આંસુડે ચીતર્યા ગગન - ૧૭ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન - ૧૭

આંસુડે ચિતર્યા ગગન

(17)

‘કેવું ટેન્શન ?’

‘છોકરો જાત… ક્યારે હું ફરી બેસું એ કંઈ કહેવાય નહીં. ’

‘ધત્… ડેડી તો તારા વખાણ કરતા થાકતા નથી.’

‘હં ! ’

‘એઈ. હવે બહુ દૂર ના બેસ ને ’

‘’ના ભાઈ મને તારી મમ્મીની બીક લાગે છે.

‘પણ આ ઇંતેજારીની કળી ખીલશે ખરી ? ’

‘શંકા છે ?’

‘મન અને હૃદય ક્યારેક દ્વન્દ્વ કરી બેસે છે. ’

‘ન્યુરો સર્જન થવાની અને મનને કાબુમાં ન રાખી શકાય… ’

‘એને તો કાબુમાં રાખી શકાય પણ હૃદય ક્યારેક તડપી ઊઠે છે. .. તારી છાતીમાં માથુ નાખીને ખૂબ રડી લેવાનું મન થાય છે.’

‘ના ભાઈ ના એવું ન કરતી … લોકો માનશે કે હું તને હેરાન કરું છું. ’

‘તું એટલો બધો સજ્જન છે ને કે….’

‘…..કે તક મળે તો ઝડપી લઉં’

‘શું ?’

‘તક ’

‘કેવી ?’

મારા હોઠો પર લુચ્ચું સ્મિત રમી ગયં અને એના ગોર ગાલ શરમથી રતુમડા થઈ ગયા.

‘એઈ શું વિચારે છે ?’

‘લાગતું નથી આ જ જિંદગી મઝાની છે ?’

‘રસનાં છાંટણા હોય … ઓડકાર ના હોય… ’

‘ખરેખર ?’

‘હં !’

‘અર્ચુ ! બિંદુભાભી અને શેષભાઈના જીવનમાં ખટરાગ શરુ થયો લાગે છે.’

‘કેમ કંઈ કાગળ આવ્યો છે? ’

‘હા. આ વખતના બિંદુના કાગળમાં કંઈક ઢીલું ઢીલું આવ્યું છે… કંઈ કેટલાય દિવસથી શેષભાઈ ઘરે આવતા નથી…. આવે છે તો બોલતા નથી… અકસ્માત થયા પછી આખી વર્તણુંક બદલાઈ ગઈ છે. એવું બધું લખે છે.’

‘ચાલ આ વખતે મુંબઈ તારી સાથે હું પણ આવું છું.’

‘મમ્મીને દુ:ખ થાય તો જીદ કરીને ન આવતી. ’

‘તું વાત કરજે ને ?’

‘ભલે !’

‘પણ મને મેન્ટલ હોસ્પિટલમાંથી રજા નહીં મળે.’

‘કેમ ?’

‘બે એક પેશન્ટ વાયોલન્ટ છે’

‘તે એમાં તારા રોકાવાની ક્યાં જરૂર છે ?’

‘એવું ખાસ તો નથી. પણ એક પ્રેમભગ્ન પેશન્ટ મને તેની પ્રેયસી માને છે. ’

‘એઈ … એને કહી દેજે કે હું એનું લોહી પી જઈશ.’

‘કેમ જલી ગયો ?’

‘ના પણ પેશન્ટ છે ત્યાં સુધી વાંધો નહીં… આગળ વધશે તો મેં એરગનના લાઈસન્સ માટે અરજી કરી છે એટલું એને કહી દેજે…’

‘એરગનમાં ગોળી ન હોય, છરા હોય ખબર છે ? એનાથી ફુગ્ગા ફોડાય …’

‘ભલે… ભલે…’ બંને હસતા હસતા છૂટા પડ્યા.

મુંબઈ અમે બંને સાથે પહોંચ્યા… બિંદુ થોડી સૂકાઈ હતી. મને જોઈને એની આંખો છલકાઈ ગઈ.. ‘અંશભાઈ ! તમે આવ્યા…’

અર્ચનાને સારી રીતે આવકારી… અંશીતા કાલુ કાલુ બોલતી હતી… ‘તાતા… આવ્યા…તાતા આવ્યા…’ અર્ચનાની ચોકલેટની લાંચથી તો એ દોડીને એની પાસે લપાઈ ગઈ.

રાત્રે અગિયાર વાગ્યે શેષભાઈનો ફોન આવ્યો. ફોન ઉપર બિંદુને બદલે મારો અવાજ સાંભળીને ચોંકી ગયા… ‘અરે અંશ તું ક્યારે આવ્યો ?’

‘સવારથી તમારી રાહ જોઇએ છીએ. અર્ચના પણ આવી છે.’

‘અચ્છા… હું જરા કોન્ટ્રાક્ટમાં અટવાઈ ગયો હતો.’

‘બિંદુને આપું ?’

‘આપ, પણ હું તો અત્યારની ફ્લાઈટમાં દિલ્હી જવાનો હતો. -’

‘કૅન્સલ કરીને આવો’

‘ભલે કૅન્સલેશન કરતાં બાર તો વાગશે. ’

‘આવો ત્યારે.’

બિંદુએ પૂછ્યું – ‘શું કહેતા હતા ?’

મેં મઝાક કરતા કહ્યું – ‘કેમ માની લીધું કે એમનો જ ફોન હશે ?’

‘અડધી રાત્રે એમના સિવાય કોઈ ન હોય. અને એ પણ હું દિલ્હી કે કલકત્તા જાઉં છું કહેવા માટે જ હોય.’

હવે ચમકવાનો વારો મારો હતો. ‘શું કહે છે બિંદુ ! એમના કોઈ પ્રોગ્રામની તને ખબર જ નથી હોતી….?’

અત્યાર સુધી ટકાવી રાખેલ એનો ડૂમો અચાનક વછૂટી ગયો. અર્ચનાના ખભે માથુ નાખી ડુસ્કે ડુસ્કે રડી પડી.

‘અંશભાઈ… આંસુડાને મારા હાસ્યની ઈર્ષા આવે છે… હું ક્યારેક હસું તો મારા હાસ્યની સમાપ્તિ આંસુડાની સાથે જ થાય છે… હું શું કરું મને સમજાતું નથી…’

ન્યુરો સર્જન ડૉક્ટર અર્ચનાને આ માનસિક રોગની કોઈક નિશાની લાગી…

‘ભાભી વાત શું છે ?’

‘અર્ચના મારા સુખને કોઈની નજર લાગેલી છે. શું કહું ?’

‘હશે હવે વાતમાં કાંઈક ફોડ પાડો તો અમે કંઈક મદદરૂપ થઈ શકીશું.’

‘એ ધારણાથી તો તમને પત્ર લખ્યો હતો. પણ વધુ વિચારતા મને લાગે છે… મારું સુખ પૂરું થઈ ગયું. ’

‘કેમ એમ બોલે છે બિંદુ ?’ હું જરા આવેશમાં આવી ગયો.

‘તું ગુસ્સે ન થા અંશ… It is a sort of psychic case where she feels she is alone… હં ! પણ ભાભી કહો તો ખરા વાત શું છે ?’

‘પોતાની જાંઘ ખુલ્લી કરવાની વાત છે બેન ! તને શું કહેવું ? અને પરણેલાની વાત કુંવારાને શું કહેવી… એટલે પછી લાગ્યું કે નસીબના ભરોસે જિંદગીને છોડી દઈએ બીજું શું ? પણ એટલું નક્કી કે કોઈકની નજર મારા સુખને લાગી ગઈ છે.’

‘બિંદુભાભી અમે બંને ડૉક્ટર છીએ. વળી પરણવાની વાતો કંઈ નવી નથી. પણ જો અમે ‘પરાયા’ હોઈએ તો ન કહેતા.’

‘ના અર્ચના – એમ નથી. પણ હવે એ મારાથી અતડા અતડા રહેવાની કોશિશ કરે છે. અંશી સાથે થોડું રમે છે અને પાછા એમની દુનિયામાં ખોવાઈ જાય… મારી સાથે વાત ન કરે… અરે આંખ પણ ન મેળવે… હું શું કહું ? મારા દુ:ખની વાત બેન !’

‘પણ શા માટે શેષભાઈ આવું કરે છે ?’

‘મને એ જ તો ખબર નથી.’

‘તમે એમને ન ગમતું કશું કર્યું હતું ?’

‘ખબર નથી.’

‘ભાભી ! કદાચ કોઈક પ્રકારના ટેન્શનમાં હશે એ… ’ અર્ચના બોલી.

‘પણ એવું ટેન્શન કેવું કે જ્યાં હું જ એમને ન ગમું ?’

‘અંશી જોડે પ્રેમથી રમે છે ને?’

‘હા. ’

‘ભાભી તમારે બહુ ચિંતા કરવા જેવી નથી.’

‘કદાચ.’

‘કેમ કદાચ ?’

‘અંશભાઈ, અકસ્માત થયાને કેટલો સમય થયો ખબર છે ?’

‘છ એક મહિના થયા.’

‘છ મહિનાથી બેડરૂમમાં કાં તો હું પૂરાઈ જાઉં છું કાં તો એ પૂરાઈ જાય છે !’

‘એટલે ?’

‘એટલે હું એક એવી ગુનેગાર છું કે જે રોજ રાતે જે ગુનાની મને ખબર નથી તેની સજા ભોગવું છું…’

‘એટલે કોઈક અણબનાવ થયો છે ?’

‘એ તો હું નથી જાણતા પણ… અંશી પછી અંશુમાનની મારી માગણી હતી. એમને નાનકડી બિંદુ મળે તો મને એમનું નાનકડું પ્રતિબિંબ મળવું જોઇએ ને ?’

‘હં !’ અર્ચનાનું ડૉક્ટરી માનસ દર્દની ગંભીરતા પકડવા મથી રહ્યું હતું…

‘એટલે ખરેખર શું બને છે ?’ એણે પૂછ્યું.

‘રોજ રાતે અંશીને સુવાડવા હું મથતી હોઉં ત્યારે એ છાપુ વાંચતા હોય. અંશી સૂઈ જવાની તૈયારીમાં હોય ત્યારે ઊઠે… જો હું બેડરૂમમાં સુવડાવતી હોઉં તો બહાર જઈને બહારથી બેડરૂમ બંધ થઈ જાય… અને જો હું બહાર સુવડાવતી હોઉં તો બેડરૂમ અંદરથી બંધ થઈ જાય… અંશભાઈ ! હશે ટેન્શન હશે… ભોજ્યેષુ માતા બનતી પત્ની કાર્યેષુ મંત્રી બને પણ શયનેષુ દુશ્મન તો ન જ હોય ને… ’

‘પછી ?’

‘પછી શું ? શરૂઆતમાં થોડુંક મન મનાવ્યું… પછી એક દિવસ વિચારોએ વિકૃત્તિ પકડવા માંડી ત્યારે બેડરૂમ ખખડાવી ખખડાવીને થાકી પણ બારણું ન ખૂલ્યું તે ન જ ખૂલ્યું. આખી રાત રડતી રહી ડુસકા સાંભળતા સાંભળતા એ પણ જાગતા રહ્યા હશે. વહેલી સવારે સૂઝેલી આંખે જ્યારે દૂધ લેવા નીકળી ત્યારે એ બહાર આવ્યા… જાણે કશું જ નથી બન્યું.’