રિવાજ seema mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિવાજ

તું કહે છે કે મને સજા આપો, પણ શું સજા આપું ?" શુન્યાવકાશ માં તાંકી રહ્યો હોય તેમ ભાંગી પડેલા અવાજે રાહુલે કહ્યું "તને તો શું આ રિવાજ માટે જવાબદાર દરેક વ્યક્તિ ને હું મનફાવે તેવી સજા કરું તો પણ હું જે ગુમાવી ચુક્યો છું તે મને ક્યારેય પાછું નથી મળવાનું ,તું મારી હાલત તો જો અંજલિ ,હું કેવો બદનસીબ વ્યક્તિ કે તારી ઉપર મારો સૌથી વધુ અધિકાર હોવા છતાં દુનિયા નો દરેક વ્યક્તિ તને જોઈ શકતો ,તારી સાથે વાત કરી શકતો ,તને ફીલ કરી શકતો ,પણ તારો ભાવિ પતિ હોવા છતાં હું તને ક્યારેય સરખી જોઈ ના શક્યો ,તારો સ્પર્શ તો દૂર ની વાત છે ,તારા હાથે લખાયેલી એક ચિઠ્ઠી ના પામી શક્યો ,અને આવું થવાનું કારણ માત્ર એટલું જ કે તને મારી ઉપર વિશ્વાસ નહોતો ,તને લાગતું કે કદાચ કોઈ ઊંચ નીચ થશે તો તું તારા માં બાપ અને સમાજ ને શું મ્હોં બતાવીશ ,પણ આજે હું તને પૂછું છું કે તું મારી સાથે ક્યારેય એકરસ ના થઇ શકી તે કારણ સર હું તને તરછોડી ને સગપણ તોડી નાખું તો પણ તું તારા માબાપ અને તારા સમાજ ને શું મ્હોં બતાવી શકીશ ?,દોષિત એ કોઈ નથી અંજલિ વાંક તારો છે કે તું આ બે વર્ષ માં ક્યારેય મારી ઉપર ભરોસો ના કરી શકી,હું તને જોવા આવ્યો તે જ દિવસે મને એકાંત માં મળવાની મનાઈ કરી હોત તો હું સમજી શક્યો હોત કે આ ઘર માં સગપણ બાદ મને છૂટછાટ મળી શકે તેમ નથી, તો પછી કાં તો મેં આપણા સંબંધ નો વિચાર જ માંડી વાળ્યો હોત,અથવા સ્પષ્ટતા ઓ કર્યા બાદ જ હા કહી હોત પણ હવે શું ફાયદો ?તું મને દુનિયાની કોઈ પણ પત્ની કરતા વધુ પ્રેમ આપે ને તોયે આ 2 વર્ષ નું ખાલું પુરાય એટલો પ્રેમ તો જન્મો જન્મ સુધી બાકી જ રહેવા નો છે "

કહેતા તે અટક્યો , પછી ઊંડો નિશ્વાસ નાખતા ઉમેર્યું

"હું તને આ જ સમજાવવા ઈચ્છતો હતો ,આપણે બંને એ શું ગુમાવ્યું તે ભૂલી જ ,ખાલી તારો જ વિચાર કર કે તેં શું ગુમાવ્યું છે ?અને જો તું સમજી શકીશ તો એ તારા માટે સજા જ છે ,હું તો એટલા હદ સુધી નિષ્ઠુર થવા માંગુ છું કે આ સુવર્ણ કાળ ગુમાવ્યાનો રંજ તને જીવનભર રહે,હું ઇચ્છેત તો આ વાત તને પત્ર લખી ને પણ જણાવી શક્યો હોત,પણ તું જાણે છે મેં એવું શા માટે ના કર્યું ? એ માટે કે હું તને જણાવું અને તને અહેસાસ થાય તો એ અહેસાસ શા કામ નો?આપણા જે મહિનાઓ તદ્દન હાસ્યાસ્પદ અને ફાલતુ રીતિ રિવાજો ના કારણે વેરાન થયા એનો અહેસાસ હું તને કહું એ પછી જ તને થાય તો મારી નજરે એ વ્યર્થ હતું ,કેમ કે ગુમાવ્યા નો અહેસાસ તો બંને પક્ષે હોવો જોઈએ "

"બસ કરો રાહુલ ,"વધુ સાંભળવા માંગતી ના હોય તેમ એ ચિત્કાર કરી ઉઠેલી "હું ન માત્ર મારો દોષ સ્વીકારું છું બલ્કે હું શું ગુમાવી ચુકી છું ,તે પણ સમજી ગઈ છું ,પણ હવે એ સમય પાછો લાવવો તે મારા હાથ માં નથી ,તમે સાચું જ કહ્યું,આ અહેસાસ મને પહેલા જ થઇ જવો જોઈતો હતો ,પણ હું ખુલ્લા હ્ર્દય થી સ્વીકારું છું કે તમને આત્મા થી યે વધારે ચાહ્યા હોવા છતાં કશું ગુમાવ્યા નો સંવેદના ક્યારેય નહોતી થઇ ,અને હા ,હવે તો કદાચ તમે ઈચ્છો ને તો પણ હું આ અહેસાસ ક્યારેય ભૂલવા નથી માંગતી,હું પોતે ઈચ્છીશ કે આ ભાર જીવનભર મારા અંતરાત્મા ને કચોટતો રહે, હવે હું શું કરવા માંગુ છું,એ પણ તમને કહેતી નથી,પણ એટલું ચોક્કસ કે જે કરીશ એ માત્ર તમારી નહિ ,મારી ય લાગણી ઓ ને ધ્યાન માં રાખી ને કરીશ” એના હ્ર્દય ના દરેક બંધ તૂટી ગયેલા ,અને ફરીથી તે ડુસકા ભરી ઉઠેલી ,પણ આ વખતે એ રુદન માં ગુમાવ્યાના અફસોસ સાથે રાહુલ નો ભારેલો અગ્નિ બહાર લાવી શક્યાનો આનંદ પણ હતો ,

થાક્યાની લાગણી સાથે રાહુલે દીવાલ સાથે માથું ટેકવી ને આંખો બંધ કરી ,એના ચહેરા પર અપૂર્વ સંતોષ ની લાગણી ઓ લહેરાતી હતી ,લાખ પ્રયત્ન બાદ પણ આંખ ને ખૂણે ઘસી આવેલ અશ્રુબીંદ ને એ રોકી શક્યો નહોતો

તંદ્રામાંથી બહાર આવી હોય તેમ ઉષા એ બંને તરફ વારાફરતી જોયું ,ને પોતાની હાજરી ની બંને ને પ્રતીતિ કરાવતી હોય તેમ સહેજ ગળું ખંખરેલુ,પણ એ બંને તો જાણે પોતાની દુનિયા માં જ મગ્ન હોય તેમ એકબીજા સામે જોયા વગર જ એકબીજા ની હાજરી નો આનંદ માણતા હોય એમ મુર્તિવંત શાંત જ રહ્યા

"રાહુલ ,એક સવાલ પૂછું?" બંને ની સમાધિ ભંગ કરવા માંગતી હોય તેમ ઉષા એ કહ્યું ,"થોડીવાર માટે ભૂલી જજે કે હું અંજલિ ના પરિવાર ની છું કે તારાથી ઉંમર માં મોટી છું અથવા આપણો બંને નો શું સંબંધ છે ? મને ખાલી એટલું જણાવ કે આ આખી વાત તેં જે રીતે અંજલિ ને સમજાવી ,એટલી મેચ્યોરિટી તારામાં ક્યાંથી આવી?હું બેહિચક કહું છું કે કદાચ તારી જગ્યા એ હું હોય તો હું આટલી પરિપક્વતાથી આ વાત રાખી શકી ના હોત"

રાહુલ ના મુખ પર ફિક્કું સ્મિત ઉપસી આવેલું "તમે જે પૂછ્યું છે એનો જવાબ હું આપી શકું તેમ નથી ઉષા ,તમે મારા વર્તન માં જે અનુભવ્યું એને મેચ્યોરિટી કહેવાય એની પણ મને ખબર નથી, પણ હા એટલું જરૂરથી કહીશ કે જો આ જ મેચ્યોરિટી હોય તો એ મેળવવા માટે તમારે વીસ મહિના તમારા પ્રિય પાત્ર ને ચાહવું અને નફરત કરવી,બન્ને એક સાથે કરવું પડે "

ઉષા ની આંખી સહેજ પહોળી થઇ ગયેલી ,તેણે રાહુલ સામે જોઈ ને સ્મિત કર્યું "રાહુલ ,મારા કહેવા ના અર્થ ને તું કઈ રીતે મુલવીશ એ ખ્યાલ નથી પણ ફરીથી એક વાત કહેવાનું મન થાય છે ,જો મને ખરાબ નહિ સમજે તો એક વાત કહું ? "

રાહુલે પ્રશ્ન સૂચક દ્રષ્ટિ એ ઉષા સામે જોયું

"આ વાત હું દિલ થી કહું છું કે મને અફસોસ છે કે મારા પતિ રાહુલ નથ " ઉષા એ મક્કમ અવાજે કહ્યું "એનો અર્થ એ નથી કે હું સામે બેઠેલ એક છોકરડા ના સ્થૂળ શરીર ને પ્રેમ કરું છું ! હું તો એ શરીર ની અંદર ધબકી રહેલ એક આત્મા ને સ્પર્શ કરવાની ખેવના રાખું છું "

એના સ્વર માં સચ્ચાઈ નો રણકો હતો ,રાહુલ ના હોઠ પર સ્મિત આવ્યું ,

"આમ પણ સાળી ને અર્ધી પત્ની નો દરજ્જો આપેલ છે,"રાહુલ ના સ્વર માં એ રાત્રે પહેલીવાર મસ્તી ભળી, "તમારી આ બહેન ને પૂછી જુવો , એને વાંધો ના હોય તો હું તો તમનેય અર્ધમાંથી પૂર્ણ પત્ની નો દરજ્જો આપવા તૈયાર છું ,અને આમેય અંજલિ કરતા તમે વધુ સુંદર છો "

"શું કહે છે અંજલિ "?આંખો નચાવતા તેણે અંજલિ સામે જોયું

જવાબ માં અંજલિ એ ઉષા નો ગાલ એક હાથે ખેંચ્યો ને બીજા હાથે બાજુ માં પડેલ મોસંબી વેગ થી રાહુલ તરફ ફેંકી,

અર્ધી રાત્રે દૂર ક્યાંક સૂર્યોદય થઇ રહ્યો હતો

***

બીજા દિવસે સાંજે અંજલિ જયારે સાસરે થી પાછી ફરી ત્યારે પોતાની જાત ને હળવી ફૂલ મહેસુસ કરી રહી હતી,કોઈ ની સાથે કશુંય બોલ્યા વગર તે પોતાના ઓરડામાં ચાલી ગયેલી ,રાહુલ સાથે ની મુલાકાત માં જે કઈ બનેલું તે ઉષા સિવાય બીજું કોઈ જાણતું નહોતું ,તકિયા ને અઢેલી ને પલંગ પર પગ લાંબા કરતા એક નિરાંત નો શ્વાસ લીધો ,અનાયાસ તેની નજર મેજ પર રાખેલ પોતાની અને રાહુલ ની અલગ અલગ પડેલી તસ્વીર તરફ ખેંચાયેલી

ગાલ પર આંગળી રાખી ને તે થોડીવાર સુધી બંને ની તસ્વીર નીરખી રહી પછી પોતાની અલમારી ખોલી ને એક પ્લાસ્ટિક બેગ બહાર કાઢેલી,આમાં એ પત્રો હતા જે લખી ને પોતે ક્યારેય પોસ્ટ કરી શકી નહોતી,થોડીવાર એ બધા પત્રો તપાસી ને તારીખ મુજબ ગોઠવતી રહી,

અને ત્યાં સુધી માં વાળું નો સમય થઇ ગયેલો

બાપુજી બહાર થી આવી ગયેલા ,ને જમતા જમતા જ મોટાભાઈ એમને વેવાઈ ના ઘર અને પ્રસંગ બાબત ના સમાચાર આપી રહ્યા હતા,

"કેવું રહ્યું તારું સાસરું અંજુ બેટા"? રમણ ભાઈ એ કંઈક લાડ થી અને જાણે એની પાસે થી કંઈક સાંભળવા માંગતા હોય તેમ પૂછેલું,એમના અંદાજ પ્રમાણે તો અંજલિ એ શરમાઈ જવું જોઈતું હતું , પણ ત્યાં તો એ ઉત્સાહ થી બોલી ઉઠેલી,

"ઘણું સરસ "

"વાહ" એના ઉત્તર થી પોરસાય હોય એમ રમણભાઈ એ સંતોષ થી માથું હલાવ્યું ,મોટાભાઈ એ કંઈક અનિશ્ચિતતા થી અંજલિ સામે જોયું ,પાછા ફરતી વખતે અંજલિ જે રીતે પ્રસન્ન દેખાઈ રહેલી તે જોઈને પોતે ખુશ થયેલ ,પણ અંજલિ ની આ ખુશી ઘરે પહોંચ્યા પછી કેટલી વાર ટકી રહે તે વિચારે પોતે આશંકિત ખરો

પણ ભાઈ ની આશંકા ને ય ખોટી પાડતી હોય તેમ તેણે સાવ સ્વાભાવિક અવાજે કહેલું "અરે હા ભાઈ ,સવારે તમે બહાર જાઓ ત્યારે મને મળતા જજો ને ,એમને થોડા પત્રો પોસ્ટ કરવાના છે તે મારી પાસે થી લેતા જજો"

રોટલી ની કોર તોડતા રમણ ભાઈ નો હાથ થંભી ગયો ,આંચકા સાથે તેમણે પુત્રી તરફ જોયેલું,પણ જીવનમાં પહેલીવાર પુત્રી ની આંખો ન તો નીચી નમી કે ન તો પિતા સાથે આંખ મળ્યા બાદ પુત્રી એ દ્રષ્ટિ હટાવવાં યત્ન કર્યો ,એટલે એમની દ્રષ્ટિ આપોઆપ પોતાની પત્ની તરફ વળી ગયેલી ,

હેબતાઈ ઉઠેલ માં એ દીકરી નું કાંડુ પકડી હળવી ભીંસ આપતા જાણે સાન માં જ સમજાવવા પ્રયત્ન કર્યો પણ જરાયે સ્વસ્થતા ગુમાવ્યા વગર અંજલિ એ માં તરફ હળવું સ્મિત રેલાવતા ધીમે રહી ને પોતાનો હાથ સરકાવી લીધેલો

"આ શું ઉપાડ્યું છે અંજુ?"રમણભાઈ નો અવાજ સહેજ ઊંચો થયો

"કઈ ખાસ નથી બાપુજી ,તમારા જમાઈ...સોરી મારા પતિ ને પત્ર લખ્યો છે "એના અવાજ માં ક્યાંય રુક્ષતા નહોતી ,પણ નક્કરતાનો રણકો કોઈ થી છૂપો રહી શક્યો નહિ,કહેતી વખતે પિતા ના ગંભીર ચહેરા પરથી દ્રષ્ટિ ફેરવી લેવાની કોઈ ચેષ્ટા નહોતી કરેલી

ને એ નજરો માં જે હતું એનો તાપ ના જીરવાયો હોય કે પછી "દીકરી હવે યુવાન થઇ ગઈ " એ સમજાઈ ગયું હોય પણ પતિ ને શાંત રહેવા ઈશારો માં રસોડા માં ચાલી ગઈ ,સાસરે થી આવ્યા પછી ઓચિંતા દીકરી ના રંગઢંગ બદલાયા એમાં રાહુલ નો હાથ છે તે સમજતા બંને ને વાર ના લાગી,અચાનક રમણભાઈ ના સ્વર માં ઋજુતા આવી ગઈ

"જો દીકરી અમે તારા ભલા માટે જ બધું કરતા હતા પણ તને લાગતું હોય કે તું યોગ્ય કરે છે તો પછી તું ને રાહુલ હળો મળો કે કાગળ પત્ર કરો તેમાં અમને કઈ વાંધો નથી"

"ના બાપુજી ,મહેરબાની કરી ને હવે છૂટછાટ નહિ આપતા નહિતર ક્યાંક હું આપને માફ કરી બેસીશ,"પોતાની વાણી માં જરા પણ કઠોરતા ન ભળે તેનું ધ્યાન રાખતા તે એક એક શબ્દ ચાવી ને બોલી ગયેલી "હવે તો તમને વાંધો હોય તો પણ કોને પરવા છે, અને હા તમારો વાંધો તમે હજી અકબંધ જ રાખજો,તમારા ઘર નો તમે વિચાર કરો તે યોગ્ય જ છે ,પણ મારે તો ચાર પાંચ મહિના પછી પરણી ને સાસરે જવું છે એટલે મારે પણ મારા ઘર સાસરા અને મારા પતિ નું વિચારવું ને ?પણ બાપુજી મને ખાલી એક જ વાત ના સમજાઈ "

કશુંય બોલ્યા વગર હતપ્રભ થઇ ગયેલ રમણભાઈ પુત્રી સામે તાકી રહ્યા

"આપણા ઘર ની માન-મર્યાદા અને રિવાજો પાળવાનું જયારે તમે મને કહેલું ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર મેં એ સ્વીકારી લીધેલું ,પરંતુ જે માવતર સગપણ બાદ પોતાની દીકરી ઓ ને અમુક મર્યાદા ઓ માં રહી ને છૂટછાટ આપે છે શું એ બધા ખોટા છે?"શું એમના ઘરની કોઈ ઈજ્જત આબરૂ જ નહિ હોય ?તો તો મારે કહેવું પડશે કે મોટાભાઈ નું સાસરું આબરૂ વગરનું છે ,કેમ કે મારી સગાઈ ના દિવસે ભાઈ અને ભાભી એ એકસાથે આવી ને મને આશીર્વાદ આપેલા ,અને મોટાભાઈ ના તો એ વખતે લગ્ન પણ નહોતા થયા ,છતાંયે એમના માં-બાપ ને એ અજુગતું ના લાગ્યું હોય તો મારે એમ જ સમજવાનું ને કે એમના માં કોઈ માન મર્યાદા જેવું છે જ નહિ ? "

સ્તબ્ધતાથી સાંભળી રહેલ પિતાનું મસ્તક એકાએક નીચું ઝૂકી ગયેલું

"તમારી સામે આવી રીતે બોલવું મને જરાપણ સારું નથી લાગતું ,"એના અવાજ માં સહેજ ભીનાશ ભળેલી, "પણ ના છૂટકે મારે કહેવું પડ્યું ,કેમ કે આપણા આખા પરિવાર માં રિવાજ ના આંટીઘૂંટી વાળા બંધનો માં ખાલી મારે ભાગે જ પીસાવાનું આવેલું ,બાકી ના લોકો એ પોત પોતાના રસ્તા કરી લીધેલા ,એથીયે વધારે ખૂંચે તેવી વાત એ હતી કે ન તો આપે એ બાબત માં મારી કદર કરી કે ના તો છેલ્લી ઘડી સુધી મારી ઉપર ભરોસો રાખેલો,સાસરે જતી વખતે પણ કેટલી સૂચના ઓ ?અંજુ આમ કરજે ને તેમ ના કરજે ,અરે મારે તમારી ઉપરવટ થઇ ને કશું કરવું જ હોત તો વીસ મહિના સુધી રાહ જ ના જોઈ હોત બાપુજી ,તમે મને આવડી મોટી તો કરી પણ તમને મારી ઉપર એટલો ય વિશ્વાસ ના આવ્યો કે કદાચ મને થોડી ઘણી આઝાદી મળી પણ હોત તો યે તમારી દીકરી પોતાની મર્યાદા માં રહી ને જ એ સ્વતંત્રતા નો આનંદ લેત,આનો અર્થ તો એવો થયો કે તમને માત્ર તમારી દીકરી પર જ નહિ પણ તમારા ઉછેર પર પણ ભરોસો નહોતો "

ખલાસ !! ઊંટ ની પીઠ પર આ છેલ્લું તણખલું હતું ,દીકરી ના અંતર ની વેદના સમજી ગયા હોય કે પછી આજે આટલા સમયે દીકરી એ બોલવું પડ્યું તેમાં પોતાની મોટાઈ ની પોકળતા ખુલ્લી પડી જવાની નાનમ હોય ,માં બાપ બન્ને ની આંખો ભીની થઇ ગયેલી

"મેં તમને ચેતવેલા કે આટલી તકેદારી રાખી ને જુવાન છોકરાંવ ને વધારે તાબા માં રાખવા બરાબર નથી "માં એ ગળગળા અવાજે કહ્યું ,"આખરે તો આપણો ઈરાદો આપણા સંતાનો ને સુખી કરવાનો જ હોય છે ને !તો પછી એ પોતાની રીતે ખુશ રહે તેમાં આપણે શા માટે વચ્ચે આવવું જોઈએ ?"

પણ એમના અફસોસ સાંભળવા જ ના માંગતી હોય તેમ ઉભી થઇ ને અંજલિ એ પોતાના રૂમ તરફ પગ ઉપાડેલા,કોઈ ની નજર ન પડે તેમ મોટા ભાઈ એ અંગુઠો ઊંચો કરી ને જાણે એને શાબાશી આપી ,પણ એ જોયું ન જોયું કરી ને ફિક્કું સ્મિત કરતા તે બહાર ચાલી ગયેલી

ઓરડામાં એકાએક સન્નાટો પથરાઈ ગયો

પણ અંજલિ ના રૂમ નો દરવાજો ભીડવાનો અવાજ સાંભળતા જ માં ના હ્ર્દય માં ઘેરો ફફડાટ વ્યાપી ગયેલો ,ઉતાવળા પગલે તે બહાર ગઈ ને જોરથી બારણું ઠપકારેલું "અંજુ બહાર આવ તો ,ચાલ જમી લે હવે "

તરત જ બારણું ખુલ્યું ને એમાંથી ડોકિયું કરતા તે જાણે ટહુકી ,"ચિંતા ના કરતી બા ,કોઈ અજુગતું પગલું ભરવા માટે મેં બારણું બંધ નહોતું કર્યું ,મારે થોડીવાર એકલું રહેવું છે બસ ,બીજું કઈ નથી "

નિરાંત ના શ્વાસ ની સાથે દીકરી પોતાના મનના વિચારો પારખી ગયેલી તેની ભોંઠપ અનુભવતા માં ત્યાંથી જ પછી વળી ગયેલી

***

બીજા દિવસે જ અંજલિ એ રાત્રે તાજા લખેલ પત્ર સહિત પોતે લખેલા બધા પત્રો રાહુલ ને પોસ્ટ કરી દીધેલા,રાહુલ ની શું પ્રતિક્રિયા હશે કે શું જવાબ આવશે તેની કલ્પના ઓ કરતા રોજે રોજ રાહુલ ના વળતા પત્ર ની અધીરાઈથી રાહ જોતી રહી

પંદરેક દિવસ પછી એક દિવસે સવારે પોસ્ટમેને પત્ર ના બદલે એક વજનદાર કહી શકાય તેવું બોક્સ એને સોંપ્યું ત્યારે ઉપર રાહુલ ના અક્ષરો જોઈ ને તેને સહેજ નવાઈ લાગેલી ,રાહુલે આવું કઈ આપવાનું હોત તો પોતે ત્યાં ગયેલી ત્યારે કેમ બોલ્યો નહિ હોય ?કે ત્યારે હાથોહાથ જ કેમ નહિ આપ્યું હોય ?

કુતુહલ બેવડાય એ પહેલા જ પોતાના રૂમ માં જઈ ને સારી રીતે પેક થયેલું એ બોક્સ પોતે ખોલ્યું ,ઉપર જ એક નાનકડો પત્ર પડ્યો હતો ,ઉતાવળ થી તેણે એ વાંચ્યો

"અંજુ

આ બોક્સ માં બસ્સો પેજ ની કુલ આઠ બુક છે ,બધી જ મારા હાથે લખેલી ,આમ એ વાતો છે જે કદાચ આપણે મળ્યા હોત તો મેં તને કહી હોત,અથવા પત્ર લખી ને જણાવી હોત ,મારા ટૂંકા ભૂતકાળથી લઇ ને આજ સુધી ની મારી દરેક નાની નાની વાતો મેં એમાં લખી છે ,ખરેખર તો આપણી સગાઈ ના દિવસ થી લખતો રહ્યો છું એમ કહું તોયે ખોટું નથી ,બૂક્સ ભલે નિરાંતે વાંચ ,પણ તારા પત્રો નિયમિત મળતા રહેવા જોઈએ ,મારા ઉત્તર ની રાહ ના જોઇશ ,કેમ કે હું પત્રો ને બદલે બુક જ લખી રહ્યો છે જે પુરી થયે તને મોકલી આપીશ

અને હા ,તારા પત્રો મને મળ્યા ,વાંચતી વખતે ગુજરાત ના અમુક પ્રખર લેખકો ની એમાં છાંટ દેખાઈ ,એટલે એમ માની લઉં છું કે મારી જેમ તું પણ વાંચન નો શોખ ધરાવતી હોઈશ

ચાલ હવે પત્ર પૂરો કરું છું

રાહુલ"

એનું હ્ર્દય જોરથી ધબકી ઉઠ્યું ,રાહુલ ના પત્ર માં ક્યાંક આછલકાઈ કે અજાણ્યાપણું નહોતું,જાણે વર્ષો થી પોતાને ઓળખતો હોય તેટલું સરળ એનું લખાણ હતું ,તેણે બોક્સ માંથી બૂક્સ ની થપ્પી ઉઠાવી ,દરેક ની ઉપર એક,બે.ત્રણ એમ નંબર લખેલા હતા ,ઉત્સુકતા થી તેણે એક નંબર ની બુક ખોલી, ને પ્રથમ પેજ ખોલતા જ ભરચક લખાયેલું પૃષ્ઠ નજરે ચડ્યું ,વાંચવાનો પ્રયત્ન કર્યા વગર ગાંડા ની માફક તે બસ પેજ બદલતી રહી ને તેની આંખો પહોળી થઇ ગયેલી ,

"માય ગોડ રાહુલ"તે સ્વગત બબડી ઉઠેલી ,પેજ બદલવાનો થાક લાગ્યો હોય તેમ તેણે બુક બંધ કરી ને બીજી બુકો સાથે મૂકી ,એના દિમાગ માં શૂન્યાવકાશ સર્જાયો હતો ,એકાએક તેની આંખો ઉભરાઈ ,બધી બુક ની થપ્પી ઉઠાવી,જાણે એ કોઈ અમૂલ્ય ખજાનો હોય તેવી રીતે પોતાના હ્ર્દય સાથે સખ્તાઈથી ભીડી

જાણે રાહુલ અને એના લખાણ ને હ્નદયસ્થ કરવા ના માંગતી હોય !

II સમાપ્ત II