સોમનાથ : આરતી Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોમનાથ : આરતી

સોમનાથ આરતી

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। :उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥1॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।:सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥2॥

वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।:हिमालये तु केदारं घृष्णेशं च शिवालये॥3॥

एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।:सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥4॥

હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર બિરાજમાન શિવ જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રનો પ્રભાસ ભાગ પાસે નૈઋત્ય દિશાથી અરબી સમૃદ્ર નમન કરી રહ્યો છે, ત્યાં સાક્ષાત સોમનાથ મહાદેવ બિરાજમાન છે. ‘સૌરાષ્ટ્રે સોમનાથ’નું આગવું મહત્વ છે. સૌથી વિશાળ શિવલિંગ - જેનું રક્ષણ અગાધ સમુદ્ર કરે છે. સીધા દક્ષિણ ધ્રુવ સુધી જઈ શકાય તેવા દિશાસૂચન સાથેનો બનસ્તંભ સમગ્ર પૃથ્વીને જોડીને રાખતો ન હોય ! સતયુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર નામે જાણીતા ભગવાન સોમનાથ.

સાંજનો સાત વાગ્યા આસપાસનો સમય થવા આવ્યો છે. સમુદ્રને સૂર્ય નામે દીકરો. સાંજ પડતા જાણે પોતાના ઘરે પાછો બોલાવે છે. ધીરે – ધીરે કેસરી પટ્ટ સમગ્ર સાગર પર પથરાઈ જાય છે. મહાદેવના ભક્ત સમાન મોજાઓ ઊંચા ઉઠીને દંડવત્ કરીને અસીમ ભક્તિ દર્શાવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભાવમય વાતાવરણ સર્જાય છે. લોકો શિવને મળવા આવે છે. આજે સત્સંગ કરવો છે. શિવને નિહાળવા છે. સાંજની આરતીમાં ઋગ્વેદની ઋચાઓ સાંભળવી છે. સૂર્ય ધીરે રહીને છૂપાઈને અલિપ્ત બની જાય છે. સમયનો ક્ષિતિજ ! એક તરફ ચંદ્રમા પોતાના ઘરની સંભાળ લેવા આવે છે અને બીજી તરફ આવતી કાલે ફરીથી મંદિરના સુવર્ણ પર પોતાના કિરણો ફેલાવીને જગને ઉભું કરવા સૂર્ય સમુદ્રમાં સમાઈ જાય છે. લોકોની સંખ્યા વધતી જાય છે. દરેકનું ધ્યાન મંદિરના ગર્ભગૃહ તરફ છે. આરતી પહેલા હનુમાનચાલીસા લઈને હનુમાન શિવને અર્ધ્ય અર્પણ કરવા આવી પહોંચે છે. ભાવિકો અને શ્રદ્ધાળુઓ મૂક બનીને એ આરતીનો આસ્વાદ લેવા સજ્જ થઇ ઉઠે છે.

મંદિરના જમણી તરફના ખૂણામાં અમુક યુવાનો પહોંચે છે. તેઓ પોતપોતાના વાદ્યો પર ગોઠવાય છે. ઝાલર વાગે છે, રણઝણે છે, બોલી ઉઠે છે. અવાજ દરેકના કાન સુધી હવાને ચીરીને પહોંચી જાય છે. અચાનક જ બંને હાથ ઉપર ઉઠે છે અને આપોપાપ જોડાય છે. શરણાઈના સૂર અન્ય વાદ્યવાદક માટે જરૂરી તાલ પૂરો પાડે છે. મૃદંગ અને ઘંટ પર પડતી દાંડી અદભુત સ્પતકના સ્વરો રેલાવે છે. ધીરે-ધીરે આ લયબદ્ધ અવાજોની દુનિયામાં ખોવાઈ જવાય છે. આંખો બંધ થાય છે. તાલમિશ્રીત ઝાલરોમાં તલ્લીન થવાય છે, શિવમાં લીન થવાય છે. કોઈ માંગણી થતી નથી, માત્ર શક્તિ-પ્રાર્થના થાય છે. લગભગ અડધી કલાક બિન વિક્ષેપી આરતીની મજા લૂંટાય છે. વચ્ચે એક પૂજારી અગ્નિને સાક્ષી બનાવીને આરતી લાવે છે. તે આરતીની ઉપરની દિવેટ નીચે એક હાથી આધાર આપે છે. અન્ય દિવેટ સિંહની કલાકૃતિ સાથે કંડારાયેલી છે. એ ત્રીસેક મિનીટની આરતી જેવી બંધ થાય કે તરત જ કાનમાં ખાલીપો જણાય છે. હજુ, એ મધ કાનમાં રેડાતું જ રહે એ ઇચ્છાઓ જન્મે છે. એક અદભુત શાંતિનો અહેસાસ ! આરતીના દર્શન કરીને બહાર નીકળતાની સાથે જ શિવમહિમ્ન સ્તોત્ર શરુ થાય છે. સમુદ્ર જાણે મહાદેવના દર્શન કરવા એકદમ નજીક આવ્યો હોય તેમ પવનના સૂસવાટા સાથે મંદિરના પ્રાંગણમાં આવે છે. સાગર પર નીલા રંગની ચાદર પથરાઈ છે. ઉંચે ઉઠતા મોજાઓ પરની સફેદી અહ્લાદક છે. સૂર્ય સમુદ્રમાં સમાઈ ગયા પછી પોતે જ મહાદેવને સૂર્યનમસ્કાર કરતો હોય તેવી રીતે અથડાય છે. અવાજો કરે છે, દરિયાને અંદરથી ઘૂઘવે છે. સિંહસ્થ સ્વરૂપ ! શિવ સ્વરૂપની સાબિતી ! જાણે હવામાં જ શિવતત્વ સમાયેલું હોય.

પાર્વતી શક્તિપીઠ પર ઉભા રહીએ તો સમુદ્ર પોતાના સ્વરૂપના સૂસવાટારૂપી પવન સાથે ‘વી.વી.આઈ.પી’ દર્શન કરાવે એ નક્કી છે. મંદિરની સુવર્ણ ટોચ પર ચતુષ્કોણમાં લટકાવાયેલ ઝાલર અને તેની પાછળ ભગવાન શિવનું ડમરું જાણે આરતી પૂરી થયાની ઘોષણા કરીને આશિષ વહેંચતું હોય. તેની ઉપર ઉંચે ફરકી રહેલ કેસરી ધ્વજ મંદિરના અમરત્વની સાબિતી આપે છે.

થોડી વારમાં જ લાઈટ & સાઉન્ડ શો શરુ થાય છે. લેજન્ડરી ‘ધ અમરીશ પૂરી’ના યુનિક અવાજ સાથે શો શરુ થાય છે.

‘जय सोमनाथ ! मैं हूँ सागर – अनंत, असीमित और सनातन ! हजारो सालों से यह सोमनाथ मंदिर का साक्षी हूँ. इतने सालो मैं क्या-क्या घटा ये मैं बताऊंगा !’ આ સાથે જ સોમનાથ મંદિરના ઈતિહાસની ઝાંખી થાય છે. પરેશ રાવલ, દર્શન જરીવાલા, અમિતાભ બચ્ચન અને અન્ય કેટલાંયે વ્યક્તિ-વિશેષ આ ઇતિહાસમાં સામાન્ય બનીને આવે છે. ચંદ્રમા થી શરુ કરીને સન ૧૯૫૧માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને લીધે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્હસ્તે થયેલ મંદિરના જ્યોતિર્લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા સુધીનો સમય ખૂબ છણાવટ પૂર્વક દર્શાવાય છે. ઈતિહાસની ગાથા ગવાતી હતી ત્યારે, ગોહિલવાડ તરીકે ઓળખાતા અમરેલી જીલ્લાના અરઠીલા ગામના હમીરજી ગોહિલ પર માન ઉપજી આવ્યું. તેઓ સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. તેઓ કવિ કલાપીના પૂર્વજ હતા. તેમની હિંમત પર અભિમાન થયું.

***

સોમનાથના ગઢની સામેજ નવ - નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા. હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. પરોઢીયે હમીરજીએ મહાદેવની પુજા કરી. કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુ કે,

વે'લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;

હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;

સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.

દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુ કે તરત જ ગઢના દરવાજા ખુલ્યા. હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાજ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ અને તે દિવસનુ યુધ્ધ બંધ થયુ. સોમનાથના ગઢમાં પરત ફરતાજ હમીરજી જોવે છેકે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો અને સવારનુ યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનુ નક્કી કર્યુ. સવાર પડતા જ ઝફરખાને સામેથી હુમલો કર્યો. જયારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા.

સાંજ પડતા યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામા ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. શિવલિંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો અને સોમનાથનું મંદિર ભાંગ્યું. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નીરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,

રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;

કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.

વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;

હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.

સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યુ હતુ. હમીરજી ગોહિલ ઇતિહાસનુ અદભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે, જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો ‘સુરાપુરા’ તરીકે આજે પણ પુજે છે.

મંદિરના મેદાનમાં શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.

***

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય;

જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;

રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ..

સોરઠ ધરા ન સંચર્યો,ન ચઢ્યો ગઢ ગિરનાર,

ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર.

વન આંબાસર કોયલું , ડગ ડગ પાણીડાં ઘટ ,

નકળંક કેસર નીપજે , અમારો સરવો દેશ સોરઠ .

અમારી ધરતી સોરઠ દેશની ઊંચો ગઢ ગિરનાર,

સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નરને નાર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,

રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

સંચરી સોરઠ દેશ,જે નહી જુનાગઢ ગયો,

લીધો ન તેણે લેશ,સાર્થક ભવ સંસાર માં.

|| જય સોમનાથ ||