Ajavalo Lyo - 3 Kirtida Brahmhbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Ajavalo Lyo - 3

જય ભગવતી

અજવાળા લ્યો !

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૩

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•વડલો

•પરીક્ષાનો ભાર

•જંગલ

•રમત ગમતમાં

•શહેર

•તેનુભાઈ તો જમવા બેઠા

•તેનુભાઈની ગાડી

•દાદાજીનો ઘોડો

•સૂરજ

•સહિયર ભણવા જાશું

•ટપુભાઈની સેના

•આંગણાના આંબલે

•રવિવારની રજા

•દાદા મુજને જવાબ આપો

•મારી ઊડી પતંગ

•આમ કેમ થાય

•અપ્પુભાઈ

•ટનનન ટન

•તેનુભાઈનો દંડો

•વાનરનો ખેલ

૧. વડલો

ઘેઘૂર ફાલ્યો વડલો, માંહી પંખીઓના માળા,

ડાળે-ડાળે ટહુકે ટહુકા ગૂંજે ગીત રૂપાળાં.

ચકલીબહેન તો ચકચક કરતાં બુલબુલ ટૂકટૂક ગાતું,

કલબલ કરતી કાબર કૂદતી લેલૂડું હરખાતું,

કુહુ કુહુ કોયલની સાથે ગાય કાગડા કાળા.

ટેંટેંટેંટેં પોપટ કરતા, દરજી ગૂંથતાં પાન,

ઘૂઉઘૂઉ ઘૂ કબૂતર કરતાં ભૂલી સઘળું ભાન,

સુઘરીબહેનના ઘર ગૂંથેલાં એ સૌમાં નિરાળાં.

ખિલખિલ કરતાં ખિસકોલીબાઈ લટકે ઉંધા માથે,

પટપટ પટપટ પૂંછડી કરતી રહેતી પંખી સાથે,

કાચિંડા કુદાકૂદ કરતા ત્યાં કરોળિયાનાં જાળાં.

૨. પરીક્ષાનો ભાર

પપ્પા મારી પરીક્ષાનો મમ્મીજીના માથે ભાર,

ચોપડીઓ ઉથલાવી વાંચે, પૂછે પ્રશ્નો વારંવાર.

વાતો નહીં, ના કામ બીજું કંઈ, રમવાનું તો નહીં લગાર,

દાદાદાદી ચૂપચાપ ને ઘર આખામાંહે સૂનકાર.

હું ને મમ્મી એક ઓરડે નીકળવાનું નહીં બહાર,

દોસ્તારો ના આવે આંગણ બોલાવે તો વાગે બાર.

એ ય ના ઉંઘે, ના ઉંઘવા દે, ચિંતા કરતી અપરંપાર,

આવડતું તો હોય બધું પણ ના છોડે મને ધરાર.

નાની અમથી વાતમાં આવું છે પપ્પા કરો વિચાર,

મોટા થઈ ઝીલવાના મારે કેમ કરી મોટા પડકાર.

પરીક્ષાથી પણ અઘરું છે, એમાંથી થવું પસાર,

વીનવું રોજ પ્રભુજીને ઝટ લાવે પરીક્ષાનો પાર.

૩. જંગલ

હું હરિયાળું જંગલ જીવું વૃક્ષોના સથવારે,

પંખીઓનો મીઠો કલરવ ગુંજે રોજ સવારે,

હરણ અહીં ને અહી વાનરો, અહીં જંતુ ને જીવ,

ફાલીફૂલી વધી, વાઘતા અહીંયાં રોજ સજીવ.

મુજથી વર્ષા, મુજથી ઔષધ, સંપત પણ ભરપૂર

પવન તણાં તોફાન રોકવાં, રોકી દેવાં મારે પૂર

હું પાળીને, હું જ પોષીને હું જ જીવન જીવાડું,

સ્વચ્છ હવા આપીને સહુની આફત હું જ ભગાડું.

મને ન કાપો, મને ન વાઢો, વિસ્તરવા દો આભે,

પશુપંખીની દુનિયા મુજથી, માનવ લાભે.

૪. રમત રમતમાં

પકડાપકડીની રમ્મતમાં થઈ ગઈ અથડાઅથડી,

સોનુ ને મોનુની વચ્ચે જામી ઝગડાઝગડી.

તેં મુજને કાં માર્યો ધકકો, ધકકો મારી પકડયો હાથ,

કોઈ દિવસ ના હવે બોલવું, મારે તો તારી સંગાથ

એમ કહી સોનુ દોડયો જઈ મમ્મીને કીધી ફરિયાદ,

ગણીગણીને જૂના સઘળા ઝગડા એણે કીધા યાદ.

મા બોલી રમતાં રમતાં તો આવું બેટા થઈયે જાય,

નાની અમથી વાત છે એમાં આ રીતે ના રિસાવાય.

ત્યાં તો મોનુ આવી બોલ્યો, મને કરી દે ભાઈ માફ,

પાછળ દેખી દોડવા જાતાં અડી ગયો છે તુજને હાથ.

ભેટી બંને હાથ મિલાવી બની ગયા પાછા દોસ્તાર,

ને ત્યાં તો ટોળીએ આવી હરખ ભર્યો કીધો કિલકાર.

૫. શહેર

હું ને પપ્પા સ્કૂટર ઉપર જોવા નીકળ્યા શહેર,

મમ્મીએ ત્યાં આવી કીધું, હેલ્મેટ તો પહેર,

પગથી ઉપર લોક દોડતાં વેગ તણો નહીં પાર,

લાંબા-પહોળા રસ્તા ઉપર વાહનની વણઝાર.

મોટા જોયા બંગલા ને ઉંચી કેંક ઈમારત,

અને ઉંચેરા આભને આંબતા મજલા દીઠા શતશત

સૂટબૂટમાં લોક મહાલતાં હોટલની જયાં હાર,

ખુલ્લાં તન ને થરથર ધ્રૂજતા લોક ફરે ત્યાં બહાર.

નહીં ઝાડનું નામ દીઠું, ના પંખીના ટહુકાર,

નહી ગોદરું પાદર ને ના ખુલ્લાં ઘરનાં દ્વાર,

આ તે કેવું શહેર છે પપ્પા કેવા અહીંના લોકો,

કોઈ કોઈને ના બોલાવે છો ને મળતાં વારંવાર.

૬. તેનુભાઈ તો જમવા બેઠા

તેનુભાઈ તો જમવા બેઠા લઈને નાની થાળી,

થાળીમાંહે શાક લીધું ને રોટલી ઘીવાળી,

હળવે-હળવે જમતા જાય, હાથ હલાવી રમતા જાય,

ઘડીક બોલે, ઘડીક ડોલે, ગીતો પણ ગણગણતા જાય,

ને એવામાં ઉધરસ સાથે આંખમાં આવ્યું પાણી.

ખમ્મા-ખમ્મા કરતાં ત્યાં તો દાદી દોડી આવ્યાં,

દાદાજી પણ પાણીનો ભાઈ પ્યાલો ભરી લાવ્યા,

પાણી પાયું તેનુભાઈને હળવેથી પંપાળી.

જમવા ટાણે જમવાનું બસ નહિ રમવું નહીં ગાવું,

ચાવીચાવીને નિરાંતે ખાવાનું ભાઈ ખાવું,

કહેતાં દાદીમાને તેનુભાઈ રહ્યા નિહાળી.

૭. તેનુભાઈની ગાડી

તેનુભાઈ તો ઘરમાં ફરતા લઈને છૂકછૂક ગાડી,

ડાબે વળતી, જમણે વળતી, દોડે ઉભી આડી,

રસોડામાં જાય તો પકડે મમ્મી કેરી સાડી,

પલંગ નીચે જઈ દાદાની નીંદર કે ઉડાડી.

સોફા ઉપર ધીમે ધીમે ચાલે, જાજમ લે વીંટાળી,

દાદર ઉપર ચડતાં દેતી ડબ્બા છૂટા પાડી,

દીવાલને અથડાતી ત્યારે થઈ જાતી એ આડી,

સીધી કરતાં વાર જ એ તો દોડે દોટો કાઢી. તેનુ.

ઉંબરને ઓળંગી ચાલે આંગણમાં મજાની,

રેત ઉડાડે, પાટા પાડે, ના રહે સહેજે છાની,

રસ્તા ઉપર ચડી ગઈ તો ઝાલી ના રહેવાની,

ચાવી પૂરી થાવાની એ ખાતી છેલ્લે ચાડી. તેનુ.

૮. દાદાજીનો ઘોડો

દાદા કેરી પીઠ ઉપર મારી અસવારી આવે છે,

દૂર ખસો દાદીમા તમને પપ્પાજી બોલાવે છે.

દાદ જેવા ઘોડાને ના જરૂર કોઈ લગામની

નહિ પેગડું, નહીં એડી કે નહીં રસ્તા મુકામની.

વાતો કરતાં-કરતાં દોડે ને પાછા એ ગીતો ગાય,

ફરીફરી મુજને દેખીને દાદાજી મલકાતા જાય.

તબડક-તબડક તબડક કરતા દાદા ઘરમાં દોડે છે,

પોરો ખાવા થોડું -થોડું સોફા માંહે પોઢે છે.

૯. સૂરજ

રોજ સવારે ઉગતો સૂરજ અજવાળું લઈ આવે,

અંધારાની દેખ પછી તો કોઈ ન કારી ફાવે,

હળવે-હળવે ઉપર ઉઠતો પંખીને ગવરાવે,

કૂકડેકૂક કરી કૂકડો પણ જગ આખુંય ગજાવે.

તેજ તણી એક ચાદર ઓથે તારલિયા સંતાડે,

ચાંદલિયાને તેજ ધરીને અજવાળે જ ડુબાડે,

કળીઓ ખીલવી વાયુ વાટે જગ આખું મહેકાવે,

રોજ સવારે ઉગતો સૂરજ અજવાળું લઈ આવે.

૧૦. સહિયર ભણવા જાશું

નિશાળમાં આપણ સૌ સહિયર

સાથે ભણવા જાશું,

નવું-નવું લખશું, વાંચીશું;

કાલે મોટા થાશું.

મારે શિક્ષક થાવું છે,

લીલાને થાવું ડોકટર,

ઈલા એન્જીનીયર થાશે,

ને અલકા ઓફિસર.

જાતજાતનું જ્ઞાન લઈશું

ભણશું જીવતર કેરા પાઠ,

સૂઝબૂઝથી ટાળશું સંકટ

નહિ રહે કોઈ ઉચાટ.

ભણીગણીને કેૈંક બનીશું,

અમે કરીશું સારાં કામ,

દેશને ખાતર જીવશું એવું

કરશું રોશન દેશનું નામ.

૧૧. ટપુભાઈની સેના

ડુંગર ચડવા ચાલી આજે ટપુભાઈની સેના,

સેનામાં છે સોનુ, મોનુ, સાથે નાની બેના,

ટપટપ કરતી ઉપડી એના નાના પગલે દોડી,

ઉંચેઉંચે ચડવા લાગી તળેટીને છોડી,

ઝટપટ જાતાં સહુએ પાછળ કોઈ રહે ના,

ડુંગર ચડવા ચાલી આજે ટપુભાઈની સેના.

ઝાડી આવે, ઝાંખરા આવે, કાંટા ને વળી કાંકરા આવે,

ઠંડા-ઠંડા કલકલ કરતાં ઝરણાં મીઠાં ગીત સુણાવે,

બોર, કરમદાં ખાતાં-ખાતાં થાક, ભૂખ ના લાગે ના,

ડુંગર ચડવા ચાલી આજે ટપુભાઈની સેના.

નાનીમોટી કેડી આવે, વાંકી આડીતેડી આવે,

ભૂલા પડીને ભટકે તોયે હિંમત ના કોઈ ગુમાવે,

ચડતાં-પડતાં દોડે ના તો ટોચ કદી લાધે ના,

ડુંગર ચડવા ચાલી આજે ટપુભાઈની સેના.

૧૨. આંગણાના આંબલે

આંગણાના આંબલે આવે પોપટજી,

લીલેરી ફોજ બોલાવે પોપટજી,

ચાખીચાખીને કેરીઓ ખાતા,

આખુંયે આભલું ગજાવે પોપટજી.

ઘૂઉઘૂઉકઘૂક કરતાં પારેવડાં,

મોટેથી બોલું તો ડરતાં પારેવડાં,

ટક ટક ટક ચણતાં ને અહીંતહીં ફરતાં,

છાજલીમાં માળો બનાવે પારેવડાં.

ટેહુક ટેહુ કરી બોલે મોરલિયો,

કળા કરીને દેખ ડોલે મોરલિયો,

થનક થનક થન નાચી નાચીને,

મેહુલિયાને બોલાવે મોરલિયો.

૧૩. રવિવારની રજા

રવિવારની રજા મળે ને રમવાની કંઈ મજા,

હું ને બેની દરિયે જાતાં લઈ નાનકડી ધજા.

રેતીનું મંદિર બનાવી ધજા પછી ફરકાવું,

હું જ પૂજારી મંદિરનો થઈ ટનટન ઘંટ બજાવું.

બેની ગાતી ગીત મજાનાં ને હું દેતો તાલ,

મીઠડી મારી બેની ઉપર ઉભરાતું બહુ વહાલ.

સૂરજ દરિયે ડૂબતો ત્યાં તો દિવસ પૂરો થાતો,

પાછાં ફરતાં અમને બીજો રવિવાર દેખાતો.

૧૪. દાદા મુજને જવાબ આપો

દાદા, મુજને જવાબ આપો, નહિ તો માની લેજો હાર,

અઘરો કોઈ સવાલ નથી કે કરવાનો હોયે વિચાર.

તારા ગણવા કેમ કરીને, કેમ કરીને ગણવા વાળ,

આજની પહેલાં પણ આવે ને આજ પછી કાં આવે કાલ !

દાદા દરિયાના પાણીમાં મીઠું શાને ભારોભાર,

ને વાદળ કયાંથી ઠલવે છે, મીઠાં જળ કેરા ભંડાર ?

દાદાજીના માથે ઉડતા શાને ધોળાધોળા વાળ,

ને પપ્પાજીના માથામાં પડવા લાગી શાને ટાલે ?

૧૫. મારી ઉડી પતંગ

મારી ઉડી પતંગ ઉંચે આકાશે,

જાય દૂરદૂર દૂર સૂરજ પાસે,

નહીં પાંખો ના આંખ,

નહીં પંખી સંગાથ,

કરે વાયુથી વાત.

જાય ઠુમ્મક-ઠુમ્મકતી ઉલ્લાસે,

કયાંક ડોલંતી જાય,

કયાંક ઝોલાં એ ખાય,

કયાંક એકાદા ઠુમકામાં,

સીધી જઈ જાય.

જાય વાતો કરવાને વાદળ પાસે,

મારી ફીરકીની દોર,

સર સર સર સર ગાય,

પછી બાંધું બીજી હું

જો ખાલી એ થાય

પેચ લેવા પીળીને ના દેખાશે.

૧૬. આમ કેમ થાય

મમ્મીની રોટલી ગોળગોળ થાય,

મારી રોટલી ચોંટી-ચોટી જાય,

દાદી મને કહોને કે આમ કેમ થાય !

મમ્મીને સાડી કેવી સોહાય,

અને મારાથી કેમ ના પહેરાય,

દાદી મને કહોને કે આમ કેમ થાય !

ચશ્માં પહેરીને દાદા છાપું વાંચે,

ને એમાં મને તો કંઈ ના દેખાય,

પપ્પા ઓફિસ જાય, ભાઈ નિશાળમાં,

મારાથી કયાંય ના જવાય,

દાદી મને કહોને કે આમ કેમ થાય !

ફેરફૂદરડી બેની ફરે છે,

આખા તે ઘરમાં ઘૂમઘૂમ કરે છે,

સંતાકૂકડીના ખેલમાં બેની,

સખીઓ સાથે સંતાય,

દાદી મને કહોને કે આમ કેમ થાય !

૧૭. અપ્પુભાઈ

અવળચંડા અપ્પુભાઈ સીધા કદી ન ચાલે,

રસ્તામાં ઠોકર મારીને પથ્થર ઉંચે ઉછાળે.

ઘરમાં વાંકાચૂંકા દોડે પાળી પર ગુલાંટ મારે,

શાંત સૂતેલી બેનલડીને હળવી ટપલી મારે,

રડી પડે બેની તો પાછા હસી-હસી પંપાળે.

દાદાનાં ચશ્માં પહેરે ને લાકડી લઈ સંતાડે,

દીવાલ ઉપર આંક લખે ને નોટો કોરી ફાડે,

મમ્મીનો ગુસ્સો દેખી એ ઉંઘે સાવ અકાળે.

૧૮. ટનનન ટન

ઘંટ વાગે ટનનન ટન છોકરાં છૂટે સનનન સન,

નિશાળ છૂટી, જાણે છૂટયાં સૌ બાળકોનાં બંધન,

કૂદતાં જાય, દોડતાં જાય, પાટલીઓ બધી ઠેકતાં જાય,

નહિ આઘું ના પાછું જોતાં મનમાંહે કેવાં મલકાય.

દફતર એવું ભરી દીધું છે જાણે લાગે થેલો,

બુશકોટ ધોળો-ધોળો પણ થઈ ગયો છે મેલો,

નોટો ને ચોપડીઓ સૌના દફતરમાંથી લ્યો ડોકાય,

લંચબોકસનું ઢોલ બનાવી ઢમઢમ ઢમઢમ પીટતાં જાય.

લાલુ લખોટીઓ લેશે ને રામુ રમકડાં રમશે,

બાલુ જાશે બાગમાં ફરવા જીતુ જઈને જમશે,

રસ્તો આખો રમત તણું મેદાન મને તો છે દેખાય,

ને એમાં યે શનિવારના દિવસે બાળક બહુ હરખાય.

૧૯. તેનુભાઈનો દંડો

રમતાં - રમતાં તેનુભાઈને પગમાં વાગી ઠેસ,

મમ્મી બોલી આવને બેટા મારી પાસે બેસ.

પણ તેનુભાઈ રડવા લાગ્યા; આંખમાં આવ્યાં આંસુ,

ગોરા ગાલે આવી બેઠું જાણે કે ચોમાસું.

બેનીએ જરા બરફ ઘસીને પગને કીધો ઠંડો,

તેનુભાઈએ હાથમાં લીધો દાદાજીનો દંડો.

દંડો પાછો પાંચ ફૂટનો ને તેનુભાઈ નાના,

મૂકી દેવા સૌ સમજાવે પણ એ માને શાના.

ને એવામાં આવી એના દોસ્તારોની ટોળી,

દંડો મૂકી ભાગ્યા ભાઈ પીડા મળે નહીં ખોળી.

૨૦. વાનરનો ખેલ

અહીંથી આવ્યા અકુભાઈને તહીંથી આવ્યો તેનુ,

સાથે બે ડગ ચાલ્યા ત્યાં તો સામો આવ્યો સોનુ.

ગામલોકને જાતાં દીઠાં આજ ગામને પાદર,

ત્રિપુટી પણ ભેગી થઈ એ જોવા ચાલી આખર.

ત્યાં દીઠો એક મદારીનો ખેલ ચાલતો ભારે,

લાકડીકેરી ટોચે વાનર ઉંચી ગુલાંગ મારે.

વળી નાચતું રીંછ નીચેથી સોટી પણ ફટકારે,

વાનર નખરાં કરી બતાવે સિસકારે-સિસકારે.

રૂપા લઈને રોટલો આવી એ વાનરને કાજ,

મદારી એ ઝૂંટવી બોલ્યો બહુ ખાધું છે આજ.

દયામણો થઈ વાનર બેઠો ભૂખે હતો પીડાતો,

ખેલ કરાવે મદારી પણ ખુદ એકલો ખાતો.

વાનરની કોટીને ખિસ્સાં ચાર હતાં મજાનાં,

ચીનુભાઈએ ચણા એમાં ભર્યા છાનામાના.

રાધા ને રૂપાએ દીધો મદારીને ઠપકો

ને લોકોએ સાદ પુરાવી આપ્યો મોટો ઝટકો.

ગયો મદારી ગુસ્સામાં ેને વાનર કંઈ મલકાતો,

સોનુ, તેનુ બોલ્યા ચીનુ ભારે કરી આ તો.