એ હાલો મેળે જઈએ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ હાલો મેળે જઈએ

એ હાલો મેળે જઈએ - ગુજરાત ના મેળા

ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી અને મેળા પ્રેમી છે. ગુજરાતીઓ દરવર્ષે લોકમેળા હર્ષભેર ઉજવે છે. ગુજરાતના દરેક જીલ્લામાં અલગ અલગ વાર તહેવારે લોકમેળા ભરાય છે અને ગુજરાતીઓ મનભરીને મેળામાં મોજ કરે છે . મેળામાં જુવાનીયાઓના મનમેળ થઇ જાય છે. ગુજરાતમાં વર્ષમાં આશરે ૧૦૦૦ થી પણ વધારે મેળા ભરાય છે. જયાં લોકો મેળેમેળે આવે અને મેળેમળે જાય એનું નામ મેળો.

૧) કવાંટનો મેળો -

કવાંટનો મેળો એ છોટા ઉદેપુર વિસ્તારના રાઠવા, તડવી, ભીલ, નાયક, હરીજન, વણકર, રોહિત વગેરે જેવી આદિવાસી પ્રજાઓ સમુદાયનો મેળો છે . જે હોળી બાદ ફાગણ વદ બીજ ના દિવસે કવાંટ નામના ગામમાં દર વર્ષે ભરાય છે. આદિવાસીઓ માથા પર મોરપિચ્છની કલગી ભરાવી નૃત્ય કરી મેળામાં આનંદ કરે છે . આદિવાસીઓનું ઢોલ ના તાલે નૃત્ય એ આ મેળા નું મુખ્ય આકર્ષણ છે.

૨) કાત્યોકનો મેળો

સિધ્ધપુર સરસ્વતી નદીના તટમાં કારતક પૂર્ણિમાએ કાત્યોકનો મેળો દર વર્ષે ભરાય છે. સરસ્વતી નદીમાં ગંગા, યમુનાનો સંગમ રચાતા ત્રિવેણી સંગમની લોકવાયકા છે. કાત્યોકનો મેળો એટલે શેરડીઓનો મેળો પણ કહેવાય છે. આ પરંપરાગત લોકમેળામાં ઊંટ અને ઘોડાનું ખરીદ વેચાણ થાય છે. હરિફાઈ મેળાનું આકર્ષણ છે.સરસ્વતી નદીમાં સ્નાન વિધી , તર્પણવિધિનો અનેરો મહિમા છે.

૩) વૌઠાનો મેળો

ગુજરાતનો સૌથી મોટો અને સુપ્રસિધ્ધ વૌઠાનો મેળો દર વર્ષે કાર્તિકી અગીયારસ થી કાર્તિકી પુર્ણિમા સુધી યોજાય છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના વૌઠા ગામે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળ પર મેળો પાંચ રાત દિવસ સતત દર વર્ષે ભરાય છે. આ મેળામાં ગધેડાઓ તથા ઊંટને અનેક રંગોથી શણગારીને લાવવામાં આવે છે અને ગધેડા અને ઊંટ નું ખરીદ વેચાણ થાય છે. મહાભારતના સમયે પાંડવોએ એક વર્ષનો ગુપ્તવાસ ધોળકામાં વિતાવ્યો તે દરમિયાન કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના સમયગાળા દરમિયાન સપ્ત નદીના સંગમસ્થાન ધરાવતાં વૌઠા ખાતે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવ્યું હતું. જેથી આ સ્થાન પાંડવોની યાદી તરીકે પણ પ્રસિદ્ધ છે.

૩ ) તરણેતરનો મેળો

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ પાસે આવેલા તરણેતર ગામમાં પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ સળંગ ત્રણ દિવસ તરણેતર નો મેળો હર્ષભેર ભરાય છે. તરણેતર ના મેળામાં જુવાનીયા હુડારાસ ને હાજા રાસ કરી મજા કરે છે. આ મેળામાં સુંદર ભરતકામ કરેલી રંગબેરંગી છત્રીઓ આકર્ષણ નું કેન્દ્ર હોય છે. ગુજરાતની લોકસંસ્કૃતિને જાણવી અને માણવી હોય તો તરણેતરનો મેળો માણવો જ જોઇએ. સત્સંગીઓ આખી રાત છંદ, દુહા અને ભજનો ની રમઝટ બોલાવી મેળાની મજા લેતા હોય છે. મેળાના પાંચમ ના દિવસે વર્ષોથી ત્રિનેશ્ર્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મહાભારત અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર પણ તરણેતરમાં યોજવામાં આવેલ હતો .

૪) ભવનાથ મહાદેવ નો મેળો

ભવનાથ મહાદેવનો મેળો ગીરનાર પર્વતની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે જુનાગઢ શહેરમાં ઉજવવામાં આવે છે. બમ બમ ભોલે, હર હર મહાદેવ ના નાદ સાથે ગીરનારમાં પાંચ દિવસીય શિવરાત્રી પર ભવનાથ નો મેળાે દર વર્ષે ભરાય છે. મહા માસમાં નોમ ના રોજ સવારે ભવનાથ મંદિરના શિખર ઉપર ધજા ચડે ત્યારથી મેળા ની શરુઆત થાય છે. મહા વદ નોમથી મહા વદ ચૌદશ શિવરાત્રી સુધી ભવનાથ નો મેળો ચાલે છે. ભવનાથ મંદિરમાં મૃગીકુંડ આવેલો છે તેમાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મેળામાં આવેલા સાધુઓ, નાગાબાવાઓ તેમાં સ્નાન કરે છે. મહાશિવરાત્રિ ની રાતે નાગાબાવાઓનું નીકળતું સરઘસ પણ મેળાનું આગવું આકર્ષક ઉભું કરે છે. નાગાબાવા અને સંતો ના મતે કુંભના મેળા પછી બીજા સ્થાને ભવનાથ નો મેળો આવે છે. દેશભરનાં સાધુ, સંતો, નાગાબાવાઓ, ભકતો ભવનાથ ના મેળા માટે આવે છે. આ મેળો શિવ અને જીવના મિલનનો મેળો છે. ભકતો દિવસ રાત મેળામાં શિવ ભકિત ને ભજન, સત્સંગથી વાતાવરણ ભકિતમય બનાવે છે.

૫) મેઘ મેળો

મેઘરાજાની સ્થાપના અને પછી તેમના વિસર્જનનો ઉત્સવ એટલે મેઘ મેળો. ગુજરાતના ભરુચ માં અષાઢ વદ અમાસ થી શ્રાવણ વદ દસમ સુધી મેઘ મેળો હર્ષભેર દર વર્ષ વર્ષોથી ઉજવાય છે. ભરૂચમાં મેઘમેળો ની સાથે સાથે ઘોઘારામ મહારાજ નો છડી ઉત્સવ પણ ઉજવાય છે. મેઘ મેળામાં ખારવા, માછી, ભોઈ અને દલિત સમાજના લોકો મેઘરાજા ની મુર્તિ બનાવી, સ્થાપના કરી, મેઘરાજાની યાત્રા કાઢી અંતે મેઘરાજા ની મુર્તિનું વિસર્જન કરે છે.

૬ ) ગુમાનદેવનો મેળો

ગુમાનદેવનો મેળો ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ગુમાનદેવ દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે દર વર્ષે ભરાય છે. ગુમાનદેવ એટલે હનુમાનદાદા , અહિં હનુમાન દાદા ની મુર્તિ ની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી અને વર્ષોથી આજુબાજુના ગામના લોકો શ્રદ્ધાપુર્વક આ મેળો ઉજવે છે. મેળામાં સુદંરકાડના પાઠ, હનુમાનજી ચાલીસા ના પાઠ કરવામાં આવે છે.

૭ ) શુક્લતીર્થનો મેળો

શુક્લતીર્થનો મેળો કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા એમ પાંચ દિવસ સુધી દર વર્ષે ભરાય છે. ભરુચ ના નર્મદાને કાંઠે શુક્લતીર્થ નો મેળો ભરાય છે. મેળામાં આવનાર શુક્લતીર્થ, કાળીતીર્થ, ઓકારેશ્વરતીર્થ અને કબીરવડની મુલાકાત પણ લે છે.

૮ ) દેવજગત નો મેળો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા નાડા ગામે દેવજગતનો મેળો દર વર્ષે ચૈત્રી પૂનમે ભરાય છે.

૯ ) બાવાગોર નો મેળો

ભરુચ ના ઝઘડિયા તાલુકાના બાવાગોર ગામે મેળો ભરાય છે. લોકવાયકા મુજબ સુદાનમાંથી આવેલાં હઝરત બાવાગોર દાદાએ ડુંગર પર દરગાહની સ્થાપના કરી હતી અને ત્યાં હાલમાં વર્ષોથી મેળો ભરાય છે.હિંદુ મુસ્લિમ મિત્રો ભેગાં મળીને બાવાગોર ના મેળાનું આયોજન કરે અને હર્ષભેર મેળો મનાવે છે.

૧૦) ભાડભૂત નો મેળો

ભરૂચ તાલુકાના ભાડભૂત નજીક નર્મદા નદી સમુદ્ર માં ભળે છે ત્યાં દર ૧૮ વર્ષે મેળો ભરાય છે. ભાડભૂત ગામે ભારેશ્વર મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ પ્રસ્થાપિત છે ત્યાં લોકવાયકા મુજબ શંકર ભગવાને બાલ્યાવસ્થામાં અનેક લીલાઓ કરી હતી. ભાડભૂત નો મેળો અધિક ભાદરવા માસમાં જ ભરાય અને અધિક ભાદરવો દર ૧૮ વર્ષે આવતો હોવાથી મેળો પણ દર ૧૮ વર્ષે જ હર્ષભેર ભરાય છે. લોકવાયકા મુજબ ભાડભૂત નો મેળો એ ગુજરાતનો કુંભ મેળો કહેવાય છે. લોકો દર ૧૮ વર્ષે મેળાની રાહ જોતા હોય છે અને વર્ષો સુધી મેળાની યાદો ની મજા લેતા હોય છે.

૧૧ ) ડભોડા નો મેળો

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા સુપ્રસિદ્ધ ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની ધનતેરસ-કાળીચૌદશના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ધનતેરસની રાત્રે ૧૨ વાગે મહાઆરતી સાથે મેળાની શરુઆત થાય છે અને કાળી ચૌદશ ની રાત સુધી મેળો ચાલે છે. આ મેળામાં રાત્રે ૧૨ કરવામાં આવતી મહાઆરતીનું વિશેષ મહત્વ છે અને આરતીનો લાભ લેવા માટે ગુજરાત ઉપરાંત બહારના રાજયમાંથી પણ દૂરદૂરથી ભક્તો હનુમાનજી દાદાના મંદિરે ઉમટી પડે છે. ડભોડિયા હનુમાનદાદાના મંદિરે મેળામાં કાળા દોરા બનાવી પ્રસાદ સ્વરુપે વિતરણ કરવામાં આવે છે . બુંદીનો પ્રસાદ અને સુખડી નો પ્રસાદ પણ ભકતોને આપવામાં આવે છે . ભાવિક ભકતો બાધા પુર્ણ થયે હનુમાનજી દાદા પર તેલ ચડાવી દર્શન નો લાભ લઇ ધન્યતા મેળવે છે. ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરે દર વર્ષે ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે .

વધુ આવતા અંકે ...મેળાની મજા