ધર્મનું કેન્સર
કંદર્પ પટેલ
સોસાયટીની બહાર રાત્રે ૮-૯ વાગ્યા આસપાસ ૪-૫ લંગોટિયા દોસ્તોની મહેફિલ જામી છે. રોજ સાંજે પોત-પોતાના નોકરી-ધંધાથી ઘરે પાછુ આવીને સાથે બેસવું એ તેમનો નિત્યક્રમ. રસ્તે ચાલનારની મશ્કરી ઉડાવવી, એકબીજાની ટીખળ કરવી અને મોજમાં રહેવું આ તેમનો સ્વભાવ. કોઈ પણ તહેવાર આવે એટલે આખી સોસાયટીમાં ફરી-ફરીને ‘ફન્ડિંગ’ કરીને ‘ફેની’ઓ ‘ફાઈન્ડ’ કરવાનું તેમનું કામ. નિરાશાજનક વાતો અને પ્રત્યેક વિચારોમાંથી હતાશાની દુર્ગધ આવતી હોય તેવા લલ્લુઓ બહારથી અત્યંત ખુશ રહેવાનો પ્રયત્ન ખોટો દંભ કરતા રહે છે. સમાજ અને દેશને તો ગાળો આપી-આપીને જીભને બરાબર કસી લીધી હોય છે.
બોસ સેલરી નથી વધારતો, મજૂરી કામ કરીને થાક્યો, અરે..! આ ધૂળ જેવી જિંદગી, છોકરાઓની ફી, પેલીની રોજની અલગ ડિમાન્ડ, મમ્મી-પપ્પાનું રોજનું એનું એ જ ભાષણ, આ ટ્રાફિકમાં અપ-ડાઉન, કંટાળાજનક જિંદગી....! હાય..હાય...હાય..! છેલ્લે દરેકના ચહેરા પર જાણે તાજમહેલ પોતાનો હતો અને કોઈક ચોરી ગયું હોય તેવું ચકલીની ચાંચ જેવું મોઢું કરીને બેઠા હોય.
***
એક વખત બાદશાહે ફરમાન જાહેર કર્યું, “આવતી કાલે દરેક દરબારીઓ બલૂન જીન્સ અને યુ.એસ પોલોનું ટી-શર્ટ પહેરીને આવવાનું છે. મારા નવરત્નો જોધપુરી શેરવાનીમાં આવશે.”
બીજા દિવસે દરબાર ભરાયો. અકબરે પૂછ્યું, “બિરબલ...! નક્ષત્રો કેટલા?”
બિરબલ કહે, “બાદશાહ.. સત્તાવીસ.”
“તેમાંથી ૯ કાઢી લઈએ તો કેટલા વધે?”
“શૂન્ય...!”
“કેમ?”
“જે નક્ષત્રો કાઢી નાખવાના છે તે વર્ષાના છે. જો તે કાઢી નાખીએ તો શૂન્ય જ વધે ને..!”
આ જ રીતે જ્ઞાન, કર્મ અને ભક્તિના નવ નક્ષત્રો જેવા જ છે. જો તેમાંથી એક કાઢી લઈએ તો શૂન્ય જ રહે. જીવનને નિરાશાવાદી અભિગમ (પેસિમિસ્ટિક આઉટલુક ઓફ લાઈફ) એ વર્ષોથી ધર્મને લાગેલું કેન્સર છે. ‘સૃષ્ટિ કેટલી સુંદર છે..!’ એમ કહીને તેઓ ભોગમાં જ પડ્યા રહે છે. બાકીના ‘સૃષ્ટિ કેટલી ખરાબ છે’ તેમ કહીને ત્યાગમાં રાચવામાં મને છે. ધર્મ સજ્જનને એટલા માટે પાસે લે છે કારણ કે તેમાં અનુકરણનો સૂચિત ભાવ રહેલો છે અને દુર્જનના માથા પર એટલ માટે હાથ ફેરવે છે કે જેથી તેની સ્લેટમાં તે પાસે આવીને જીવનનો કક્કો ઘૂંટી શકે. હીરા-મોતીના ત્રાજવાને ચારેબાજુથી કાચથી મઢેલું હોય છે. કોઈ કસ્ટમર જો તે હીરા-મોતી લેતી વખતે તેમાં ‘હજુ ૨ વધુ નાખો....!’ એમ કહે તો તે શીંગદાણાનો વેપારી છે તે સાબિત થઇ જાય છે. ધર્મનો લાગેલો લૂણો પણ આ જ છે, તેમાં ૨ વસ્તુ કે શબ્દ વધુ ન આવે કે ન ઓછો આવે. જેના સિદ્ધાંતો ભૂત, વર્તમાન કે ભાવિમાં ક્યારેય બદલાય નહિ તેનું નામ શાસ્ત્ર.
ચંદ્રના માપની જેમ વિજ્ઞાનનું માપ પણ રોજ બદલાતું રહે છે. પ્લેટો કહે છે, વિજ્ઞાન તો અભિપ્રાય માત્ર છે. એક કાલે અણુ અજડ હતો, આજે ચેતન છે. “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી,,” કહીને આપણે રાજી થઈએ છીએ. ધર્મની ભાષા તો કેન્સરમુક્ત હોય તો જ નીકળે.
એક બાળક રમતું હતું અને અચાનક રડવા લાગ્યું. એક પ્રોફેસરે તેણે શાંત રાખવાના ઘણા પ્રયત્નો કર્યા. એટલામાં તેની મા આવી અને તેણે બાળકને ઊંચકી લીધું. અને એ બાળક તરત જ બંધ થઇ ગયું. પ્રોફેસરે પૂછ્યું, “આવું કેમ?” ત્યારે એ બાળકની મા એ કહ્યું, “તેનો અર્થ ના સમજાય. જે મારો દીકરો થઈને આવે તેણે જ એની સમજ પડે..!”
આપણે દરેક ભારતની ગર્વિષ્ઠ ભૂમિના રાજપુત્રો છીએ. આ પવિત્ર ધરતી પર જન્મ લીધો છે. સમય, સ્થિતિ, દેશ અને કાળને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો હંમેશા સાચા અને અર્થપૂર્ણ જ હોય છે. તે દરેક કદાચ આ સમયે સદંતર ખોટા પડે, પરંતુ જે સમયે તે લેવાયા હોય તે હંમેશા સાચા જ હોય છે. ઈશ્વરે ધર્મ નામનું અજીબ હાર્મોનિયમ આપની દરેકની અંદર મુક્યું છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. હતાશા-નિરાશાને ગળણીમાંથી ચાળીને એક માણસ તરીકે આગળ લાવવા માટે દરેક પ્રકારની સરગમ અને સૂરાવલીઓ કાઢે છે. ગામનો એકાદ ફોજદાર ઓળખીતો હોય તો પણ છાતી કાઢીને ચાલીએ, તો આપણે તો સીધા ઈશ્વરની ફેક્ટરીની જ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ છીએ.
જયારે એક પિતા ઓફીસ પરથી ઘરે પાછા ફરી વખતે પોતાના દીકરા માટે કોઈ ગીફ્ટ લઈને આવે ત્યારે બાળકની રાજીપાની કોઈ સીમા રહેતી નથી. તેવી જ રીતે જ્યારે ભગવાનનો દીકરો તેની પાસે કોઈ અપેક્ષા વિના માત્ર મળવા જાય ત્યારે ઈશ્વરની ખુશીની કોઈ સીમા નહિ રહેતી હોય. ધર્મના નામ પર ચડી બેસેલા ઠેકેદારો ખરેખર સમાજ માટે કેન્સર સમાન જ છે. ઉપમા કોની અપાય? જે સર્વોચ્ચ છે તેની...! ગગનને ગગનની જ ઉપમા હોય અને સાગરને સાગરની.
એક રાજા હતો. તેની બહુમાનીતી રાની સગર્ભા થઇ. રાજાએ વૈદ્યોને આદેશ આપ્યો, “મારી રાણીને પ્રસૂતિની કોઈ જ વેદના ન થવી જોઈએ. તેની વ્યથા બીજું કોઈ લઇ લે તેવી સ્ત્રીઓને તેની પાસે રાખો.”
વૈદ્ય એ કહ્યું, “પુત્રજન્મનો આનંદ લેવો હોય તો પ્રસૂતિની મીઠી વેદના સહન કરવી જ પડે.” તેમ જ આ સ્વાર્થી દુનિયામાં ટકી રહેવા કોઈ સજ્જડ વિચારની આ શરીરને જરૂર જ છે, જે આ ખોળિયાને જીવંત બનાવી શકે. જેટલા વધુ દુઃખ છે, અવરોધો છે અને તકલીફો છે. તેટલી જ પ્રગતિની આગ પ્રજ્વલ્લિત થયેલી જોવા મળશે.
વખાણની કિંમત કેટલી? નિંદાની કિંમત કેટલી?
દુનિયા તરફ જો અને વિચાર, શું તારું છે? તને શાનો અહંકાર છે? તારી કેટલી કિંમત છે?
વખાણ કે નિંદાની કિંમત, તે બંને કરવાવાળા લોકોના મત જેટલી હોય છે. તેનાથી જરાયે વધુ નહિ. ત્યારે અંત:કરણને પૂછવું જોઈએ કે જગતમાં મારા મતને ભાવ કોણ આપે છે? જગતમાં મારા મતની કિંમત કેટલી? ધર્મ એ માણસમાં ઉન્નતિનો ભાવ જાગૃત કરે તેવો હોવો જોઈએ. ચૈતન્ય નિર્માણ કરવો જોઈએ. છેલ્લામાં છેલ્લો માણસ પણ જયારે એમ કહે કે, હું જમીન પર સુઇશ-મરચું અને રોટલો ખાઇશ પરંતુ બિચારો-બાપડો બનીને સ્વાભિમાનને ઠેસ નહિ પહોચાડું. શું ડર વખતે ભગવાન પાસે બે હાથ ભેગા કરીને માંગણ બનીને જ જવું છે? ક્યારેક કૃતજ્ઞતા વ્યક્ત અવ જઈશું તો ભગવાન જરૂરથી પોતાની પાસે બોલાવશે, એ પણ ‘વેઇટિંગ લિસ્ટ’માં ઉભા રાખ્યા વિના જ...!
: કોફી એસ્પ્રેસ્સો રોમાનો :
હંમેશા ઠોઠ નિશાળિયા પાસે જ માસ્તરનો અભ્યાસ વધુ દૃઢ થાય છે. તેવી જ રીતે દુર્જન પાસે જ સંતની સાધુતા દૃઢ બનતી જાય છે.