ગઝલ જેવું કંઈક Jugal Kishor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ જેવું કંઈક

ગઝલ જેવું કંઈક

જુગલકીશોર

અર્પણ

પ્રાત:સ્મરણીય

– પીતાશ્રી,

– બુચદાદા,

– કનુભાઈ જાનીને :

લગાડી છંદનો છંદ, કાવ્યે સ્વચ્છંદ ટાળીયો,

સ્વચ્છ ને સ્વસ્થ કાવ્યોના મારગે એમ વાળીયો.

માત્રામાં, યતીએ રહૈને લયથી યુક્ત જીવને

રહેવા–વહેવા કેવો આપે માર્ગ બતાવીયો !!

– જુગલકીશોર

પ્રસ્તાવના

કીશોરાવસ્થાથી શબ્દો સાથે રમત રમવાની ટેવ હતી. પીતાજી કાવ્યશાસ્ત્રના ઠીક જાણકાર અને સાહીત્યના રસીકજન. ૧૯૬૧માં, સત્તરેકની ઉંમરે પહેલું કાવ્ય શીખરીણીના વહેમમાં લખીને એમને બતાવ્યું તો કહે, કાવ્ય તો જાણે કે સમજ્યા, પણ છંદ શીખરીણી નથી ! પછી તરત જ એમણે શીખરીણીના બંધારણ સાથે ગણો અને તેનાં સ્થાન સમજાવ્યાં....બસ, તે દી’થી આ રમત આગળ ચાલેલી.

પછી તો ન.પ્ર.બુચ જેવા ગુરુ મળ્યા. એમણે મારી રચનાઓને સંમાર્જીત કર્યાં કરી ને મને થયું કે ‘સર્જક, હોઉં તો હોઉંયે ખરો !’ દર્શક અને મૂ.મો.ભટ્ટ જેવા આદરણીય ગુરુજનો પણ પીઠે હાથ ફેરવતા રહ્યા.

પણ ગઝલ લખવાની થશે તેની તો કલ્પનાયે નહીં.

એમાં વળી નેટજગતમાં છંદો અંગે લખવાનું શરુ કરતાં ગઝલના છંદો અંગે લખવાનું મળ્યું ને એમ આ પ્રકાર હૈયે ચડ્યો. અવારનવાર ને પ્રસંગોપાત્ત શબ્દો ગઝલના ઢાળમાં ઢળતા થયા.....

પણ શું કાવ્યે કે શું ગઝલે; સર્જકતાની ઉંચી અટારીએ બેસી શક્યાનો દાવો ક્યારેય મનમાં પણ કર્યો નથી. કાવ્યપદારથ મને હંમેશાં અધીક ઉંચાઈનો લાગ્યો છે ને એને આંબવા કરતાંય ખરેખર તો એને સમજવામાં જ સંતોષ માન્યો છે.

આ બધી રચનાઓ – એનાં અંગઉપાંગોને ધ્યાને લેતાં – ગઝલ કહેવી પડે એટલું જ ! બાકી તો હું સમજું છું કે જેટલું છે એટલુંય – છે એના કરતાં બાકી ઘણું છે !!

મારા બ્લૉગ પર કેટલાક વાચકોએ પોરસાવ્યો એટલે આગળ વધવાની ધગશ થઈ ને એ માટે એ સૌનો આભાર માનું છું. આ રચનાઓને પ્રગટ કરવા માટે ‘માતૃભારતી’ના ભાઈ શ્રી મહેન્દ્રભાઈનો અને એ કાર્યે સતત આગ્રહ રાખનારા પ્રીય ઈશિતનો પણ ખુબ આભારી છું અને રહીશ.

***

(નોંધ : આ પુસ્તીકામાં એક જ ઈ અને એક જ ઉ પ્રયોજાયા છે.)

***

અનુક્રમ

૧ગઝલ

  • તને ફાવશે ?
  • ૪શબદ

    ૬શું વાંધો છે ?

    ૭હા, વાંધો છે

  • કહેવાય નહીં !
  • ૧૦ ગટર

    ૧૧છોડ હવે તો !

    ૧૨બંધ કર !

    ૧૩બાલીકા વધુ

  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭મરણ પથારીએ

  • ૧૮
  • ૧૯ફેર છે
  • ૨૦કદીક

    ૨૧સાચવું છું

    ૨૨સુરજ

    ૨૩અશોક મોઢવાડિયાને જન્મદીને –

    ૨૪ઈશ્વર નથી

    ૨૫રાજ–મૌન

    ૨૬કકળે દડો

    ૨૭માણસ

    ૨૮ભુલ

    ગઝલ

    શબ્દના ઘોંઘાટ વચ્ચે આટલા
    કાન પાસે હોઠ ફફડાવે ગઝલ.


    શબ્દના રસથાળ વણબોટ્યા રહ્યા,
    સ્વાદની કૈં યાદ મમળાવે ગઝલ.


    સાત સાગર ઉછળે અંદર બધા,
    અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ.


    આભથી દરીયાની વરસે વેદના,
    આંખથી બે, શબ્દ ટપકાવે ગઝલ.


    ક્યાંકથી સંતાપની સાપણ ડસે-
    અંગ અંગે દાહ પ્રસરાવે ગઝલ.


    સોગઠાંને ગોઠવ્યાં ચોપાટ પર
    ચાલ ચાલે એવી, અકળાવે ગઝલ.


    શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ,
    અર્થને પાતાળ સરકાવે ગઝલ !

  • તને ફાવશે ?
  • આ તો ગઝલનું વીશ્વ, તું અહીં ચાલશે નહીં,

    આ છે ગઝલજગત, તનેય ફાવશે નહીં !

    ઈશ્કેમીજાજી તું નથી, તું ચાલશે નહીં;

    ઈશ્કેહકીકી બનવું તને ફાવશે નહીં !

    રદ્દીફ જેમ એકધારું ચાલવાનું શીખ,

    જીવનમાં કાફીયાને તું અપનાવશે નહીં.

    છે કાફીયાનું કામ, કાફીયા ભલે કરે;

    ભુલે–ચુકે રદ્દીફને પકડાવશે નહીં.

    મત્લા બની તું કાર્યતણા શ્રી ગણેશ કર,

    મક્તાની ઉતાવળ કરી, અટકાવશે નહીં.

    સાની મહીં ભલે રદ્દીફ–કાફીયા પડ્યા,

    એને ઉલા વીના કદીય ચાલશે નહીં.

    ‘દાવા–દલીલ’ના બધાય શેર કેટલા !

    મત્લા અને મક્તા વીનાનું જામશે નહીં.

    તારી ગઝલની બેતમાં તું બે–તમા બની,

    ગઝલ્,હઝલ્,નઝમની રસમ ટાળશે નહીં.

    ગાગાલગાલગાની ફીક્ર રાખજે ભલે,

    એ લ્હાયમાં તું ‘તારી વાત’ બાળશે નહીં.

    તારે કશું ઉપનામ હોય ના ભલે જુગલ,

    મક્તા–ઉલાને એકલું કંઈ લાગશે નહીં !

  • અર્થને તો શબ્દ છળતો હોય છે;
  • શબ્દને શું અર્થ છળતો હોય છે ?!
  • શબ્દ છે, એને ન ઓછો આંકવો,
  • બુંદમાં દરીયો ઉછળતો હોય છે !
  • શબ્દલીલા વાંસળીની ફુંક, એને
  • રાધીકા શો અર્થ મળતો હોય છે.
  • શબ્દ એક, અનેક અર્થો ગોપવીને
  • રાસલીલા મહીં ભળતો હોય છે.
  • શબ્દનું શાસન બધે, ને રાજ્યમાં
  • અર્થ કારણરુપ રળતો હોય છે.
  • શબ્દનું તો કોચલું એવું કઠણ,
  • અર્થનો આભાસ ભળતોહોય છે.
  • શબ્દ ખાલી પાત્રમાં ખખડે વધુ,
  • પાંચીકાશો બહુ ઉછળતો હોય છે.
  • શબ્દને ખોળ્યો ભલેને કોશમાં,
  • અર્થ તો ક્યાંયે રઝળતો હોય છે.
  • શબ્દડોશી રાતભર દળતી રહે,
  • ઢાંકણીમાં અર્થ ઢળતો હોય છે.
  • ગળથુથીમાં જનનીએ પાયો હતો,
  • પારકે ખોળે કકળતો હોય છે.
  • શબદ

    ટેરવેથી નીતર્યો, ઝીલ્યો શબદ,

    ને ઘડીમાં નીખર્યો, ખીલ્યો શબદ.

    કેટલું તપ હેમચન્દ્રોનું ભગીરથ –

    ગુર્જરી–ગંગા બની રેલ્યો શબદ.

    પ્રાકૃતીએ કેટલો સેવ્યો હશે –

    ગુર્જરી થૈ વીશ્વભર ફેલ્યો શબદ.

    દેવભાષા દાદીમાને વારસે ને,

    માત પ્રાકૃત ખોળલે ખેલ્યો શબદ.

    પંડીતોની પાઘડીએ શોભતો જે,

    કોશીયાને ગાન જૈ ગેલ્યો શબદ.

    ક્રુરતા ભાષાભગીનીઓની કશી –

    ‘ચાર પૈસે’ ક્હી શું હડસેલ્યો શબદ !

    કૉયલને આવી ગઇ ઋતુ,‘સંભળાવવા’ની વાત,
    ટહુકામાં મંજરીને પ્રસરાવવાની વાત.

    વસંતની આ ડાળખીને કૉળ્યાં પાંદડાં
    કંકોતરીમાં કરે પવન, ઉજવવાની વાત.

    આંબાની ડાળખીને અડી કોણ કહી ગયું
    પાકી જશે આ સાખ,પછી લઇ જવાની વાત?!

    આવીને મારી બારીએ બુલબુલ કહી ગયું-
    એને ય ચાંચ કોઇની સ્પર્શી ગયાની વાત !

    શું વાંધો છે ?

    ઝરમર ઝરમર વરસે તો શું વાંધો છે ?

    ઝીણું ઝીણું સ્પરશે તો શું વાંધો છે ?

    ધોધમાર વરસે એનુંયે સુખ – પરંતુ

    ધરતી થોડું તરસે તો શું વાંધો છે ?

    બ્હાર બધું મુશળધારે હરખાય, છતાં જો

    અંદર કુણું કણસે તો શું વાંધો છે ?

    ફુલ્યો ફાલ્યો લીલોછમ સંસાર, વારતા

    ઓચીતાંની વણસે તો શું વાંધો છે ?

    શબ્દો મોંઘા, વેડફવા પોસાય નહીં, પણ

    જરી ગઝલમાં ખરચે તો શું વાંધો છે ?

    જનમ જનમની મુંગી શાણી જીભ બાપડી

    આ વખતે કંઈ ચરચે, તો શું વાંધો છે ?

    હા, વાંધો છે

    ઝરમર આવું વરસે એનો વાંધો છે,

    ઝીણું અમથું સ્પરશે એનો વાંધો છે !

    ધોધમાર વરસે એનું તો સમજ્યાં પણ

    ધરતી જરીય તરસે એનો વાંધો છે !

    બ્હાર બધું મુશળધારે હરખાય, ઠીક છે –

    અંદર કણીક કણસે એનો વાંધો છે.

    ફાલ્યોફુલ્યો કહેવાનો સંસાર, આમ જે

    વારે ઘડીયે વણસે એનો વાંધો છે !

    શબ્દકોશમાં પાર વગરના શબદ પરંતુ

    સમજ વીના જે ખરચે એનો વાંધો છે.

    જનમ જનમની મુંગી શાણી જીભ –ખરું

    ટાણું આવ્યે ના ચરચે એનો વાંધો છે !

  • કહેવાનું નામ પત્રો, વહેવાનું નામ પત્રો;
    સેતુના અભાવોમાં સહેવાનું નામ પત્રો.

    કાગળના કોઈ ટુકડાના ભાગ્યમાં નથી જે
    ખુદ‘પાત્ર’બની જઈને રહેવાનું નામ પત્રો.

    જેનાં હજાર નામો, જેના ઘણા મુકામો
    એવા હરીને ગામ ઠહરવાનું નામ પત્રો.


    ***

    ધરતીનું પીને ધાવણ, વૃક્ષોની ઘટાઓમાં
    લીલી સુગંધ થઈ, મહેકવાનું નામ પત્રો.

    કરતાલના અવાજે દોડી પડે જે ક્ષણમાં,
    તુલસીનો સ્વામી,એને વરવાનું નામ પત્રો.

    બ્રહ્માંડથીય ભારે, અખીલાઈથી વધારે,
    એ બ્રહ્મને ‘તુલા’માં હરવાનું નામ પત્રો.

    પુષ્પમ્,ફલમ્,કે તોયમ્ અર્પી શકાય ના તો
    પત્રમ્ રુપેય એને ભજવાનું નામ પત્રો.

  • કહેવાય નહીં !
  • આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
    એ ઝૅર જીવનમાં કૅર કદી વરતાવી દે, કહેવાય નહીં.

    આ ઝ્હેર ઑકતાં શ્હેર કદી ભડકાવી દે, કહેવાય નહીં;
    આ ઝૅર આપણાં અંગોને અભડાવી દે, કહેવાય નહીં !

    આ રસ્તે રસ્તે રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
    બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

    આ ફાસ્ટ-ફૂડનાં ફળિયાંમાં, આ ઝંકફૂડની ઝંઝામાં
    આ ઘરનો રસ્તો હોસ્પિટલ બતલાવી દે, કહેવાય નહીં !

    આ‘ગરમ’,‘નરમ’, ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
    જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં !

    આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ ખીસ્સાને ગમી ગયાં-
    ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં !

    આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
    વાસ્તવ જીવનારાંને સ્વપ્ને ટટળાવી દે, કહેવાય નહીં !

    હું બ્લૉગ સજાવી મારો, સૌના બ્લૉગ મૌનથી માણું છું;
    ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી દે, કહેવાય નહીં !!

    ગટર

    ગટરને કદી જોઈ છે તમે ?

    ગટરને બધી ધોઈ છે અમે.

    ગંધારા અંધકારનોય સ્પર્શ –

    ગંધારી આંખ લ્હોહી છે અમે.

    રુંવાડે રુંવાડે સું–ગંધ છે ?!

    ઘ્રાણેન્દ્રી ક્યાંય ખોઈ છે અમે.

    ભીતર ભર્યું શું ખદબદી રહ્યું;

    ઉત્સર્ગવેઠ ઢોઈ છે અમે.

    કમોડ સ્વચ્છ સ્વચ્છ રાખજો –

    જીતોડ–બેલ બોઈ છે અમે.

    સદીઓનાં પાણી વહી ગયાં, ગટર !

    વસૂકી–ગાય દોઈ છે અમે.

    છોડ હવે તો !

    કરગરવાનું છોડ હવે તો,

    થરથરવાનું છોડ હવે તો.

    ખળખળ વહેતા ઝરણા જેવું રમવું તારે,

    ખળભળવાનું છોડ હવે તો.

    મુક્ત હવામાં પુમડા જેવું તરવું તારે,

    દફ્તરવાનું છોડ હવે તો.

    ઘરની ચાર ભીંતે લટકે સંસ્કાર–સુહાગો ?

    ‘ઘરઘર’ રમવાનું છોડ હવે તો.

    વાસણ–કપડાં–વાસીદામાં સઘળું તારું

    પરહરવાનું છોડ હવે તો.

    હાડ–ચામડાં–મુત્રમળોને બહુબહુ ચુંથ્યાં

    હડવાવાનું છોડ હવે તો.

    ગંધારી આધુનીકતાના ટોળા સામે

    ટળવળવાનું છોડ હવે તો.

    ‘સદા સદા’ની ધર્મગ્લાનીમાં સદીઓ વીતે –

    ‘સંભવવાનું’ છોડ હવે તો.

    કથાપોથી, મંદીરમસ્જીદે બેઠો એને

    ગણગણવા,

    ખણખણવાવાનું છોડ હવે તો.

    બંધ કર !

    તીરાડમાંથી દેખવાનું બંધ કર;

    અણજાણ રહી પેખવાનું બંધ કર.

    છે વીરતા લડવામાં સામી છાતીએ,

    છુપાઈને તીર ફેંકવાનું બંધ કર.

    છે છેતરીને છેતરાવું છેવટે –

    તું આંખમાં ધુળ ઝોંકવાનું બંધ કર.

    દુર્ગંધ પર લીંપણ ટકે સુગંધનું ?

    અત્તર લગાડી મહેંકવાનું બંધ કર.

    બે પાંખ ને એક ચાંચ છે તારી કને ?

    ‘સંગીત’નામે‘ચહેકવા’નું બંધ કર.

    લેખક થયો ? જો, શબ્દની ભીતર જરા –

    તું ફોતરાં આલેખવાનું બંધ કર.

    છે સત્યને સોનાતણું ઢાંકણ કઠણ;

    ના ખૂલશે – તું વ્હેમવાનું બંધ કર.

    બાલીકા વધુ

    ઘર ઘર રમત્યું રમતાં રમતાં, રે ! ‘ઘર માંડી’ બેઠાં;

    પગભર હજી થયાં નૈં ત્યાં, ‘ભારે પગ’ માંડી બેઠાં !

    બાળપણાની મોજ હજી હૈયામાં તાજી તાજી

    મોટપણું આવ્યું ને પેલું સઘળું છાંડી બેઠાં !

    ‘ભણતર’માં તો રમત–રમતની સામગ્રીયે હતી

    જીવનના ‘ગણતરે’ રમતને નાહક ભાંડી બેઠાં.

    પાંચીકાનો ઉછાળ હૈયે લઈને પરણ્યાં; સઘળું–

    સાંબેલાના ઘાવ દઈ ખાંડણીયે ખાંડી બેઠાં.

    મા, મામા, આમાંતેમાં સઘળે શી વાલપ વરસી

    લાજઘુમટા ભીતર સૌ જીવતર સંતાડી બેઠાં.

    સવારસાંજ ઢસરડા, રાતે સપનાં તનમન ચુંથે

    સાસરીયે સંસાર વચે જીવતે જણ રાંડી બેઠાં.

  • ટહુકાની જલન ભીંજવવા વરસ્યે જતી ભીનાશ,
    પીંછાં ઉપરથી તરત છો દદડી જતી ભીનાશ.

    ઝાળું કરોળીયાનું મોતી-ઝાકળે મઢ્યું,
    જંતુની કબ્રનેય તે શણગારતી ભીનાશ.

    વરસાદને ભલે ઝીલે રહી છાપરે જ મોભ,
    નેવાંની પાંપણે તો રહેશે દદડતી ભીનાશ.

    ભોંયેથી ખેંચી ખેંચીને જે મેળવી હતી,
    ઉડાઉ પાંદડેથી વીખેરઈ જતી ભીનાશ.

    આંખોથી ટપકવાનું તો કેમેય ના બન્યું,
    ચહેરાની રેખ રેખ રહી ભીંજવતી ભીનાશ.

    પહાડોની ઘટાઓમાં સુરોને પીધા હશે-
    ઝરણાંનો ગણગણાટ ખળખળાવતી ભીનાશ.

  • કોઈને માથે સળગતું આભ છે,

    કોઈને માથે વરસતું આભ છે.

    આમ તો તરસાવતું રહેતું છતાં

    કોઈને માટે તરસતું આભ છે.

    એટલી ઉંચાઈ એની ના ગણો-

    શ્વાસ-છેટું આ સ્પરસતું આભ છે !

    વર્ષભરના મૌનથી અકળાયલું,

    તેથી વર્ષામાં ગરજતું આભ છે.

    ગાભનું ને આભનું કહેવાય નહીં કૈં–

    ગાભ, જીવનથી થરકતું આભ છે !

    (ગાભ=ગર્ભ)


  • જાણી ન શકું, આભ ઝરે ચાંદની કે આગ ?
    દાઝેલી ચામડી ને આંખ લઈ ફરું છું હું.

    ભુલી ગયો છું હું હતો હીન્દુ કે મુસલમાન,
    મારા જ માણસોથી માર ખઈ ફરું છું હું.

    કોને કહું, ઘર ક્યાં ગયું, ઘરનાંય ક્યાં ગયાં ?
    ખુદની જ શોધ છાવણીમાં રહી કરું છું હું.

    કહેવાતું મારું જે હતું તે તો બધું ગયું;
    અંગોય જાણે કોઈનાં જ લઈ ફરું છું હું !

    એ અગ્નીતાંડવે જે બધું સળગતું રહ્યું,
    એના જ બધા ડાઘ સાચવી ફરું છું હું.

    આ મારવા ને કાપવાની વાતનો મર્યો
    માર્યા વીનાનો મરણતોલ થઈ ફરું છું હું.

    કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
    એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું !

    મરણ પથારીએ

    હાડપીંજરમાં શ્વસે છે જીંદગી;
    નસનસોમાં શી લસે છે જીંદગી !

    આટલાં વરસોનાં જે સંભારણાં –
    સાથમાં લઈને ખસે છે જીંદગી.

    દર્દને લાગુ પડે એવી દવા શી –
    દર્દને ખુદને ડસે છે જીંદગી !

    આજુબાજુ વીંટળાઈ જે ઉભાં
    લાગણી સૌની કસે છે જીંદગી.

    ગામ,ફળીયું, ડેલી ને આ ઓરડે
    બાકી સંબંધો ઘસે છે જીંદગી.

    સૌના વ્યવહારો કર્યા ને સાચવ્યા;
    ખુદનો આ છેલ્લો રચે છે જીંદગી !

    જીંદગી વીતી ભલે ધીમે ધીમે;
    મોતને રસ્તે ધસે છે જીંદગી !

  • તપાસી જુઓ કૈં ગયું તો નથી ને ?

    તપાસી જવાનું રહ્યું તો નથી ને ?

    ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં,

    થવાનું હતું તે થયું તો નથી ને ?!

    તને એમ કે આ બધું છે બરાબર,

    ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ?

    મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,

    તમે આંગણે ડગ ભર્યું તો નથી ને !

    મુકે આંગણું તે જવાનું, જવાનું –

    નદીને કશું કૈં કહ્યું તો નથી ને ?

    વ્યથા પર્વતોની કશી સાગરોને ?!

    વીદાઈતણું કૈં સહ્યું તો નથી ને !

    ગઝલમાં કશી આગ ક્યાંથી જગાડું,

    દરદ એટલું ઉદ્ ભવ્યું તો નથી ને !

  • ફેર છે
  • ચા અને ચા–ઘર વચાળે ફેર છે;

    ગામ ને પાદર વચાળે ફેર છે.

    ભુખનું તો દુઃખ સહુને; તોય આ

    સીંહ ને સાબર વચાળે ફેર છે.

    ભાર ભણતરનો વધ્યો છે કેટલો –

    બાપ ને ફાધર વચાળે ફેર છે.

    શબ્દના અર્થો રહ્યા સરખા ભલે

    સીડી ને દાદર વચાળે ફેર છે.

    ઓઢવા–ઓઢાડવાની વાતમાં

    ચુંદડી–ચાદર વચાળે ફેર છે.

    ‘નામમાં શું ?’ ના કહો, તોફાનમાં

    કાંતી ને કાદર વચાળે ફેર છે.

    પ્રેમ ને આદર વચાળે ફેર છે;

    ‘સપ્રેમ’ ને ‘સાદર’ વચાળે ફેર છે.

  • કદીક

    કદીક આંખ આંખ મટી વીફરી હતી,

    કદીક આંખ રાંક બની નીતરી હતી.

    ખુશીનો કેફ આંજીને જલદી ખુટી જતી,

    કદીક એ જ રાત લાં...બી વીસ્તરી હતી.

    દીવસનો અંધકાર તને દુર રાખતો,

    કદીક્ તું રાતને ઉજાસ નીખરી હતી.

    લખી હતી તને ગઝલરુપે મેં શબ્દમાં,

    કદીક રંગ–રેખ લઈ ચીતરી હતી.

    જાહેર છો થઈ કથા મીલનની જે રહી,

    કદીક્ વીરહની જો ખુલી જે ભીતરી હતી !

    એના સ્મરણમાં આયખું ક્ષણમાં વીતી ગયું,

    કદીક ક્ષણ–બ–ક્ષણ તો એની હાજરી હતી !

  • સાચવું છું

    તમારાથી છો દુર, તમારી ગઝલથી

    તમોને હું ભીતર બ્રધર, સાચવું છું.

    તમે આમ તો સાચવી ના શકાતા

    પરંતુ તમારી કદર સાચવું છું.

    કદી હાથમાં ના લીધી છે કલમ તોય

    તમારી ગઝલની અસર સાચવું છું.

    મને તો હું મારા વગર સાચવી લઉં,

    તમોનેય તમારા વગર સાચવું છું.

  • સુરજ

    ડુબ્યો સુરજ ઉગ્યો સુરજ.

    વ્હેલો આવી પુગ્યો સુરજ.

    પુરવ ડાળીએ ઝુલ્યો સુરજ,

    રાતે ગાલે ફુલ્યો સુરજ.

    ઝાકળ ન્હાવું ચુક્યો સુરજ,

    શરમાયો, ને ઝુક્યો સુરજ.

    રાતવમળમાં ડુલ્યો સુરજ,

    ફુલ––સંદુકે ખુલ્યો સુરજ.

    પંખી ચાંચે કુજ્યો સુરજ,

    માળે માળે પુજ્યો સુરજ.

  • અશોક મોઢવાડિયાને જન્મદીને –

    (ઉપજાતી)

    ત્યાં હોય ના શોક કશો – અશોક જ્યાં;

    જ્યાં સ્નેહને રોક ન કો’– અશોક ત્યાં.

    વ્યાપાર–વીદ્યા સહુ સાથ સાથ હો,

    એ સ્થાન જો કોઈક હો, અશોક ત્યાં.

    જ્યાં ગીરની ને ગીરનારની બધી

    વાતો તણું સ્થાનક હો, અશોક ત્યાં.

    કો આંગણું બોગન–બીલ્લી–ખીલ્લીને

    હો ફાવતું–ભાવતું જો, અશોક ત્યાં.

    બ્લૉગે લખી ‘વાચન–યાતરા’ ભલે,

    યાત્રા હવે ‘લેખન’ ક્હો, અશોક, ત્યાં !

    અમે, તમે, આપણ સૌ મળી કહો,

    અ.મો. ! શતાયુ થઈ રહો અ–શોક હ્યાં.

  • ઈશ્વર નથી

    એમણે જાહેર કર્યું, ઈશ્વર નથી;

    ને પછી નક્કી થયું, ‘ઈશ્વર નથી.’

    આંખમાં શાં જ્ઞાનનાં જામ્યાં પડળ !

    કૈં ન દેખાયું; થયું – ઈશ્વર નથી.

    કોઈ દાનત ના રહી પુરુષાર્થની

    હસ્તરેખામાં ચહું, ઈશ્વર નથી.

    ના ખબર શેં હું બધે વ્યાપી વળ્યો

    ને હવે સૌને કહું, ઈશ્વર નથી.

    જોઉં નાખીને નજર જ્યાંજ્યાં બધે

    સૌ નીશાનીએ લહું, ‘ઈશ્વર નથી ?’

    પથ્થરોમાં એટલો પુજાય છે –

    ખાતરી ક્યાંથી દઉં, ઈશ્વર નથી ?

    રાજ–મૌન

    મૌનને ભડકાવનારું કોણ છે ?

    મૌનને અટકાવનારું કોણ છે ?

    એમને તો બોલવાની હતી મના –

    આપને અટકાવનારું કોણ છે ?

    બોલ્યુંચાલ્યું માફ કરવાનું હતું,

    ન બોલ્યું પ્રસરાવનારું કોણ છે ?

    બોલીનેયે બોર વેચાતાં નથી,

    મૌન રહી વેચાવનારું કોણ છે ?

    મૌન ખુરશીને સદી જાતું હશે ?

    ફરજને અટકાવનારું કોણ છે ?

    દુર ખુરશીથી હતા, વાચાળ હતા,

    હવે વાચા ટાળનારું કોણ છે ?

    મૌન મોહક હોય તે સમજાય, પણ

    મોહને પંપાળનારું કોણ છે ?!

    કકળે દડો

    (હરીણી છંદમાં સોનેટી ગઝલ)

    સખત બળથી ઝીંકાયેલો જુઓ, સરકે દડો.

    સકલ કળથી ફેંકાયેલો અહો, દદડે દડો !

    જગતભરને ખુણેખુણે સહુ નીરખી રહ્યાં –

    રમત રમતો, કે જુના વૅરને રદડે દડો ?!

    જનમ ધરીને એકી સાથે ઉછેર થયો ભલે –

    અલગ પડીને સામે ઉભેલને કનડે દડો.

    ભવભવ તણા જાણે વૅરી હતા, પણ “આખરે

    અવ, રમત અંતે થાશે ઐક્ય શું ?” બબડે દડો.

    સમયસમયે પંપાળ્યા જેમના અહમો, “હવે

    બસ, નહીં વધુ કાલાવાલા” હવા પકડે દડો.

    ‘રમત’ રમતાં આઘે બેઠેલ ચોગમ સોગઠાં

    કઠપુતળીઓનો જોતો નાચ, ને કકળે દડો !

    રમત પતી, હાર્યું જીત્યું તે બધું રખડે ! અહો –

    ખડખડ હસી, ફંટાયેલો કશે, ખખડે દડો !!

    માણસ

    એ પોતાથી ડરતો રહે છે;

    માણસ ક્ષણક્ષણ મરતો રહે છે.

    અરધી પુરી કરે હાંફતાં,

    વધી જીંદગી સરતો રહે છે.

    ખાલીખમ લાગે છે તમને –

    ક્યાંક કશું તો ભરતો રહે છે.

    ચડતો રહે – ઉતરતો રહે છે;

    ઠરીઠામ ક્યાં ઠરતો રહે છે ?

    સવાર–સાંજ આથડતો રહે છે,

    આચર–કુચર ચરતો રહે છે.

    આદર્શો તો ખડકે અધમણ –

    અધોળ બસ આચરતો રહે છે.

    બહારના કોલાહલ વચ્ચે

    ભીતર ભીતર ગરતો રહે છે.

    દર્પણના દેખાડા ફોગટ,

    ચહેરાને ચાતરતો રહે છે !

    વસંતડાળે નવું કૉળવા

    પાન–ખરે બસ ખરતો રહે છે.

    સાવ ભુલકણો ભલે લાગતો –

    તમને તો એ સ્મરતો રહે છે.

    ભુલ

    ભુલનો એને ભરમ ના સમજાય રે કદી;

    ભુલનો એને મરમ ના સમજાય રે કદી.

    ભુલ ને એનાં મુલની કશી કીંમત ભલા ?

    પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

    ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

    મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

    મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

    હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

    ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

    ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

    ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

    આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

    આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

    આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !