Featured Books
શ્રેણી
શેયર કરો

રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૬

રવલાની તીર્થયાત્રા – ગોવા...

ભાગ – ૬

Ravi Dharamshibhai Yadav

અમે પાંચેય જણા બહાર ખુરશી નાખીને બેઠા અને વાતો કરી રહ્યા હતા. એટલામાં મને દુર્ગેશનો મેસેજ આવ્યો કે ભાઈ મળી જશે લાયસન્સ એવું લાગે છે વાત પરથી અને તું બધાનું ધ્યાન રાખજે. એ સમયે મને ખબર નહિ પણ એવા પોઝીટીવ વાઈબ્સ આવતા હતા કે લગભગ બધું શાંતિથી પતી જશે. સખત ગરમી હોવા છતાય મને ત્યાં ખુરશી પર બેઠા બેઠા ઊંઘ આવી રહી હતી. લેડીઝ બધી ટેન્શનમાં અને હું શાંતિથી ત્યાં બેઠો બેઠો સુઈ રહ્યો હતો. થોડી સરખી ઊંઘ ચડી તો હું અંદર રૂમમાં જઈને સુઈ ગયો અને ચારેય લેડીઝ બહાર બેઠી. બે કલાક રહીને પેલા ત્રણેય આવ્યા. બધું શાંતિથી થઇ ગયું એમ કહ્યું ત્યારે બધાને રાહત થઇ અને અપુન તો હજુ બિન્દાસ્ત સુતા જ હતા.

દુગલો બાપુ આવીને કે “રવલા તારા ભરોસે હું મારી જનકીને મુકીને ગયો તો અને તું સાલા સુઈ ગયો ?”હું ઊંઘમાં જ બબડ્યો, “એલા બાપુ તમે તમારી બૈરી મારા ભરોસે મુકીને ગયા હતા પણ મારી બૈરી તો સાવ ભરોસા વગર જ નિરાતે બેઠી હતી.”

જવાબ સાંભળીને અંતે પરાણે જગાડ્યો અને બધાય બહાર ઘડીક બેઠા. બપોર થઇ ચુકી હતી અને વાતાવરણમાં સુસ્તી છવાઈ રહી હતી. તડકો પોતાની અસર દેખાડી રહ્યો હતો આથી જનકુબા એ ઓર્ડર કર્યો કે બધાય સુઈ જાવ હવે આપણે સાંજ આસપાસ બીચ પર જઈશું. આજ હવે ક્યાય જવાની ઈચ્છા નથી. ધીમે ધીમે કરીને બધાય સુવાની તૈયારી કરી રહ્યા હતા. અને હું અને દુગ્લાબાપુ શાંતિથી બહાર ટેબલ ખુરશી નાખીને બેઠા. એકલા પડ્યા એટલે થોડી પર્સનલ વાતો, ધંધાની વાતો, અને થોડીક દુગલા બાપુની ગુરુવાણી સાંભળી. પોતાના થયેલા અનુભવો, જિંદગીની તકલીફો બધા પોટલા અમે એકબીજા સામે ખોલીને બેઠા હતા. આખી બપોર શાંતિથી બેઠા પછી બીચ પર જઈને થોડીવાર નાહ્યા અને ફોટોગ્રાફી કરી.

દુગ્લા-જનકીના પોઝ જોઇને ત્યાંથી પસાર થઇ રહેલું એક વિદેશી કપલ પોતાના કેમેરામાં આ બંનેનો એક ફોટો પોતાની યાદી માટે સાથે લેતું ગયું. જોયું ?? આપણી ઓળખાણ સેલીબ્રીટી જોડે પણ છે કે વિદેશી લોકો પણ ફોટા પાડી જાય. દુગલો જનકી અમર રહો અને ગામનું લોહી પીતા રહો.

થોડીવાર ત્યાં રહ્યા પછી અંતે વિચાર કર્યો કે આટલા દિવસથી અહિયાંનું જે મળે તે પંજાબી સાઉથ ઇન્ડીયન ખાઈએ છીએ આજે કાંઇક અલગ કરીએ. એટલે બધાની મંજુરીથી રીંગણનો ઓળો બનાવવાનું વિચાર્યું. રસોયા અમારા ગ્રુપમાં હતા જ આથી એની કોઈ મગજમારી હતી નહિ, હું અને સંકેત બધી શાકભાજી અને મસાલો લેવા માટે ગયા. બધાને થઇ રહે એટલી કોન્ટીટીમાં બધો મસાલો, દહીં છાશ તેલ શાકભાજી બધું જ લઈને હજુ તો ઘરે પહોચ્યા ત્યાં એક નવું મહાભારત ત્યાં શરુ થઇ ચુક્યું હતું. જેમાં અમારા તરફથી લડનારા લડવૈયામાં લેડી બાહુબલી વૈશાલી હતી અને સામેની બાજુએ હતી હોટેલની લેડી માલિક.

હું અને સંકેત બધો સમાન લઈને ઘરે આવ્યા ત્યાં જોયું તો અમારા વૈશાલી બા અને હોટેલની માલિક વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. કારણ કે જે હટમાં રવિરાજ અને વૈશાલી રહ્યા હતા એમાં બાથરૂમમાં સખત અંધારું અને મચ્છરોનું ઝુંડ હતું. કોઈ સનલાઈટ ત્યાં સુધી પહોચે એમ નહોતી. ગંદી હટ એમને અલોટ કરવામાં આવી હતી. વાંક હોટેલવાળાનો હતો એટલે એ કશું બોલી રહ્યા નહોતા અને જાણે એકદમ લાચાર ઉભા હોય એમ ઉભા હતા અને કહી રહ્યા હતા કે શું કરીએ ? એટલે મારું ગુજરાતી મગજ બોલ્યું, “એક કામ કરો મેડમ, હમને ઉસમેં રહેકર એડજસ્ટ કિયા વો ભી આપકે રીક્વેસ્ટ પે તો એક કામ કરો આપ યે દિન કા ઉસ રૂમ કા ભાડા કાટ લો, હમ સિર્ફ ૩ રૂમ કા હી ભાડા દેંગે.” હહાહાહા નસીબજોગે ઓફર માની ગઈ. પણ મોઢું સાવ ચડી ગયેલું હતું. એટલે આપણે તો પ્રેમથી બોલી લીધું કે “ડાચા ચડાવ કે ગમે તે કર, માય જા ને, અમારા બાપનું શું જાય ?”

હોટેલનું ધ્યાન રાખવાવાળો એક દિલ્હીનો છોકરો હતો જેનું નામ હતું “ગુરુ” હજુ એને ગોવામાં આવ્યાને ૩ મહિના થયા હતા. પણ એકદમ શાંત અને હેલ્પફુલ નેચરના સ્વભાવવાળો છોકરો. દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આપણને અનુકુળ આવે એવી પરિસ્થિતિ હમેશા તેણે ઉભી કરી હતી. તે દિવસે પણ તેણે કહ્યું હતું કે તમારે રસોઈ કરવી હોય તો તમે મારા કિચનમાં આવીને કરી જજો. એટલે અમે વસ્તુ લઇ આવ્યા હતા પણ આ બધી મહાભારતના કારણે હવે પેલી મેડમ ભડકી હતી એટલે એણે તે ગુરુને ખીજાઈને કહી દીધું કે કિચન યુઝ કરવું એલાઉડ નથી. અને અમારી આશા પર જાણે મેડમનાં ગુસ્સારૂપી પાણી ફરી વળ્યું પરંતુ હિંમત હારે તો તો ગુજરાતી કેમ કહેવાઈએ ? તરત જ આઈડિયા આવ્યો કે આપણે જ્યાં જમીએ છીએ તે હોટેલના માલિક દિનેશભાઈને વાત કરો. હું અને સંકેત દિનેશભાઈને મળવા ગયા અને તેમને મનાવી લીધા કે કશો વાંધો નહિ પણ તમે કિચનમાં જવાના બદલે વસ્તુ આપી દો, અમારો માણસ બનાવી દેશે અને અમે આખરે વાત મંજુર રાખી.

થોડીવારમાં અમે બધાય ટેબલ પર ગુજરાતી ખાણું ખાવા માટે ગોઠવાઈ ચુક્યા હતા. મોટા તપેલામાં રીંગણનો ઓળો બનીને આવ્યો, છાશ અને રોટલી. આજે તો ગુરુને પણ અમારી જોડે જ જમવા માટે કહી દીધું હતું કારણ કે આટલા દિવસોમાં અમારી જોડેનો તેનો વ્યવહાર એટલો સારો હતો કે એકદમ દોસ્તીનો સબંધ થઇ ચુક્યો હતો. અમારું માન રાખવા ખાતર તેણે જમી લીધું હોવા છતાય ફરીવાર જમ્યું. ઘણા દિવસે અમે આવું દેશી ખાણું ખાધું હતું અને બધાયે ફૂલપેટ ભરીને જમ્યું હતું.

દિનેશભાઈએ તે બનાવવાના પૈસા કે ત્યાં તે લોકોનું ખાધું એ પૈસા બીજા દિવસે નિરાતે આપવા કહ્યું એટલે અમે શાંતિથી સુઈ ગયા. અજાણ્યા શહેરમાં હોટેલવાળો જમાડે પણ ખરા અને પૈસા લીધા વગર જવા દે એવા નસીબ તો કોના હોય ?

છેલ્લો દિવસ ગોવામાં બાકી હતો અને અમે લોકોએ હોટેલનું ભાડું બચાવવા માટે થઈને કોઈ એક રૂમ રાખીને બાકીના રૂમ પરત કરી દેવાનો પ્લાન કર્યો હતો જે ૨ દિવસ અગાઉ તેનો મેનેજર મંજુર કરી ચુક્યો હતો.

સવારમાં જાગીને અમે લોકો છેલ્લી વાર અગોંડા બીચ પર આંટો મારવા નીકળ્યા. શાંતિથી દરિયાકિનારે ચાલતા હતા અને આવીને દરિયા કિનારે મુકેલી આરામખુરશીમાં લંબાવીને સુતા. આખરે થોડો તડકો નીકળતા અમે લોકોએ ફ્રેશ થવા જવાનું વિચાર્યું અને જતા જ હતા એટલામાં હોટેલનો મેનેજર આવ્યો અને બોલ્યો કે “હું તમને રૂમ નહિ આપી શકું જે રીતે આપણે વાત થઇ હતી. ૧ રૂમમાં ટેમ્પરરી માટે પણ ૮ લોકોને એલાઉડ નહિ કરું. તમે લોકોએ મેડમ જોડે ગઈકાલે જે માથાકૂટ કરી છે એ પછી હવે અમે નિયમ મુજબ ચાલીશું, તમે આપેલા એડવાન્સ પૈસા તમે પાછા લઇ જાઓ અને હોટેલ ખાલી કરો.”

થોડીવાર માટે તો જાણે દરેક શોક થઇ ગયા અને બીજી જ સેકન્ડે મનમાં બોલ્યો, “હા તે માય જા ને ! ક્યા તારી એકની હોટેલ છે ગોવામાં, અને આમ પણ આજે જવાનું જ છે તો તારી હોટેલ તારા પછવાડે નાખ” અપના કામ બનતા, ભાડ મેં જાયે જનતા..

ફટાફટ ફ્રેશ થઈને રૂમ ખાલી કરી નાખ્યા હતા અને બધો સમાન લઈને અમે લોકો નીકળી પડ્યા હતા. દિનેશભાઈની હોટેલમાં છેલ્લીવાર જમી લીધું, તેઓને ફરીવાર મળવાનું વચન આપ્યું, જમ્યા, હિસાબ કર્યો અને આખરે રાજીખુશીથી ત્યાંથી અમે વિદાય લીધી અને હવે અમે સામાનની જોડે એક ગાડીમાં ૮ લોકો ગોઠવાયા હતા અને હજુ આખો દિવસ કાઢવાનો બાકી હતો.

વધુ આવતા અંકે..