Ajavalo Lyo - 2 Kirtida Brahmhbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Ajavalo Lyo - 2

જય ભગવતી

અજવાળા લ્યો !

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૨

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ક્યાંથી આવ્યાં

•મને મળી જો જાશે

•જોડકણાં

•જોડકણાં

•ફરતું પુસ્તકાલય

•ફૂલપરી

•મેઘસવારી આવે છે

•મોઈદાંડિયો

•મારું ઘર

•ગુલાબ

•નજર અમારી

•ચાડિયા માથે

•મોજાં

•કાગડાંને કહું છું

•આંબો વાવ્યો

•ગલૂડિયું

•પોપટની નિશાળ

•વૅકેશન

•બુલબુલ

•ક્રિકેટમૅચ

૧. કયાંથી આવ્યાં

પતંગિયાં પરીઓની પાસે જઈને રંગો લઈ આવ્યાં

ફરીફરીને ફૂલ ફૂલડે રંગ-રંગ થઈને આવ્યાં.

સાંજ પડે ને આકાશે લ્યો રંગ ગુલાબી ઢોળાયા

ને ચોમાસે મેઘધનુના રંગ જુઓ કયાંથી આવ્યા.

શીતળ ચાંદલિયાને કોણે દૂધ હશે એવાં પાયાં

કે અંધારી રાતે એનાં તેજ જુઓને પથરાયાં.

વાદળ-વાદળ પાણી દેવા આકાશે દોડી આવ્યાં

ને વરસી-વરસીને પાછાં જઈને કયાં-કયાં સંતાયાં.

સૂરજના તેજે અંધારાં કેમ કરીને ઢંકાયાં

ને પંખી કંઠેથી કેવાં ગીત મધુરાં રેલાયાં.

કોણ જગાડે, કોણ રમાડે, કોણે દીધી છે કાયા,

આપણ સહુએ બાળક એનાં, એના કાજે સર્જાયાં.

૨. મને મળી જો જાશે

કોયલરાણી કંઠ મીઠો તું તારો મુજને આપજે,

ગમતીલા સૂરમાં રાણી તું રોજ પછી આલાપજે.

રંગકટોરી મોરલિયા તું મુજને આણી દેજે,

ઢેલડની સાથે આંગણમાં તું ય મોજથી રેજે,

મને કાગડાભાઈ તમારી જો આપોને દૃષ્ટિ,

કચરો ખોળી રોજ ઉપાડી સાફ કરું હું સૃષ્ટિ.

ને શીતળતા ચાંદલિયાની મને મળી જો જાશે,

તો તો તાપ જગતના હરંતા મુજને ટાઢક થાશે.

૩. જોડકણાં

દડી નાની દડી

ઉછળી પડી

ધડામ્મ ધબ્બ

દઈ રગડી

પાછી વળી

મને અડી

ટપટ કરતી ગઈ ગબડી.

આંબો

બેનડી વાવે આંબો,

ભાઈલો પાતો પાણી

આંબે આવશે કેરી

કરશું રે ઉજાણી.

બહેનભાઈ

બેનડી નાચે થનગન થનગન,

ઝાંઝર ઝણકે રણઝણ રણઝણ.

ભાઈ બજાવે ઢમઢમ ઢોલ,

તા તા થૈ થા બોલે બોલ

ભાઈ બેઠો ભણવા,

ને બેની બેઠી ગણવા,

ગણતાં-ગણતાં ભૂલ પડી,

તો બેની બેઠી રડવા.

રડતાં-રડતાં ગાલે એના

આંસુ લાગ્યાં દડવાં.

કેરી

ખાટ્ટી કેરી, મીઠ્ઠી કેરી,

આંબા ડાળે દીઠી કેરી,

પોપટ ખાતો પાકકી કેરી,

કોયલ ખાતી કાચી કેરી.

કેરીમાં એક પોટલી,

પોટલી માંહે ગોટલી,

માથે ખૂલે ચોટલી,

ખાશું રસ ને રોટલી.

૪. જોડકણાં

ફાલ્યોફૂલ્યો વડલો ને વડલે વડવાઈ,

હીંચક હીંચે બેનડી ને હીંચકાવે ભાઈ.

વડલે બેઠા ટેટા એ ટેટા તો રાતા,

રાતા ટેટા ગુંજે ભરતાં છોકરાં હરખાતાં.

ઉચું-ઉચું આભલું ને આભલામાં તારા,

ગણ્યા એટલા તારા ને બાકીના સૌ મારા,

તારા તારા થોડા ને મારા ભાગે ઝાઝેરા,

ચમકે એટલા ચૂંટવા ને બાકી લાગે આઘેરા.

૫. ફરતું પુસ્તકાલય

રમઝુચાચાની ગાડી લો,

આવી પોળના નાકે,

જાતજાતનાં પુસ્તક એ તો

લાવી થોકેથોકે.

બાલુડાંઓ માટે લાવી

ભાતભાતનાં ગીતો,

વિધવિધ લાવી વારતા

સાથે નેતાઓની વાતો.

દાદાદાદી માટે એ તો

કથા-વારતા લાવી છે.

આખીયે દુનિયાની વાતો

તે માંહે સમાવી છે.

સહુને કહેતાં પુસ્તક વાંચો

પુસ્તક સાચાં સાથી છે,

કદી ન છોડે સાથ આપણો

સદાયના સંગાથી છે.

૬. ફૂલપરી

ફૂલડાં જોતાંવેંત જ મુજને ફૂલપરી દેખાતી,

આખેઆખી મધમધ થાતી મીઠું-મીઠું ગાતી,

મારી સામે નીરખી-નીરખી એ ય હશે હરખાતી,

કોમળ-કોમળ અંગ અને એ રંગોથી ઉભરાતી.

સરવર કેરા જળમાં દીઠી જલપરીઓ મેં ગાતી,

સરક દઈને સરકી-સરકી ઉડે-ઉડે જાતી,

પળમાં પાસે પહોંચી આવી મોઘેરું મલકાતી,

ઝાલી મારો હાથ ચાલતી સરવરીયે લહેરાતી.

મધુરપ આપી, ટાઢક આપી, રંગ અને સુંવાળપ આપી,

આ જગને હરિયાળું કરવા હળવી-હળવી છાલક આપી,

જલપરી ને ફૂલપરી બે મારી સહિયર સાચી,

કેવી જગને દોલત દીધી રંગરૂપ છલકાતી.

૭. મેઘસવારી આવે છે

ગડગડગડ ગડગડ ગડગડ કરતી, મેઘસવારી આવે છે,

વીજકડાકાને નોતરતી, મેઘસવારી આવે છે.

વાયરો આજ ચડયો વંટોળે, મેઘસવારી આવે છે,

રસ્તો એનો કયાંથી ખોળે, મેઘસવારી આવે છે.

સહુ છોકરાં ઘરમાં જાજો, મેઘસવારી આવે છે,

પંખીડાઓ પોઢી જાજો, મેઘસવારી આવે છે.

રાયણ ને જાંબુડાં સાથે, મેઘસવારી આવે છે,

કાળાંડિબાંગ વાદળ માથે, મેઘસવારી આવે છે,

રસ્તે રસ્તા ભીના કરવા, મેઘસવારી આવે છે,

ધરતીને હરિયાળી ધરવા, મેઘસવારી આવે છે.

લાય ઝરંતો તડકો હરવા મેઘસવારી આવે છે,

સૌનાં હૈયે ટાઢક કરવા, મેઘસવારી આવે છે.

મેઘધનુના રંગ ચીતરવા, મેઘસવારી આવે છે,

ખેતર મબલખ મોલે ભરવા, મેઘસવારી આવે છે.

૮. મોઈદાંડિયો

મોઈદાંડિયો લઈને ઉભો પપ્પુ ઘરની આગળ,

ગબ્બી ખોદી ગિલ્લી મૂકી ડંડો એની પાછળ.

તડાક દઈ ટોલ્લો મારીને લીધો જેવો દાવ,

બચુકાકાની બારીમાં લાગ્યો એવો ઘાવ.

કડકડ કરતો કાચ ફૂટિયો બારી થઈ ગઈ ખુલ્લી,

બુમરાણ ત્યાં મચી ગઈ ને થઈ ગઈ હુલ્લાગુલ્લી.

નાના અમથા પપ્પુભાઈના હાલ થયા બહુ બૂરા,

માફી માગી રડવા લાગ્યા મૂકી દાવ અધૂરા.

ને એવામાં દોસ્તારોનું દોડી આવ્યું રે દળ,

એકમેકના હાથ ઝાલીને કીધી લાંબી સાંકળ.

હાશ થઈ પપ્પુને સહુએ પાડયો ઝઘડો ઠંડો,

અને છોકરાં પહોંચ્યાં પાછાં લઈ ગિલ્લી ને ડંડો.

૯. મારું ઘર

એક રૂડું રૂપાળું, નાનું, વહાલું-વહાલું ઘર છે મારું,

દાદાદાદી, મમ્મીપપ્પા સંગે મુજને લાગે પ્યારું.

ઘરના એક ખૂણામાં મંદિર, મંદિરમાં ભગવાન,

રોજ સવારે વંદન કરવા કરી લઈને સ્નાન.

સૂરજનાં કિરણોને ઘરમાં બારી વાટે હું જ ઉતારું,

એક રૂડું રૂપાળું, નાનું, વહાલું-વહાલું ઘર છે મારું.

ચોખ્ખું મારા ઘરનું આંગણ, શોભે તુલસીકયારો,

હરિયાળા લીમડાની ડાળે હું છું હીંચકનારો

પંખીઓના કલરવ સાથે સવારે હું શણગારું,

એક રૂડુેં રૂપાળું, નાનું, વહાલું-વહાલું ઘર છે મારું.

નવી-નવી વાતોનો દાદા ખોલે રોજ ખજાનો,

ભજન મધુરાં દાદીમાનાં રોજ સવારે માણો.

વહાલી મારી મમ્મી સાથે ભણવું લાગે સારું,

એક રૂડું રૂપાળું, નાનું, વહાલું-વહાલું ઘર છે મારું.

મારા દોસ્તારોને મારા ઘરમાં જો બોલાવેું,

તો પપ્પાજી કહેતા, ચાલો હું પણ રમવા આવું.

મોજમજા ને હસીખુશી, હું ઘરમાં રોજ વધારું,

એક રૂડું રૂપાળું, નાનું, વહાલું-વહાલું ઘર છે મારું.

૧૦. ગુલાબ

છે ગુલાબ કેરું ફૂલ મને બહુ વહાલું,

સૌ ફૂલોમાં સ્થાન છે એનું જગમાંહે નિરાળું.

ખીલતી કળીઓ જાણે હસતી લાગે બેની મારી,

હળવેથી ડોલે તો લાગે હસતી દુનિયા સારી.

ઝાકળબુંદો ઝળકે જાણે મલકે મોતન માળા,

રૂપ, રંગ ને ગંધ તણા મે દીઠા ત્યાં સરવાળા.

ગુલાબફૂલ હું ના તોડું એ ડાળ ઉપર બહુ શોભે,

કરમાવા ના દઉં જરાયે મારા થોડા લોભે.

પાંખડીઓ સૌ હળીમળીને ફૂલ બનાવે એક,

તેથી તો સૌ કંટક કેરી તૂટી જાતી ટેક.

૧૧. નજર અમારી

આકાશ ભણી છે નજર અમારી

નિશાન ઉંચા તાકયાં,

દુનિયાના સૌ રંક રાયને

એક આંકથી આંકયા.

નહિ જાતિ, નહિ ધર્મભેદ કે

નહિ નાનાં, નહિ મોટાં

સત્ય તણા સૌ સાથી બનશું

કામ ન કરશું ખોટાં.

નવા જગતને નવલા રંગે

રંગી દેશું જાતે.

વેર નહિ, નહિ દ્વેષ-રાગ

ના ડરશું કોઈ વાતે.

કર્મ અમારો ધર્મ હશે

ને મંત્ર હશે મહેનતનો.

પાક હશે લહેરાતો લીલો

સાચી સૌ જહેમતનો.

૧૨. ચાડિયા માથે

ચકલીબહેન તો ચકચક કરતાં ચડયાં ચાડિયાં માથે,

આંખમાં મારી ચાંચ અને ભઈ અડકી લીધું હાથે.

અહીંતહીં ઉડતી, ઝૂલતી ને ગીત મધુરાં ગાતી

કટકટ કરતી ચણવા લાગી ચકલાભાઈની સાથે.

ચીંચીં ચકચક કરી કરી, તેડાવ્યાં પંખીટોળાં,

કાળા કાળા કાગ આવિયા, આવ્યાં કબૂતર ધોળાં,

સૂડા, પોપટ ટેંટેં કરતાં ખેતર લીધું માથે.

કાળિયો કૂતરો ભાઉ-ભાઉ કરતો આવ્યો દોડી દોડી,

ફરરર કરતાં ઉડયાં પંખી, ખેતર દીધું છોડી,

હળવે રહીને કાળીયો બેઠો ગલૂડીયાંની સાથે.

૧૩. મોજાં

થપ્પો રમતાં-રમતાં મોજાં

દરિયાને ઘમરોળે છે,

એકમેકની પાછળ દોડી,

એકમેકને ખોળે છે.

જળની ઉંચી કરી કટોરી

રેતીને રગદોળે છે.

પવન તણી પે’ રી પાવડીઓ

ચડી ગયાં હિલ્લોળે છે,

શંખછીપલાં લઈને કેવાં

આવ્યાં ટોળેટોળે છે.

રાતે થાકીને મરડાતાં

ફોરાં આંખો ચોળે છે,

મીઠી નીંદર લેવા આવ્યાં

ધરતીમાને ખોળે છે.

૧૪. કાગડાને કહું છું

કાગડાને કહું છું કે કા... કા કરીને,

હવે આખો દિવસ ના બરાડે.

ઘરમાં સૂતી છે મારી બેનડી રૂપાળી

એની ના ઉંઘ એ બગાડે.

ખિલખિલખિલ કરતી અલી ખિસકોલી નાનકી,

રોજ-રોજ આવજે સવારે,

દાણા નાખીશ તને, રોટલીના કટકા ને

આપીશ હું ગાંઠિયા વધારે.

પટપટ પટ દોડજે ને તાલી તું દેજે મને

ઝાડ ઉપર લટકે ને ત્યારે

ચકલાં કરે અહીં ગોખલામાં માળા ને

આંગણામાં પગલીઓ પાડે.

કાબર, કબૂતર ને હોલા તો તાનમાં

સૂર પોતપોતાના કાઢે,

વહેલી સવારમાં મેળો ભરીને રોજ

આંગણની શોભા વધારે

કાગડાને કહું છું કે કા... કા કરીને

હવે આખો દિવસ ના બરાડે.

૧૫. આંબો વાવ્યો

ચીંટુ ને પીંટુએ આંબો ખેતર માંહે વાવ્યો છે,

રામુ ને શામુએ એને પાણીથી નવડાવ્યો છે.

રોજ કરીશું જતન રૂડાં ને લઈશું રે સંભાળ,

ખાતર, પાણી દેવા માટે કરશું ફરતી વાડ,

એમ કહીને સહુએ બેઠાં લઈ માટી ને ગાર,

ને ત્યાં નાનું લઈને પિંજર દોડી-દોડી આવ્યો છે.

ચીંટુ ને

કાલ થશે આંબો મોટો ને ફાલશે ડાળેડાળ,

આમલી-પીપળી રમશું, ખાશું કેરી કેરો ફાલ,

કુહૂ-કુહૂ કોકિલ શો ત્યાં તો ટહુકયો રે કુણાલ,

વસંત કેરો વાયુ જાણે સપનું લઈને આવ્યો છે.

ચીટું ને

૧૬. ગલૂડિયું

એક મજાનું ગલૂડિયું મારા આંગણમાં આવ્યું,

સાથે એના જેવાં નાનાં બે સાથીને લાવ્યું,

ઘરમાંથી લાવીને એને રોટલી એક ખવડાવી

ત્યાં તો પાછળ ગલૂડિયાંની ફોજ દોડતી આવી,

મારી બાએ ચાટ ભરીને દૂધ પછી પીવડાવ્યું,

એક મજાનું ગલૂડિયું મારા આંગણામાં આવ્યું.

ખાધું પીધું, ખૂબ રમ્યાં ને કીધી ખૂબ ધમાલ,

પંપાળીને એના કંઠે બાંધ્યો એક રૂમાલ

ને એણે ચાટીને મુજને વહાલ કરીને બતાવ્યું,

એક મજાનું ગલૂડીયું મારા આંગણમાં આવ્યું.

રોજ પછી તો દોસ્ત બની એ મારી સાથે ચાલે,

મેદાને આવે રમવા ને આવે રોજ નિશાળે,

રાત પડે ઉંબરની આગળ સ્થાન પછી તો જમાવ્યું,

એક મજાનું ગલૂડિયું મારા આંગણમાં આવ્યું.

૧૭. પોપટની નિશાળ

શહેર તણી નિશાળમાં જઈને પીંકુ પોપટ આવ્યો છે,

ટીચરના ફેકેલા નાના ચોકના ટુકડા લાવ્યો છે.

કાળા મોટા હાથીભાઈના પેટ ઉપર લખવાનો છે,

એકડો,બગડો લખતાં સહુએ જંગલમાં શીખવાનો છે,

સૌને ભેગાં કરવા તેથી ઢંઢેરો પિટાવ્યો છે.

ચકલી ભણશે, ચકલો ભણશે, ભણશે કોયલ, કાબર,

મોર, હરણ ને ઘેટાંબકરાં સાથે ભણશે સાબર,

વડલાના છાંયાને ભણવા માટે ખંડ બનાવ્યો છે.

ધરતી કેરી પાટી કીધી, ડાળી તોડી કીધી પેન,

ટનટન ટનટન ઘંટ વગાડી આવી બેઠાં બકરીબહેન,

હાજરી પૂરી દઈ પપ્પુએ લો કકકો ભણાવ્યો છે.

૧૮. વેકેશન

ભાઈ ને બેની દોડતાં આવ્યાં

પૂરી થઈ પરીક્ષા,

ઝટપટ ઝટપટ ઘેર જવાને,

પકડી લીધી રીક્ષા.

દફતર ઉચું મૂકી દીધું,

ને મૂકયો ગણવેશ,

બોલબેટ, રેકેટને બાએ

કાઢયાં કેરમ, ચેસ.

પપ્પા લાવ્યા પુસ્તકો

ભાઈ વાંચો થોકેથોક,

કથા, વારતા ગીત, કોયડા,

નહી રોક કે ટોક.

રમશું હરશું, ફરશું, કરશું

જાત જાતના ખેલ,

રંગરંગના કાગળમાંથી

બનશે ફૂલ નેમહેલ.

ચોકલેટનો પર્વત

દાદા કરશે અઢળક વહાલ,

મમ્મી ખવડાવી પિવડાવી

પંપાળી લેવાની ગાલ.

વેકેશનની મજા લૂંટશું,

શીખશું નાનાં મોટાં કામ

મમ્મીને પણ એમ કરીને

અમે કરાવીશું આરામ.

૧૯. બુલબુલ

ટુકટુક ટુકટુક બોલ બોલતું બુલબુલ ડાળે બેઠું છે,

કૂદકૂદ કૂદકૂદ કરી ડોલતું બુલબુલ ડાળે બેઠું છે.

કાળો કાળો રંગ ને એના શિર પર તાજ મજાનો છે,

રૂડા એના કંઠથી ઉઘડે મીઠો રોજ ખજાનો છે,

તાલ દઈને સૂર છેડતું બુલબુલ ડાળે બેઠું છે.

પૂંછડી નીચે સંતાડેલો રંગ કેસરી ખોલે છે,

ચકળવકળ ઝીણી આંખેથી ઝાડપાંદડાં તોલે છે,

હળવે રહીને પાંખ ખોલતું બુલબુલ ડાળે બેઠું છે.

૨૦. ક્રિકેટમેચ

પંખીના ટોળાએ આજે પશુઓને પડકાર્યા છે,

બેટ અને લઈ બોલ એટલે મેદાને પધાર્યા છે.

ચકલા, પોપટ, મોર, કબૂતર, તેતર કેરી ટોળી છે,

એમાં હંસ, બતકની સાથે બગલી ધોળી-ધોળી છે.

અંપાયર થઈ ચામાચિડીયું ઉંધા માથે લટકે છે,

કેપ્ટન થઈને કાગડો કેવો અહીંયા-તહીંયાં ભટકે છે.

ને એવામાં સમડી કેરો બોલ છૂટે છે સમ સમ સમ,

હાથીભાઈ બેટ ઉગામી દોડવા લાગ્યા ધમ ધમ ધમ.

કોયલ કેરા પહેલા બોલે કેચ કાગડાએ કીધો,

હાથી કેરી વિકેટ લઈને જંગી જીતી અડધો લીધો.

પટપટ સૌને આઉટ કરીને પંખીઓ બહુ ફાવ્યાં છે,

ઉડી ઉડી ચોગ્ગા ફટકારી પશુઓને હંફાવ્યાં છે.