Featured Books
શ્રેણી
શેયર કરો

રવલાની તીર્થયાત્રા - ગોવા - ભાગ - ૨

વલાની તીર્થયાત્રા – ગોવા...

ભાગ – ૨

Ravi Dharamshibhai Yadav

સવારમાં આંખો ખોલી અને બાજુમાં જોયું તો સામાન એમ ને એમ પડ્યો હતો. આશ્ચર્ય થયું કે અડધી રાતે સમાનની ચોરી નથી થતી અહિયાં.. હહાહાહ...

દુર નજર કરી તો જનકુબા સવારના સૂર્યને નિહાળી રહ્યા હતા. ફોટાઓ પાડી રહ્યા હતા.. ધીમે ધીમે બધાય જાગ્યા અને આસપાસનું વાતાવરણ અનુભવી રહ્યા હતા. એ જ નીરવ શાંતિ હતી અને ઠંડો વહી રહેલો પવન અને દરિયાનો એ પહાડી અવાજ, થોડા ગોરા લોકો સવાર સવારમાં દરિયાકિનારે જોગીંગ કરી રહ્યા હતા. પણ અમારી હોટેલ જર્ની હજુ પૂરી નહોતી થઇ. હજુ અમે નિરાધાર જ હતા જે પોતાનો સમાન સાચવી રહ્યા હતા એટલામાં જ ત્યાની હોટેલના લોકો આવ્યા અને અમને સામાન લઇ લેવા માટે કહ્યું. સમાન બધો દરિયાકિનારે રહેલી ધૂળમાં રાખીને ફરીવાર દુર્ગેશ અને રવિરાજ હોટેલની શોધખોળ કરવા ગયા. હું એકલો એક ત્યાના લોકલ માણસ જોડે હોટેલ જોવા ગયો.. થોડી જ વારમાં નજીકમાં જ એક ગેસ્ટહાઉસ મળી ગયું, એ પણ પોતાના બજેટ કરતા સસ્તા ભાવે ( ગુજરાતીઓ યુ નો ને ) અને જાણે જંગ જીત્યા હોય એવું લાગ્યું. પોતાના બેગ્સ ઉપાડી ઉપાડીને ગેસ્ટ હાઉસ તરફ નીકળી ગયા અને મસ્ત ફ્રેશ થયા અને સવાર સવારમાં તે જ ગેસ્ટહાઉસવાળાની હોટેલમાં આલુંપરાઠા અને સબ્જીનો નાસ્તો કર્યો... અને તે દિવસે બીજે ક્યાય નહિ પણ એ જ બીચ પર ફરવું એવું નક્કી કર્યું. સવારનો નાસ્તો કરીને દરેક લોકો સુઈ ગયા બપોરના સમયે અને ૪ વાગ્યા આસપાસ નીકળ્યા દરિયાકિનારે ફરવા માટે. અગોંડા બીચની સુંદરતા વિષે લખું એટલું ઓછું છે.

આખી બાજુ રોકીને ઘૂઘવતો એ દરિયો, બંને બાજુમાં પર્વતો, દરિયાકિનારે પથરાયેલી એકદમ જીણી રેતી, પર્વતની બાજુમાં ઉભેલી નારીયેલીઓ, અને દરિયાકિનારે હોટેલ તરીકે યુઝ થતી “હટ” જેનું ૨૪ કલાકનું ભાડું સીઝનમાં ૫૦૦૦-૮૦૦૦ રૂપિયા સુધીનું હોય છે અને અમારા ખુબ વધુ સારા નસીબના પ્રતાપે અમે એ જ સમયે ગયા હતા. આખો દિવસ એ દરિયા જોડે હિલોળા ભરીને બધા જ થાક્યા હતા પરંતુ ત્યાં જ હોટેલવાળાને જનકમાડીનો ઓર્ડર મળ્યો કે અમે રેડી થઈને આવીએ છીએ તમે જમવાનું તૈયાર રાખો અને અમારે કેન્ડલ લાઈટ ડીનર કરવાની ઈચ્છા છે તો કેન્ડલ તૈયાર રાખજો...

બધા જ પોતાની રીતે મસ્ત મસ્ત કપડા પહેરીને તૈયાર થઈને આવ્યા હતા અને ઓર્ડર તૈયાર હતો. દરિયાકિનારે જ ટેબલ મુકાવ્યા અને ત્યાં લાઈટ બંધ કરાવી અને કેન્ડલના પ્રકાશમાં જમવાનું હાજર થયું. પંજાબી અને ચાઇનીઝ ખાણું પણ ખુબ જ સારું હતું. મીણબત્તીના અજવાળે ઠંડાપવનમાં અમે લોકો જમી રહ્યા હતા એટલામાં જ મારી ડીશમાંથી વાંદા જેવું કશુક દેખાયું અને....

મોબાઈલની લાઈટ કરીને જોયું તો ખબર પડી કે એવું કશું છે નહિ એ તો સુકા મરચાનો ટુકડો હતો. પણ મગજમાં ડર બેઠો એટલે તરત જ હોટેલવાળાને કહ્યું કે ભાઈ લાઈટ કરી દો, કેન્ડલ લાઈટ ડીનરના ફોટો પડી ગયા. બાકીના લોકોએ થોડો વિરોધ દર્શાવ્યો પણ કદાચ હું નવો વરરાજો હતો એટલે બધાયે મારી વાત ચાલવા દીધી એવું મને લાગ્યું. બાકી એકેય મારું માને એમ છે નહિ. ત્યાંથી જમીને તરત જ દરિયાકિનારે બેઠા અને વચ્ચે લાકડા ગોઠવીને થોડું પેટ્રોલ છાંટીને અગ્નિ પેટાવ્યો અને નિરાતે વાતો કરતા બેઠા. ત્યા બેઠા બેઠા પ્લાન ગોઠવાયો કે આવતી કાલે કઈ જગ્યાએ જવાનું છે એટલે એ પ્રમાણે રેડી રહેવાની વાત થઇ ચુકી હતી.

વહેલી સવાર થઇ અને દુર્ગેશબાપુએ બારણું ખખડાવ્યું, “રવલા ! એ રવલા ! જાગ્યો કે નહિ એલા ?”

રૂમમાંથી ઊંઘમાં જ જવાબ દીધો કે “હોં ! જાગી ગયો.”

દુર્ગેશબાપુ હોશિયાર બોવને એટલે તરત જ બોલ્યા, “સાલા ! ખોટા ! પાડાની જેમ પડ્યો પડ્યો ગાંગરે છે ! ઉભો થા જટ્ટ,

અને તારો મોબાઈલ આપ જનકીને ફોટા પાડવા જોઈએ છે.”

રવલો પાછો ઊંઘમાં જ બોલ્યો, “હા તો ડાયરેક્ટ એમ કયોને કે મોબાઈલ જોવે છે, એમાં મારું બહાનું શું કામ કાઢો છો કે સુતો છે એમ.”

અમારા બેય ભાઈની માથાકૂટચ ચાલી રહી હતી એટલામાં જ જનકીમાડી બાજુના રૂમમાં રહેતા ફ્રેંચ કપલની નાની છોકરી “અદા” ને લઈને આવ્યા અને મસ્તી શરુ થઇ. હું તરત ફટાક દઈને ઉભો થઈને એમ ને એમ શર્ટ પેર્યા વગર જ બહાર જતો રહયો. ઘણીવાર સુધી અદા જોડે રમ્યા બાદ ફટાફટ તૈયાર થઈને અમે ચારેય ભાઈ ટુ વ્હીલ ભાડે લેવા માટે ગયા.

ગોવાની આ સીસ્ટમ ખુબ જ ગમી કે ફક્ત એક આઈ.ડી. ત્યાં રાખીને ટુ વ્હીલ ભાડે લઇ જવાની. ૪૦૦ રૂપિયા આખા દિવસનું ભાડું અને ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ નાખીને જ્યાં રખડવું હોય ત્યાં રખડ્યા કરવાનું.

ચારેય ટુ વ્હીલ લઈને અમે લોકો નીકળી ગયા. ગોવાના એ એકદમ ક્લીન રસ્તાઓ અને બંને બાજુ વૃક્ષોના છાંયડાઓ જોઇને મને તો થોડીવાર માટે થઇ આવ્યું કે દુબઈના સિમેન્ટના જંગલો કરતા તો અહિયાંના કુદરતી જંગલો વધુ સારા છે. સર્પાકાર અને ઢોળાવોવાળા રસ્તાઓ પર બિન્દાસ્ત ગાડી જઈ રહી હતી અને આ ચારેય કપલની સવારી જઈ રહી હતી “કોલા બીચ”

મેઈન રોડથી ઉતરીને કાચા રસ્તા પર ઘણેદુર સુધી અંદર જતા આ બીચ આવે છે. ઝુપડીઓ બનાવેલી હતી, આજુબાજુમાં નારીયેળી ઉભી હતી અને એ ૧૧-૧૨ વાગ્યા આસપાસના તડકામાં વાતાવરણ એકદમ સુસ્ત થઇ ચુક્યું હતું. ગોરાલોકો એ ઝુપડીની નીચે આરામખુરશી પર બેસીને નિરાતે બીયર, વાઈન, વ્હીસ્કી, વોડકા ની મજા માણી રહ્યા હતા, જ્યારે અમુક લોકો પોતાનું લંચ લઇ રહ્યા હતા. થોડા લોકો દરિયા કિનારે નાહી રહ્યા હતા પરંતુ વાતાવરણ એકદમ સુસ્ત હતું એટલે અમે લોકો પણ ત્યાં ખુરશી રોકીને બેસી ગયા. કોઈ કશું બોલી નહોતું રહ્યું, બસ ચુપચાપ બેઠા હતા અને ધીમે ધીમે કરતા બધાય ત્યાં જ બેઠા બેઠા સુઈ ગયા. ઠંડા પવનમાં અમે કલાક જેવું સુતા અને તરત જ જાગીને નીકળી જવાનું વિચાર્યું કેમ કે જેવું ધારીને આવ્યા હતા એટલો સારો કોલા બીચ હતો નહિ આથી અમે પાછા ઘરે જવાનું વિચાર્યું અને ત્યાંથી સાંજ આસપાસ “પાલોલેમ બીચ” પર જવાનું નક્કી કર્યું.

બીચથી મેઈન રોડ સુધીનો એ રસ્તો એટલો ભયાનક હતો કે ડ્રાઈવિંગ કરવું મુશ્કેલ હતું. સખત ઉબડખાબડ, કેસરી કલરની જમીન અને બીજી બાજુ ખાઈ. હજુ તો થોડે દુર પહોચ્યા ત્યાં જોયું તો રવિરાજની ગાડી પત્થર સાથે ઘસવાથી સ્લીપ થઇ ચુકી હતી અને ગાડી આખી પડવા સુધી આવી ગઈ હતી પરંતુ ભાઈએ જેમ તેમ કરીને ગાડી બેલેન્સ કરી. સૌથી પહેલા અગોંડા બીચ જઈને થોડીવાર આરામ કરવાનું વિચાર્યું. અને સૌ અગોંડા બીચ અમારી હોટેલ પાસે પહોચી ગયા. પરંતુ મારી નજર ગઈ કે મારી ગાડીમાં પંક્ચર હતું.

હું એકલો પંક્ચરની દુકાન શોધતો શોધતો ખુબ દુર સુધી નીકળી ચુક્યો હતો અને વોલેટ ઘરે પડ્યું હતું, મોબાઈલ અમી પાસે હતો અને ગોવામાં આપણે અજાણ્યા અને ખિસ્સામાં ફક્ત ૧૦૦ રૂપિયા જેમાંથી પંક્ચર કરવાનું હતું. દુકાન શોધતો શોધતો હું ખુબ દુર સુધી નીકળી ગયો અને ત્યાં દુકાન પર કહ્યું તો નાં પાડી અને કહ્યું કે અહિયાથી હજુ આગળ સુધી જતા રહો ત્યાં થઇ જશે. હું તો મારી ધૂનમાં જતો રહ્યો.

બીજી તરફ ઘરે બધા જ ટેન્શનમાં આવી ચુક્યા હતા કેમ કે હું છેલ્લી ૧ કલાકથી બહાર હતો. મારી પાસે મોબાઈલ કે પર્સ કશું જ નહોતું, ગાડીને પંક્ચર હતું અને ટેન્શન આવ્યું કે ગોવામાં ક્યા શોધીશું આને. અમી એના ચિંતિત સ્વભાવ મુજબ કશાક અમંગળ વિચારો કરવા માંડી.

પાલોલેમ બીચ જવાના પ્રોગ્રામને ગોળી મારી અને બાકીના લોકો મારી શોધખોળમાં લાગ્યા અને હું પંક્ચરની દુકાનની શોધખોળમાં....

વધુ આવતા અંકે...