Part-1 Lok Geeto MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Part-1 Lok Geeto


લોકગીતો

ભાગ-૧




© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અખંડ હજો સૌભાગ્ય

૨.અચકો મચકો કાં રે લી

૩.અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

૧.આ જૂનાગઢમાં રે

૨.આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

૩.આજ રે સ્વપનામાં મેં તો

૪.આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

૫.આદિયાશક્તિ (સ્તવન)

૬.આપણા મલકના માયાળુ માનવી

૭.આવકારો મીઠો આપજે રે

૮.આવડા મંદિરમાં હું તો એકલી

૯.આવ્યો મેહુલો રે!

ઊં

૧.ઊંંચા નીચા રે

૨.ઉગમણી ધરતીના...

૧.એક ગોકુળ મથુરા મારૂં ગામ છે

૨.એક ઝાડ માથે ઝુમખડું

•ઓધાજી મારા વા’લાને વઢીને કે ’જો જી

•કચ્છમાં અંજાર રૂડાં શહેર

•કાનુડાના બાગમાં

•કાનુડે કવરાવ્યા

•કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી

•કોઈ ગોતી દેજો રે

•ખમ્મા મારા નંદજીના લાલ!

•ગરબો ઘેલો કીધો

•ગુલાબી કેમ કરી જાશો

•ગોકુળ આવો ગિરધારી

•ગોરમા રે ગોરમા રે

•ગોરમાનો વર કેસરિયો

•ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

•ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

•ચકી તારા ખેતરમાં

•ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ

•ચૂંદડીએ રંગ લાગ્યો

•ચેલૈયાનું હાલરડું

•છલકાતું આવે બેડલું

•છેલ હલકે રે ઈંઢોણી

•જેસલ કરી લે વિચાર

•જોડે રહેજો રાજ

•જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

•ઝાલર વાગે ને

•ઝૂલણ મોરલી વાગી રે

•ઝેરી કાંટા

•ટીપણી ગીત

•ડોલરિયો દરિયા પાર

•ઢોલાજી વીંઝણો લ્યો

•તમે મારાં દેવનાં દીધેલ છો

•તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે

•દાડમડીના ફૂલ રાતાં

•દાદા હો દીકરી, દાદા હો દીકરી

•દુધે તે ભરી તલાવડી

•ધન ધન છે ગોકુળિયું ગામ

•ધમ ધમક ધમ સાંબેલું..

•નણદલ માગે લહેરિયું

•ના છડિયા હથિયાર

•પરદેશી લાલ પાંદડું

•પાંદડું પરદેશી

•પાટણથી પટોળાં મોંઘાં લાવજો

•પાતળી પરમાર

•પાપ તારૂં પરકાશ જાડેજા

•પે’લા તે પે’લા જુગમા રાણી

પ્રવેશિકાઃ લોકગીતો

•ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ

•બંસીબટનો ચોક

•બળિયા બાપજી રે

•બેડાં મારા નંદવાણાં

અખંડ હજો સૌભાગ્ય

હવે આવોને માયરામાં દીકરી અવસર દોહ્યલા,

જીવનસાથી જુઓ તમારા દીસે કેવા ફૂટડા !

મંગલ ફેરા ફરો તમે બેટી ઘડી ધન્ય આ,

સદા સુખે પતિ સંગે રહો બની પ્રેમદા.

મામા હેતે પધરાવે આજ ભાણી એની લાડલી,

હરખ હૈયે તોય આંખે આંસુ ભરે માવડી !

દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે !

યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે !

બંધુ બિચારો બની જો મૂંઝાતો મન એકલડો,

નાની બેની ના સમજે અવસર આ આનંદનો !

અંતર આર્દ્ર પિતાનું છે ઘેલી ઘેલી માવડી,

દોરી દેવી વિદેશે આજ વ્હાલી એની ગાવડી !

સખી સાથ હસે-રડે મૂંઝવણ કેવી મીઠી રે !

ખેલ્યાં કૂદ્યાં જેની સંગે વળાવી તેને દેવી છે !

સૌ દીકરીની એક દી વિદાય-ઘડી આવતી,

જવું રે’વું ના સમજાય તો યે મન એ ભાવતી !

સજી શણગાર સોળે બેટી આવો હવે માયરે,

ધન્ય જીવનની શુભ ઘડી જુઓ વીતી જાય રે.

સુખે સંચરજો શ્વસુરગૃહે કરો સદા પ્રભુ મંગલમ

અખંડ હજો સૌભાગ્ય બેટી સૌનાં આશિષ છે શુભ.

અચકો મચકો કાં રે લી

તમે કિયા તે ગામનાં ગોરી રાજ

અચકો મચકો કાં રે લી

અમે નવાનગરના ગોરી રાજ

અચકો મચકો કાં રે લી

તમે કિયા તે ગામથી આવ્યા રાજ

અચકો મચકો કાં રે લી

અમે પોરબંદરથી આવ્યા રાજ

અચકો મચકો કાં રે લી

તમે કેટલી તે બેન કુંવારી રાજ

અચકો મચકો કાં રે લી

અમે સાતે બેન કુંવારી રાજ

અચકો મચકો કાં રે લી

તમે કેટલા ભાઈ કુંવારા રાજ

અચકો મચકો કાં રે લી

અમે સાતે ભાઈ કુંવારા રાજ

અચકો મચકો કાં રે લી

તમને કઈ કન્યા ગમશે રાજ

અચકો મચકો કાં રે લી

અમને શામળી કન્યા ગમશે રાજ

અચકો મચકો કાં રે લી

એ કાળીને શું કરશો રાજ

અચકો મચકો કાં રે લી

એ કાળી ને કામણગારી રાજ

અચકો મચકો કાં રે લી

અમે નવાનગરની છોરી રાજ

અચકો મચકો કાં રે લી

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

આવી રૂડી અજવાળી રાત

અસૂરા કાગળ આવિયા રે લોલ

બાળ્યું બાળ્યું સવામણ તેલ

સવારે કાગળ બોલિયા રે લોલ

અધમણ રૂની બાળી દિવેટ

સવારે કાગળ ઉકેલિયા રે લોલ

કોરે મોરે લખી છે સલામું

વચમાં તે વેરણ ચાકરી રે લોલ

ઈ ચાકરીએ સસરાજીને મેલો

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

સસરાજીને ચોરાની ચોવટું

મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ જેઠજીને મેલો

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

જેઠજીને ગામના ગરાસ

મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ દેરજીને મેલો

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

દેર ઘેર નાના વહુવારૂં

મોલમાં નહિ રહે એકલા રે લોલ

રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ

અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ

ગોરાંદેએ ઝાલી લગામ કે

અલબેલા ક્યારે આવશો રે લોલ

ગણજો ગોરી પીપળિયાંના પાન

એટલે તે દહાડે આવશું રે લોલ

આ જૂનાગઢમાં રે

આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે

મોરલી વાગે છે

આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે

મોરલી વાગે છે

જ્યાં ઊંભો જશોદાનો લાલ

મોરલી વાગે છે

મોરલી વાગે છે

જ્યાં ઊંભો જશોદાનો લાલ

મોરલી વાગે છે

મોરલી વાગે છે

એને બાંહે બાજુબંધ બેરખાં

એને બાંહે બાજુબંધ બેરખાં

એની દશે આંગળિયે વેઢ

મોરલી વાગે છે

એની દશે આંગળિયે વેઢ

મોરલી વાગે છે

એને કાને તે કુંડળ શોભતાં

એને કાને તે કુંડળ શોભતાં

એના કંઠે એકાવળ હાર

મોરલી વાગે છે

એના કંઠે એકાવળ હાર

મોરલી વાગે છે

આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે

મોરલી વાગે છે

આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે

મોરલી વાગે છે

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો

દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો

ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો

સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો

તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો

ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો

દહીં - દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ - લાકડી ઈ તો અમારો દેર જો

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો

તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્‌યો જો

ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે

આજ રે સ્વપનામાં મેં તો

આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,

ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,

દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,

ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,

સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,

તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,

ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,

દહીં - દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ - લાકડી ઈ તો અમારો દેર જો,

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો,

તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્‌યો જો,

ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,

કહી દો સૂરજને કે ઊંગે નહીં ઠાલોપ

તારા રે નામનો છેડયો એક તારો,

હું તારી મીરાં તું ગિરધર મારોપ

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,

કહી દો સૂરજને કે ઊંગે નહીં ઠાલોપ

આપણે બે અણજાણ્‌યા પરદેશી પંખી,

આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;

જોજે વિખાય નહીં શમણાનો માળો,

કહી દો સૂરજને કે ઊંગે નહીં ઠાલોપ

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,

વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,

કહી દો સૂરજને કે ઊંગે નહીં ઠાલોપ

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,

કહી દો સૂરજને કે ઊંગે નહીં ઠાલોપ

આદિયાશક્તિ (સ્તવન)

આદિયાશક્તિ કમલથી ઉપની,

કેતરાં જોગણી રૂપ કીધાં !

જળા બોળ માંહેથી, અલખને જગાડીઆ,

બાર બ્રહ્‌મ ઈશને સાથે લીધાં.

તયોણરા પાન પર, ચાર દેવ પ્રગટિયા,

ધરાતલ આભ તે દન ધરિયે,

પરમાણે આભને, રચાવી પ્રથમી,

કનકરો થંભ તે મેરૂ કીધો.

આપણા મલકના માયાળુ માનવી

હે... હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,

હે...મહેમાનોને માન દઈને હેતથી હૈયું ધરતાં;

પંડ તણાં પાથરણાં થઈ જ્યાં હરખાતાં નર-નારી,

હે...જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,

માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,

રિયોને આપણા મલકમાં.. કે હાલો...

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;

દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;

ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;

સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,

ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,

રિયોને આપણા મલકમાં.. કે હાલો..

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;

પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;

વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;

બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,

નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;

રિયોને આપણા મલકમાં.. કે હાલો...

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;

રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;

છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;

અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,

કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;

રિયોને આપણા મલકમાં.. કે હાલો..

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;

ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;

ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;

ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,

ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;

રિયોને આપણા મલકમાં..કે હાલો..

આવકારો મીઠો આપજે રે

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.

આવકારો મીઠો આપજે રે.

એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,

બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.

એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.

આવકારો મીઠો...

“કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.

એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.

આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,

એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.

આવકારો મીઠો...

આવડા મંદિરમાં હું તો એકલી

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

કેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આ

પરણ્‌યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

કેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આ

પરણ્‌યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

તમારે પરમાર સૈંયર સામટી રે લોલ

રે’જો તમો રાજું કેરી રીત જો

પંડડા રે’શે તો પાછા પૂગશું રે લોલ

અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

ઘરમાં સાસુ ને નણંદ દોહ્યલાં રે લોલ

મહિયરની લાંબડી છે વાટ જો આ

પરણ્‌યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

તમારે પરમાર સૈંયર સામટી રે લોલ

રે’જો તમો વહુઆરૂની રીત જો

આ પંડડા રે’શે તો પાછા પૂગશું રે લોલ

અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

કેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આ

પરણ્‌યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

અમારા રે પંડડા રહેશે તો પાછા રે પૂગશું રે લોલ

આવ્યો મેહુલો રે!

ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!

મેહુલે માંડયા મંડાણ

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!

નદી - સરોવર છલી વળ્યાં રે

માછલી કરે હિલોળ, આવ્યોપ

ખાડા ખાબોચીયાં છલી વળ્યાં રે

ડેડકડી દિયે આશિષ, આવ્યોપ

ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે

ખેડુએ લીધી બેવડી રાશ, આવ્યોપ

ગાયે લીધાં ગાનાં વાછરૂં રે

અસતરીએ લીધાં નાના બાળ, આવ્યોપ

ઊં

ઊંંચા નીચા રે

ઊંંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,

કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,

કે દેજો મારી કાળકા માને હાથ;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,

કે દેજો મારી અંબા માને હાથ;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,

કે દેજો મારી બહુચર માને હાથ;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ,

કે દેજો મારી આરાસુરી માને હાથ;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

પાંચમો પત્ર રે અમદાવદ મોકલ્યો રે લોલ,

કે દેજો મારી ભદ્રકાળી માને હાથ;

કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંંચા નીચા રે...

ઉગમણી ધરતીના...

તેજમલ ઠાકોર

ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યાં રે

ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યાં રે

કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે

ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે

શીદને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે

દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે

હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે

માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે

માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે

કાનનાં અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે

કાનનાં અકોટા દાદા બોકાનામાં રહેશે

હાથનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે

હાથનાં ત્રાજવા દાદા બાંયલડીમાં રહેશે રે

પગનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે

પગનાં ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે

દાંત રંગાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે

નાના હતાં ત્યારે મોસાળ ગ્યાં’તાં રે

ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે

નાક વીંધાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે

અમારી માતાને અમે ખોટનાં હતાં રે

નાનાં હતાં તે દિ’ નાક વીંધાવ્યાં રે

ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે

સોનીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરૂષ હશે તો એનાં બેરખડે મન મો’શે રે

અસતરી હશે તો એનાં ઝૂમણલે મો’શે રે

સંધા સાથીડાએ ઝૂમણાં મૂલવિયાં રે

તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે

વાણીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરૂષ હશે તો એનાં પાઘડીએ મન મો’શે રે

અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો’શે રે

સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે

તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ સંઘેડા હાટે જઈએ રે

સંઘેડાં હાટે જઈને અસતરી પારખીએ રે

પુરૂષ હશે તો એનાં ઢોલિયે મન મો’શે રે

અસતરી હશે તો એનાં ચૂડલે મન મો’શે રે

સંધા સાથીડાએ ચૂડલા મૂલવિયાં રે

તેજમલ ઠાકોરિયાના ઢોલિયે મન મોયાં રે

ચાલો મારા સાથીઓ દરિયે ના’વા જઈએ રે

દરિયા કાંઠે જઈ અસતરી પારખીએ રે

પુરૂષ હશે તો એ દરિયો ડો’ળી ના’શે રે

અસતરી હશે તો એ કાંઠે બેસી ના’શે રે

સંધા સાથીડા તો કાંઠે બેસી ના’યા રે

તેજમલ ઠાકોરિયો તો દરિયો ડો’ળી ના’યો રે

ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે

લશ્કરમાં જઈને અસતરી પારખીએ રે

પુરૂષ હશે તો એ સામે પગલે ધાશે રે

અસતરી હશે તો એ પાછે પગલે ખસશે રે

તેજમલ ઠાકોરે જુદ્ધમાં પહેલો ઘા દીધો ને

સૌ સાથીડાં એની પાછળ ધાયાં રે

દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે

દાદે ને કાકે એને મોતીડે વધાવ્યાં રે

એક ગોકુળ મથુરા મારૂં ગામ છે

એક ગોકુળ મથુરા મારૂં ગામ છે રે લોલ

નાની વણઝારી મારૂં નામ છે રે લોલ

હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ

એ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ

એ મેં તો લાખના કડલાં ઘડાવિયા રે લોલ

હીરલાં જડાવ્યા સવા લાખના રે લોલ

હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ

હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ

એ મેં તો લાખના ચુડલાં ઘડાવિયા રે લોલ

હીરલાં જડાવ્યા સવા લાખના રે લોલ

હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ

હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ

એ મેં તો નવરંગ ચુંદડી રંગાવી રે લોલ

ટીલડી જડાવી સવા લાખની રે લોલ

હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ

હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ

એક ગોકુળ મથુરા મારૂં ગામ છે રે લોલ

નાની વણઝારી મારૂં નામ છે રે લોલ

હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ

એ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ

એક ઝાડ માથે ઝુમખડું

એક ઝાડ માથે ઝુમખડું

ઝુમખડે રાતા ફૂલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો...

એક સરોવર પાળે આંબલિયો

આંબલિયે ઝૂલતી ડાળ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો...

એક આંબા ડાળે કોયલડી

એનો મીઠો મીઠો સાદ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો...

એક નરને માથે પાઘલડી

પાઘડીયે ફૂમતા લાલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો...

એક ભાલે કંકુ ચાંદલિયો

એના રાતા રાતા તેજ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો...

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,

હે મનાવી લેજો રે..

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,

માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,

ગોવાળોને ભૂલી ગ્યા છો,

માનીતી ને ભૂલી ગ્યા છો રે..

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,

માતાજી ને મ્હોંઢે થાવો,

ગાયો ને હંભારી જાઓ રે..

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,

જે કહેશે તે લાવી દેશું,

કુબજા ને પટરાણી કેશું રે..

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,

એવી અમને હૈયા ધારણ,

ગુણ ગાયે ભગો ચારણ,

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

કચ્છમાં અંજાર રૂડાં શહેર

કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..

ઈયાં જેસલના હોય રંગમોલ રાજ...

હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...

સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,

ઈયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,

હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...

સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..

રમશું રઢિયાળી આખી રાત રાજ...

હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...

પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે...

પળમાં જો જો ના તૂટી જાય રાજ,

હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...

કાનુડાના બાગમાં

અ..કાનુડાના બાગમાં (૨)

ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ.

કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છેપ.

અ..વાલા મને ઉતારામાં ઓરડા ને કાંઈ મેડીના મોલ

મોલ કેરે સાહેલડી તે સાયબો

મારો માને નહીં કેમપકેમ.

અ..સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,

દૂધ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમપકેમ.

અ..પ્રીતમને પોઢણ ઢોલીયાને કાંઈ હિંડોળા ખાટ,

ખાટ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમપકેમ.

એ.. કાનુડાના બાગમાં (૨)

ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

કાનુડે કવરાવ્યા

કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં

કાનુડે કવરાવ્યાં...

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડયા

રમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાં

કાનુડે કવરાવ્યાં...

ધીમેથી વાછરૂં વ્હાલાજીએ છોડયાં

વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં

કાનુડે કવરાવ્યાં...

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યા

ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાં

કાનુડે કવરાવ્યાં...

પુરૂષોત્તમ વ્હાલા પ્રાણ અમારા

તમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાં

કાનુડે કવરાવ્યાં...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે..

દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે..

મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,

હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર..

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, પહેલે કોઠે કોણ આવી ઊંભા હશે રે ?

પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ

કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, બીજે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,

મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,

એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, ચોથે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ,

એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,

એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, છઠ્‌ઠે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

છઠ્‌ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,

એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હેપ માતા, સાતમે કોઠે કોણ આવીને ઊંભા હશે રે ?

સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,

એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ...

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

કોઈ ગોતી દેજો રે

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;

મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,

મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.

સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;

અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !

— મ્હારા.

શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;

એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;

— મ્હારા.

માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,

એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,

— મ્હારા.

ખમ્મા મારા નંદજીના લાલ!

ખમ્મા મારા નંદજીના લાલ!

ખમ્મા મારા નંદજીના લાલ !

મોરલી ક્યાં રે વજાડી?

હું તો સુતી’તી મારા શયન ભવનમાં,

સાંભળ્યો મેં મોરલીનો સાદ,

મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,

ભૂલી ગઈ હું તો ભન સાન,

મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,

દીઠા મેં નન્દજીના લાલ,

મોરલી ક્યાં રે વજાડી !—ખમ્મા !

દોણું લઈને ગૌ દોહવાને બેઠી,

નેતરાં લીધા હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

વાછરૂં વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,

નેતરાં લઈને હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !

ગરબો ઘેલો કીધો

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મ્હારા મન હર્યાં.

સમી સાંઝની જી રે વિજોગણ ક્ય્‌હાં રે વાગી?

ગૂઢા રાગની જી રે મોરલી ક્ય્‌હાં રે વાગી?

મધરાતની જી રે અભાગાણી ક્ય્‌હાં રે વાગી?

સરવા સાદની જી રે મોરલી ક્ય્‌હાં રે વાગી?

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે ગરબો ઘેલો કીધો.

સમી સાંઝની વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મા ને બાપ મેલ્યાં

સમી સાંઝની વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે રોતાં બાળ મેલ્યાં

સમી સાંઝની વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે સૈયરૂંનો સાથ મેલ્યો.

સમી સાંઝની વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે કોઠીએ કણ ખૂટ્‌યા.

સમી સાંઝની વિ.

ગુલાબી કેમ કરી જાશો

આભમાં ઝીણી ઝબૂકે વીજળી

ઝીણા ઝરમર વરસે મેહ

ગુલાબી કેમ કરી જાશો ચાકરી

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે

ભીંજાય હાથીને બેસતલ સૂબો

ગુલાબી કેમ કરી જાશો ચાકરી

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી કેમ કરી જાશો ચાકરી

તમને વહાલી તમારી ચાકરી

અમને વહાલો તમારો જીવ

ગુલાબી નહિ જવા દઉં ચાકરી

ગોકુળ આવો ગિરધારી

(ચોમાસાનો ચારણી છંદ)

અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ

બની બહારમ, જલધારમ

દાદુર ડક્કારમ,

મયુર પુકારમતડિતા તારમ,

વિસ્તારમ લહી સંભારમ,

પ્યારો અપારમ

ગોરમા રે ગોરમા રે

ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે સાસુદેજો ભુખાવળા,

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સાહેલડી

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલાં

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે મહીં રે માવળીયો ગોળ

તમે મારી ગોરમા છો!

આ ગીત ગૌરી વન્ત દરમ્યાન ગવાય છે.

ગોરમાનો વર કેસરિયો

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,

ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.

આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,

કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.

વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,

ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,

પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.

માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,

હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.

હાથે બાજુબંધ બેરખાં રે, ગોરમાનો વર કેસરિયો,

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો.

* * *

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

ઝીણું દળું તો ઊંડી ઊંડી જાય

જાડું દળું તો કોઈ નવ ખાય

મારા તે ઘરમાં સસરોજી એવા

હાલતાં જાય ચાલતાં જાય

લાપસીનો કોળિયો ભરતાં જાય

મારા તે ઘરમાં નણંદબા એવા

નાચતાં જાય કૂદતાં જાય

રાંધી રસોઈ ચાખતાં જાય

મારા તે ઘરમાં દિયરજી એવા

રમતાં જાય કૂદતાં જાય

મારૂં ઉપરાણું લેતાં જાય

મારા તે ઘરમાં સાસુજી એવાં

વાળતાં જાય બેસતાં જાય

ઊંઠતાં બેસતાં ભાંડતાં જાય

મારા તે ઘરમાં પરણ્‌યાજી એવા

હરતાં જાય ફરતાં જાય

માથામાં ટપલી મારતાં જાય

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

ઝીણું દળું તો ઊંડી ઊંડી જાયજાડું દળું તો કોઈ નવ ખાય

ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

પોળ પછવાડે પરબડી ને

વચ્ચમાં લેંબડાનું ઝાડ

ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

વગડા વચ્ચે વેલડી ને

વચ્ચમાં સરવર ઘાટ

ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

ગામને પાદર ડોલી ડોલી

ઢોલ વગાડે ઢગલો ઢોલી

કાજળ આંજી આંખલડી ને

લહેરણિયું છે લાલ

ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

નાકે નથડી ચરણે ઝાંઝર

હૈયે હેમનો હાર

હાલો ત્યારે ધરણી ધમકે

આંખે રૂપનો ભાર

પગ પરમાણે મોજલડી

જાણે હંસી ચાલે ચાલ

ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં’તાં ?

ચકી તારા ખેતરમાં

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો

ઝીંઝવે ચડીને જોઉં કોઈ માનવી આવે

લીલી ઘોડીનો અસવાર વીર મારો આવે

ઘુઘરીયાળી વેલમાં બેસી નાનીવહુ આવે

ખોળામાં બાવલ બેટડો ધવડાવતી આવે

દૂધે ભરી તળાવડીમાં નવરાવતી આવે

ખોબલે ખારેક ટોપરાં ખવરાવતી આવે

થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે

ઝીણી ભરડાવું લાપસી માંહી સાકર ભેળું

ખોબલે પીરસું ખાંડ વા’લો વીર જમાડું

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં

હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી

હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં...

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે

હે લહેરીડા, વાછરૂં વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં...

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં

હે લહેરીડા, પાડરૂં પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં...

પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા

પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા

હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં...

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે

હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા

ચાંદો ઊંગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊંગ્યો ચોકમાં

ચૂંદડીએ રંગ લાગ્યો

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો,

મારી ચૂંદડીના ચટકા ચાર

ચૂંદડીએ રંગ લાગ્યો.

મારા પ્રભુજી આવ્યા પરોણલા

એમને શાં શાં બેસણાં દઈશ... ચૂંદડીએ..

છે ચૂંદડી લાલ ગુલાલ,

એમને સાંગાં માંચી હીરે ભરીપ. ચૂંદડીએ...

મારા પ્રભુજી આવ્યા પરોણલા,

એમને શાં શાં દાતણ દઈશ,

એમને દાતણ દાડમી દઈશ... ચૂંદડીએ..

મારા પ્રભુજી આવ્યા પરોણલા,

એમને શાં શાં ઝીલણ દઈશ... ચૂંદડીએ..

એમને તાંબાની કુંડીએ જળે ભરી,

એમને હિરકોરી ધોતિયાં દઈશ... ચૂંદડીએ...

મારા પ્રભુજી આવ્યા પરોણલા,

એમને શાં શાં ભોજન દઈશ.. ચૂંદડીએ...

એમને સેવ, સુંવાળી ને લાપશી,

એમને ખોબલે પીરસીશ ખાંડપ ચૂંદડીએ...

મારા પ્રભુજી આવ્યા પરોણલા,

એમને શાં શાં મુખવાસ દઈશ.. ચૂંદડીએ..

એમને લવિંગ, સોપારી ને એલચી,

એમને પાનનાં બીડલાં દઈશ.. ચૂંદડીએ...

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,

હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.

ચેલૈયાનું હાલરડું

ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર (૨)

મેરૂ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર

મેરામણ માઝા ન મુકે, ચેલૈયો સતના ચુકે

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા દીધા કર્ણે દાન (૨)

હે... શિબી રાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન -મેરામર્ણ

છલકાતું આવે બેડલું

છલકાતું આવે બેડલું !

મલકાતી આવે નાર રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના સુતારી રે

વીરા તમને વીનવું,

મારી માંડવડી ઘડી લાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના લુહારી રે

વીરા તમને વીનવું,

મારી માંડવડી મઢી લાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના રંગારી રે

વીરા તમને વીનવું,

મારી માંડવડી રંગી લાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના કુંભારી રે

વીરા તમને વીનવું,

મારે ગરબે કોડિયાં મેલાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના પિંજારી રે

વીરા તમને વીનવું,

મારા ગરબે દિવેટ મેલાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના ઘાંચીડા રે

વીરા તમને વીનવું,

મારે ગરબે દિવેલ પુરાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામના મોતીઆરા રે

વીરા તમને વીનવું,

મારો ગરબો ભલેરો શણગાર રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામની દીકરિયું રે

બેની તમને વીનવું,

મારો ગરબો ભલેરો ગવરાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

મારા ગામની વહુવારૂ રે

ભાભી તમને વીનવું,

મારો ગરબો ભલેરો ઝીલાવો રે

મારી સાહેલીનું બેડલું -

છલકાતું આવે બેડલું !

છેલ હલકે રે ઈંઢોણી

ચાર-પાંચ સાહેલી પાણીડા જાય રે

એમાં વચલી સાહેલડી ટહુકડી

કાં તો એનો પતિ ઘર નહિ

કાં તો એને કઠોર મળી છે સાસુલડી

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

મારે ભરવાં સરવરિયાના નીર રે

ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

સામા ઊંભા સસરાજી મારા શું રે જુઓ છો

મારે જોવાં વહુવારૂં કેરા ગુણ રે ઓલે

ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

સામા ઊંભા પરણ્‌યાજી મારા શું રે જુઓ છો

મારે જોવા ગોરાંદે તારા રૂપ રે ઓલે

ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

જેસલ કરી લે વિચાર

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,

સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,

આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,

ફૂટે ઈ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,

આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..

ગુરૂના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,

નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.

આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરૂનો આધાર,

જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,

આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..

જોડે રહેજો રાજ

જોડે રહેજો રાજ

તમે કિયા તે ભાઈની ગોરી, કોની વહુ

જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને

જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ

શિયાળાની ટાઢ પડે ને

જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ

ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ

જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને

જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ

ઉનાળાના તાપ પડે ને

જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ

ફૂલના પંખા સાથે રે હો લાડવઈ

જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને

જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ

ચોમાસાની ઝડીઓ પડે ને

જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ

મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ

જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને

જોને દિવો બળે હો રાજ

* * * * *

જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ

જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ

જોડે રહેજો રાજ

ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ

ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને માથાના અંબોડામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને હાથની હથેળીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

જોબનિયાને પગની પાનીમાં રાખો

જોબનિયું કાલ્ય જાતું રે’શે

ઝાલર વાગે ને

ઝાલર વાગે ને વા’લો હરિરસ ગાય

કાન ગોપીઓનો છેડો સાહ્ય

મેલો મેલો ને કાનુડા અમ્મારા ચીર

અમે ગોપીયું છીએ નિરમળા નીર

છેડો ફાટ્‌યો ને ગોપી રાવે ગઈ

જશોદા મંદિર જઈ ઊંભી રહી

માતા જશોદા તમ્મારો કાન

નિત્ય મારગડે માંગે છે દાણ

દાણ માંગે ને વળી લૂંટી ખાય

ઈ તે ગોકળિયામાં કેમ રે’વાય

જાવ જાવ ગોપીયું તમ્મારે ઘેર

આવે કાનો તો માંડુ વઢવેડ

સાંજ પડી ને કાનો આવ્યો છે ઘેર

માતા જશોદાએ માંડી વઢવેડ

ભાઈ કાનુડા તારે આવડી શી હેર

નિત્યના કજિયા લાવે મારે ઘેર

માતા જશોદા તમ્મારી આણ

જુઠુ બોલે ગોપી ચતુરસુજાણ

વનમાં ચારૂં હું એકલો ગાય

ચાર-પાંચ ગોપીયું ભેળી થાય

પરથમ આવે ને મારી ઝાલર બજાય

બીજી આવે ને મારો મુગટ ઘેરાય

ત્રીજી આવે ને મારી તૃષ્ણા કરે

ચોથી આવે ને મારે ચરણે પડે

એટલી વપત્ય મને વનમાં પડે

તો યે ગોપીઓ મારી રાવ જ કરે !

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,

હાલો ને જોવા જાયેં રે,

મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,

પીતળિયા પલાણ રે. - મોરલી...

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,

દસેય આંગળીએ વેઢ રે. - મોરલી...

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

કિનખાબી સુરવાળ રે. - મોરલી...

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,

ચાલે ચટકતી ચાલ્ય રે. - મોરલી..

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,

હાલો ને જોવા જાયેં રે,

મોરલી વાગી રે, રાજાના કુંવર.

ઝેરી કાંટો

હું તો ભૂંભલાં વીણવા ગઈ’તી રે, રાજલ મારવાડી !

મને ઝેરી કાંટો વાગ્યો રે, રાજલ મારવાડી !

મારા સસરાને તેડાવો રે, રાજલ મારવાડી !

મારા સસરા વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી !

નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારા જેઠને તેડાવો રે, લાગભાગ સોપી દઉં,

મારા જેઠ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી!

નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી સાસુને તેડાવો રે, ઘરબાર સોંપી દઉં,

મારી સાસુ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી!

નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી શોક્યને તેડાવો રે, પરણ્‌યો સોંપી દઉં,

મારી શોક્ય વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી!

નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારા પરણ્‌યાને તેડાવો રે, છોકરાં સોંપી દઉં

મારો પરણ્‌યો વૈદ્ય તેડાવે રે કાંટો ઝેરી છે.

મારા પરણ્‌યાને વૈદ્ય સાચો રે, કાંટો કાઢવો છે;

જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્‌યો છે.

મારી સાસુને તેડાવો રે, ઘરબાર મારૂં છે;

જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્‌યો છે.

મારા જેઠને પાછા વાળો રે, લાગભાગ માગી લઉં;

જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્‌યો છે.

મારી શોક્યને તેડાવો રે, સાયબો પાછો લઉં;

જીવી-જીવી, કેસરિયા લાલ! સાયબો મારો છે.

ટીપણી ગીત

ઘેરૂં ઘેરૂં નગારૂં બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

ઝીણું ઝીણું ઝાંઝરિયું બોલે છે

મારા નેણલા જોબનિયું ઢોળે છે

ઘેરૂં ઘેરૂં નગારૂં બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

હું ધાબા દઉં ને મારી ચુંદડી લહેરાય

મારૂં છુંદણે છુંદેલ ગોરૂં રૂપ પરખાય

મારૂં હૈડું ચડયું ચકડોળે છે

ચંપો અંબોડે મારે ડોલે છે

મેઠી મેઠી શરણાઈયું બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરૂં ઘેરૂં નગારૂં બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

મારે રાજાને રાણી પરણાવવી છે

એ રાજની મોલાત મારે ચણવી છે

અડે ગગન એવી ઈમારત કરવી છે

એથી ધરતીને ટીપી ધણધણવી છે

શંખ, ઝાઝ ને પખવાજ બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરૂં ઘેરૂં નગારૂં બોલે છે

મારૂં ટીપણીના તાલે તન ડોલે છે

ડોલરિયો દરિયા પાર

દળ હાલ્યાં ને વાદળ ઊંમટ્‌યાં,

મધ દરિયે ડૂલેરાં વ્હાણ : મોરલી વાગે છે.

એક હાલાર શહેરના હાથીડા,

કાંઈ આવ્યા અમારે દેશઃ મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ઘોઘા તે શહેરના ઘોડલા,

કાંઈ આવ્યા અમારે દેશઃ મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક વાળાક શહેર વેલડી;

કાંઈ આવી અમારે દેશ : મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ચીતળ શહેરની ચુંદડી,

કાંઈ આવી અમારે દેશ : મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક સૂરત શહેરની સાડીઓ,

કાંઈ આવી અમારે દેશ : મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક મુંબઈ શહેરના મોતીડાં

કાંઈ આવ્યાં અમારે દેશ : મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક દખણ શહેરના ડોળિયા

કાંઈ આવ્યાં અમારે દેશ : મોરલી વાગે છે.

છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

ઢોલાજી વીંઝણો લ્યો

ઢોલાજી હાલ્યો ચાકરી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે મુને હારે તેડતા જાવ

ઢોલાજી વીંઝણો લ્યો

લવિંગ સરીખી ઢોલા તીખડી રે

ઢોલાજી વીંઝણો લ્યો

તારે મુખડામાં રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

તલવાર સરીખી ઢોલા ઊંજળી રે

ઢોલાજી વીંઝણો લ્યો

તારી કેડે ઝૂલતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

રૂમાલ સરીખી ઢોલા રેશમી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે તારા હાથમાં રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

સૂડી સરીખી ઢોલા વાંકડી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે તારા ગુંજામાં રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

પાન સરીખી ઢોલા પાતળી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે તારા હોઠે રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

ઢોલાજી હાલ્યો ચાકરી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે મુને હારે તેડતા જાવ

તમે મારાં દેવનાં દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

આવ્યાં ત્યારે અમર થઈને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ

તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો

આવ્યાં ત્યારે અમર થઈને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

આવ્યાં ત્યારે અમર થઈને રો’

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

આવ્યાં ત્યારે અમર થઈને રો’

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !.. તારી બાંકી રે..

તારા પગનું પગરખું ચમચમતું રે

અને અંગનું અંગરખુ તમતમતું રે,

મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !.. તારી બાંકી રે..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?

ને અણજાણ્‌યો જાણી તને મન શું ખોલવું ?

તને છેટો ભાળીને મને ગમતું રે !

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !.. તારી બાંકી રે..

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,

હરિયાળો ડુંગરો આવતો રે હાલી;

લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,

શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.

તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !.. તારી બાંકી રે..

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું

એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !

ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં

તારા સપનનમાં મન મારૂં રમતું રે , મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !.. તારી બાંકી રે..

દાડમડીના ફૂલ રાતાં

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી

ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી

ચૂંદડી મુલવવા હાલી

ઊંભલા ઊંભલા જોયું ઝૂલણ લ્યો

હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો

બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી..

હું તો સોનીડાને હાટે હાલી

ઝુમણા મુલવવા હાલી

ઊંભલા ઊંભલા જોયું ઝૂલણ લ્યો

હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો

બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી..

હું તો મણિયારાને હાટે હાલી

ચૂંડલા મુલવવા હાલી

ઊંભલા ઊંભલા જોયું ઝૂલણ લ્યો

હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો

બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી..

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારૂં બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારૂં સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊંગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊંડતા પંખીડા વીરા, ઊંડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊંતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દુધે તે ભરી તલાવડી

હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,

હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે..

હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,

હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ..

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,

જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તાપ

હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,

જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તાપ

ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,

ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,

હે તાળીઓની રમઝટ,

હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે..

જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તાપ

હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,

સાળુ સંકોરૂં તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાશ..

હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે..

જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તાપ

ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલાપ

થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલાપ

હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે..

જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તાપ

ધન ધન છે ગોકુળિયું ગામ

ધન ધન છે ગોકુળિયું ગામ

ગામ છે રળિયામણું રે લોલ

પ્રભુજી વનમાં ચારે ધેન

વગાડી રૂડી વાંસળી રે લોલ

રાધાગોરી ભાતડિયાં લઈ જાય

ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ

પ્રભુજી કિયાં ઉતારૂં ભાત

કે કિંયા બેસીને જમશો રે લોલ

રાધાગોરી આસોપાલવને ઝાડ

કે શીતળ છાંયડી રે લોલ

રાધાગોરી તિયાં ઉતારો ભાત

કે તિયાં બેસીને જમશું રે લોલ

રાધાગોરી ઓલા કાંઠે ધેન

કે ધેન પાછી વાળજો રે લોલ

પ્રભુજી તમારી હેવાયેલ ધેન

અમારી વાળી નહીં વળે રે લોલ

પ્રભુજીને ચટકે ચડિયલ રીસ

કે જમતાં ઊંઠિયા રે લોલ

રાધાજીને ચટકે ચડિયલ રીસ

કે ભોગળ ભીડિયાં રે લોલ

ઝીણા ઝરમર વરસે મેહ

કે કૃષ્ણ ભીંજાય બારણે રે લોલ

રાધાગોરી ઉઘાડો કમાડ

કે પ્રભુ ભીંજાય બારણે રે લોલ

જાવ જાવ માનેતીને મોલ

કે અહીં શીદ આવિયા રે લોલ

જાશું જાશું માનેતીને મોલ

કે પછી થાશે ઓરતા રે લોલ

રાધાગોરી એક મોતી ને બીજી ફાડ

કે ભાંગ્યાં પછી નહીં મળે રે લોલ

રાધાગોરી હીરમાં પડિયલ ગાંઠ

કે તૂટે પણ નહીં છૂટે રે લોલ

રાધાજીને આંગણે ઊંંડી કુઈ

કે કંકર ભારે નાખિયાં રે લોલ

ધબકે ઉઘડયાં કમાડ

કે રાધાજી ઝટ દોડિયા રે લોલ

રાધાગોરીને ઝમરક દીવડો હાથ

હાલ્યાં હરિને ગોતવાં રે લોલ

કોઈ મને દેખાડો દીનાનાથ

કે આપું વધામણી રે લોલ

આપું મારા હૈડાં કેરો હાર

કે માથા કેરી દામણી રે લોલ

રાધાગોરી રાખો હારડો હૈડાં પાસ

કે હરિ આવ્યાં હસતાં રે લોલ

ધમ ધમક ધમ સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...

અલક મલકનું અલબેલું... સાંબેલું...

જનમ જનમથી વહુને માથે ભાંગેલું...

સાંબેલું...

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી

હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી

સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...

અલક મલકનું અલબેલું... સાંબેલું...

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી

જેવો કુવો ઊંંડો, જેઠ એવો ભૂંડો

સાંબેલું...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...

અલક મલકનું અલબેલું... સાંબેલું...

હોય છો ને બટકો, દિયર વટનો કટકો

લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો

સાંબેલું...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...

અલક મલકનું અલબેલું... સાંબેલું...

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો

મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો

સાંબેલું...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...

અલક મલકનું અલબેલું... સાંબેલું...

નણદલ માગે લહેરિયું

મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ !

મારી માતાની બાંધેલ લાંક હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ !

નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.

નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરૂં તારા ડાબલાં રે બાઈ !

મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ !

નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરૂં તારાં બેડલાં રે બાઈ !

મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ !

નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરૂં તારા ઘોડલાં રે બાઈ !

મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,

નણદલ માગે લહેરિયું રે બાઈ !

સામી વળગણિયે લહેરિયું રે બાઈ,

નણદી ! લઈને અદીઠડાં થાવ હો રે બાઈ !

નણદલ માગે લહેરિયું રે બાઈ !

ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી

અલ્લાલા બેલી

અલ્લાલા બેલી

ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી

ના છડિયા હથિયાર

મરણે જો હકડીવાર

દેવોભા ચેતો

ના છડિયા હથિયાર

મૂળુભા બંકડા

ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો

પીપરડી જો કિયો

ઉતે કીને ન ખાધી માર

કીને ન ખાધી માર

દેવોભા ચેતો

કીને ન ખાધી માર

મૂળુભા બંકડા

ના છડિયા હથિયાર

હેબટ લટૂરજી મારૂં રે

ચડિયું બેલી

ઝલ્લી માછરડેજી ધાર

ઝલ્લી માછરડેજી ધાર

દેવોભા ચેતો

ઝલ્લી માછરડેજી ધાર

મૂળુભા બંકડા

ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે

છાતીએ ચડાયો નાર

હેબટ લટૂર મુંજો ઘા

દેવોજી ચેતો

હેબટ લટૂર મુંજો ઘા

મૂળુભા બંકડા

ના છડિયા હથિયાર

ડાબે તે પડખે

ભૈરવ બોલે જુવાનો

ધીંગાણે મેં

લોહેંજી ઘમસાણ

દેવોજી ચેતો

લોહેંજી ઘમસાણ

મૂળુભા બંકડા

ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી અલ્લાલા બેલી

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊંડી ઊંડી જાય રે

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊંડી ઊંડી જાય રે

પરદેશી લાલ પાંદડું

પાંદડાની માયા મુને લાગી રે

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊંડી ઊંડી જાય રે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો સાસરો આણે આવ્યો

માડી હું તો સસરા ભેળી નહિ જાઉં રે

સાસુજી મેણાં મારે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો જેઠજી આણે આવ્યો

માડી હું તો જેઠજી ભેળી નહિ જાઉં

જેઠાણી મેણાં મારે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો દેરજી આણે આવ્યો

માડી હું તો દેરજી ભેળી નહિ જાઉં

દેરાણી મેણાં બોલે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો પરણ્‌યો આણે આવ્યો

માડી હું તો પરણ્‌યા ભેળી ઝટ જાઉં

પરણ્‌યોજી મીઠું બોલે

પરદેશી લાલ પાંદડું

પાંદડું પરદેશી

ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો

પાંદડું પરદેશી

મારો સસરો આણે આવ્યો હો

પાંદડું પરદેશી

ઈ પીતળિયું ગાડું લાવ્યો હો

પાંદડું પરદેશી

ઈ ગાડાની મુને ચૂકું લાગે હો

પાંદડું પરદેશી

હું તો સસરા ભેરી નહીં જાઉં

પાંદડું પરદેશી

ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો

પાંદડું પરદેશી

મારો જેઠ આણે આવ્યો હો

પાંદડું પરદેશી

ઈ તો ખોખલું ગાડું લાવ્યો હો

પાંદડું પરદેશી

ઈ ગાડે બેસી હું નહિ જાઉં હો

પાંદડું પરદેશી

હું તો જેઠ ભેરી નહીં જાઉં હો

પાંદડું પરદેશી

ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો

પાંદડું પરદેશી

મારો પરણ્‌યો આણે આવ્યો હો

પાંદડું પરદેશી

ઈ તો ઝાંપેથી ઝરડું લાવ્યો હો

પાંદડું પરદેશી

ઈ ઝરડે બેસીને હું તો જઈશ હો

પાંદડું પરદેશી

હું પરણ્‌યા ભેરી ઝટ જાઉં હો

પાંદડું પરદેશી

ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો

પાંદડું પરદેશી

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે

મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો

એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે

રંગ રતુંબલ કોર કસુંબલ

પાલવ પ્રાણ બિછાવજો રે

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર

ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર

હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે

ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે

એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે

નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે

પાતળી પરમાર

માડી હું તો બાર બાર વરસે આવિયો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે

કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે

કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે

કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો

માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે

જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

એની બચકીમાં કોરી બાંધણી

એની બાંધણી દેખીને બાવો થાઉં રે

ગોઝારી મા, થાઉં રે હત્યારી મા

મોલ્યુંમાં આંબો મોરિયો

એની બચકીમાં કોરી ટીલડી

એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે

ગોઝારી મા, તાણું રે હત્યારી મા

મોલ્યુંમાં આંબો મોરિયો

પાપ તારૂં પરકાશ જાડેજા

પાપ તારૂં પરકાશ..

પાપ તારૂં પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે

—એમ તોરલ કહે છે જી

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી

વાળી ગોંદરેથી ગાય રે

બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે

—એમ જેસલ કહે છે જી

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી

પાદર લૂંટી પાણિયાર રે

વનના મોરલા મારિયા, તોરલ દે રે

—એમ જેસલ કહે છે જી

ફોડી સરોવર પાળ, તોળી રાણી

ફોડી સરોવર પાળ રે

વન કેરા મૃગલા મારિયા તોરલદે રે

—એમ જેસલ કહે છે જી

લૂંટી કુંવારી જાન, તોળી રાણી

લૂંટી કુંવારી જાન રે

સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે

—એમ જેસલ કહે છે જી

હરણ હર્યાં લખચાર, તોળી રાણી

હરણ હર્યાં લખચાર રે

એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે

—એમ જેસલ કહે છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી

જેટલા મથેજા વાળ રે

એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે

—એમ જેસલ કહે છે જી

પુણ્‌યે પાપ ઠેલાય, જાડેજા

પુણ્‌યે પાપ ઠેલાય રે

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે

-એમ તોરલ કહે છે જી

પે’લા તે પે’લા જુગમા રાણી

પે’લા તે પે’લા જુગમા રાણી

તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં

હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે

સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે... બીજા-બીજા જુગમાં રાણી,

તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,

મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો

પડતાં છાંડયા મારા પ્રાણ રાણી પીંગળા

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે....ત્રીજા ત્રીજા જુગમા રાણી

તું હતી બ્રાહ્‌મણીને અમે રે તપેશ્વર રાજા રામના

ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,

ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી

તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં

હે.... ચાર ચાર યુગમાં વાસ હતોને

તોય ના હાલી મારી સાથ રણી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

પ્રવેશિકાઃ લોકગીતો

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

ફૂલ તમે ઉતારા કરતલ જાવ

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ

ઉતારા કરશું બે ઘડી રે લોલ

માડી મારે માથે પઠાણુંના વેર

કે લશકર વિંયા ગિયાં રે લોલ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

ફૂલ તમે દાતણિયાં કરતા જાવ

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ

દાતણ કરશું બે ઘડી રે લોલ

માડી મારે માથે પઠાણુંના વેર

કે લશકર વિંયા ગિયાં રે લોલ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

ફૂલ તમે નાવણ કરતા જાવ

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ

નાવણ કરશું બે ઘડી રે લોલ

માડી મારે માથે પઠાણુંના વેર

કે લશકર વિંયા ગિયાં રે લોલ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

ફૂલ તમે ભોજનિયા કરતા જાવ

ડોલરિયા ફૂલ ઘણાં રે લોલ

ભોજન કરશું બે ઘડી રે લોલ

માડી મારે માથે પઠાણુંના વેર

કે લશકર વિંયા ગિયાં રે લોલ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ

બંસીબટનો ચોક

આ શો રૂડો બંસીબટનો ચોક, કે મળી મહી વેકવા રે લોલ;

મારગ મળિયા મ્હારા નાથ, કે મુજને આંતરી રે લોલ.

ફોડયાં મ્હારાં મહીનાં માટ કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

ગોપી ચાલી નન્દ દરબાર , કે ગોકુળ ગામની રે લોલ.

વારો, જશોદા ! તમરા (ક હા)ન, કે નિત આડી કરે રે લોલ.

ફોડયાં મ્હારાં મહીનાં માટ, કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

જશોદાને ચડિયલ રીસ, કેલટૅકે નીસર્યાં રે લોલ;

હાથમાં લીધી કરેણની સોટી કે કૃષ્ણ કદંબ (ચહ)ડયા રે લોલ.

ઊંતરો - ઊંતરો, મ્હારા બાળ! કે કહું એક વાતડી રે લોલ;

માતા જશોદા ! તંમારી આણ, કે ગોપી સર્વે જૂઠડી રે લોલ.

બળિયા બાપજી રે

બળિયા બાપજી રે, તું તો દીન-દુઃખિયાને તારે,

હે દીન-દુઃખિયાને તારે લાખો જીવોને ઉગારે.

સુંદર ઘાટ ઘડે છે ઈશ્વર, તું એને શણગારે,

શીતળાના રોગી આયો તે આવી તારે દ્વારે

હે તારા સતનો દિવો બળતો ઢાઢરને કિનારે

તું કળજુગને દેવ દુલારો, બળિયાથી પણ બળિયો,

તારા દર્શન કરતાં ખીલે હ્ય્દયકમળની કળીયો

જેનું કોઈ નહિ જગમાં તું, હાલે એની હારે.

બેડાં મારા નંદવાણાં

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે

પાળેથી લપસ્યો પગ

બેડાં મારા નંદવાણાં રે

ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રે

કેમ કરી ઘરમાં જઈશ કે

બેડાં તારા નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે

રૂમઝૂમ કરતી જઈશ કે

બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે

પાળેથી લપસ્યો પગ

બેડાં મારા નંદવાણાં રે

ડેલીએ બેઠાં રે બેની તારા જેઠજી રે

કેમ કરી ઘરમાં જઈશ કે

બેડાં તારા નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે

ધમધમ કરતી જઈશ કે

બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે

પાળેથી લપસ્યો પગ

બેડાં મારા નંદવાણાં રે

ઓસરિયે બેઠાં રે બેની તારા સાસુજી રે

કેમ કરી ઘરમાં જઈશ કે

બેડાં તારા નંદવાણાં રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે

હળવે હળવે જઈશ કે

બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે

પાળેથી લપસ્યો પગ

બેડાં મારા નંદવાણાં રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્‌યોજી રે

કેમ કરી ઘરમાં જઈશ કે

બેડાં તારા નંદવાણાં રે

આઘા રાખીશ રે બેની મારા ઘૂમટાં રે

મલકી મલકી જઈશ કે

બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે

પાળેથી લપસ્યો પગ

બેડાં મારા નંદવાણાં રે