Tamake Tara - 1 Kirtida Brahmhbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Tamake Tara - 1

જય ભગવતી

ટમકે તારા

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૧

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ચકલીબેન

•ચાલ ભાઈલા

•પતંગિયા પાછળ

•ચાંદો મારો દોસ્ત

•બોરાં

•મળી ગયો એક માળી

•ટપૂડો

•મારે કેમ પલળવાનું નહીં

•મમ્મી મને

•નાનકડા દફતરમાં

•પપ્પા જેવો

•ઝરણું ફૂટે

•મારે ઝમક જમ નહીં

•વરસાદ

•પેન પકડવા દો

•આજ થયું છે મોડું

૧.ચકલીબેન

ચકલીબેન તો ચીંચી કરતાં

ઊડ્યાં ઊભી બજારે.

દોશીડાને દ્વાર જઈને

લીધી સાડી ભારે.

સાડીમાં મોતીડાં મોંઘાં

ટાંક્યા ધારે ધારે

ને ચકલી બૈ પછી ચડ્યા’તા

ઊંડા એક વિચારે.

મોંઘી સાડી પહેરી મારે

ફરવું ક્યાં ને ક્યારે ?

કોની પાસે જવું મહાલવા

લઈને કોને હારે ?

ને એવામાં ઢેલ ઢબૂકી,

મોર તણા ટહુકારે,

ચાલ ચરકલી સાડી પહેરી

મેળો છે અંજારે

પીઠ ઉપર સાડી મૂકીને

ચકલી પાંખ પસારે.

ઓ બાપારે ! ક્યાંથી ઊંડું,

હવા થઈ છે ભારે.

હસતી ઢેલ ઢળકતી બોલી

સહેજ લળીને ત્યારે,

પહેરી લે તું સાડી બાઈ

કેમ ઊપડશે ભારે !

ને ચરકલડી સાજ સજીને

જેવી ઊડવા ધારે

ટોળે ટોળાં હસતાં દીઠાં

ખેલ થયો બહુ ભારે.

ચકલીબેન તો ચીંચીં કરતાં

ઊડ્યા ઊભી બજારે.

૨. ચાલ ભાઈલા

ચાલ ભાઈલા, રમીએ આપણ

દરિયાને કિનારે.

રેતીનું ઘર એક બનાવી

મોર ચીતરીને દ્વારે. ચાલ..

હું જ લગાવીશ શંખ છીપલાં

ઘરની એક દીવાલે.

તું યે કરજે બાગ આપણો

ઊગે ફૂલ સવારે. ચાલ..

તું પપ્પાની ટોપી લે જે,

હું મમ્મીની સાડી.

ટોપીમાં મોતીડાં ભરશું,

પરવાળાથી સાડી.

દેખ પછીથી મમ્મી-પપ્પા

હરખાશે બહુ ભારે. ચાલ..

મોજાંથી માગીશું ફોરાં,

રહીશું થોડા કોરાં કોરાં,

છબછબ કરતાં પાણીમાં જઈ

તરીએ દરિયા ધારે,

કાલ પછીથી મોટાં થઈને

જાશું રે મજધારે, ચાલ...

૩. પતંગિયાની પાછળ

આવ જ્યુ ને આવ ઝંખના

પતંગિયાની પાછળ.

દેખ ગુલાબી ટોટામાં જે

બેઠું છે ને આગળ

એ જ મને બહુ વહાલું લાગે

ચીતરું લઈને કાગળ.

હળવે હળવે બોલ જયુ તું

અવાજ એનો સાંભળ.

આવ જયુને આવ ઝંખના

પતંગિયાની પાછળ

જો પેલાં પારિજાતકનાં

ફૂલો લૂમેઝૂમે.

ને એના પર ફરફર ફરકી

પતંગિયાં બહુ ધૂમે.

ટોચ ઉપરની ડાળી પર જો

ત્યાં કૌતુક જોયું મેં.

લાલ ફૂલની વાત લઈ

પીળાંને કહેતાં સાંભળ.

આવ જયુને આવ ઝંખના

પતંગિયાની પાછળ.

૪. ચાંદો મારો દોસ્ત

ચાંદો મારો દોસ્ત અને

છે સૂરજ મારો યાર.

બે ય મને તો રોજ કરે છે

સહુથી પહેલો પ્યાર.

પણ બોલાવું ચાંદાને તો

સૂરજ ના દેખાય

ને ઊગે જ્યાં સૂરજ

એવો ચાંદલિયો સંતાય.

કોને પૂછું કેમ કરે છે

એ આવો વહેવાર !

ચાંદો મારો દોસ્ત અને

છે સૂરજ મારો યાર.

બેય મળેને ભેગાં ત્યારે

કરવી છે ઉજાણી

દરિયાથી હું મોજ લઉં

ને લઉં વાદળથી પાણી.

એ જ મજાના દરિયાકાંઠે

રેતમાં લીટી તાણી

રમવા માટે થાવું પડશે

મારે પણ તૈયાર.

ચાંદો મારો દોસ્ત અને

છે સૂરજ મારો યાર.

ખેલ ખેલમાં લડી પડીને

આવ્યા બંને સામે,

હું વચ્ચે જઈ ઊભો ત્યાં તો

સૂરજ આંખ ઉગામે.

કેમ કરીને જવું પકડવા

કોને કોના ગામે !

બંને ભેરુ હોય ગગનમાં

ને તો યે બે પાર !

ચાંદો મારો દોસ્ત અને

છે સૂરજ મારો યાર.

૫. બોરાં

લે ઝંઝેડી દઉં બોરડી

બોરાં પડશે પટપટ

એ બોરાંને વીણવા જાતાં

વાગે ના કોઈ કંટક.

લાલ ચટક બોરાં ખાવાને

ભેરુ મળિયા ઝટપટ.

રામ મીઠું ને મરચું લાગ્યો,

શ્યામ લાવિયો તાસક.

લ્યો બોરાંની કરો ઉજાણી

નહીં તો મોમાં વળશે પાણી;

પછી કહીને ખાટ્ટાં બોરાં

કરશો ના કોઈ ખટપટ.

લે ઝંઝેડી...

૬. મળી ગયો એક માળી

દાદાજીની સાથે આજે

બબલી ફરવા ચાલી

રસ્તામાં લઈ ફૂલો ફરતો

મળી ગયો એક માળી

પીળાં પરચક ગલગોટાં

ને લીલી લીલી ડાળી;

લાલ, ગુલાબી ગુલાબ

એની શોભા બહુ નિરાળી.

બટ્ટ મોગરા મહેકી બોલ્યાં

ક્યાં તું ફરવા ચાલી,

ફૂલછડીમાં લીલી કેરો

ઠસ્સો દીઠો ભારી.

માળી કાકા તણી છાબમાં

કળીઓ મળી રૂપાળી.

દાદાજીની આંગળી ઝાલી

બબલી ફરવા ચાલી.

૭. ટપૂડો

તોફાની આ ટપૂડાને

ભણવું લાગે ભારે.

રાત પડે ને લખવા બેસે

ને ગોટાળા મારે.

બહુ સમજાવે દાદાજી

ને દાદીમા પંપાળે

પણ ટપૂપાઈ કાલાઘેલા

આંસુડાં બહુ સારે.

ભાષામાં ના ચેન પડે

ને ગણિતથી કંટાળે,

અંક વિનાના મીંડાં મૂકી

સરવાળા સંભારે.

તોફાની આ ટપૂડાને

ભણવું લાગે ભારે.

ભૂગોળમાં ભૂલો પડતો,

એ કયાંથી ચાલે ક્યાં રે !

ભારતના નકશામાં આખું

અમેરિકા ઉતારે.

હાથી જેવું પેટ બને એ

મોર ચિતરતો ત્યારે

કસરત કરતાં પડે પાધરો

એને કોણ ઉગારે !

તોફાની આ ટપૂડાને

ભણવું લાગે ભારે.

૮. મારે કેમ પલળવાનું નહીં

ચાંદો ચમકે, તારા ટમકે,

અંધારે અંધારાં ધમકે;

ત્હોય મને કાં મમ્મી કહેતી

રાત પડી બસ રમવાનું નહીં !

ભર બપ્પોરે કોયલ બોલે,

આંબા ડાળે મધુરપ ડોલે;

ધિંગામસ્તી પડતી મૂકી

કેમ હવે કંઈ કરવાનું નહીં !

લથબથ ધરતી સાદ કરે છે,

છલછલતાં જળ યાદ કરે છે,

હા, વરસ્યો આ મેહૂલિયો

પણ મારે કેમ પલળવાનું નહીં !

૯. મમ્મી મને

મમ્મી, મને સપનામાં દરિયો દેખાય

અને મોજાંની હોડી થઈ જાય.

મમ્મી, મને મોજાંમાં સૂરજ દેખાય

પછી દરિયામાં રાત પડી જાય.

આમ કેમ રોજ રોજ ઊંઘમાં ને ઊંઘમાં

જાગે છે જોને મારી આંખ !

એમનેમ થાય ના મમ્મીનો પાલવડો

પટાક દઈને મારી પાંખ.

મમ્મી, પછી ફરક ફર ફરફર ઊડાય

ચાંચ મલક મલક આ મલકાય.

મમ્મી, મને સપનામાં દરિયો દેખાય

અને મોજાંની હોડી થઈ જાય.

આકાશી હિંડોળો હાલક ડોલક

અને તારલિયા ટમક ટમ થાય,

વાદળીઓ અંધારે ઊડતી દેખાય

તારલ લાડકડો ઝૂલા ત્યાં ખાય.

મમ્મી, પેલો ચાંદલિયો ગીત કૈંક ગાય

અને તારો હાલરડાં સંભળાય.

મમ્મી, મને સપનામાં દરિયો દેખાય.

અને મોજાંની હોડી થઈ જાય.

૧૦. નાનકડા દફતરમાં

નાનકડા દફતરમાં એ બી સી ડી ને

પછી વન ટુ યે હોય ક્યાંક ક્યાંક.

ટીચરની વારતામાં ચકલી ઉડીને

પછી ઘેટું ખોવાય ક્યાંક ક્યાંક.

સીડી ચડીને એક કીડી મળી ને

એના મોઢામાં ખાંડનો દાણો,

ભાઈલાની પાટીમાં પાછી વળીને કહે

મારો તો પગ સાવ નાનો.

અમથી અમથી તો હું ઊતરું યે કેમની

ચીતરી દે લઈને મને ચાક. નાનકડા.

દાદાની વારતામાં પરીઓ ઊડીને

ઊડી પરીઓની લાલ લાલ પાંખ,

પાંપણના પલકારે પલકારે ઝળહળતી

પરીઓની તગતગતી આંખ

પરીઓના દેશમાં મઘમઘતા ફૂલ

અને મઘમીઠી દીઠી ધરાખ. નાનકડા.

૧૧. પપ્પા જેવો

હું ય મોટ્ટો બની જવાનો

જો જે પપ્પા જેવો.

મમ્મીને હું બાય કરીને

કહીશ લાગતો કેવો !

ખિસ્સામાં મોબાઈલ હશે

ને પેન હશે બે ચાર.

જો જે તારો બેટ્ટો મમ્મી.

થઈ જાશે તૈયાર.

પછી કોઈ ’દિ કહેતી નહીં

હું ક્યાં છું ને છું કેવો ?

હું ય મોટ્ટો બની જવાનો

જો જે પપ્પા જેવો.

સવારમાં હું વૉક કરીશ

ને રાતે થોડીક જોક.

પપ્પાની જેમ કાગળ ઉપર

લખીશ થોકે થોક.

દાદા પેઠે દીવો લઈને

હું અજવાળીશ ગોખ

ને દાદીને દેખાવાનો

દીકરો દાદા જેવો.

હું ય મોટ્ટો બની જવાનો

જો જે પપ્પા જેવો.

પછી કોઈ ’દિ કહેતી નહીં

હું ક્યાં છું ને છું કેવો ?

૧૨. ઝરણું ફૂટે

પથ્થર કોરી ઝરણું ફૂટે;

પથ્થર ભીનો લ્હાવો લૂંટે.

ફોરામાંથી ફોરાં છૂટે

ને મોતીની સેર વછૂટે.

ફોરે ફોરે સૂરજ ઊગે

ને ઝળહળતા અચરજ ઘૂંટે.

કાળા પ્હાણે ઊજળાં પાણી

છલ્લક છલ્લક છાલક ઊઠે

ફરફરિયાં ને ઝરમરિયાંનો

લ્હાવો લૂંટો મૂઠે મૂઠે.

રડવડતાં આથડતાં ઝરણાં

દેખ ધરાનો ખોળો ખૂંદે.

ને ઊતરતી ભેખ ધરીને

આ જલધારા રૂપ અનૂઠે

પથ્થર કોરી ઝરણું ફૂટે

પથ્થર ભીનો લ્હાવો લૂંટે.

૧૩. મારે ઝમક ઝમ નહીં

મમ્મીએ પગમાં તો પહેર્યા છે

ઝાંઝર ને મારે ઝમક ઝમ નહીં !

ચાલુ છું હું છમછમ કે નાચું છમક છમ

તા તા તા થૈ થૈ થૈ થૈ, થૈ થૈ થૈ થૈ.

મમ્મીએ...

દાદીના ચશ્માથી દાદાની ચોપડીને

જોવાને જેવી હું ગઈ.

પપ્પાએ પકડ્યો ત્યાં મારો પગરવ

હું તો દોડી બધું જ મૂકી દઈ.

મમ્મીએ...

મમ્મી મોસાળ છે ને પપ્પા બજાર છે

તું જ મારો વહાલો છે ભઈ.

બેસ હવે જમવાને, થાળીને વાડકી

લે આપું હું રોટલો ને દહીં.

મમ્મીએ...

૧૪. વરસાદ

મમ્મી પપ્પા આજ કહે છે

દેખ પડ્યો વરસાદ

બારીમાંથી ગાલ ભીંજાવું

ભીંજાવીને હાથ.

છબછબિયાં છોટું ત્યાં કરતો

ને પાણીમાં પપ્પુ તરતો,

ખૂચામણીનો ખેલ ખેલતાં

નાનુ કરતો સાદ. મમ્મીએ..

કેમ કરીને જવું પલળવા

વાદળના જળને હું મળવા.

ટપ ટપ રીમ ઝીમ વરસીને

એ મને કરે છે યાદ. મમ્મી..

મમ્મી પપ્પા બેઠાં છે અહીં

લેવા મારી ભાળ

કોણ જવા દે મને અહીંથી

કોને કરું ફરિયાદ. મમ્મી..

૧૫. પેન પકડવા દો

મને પેન પકડવા દો દાદાજી, મને પેન પકડવા દો,

તમારી ડાયરીમાં અડકો દડકો, એન ઘેન લખવા દો.

દાદાજી, મને પેન પકડવા દો.

કાળી કાળી શ્યાહીના ચિતરડા ચીતરી, ભુરા તે રંગના ભમરડા ચીતરી

લીલાને પીળા કંઈ કાગળિયા કોતરી, રાતીથી રંગવા દો,

દાદાજી, મને પેન પકડવા દો.

એક નહીં, બે નહીં જોને બેન; પપ્પાના ખિસ્સામાં ચાર ચાર પેન,

એક સાથે મમ્મીએ લખશે કેમ, મને એક તો અડવા દો !

દાદાજી, મને પેન પકડવા દો.

ચકલાં, પોપટ ઘૂમી રહ્યાં છે, ઝુમ્મર તોરણ ઝૂમી રહ્યાં છે

ઊંધા પડીને ભણે ભાઈને બેન, મને કંઈક તો કરવા દો !

દાદાજી, મને પેન પકડવા દો.

કાકા ને કાકી બે મહેમાન ખાસ છે, ચોકલેટ, બિસ્કિટ બધાં ખલાસ છે,

ગલ્લામાં ખણખણતા પૈસા પચાસ છે, હિસાબ ગણવા દો

દાદાજી મને પેન પકડવા દો.

૧૬. આજ થયું છે મોડું

મારે તો નિશાળ જવાનું આજ થયું છે મોડું.

દફતર ભરવાનું બાકી છે, બાકી છે લેશન થોડું.

રમત રમતમાં રાત પડી સપનામાં સુંદર વાત જડી,

આંખ પછી ઉઘાડું ક્યાંથી કેમ પથારી છોડું ! મારે તો...

નહાવા જાતાં બસ હું ચૂકું, દફતરમાં ડબ્બો ક્યાં મૂકું ?

આજ હવે ઘડિયાળ કહે તું કેમ કરી હું દોડું ? મારે તો...

કોઈ નથી ત્યાં મારી વહારે, ટીચર કરશે ગુસ્સો ભારે.

કેમ બતાવું બહાનું હું ને હાથ કેમ બે જોડું ! મારે તો...