હું કેમ તમને ફસાવતી હતી એ મને નથી સમજાતું મને કોઈના જીવન સાથે રમત રમવાનો કોઈ હક નથી તેમ છતાં શા માટે... ? ભલે તમે મારા વિષે કઈ ના જાણો પણ હું તો... પણ, કેમ હું મારા દિલના અરમાનો સામે હારી જતી હતી, તમારો સાથ મને મીઠો લાગતો હતો. મારું મન બધી હકીકત કઈ દેવા તડપતું હતું... હું કહી દેવા માગતી હતી પણ...
અચાનક તમે ખિસ્સામાંથી કંઇક કાઢ્યું એ લાલ ડબી મેં ઘણી વાર જોયેલી હતી એમાં લોકો કદાચ વીંટી લાવતા પણ મારા માટે કોઈએ એવું કઈ કદી લાવ્યું ના હતું. મળતું તો બસ મારી મહેનતનું ફળ કેટલીક હવસના કુંડામાં ભીંજાયેલી કાગળની નોટ, અશ્લીલ શબ્દો અને એમની હવસ ભરી નઝરો. હું કઈ બોલું એ પહેલા તમે એ રીંગ મારી આંગળીમાં પહેરાવી દીધી. કદાચ મારે ઘણું બધું કહેવું હતું પણ એ ડાયમંડની ચમક મારા શબ્દો પર એવો પ્રકાશ ફેંકી ગઈ કે હું કઇ બોલી ના શકી. તમે મને અચાનક લગ્ન માટે પ્રપોઝ કર્યું અને છેલ્લે મારી મુશ્કેલી વધારવા મારા વગર ના જીવી શકવાની વાત કરી... મારે કેમ સ્વીકારવું એ પ્રશ્ન મને તડપાવતો હતો એટલે જ મેં ત્યાંથી ચાલતી પકડી અને પછી જવાબ આપવા કહ્યું. કેવી રીતે એમ કહી દેતી કે હું તમારા લાયક નથી, મારી જીભ પણ કઈ રીતે ઉપડે. તમારી સામે બોલવું મારા માટે અશક્ય હતું પણ તમારી જીંદગી બગાડું એટલો અધિકાર મને નથી.
વધુ લખવાનો સમય નથી હું બધું છોડીને જઈ રહી છું મારી સચ્ચાઈ કહ્યા વગર જઈશ તો તમને જીવનમાં કેટલાક પ્રશ્નો કાંટાની જેમ ચુભતા રહેશે અને વેદના ઉપજાવસે પણ, મારા ગયા પછી કે મારા હોતા તમને દુખી કરવા હું નથી માગતી. મારી હકીકત કદાચ તમને દિલના સોસરવી નીકળશે પણ મારે કહેવું પડશે... મારા સ્વમાનની કે મારા અસ્તિત્વની કોઈ કીમત નથી, જેને તમે જીવન સંગીની તરીકે સ્વીકારવા રાજી હતા એ કેટલાના બિસ્તરો સજાવી ચુકેલી છે. મારી લાજની કીમત માત્ર ૧૦૦૦ રૂપિયા જેટલી જ છે આ સંસાર મને રાત માણવા પુરતી કાબેલ સમજે છે. અને આ સમાજ મારા પડછાયા પાડવા માત્રથી પણ તમને સુખ ચેનથી જીવવા નહિ દે. અને મને પહેલી વખત પ્રેમની ભાષા સમજાવનાર વ્યક્તિનું જીવન મારાથી કેમ બરબાદ કરી શકાય... હું જઇ રહી છું દુનિયાથી દૂર... તમે હમેશાં ખુશ રહો એટલીજ આશા...
મને સાચે જ પ્રેમ કર્યો હોય તો કોઈદી મારી પાછળ એક પણ આંસુ ના સરવા હું વિનંતી કરું છું. તમે હમેશાં ખુશ રહો એટલેજ હું જઈ રહી છું એટલે તમે મને આ દુનિયા છોડ્યા પછી પણ નિરાશ નઈ કરો એવી અપેક્ષા...
મારા જીવનની અંતિમ ક્ષણે પણ જો કોઈ ચહેરા પર ખુશી જોવાની દિલમાં ઝંખના હશે તો એ ચહેરો માત્ર ને માત્ર તમારો હશે...
તમે સ્વીકારેલી પણ દુનિયાએ ધીક્કારેલી,
સુનંદા.
***
પત્ર - 16
સુરેશ લાલન
પ્રિયે,
આજકાલ મારી ખુશીઓની સીમાઓ ખુબ વિસ્તરી ચુકી છે પ્રિયે! મારું દિલ જ નહીં મારું આખુ ઘર પણ ખુશીઓથી છલકાઇ ગયું છે! માત્ર જીવન જ નહી મારું આખું અસ્તીત્વ જ જાણે બદલાઇ ચુક્યું છે. તારા આગમનના એંધાણ માત્રથી મારા અઠ્ઠાવીસ વર્ષના આયખાને લાગેલો થાક ક્ષણભરમાં ઉતરી જશે એવી કલ્પના પણ ક્યાં હતી? હવે નિરસતા, થકાવટ, ઉદાસીનતા, ગંભીરતા ભાગી ગઇ છે અને જીવનમાં જાણે કશીક સુગંધ, સુવાળપ, મીઠાશ અને મદહોશી પ્રવેશી ગઇ છે પ્રિયે! પણ એ બધું તારા જ પ્રતાપે!!
પ્રિયે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી જ એવા પ્રેમની, એવા પાત્રની શોધમાં હતો કે જેની આંખોમાં બાળકના જેવી નિર્દોષતા, ચહેરા પર ગીત ગાતા પક્ષીઓના જેવો ઉમંગ, હોઠો પર સદાય રમતું સ્મિત અને હૈયામાં સાગરના જેવી વિશાળતા હોય!.. તું જ કહે સખી તારામાં આમાંનું શું નથી??
તું તો મારી કલ્પનાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે સખી! તું હવે તું મટીને મારી જિંદગી બની ગઇ છે. તું સાચે જ ગાલીબની કોઇ ગઝલ જેટલી સુંદર છે! તું રમેશ પારેખના સોનલ-ગીત જેવી મધુરી છે! તું જગતના સૌથી જુના પીણા જેવી માદક છે! મારા માટે તું એક વ્યક્તિ મટીને શક્તિ બની ગઇ છે! તું માત્ર તું નથી તું તો મારી આરાધ્ય દેવી છે! હું દેવીને પુજુ એના કરતાં વધારે ઉત્કૃષ્ટતાથી તને ચાહું છું!!
શબ્દો મારે હાથવગા હોવા છતાં ય પત્રમાં કોઇ લય જાળવ્યા વગર માત્ર વરસી રહ્યો છું. જો કે એક જણ તરસે અને એક જણ વરસે એજ તો પ્રેમની સાચી ઓળખ છે પ્રિયે. ખબર નથી કે તને શું થતુ હશે? હું તો સતત તારું સાંનિધ્ય ઝંખતી અજીબ બેચેનીથી તરફડી રહ્યો છું. દિલના પ્રેત્યેક ધબકારમાં તારા નામનો સાદ સંભળાય છે. મારી હથેળીઓ તેની અંગુલીઓ પર રેશમી સ્પર્શનાં ફૂલો ખીલવવા તલસે છે. મને થાય છે કે તારા અંગેઅંગમાં પણ ગુલમહોરનાં પુષ્પો ખીલી ઉઠયાં હશે!!
‘સપનોકી રાની‘ માટે સર્જી રાખેલું કલ્પનાનું એક આખું જગત સાકાર થવા તરફ જઇ રહ્યું છે. તું જલ્દી મારા શહેરમાં આવ નહીં તો મારે ત્યાં આવવું પડશે સખી! મારે માત્ર તને મન ભરીને માણી લેવી છે એવું જ નથી મારે તો તારી આંખોના ઉંડાણમાં ખુંપી જવું છે.. તારા દિલની ધડકનોના સંગીતમાં ભળી જવું છે.. તારી નસોમાં વહેતા વહેતા લાલ લાલ લોહીની સાથે સહેલગાહ કરવી છે મારે.. મારે તારા હોઠોને પી જવા છે. તારી પાતળી નાજુક કમરને આલંગીને મારે તુટી જવું છે.. તારા ભાલ પ્રદેશમાં લટકતાં વાળનાં ઝુમખાંઓના સ્પર્શ વડે મારે મારા ગાલોને રોમાંચિત સંગીતનો અનુભવ કરાવવો છે પ્રિયે!
પત્રમાં બીજું શું લખું પ્રિયે? આ શબ્દો મારું આિલંગન છે અને લખાણ મારું ચુંબન! એક બાજુ સમયનો અભાવ અને બીજી બાજુ તારો તલસાટ! બન્ને વચ્ચે બહાવરો બની આ પત્ર લખી રહ્યો છું.
જો કે એક આશ્વાસન છે પ્રિયે કે આપણા વિરહની આ ક્ષણો પછી દીર્ઘ મિલનમાં પરીણમશે. ખોબલે ખોબલે પ્રેમની વાતો માંડશું! વાતો ય ખુટે નહીં ને રાતો ય ખુટે નહીં એ દિવસો ય હવે બહું દુર નથી!
તારી સાથે તારા પત્રનો ય ઇંતજાર કરું છું. અટકું છું પ્રિયે. આવજે.
લી;
હું ઉર્ફે તારો વિખુટો આત્મા.
***
પત્ર - 17
યશવંત ઠક્કર
પ્રિય પ્રિય પ્રિય અતિ પ્રિય અદ્વિત,
દાદાના બે હાથ જોડીને જય શ્રીકૃષ્ણ. બોલ જય શ્રીકૃષ્ણ.
હું તને આ પત્ર લખી રહ્યો છું ત્યારે તારી ઉમર બે વર્ષની છે. એટલે કે તારી ઉમર હજુ કશું વાંચવાની નથી. મારે એવી ઉતાવળ પણ નથી કે તું જલ્દી જલ્દી વાંચતો થઈ જાય. તારી ઉમર તો હજી કાલુ કાલુ બોલવાની છે. જો કે હવે તો તું ઘણું ચોખ્ખું ચોખ્ખું બોલવા લાગ્યો છે. વળી, આખા આખા વાક્યો બોલવા લાગ્યો છે. એ પણ વિવિધ પ્રકારના ભાવ સાથે! મને તો નવાઈ લાગે છે કે આ બધું તને કોણ શિખવાડે છે!
મજાની વાત એ છે કે તું ક્યારેક અસલ કાઠિયાવાડી લહેકા સાથે તારી દાદીને કહે છે કે : ‘દાદી, આંયાં આવો. આંયાં આવો.’ ત્યારે મને દૂર દૂરથી આપણો મલક સાદ પાડતો હોય એવું લાગે છે. તું ક્યારેક બોલે છે કે : ‘દાદા, આ રોટી સરસ છે. દાદા, આ રોટી બહુ સરસ છે.’ તારા મોઢેંથી ‘સરસ’ શબ્દ વારંવાર સાંભળીને મને તો બહુ સરસ સરસ લાગે છે અને તને બાથમાં લઈને બહુ બહુ બહુ બધી બચીઓ ભરી લેવાનું મન થાય છે. વળી, તારાં મમ્મા સાથે વાત કરતી વખતે તું હિંદીમાં વાત કરે છે! કારણ કે એ મોટા ભાગે હિંદી બોલે છે. ‘ખાના નહીં ખાના હૈ. સો જાના નહીં હૈ.’ અને તારા પપ્પા સાથે વાત કરતી વખતે બધું જ ભેગું! ભેળપૂરી!
તું વાચતાં શીખ્યો નથી છતાંય તને આ પત્ર લખવાનું કારણ એ છે કે જયારે તને વાચતાં આવડી જાય અને તું આ પત્ર વાંચે ત્યારે તને ખબર પડે કે -તારું બાળપણ કેવું મજાનું હતું! આ સૃષ્ટિમાં તારું આગમન એ આપણા પરિવાર માટે કેવી સુખદ ઘટના હતી! તારા આગમનનો એ દિવસ એટલે અમારે મન તો પવિત્રમાં પવિત્ર દિવસ.
એ દિવસે મોડી રાત્રે આ સૃષ્ટિમાં તારું આગમન થયાના સમાચાર આવ્યા ત્યારે અમે બધાં ખુશ થઈને એકબીજાને વધાઈ આપવા લાગ્યાં હતાં. ધારા ફોઈએ અને ધરતી ફોઈએ તો થાળી વગાડીને તારા આગમનને વધાવ્યું હતું. પછી અમને થયું હતું કે રાત્રે બહુ અવાજ ન કરાય એટલે પછી શાંત પડ્યાં હતાં. પણ અમને કોઈને ઊંઘ નહોતી આવતી. અમે મોડે સુધી જાગ્યાં. બધાંના મનમાં એક જ વાત કે ક્યારે સવાર પડે ને ક્યારે તારાં પવિત્ર દર્શન કરીએ.
બીજે દિવસે હોસ્પિટલમાં તારાં દર્શન કર્યાં ત્યારે મને થયું કે આ તો કેવું નાનું નાનું, નાજુક નાજુક, વહાલું વહાલું બબલુ છે! તને મારા ખોળામાં લીધો ત્યારે મને બીક લગતી હતી કે તારા કોમળ કોમળ શરીરને ખોટું તો નહીં લાગી જાયને! મને તો એ જ દિવસે તને ઘરે લાવવાનું મન હતું પણ હજુ તારે થોડાં દિવસ હોસ્પિટલમાં રહેવાનું હતું. એટલે મેં મોબાઇલથી તારી તસવીરો લઈ લીધી હતી. આજે એ તસવીરો ને જોઉં છું ત્યારે થાય છે કે ક્યાં એ નાનું નાનુ બચ્ચું અને ક્યાં આજનો આ ભાગંભાગી કરતો છોકરો!
થોડા દિવસો પછી તું ઘરે આવ્યો અને ઘરની આબોહવા ખુશનુમા ખુશનુમા થઈ ગઈ. પછી તો ઘરમાં ઘોડિયું આવ્યું. હાલરડાં આવ્યાં. હાલરડાંમાં ગલું આવ્યાં. પાટલો આવ્યો. પાટલાનું ખસવું આવ્યું અને તારું હસવું આવ્યું. ત્યાં તો મને એકદમ યાદ આવ્યું કે તારાં દાદીએ એક જૂની નોટબુકમાં બહુ બધાં બાળગીતો ઉતાર્યાં છે. મેં એ નોટબુક શોધી કાઢી. એમાંથી મને એક બાળગીત બહુ ગમ્યું. એ તને સંભળાવ્યું : ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ.’ તને ગમ્યું હોય એવું લાગ્યું. પછી કાંઈ હું ઝાલ્યો રહું? રોજરોજ તને કેટકેટલાં બાળગીતો સંભળાવવા લાગ્યો. બાળગીતો ખલાસ થાય તો જૂની ફિલ્મનાં ગીતો! જેવાં આવડે એવાં અને જેટલાં આવડે એટલાં. હું જેવો ગાતો બંધ થાઉં કે તું તરત રડવાનું શરૂ કરે. મારો અવાજ આમ તો જરાય સારો નહિ. પણ દોસ્ત મારા, તેં મારા અવાજની જેવી કદર કરી છે એવી કદર તો આ સમગ્ર જગતમાં કોઈએ નથી કરી. એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું.
મારા જેવા નિવૃત્ત માણસને તારું ધ્યાન રાખવાનું કામ મળી ગયું. એ પણ સારા એવા વળતર સાથે. વળતરમાં તારું રુદન અને તારું સ્મિત! તારો રડવાના અવાજની શી વાત કરવી? તારા ગાળામાં લાઉડસ્પીકર મૂક્યું હોય એવું લાગે. ઊંઘમાં તું ઘણી વખત હસે ત્યારે હું કલ્પના કરતો હતો કે તને સપનામાં કોઈ પરી દેખાતી હશે.
તારા પપ્પાએ તારા માટે ‘અદ્વિત’ નામ પસંદ કર્યું. આવું આવું નામ રાખવામાં જોખમ તો હતું જ. બોલવામાં અને સાંભળવામાં અઘરું પડે. કોઈ તારું નામ પૂછે તો બેત્રણ વખત કહેવું પડે. વળી બીજું જોખમ એ હતું કે તને ‘અદ્વિત’ કહેવાના બદલે અમે વહાલથી ‘અદ્દુ’ કહીએ તો તારું નામ કાયમ માટે ‘અદ્દુ’ જ પડી જાય! અને એ જોખમ તો ઊભું થયું જ. અમે તને વહાલથી ‘અદ્દુ’ જ કહેવા લાગ્યાં. પરંતુ થોડા દિવસોથી અમે તને ‘અદ્વિત’ કહેવાનું શરૂ કર્યું છે.
તું ત્રણ મહિનાનો થયો ત્યાં તો અમે ઉજ્જવલ કાકાને ત્યાં પુના જવાનું નક્કી કર્યું. પુના સુધી જઈએ તો આસપાસમાં ફરવા તો જવું જ પડેને? તને પ્રવાસમાં તકલીફ પડશે એવું માનીને નક્કી કરવામાં આવ્યું કે તું અને તારાં મમ્મા ઘરે રહે. પણ મને થયું કે આ તો ઘોર અન્યાય કહેવાય! અમે બધાં મજા કરીએ અને તમે માદીકરો ઘરે રહો એ સારું લાગે? ડોક્ટરની સલાહ લીધી તો એમણે સલાહ આપી કે : ‘બાળક નવી પરિસ્થિતિને અનુકૂળ થઈ જ જશે. માટે ચિંતા કર્યા વગર લઈ જાવ.’ પછી તો શું જોઈએ?
કાર મારફતે લાંબા પ્રવાસમાં તને તકલીફ તો પડે જ ને? તેં કાન ફાડી નાખે એવા રુદનથી પુનાનો રાજમાર્ગ ગજવ્યો. પુના પહોંચ્યા પછી બીજે દિવસે લવાસા ગયાં. ત્યાં તને થોડું સારું લાગ્યું. પણ વળતી વખતે આપણે સિંહગઢ જવાનું હોવાથી ટૂંકો રસ્તો પસંદ કર્યો. અર્ધે ગયા પછી અમને ખ્યાલ આવી ગયો કે આ તો ભૂલ થઈ ગઈ છે. એકદમ ઉજ્જડ અને ખાડા ટેકરા વાળો રસ્તો શરૂ થયો. આસપાસ તો જાણે જંગલ! તેં પણ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દીધી. તારા રુદનથી શાંત વાતાવરણ ગજવી નાખ્યું. તને શાંત પાડવા માટે અમે વારંવાર ગાડીમાંથી નીચે ઊતરીને તને તેડી તેડીને ફેરવ્યો તો તને સારું લાગ્યું. પણ ઘરભેગું તો થવું પડેને? જંગલમાં ક્યાં સુધી રોકાવાય? જેમતેમ કરીને કાકાના ઘરે પહોંચ્યાં. મોડું થઈ ગયું હતું એટલે બીજે ક્યાંય જવાનો સમય રહ્યો નહોતો. એ દિવસે તો તારાં મમ્માની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તને સારું નહોતું લાગતું એટલે અમને બધાંને પણ દુઃખ તો થયું જ.
પરંતુ એ દુઃખ લાંબો સમય રોકાયું નહિ. એણે ભાગવું પડ્યું કારણ કે બીજે દિવસે આપણે પંચગની અને મહાબળેશ્વર ગયાં. ત્યાંની ખુશનુમા આબોહવા તને એટલી બધી માફક આવી ગઈ કે તારું રુદન તો છુમંતર થઈ ગયું! અમને તારા ચહેરા પર એકલી પ્રસન્નતા દેખાવા લાગી. તારા મનમાં પ્રસન્નતા હશે એટલે જ તારા ચહેરા પર પ્રસન્નતા હશેને? તું આપણા એ વખતના ફોટા જોઈશ તો તને પણ ખ્યાલ આવશે કે તું કેવા શાંત ચિત્તે કુદરતને માણી રહ્યો હતો! તું ખુશ હોય પછી અમારી ખુશી બમણી થઈ જ જાયને? પછી તો આખો પ્રવાસ એ રીતે જ પૂરો થયો. બંદા ‘અદ્વિત’ ખુશ તો અમે બધાં ખુશ!
તું તેડવાલાયક થયા પછી હું તને ગેલરીમાં લઈને ઊભો રહેતો. આપણા ઘરથી થોડે દૂર રેલ્વેલાઈન પસાર થાય છે. એ લાઈન પરથી અવરજવર કરતી ગાડીઓ હું તને બતાવતો. ઘરની પાછળના મેદાનમાં એક રબારીકાકા ગાયો, ભેંસો, બકરીઓ લઈને ચરાવવા આવતા. મેં તને એ બધાંનો પરિચય કરાવ્યો હતો. મેં તને ગોરસઆમલી અને ગુલમહોરનાં વૃક્ષોનો પરિચય કરાવ્યો હતો. કબૂતર, ટીટોડી, બગલા, કાગડા વગેરેનો પરિચય કરાવ્યો હતો. તારા ભેજામાં કેટલું ઉતરતું હતું એની તો મને ખબર નહોતી પણ તને ગમતું હોય એવું મને લાગતું હતું. બંદા ‘અદ્વિત’ ખુશ તો દાદા ખુશ! દીકરા, બધું કેટલું ઝડપથી બની ગયું! તું ઝડપથી મોટો થઈ ગયો! તારી બાળલીલા તો જાણે અમે પૂરી માણી જ નથી! તું બેસતાં શીખી ગયો, ગોઠણિયાં ભરતાં શીખી ગયો અને ખુરશી પકડીને ઊભો થતાં શીખી ગયો. તું બોલતાં પણ શીખી ગયો.
મમ્મા, પાપા, દાદા, દાદી, કાકા, ફોઈ, નાના, નાની આ બધું જ તને બોલતાં આવડી ગયું. તારા મોઢેંથી પહેલી વખત ‘દાદા’ શબ્દ સાંભળીને મને એમ લાગ્યું કે જાણે મારા હૈયામાં એ. સી. મુકાઈ ગયું છે! તને બધાંને ઓળખતા આવડી ગયું. કોણ ક્યારે કયા કામમાં આવશે એ નક્કી કરતાં પણ આવડી ગયું. તું ખુરશી પકડીને ઊભો થતાં શીખી ગયો. તારા માટે ચાલનગાડી લાવીએ એ પહેલાં તો તું ખુરશીને ધક્કા મારી મારીને ચાલતાં શીખી ગયો. દાદાની આંગળી પકડી રાખવી તો તને ક્યારેય ગમ્યું જ નથી.
આંગળી છોડાવીને ભાગવું જ ગમ્યું છે. તું મારી આંગળી છોડાવીને ભાગે એટલે મારો જીવ તો અધ્ધર જ થઈ જાયને? પણ કોને ખબર! તને પહેલેથી જ બધું જાતે કરવાના બહુ અભરખા. જાતે દોડવા જાય એટલે પડવાના વારા આવે જ ને? તું પડે અને રડે તો હું તને સમજાવતો કે ‘તું જાતે દોડે એટલે પડે જ ને? છાનો રહી જા. કશું નથી થયું.’ એક દિવસ એવું બન્યું કે તું જાતે દોડવા ગયો અને પડ્યો. પડ્યો તો ખરો પણ રડ્યો નહિ. તું જાતે જ ઊભો થઈ ગયો અને મને આશ્વાસન આપવા લાગ્યો કે : ‘દાદા, કશું નથી થયું.’ એ દિવસે મને ભાન થયું કે : ‘સમય સમયનું કામ કેવું કરે છે! માણસ તો માત્ર નિમિત્ત છે!’
તું અવારનાવર મને મીઠી મીઠી ભાષામાં પૂછ્યા કરે છે કે : ‘દાદા, આ શું છે?’ હું મારી આવડત મુજબ તને આ દુનિયાનો પરિચય કરાવતો રહું છું. મેં તને ચાંદામામાનો પરિચય કરાવ્યો હતો. એક રાત્રે એવું બન્યું કે આપણે ચાંદામામાને જોતા હતા ને એ થોડાક વાદળાંથી ઢંકાઈ ગયા. એ જોઈને તેં મને પૂછ્યું કે : ‘દાદા, ચાંદામામા કાં ગયા?’ મારાથી કહેવાઈ ગયું કે : ‘ચાંદામામા ફસ્સાઈ ગયા.’
તને એ જવાબ એવો ગમ્યો કે ન પૂછો વાત! પછી તો તારા મોઢે એક જ વાત કે: ‘દાદા, ચાંદામામા ફસ્સાઈ ગયા!’ પછી તો તું ક્યારેક ક્યારેક જાણી જોઈને બે ખુરશી વચ્ચે ઊભો રહી જતો અને બૂમો પાડતો કે : ‘દાદા, અદ્દુ ફસ્સાઈ ગયો. દાદા, અદ્દુ ફસ્સાઈ ગયો.’
એવું જ કશું બીજી વખત બન્યું. ગયા ચોમાસામાં પહેલો વરસાદ આવ્યો ત્યારે હું તને લઈને ગેલરીમાં ઊભો રહ્યો. વરસાદને જોતાં જોતાં તેં મને પૂછ્યું હતું કે : ‘દાદા, આ શું થાય છે?’ જવાબમાં મેં તને કહ્યું હતું કે : ‘પાણી ભપ્પ થાય છે!’ આ ભપ્પ થવાની વાત પણ તને બહુ જ ગમી હતી. ત્યાર પછી તું ઘણી વખત જાણી જોઈને પડી જતો અને મને કહેતો કે : ‘દાદા, અદ્દુ ભપ્પ થઈ ગયો.’ એ દિવસે પહેલાં વરસાદમાં મારી સાથે તું પણ ભીંજાયો અને તને એવી તો મજા પડી ગઈ કે તું ઘરમાં આવવાનું નામ જ નહોતો લેતો.
હા, તારી હઠ એટલે હઠ! તારું જ ધાર્યું કરવા વાળો! તું મને ઊભો કરે એટલે મારે ઊભા થવાનું જ. તું મને જ્યાં બેસી જવાનું કહે ત્યાં મારે બેસી જવાનું જ. તું કહે ત્યાં મારે સુધી હીંચકા નાખવાના જ. તું કહે એ જ ગીત મારે કમ્પ્યૂટરમાં વગાડવાનાં જ! હવે તને ‘અડકો દડકો’ રમવું ગમતું નથી. વાતવાતમાં ‘દાદા, આ નહિ.’ તને ક્યારે શું ગમે અને શું ન ગમે એ નક્કી નથી. મારા મોબાઇલના કવરની પણ તેં કેવી દશા કરી નાખી છે! છોતરાં કાઢી નાખ્યાં છે. કેટલીય વખત મારા હાથમાંથી મોબાઇલ ખેંચીને તું ભાગ્યો છે અને ખૂણામાં ભરાઈને મોબાઇલ કાને લગાડીને મોટો માણસ વાત કરતો હોય એવાં દૃશ્યો તે ભજવ્યાં છે! રમકડાંથી રમવાનું તો જાણે તને આવડ્યું જ નથી. રમકડાંને ઊંધાંચત્તાં કરી કરીને એ કેવી રીતે કામ કરે છે એ જોવાનું જ તને વધું ગમ્યું છે. એટલે જ તને રમકડાંથી રમવા કરતાં તોડવામાં જ વધારે મજા આવી છે. આ બધું વાંચીને તું નારાજ ન થતો. તારા આટઆટલા જુલમ પણ અમને તો મીઠાં જ લાગ્યાં છે હોં.
જો કે આજકાલ તારામાં જબરું પરિવર્તન આવ્યું હોય એવું મને લાગે છે. હવે તું બહુ હઠ નથી કરતો. મારી વાત માને છે. ક્યારેક તો એવું લાગે છે કે હું તારો વડીલ નથી પણ તું મારો વડીલ છે. જો ને થોડા દિવસો પહેલાં નીચે બેસીને તને ખવડાવતાં ખવડાવતાં હું પણ ખાતો હતો. એ વખતે હું ટેબલ પરથી છાશ લેવા ગયો ને છાશ મારાં કપડાં પર ઢોળાણી તો તેં મને લાડથી કહ્યું કે : ‘દાદા, હમણાં સુકાઈ જશે હોં.’
સાચું કહું તો મને લાગે છે કે હવે અમે તને નથી રમાડતાં પણ તું અમને બધાંને રમાડે છે. અમને આનંદ આવે અને અમે ખડખડાટ હસીએ અને જીવનની નાનીમોટી તકલીફો ભૂલી જઈએ એ માટે તું જાણીજોઈને નખરાં કરતો હોય એવું લાગે છે. નહિ તો તું આવું બધું થોડું કરે! તું ગોગલ્સ પહેરીને હીરોગીરી કરે છે. લાંબો થઈને સૂઈ જાય છે ને પછી ટાંગા ઊંચા કરીને યોગા કરે છે. ગોળગોળ ફરીને રંગલા જેવું વર્તન કરે છે. કી બોર્ડ પર સંગીત ચાલુ કરીને માથા પર હાથ પછાડીને નાના પાટેકર જેવું નાચે છે. અમે તને થોડુંઘણું શીખવાડ્યું હશે. પણ એમાં તું તારી સર્જકતા ઉમેરીને રીતે વધારો કરી રહ્યો હોય એવું મને લાગે છે. ટૂંકમાં કહું તો તું બધી રીતે ઉસ્તાદ બનતો જાય છે.
આ પત્ર લખતાં લખતાં તારે લીધે મારે કેટલીય વખત અટકવું પડ્યું છે. હું કમ્પ્યૂટર પર બેઠો બેઠો ટાઇપ કરતો હોઉં ને ને તું આવીને કહે કે : ‘દાદા, આ નહિ. ગાડી બુલાઈ રઈ જોવું છે.’ તો મારે એ ગીત ચાલુ કરવું જ પડેને? કેટલું મસ્ત ગીત છે નહિ?... ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ. ચલના હી જિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ.
અદ્વિત દીકરા, એવું પણ બને કે ક્યારેક તું આ પત્ર વાંચતો હોય ત્યારે હું તારી પાસે ન પણ હોઉં! આ દુનિયામાં પણ ન હોઉં. હું માત્ર ફોટામાં જ હોઉં. ફોટામાં ફસ્સાઈ ગયો હોઉં. ત્યારે તું મને બચી ભરીને કહેજે કે : ‘દાદા, આઈ લવ યૂ.’ મને ખૂબ જ સરસ સરસ લાગશે.
અટકું છું. તારી સાથે મસ્તી કરવાનો સમય થઈ ગયો છે. હજી તો આવાં ઘણા પત્રો લખવાના છે. વાંચવાની તૈયારી રાખજે.
- લિખિતંગ દાદાના બમ બમ ભોલે.
***