રિવાજ seema mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિવાજ

તે રાત્રે દાંડિયારાસ પુરા થયા ત્યાં સુધી એ રાહુલ ને જોવા તરસતી રહી,પરંતુ પોણા બે વર્ષ નો બદલો ચુક્વતો હોય તેમ એ દૂર જ રહ્યો,ને કામ માં વ્યસ્ત હોવાનો દેખાવ કરતો રહેલો,અંજલિ ની ભાભી એ એ જયારે મજાક માં કહ્યું કે "અંજલિ રમવા બોલાવે છે" ત્યારે એની ભાભી ને જવાબ આપવાના બદલે અંજલિ ને સંભળાવતો હોય તેમ બોલી ગયેલો "અમારામાં "રિવાજ "નથી "

અંજલિ ને રાહુલ ની દ્રષ્ટિ માં હવે પોતાની અસ્તિત્વ જોખમ માં લાગવા લાગેલું ,અર્ધા કલાક માં જ તેણે વિચાર્યું કે પોતે શું રાહુલ વગર રહી શકે ખરી ? અને જયારે એના હ્ર્દયે "ના "કહી ત્યારે તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે અત્યારે જ નહિ પણ આખી જિંદગી કદાચ રાહુલ એનો તિરસ્કાર કરે તો પણ પોતાના તરફ થી તો એક ઉંહકારો ય નથી થવા દેવો ,હવે કદાચ એ મારી નાખે તો પણ ,,,,

રાત્રે અગિયારેક વાગ્યે મહેમાનો સુવા માટે વિખેરાયા અને ઘરના લોકો સવાર ની તૈયારી માં રત થયા, સ્ત્રી ઓ માટે ચારેક રૂમ હતા એમાંથી એક અંજલિ ના પરિવાર ને અપાયો,પણ મોટાભાઈ એ બહેન ના સાસરે પોતે "મોટો"બની ને આવ્યાપણું રાખવા કામકાજ માં મદદ કરવા ધ્યાન પરોવેલું એટલે રૂમ માં માત્ર અંજલિ,એની ભાભી ,ઉષા એમ ત્રણ રહી ,પણ પહેલી વખતે સાસરે આવી હોય રાહુલ ની બહેનો નો ઉત્સાહ માંતો નહોતો એટલે રૂમ માં સારા એવા પ્રમાણ માં સંખ્યા હતી,કહેવું કે નહિ તેવી ગડમથલ અનુભવતા તેણે આખરે રાહુલ ની બહેન ને કહી જ નાખ્યું

"તમારા ભાઈ હવે ફ્રી થઇ ગયા હશે એમને બોલાવો ને ,થોડી વાર બેસીયે "

ઉત્સાહી બહેન તરત જ દોડી નીકળી, ભાભી નો સંદેશ ભાઈ સુધી પહોંચાડવા

અંજલિ ને એક જ ડર સતાવતો હતો ,રાહુલ નહિ આવે તો? એક વાર સામે આવે પછી પોતાની વફાદારી સાબિત કરવા પોતાના થી બનતું બધું કરવા એ તૈયાર હતી ,પણ પાછલી વાતો ને મનમાં રાખી ને એ આવશે જ નહિ તો લગ્ન પહેલા પોતાને જે કઈ કહેવું હતું એ કહેવાની તક પછી મળે કે નહિ કોને ખબર ?

પરંતુ એની બધી ધારણા ઓ ખોટી પડી,અને જીવન નું મોટા માં મોટું આશ્ચર્ય ત્યારે થયું જયારે રાહુલ પાંચેજ મિનિટ માં ત્યાં આવ્યો અને એ પણ પાછો હંસતા હંસતા!

પણ એ હાસ્ય પાછળની વેદના ન સમજી શકે તેટલી અણસમજુ તો પોતેય નહોતી ,છેલ્લે ભાઈ ના લગ્ન માં જોયેલો ,આઠેક મહિના પછી બન્ને ની દ્રષ્ટિ મળી ત્યારે એને રાહુલ ની નજર માં જરાય પોતીકાપણું જોવા મળ્યું નહીં , એક ભાવ વિહોણી અછડતી નજર અંજલિ પર કરી ને તે એની ભાભી અને પિતરાઈ બહેન સાથે વાતચીત માં ગૂંથાઈ ગયો

ત્યારે બધા ફ્રૂટ ખાઈ રહ્યા હતા ,કાંઇક વિચારી ને વાત શરૂ કરવાની ગરજે તેણે સફરજન સમારી ને એક કટકો સામે બેસેલા રાહુલ તરફ એવી રીતે લંબાવ્યો જાણે વર્ષો થી આવું કરી રહી હોય ,અને એટલી જ સ્વાભાવિકતા થી રાહુલે એ લઇ ને "થેંક્સ"કહેતા સાવ સરળતા થી પૂછી લીધું ,"કેમ છો આપ ?"

"ખડિંગ " કરતું કંઈક અંદર તૂટ્યું હોય તેવું અંજલિ ને પ્રતીત થયું ,પણ મ્હોં પર નું સ્મિત ના વિલાવા દેતા "મજામાં " કહેતા સામે પૂછ્યું "તમે ?"

"બસ ! આપની મહેરબાની છે"હસતા ચહેરા તેણે કટાક્ષ કરેલો ,વ્યંગ નો એ કડવો ઘૂંટ ગળી જતા પરાણે હસી ને એ નીચું જોઈ રહી

ત્યાં બેઠેલા બધા આ સંવાદ ની મજા લઇ રહ્યા હતા ,દરેક ને આ સંવાદ મશ્કરી જ લાગતો હતો

પણ અંજલિ ને ખબર હતી કે આ તોફાન પહેલાની શાંતિ છે

ને જાણે પૂર્વયોજિત હોય તેમ રાહુલ ની બહેનો એક પછી એક એમ બે ચાર મિનિટ ના અંતરે બહાર જવા લાગેલી ,,અંજલિ ને પણ આ જ જોઈતું હતું ,હવે રૂમ માં રાહુલ, અંજલિ ઉષા ,અને ભાભી જ રહ્યા અંજલિ ની સામે અર્થસૂચક નજરે જોતા ભાભી પણ ઉભા થયા ,"તમતમારે બેસો હું બધા ને નિરાંતે મળી લઉં "કહેતા દરવાજો વટાવી ગયા

ઉષા એ પ્રશ્નસૂચક દ્રષ્ટિ થી અંજલિ સામે જોયું એનું માથું સહેજ હકાર માં હલતા જોઈ ને તે પણ ઉભી થઇ પણ રાહુલે તેને રોકી "તમે અહીંયા જ રહેજો ઉષા, અમારા માં કુંવારા છોકરા ઓ એ એકાંત માં મળવાનો "રિવાજ "નથી તમે ચાલ્યા જશો તો મારે પણ જવું પડશે

"તમેય શું આવું કહેતા હશો જીજુ "એવું કહેતા ઉષા થોડે દૂર રૂમ ના એક ખૂણા તરફ ચાલી ગઈ, અંજલિ સામે જોયા વગર રાહુલે ઉષા ને જ કહ્યું "બીજું પણ એક કારણ છે ઉષા, માણસ માત્ર ને અપમાનિત થવા ની શરમ તો આવતી જ હોય છે, પણ કોઈ પોતાના વ્યક્તિ ની હાજરી માં અપમાનિત થવા થી આ શરમ બેવડાઈ જતી હોય છે ,એટલે એ માટે પણ તમારે તો અહીંયા બેસવું જ પડશે "

પીડા ની એક તીવ્ર લહેર અંજલિ ના હ્ર્દય ને વીંધી ગયેલી ,ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થયું ,પણ આ બધું સાંભળવાની તૈયારી તેણે રાખેલી જ,જરાય મિજાજ ગુમાવ્યા વગર તેણે શાંતિ થી કહ્યું "ઓ.કે. રાહુલ હું તમારી સામે છું તમારે કહેવું હોય તે કહો ,કરવું હોય તે કરો ,કદાચ જીવ ખેંચી લેશો તોયે કબૂલ છે "

" ચ ચ ચ ,," રાહુલે તિરસ્કાર થી માત્ર એટલું જ કહેલું

હવે પ્રશ્ન એ છે કે તમે મારી વાત સાંભળશો કે મારે તમારી વાત પહેલા સાંભળવાની છે ?"અંજલિ એ કહ્યું ,એની પોતાની ઈચ્છા હતી કે રાહુલ કંઈક કહે,એના પર ગુસ્સે થાય ,એને તમાચા મારે,કાંઈ પણ કરે પરંતુ એની ભડાશ એક વાર કાઢે ,એકવાર એનો ગુબાર હળવો થાય તો પોતે એને સારી રીતે પોતાની વાત સમજાવી શકશે એવું તેને લાગતું હતું

પરંતુ પેલો તો સાવ માથે બરફ ની પાટ રાખી ને બેઠો હતો ,એનો અવાજ મીઠો હતો પણ વર્તન પરાયું હતું ,

"મારે કશુંય કહેવાનું નથી, આપ કઈ કહેવા માંગતા હોય તો હું આખી રાત સાંભળવા તૈયાર જ બેઠો છું "રાહુલે દાંત ભીસતાં કહ્યું અંજલિ ને એક નિશ્વાસ નાખ્યો,સૂચક નજરે ઉષા તરફ જોતા કહ્યું "ઉષા પ્લીઝ આ રૂમ ની વાત ક્યારેય બહાર ના જાય એનું ધ્યાન રાખજે ,તું જે નથી જાણતી એવી ઘણી વાતો આમ આવશે જે આપણા જ પરિવાર સાથે સંકળાયેલી છે “

ઉષા એને ચિંતાતુર વદને તાકી રહી

,"તો પ્લીઝ મારી વાત પુરી ના થાય ત્યાં સુધી શાંતિ થી સાંભળજો રાહુલ ,મને ખબર છે આ કહેવા માટે ઘણું મોડું થઇ ગયું છે હવે, પણ ક્યારેક તો કહેવાનું જ હતું ,તો આજે શા માટે નહિ?"

રાહુલે તિરસ્કાર થી હોઠ મરડયા

પણ જીવ ઉપર આવી ગઈ હોય તેમ અંજલિ આજ ની તક ગુમાવવા માંગતી નહોતી

એ શરૂ થઇ ગઈ

સગાઇ ના દિવસ થી લઇ ને અત્યાર સુધી માં જે કઈ બનેલું તે શબ્દસ: બોલતી રહી,રાહુલ ની દરેક ફરિયાદો નું લિસ્ટ એમાં હતું જ પોતે જે જગ્યા એ ભૂલો કરેલી તે સ્વીકારતી રહી ને રાહુલ ની કઈ વાત થી પોતાને દુઃખ પહોંચ્યું તે પણ કહેતી રહી,દરેક વાત ના ખુલાસા હતા ,અત્યાર સુધી માં જેટલી વાર નજર મળી તે વખતે પોતે કેવું ફીલ કરેલું તે સુદ્ધા ના છુપાવ્યું ,લગભગ દોઢેક કલાક તે બોલતી રહી ,,એની આંખો માંથી આંસુ પડતા રહ્યા

નિર્લેપ ભાવે શૂન્યાવકાશ માં તાકતો હોય તેમ રાહુલ સાંભળતો રહ્યો

" હું જાણું છું મેં ઘણી ભૂલો કરી છે "પોતાની વાત નું સમાપન કરતા અંજલિ એ કહેલું" મારા માં બાપ કરતા પણ વધારે દોષિત હું છું કે મારે મારા માં બાપ ની સાથે સાથે મારા પતિ નો પણ સાથ આપવો જોઈતો હતો ,,પણ એ બંને વાત એકસાથે શક્ય નહોતી ,પણ હવે હું થાકી ગઈ છું ,બંને ભાર મારા થી એક સાથે વેંઢારાય તેવી ત્રેવડ હવે મારા માં નથી રાહુલ ,હવે તમે જે કહો તે કરવા તૈયાર છું ,તમે જે સજા આપવા માંગતા હોય તે ભોગવવા તૈયાર છું,પણ આ ખોખલા રીતિ રિવાજો થી હું હવે તંગ આવી ગઈ છું,ઘણીવાર મને થયું કે તમને આખી વાત પત્ર લખી ને જણાવું,પણ એ જણાવ્યા બાદ તમે મારા ઘર પરિવાર કુટુંબ ને ઘૃણા કરશો એ ભીતિ થી દર વખતે મારા પગલાં પાછા પડતા ગયા ,પણ અંતે મને સમજાયું કે મારે તમારી સાથે જીવવાનું છે ,મારા પરિવારે નહિ , જેટલા મનોમંથન થી હું પીડાઈ છું તમે પણ એટલા જ ,અરે કદાચ એનાથી વધારે પીડાયા હશો ,વિશ્વાસ આવે તો ખાલી એટલો ભરોસો કરો રાહુલ કે તમને હિજરાતા જોઈ ને મને ક્યારેય ખુશી નહોતી મળી ,પણ હું શું કરી શકતી હતી બોલો ?હું શું કરું ?"

કહેતા કહેતા તેના ગળામાંથી એક લાબું ડૂસકું સરી પડ્યું ,અને પછી બસ કોઈ તોફાની નદી બધા બંધ તોડી ચુકી હોય તેમ બંને હથેળી માં મ્હોં છુપવી તે ખુલ્લા દિલે રડી પડી

ચમકી ઉઠેલી ઉષા એ દોડી ને રૂમ નો દરવાજો બંધ કર્યો ,ઉંમર માં તે આ બંને થી મોટી હતી ,અત્યાર સુધી તે સ્તબ્ધતા થી બંને ની બે વર્ષ ની પીડા સાંભળી રહેલી પણ અંજલિ એ આટલું વેઠ્યું ,અને એ પણ એક સામાન્ય વાત ને લઇ ને !માય ગોડ," તે અંજલિ પાસે આવી ને એને હૂંફ થી પોતાના પડખામાં લીધી,સ્વસ્થ દેખાવાનો તેનો સ્વાંગ પણ હવે ઉતરી ગયેલો ,અંજલિ ને સંભાળવી કે પોતાની જાત ને તે જ નક્કી ન કરી શકી ,અંજલિ એ આટલું સહન કર્યું એમાં પોતાના પિતા નો પણ ભારોભાર દોષ એને દેખાઈ રહ્યો હતો

"અરે મારી ઢીંગલી એક વાર ,,ખાલી એક જ વાર મને કહ્યું હોત તો હું તારો હાથ પકડી ને તારા રાહુલ પાસે લઇ જાત ,અને પછી જોઈ લેત કે કયો રિવાજ તને રોકવા આવે ?"મહામહેનતે પોતાના આંસુ ખાળતા તેણે અંજલિ નું માથું જોરથી પોતાના ગળા સાથે ભીસતાં આક્રોશ થી કહ્યું ,પછી રાહુલ તરફ જોયું

"રાહુલ કુમાર એક રિકવેસ્ટ કરું?"મહેરબાની કરી ને સગપણ તોડવા વિષે ના વિચારતા ,તમે કહો એ ખાતરી આપવા તૈયાર છું કે આ જે કઈ થયું તે અમારા પરિવાર ની જુનવાણી માનસિકતા કે પછી વધારે પડતા દંભ ના કારણે થયું છે ,તમારી દોષિત આ મારી લાડકી નહિ પણ અમે બધા છીએ ,"

અરે ના ઉષા, તમે મારા માટે એવું ક્યાં વિચારી લીધું ? એવું હું ક્યારેય ના કરું " રાહુલે તુચ્છકારથી કહેલું " હું સગપણ તોડું એટલે આ કોઈ બીજા ની જિંદગી બરબાદ કરશે, કમ સે કમ મારી સાથે લગ્ન થશે તો હું મારો બદલો તો લઇ શકીશ !!"

ઉષા ની ગરદન માંથી માથું ઊંચું કરી ને અશ્રુભીના ચહેરે પણ અંજલિ એ સ્મિત કર્યું ,બસ રાહુલ નું આ જ સ્વરૂપ તેને જોવું હતું,એના દિલ પર જાણે ઠંડા પાણી નો છટકાવ થયો હોય તેટલી શીતળતા વ્યાપી ગઈ, રાહુલ નો આ જ ગુસ્સો તો બહાર કાઢવો હતો ,

"એમને કહેવા દે ઉષા" ઉષા કાંઈક બોલવા જતી હતી તેને વચ્ચે થી જ અટકાવી ને અંજલિ એ કહ્યું " હજી વધારે કહો રાહુલ ,તોયે સંતોષ ના થાય તો મને તમાચા મારો,એથીયે વધારે જોઈતું હોય તો મને ગળું દબાવી ને અહીંયા જ ખતમ કરી નાખો એટલે મારી ને તમારી પીડા નો અહીંયા જ અંત આવી જાય ,પણ આવું ઓરમાયું વર્તન કરવાનું મહેરબાની કરી ને બંધ કરો"

પણ રાહુલ ના વિચારો સુધી હજી તે પહોંચી નહોતી,દાંત ભીંસતાં રાહુલે માત્ર એટલું જ કહ્યું "હવે તમારું બોલવાનું પૂરું થયું હોય તો હું જાઉં ?"

એમ નહિ રાહુલ ,,મને સજા સંભળાવતો જાઓ,પછી તમે જઈ શકો છો ,આ ઉષા ભલે કહેતી હોય પણ જો તમારા મનમાં મારા માટે માત્ર ને માત્ર દ્વેષ જ બચ્યો હોય અને તમને લાગતું હોય કે હું જિંદગી માં તમને કશુંય આપી શકવા જેટલી પાત્રતા નથી ધરાવતી તો પછી તમારી જીવનસંગીની હું હોઉં કે ના હોઉં તે જરાય મહત્વનું નથી ,આ કોઈ ફિલ્મી સંવાદ નથી ,કે ન તો ક્યાંક થી વાંચી ને અહીંયા બોલી રહી છું, હા મારા તરફ થી એટલી ખાતરી રાખજો કે તમે મને જે શિક્ષા કરશો તે હું જીવનભર ભોગવીશ, તમારી પત્ની હોઉં કે ના હોઉં તો પણ" ગળગળા આર્દ્ર સાદે તે બોલી ગઈ

"શિક્ષા !"રાહુલે તીખાશ થી કહેલું "તું જ્યારથી વાત કરે છે ત્યાર થી તારી એક જ માંગણી છે કે મને સજા આપો, શિક્ષા કરો ,પણ કમ્બખ્ત તું એમ કેમ વિચારે છે કે હું તને શિક્ષા જ કરીશ?"

"તો ?"અંજલિ એ વિસ્મય થી પૂછેલું "મને કઈ સમજાયું નહિ "

"મારે તો તને સજા કે શિક્ષા કરતા પણ કાંઈક વધુ આપવું છે, "જાણે ક્યારનુયે વિચારી ને બેઠો હોય એમ રાહુલે તીક્ષ્ણ નજરે એની સામે જોતા કહેલું "સજા આપીશ તો તું હળવી ફૂલ થઇ જઈશ ,તારા દિમાગ માંથી ભાર ઓછો થઇ જશે ,હું તો જીવનભર ન શમી શકે તેવું વિચારો નું એવું તાંડવ તારા દિમાગ માં ભરવા માંગુ છું,કે તું ક્યારેય ના ભૂલી શકે "

કાંઈક આશંકા થી અંજલિ નું હ્ર્દય જોરથી ધડકી ઉઠ્યું ,

"તેં મારી સાથે સગાઈ જ કરી છે કે પછી તું મને ચાહે છે?"રાહુલ નો પ્રશ્ન અણચિંતવ્યો હતો

"તમે ચૂપ રહેશો ?આ કેવી અણસમજાઇ ભર્યો પ્રશ્ન કર્યો તમે રાહુલ ?કે પછી તમારે મારા મ્હોં થી સાંભળવું છે ?"એક સેકન્ડ ની ય વાર લગાડ્યા વગર અંજલિ સડસડાટ બોલી ગઈ

"તું જેમ સમજે તેમ ,અને હા જો ખરેખર ચાહતી જ હોય તો ક્યારથી ,એ પણ સ્પષ્ટતા કરજે "એની વાત પર ધ્યાન જ ના આપ્યું હોય તેમ રાહુલે કહેલું

"તો તમારા પહેલા પ્રશ્ન નો જવાબ છે હા! હું તમને ચાહું છું "બાજુ માં જ બેઠેલી ઉષા નું કોઈ અસ્તિત્વ ન હોય તેમ જરા પણ સંકોચ વગર અંજલિ એ મક્કમ સ્વરે કહ્યું "હું તમારા જેટલું ભણી નથી એટલે મને કોઈ નવતર શબ્દો માં કહેતા નહિ ફાવે ,અને તમે પૂછ્યું છે ક્યારથી ? તો એનો જવાબ છે આપણું સગપણ થી ય પહેલા થી,જયારે તમે પહેલીવાર મને જોવા આવેલા ત્યારથી "

સારું ચાલ ,હું માની લઉં છું ,તો પછી મને એ કહે કે તું એમ માને છે કે હું તને ચાહું છું ?"રાહુલે એવો સવાલ કર્યો જેની કલ્પના અંજલિ ને દૂર દૂર સુધી નહોતી

"હા ચોક્કસ ,!!"તેણે મક્કમ અવાજે કહ્યું હું માનું છું

ને આવું માનવાનું કારણ શું છે ?"રાહુલે વેધક સ્વરે પૂછેલું

"આ કેવો મૂર્ખાઈ ભર્યો સવાલ રાહુલ?" તે સહેજ ઉશ્કેરાટ થી બોલી ગઈ ,

"એમાં મૂર્ખાઈ ની વાત ક્યાં આવી અંજલિ ?"રાહુલ ના ટોન માં વ્યંગ ઉપસ્યો "સાવ સરળ પ્રશ્ન છે ,મને યાદ છે ત્યાં સુધી આજ સુધી મેં તને ક્યારેય એવું નથી કહ્યું કે હું તને ચાહું છું ,તો પછી તેં એવું શા માટે માની લીધું"?

અંજલિ ગડમથલ માં પડી ગયેલી ,ચાર-પાંચ સેકન્ડ સુધી શું કહેવું તે જ ના સમજાયું પછી ગૂંચવાયેલા અવાજે પોતાની જાત સાથે વાત કરતી હોય તેમ બોલી ઉઠેલી "મને ખબર નથી ચાહવું કે પ્રેમ કોને કહેવાય ,પણ એ બોલવાથી કેમ વ્યક્ત થાય?એ તો તમારા વર્તન થી મેં ધારી લીધું,મને પત્ર લખવા.મને જોવા માટે તમારું વ્યગ્ર થઇ ઉઠવું,મારા પર ગુસ્સે થવું ,મારી સાથે રિસાવું ,કે આજે અહીંયા મારી સાથે બેસવું,,,હું તો એને જ પ્રેમ સમજુ છું ,"

"ઘણું છે ,તું જે સમજે છે એને પ્રેમ જ કહેવાય ,તેં તો મારી વર્તણુક પરથી માની લીધું ,પણ મને એ સમજાવ કે તેં મારી સાથે ક્યારે એવું વર્તન કરેલું જેને હું પણ પ્રેમ સમજી શકું ?"

"શું ?"તમે એમ કહેવા માંગો છો કે હું જૂઠ બોલી રહી છું કે હું તને નથી ચાહતી ?અંજલિ ની મુખરેખા તંગ થતી દેખાઈ

"ના ,તું બનાવટ કરી રહી છે એમ હું નથી માનતો ,પણ તું ફરીથી મારો પ્રશ્ન યાદ કર ,મેં એમ પૂછ્યું છે કે આજ સુધી તે મારી સાથે જે વર્તાવ કર્યો છે તેને "પ્યાર"માની શકાય?,અથવા એવો જ વ્યવહાર મેં તારી સાથે કર્યો હોય તો પણ શું તું એને "ચાહત " સમજી શકી હોત ?

અને અંજલિ ના દિમાગ માં સળવળાટ શરૂ થઇ ગયેલો ,સગપણ થી અત્યાર સુધી રાહુલ સાથે જે પળો પસાર થયેલી તે વીતી ગયેલી દરેક પળો એની નજર સમક્ષ તાદશ્ય થઇ ઉઠી ને એના જ હ્ર્દયે જાણે એને પોકારી ને કહ્યું કે ભલે તે રાહુલ ને અંતર ના ઊંડાણ થી ચાહ્યો હોય પણ તારી વર્તણુક થી ક્યારેય એ પ્રેમ છલકાયો નથી ,એક અજબ પ્રકારની મૂંઝવણ તેના ચહેરા પર તરી આવી ને અનાયાસ જ તેનું મસ્તક શરમ થી ઝૂકી ગયું

"હું જોઈ શકું છું કે તું મારો દ્રષ્ટિકોણ સમજી રહી છે "એને છોભીલી પડતા જોઈ ને રાહુલ નો સ્વર અચાનક ધીમો થઇ ગયેલો ,,"કોઈ ને દિલ થી ચાહવું અને એ ચાહત નો સામે ની વ્યક્તિ ને અહેસાસ કરાવવો એ બન્ને તદ્દન અલગ વાત છે અંજુ ,તમે જે વ્યક્તિ ને ચાહતા હોવ અને એ જ વ્યક્તિ જો તમારું ભવિષ્ય બને તે નિશ્ચિત હોય તો પછી એ વ્યક્તિ ને પણ એટલું જાણવાનો અધિકાર તો ખરો ને કે તમે એને ચાહો છો? બાકી મનમાં રાખેલ પ્રેમ ને તો હું વાંઝિયો પ્રેમ માનું છું "

એના શબ્દો અને બોલવાની નરમાશે અંજલિ ની આંખો ફરીથી ઉભરાઈ

"તને ખબર છે મેં શું ખોયું છે ? સગાઈ થી અત્યાર સુધી ના અમૂલ્ય વીસ મહિના, મારા ગુમાવી ચૂકેલ આ સમય માટે કોણ જવાબદાર છે ?અને એ શું મને મારો આ સમય પાછો આપી શકશે ?"રાહુલ ના અવાજ માં નિરાશા ભળેલી

"પણ રાહુલ ,!!! " અંજલિ ના દિમાગ માં ધમાકો થયો ,,રાહુલ ની વાત એકદમ વ્યાજબી હતી ,,આ સવાલ નો ઉત્તર તેની પાસે નહોતો,તે ખરેખર થોથવાઈ ગઈ ,,રાહુલ કેટલી ઊંડાણ થી આ વાત વિચારતો હતો એ પોતાને સમજાયું ,એની આર્દ્રતા સ્પર્શી ગઈ હોય તેમ અંજલિ ઉત્તેજિત થઇ ગયેલી "એ સમય ખાલી તમારો જ નહોતો ,મારો પણ હતો ને ?એ સમય તો મેં પણ ખોયો જ છે ને રાહુલ ?"

"ખરેખર ?"રાહુલે કડવાશ થી કટાક્ષ કરેલો , “મને તો એવું ક્યારેય ના લાગ્યું કે તારું પણ કઈ બગડ્યું હોય, કેમ કે જો એવું થયું હોત તો તે પણ એના માટે જવાબદાર વ્યક્તિ ઓ પાસે હિસાબ માંગ્યો જ હોત,પણ તેમ છતાંયે તું સાચી જ હોય અને તારા દિવસો પણ બગડ્યા હોય તો એનો હિસાબ મારી પાસે શા માટે માંગે છે ? જેણે બગાડ્યા હોય એની પાસે જઈ ને માંગ ! મારા દિવસો તો તારા થકી બગડ્યા એટલે હું તારી પાસે માંગુ છું ,તું ક્યાં મોઢે મારી પાસે માંગે છે ?"

અંજલિ નું મ્હોં ખુલ્લું જ રહી ગયું ,અવાચક બની ને તે સ્તબ્ધતાથી રાહુલ ની સામે તાકી રહી ,અચાનક જ તેને અહેસાસ થયો કે પોતે શું ગુમાવ્યું છે ,જિંદગીના અમૂલ્ય 2 વર્ષ રૂઢિચુસ્તતા ને ભોગ ચડી ચુક્યા હતા ,જે હવે આ જન્મે પાછા મળવાના નહોતા જ ,ઉષા પણ નીચું જોઈ ગઈ, પોતાના પિતા અને અંજલિ ના પિતા રીત રિવાજો ના નામે આ બંને વચ્ચે કેવો અંતરાય ઉભો કરી બેઠા હતા,તેવું વિચારતા એ પણ કંપી ઉઠેલી

(ક્રમશઃ)