ગુજરાત લોકમેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વખણાય છે .લોક સંસ્કૃતિનો ધબકાર એટલે લોક મેળા . લોકમેળામાં યુવા હૈયા અને બાળકો મોજ કરે છે .લોક મેળામાં મહાલવું દરેક ઉંમરના અને દરેક વર્ગને પસંદ હોય છે . મેળામાં ફુગ્ગાવાળા, રમકડાવાળા ,ખાવા પીવાના અને મનોરંજનના વિવિધ સ્ટોલ લોકોમાં લોકપ્રિય હોય છે . પહેલાના જમાનામાં મનોરંજન માટે મર્યાદિત માધ્યમો અને સાધનો હતાં ત્યારથી લોકમેળા લોકોના મનોરંજનનું લોકપ્રિય માધ્યમ રહ્યું છે અને આજના સમયે પણ લોકમેળા એટલુંજ લોકપ્રિય અને મનોરંજક માધ્યમ છે.
ભાગ ૧ માં આપણે કવાંટનો મેળો, કાત્યોકનો મેળો, વૌઠાનો મેળો, તરણેતર નો મેળો, ભવનાથ નો મેળો, મેઘ મેળો, ગુમાનદેવ નો મેળો, શુકલતીર્થનો મેળો, દેવજગત નો મેળો, બાવાગોર નો મેળો, ભાડભૂત નો મેળો, ડભોડા નો મેળો જાણ્યો ને માણ્યો.
ભાગ ૨ માં માધવપુર નો મેળો, જખનો મેળો, ચિત્રવિચિત્ર નો મેળો, ગુપ્ત પ્રયાગ નો મેળો, ઝુંડ માતાજી નો મેળો, ઝાલાજીનો મેળો, ઉત્કંઠેશ્વર મહાદેવનો મેળો, પાલોદરના ચોસઠ જોગણી માતાનો મેળો, ભલગામડા નો મેળો, ગોળ ગધેડાનો મેળો, ભુચર મોરી નો મેળા વિશે જાણ્યુ. હવે ભાગ ૩ માં આવાજ લોકપ્રિય અને મનોરંજક લોકમેળા વિશે જાણીએ હાલ છોડી હાલ રે, રણજણિયું વાગે, પેંજણિયું વાગે, શામળાજીના મેળે,રણજણિયું વાગે, પેંજણિયું વાગે, ડોસા દોટે કાઢે રે, રણજણિયું વાગે,પેંજણિયું વાગે આવા લોક ગીતો પણ લોકમેળા માં પ્રસિદ્ધ છે અને લોક કલાકારો ડાયરામાં ગાય છે.
૨૪ ) શામળાજીનો મેળો
કારતક સુદ અગિયારસથી પુનમ સુધી સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે મેશ્વો નદીના તટે શામળાજીનો મેળો ભરાય છે. શામળાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા ભગવાન શામિળયાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવે છે . શામળાજીના મેળા માં આદિવાસી, ભીલ તેમજ અન્ય સમાજના લોકો હર્ષોલ્લાસ થી મેળાની ઉજવણી કરે છે. શામળાજીનો મેળો નાગઘારા કુંડમાં સ્નાયન અને વર્ષો જુની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે
૨૫ ) હાથીયા-ઠાઠું નો મેળો
હાથીયા-ઠાઠું નો મેળો વીસનગર તાલુકામાં આવેલા વાલમ ગામમાં સુલેશ્વરી માતાના સાન્નિધ્ય માં યોજાય છે. દર વર્ષે ચૈત્ર વદ નોમ ના દિવસે હાથીયા-ઠાઠું નો મેળો લોકો હર્ષોલ્લાસ થી ઉજવે છે .આ મેળામાં બે ગાડાંને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. એક ગાડાના ધૂંસરા આગળ હાથીનું મોઢું-સૂંઢ જેવો આકાર બનાવાય છે ,જેને હાથિયા તરીકે ઓળખાય છે, જયારે બીજુ ગાડુ ‘ઠાઠું'તરીકે ઓળખાય છે. આમ આ રીતે હાથીયા-ઠાઠું નો મેળો ઉજવાય છે.
૨૬ ) મારવાડી સાતમનો મેળો
મારવાડી, રાજસ્થાની સમાજના લોકો ફાગણ વદ સાતમના દિવસે અમદાવાદના કાંકરિયા તળાવ પાસે, જમાલપુર શાક માર્કેટ , લાંભા મંદિરે મેળા નું આયોજન કરે છે. મારવાડી લોકો લાંભા મંદિરે ઘરેથી ઠંડુ જમવાનું લઇ જઈને જમી ને મેળો મનાવે છે. મારવાડી પુરુષો જમાલપુર શાક માર્કેટમાં પરંપરાગત ગેર ઉત્સવ મનાવી મેળો ઉજવે છે , ગેર ઉત્સવમાં ભાઈયો લાકડીયો વડે રાસ રમી એકબીજા પર ગુલાલ ઉડાડી સાતમ નો મેળો ઉજવે છે. રાજસ્થાનીઓ આ સાતમ ને સૌથી મોટી સાતમ માને છે.
૨૭ ) આમલી અગિયારસનો મેળો
દાહોદ જીલ્લાના લીમખેડામાં દર વર્ષે ફાગણ સુદ અગિયારસના રોજ આમલી અગિયારસનો મેળો ભરાય છે. હડફ નદીના કિનારે આવેલા ઐતિહાસિક હસ્તેશ્વર મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે. લોકો હર્ષભેર માનતાઓ પૂરી કરવા અને દર્શન કરવા મંદિરે આવી મેળામાં જોડાય છે.
૨૮ ) ચૂલ નો મેળો
ચુલનો મેળો દાહોદ જીલ્લો અને તેની આજુબાજુના ઘણા આદિવાસી વિસ્તારો અને ગામડામાં ઉજવાય છે. ચુલનો મેળામાં ધુળેટીનાં દિવસે આદિવાસી લોકો ભેગા મળીને પુજાવિધિ કરી એક ખાડો ખોદે છે અને તે ખાડામાં અંગારા પાડવામાં આવે છે. ત્યારબાદ હોળી માતાની વિધિ કરી લોકો હાથમાં તલવાર પકડી આ ધગધગતા ગરમ અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની માનતા પુરી કરે છે.
૨૯ ) નકળંગ નો મેળો
ભાવનગરથી લગભગ ૩૦ કિલોમીટર દુર કોળિયાક ગામ નજીક દરિયામાં નિષ્કલંક મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. પ્રાચીન દંતકથા મુજબ મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પોતાનાં જ સ્વજનોથી હાર્યા તે કલંકને દુર કરવા આ જગ્યાએ ભગવાન શિવની સ્થાપના કરાઈ હોવાથી તે સ્થળ ને નિષ્કલંક મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું છે. શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસના દિવસે અહીં વર્ષોથી પરંપરાગત રીતે હર્ષોલ્લાસથી લોકમેળો યોજાય છે. મેળામાં આવનાર ભાવિકો સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા, અર્ચના કરીને મેળાની ઉજવણી કરે છે.
૩૦) કોટેશ્વર નો નવહાતી નો મેળો
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં યાત્રાધામ અંબાજીથી લગભગ પાંચ કિમી દુર યાત્રાધામ અંબાજીથી લગભગ પાંચ કિમી દુર કોટેશ્વર ગામ આવેલું છે. અહીં કોટેશ્વર મંદિરની સાથે ગૌમુખ કુંડ આવેલો છે, જેને સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. કોટેશ્વર મંદિર ખાતે દરવર્ષે આદિવાસીઓ એકત્રીત થઈને સરસ્વતીનદી ના ગૌમુખ કુંડમાં મૃતક સ્વજનોના અસ્થિનું વિર્સજન કરીને શાંતિની પ્રાર્થના કરે છે, સામુહિક અસ્થિ વિસર્જન અને પ્રાર્થના માટે ભીડ ભેગી થાય તે મેળામાં પરિવર્તિત થાય છે .
૩૧ ) કતપોર નો મેળો
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં કતપોર ગામ આવેલું છે. કતપોર ગામના કોટેશ્વર મહાદેવ ના મંદિરે ત્રણ દિવસ નો ભાતીગળ મેળો પોષ વદ સાતમથી નોમ સુધી દરવર્ષે હર્ષોલ્લાસથી ઉજવાય છે .
૩૨ ) કડોદ નો મેળો
સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં કડોદ ગામ આવેલું છે. દર ૧૮ વર્ષે યોજાતી નર્મદા યાત્રા વખતે કડોદ ગામે મોટો મેળો ભરાય છે .
૩૩ ) મુધ્રણેશ્વર દાદાના મેળો
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં જાદર ગામ આવેલું છે. દરવર્ષે હર્ષોલ્લાસથી ભાદરવા મહિનાના બીજા સોમવારે ઇડર તાલુકાના જાદર ગામના મુધણેશ્વર મહાદેવ માં ત્રિદિવસીય મુધણેશ્વર દાદાનો મેળો ભરાય છે. અહીં મેળામાં આવનારા ભક્તો દાદાના ચરણોમાં શ્રીફળ વધેરીને માનતા પૂરી કરે છે . અહી પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. સાપ જેવા ઝેરી જાનવર કરડયા હોય તેવા લોકોને દાદાના પ્રાંગણમાં લાવી ઝેર ઉતારવાની માનતા પણ છે.
૩૪ ) પલ્લી નો મેળો
ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકામાં રુપાલ ગામ આવેલું છે. રુપાલ ગામે શ્રી વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો દરવર્ષે ભરાય છે. વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે, સુથાર ભાઈઓ પલ્લી ઘડે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે, કુંભાર ભાઈઓ કુંડા છાન્દે, મુસ્લીમ પિંજારા ભાઈઓ કુડામાં કપાસ પુરે, પંચોલી ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે, પટેલ ભાઈઓ પલ્લીની પુજા આરતી કરી કુંડામા અગ્નિ પ્રગટાવે છે અને આ રીતે પલ્લીયાત્રાની શરૂઆત થાય છે. પલ્લી યાત્રા રાતે શરુ થાય છે અને સવારે મંદિરે આવે છે . રુપાલ ગામના ૨૭ ચકલાઓ પાસે પલ્લી ઉભી રાખવામાં આવે છે અને આ દિવસે પલ્લી ઉપર લાખો કિલોનો શુધ્ધ ઘીનો અભિષેક થાય છે.
૩૫ ) ભાદરવા દેવ નો મેળો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાદરવા ગામ આવેલું છે. કારતક સુદ પૂનમ દેવદિવાળીએ ભાદરવા દેવના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે. આદિવાસીઓના ટોળે ટોળા કાગળના ઘોડા સાથે ભાથુજી દાદાના સ્વાંગમાં હાથમાં તલવાર, ઢોલ નગારા, ત્રાસા સાથે નાચગાન કરતા ભાદરવાના મેળામાં દરવર્ષે ઉમટી પડે છે . ભક્તો માનતાઓ અને બાધાઓ રાખી જવારા વાવતા હોય છે. જવારા તૈયાર થઇ ગયા પછી જવારાના ટોપલા માથે લઇને વાજતે ગાજતે પગપાળા સંઘ દ્વારા ભાદરવા મેળામાં પહોંચે છે.
વધુ આવતા અંકે ...મેળાની મજા