Earth 0.0
An ideal way of living
DAY 1
(Afternoon)
આજે પ્રથમ વખત સવારે વહેલા ઉઠવામાં મને મોડુ થયું હશે પરતું એ મારી ચિંતાનું કારણ ન હતુ, આંખો સામે તીવ્ર પ્રકાશ હતો, શ્વાસ લેવામા મને તકલીફ પડી રહી હતી, માથાનો દુઃખાવો અને હું જમીન પરથી ઉઠવા માટે પણ અસમર્થ હતો. મારા શરીરને નાના દોરાઓ વડે જકડી રાખ્યું હોય એવો અનુભવ થઇ રહ્યો હતો. સખત ગરમીના કારણે શરીરનું પાણી પરસેવો બની રહ્યુ હતુ અને તીવ્ર પ્રકાશના કારણે હું નજીક પડેલી વસ્તુઓ પણ જોઈ શકતો ન હતો. મેં ઉભા થવાની કોશિશ કરી પરંતુ શ્વાસ લેવાની તકલીફના કારણે શરીરમાં એટલી શક્તિ બચી ન હતી. મારી હલન-ચલન જોઈ કોઈએ રૂમની તમામ બારીઓ બંધ કરી અને આખો આગળથી પ્રકાશ દુર થયો.
(Evening)
હજી મને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો પરંતુ હું આ શબ્દો અન્ય ગ્રહ પરથી લખી રહ્યો છું. મારા મગજમાં હમણાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે જે પ્રશ્નો તમને પણ થશે જયારે જાણશો કે હું આપણી પૃથ્વી પર નથી. આજે જયારે રૂમની તમામ બારીઓ બંધ થઇ ત્યારે હું મારી આજુ બાજુ રહેલી તમામ વસ્તુઓ જોઈ શક્યો. મેં આજ સુધી જોયેલા તમામ રૂમોથી પણ વિશાળ આ ઓરડામાં ફક્ત હું એકલો હતો અને અન્ય એક માણસ જે બારીઓ બંધ કરી રહ્યો હતો. હું એ પણ નક્કી કરી શકતો નથી કે એને માણસ કેહવો કે એલિયન પરંતુ હું એને મિત્ર ચોક્કસપણે કહી શકું કારણ કે એ મને ઉભા થવામાં મદદ કરી રહ્યો હતો. મારા માટે સૌથી આશ્ચર્યની વાત એની લંબાઈ છે, બાર થી તેર ફૂટ લાંબો આ મિત્ર મારી તરફ એકધારી નજરે જોયા કરે છે. મારા એક પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે, બાર ફૂટ લાંબા માણસો માટે આ રૂમ વિશાળ કહી શકાય નહી.
DAY 2
આખી રાત મેં મારા નવા મિત્રને જોયા કર્યો અને એણે મને. મેં એના સાથે વાત કરવાની પણ કોશિશ કરી પરંતુ મને લાગે છે કે એને મારી સાથે વાત કરવાની પરવાનગી નથી. મને તો એ પણ ખબર નથી કે એ બોલી શકે છે કે નહિ અને મારી ભાષા સમજી શકે છે કે નહિ. આખી રાત હું પણ મારી જગ્યા પર જ રહ્યો કારણ કે મારામાં ચાલવાની પણ શક્તિ ન હતી. આજુ-બાજુની તમામ વસ્તુઓ લાલ રંગની હતી, અને મારા માટે આ વિશાળ લાગતો ઓરડો આ ગ્રહની જેલ હોય એવું લાગી રહ્યું હતું. આ જગ્યા પૃથ્વીથી ખુબ જ અલગ છે, અહી ક્યારેક ખુબ જ અજવાળું હોય છે તો ક્યારેક ખુબ જ અંધારું. ક્યારેક ખુબ જ ગરમી તો ક્યારેક ઠંડી નો અનભવ પણ થાય છે. રૂમમાં કોઈ લાઈટ કે પંખા નથી. સમય અને કયો દિવસ ચાલી રહ્યો છે એ પણ ખબર પડતી નથી, જયારે પણ ડરનો અનુભવ થાય છે ત્યારે ભગવાનને યાદ કરી લઉ છું. મને મારી સાથે શું થયું એ યાદ નથી પરંતુ અહી આપણી પૃથ્વીની યાદ બહુ આવે છે.
આજ સુધી હું એમ માનતો હતો કે પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન શક્ય નથી અને કોઈ એલિયન કહી શકાય એવા જીવોનું અસ્તિત્વ નથી. મારી માન્યતા એવી હતી કે આ બ્રહ્માંડમાં મનુષ્યો જ સર્વશક્તિમાન છે, કારણ કે આપણે મનુષ્યો કોઈ એલિયનને શોધી શક્યા નથી અને જો આપણા કરતા શક્તિશાળી એલિયનનું અસ્તિત્વ હોત તો તેઓ આપણને શોધવામાં સફળ રહ્યા હોત. પરંતુ આ તમામ માન્યતાઓ ખોટી પડી જયારે ઝેઉસ મને જોવા આવ્યા.
મારો શક સાચો હતો, હું આ ગ્રહની જેલમાં છું, કદાચ આ લોકોએ મને દુશ્મન સમજી લીધો હશે પરંતુ હું એમને એ પણ કહી શકતો નથી કે હું દુશ્મન નથી. કદાચ એમના માટે હું એલિયન હોઈશ. હવે મારો ડર થોડો ઓછો થયો છે અને હું હજી જીવિત છું એનો અર્થ એમ થયો કે આ લોકો આપણાથી શક્તિશાળી છે અથવા આ લોકોને મારાથી કોઈ ખતરો નથી.
આજે ઝેઉસ મને જોવા આવ્યા, ઝેઉસ અહીંના વૈજ્ઞાનિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઝેઉસ આપણી પૃથ્વીની તમામ ભાષાઓ જાણે છે અને એમને ખબર છે કે હું પૃથ્વીનો રેહવાશી છું. એમણે મારી સાથે અંગ્રેજી, હિન્દી અને આપણી ગુજરાતી ભાષામાં પણ વાત કરી. ઝેઉસના કેહવા પ્રમાણે હું એમના ચાર મહિના એટલે કે પૃથ્વીના એકવીશ દિવસોથી બેભાન અવસ્થામાં હતો અને ગઈ કાલે મેં આ નવા ગ્રહ પર આંખો ખોલી. ઝેઉસે મને કહ્યું, હું એમનાં ખેતરોમાં પડ્યો હતો. ઝેઉસે મને અહીં લાવતા પેહલાં મારું ચેકિંગ કરી લીધું હતું અને એમને વિશ્વાસ થયો કે એમને મારાથી કોઈ ખતરો નથી એટલે જ મને અહીં આ જેલમાં લાવવામાં આવ્યો. મેં એમને પૂછ્યું મને અહીં જેલમાં કેમ રાખવામાં આવ્યો છે તો એમણે મને જવાબ આપ્યો, એમને ડર હતો કે મારા પર કોઈક સુપરપાવર હશે જેનાથી તેમને ખતરો હોઈ શકે. મેં એમને કહી દીધું છે કે મારા પર એવા કોઈ સુપરપાવર નથી અને હવે મને જલ્દી અહીંથી એમની લેબમાં લઇ જવામાં આવશે.
ઝેઉસની લંબાઈ પણ આશરે તેર ફૂટ હશે. ઝેઉસ એકદમ પાતળા છે અને તેમના શરીર પર એક પણ વાળ નથી. આજે ઝેઉસે મને અનેક પ્રશ્નો પૂછ્યા, પરંતુ એમણે જવાબો મેળવવા માટે કોઈ પણ બળજબરી કરી નથી. ઝેઉસ સામે મારા પણ અનેક સવાલો હતા, અને ઝેઉસના જવાબો પરથી મને ખબર પડી કે હું ‘વિલ્ફી’ નામના ગ્રહ પર છું, અહીંની ભાષામાં ‘વિલ્ફી’ નો અર્થ જીવન થાય છે. અહીંના તમામ લોકો બારથી તેર ફૂટ લંબાઈના છે અને તેઓ ‘ઓલસ’ ભાષા બોલે છે. ઝેઉસ અહીંના વૈજ્ઞાનિક છે અને તેમનાં કેહવા મુજબ આપણા સેટેલાઈટથી થતા કોમ્યુનિકેશનના સિગ્નલોનો અભ્યાસ કરી તેઓ પૃથ્વીની તમામ ભાષાઓ શીખ્યા છે. ઝેઉસના કેહવા મુજબ હું અવકાશમાં સ્પેસવોક કરી રહ્યો હતો અને તે દરમિયાન વિલ્ફીના ગુરુત્વાકર્ષણબળના કારણે હું અહીં ખેંચાઈ આવ્યો. મારા અહીં હોવાની ખબર ફક્ત ઝેઉસને છે અને અહીં અન્ય કોઈ મારા વિશે જાણતું નથી. ઝેઉસે મને કહ્યું છે કે જ્યાં સુધી હું અહીંના કોઈ નિયમોનો ભંગ નહિ કરું ત્યાં સુધી મને અહીં કોઈ ખતરો નથી. પરંતુ મને અહીંના નિયમો જ ખબર નથી આથી ઝેઉસ જે પણ સલાહ આપે છે તે હું માનું છું કારણ કે ઝેઉસ સિવાય હું અહીં કોઈને જાણતો નથી અને ઝેઉસ સિવાય મારી ભાષા અહી કોઈ સમજી શકે એમ નથી. ઝેઉસના કેહવા મુજબ હમણાં વિલ્ફી સૂર્યની ખુબ જ નજીક પરીક્રમણ કરી રહ્યો છે આથી અહીં ગરમી વધુ છે. ઝેઉસે મને આંખે બાંધવા એક પટ્ટી આપી છે જેથી સૂર્ય પ્રકાશ ની અસર ઓછી રહે અને હું અહીંની તમામ વસ્તુઓને જોઈ શકું. વિલ્ફીનું વાતાવરણનું દબાણ પૃથ્વી કરતા થોડું ઓછું છે જેથી મારા શરીરને નાની દોરીઓ વડે બાંધી રાખ્યું હોય એવો અનુભવ થાય છે અને એના કારણે જ મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પરંતુ ઝેઉસ પાસે એનો કોઈ ઉપાય નથી. અહીં પાણી તેમજ ઓક્ષીજન પુરતાં પ્રમાણમાં છે જેથી મને જીવિત રેહવામાં મુશ્કેલી નથી. વિલ્ફીના લોકો પાણી પીતાં નથી. ઝેઉસે મને પેહેરવા માટે એમનો કોટ આપ્યો છે અને એની લંબાઈ જોતા મને લાગે છે કે મને હવે પેન્ટની જરૂર નહિ પડે. આવતીકાલે ઝેઉસ મને અહીંથી એમની લેબમાં લઇ જશે. મને ખુશી છે કે કાલે મને અહીંની દુનિયા જોવા મળશે.
DAY 3
હમણાં હું ઝેઉસ ની લેબમાં છું, ઝેઉસ આજે સવારે મને અહીં લઇને આવ્યા હતા. હું હંમેશાં કેહતો હતો કે ‘Life gives us experiences and we need to take lessons from them…’ આજે વિલ્ફીની દુનિયા જોઇને મને અનેક નવી બાબતો શીખવા મળી છે. તમને એ જાણીને આનંદ થશે કે ઝેઉસ મારા સારા મિત્ર બની ગયા છે અને તે મને અહીંના નિયમો તથા અહીંની જીવનશૈલી શીખવી રહ્યા છે. આજે સવારે હું ઝેઉસનો કોટ પહેરીને જેલની બહાર નીકળ્યો જેથી મને કોઈ ઓળખી ના શકે, ઝેઉસના કેહવા મુજબ અહીં રાજાનું શાસન ચાલે છે અને મારે રાજા તથા અન્ય લોકોની નજરથી બચીને રેહવું પડશે નહીતર મને ફરીથી આ જેલની અંદર રાખવામાં આવશે. મેઘા, જેલમાં રેહવાનું સહેલું નથી, મેં એકવીસ દિવસ જેલમાં રહી શકયો કારણ કે હું બેભાન હતો, હું ફરીથી ત્યાં જવા નથી માંગતો. આજે આખો દિવસ મેં ઝેઉસ સાથે વાતો કરી અને મને કેટલીક ખુબ જ સારી તો કેટલીક ખરાબ વાતો જાણવા મળી.
સારી વાતો પેહલાં લખું તો, ઝેઉસના કેહવા મુજબ વિલ્ફીનો આકાર શિવલીંગ જેવો છે, ઉપર અને નીચેથી સંપૂર્ણ ગોળ. વિલ્ફી સૂર્ય ફરતે લંબગોળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, અને એની ઝડપ પૃથ્વીની ઝડપથી પાંચ ગણી વધુ છે જેથી પૃથ્વીનો એક દિવસ અહીંના છ દિવસ બરાબર થાય છે. હમણાં વિલ્ફી સુર્યની નજીક જઈ રહ્યો છે આથી દિવસે ગરમી વધી રહી છે. ઝેઉસે કહ્યું છે કે વિલ્ફીની ગોળાકાર સપાટી ઉપર તેમના માટે જીવન શક્ય નથી અને અહીનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ છે જેથી મને ચાલવામાં તકલીફ પડે છે, હું અહીં છ-સાત ફૂટ ચાલતા થાકી જાવ છે અને હું વૃદ્ધ થઇ ગયો હોય એવો મને એહસાસ થાય છે. પરંતુ હું હજી યુવાન છું, still young. વિલ્ફીના વાતાવરણમાં કોઈ સ્તરો કે જાડી હવા નથી આથી જ હું અવકાશમાંથી અહી ખેંચાય આવ્યો તે દરમિયાન સળગી ગયો નથી અને ખેતરોમાં પડવાના કારણે મને ઈજાઓ થઇ હતી જે ઝેઉસે પાછલા એકવીશ દિવસોમાં સારી કરવાની કોશિશ કરી છે. ગોળાકાર સપાટી પર જીવન શક્ય ના હોવાના કારણે વિલ્ફીના મધ્યભાગની સપાટી પર અહીંના લોકો વસવાટ કરે છે. અહીં આપણી પૃથ્વીના જેમ દેશો નથી, મને એ જાણીને ખુબજ ખુશી થઇ કે અહીંના લોકોએ વિલ્ફીના કોઈ ભાગ નથી પડ્યા, અહીં કોઈ ભારત કે કોઈ અમેરિકાનું નથી અહીં બધા વિલ્ફીના લોકો છે. બધા લોકોએ મળીને એક રાજા નો ચુનાવ કર્યો છે અને તેના મંત્રાલયમાં આઠ રાજકુમારો છે જે વિલ્ફીનું આઠ જગ્યાઓથી દેખરેખ રાખે છે. તમને એક મહત્વની વાત જણાવવાનું હું ભૂલી ગયો, અહીંના લોકો લગ્ન નથી કરતા અને સેક્સ પણ નહિ, ઝેઉસના કેહવા મુજબ દરેક વિલ્ફીવાશીનું આયુષ્ય અહીંના બાવન વર્ષ જેટલું હોય છે, અને દરેક વિલ્ફીવાશી બત્રીશ વર્ષ બાદ એક નવો કોષ ઉત્પન્ન કરી શકે છે અને તેને પોતાનું બાળક સમજે છે. ઝેઉસનું આ ત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે આથી ઝેઉસ પણ બે વર્ષ બાદ એક નવો કોષ ઉત્પન્ન કરી શકશે. કોઈ પણ વિલ્ફીવાશીને એક કરતા વધુ કોષ ઉત્પન્ન કરવાની પરવાનગી નથી અને તને ખબર હશે કે અહીં કોઈ નિયમોનો ભંગ કરતુ નથી. ફક્ત વિલ્ફીવાસી દ્વારા નિર્મિત રાજા જ આઠ કોષ ઉત્પન્ન કરી શકે છે અને એ તેના આઠ રાજકુમારો છે. આ આઠ રાજકુમારોને અહીંના નિયમ મુજબ કોષ ઉત્પન્ન કરવાની પરવાનગી નથી આથી તેઓ વચ્ચે રાજા બનવામાં કોઈ હરીફાઈ નથી. રાજાનું મૃત્યુ થયા બાદ અહીંના લોકો નવા રાજાનો ચુનાવ કરે છે અને નવા રાજાના કોષો વિલ્ફીની દેખરેખ રાખવા યોગ્ય થાય એટલે જુના આઠ રાજકુમારો પોતાનું સ્થાન છોડી દે છે.
આ બધા થી પણ વધુ મહત્વ ની વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના પૈસા નું શાસન નથી. અહીંના લોકોને પોતાના કામ માટે પોઈન્ટ્સ મળે છે જેને અહી ‘જેદ્સ’ કેહવામાં આવે છે. અહી દરેક કામના સરખાં જેદ્સ મળે છે. એક દિવસના ચાલીશ જેદ્સ. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંના રાજા તથા અહીંના મજૂરનું વેતન સરખું છે, એક દિવસના ચાલીસ જેદ્સ, જેમાંથી દસ જેદ્સ દરેક વિલ્ફીવાશીએ રાજાના ભંડારમાં જમા કરાવવા પડે છે જેનો ઉપયોગ વિલ્ફીની સમૃદ્ધિમાં તથા વિલ્ફીવાશીની દવાઓમાં થાય છે. બાકીના ત્રીસ જેદ્સ પોતાની ઈચ્છા અનુસાર ખર્ચ કરી શકાય છે. જેદ્સનો સંગ્રહ કરવો એ પણ અહીંના નિયમોની વિરુદ્ધ છે, દરેક વિલ્ફીવાશી પોતાની પાસે ચાર-સો થી વધુ જેદ્સ સંગર્હી શકતો નથી જેથી અહીંના દરેક જીવ પોત-પોતાનું કામ નિયમિત કરે છે, જો કોઈ વિલ્ફીવાસી પર ઓચિંતી તકલીફ આવી પડે તો રાજાના ભંડોળ માંથી એને સહાય મળે છે તથા અહીંના દવાખાનામાં એમની સેવા મફત થાય છે. જયારે કોઈ વિલ્ફીવાશી કામ કરવામાં અસમર્થ હોય ત્યારે તેની તમામ દેખભાળની જવાબદારી રાજાના રાજકુમારો પર હોય છે અને રાજકુમારોના કામની દેખરેખ રાજા રાખે છે. પરંતુ રાજાને આ દેખરેખ રાખવાના કોઈ જેદ્સ મળતા નથી, અહી રાજાએ પણ કામ કરવું પડે છે અને રોજના દસ જેદ્સ ભંડોળમાં જમા કરાવવા પડે છે. તમને જાણીને નવાઈ થશે કે અહીંના રાજા અહીંની બસ ચલાવે છે કારણકે એ એમનું મનગમતું કામ છે અને રાજાને બસ ચલાવવાના પણ ચાલીશ જ જેદ્સ મળે છે.
અહીંના લોકોને તેમનું મનગમતું કામ કરવાની છૂટ છે, અથવા હું એવું કહું કે અહીંના લોકો પોતાનું મનગમતું કામ જ કરે છે એ પણ ખોટું નથી. અહીં કોઈ સ્કૂલ કે કોલેજની પદ્ધતિ નથી. પીતૃકોષ પોતાના બાળકને બે વર્ષ સુધી સાથે રાખી શકે છે ત્યારબાદ એમને પોતાનું સ્વતંત્ર જીવન જીવવા માટે છોડી મુકવામાં આવે છે અને મેઘા મને લાગે છે કે બે વર્ષમાં બાળક બાર ફૂટ જેટલી લંબાઈનું થઇ જતું હશે. બે વર્ષ બાદ બાળક તેને જે કામ કરવું હોય તે કામ કરી શકે છે, ઝેઉસના કેહવા મુજબ બે વર્ષમાં એમનો સંપૂર્ણ વિકાસ થઇ જાય છે અને હમણાં ઝેઉસ સાથે બીજા ઘણા આવા બાળકો કામ કરી રહ્યા છે જેમને વિજ્ઞાનમાં રસ છે. ઝેઉસ તેમના લીડર છે અને ઝેઉસની ટીમ હમણાં વિલ્ફીવાશીઓના આયુષ્ય વધારવાના પ્રયોગો કરી રહી છે.
અહીં કામના સરખાં જેદ્સ મળે છે આથી કોઈ અમીર થવાની લાલચ નથી કે કોઈને ગરીબ રહી જવાનો ડર નથી, કોઈની પાસે મોટા બંગલા નથી કે કોઈ ઝુપડીમાં રેહતું નથી. અહીંના લોકો સરખાં કપડાં પેહરે છે અને અહી કોઈ ઊંચનીચનો ભેદભાવ નથી, અહીં કોઈને સત્તાની લાલચ નથી અને કોઈ રાજનીતિ કરતુ નથી, અહીં કોઈના માટે આરક્ષણ પણ નથી. દરેક જીવ પોતાની ઈચ્છાનું કામ પસંદ કરે છે આથી કોઈ કામમાં રૂકાવટ આવતી નથી અને કોઈ કામમાં આળસ આવતી નથી. અહીં દરેકને પોતાની ઈચ્છાનું અને મનગમતું કામ કરવાની છુટ છે આથી અહીં કોઈ જેદ્સ કમાવાની લાલચમાં કામ કરતુ નથી અને દરેક પોતાના કામમાં આગળ છે. અહીં મજૂરો પણ એટલા જ ઉત્શાહથી કામ કરે છે જેટલા ઉત્શાહથી રાજા કામ કરે છે. સાચું કહું તો અહી કોઈ મજૂર નથી અને કોઈ માલિક નથી. વિલ્ફીની તમામ જમીન પર સૌનો સમાન અધિકાર છે, અહીં જમીનના ભાગ પાડવામાં આવતા નથી કે જમીનની વારસદારી કરવામાં આવતી નથી. કોઈ વસ્તુની લાલચ અને પૈસા માટે લે-વેચ અહીંના લોકો શીખ્યા નથી. ઝેઉસનો પીતૃકોષ કોટ બનાવવાનું કામ કરતો હતો જે થોડા વર્ષો અગાવ મૃત્યુ પામ્યો, હવે એ કામ બીજા વિલ્ફીવાશીઓ ચલાવી રહ્યા છે. અહીનું જીવનસ્તર પ્રથમ નજરે જોતા સરખું નથી લાગતું પરંતુ અહીનું શાશન પૃથ્વીથી સારું છે.
DAY 4
ગઈકાલે તમને ઘણી વાતો કેહવાની રહી ગઈ હતી જે આજે લખી રહ્યો છું. આજે એ વાત જણાવતા મોડું નહિ કરું કે અહીં જીવો જુઠું નથી બોલતા, દરેક જીવ બીજાને સમાન માન આપે છે, અહીં રાજાને તથા સામાન્ય જીવને સમાન માન મળે છે. અહી કોઈ બીજાની ઈર્ષા નથી કરતુ કે કોઈ બીજાથી આગળ નીકળી જવાની હરીફાઈ નથી કરતુ. દરેક જીવ બીજાની મદદ કરે છે અને સાથે બેસીને તમામ ઉત્સવોની મઝા લે છે. વિલ્ફીવાશીઓ અનેક ઉત્સવોની ઉજવણી કરે છે અને પીતૃકોષના મૃત્યુને પણ અહીં ઉત્સવ તરીકે માનવમાં આવે છે. મને એ જાણીને વધુ ખુશી થઇ કે અહીં કોઈ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, અને એનાથી પણ મહત્વની વાત એ છે કે અહીં કોઈએ નોકરી શોધવા માટે જવું પડતું નથી. દરેક વિલ્ફીવાશી બીજા પ્રત્યે વફાદાર છે અને અન્ય કોઈ પણ વિલ્ફીવાશીને હાનીકારક કામ કરવું એ અહીંના નિયમની વિરુદ્ધ છે.
ઝેઉસ પણ બીજા વિલ્ફીવાશીઓ પ્રત્યે વફાદાર છે અને એ અહીંના નિયમ તોડી શકતો નથી. ગઈ કાલે જે ખરાબ બાબતો લખવાની બાકી રહી ગઈ હતી એ હું અહી લખી રહ્યો છું. ઝેઉસ વફાદાર છે અને એના કેહવા મુજબ મારે એની સાથે અહીંના રાજા સામે હાજર થવું પડશે. ઝેઉસ રાજાને તમામ વાતો જણાવવામા માંગે છે અને પછી રાજા નક્કી કરશે કે મને ફરીથી જેલમાં મુકવો કે ઝેઉસ સાથે રેહવા દેવો. પરંતુ ઝેઉસને વિશ્વાસ છે કે રાજા મને એની સાથે રેહવા દેશે. આજે ઝેઉસે મારું ચેક-અપ કર્યું હતું. સુર્યપ્રકાશના કારણે મારા શરીરમાં પાણી ઝડપથી સમાપ્ત થઇ રહ્યું છે, જેની સામે હું અહીનું પાણી લઇ રહ્યો છું પરંતુ ઝેઉસના કેહવા મુજબ અહીનું પાણી એસીડીક વૃતિ ધરાવે છે જે મારા શરીરના અંગોનો નાશ કરી રહ્યું છે. જો હું આ જ પાણી પીતો રહ્યો તો અહીંના ત્રણ મહિનામાં મારા શરીરના તમામ અંગો નાશ પામશે અને હું મૃત્યુ પામીશ. ઝેઉસે મારા ખાવાની વ્યવસ્થા કરી છે પરંતુ એ મારા માટે એસીડીક વૃતિ વિનાનું પાણી શોધવામાં અસફળ રહ્યા છે. મેં ઝેઉસને કહ્યું છે કે મારે મરવું નથી.
DAY 5
આજે ઝેઉસ મને અહીંના રાજા પાસે લઇ ગયા હતા, તમને જાણીને આનંદ થશે કે રાજાએ મને ઝેઉસ સાથે રેહવાની પરવાનગી આપી છે પરંતુ બે શરતો સાથે, એક એ કે વિલ્ફીવાસીઓને મારાથી કોઈ ખતરો નહિ હોય અને હું અહીંના તમામ નિયમોનું પાલન કરીશ. બીજી શરત એ કે મારે અહીં કામ કરવું પડશે અને રોજના દસ જેદ્સ જમા કરાવવા પડશે. આજે હું અહી વિલ્ફી પર આઝાદ છું તો ફક્ત ઝેઉસના કારણે. મેં નક્કી કર્યું છે કે હું ઝેઉસ સાથે એમની લેબોરેટરીમાં કામ કરીશ.
આજે રાજા પાસે જવાની સાથે મેં ઘણાં અવલોકનો કર્યા. અહીંની માટી લાલ રંગની છે અને આજ કારણે તમામ વિલ્ફીવાશીઓની ચામડીનો રંગ પણ ઉમર વધતાની સાથે લાલ થતો જાય છે. અહી વ્રુક્ષો નથી અને ઘાસ ખુબ જ ઊંચું તથા ગાદીજેવું સ્તર બનાવીને ખેતરમાં ઉગે છે આથી જ આટલી ઉંચાઈએથી પડવા છતાં મારો જીવ બચી ગયો. અહીંના રસ્તાઓ લાલ રંગના છે તથા અહી કોઈ વાતાવરણને હાનીકારક વસ્તુ કે પદાર્થનો ઉપયોગ થતી નથી. અહીં કોઈ વિલ્ફીને પ્રદુષિત કરતુ નથી આથી જ અહી કોઈ પણ પ્રકારનું ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવાની જરૂર પડતી નથી. અહીં બધા સૌર-ઉર્જાનો ઉપયોગ કરે છે અને અહીંના વાહનો પણ સૌર-ઉર્જાથી ચાલે છે. અહીંની બસ એક સાથે સાતસો લોકોને લઇ જઈ શકે છે, અહીંના લોકો ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરે છે આથી અહીંની હવામાં પ્રદૂષણનો અંશ પણ નથી. મેં આગળ લખ્યું તે મુજબ અહીંની વાતાવરણની સપાટીને કોઈ સ્તર નથી આથી સૌર-ઉર્જાનું પારાવર્તન થવાને બદલે મોટા ભાગની ઉર્જા વિલ્ફીની સપાટી પર પડે છે અને વિલ્ફીવાશીઓ તેનો ભરપુર ઉપયોગ કરે છે. ઝેઉસ ના જણાવ્યા મુજબ અહીંથી સૌર-ઉર્જા તથા સૂર્યના કિરણો પરાવર્તિત થતા નથી આથી આપણે મનુષ્યો આજ સુધી વિલ્ફીને શોધવામાં અસમર્થ રહ્યા છીએ અને વિલ્ફીને અવકાશમાંથી જોઈ શકવો મુશ્કેલ છે.
DAY 8
અહીંના લોકો પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે, અહી બંદુક નથી અને નથી કોઈ અણુ-શાસ્ત્રોનો ભય. હું એમ માનતો હતો કે મારા પાસે જો કોઈ શક્તિ છે તો એ પ્રેમ ની શક્તિ છે પરંતુ અહી આવીને મને એહસાસ થયો કે મારે હજી ઘણો પ્રેમ કરવાનો બાકી છે, હું અહીં પ્રેમ કરતા પણ શીખ્યો છું અને એ પણ ખબર પડી છે કે પ્રેમ કરવા માટે કોઈ લગ્ન કે કોઈ ઓળખાણ ની જરૂર નથી. મારું શરીર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને આ જ કારણે ઝેઉસે રાજાને કહ્યું છે, મને અહીંથી પાછો અવકાશમાં મોકલી દેવામાં આવે, પરંતુ ઝેઉસ પાસે એટલા શક્તિશાળી ઉપકરણો નથી કે તે મને સીધા ત્યાંથી પૃથ્વી પર મોકલી શકે, કદાચ એમને આજ સુધી એની જરૂર જ પડી નહિ હોય. ઝેઉસ પર મને વિશ્વાસ છે, મને એ અહી મરવા નહિ દે, તે જરૂરથી કોઈ ઉપાય શોધશે.
હું હમણાં લેબમાં કામ કરું છું જે અહીંના લોકોનું આયુષ્ય વધારવાની દવા બનાવી રહ્યું છે, ગઈ કાલે એક પીતૃકોષને મૃત્યુ પામતા જોઈ મને ખબર પડી કે અહીંના લોકોના મોત નું કારણ શું છે. વિલ્ફી પર રેડિયો-એક્ટીવ તત્વોનું પ્રમાણ ખુબજ વધારે છે અને વિલ્ફીવાશીઓને એના વિશે કઈ પણ ખબર નથી. અહીંના દરેક લોકો કેન્સરથી પીડાયને મરી રહ્યા છે, અહીંના લોકોના લાંબા કોટનું કારણ આજે મને ખબર પડી, અહીંના લોકોએ કોટની શોધ કરી નાખી પરંતુ રડિયો-એક્ટીવ તત્વોથી બચવાના ઉપાયો અહીંના લોકો જાણતા નથી. મેં ઝેઉસને આ વિશે વાત કરી, ત્યારે ઝેઉસના મુખ પર એક અનેરું સ્મિત હતું. મારી વાત સાંભળીને એને મારી વાત પર વિશ્વાસ થયો છે અને ખુશ થઇ એણે મને વિશ્વાસ આપ્યો છે કે એ મને તારી પાસે ચોક્કસપણે મોકલશે. મેં પણ ઝેઉસને કહ્યું છે કે પૃથ્વી પર શોધાયેલા તમામ રેડિઓ-એક્ટીવ તત્વો વિશે હું એમને માહિતી આપીશ. NASA માં મે અન્ય ગ્રહો પરના વાતાવરણનો પણ અભ્યાસ કર્યો છે ત્યારે મને રેડિઓ-એક્ટીવ તત્વો વિષે પણ શીખવવામાં આવ્યું હતું. હું ઝેઉસની લેબ માં કામ કરીને સારા જેદ્સ કમાઈ રહ્યો છું કારણકે હું અહીંના ત્રણ દિવસ સુધી દિવસ-રાત કામ કરી શકું છું, એટલે કે પૃથ્વીના બાર કલાક. મને હજી પણ ખબર નથી કે હું તમારી પાસે કઈ રીતે પોંહચીસ પરંતુ આવતા પેહલાં હું અહીંના લોકો માટે કેન્સરનું કારણ શોધી કાઢવા માંગું છું. મારું શરીર દિવસે ને દિવસે વધુ પાણી માંગી રહ્યું છે અને તેમ તેમ હું વધુ નબળો બની રહ્યો છું, કદાચ રેડિયો-એક્ટીવ તત્વોની અસર મારા પર પણ થઇ રહી હશે. પરંતુ હું જલ્દીથી આવીશ.
DAY 12
આજે ઝેઉસ મને પૃથ્વી પર પાછા જવાનો એક ઉપાય સમજાવી રહ્યા હતા, તેમના કેહવા મુજબ તેમને વિલ્ફી છોડીને અવકાશમાં જવાની તથા કોઈ પણ વસ્તુ અવકાશમાં મોકલવાની પરવાનગી નથી આથી મારે પૃથ્વી પર આવવું પડશે એ પણ કોઈ સાધન કે અવકાશયાન વિના. આજે તારી સાથે સાથે મને મારા અવકાશયાનની પણ ખુબજ યાદ આવી રહી છે, મને ખબર નહિ એ ક્યાં હશે!
મેં ઝેઉસને સમજાવ્યું છે કે હું વિલ્ફીથી સીધો પૃથ્વી પર નહિ જઈ શકું, અવકાશમાં મને યોગ્ય દિશા નહિ મળે તો હું દુર-દુર સુધી બળની દિશામાં ફેંકાઈ જઈશ અને જીવિત નહિ બચું. પરંતુ ઝેઉસને મને કહ્યું છે કે આવતા છ દિવસોમાં વિલ્ફી પૃથ્વીની સૌથી નજીક હશે અને તેઓ મને એટલો ધક્કો આપી શકે છે કે જેથી હું પૃથ્વીના વાતાવરણમાં આવી શકું. પરંતુ આ પણ મોત ને ભેટવાનો એક રસ્તો જ છે, કારણ કે વાતાવરણના ઘર્ષણના કારણે હું સળગી જઈશ. મેં આ વાતની જાણ ઝેઉસને કરી ત્યારે એમણે કહ્યું કે તેઓ મને એક પેરાશુટ આપશે જેના પર વાતાવરણની કોઈ અસર નહિ થાય અને હું પૃથ્વીના ધર્ષણથી બચી જમીન પર ઉતરી શકીશ, ઝેઉસ મને એ નહિ જણાવી શક્યા કે હું પૃથ્વી પર કયા દેશમાં ઉતરીશ કારણકે એમને એ નથી ખબર કે મનુષ્યોએ પૃથ્વીને અલગ અલગ દેશોમાં વેહ્ચી નાખી છે.
અહીંના લોકો દરરોજ મને જોવા આવે છે કારણકે એમના માટે હું એક એલિયન છું, તેઓ કોઈ મને હાની નથી પોહચાડી રહ્યા કે કોઈ મારી સાથે ફોટો પડાવવાની કોશિશ નથી કરી રહ્યા, અહીંના લોકો મોબાઇલ વિશે જાણતા નથી, કદાચ એમની યાદોમાં જ એ લોકોએ મને ક્લિક કરી લીધો હશે. ઝેઉસ આજે થોડા ચિંતામાં છે કારણકે એમને ડર છે કે વિલ્ફીના ગુરુત્વાકર્ષણના કારણે હું પાછો વિલ્ફી પર જ તો નહિ પડું ને!
મારે અહીંથી જતા પેહલાં રાજાને મળવું પડશે અને એમને વચન આપવું પડશે કે હું વિલ્ફી વિશે પૃથ્વી પર કોઈને નહિ જણાવું, આથી જ છેલ્લા કેટલાય દિવસોથી હું ગુજરાતીમાં લખી રહ્યો છું જેથી આ લખાણ NASA ના માણસો નહિ વાંચી શકે અને આ બુકનું શીર્ષક મેં ‘A letter to my love’ આપ્યું છે જેથી આ મારી પર્સનલ વાતો સમજીને કોઈ વાંચવાની હિંમત નહિ કરે પરંતુ હું અહીંના તમામ અનુભવો તમને જણાવવા માંગું છું.
DAY 14
આજે મેં રાજા સાથે મુલાકાત કરી અને એમને વચન આપ્યું કે હું વિલ્ફી વિશે કોઈને જણાવીશ નહિ, કદાચ રાજાએ પણ મારા સારા વર્તનના કારણે મારો વિશ્વાસ કરી લીધો અને હું એમનો વિશ્વાસ તોડવા માંગતો નથી. એમણે મને એમની ભાષામાં ‘થેંક્સ’ કહ્યું પરંતુ હું એમની ભાષા સમજી શક્યો નહિ. રાજાએ મને વિશ્વાસ આપ્યો છે કે પૃથ્વીવાશીને વિલ્ફીથી કોઈ હાની નહિ પોહ્ચે પરંતુ હું એવો વિશ્વાસ એમને આપી શક્યો નહિ કારણકે મને મારા જ સાથીદારો તથા મનુષ્યો પર વિશ્વાસ નથી. મેં ઝેઉસને કહ્યું છે કે તેઓ પૃથ્વી પર આવવાની ભૂલ ના કરે, કારણકે એમને અહીંથી ધક્કો મારવા માટે કોઈ મળશે નહિ.
ઝેઉસના પ્રશ્નનો ઉપાય આપતા મને કહ્યું કે તેઓ વિલ્ફી ફરતે એક એવો લંબગોળ બનાવી શકે છે જ્યાં વિલ્ફીનું ગુરુત્વાકર્ષણ બળ તથા અવકાશનું આકર્ષણ બળ સમાન હોય. એ લંબગોળ ખુબ જ ઓછી જગ્યા માંથી પસાર થશે અને મારે યોગ્ય સમતોલન જાળવવું પડશે નહીતર હું પાછો વિલ્ફી પર પડીશ અથવા અવકાશમાં દુર દુર સુધી ફેંકાઈ જઈશ. આ ઉપાય યોગ્ય લાગતો નથી પરંતુ અન્ય કોઈ ઉપાય હું શોધી શક્યો નથી, અહી વિલ્ફી પર થોડા દિવસોમાં મારું મોત થઇ જશે એના કરતા આ ઉપાયને અજમાવી જોવામાં મને યોગ્યતા લાગે છે.
ઝેઉસ મને વિલ્ફીની સપાટી ઉપર એ જગ્યાએ પોંહચાડશે જ્યાં વિલ્ફીનું ગુરુત્વાકર્ષણ બળ તેમજ અવકાશનું આકર્ષણ બળ સમાન હોય અને જયારે વિલ્ફી પૃથ્વીની એક્દમ નજીક હોય ત્યારે ઝેઉસ મને પૃથ્વીની દિશામાં ધક્કો આપશે જેથી હું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકીશ. પરંતુ બે મુશ્કેલીઓ છે, એક તો મારે એ લંબગોળ પર સમતોલન સાચવવું પડશે તથા ધક્કો યોગ્ય દિશામાં એટલો બળ પૂર્વક હોવો જોઈએ જે મને પૃથ્વીના વાતાવરણમાં ફેંકી દે. ઝેઉસના કેહવા મુજબ એમને મને ધક્કો મારવા માટે ફક્ત ત્રણ મિનીટ મળશે જયારે વિલ્ફી પૃથ્વીની સૌથી નજીક હોય કારણ કે વિલ્ફીની ઝડપ બહુ છે. મને આશા છે કે હવે તમે ગણી લેશો કે વિલ્ફીની ત્રણ મિનીટ એટલે પૃથ્વીની કેટલી સેકન્ડ. ઝેઉસને વિશ્વાસ છે કે એમનો આ ઉપાય કામ કરશે અને હું પાછો આવી શકીશ, અને મને ઝેઉસ પર વિશ્વાસ છે.
વિલ્ફી પર ઘણું શીખવાનું મને મળ્યું છે, મેં ઝેઉસને રેડિઓ-એક્ટીવ તત્વો વિશે તમામ માહિતી આપી છે જેથી તેઓ લાંબુ જીવન જીવી શકે. સામાન્ય રીતે હું આ ગ્રહને Earth 2.0 કેહવા માંગતો હતો પરંતુ હું વિલ્ફીને Earth 0.0 કહીશ કારણકે તેઓ આપણાથી સારી રીતે એમના ગ્રહને સાચવી રહ્યા છે. હું અહીંથી ફૂલ લાવવા માંગતો હતો પરંતુ એ અહીંના નિયમોની વિરૂદ્ધ છે અને ફૂલ ની સાઈઝ પણ મોટી છે. હવે કદાચ આંખ પૃથ્વી પર જ ખુલશે અને નહિ ખુલે તો યાદ રાખજો કે I am coming.