વાર્તા તમારી શબ્દો અમારા Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 7

પરીશા એ હવે સુરેશને અતથી ઇતિ સુધીની વાર્તા કહેવી શરૂ કરી.

"સુરેશ, હજુ બીજું પણ એક સત્ય છે જે તું જાણતો નથી." પરીશા બોલી.

"હજુ પણ શું કહેવાનું બાકી રહી જાય છે પરીશા?" સુરેશે પ્રશ્ન કર્યો.

"આ તારા કાકા એ મારા બાયોલોજીકલ ફાધર છે. હું એમની દીકરી છું. આ વાતની એમને હજુ થોડા સમય પહેલા જ જાણ થઈ છે." પરીશા એ વધુ એક બૉમ્બ ફોડ્યો.

"આ તું શું બોલી રહી છે પરીશા? તને કાંઈ ભાન છે કે, આ તું શું બોલી રહી છે?" સુરેશ સામે એક પછી એક રહસ્યોના પડદા ખુલી રહ્યા હતા અને જેમ જેમ એ વધુ ને વધુ જાણતો જતો હતો તેમ તેમ તે પોતાની જાત પરનો કાબૂ ગુમાવતો જતો હતો.

"હું જે કાંઈ પણ કહું છું એ સત્ય જ કહું છું."

"આ તું જે કાંઈ પણ મને કહી રહી છે તે બધું શું તારા પિતા જાણે છે? શું એ જાણે છે કે, તું એની દીકરી નથી?" સુરેશે પૂછ્યું.

"હા, જાણે છે. અને બધું જ ખૂબ સારી રીતે જાણે છે. મારી મમ્મી એ લગ્ન પહેલા જ એમને સત્ય જણાવી દીધું હતું."

"લગ્ન પહેલાં એટલે? શું તારી મા અને મારા કાકા બંને પહેલેથી એકબીજાને ઓળખતા હતા?" સુરેશને પ્રશ્ન થયો.

"હા, માત્ર ઓળખતા જ નહોતા પણ બંને એકબીજાના પ્રેમમાં પણ હતા. અને હું એ બંનેના પ્રેમની નિશાની છું." પરીશા બોલી.

"પણ તો પછી કાકા એ તારી મા જોડે લગ્ન કેમ ન કર્યા?" સુરેશે પૂછ્યું.

"પૈસા માટે."

"પૈસા માટે? એ કેવી રીતે?"

"મારા નાના પાસે એવી કોઈ ખાસ સંપત્તિ ન હતી. એ એને દહેજમાં વધુ કાંઈ આપી શકે એમ ન હતા. આ વાત ની જ્યારે તારા કાકા અને મારા એ કહેવાતા બાપને જ્યારે જાણ થઈ ત્યારે એ મારી મા ને છોડીને જતો રહ્યો અને તારા મીના કાકી જોડે પરણી ગયો. કારણ કે, તારા કાકી ના પિતા પાસે ખૂબ પૈસા હતા. એણે દહેજમાં તારા કાકાનું ઘર ભરી દીધું. પણ એને ત્યારે એ જાણ નહોતી કે, જ્યારે એણે મારી મા ને છોડી ત્યારે એ સગર્ભા હતી. મારું બીજ મારી મા ના પેટમાં આકાર લઈ રહ્યું હતું."

"પણ તો પછી તારી મા એ એમને કેમ જાણ ન કરી?"

"જાણ કરીને પણ શું કરવાનું? જે માણસ પૈસા માટે પોતાની પ્રેમિકા ને પણ છોડી દે તે દીકરી ને સારી રીતે રાખશે એમ કેમ મનાય?"

"એ તો ઈશ્વર ની કૃપા મારી મા પર વરસી અને મારા પિતા જેવા માણસ એની જિંદગી માં આવ્યા અને એણે મારી મા ને પણ સંભાળી લીધી અને મને પિતા નું નામ આપ્યું. માત્ર નામ જ નહીં પણ પિતા તરીકેની બધી જ ફરજ પણ એમણે નિભાવી. એમનો તો હું અને મારી મા જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હું ખૂબ જ નસીબદાર છું કે, મને એમના જેવા પિતા મળ્યા." એટલું કહી પરીશા હવે અટકી.

"પણ તો પછી મહેશ કાકા તમારી જોડે ધંધામાં સાથે કેવી રીતે થયાં? અને એમણે દગો શા માટે કર્યો."

"હું હવે એ જ વાત જણાવું છું." પરીશા બોલી.

પરીશા એ હવે આગળની વાત શરૂ કરી.

"એક દિવસ તારા કાકા નોકરી માટે મારા પિતા પાસે આવ્યા. એ હોશિયાર તો હતા જ. એણે પોતાની હોશીયારીથી મારા પિતાનું દિલ જીતી લીધું અને મારા પિતાના વિશ્વાસપાત્ર માણસ થઈ બેઠા. હવે મારા પિતાની ગેરહાજરીમાં એ બધું કામ સાંભળતા પરંતુ ત્યારે અમને કોઈને જાણ નહોતી કે, એ મારી મા નો ભૂતપૂર્વ પ્રેમી છે અને મારો બાપ છે. કારણ કે, એણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. પણ કહેવાય છે ને કે, સત્ય વધુ વાર છૂપું નથી રહેતું."

એણે જ્યારે મારા પિતા ની સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એને પણ જાણ નહોતી કે, જેને ત્યાં એ કામ કરી રહ્યો છે એ એની ભૂતપૂર્વ પ્રેમિકાનો પતિ છે. પણ આ સત્ય એનાથી વધુ વાર છૂપું ન રહી શક્યું.

એક દિવસની વાત છે. મારા પિતાએ એમને પોતાની પત્ની સાથે જમવા બોલાવ્યા.

બીજા દિવસે જ્યારે તારા કાકા અને કાકી અમારા ઘરે જમવા આવ્યા ત્યારે મારા પિતાએ તેની ઓળખાણ મારી મા સાથે કરાવી. બંને એ એકમેકને જોયા અને બંને એકબીજાને જોઈને ચોંકી ઉઠ્યા. મારી મા થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. મારા પિતાનું એ તરફ તરત ધ્યાન ગયું પણ એ કંઈ બોલ્યા નહીં. એ વખતે એમણે શાંતિ રાખવાનું મુનાસિબ સમજ્યું. જમીને તારા કાકા કાકી ગયા પછી મારા પિતાએ મારી મા ને પૂછ્યું, "આ મહેશ છે પ્રિયા?"

"હા, પણ તમને કેવી રીતે ખબર પડી?' મારી મા એ પૂછ્યું.

"તું એને જોઈને જે રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી એ જોઈને જ હું સમજી ગયો હતો." મારા પિતા એ કહ્યું.

"હા, પણ એણે પોતાનું નામ શા માટે બદલ્યું છે? ને હવે એ શું કરવા માંગે છે આપણી જિંદગીમાં? શા માટે એ આવ્યો છે? મને ડર લાગે છે. એ જરૂર કંઇક ગડબડ કરશે. તમે ધ્યાન રાખજો. મને એના પર બિલકુલ વિશ્વાસ નથી. એ જરૂર કંઇક રમત રમી રહ્યો છે આપણી જોડે."

"હા, હું જાણું છું કે, એ જરૂર ગરબડ કરશે. પણ આપણે હમણાં કાંઈ જ કરવાનું નથી. એ જેમ કરે છે એમ જ એને કરવા દેવાનું છે. એ લાગ જોઈને જ બેઠો છે. અને હું ઈચ્છું છું કે, એ આપણને આ ઘરમાંથી કાઢી મૂકે. એટલે હું હાલ એના બધા જ ઈરાદા સફળ થવા દઈશ."

"અને પછી જે તારા કાકા એ ગબન કર્યું એ વાત તો તું જાણે જ છે." પરીશા એ પોતાની વાત પુરી કરી.

"પણ તારા વિશેની જાણ એમને કેવી રીતે થઈ? એમને કેમ ખબર પડી કે, તું એમની દીકરી છે?"

"જ્યારે એમણે અમને અમારા ઘરમાંથી કાઢી મુક્યાં ત્યારે મારી મા એ એને સત્ય જણાવતા કહ્યું, "મહેશ, તું યાદ રાખજે કે, તું માત્ર અમને જ નહીં પણ તારી દીકરી ને પણ ઘરમાંથી કાઢે છે. હા, મહેશ. પરીશા આપણા બંને ની દીકરી છે. લગ્ન પહેલાં જ્યારે તું મને છોડીને ગયો ત્યારે હું ગર્ભવતી હતી. મારા પેટમાં તારું બાળક હતું."

"આ તું શું બોલે છે પ્રિયા? તને કંઈ ભાન છે?"

"હું સત્ય કહું છું મહેશ. પરીશા તારી દીકરી છે."

આટલું કહીને મારા માં બાપ બંને એ ઘરની બહાર નીકળી ગયાં. અત્યારે તું જે ઘરમાં રહે છે સુરેશ. એ ઘર મારુ છે. મારા પિતાનું ઘર હતું એ જે તારા કાકા એ છીનવી લીધું."

અમે એ ઘરમાંથી નીકળી ગયા પછી તારા કાકાને બીજો પણ સ્વાર્થ દેખાયો." પરીશા ગુસ્સામાં બોલી રહી હતી.

"બીજો સ્વાર્થ? બીજો શું?" ન સમજતા સુરેશે પૂછ્યું.

"સંતાનનો સ્વાર્થ. તું તો જાણે જ છે કે, તારા કાકી ને સંતાન થાય એમ નથી. એ વાત એ પહેલેથી જ જાણતા હતા છતાં એમણે માત્ર ને માત્ર પૈસા ખાતર જ એમની જોડે લગ્ન કર્યા. પણ જ્યારથી એ મને મળ્યા છે ત્યારથી એ મને મેળવવા ઈચ્છે છે અને એ વારંવાર મારા પિતાને ધમકી આપી રહ્યા છે કે, પરીશા ને મને સોંપી દો. અને મને એ વાતની હવે ખબર પડી ગઈ છે પણ હું એમની જોડે રહેવા માંગતી નથી અને એ માટે મારે તારો સાથ જોઈએ છે.."

"મારો સાથ? એ કેવી રીતે? અને હું કંઈ રીતે માની લઉં કે, તું અત્યારે જે કાંઈ પણ કહે છે એ જ સત્ય છે? કારણ કે, પહેલાં પણ તે અસત્ય કહ્યું છે તો હું કંઈ રીતે તારો વિશ્વાસ કરું પરીશા?" સુરેશ બોલ્યો.

"હું જે કાંઈ પણ કહું છું એ સત્ય જ છે. તું મારો સારો મિત્ર છે માટે મારા પર એટલો વિશ્વાસ રાખ અને જો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું તારી રીતે તપાસ કરાવી લેજે. મેં તો તને મારી વાત કહી દીધી અને હવે હું માત્ર મારી યોજનામાં તારો સાથ માંગુ છું. શું તું મને સાથ આપી શકીશ?" પરીશા એ પૂછ્યું.

"મારો સાથ? એ કંઈ રીતે? અને શું છે તારી યોજના? શું ઇચ્છે છે તું? હું તને સાથ આપવા તૈયાર છું." સુરેશે હકારમાં જવાબ આપ્યો.

પરીશા બોલી, "તો સુરેશ, હવે ધ્યાનથી સાંભળ મારી આ યોજના."

અને પરીશા એ પોતાની યોજના કહેવી શરૂ કરી.