પ્રકરણ 2
સુરેશ હવે તેના કાકા મહેશ સાથે આવી પહોંચ્યો અને એના ઘરમાં રહેવા લાગ્યો. સુરેશ માટે અહીં બધું જ નવું હતું. નવું શહેર, નવા લોકો, નવું જીવન. બધું જ નવું હતું. એની જિંદગીનો આ બીજો અધ્યાય હવે શરૂ થઈ રહ્યો હતો.
મહેશે સુરેશને તેના શહેરની ઉત્તમ શાળામાં દાખલો અપાવ્યો. અહીંનું શાળાજીવન પણ તેના ગામ કરતા અલગ જ હતું. એમાં પણ નાવીન્ય હતું. તેના ગામમાં કન્યા અને કુમારો ની શાળા અલગ હતી જ્યારે અહીં શહેરમાં તો કન્યા અને કુમારો એક જ શાળામાં ભણતા હતા.
શરૂઆતના દિવસોમાં સુરેશને અહીં શહેરમાં ગમતું નહીં. માતા પિતા ની બહુ યાદ આવતી પણ પછી કહેવાય છે ને કે, સમય બધા દુઃખનું ઓસડ છે એમ ધીમે ધીમે સુરેશ અહીંના આ શહેરી જીવનમાં ગોઠવાતો ગયો. ધીરે ધીરે સુરેશને હવે આ શહેર પ્રત્યે પ્રીત થવા લાગી હતી. અને અહીંના લોકો જોડે પણ.
એક દિવસની વાત છે.
આમ તો સામાન્ય રીતે સુરેશ ઘરે સમયસર આવી જતો પણ એક દિવસ શાળાનો સમય પૂરો થઈ ગયા ની લગભગ બે કલાક વીતી ગઈ હતી છતાં પણ સુરેશ ઘરે ના આવ્યો. એના મીના કાકીને હવે સુરેશની ચિંતા થવા લાગી. ખૂબ ગભરાટ થવા લાગ્યો. એમને થયું, સુરેશ કેમ હજુ ઘરે ના આવ્યો. ક્યાં ગયો હશે? શું થયું હશે? એની સાથે કાંઈ અજુગતું તો નહીં બન્યું હોયને? ક્યાંક એને કાંઈ અકસ્માત તો નહીં નડ્યો હોય ને? જો સુરેશ નહીં મળે તો હું એના માતા પિતાને શું જવાબ આપીશ? એવા અનેક વિચારો એ એના મન પર ભરડો લીધો. એણે એના મિત્રોને પણ પણ ફોન કરી જોયો પણ ક્યાંયથી હકારમાં જવાબ ન મળ્યો. જે જે જગ્યા એ સુરેશની હોવાની સંભાવના હતી એ બધી જ જગ્યા એ તપાસ કરી પણ ક્યાંયથી સુરેશ નો પત્તો ના લાગ્યો.
મીના એ હજુ સુધી એના પતિને આ વાત જણાવી નહોતી. એને થયું, મહેશને ખોટી ચિંતા થશે. અને એને એમ પણ હતું કે, એ સુરેશનો પત્તો મેળવી લેશે પણ હવે એને કોઈ પણ પ્રકારની આશા જણાતી નહોતી. એટલે એણે પોતાના પતિ મહેશને આ વાત જણાવી. મહેશ ને જાણ થતાં જ તે પણ દોડતો ઘરે આવ્યો. અને એ પણ સુરેશને શોધવામાં લાગી પડ્યો. એણે પણ જ્યાં જ્યાં સુરેશ ના હોવાની શક્યતા દેખાઈ ત્યાં બધે જ એણે તપાસ કરાવી પણ એ પણ નિષ્ફળ જઈ રહ્યો હતો.
આમ સુરેશ ને શોધતાં શોધતાં લગભગ રાત પડવા આવી હતી. હવે મહેશને લાગ્યું કે, આપણે પોલીસને જાણ કરવી જોઈએ. મહેશ હજુ મીના ને કહી રહ્યો હતો કે, "મીના, મને લાગે છે કે હવે આપણે પોલીસને જાણ કરી દેવી જોઈએ. બરાબર ને?"
"હા, તમારી વાત તો સાચી છે પણ તમને નથી લાગતું કે, પોલીસને જાણ કરતા પહેલા આપણે ભાઈ ભાભીને પણ જાણ કરવી જોઈએ? ગમે તેમ તોય એ એના માતા પિતા છે. પોતાના પુત્ર વિશે જાણવાનો પહેલો હક તો એમનો જ છે." મીના એ મહેશને.સમજાવતા કહ્યું.
"હા મીના, તારી વાત સાચી છે પણ મને લાગે છે કે, ભાઈ ભાભીને ખોટી ચિંતા થશે. હજુ હમણાં એમને વાત કરવાની મને જરૂર નથી લાગતી. હજુ થોડો સમય જવા દઈએ. જો ત્રણ ચાર દિવસમાં સુરેશની ભાળ ન મળે તો આપણે જરૂર એમને જાણ કરીશું પણ હમણાં તો રહેવા દઈએ. એમને નાહક ચિંતા થશે." મહેશે કહ્યું.
"હા, વાત તો તમારી સાચી છે." મીના ને પણ મહેશની વાત યોગ્ય લાગી. "એમ જ કરો. હવે તમે પોલીસને જ જાણ કરો જેથી આપણને કંઈક સમજ તો પડે કે આખરે એવું તે શું બન્યું છે કે, સુરેશ આમ આપણને કોઈને પણ જાણ કર્યા વિના જ ગાયબ થઈ ગયો છે? મને તો હવે બહુ ગભરામણ થવા લાગી છે મહેશ. ખરાબ ખરાબ વિચારો આવ્યા કરે છે."
હવે આમ પણ ઘણો સમય થઈ ગયો હતો. હવે જેટલું મોડું થશે તેમ વધુ મુશ્કેલીમાં મુકાશું એમ માનીને મહેશે પોલીસને ફોન જોડવા માટે રિસીવર ઉપાડ્યું ત્યાં જ મીના એ તેને અટકાવ્યો. "હવે પોલીસને ફોન કરવાની કોઈ જરૂર નથી મહેશ!"
"કેમ?" મહેશે પૂછ્યું.
"ત્યાં સામે દરવાજા તરફ જુઓ. સુરેશ આવી ગયો છે." મીના એ હાશકારો અનુભવતા કહ્યું.
જેવો સુરેશ ઘરમાં દાખલ થયો તેવા મહેશ અને મીના એ તેના પર પ્રશ્નોની ઝડી વરસાવી.
"ક્યાં હતો બેટા? તને ખબર છે અમને તારી કેટલી ચિંતા થતી હતી. શું થયું હતું? કેમ એટલો મોડો ઘરે આવ્યો? અને મોડું થાય એમ હોય તો તારે જાણ તો કરવી જોઈને અમને જેથી અમને તારી ચિંતા ન રહે. તને ખબર છે ને કે, અમે તારી જવાબદારી લીધી છે. તને કંઈ થઈ જાય તો અમે તારા માતા પિતાને શું ઉત્તર આપીએ?" એમ એક પછી એક એવા અનેક પ્રશ્નો મીના સુરેશને પૂછવા લાગી.
જ્યારે મીના એ પ્રશ્નો પુરા કર્યા ત્યાર પછી સુરેશ એ જવાબ આપવાનું શરૂ કર્યું.
"કાકી, તમે ચિંતા ના કરો. મને કંઈ નથી થયું. હું ઠીક જ છું. મારા ફોનમાં બેટરી નહોતી ને ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. એટલે તમને જાણ ન કરી શક્યો. મને માથું બહુ દુઃખે છે કાકી. હું થોડી વાર સુઈ જાવ છું. તબિયત થોડી બરાબર નથી લાગતી. "
"સારું, પણ પેલા થોડું જમી લે. તને સારું લાગશે. પછી તું તારે નિરાંતે આરામ કરજે." મીના એ સલાહ આપી.
"ઠીક છે કાકી, આમ તો બહુ ભૂખ નથી પણ તમે કહો છો તો થોડું જમી લઉં."
સુરેશ થોડું જમીને તેના રૂમમાં જતો રહ્યો આરામ કરવા માટે.
મીના એ મહેશ ને પૂછ્યું, "જોયું, તમે કાંઈ?"
"શું?" ન સમજાતા મહેશે પૂછ્યું.
"આજે સુરેશ કંઈક ગભરાયેલો લાગે છે. નકકી એની સાથે કંઇક તો બન્યું જ છે. એ આપણને કહેતો નથી પણ મનમાં તો મૂંઝાઈ રહ્યો છે એવું મને એના વર્તન પરથી લાગી રહ્યું છે." મીના બોલી.
"હા, મીના મને પણ તારી વાત સાચી જ લાગે છે. નક્કી કંઈક બન્યું તો હોવું જ જોઈએ." મહેશે પણ મીના ની વાતમાં સુર પુરાવ્યો.
આ વાત થયા ને લગભગ અઠવાડિયું વીતી ગયું. પણ સુરેશ હજુ મૂંઝાયેલો જ હતો. તે વિચારી રહ્યો હતો, મારી સાથે તે દિવસે જે કાંઈ પણ બન્યુ એ બધી વાત શું હું કાકા કાકીને કહી દઉં? ગમે તેમ તોય એમણે મારી જવાબદારી લીધી છે એ સંબંધે પણ મારે એમને સત્ય તો જણાવવું જ જોઈએને? મારા માતા પિતા ના સ્થાને છે એ લોકો. આમ વિચાર કરતા કરતા સુરેશે નક્કી કર્યું કે, આજે તો હું કાકા કાકીને સત્ય જણાવી જ દઈશ.
આજે રાત્રીના ભોજન લીધા પછી સુરેશે તેના કાકા કાકીને કહ્યું, "હું તમારા બંને જોડે વાત કરવા માગું છું. તે દિવસે હું ઘરે મોડો આવ્યો હતો તે બાબત."
"હા, બોલ બેટા, શું વાત છે? અમને પણ લાગ્યું કે, તું કંઈક મૂંઝવણમાં છે. પણ અમને લાગ્યું કે, અમે તને સામેથી પૂછીએ એ કરતા તું સામે ચાલીને અમને કહે એ અમને યોગ્ય લાગ્યું માટે જ અમે તને આ બાબત વધુ પૂછ્યું નહોતું. હવે આજે તું જ કહેવા તૈયાર થયો છો તો કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં. અમે તારી સાથે જ છીએ."
ત્યાર પછી સુરેશે જે વાત કરી એ વાત સાંભળીને મહેશ અને મીના તો ચોંકી ઉઠ્યા.
આખરે શું કહ્યું સુરેશે? એવી કંઈ વાત હતી?
આગળના પ્રકરણ માટે આપના સૂચનો pruthvi.gohel@gmail.com પર મોકલવા.