જીવન નો રંગમંચ અને એક પરિવાર Viresh baudhanwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

  • ભાગવત રહસ્ય - 76

    ભાગવત રહસ્ય-૭૬   જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને...

  • જીવનનો દાવ હારવો

    રવિ, 22 વર્ષનો યુવાન, એક મધ્યમવર્ગીય Gujarati પરિવારમાં જન્મ...

શ્રેણી
શેયર કરો

જીવન નો રંગમંચ અને એક પરિવાર

જીવન નો રંગમંચ અને એક પરિવાર

રવિ એક ઇજનેરી શાખા નો સ્નાતક વિદ્યાર્થી હતો. રવિ તેના અભ્યાસ બાદ તેના ઘર થી દુર એક મોટી કંપની મા ઇજનેર તરીકે કામ કરતો હતો.

એક રવિવાર ની રાત્રે તે ફાઈવસ્ટાર હોટેલ માં ગયો અને ત્યા તેના હાથ મા ફોટા થમાવવા મા આવયા ર​વિ તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. ર​વિ એ આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી ર​વિના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. અને તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની સગી બહેન જેવી લગતી હતી. તેના ચહેરા પર ના તો હાસ્ય હતું કે ના તો દુખ હતું. તેનો ચહેરો સુંદર સોહામણો છતાં ગંભીર હતો. ર​વિને તે ફોટો જોતા જ તે યુવતીના ચહેરા ભાવ જાણે પોતાના હૃદયના જ ભાવ કહી રહી હોય તેમ લાગ્યું. બસ તેની આ લાક્ષણીક મુદ્રા ર​વિને ગમી ગઈ. ર​વિને તે ફોટામાં તલ્લીન થયેલો જોઈને ફોટા બતાવનારે પૂછ્યું, “આ પસંદ છે ?” અને તેના પ્રશ્નથી ર​વિની વિચારમાળા તૂટી. તેણે જવાબ આપ્યો, “હા આ ચાલશે.”

અને ફોટા બતાવનાર ના મન ને એવુ કે ર​વિ તેની સગાઈ માટે છોકરી જોઈ રહ્યો હતો ! અને એ ફોટા બતાવનાર ભાઈ કોઈ લગ્ન કરાવી આપનાર પંડિત કે મેરેજબ્યુરોનો સંચાલક હોઈ ! આ તો એકવીસમી સદી છે મિત્રો. અહી તો બધા જ ધંધા આજે પ્રોફેશનલ બની ગયા છે. ર​વિને ફોટો બતાવનાર પણ એકવીસમી સદીનો બિઝનેસમેન હતો. તે માણસ તે ફાઈવસ્ટાર હોટલનો મેનેજર હતો. તેણે ર​વિના હાથમાં એક ચાવી મૂકી અને કહ્યું, “રૂમ નંબર ૨૧ સર” ર​વિ ઉઠીને રૂમ નંબર ૨૧ તરફ ચાલવા લાગ્યો. પેલો મેનેજર ર​વિને રૂમ નંબર ૨૧ સુધી મુકવા આવ્યો. “હેવ અ નાઈસ ટાઈમ સર, એન્જોય ” કહીને તે ત્યાંથી પાછો વળી ગયો.

થોડું રવિ વિશે જાણી લઇ એ તો,

રવિ એક મોટી કંપની મા ઇજનેર છે. રવિ પોતાના વિશે કંઈ જાણતો નથી. તેને ખુદને પણ ખબર નથી કે તે અહી ક્યાંથી આવ્યો હતો. પણ હા તેને એટલી ખબર હતી કે તેને જ્યારથી સમજણ આવી ત્યાંરથી તે અહી રમેશભાઇ ને ત્યા રહેતો. આ રમેશભાઇ બિજુ કોઇ નઇ પણ રવિ ને જિંદગી આપનાર હતા. તે ચાર વરસનો હતો ત્યારે તે રમેશભાઇ ને મળી આવ્યો હતો. લાલદરવાજાની ભીડમાં એકલા અટુલા ઉભા રહીને રડી રહેલા રવિ ને ની:સંતાન રમેશભાઇ પોતાના ઘરે લઇ આવ્યા હતા. બસ ત્યાંરથી રમેશભાઇ જ તેના મા-બાપ હતા. તેમણે ર​વિ ને ભણાવ્યો અને ઇજનેર બનાવ્યો ત્યાર બાદ તેને સુરત શહેર થી દુર વડૉદરા મા જોબ મળી ત્યા તે સારી રીતે કામ કરતો અને તેને આસરો આપનાર પિતા ને ઘર ખચૅ ના પૈસા પણ મોકલતો અને સપ્તાહ ના અંનતે ઘરે આવતો ત્યારે પિતા ની ખુબ સેવા કરતો. રમેશભાઇ એ પોતાની તમામ મિલકત રવિ ને વરસમાં લખી આપી. એ વાતને આજે સાત વરસ થઇ ગયા. આજે રવિ ૨૯ વરસનો યુવાન છે. એક અનાથ બનીને ભટકતા રવિ ને કિસ્મતે ઘણું આપ્યું હતું. તેમ છતાં તેને જીવનમાં કશુક ખૂટતું હોય તેમ લાગતું હતું. તેણે લગ્ન કરી સંસાર વસાવવાનો વિચાર ઘણીવાર કર્યો. પણ તેના ભૂતકાળથી પરિચિત વેપારી જગતમાં કોઈ તેને છોકરી આપવા તૈયાર ન હતું. તે ખુબ ઉદાસી અને એકલતા અનુભવતો હતો. તેનો દિવસ તો ધંધાની દોડધામમાં નીકળી જતો હતો. પણ રાતનું એકાંત તેને કોરી ખાતું હતું. તેની આ પરિસ્થિતિ જોઈને તેના એક મિત્રએ તેને મન હળવું કરવા એક ફાઈવસ્ટાર હોટલનું સરનામું આપ્યું હતું. જ્યાં સુંદરીઓ રવિ જેવા એકલા અટૂલા યુવાનોનું દિલ બહેલાવતી હતી.

ઘણા સમય સુધી ર​વિ એ આ બાબતે વિચાર્યું ન હતું. પણ આજે તેનું મન ખુબ એકાંત અનુભવતું હતું. તે એકધારા જીવન પ્રવાહથી કંટાળો અનુભવતો હતો. તેને પેલા મિત્રની વાત યાદ આવી. અને તે મિત્ર એ આપેલા સરનામાં મુજબ ફાઈવસ્ટાર હોટલને શોધતો ર​વિ આજે અહી આવી ચઢ્યો હતો. હવે તેની આગળની મંજિલ હતી રૂમ નંબર ૨૧. તેને ત્યાં જઈ રૂમ નંબર ૨૧ના દરવાજામાં ચાવી લગાવતા જ દરવાજો ખુલી ગયો. તે રૂમમાં પ્રવેશ્યો. આખો રૂમ કોઈ રાજમહેલના શયનખંડ જેવો હતો. રૂમના ડબલબેડ પલંગને મધુર રજનીની શૈયાની જેમ શણગારવામાં આવ્યો હતો. કેન્ડલ લાઈટનું માદક અજવાળું અને એર ફ્રેશ્નરની ખુશ્બુ મનને રોમાંચિત કરી દેતા હતા. રૂમમાં પ્રવેશતા જ ર​વિ એ એક અજબની માદકતા અનુભવી. છતાં તેનું મન બેચેન હતું. કેમકે આ તેના જીવનનો પહેલો અને નવો જ અનુભવ હતો.

તેના રૂમમાં પ્રવેશતા જ તે સુંદરી પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ગ્રાહકને આવકારવા ઉભી થઇ. ર​વિ પલંગ પર તે સુંદરીથી થોડું અંતર રાખીને દુર બેઠો. તે યુવતીને નવાઈ લાગી. રૂમનો દરવાજો ખુલતા જ પોતાના શરીર પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા અનેક ગ્રાહકો તેણે જોયા હતા. ત્યારે આવો ધીરજવાન યુવાન તેણે પહેલી જ વાર જોયો હતો. તે પણ પલંગ પર બેઠી. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ રહી. કોઈ કશું બોલતું ન હતું. આખરે યુવતીના શબ્દોથી રૂમની શાંતિ તૂટી. “તમે રૂમમાં પ્રવેશ્યા ત્યાંરથી જ તમારા મનોરંજનનું મિટર શરુ થઇ ગયું છે. અહી તો સેકન્ડના ભાવ ગણાય છે. જેટલી સેકન્ડ વધારે તેટલું બિલ પણ વધારે.” આમ કહીને અધર્મના ધંધામાં પણ પોતાનો ધર્મ જાણનાર તે યુવતી પોતાના દેહ પરથી વસ્ત્રો ઉતારવા લાગી. ર​વિ એ તેને તેમ કરતી અટકાવી, “ના ના તમે એમ જ બેસો. “ યુવતીના આશ્ચર્યનો પર ના રહ્યો. પણ પોતે અહીં દાસી હતી. અને અહીં આવનાર દરેક તેના સ્વામી હતા. તેને પોતાના આ સ્વામીની અજ્ઞા માન્ય રાખી. બંને જણ થોડીવાર એમ જ બેસી રહ્યા. સમય વહેતો રહ્યો. ર​વિ તો માત્ર તે સુંદરીને જોતો જ રહ્યો. અને તે યુવતી પણ નવાઈ ભરી નજરે ર​વિને જોતી રહી. ઘણો સમય વીત્યા પછી ર​વિ ત્યાંથી વિદાય થયો. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર તેની રાહ જોઈને બહાર જ ઉભો હતો. તેણે ચહેરા પર બનાવટી હાસ્ય પાથરીને બિલ ર​વિના હાથમાં મુક્યું. ર​વિ એ બિલ ચુકવ્યું. પેલા મેનેજરે “યુ આર વેલકમ સર, ફરી પધારજો” કહી ર​વિને વિદાય આપી.

ર​વિ ત્યાંથી ઘરે આવ્યો. ઘરે આવીને પણ તેને ઊંઘ ના આવી. પેલી હોટલવાળી યુવતીનો ચહેરો તેની આંખો આગળથી ખાસતો ન હતો. “શું તેની સુંદરતા હતી. શું કામ કોઈ પોતાની આવી સુંદરતાને આમ છડેચોક લુટાવતું હશે. એવી તો શી મજબુરી હોતી હશે !” આવા અનેક પ્રશ્નો ર​વિના મનમાં થઇ રહ્યા. આ બાજુ પેલી યુવતીના મનમાં પણ ર​વિની અજબની છાપ વસી ગઈ. પોતાના જીવનમાં આવો યુવાન તેણે આજ પહેલા ક્યારેય જોયો ન હતો. ભૂખથી કકળીને અહી આવે અને મિષ્ટાન ભરેલા થાળ પરથી ભૂખ્યો જ ચાલ્યો જાય એવો યુવાન આજે તેને પહેલીવાર જ જોયો હતો. “શું ફરી આ યુવાન સાથે મુલાકાત થશે !” તેવા પોતાના પ્રશ્નના જવાબમાં એક ઊંડો નિસાસો નાખીને તે ર​વિના વિચારોમાં ખાવી રહી. બે-ચાર દિવસનો સમય પસાર થયો. ર​વિની નજર સામેથી તે યુવતીનો ચહેરો હટતો ન હતો. આજે ફરી તેનું મન તે સુંદરીના દર્શન માટે વ્યગ્ર બન્યું હતું. અને સાંજે તે ફરી પેલી ફાઈવસ્ટાર હોટલ તરફ દોડી ગયો. જેમ તરસ્યું હરણ મૃગજળ પાછળ દોટ મુકે તેમ ર​વિ હોટલ તરફ દોડી ગયો. ત્યાં પહોચતા જ પેલો મેનેજર ફરી ચહેરા પર બનાવટી હાસ્ય સાથે હાથમાં અનેક છોકરીઓના ફોટા લઈને આવી ગયો. પણ તે ર​વિ આગળ ફોટા ધરે તે પહેલા જ ર​વિ એ કહ્યું, “રૂમ નંબર ૨૧” “ઓ.કે.સર” કહી પેલા મેનેજરે રૂમ નંબર ૨૧ની ચાવી ર​વિના હાથમાં મૂકી. ર​વિ રૂમમાં પહોચ્યો. ર​વિને ફરી જોતા જ પેલી યુવતીએ તેની તરફ દોટ મૂકી. પણ અડધે રસ્તે જ તે અટકી ગઈ. તેને ભાન થયું કે તેના રૂમમાં આવનાર એ તેનો કોઈ આશિક કે પ્રિયતમ ન હતો. તેણે પોતાની જાતને સાંભળી લીધી. પણ ત્યાં જ અટકી ગયેલી તે યુવતીને જોઈને ર​વિ એ પોતાની બહો ફેલાવી. અને અટકી પડેલી તે યુવતી વધુ વેગથી દોડીને ર​વિની બાહોમાં સમાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઇ. પછી બંને જણ બેઠા અને વાતે વળ્યા. આજે વરસો પછી બંનેને કોઈ પોતાના મનની વાતો સાંભળનાર મળ્યું હતું. પછી તો હૃદયના દ્વાર ખુલતા ગયા, અને વરસોથી મનમાં ધરબાઈ પડેલી વાતો હોઠે આવતી ગઈ.

ર​વિ એ શરૂઆત કર્યું, ‘ભગવાને તમને આવો સુંદર દેહ આપ્યો છે તો તેને આમ લિલામ શું કામ કરો છો ?’ તે સુંદરીએ જવાબ આપ્યો, “ભગવાનનો આપેલો આ સુંદર દેહ મારા માટે વરદાન નહી પણ શ્રાપ છે.” ર​વિ એ આગળ ચલાવ્યું, “તમારા પરિવારની એવી તો શી મજબુરી છે કે તમારે આ રસ્તે ચાલવું પડે છે.” “મારે પરિવાર નથી એ જ મોટી મજબુરી છે.” યુવતીએ જવાબ આપ્યો. ર​વિને આજે જીવનમાં પહેલીવાર કોઈ સમદુખી મળ્યું હતું. તે યુવતીનું નામ કોમલ હતું. પણ ર​વિને મળ્યા પહેલા તેનું જીવન સાવ જ અ કોમળ હતું. તે પણ ર​વિની જેમ જ તેના પરીવાર અને સમાજથી તરછોડાયેલી હતી. પણ તેનું મોટું કમનસીબ એ હતું, તે છોકરી હતી અને પાછી સુંદર હતી. તેને ર​વિની જેમ કોઈ રમેશભાઇ મળ્યા ન હતા. પણ જે મળ્યો તે રાક્ષસ હતો. જે તેને આ વેશ્યાગૃહમાં વેશ્યા બનવા માટે વેચી ગયો હતો. હવે તેના માટે આ જ તેની દુનિયા હતી. બંનેની વાતોમાં સમય વીતતો ગયો અને સાથે સાથે બંનેનો વીતેલો સમય વાગોળાતો ગયો. આમને આમ વાતોમાં જ સવાર થઇ ગઈ. ર​વિ વિદાય લેવા ઉભો થયો. ત્યાં જ કોમલ બોલી, “ફરી ક્યારે દર્શન થશે ?” “બહુ જલ્દી” કહી ર​વિ એ વિદાય લીધી. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર પોતાની જુઠ્ઠી સ્માઈલ સાથે બહાર જ ઉભો હતો. ર​વિ એ તેના હાથમાં હજારની નોટોની એક થપ્પી મૂકી અને કહ્યું, “એક મહિના માટે બુકિંગ સમજો. બુજા કોઈને આ રૂમ ન મળવો જોઈએ.” “ઓ.કે.સર” કહી મેનેજર રૂપિયાની થપ્પી ગણવા લાગ્યો. કોમલ ભારે મને ર​વિને જતો જોઈ રહી. પછી તો આ સીલસીલો રોજનો બની ગયો. દિવસભરની દોડધામથી થાકીને ર​વિ રાતે કોમલ પાસે પહોચી જતો અને ત્યાં કોમલના ખોળામાં મથું નાખી સુઈ જતો. કોમલનો હાથ તેના માથા પર ફરતા જ તેનો બધો થાક ઉતરી જતો. બીજી તરફ કોમલ પણ રાતે ર​વિને મળવાની ઝંખનામાં દિવસ વિરહની વેદનામાં પસાર કરવા લાગી. આમને આમ મહિનાઓ પસાર થઇ ગયા. હવે ર​વિ અને કોમલને એકબીજા વગર જીવવું અશક્ય લાગતું હતું.

એક દિવસ પોતાની વિદાય લઈને જઈ રહેલા ર​વિને કોમલએ પૂછી લીધું, “બસ આમ જ મળતા રહેશો કે મને તમારા જીવનમાં અપનાવશો !” હકીકતમાં તો આ ર​વિના મનની જ વાત હતી. પણ પોતે અહી એક ગ્રાહક હતો. અને કોમલ એ ભાડે લીધેલી વસ્તુ. ભાડે લીધેલી વસ્તુને પોતાની કેમ બનાવી શકાય તે જ ર​વિના મનની મુજવણ હતી. પણ આજે કોમલએ સામે ચાલીને ર​વિ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો એટલે ર​વિ માટે તમામ રસ્તા હવે ખુલ્લા હતા. ર​વિ એ કોમલને પોતાની બાહોમાં ખેંચી લીધી અને કહ્યું, બસ હું આ જ ક્ષણની રાહ જોતો હતો. બહુ જલ્દી હું તને આ નરકમાંથી છોડાવીને મારા ઘરે મારી જીવનસંગીની બનાવીને લઇ જઈશ.” ર​વિ એ તરત જ હોટલના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, “હું આ કોમલની ઇચ્છાથી તેને મારી સાથે મારા ઘરે લઇ જવા માંગું છું, કિંમત તું કહે તેટલી !” ર​વિની વાતથી પહેલા તો મેનેજરને ઝાટકો લાગ્યો. પછી તેની આંખો આગળ હજારની નોટો ડોકિયા કરવા લાગી. મેનેજરે કલાકની ગણતરીથી વરસો સુધી કોમલ થકી થનાર કમાણીનો હિસાબ માંડ્યો અને કહ્યું, “વીસ લાખ”. જવાબમાં “ઠીક છે.” કહી ર​વિ ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે વીસ લાખ રૂપિયા લઈને તે પોતાની પ્રિયતમાને આ નરકમાંથી છોડાવવા હોટલ આવી પહોંચ્યો. તેને કિંમત ચૂકવીને કોમલનો કાયદેસરનો કબજો મેળવ્યો. એ જ દિવસે કોમલ અને ર​વિ એ મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા અને કોર્ટમાં નોધણી કરાવી. તે દિવસે સમાજ અને પરિવારથી તરછોડાયેલા બે પાત્રો થકી એક નવો જ પરિવાર બન્યો. જાણૅ બન્ને ને જીવન નો નવો રંગમંચ મળી ગયો હોઇ તેમ લાગતુ.

તેમનું લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યું. ર​વિને જીવન જીવવા જેવું લાગવા લાગ્યું. કોમલ માટે પણ ર​વિ ખુશીઓનો દરિયો સાબિત થયો. બંનેની એકલતા અને ઉદાસીનતા દુર થઇ. પરિવારથી તરછોડાયેલા એ બે જણ થકી એક નવો જ પરિવાર બન્યો. બસ હવે આ પરિવારમાં કોઈ ખોટ હોય તો તે એક જ વાતની હતી. અને તે હતી ર​વિ અને કોમલના પ્રેમ બાગમાં એક પુષ્પ ખીલવાની. તેમને બસ હવે એક ફૂલ સમાન બાળકની જ ખોટ હતી. એ ભૂલકાના આવતા જ તેમનો પરિવાર અપૂર્ણમાંથી સંપૂર્ણ બની જવાનો હતો. બંને જણ રોજ ભગવાન પાસે હવે બસ આ એક જ ખુશી આપવા પ્રાર્થના કરવા લાગ્યા. સમય વીતતો ગયો. આજે ખુશીના સમાચાર મળે, કાલે ખુશીના સમાચાર મળે તેમ રાહ જોવામાં મહિનાઓ પસાર થઇ ગયા. ભગવાને તેમની ધીરજની કસોટી કરી. ભગવાન પરથી બંનેનો વિશ્વાસ ડગવા લાગ્યો. ત્રણ વરસ જેટલો સમય પસાર થયો. પણ કોમલની ગોદ સુની જ રહી. હવે બંને જણે કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એક દિવસ બંને જણ શહેરના એક પ્રખ્યાત ગાયનેક પાસે ગયા. પહેલા ર​વિના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તે બધાજ નોર્મલ આવ્યા. ર​વિમાં કોઈ ખામી ન હતી. હવે કોમલનો વારો હતો. તેના પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા. અને થયું પણ એવું જ. આ દુનિયા રૂપી શતરંજ બિછાવનાર ભગવાને રમતનો એક્કો પોતાની પાસે રાખ્યો હતો. અને પોતે સર્વોપરી હોવાનું સાબિત કરી રહ્યો હતો. કોમલના રિપોર્ટ્સ કર્યા પછી ડોક્ટરે બંને જણને પોતાની કેબીનમાં બોલાવ્યા. અને નવાઈ ભરી નજરે ડોક્ટર ર​વિ સામે જોઈને બોલ્યા, “તમે લોકો અમારી ડોક્ટરની મજાક કરો છો ? “ ડોક્ટરની વાત સાંભળી ર​વિ અને કોમલ નવાઈથી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ સમજ્યા નહી. ર​વિ એ કહ્યું, “શું વાત છે સાહેબ તમે કેમ આવું બોલો છો ?” ડોક્ટરે થોડો ગુસ્સો જતાવતા કહ્યું, “તો તમારા જેવા લોકોને બીજું શું કહું. એક તો તમે પહેલેથી જ તમારી પત્નીને બાળક ન થાય તે માટે નસબંધીનું ઓપરેશન કરવેલ છે, અને હવે રીપોર્ટ કરવો છો કે અમારે બાળક કેમ નથી થતું !” આ સંભાળીને ર​વિ અને કોમલના પગ નીચેથી જમીન ખસી ગઈ.

આ વાત તેમના માટે મોટા આઘાત જેવી હતી. બંનેજણે લાચાર ચહેરે ડોક્ટરની રજા લઇ બહાર નીકળ્યા. બંનેને હકીકત સમજવામાં વાર ન લાગી. કોમલને આગળ જે વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી ત્યાં નરાધમોએ ભવિષ્યના પ્રશ્નોનો વિચાર કરીને પહેલેથી જ કોમલનું સંતાન નિયંતિનું ઓપરેશન કરી દીધેલ હતું. ખુદ કોમલને પણ આ વાત યાદ ન હતી કે આ ક્યારે કરવામાં આવ્યું હતું.

ઘરે આવીને કોમલ ખુબ રડવા લાગી. તેને આમ રડતી જોઈને ર​વિ તેને પોતાની બાહોમાં લઈને સમજાવવા લાગ્યો. “તું ચિંતા ના કર કોમલ, આપણે કોઈ બીજા સારા ડોક્ટર પાસે તારું આ ઓપરેશન ખોલાવી નાખીશું.” એમ કહી કોમલને હૈયા ધારણ આપવા લાગ્યો. બીજા દિવસે બંને જણ બીજા ડોક્ટરને મળવા ગયા. અને કોમલનું ઓપરેશન ખોલવાની વાત કરી. ડોક્ટરે તપાસ કરી. પરિણામમાં ત્યાં પણ કોમલને આંસુ જ મળ્યા. એ ડોક્ટરે સમજાવ્યું કે આ ઓપરેશન ફરી ખોલવું શક્ય નથી. અને ખોલવા છતાં કોમલ માં બનશે જ તેવી કોઈ ખાતરી નથી. આ સમાચાર કોમલ માટે આઘાત પહોચાડનાર હતા. તે દવાખાનામાં જ ર​વિના ખભા પર માથું મુકીને રડવા લાગી. ર​વિ એ તેના માથે હાથ ફેરવી તેને પરાણે શાંત કરી. ત્યાંથી નિરાશા લઈને બંને જણ ઘરે પાછા ફર્યા. એ પછી કોમલ ઉદાસ રહેવા લાગી. ર​વિ તેને હિંમત આપતો અને સમજાવતો. કોમલને ખુશ રાખવા ર​વિ તેને અવાર નવાર સિનેમાગૃહમાં ફિલ્મ જોવા લઇ જતો. એકવાર બંનેજણ સિનેમાગૃહમાં ફિલ્મ જોઈને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી તેમની ગાડી સિગ્નલ પર ઉભી હતી. ત્યાં જ કોમલની નજર બાજુમાં આવેલા એક અનાથ આશ્રમના બોર્ડ પર પડી. તેને મનમાં અજબની ખુશી થઇ આવી. તેણે બાજુમાં બેઠેલા ર​વિનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “ર​વિ આપણે અનાથ બાળકને ખોળે લઈએ તો ?” એમ કહી તેણે ર​વિને અનાથ આશ્રમનું બોર્ડ બતાવ્યું.

ર​વિ એ જોયુ તો ત્યાં આશ્રમમાં નાના ભૂલકાઓ દોડાદોડ કરી રહ્યા હતા. રવિ એ કોમલના હાથ પર હાથ મુક્યો અને કહ્યું, “તું બિલકુલ સાચું કહે છે. આપણે એમ જ કરીશું. પણ એક શરત છે, આપને દીકરો નહી દીકરી દત્તક લઈશું.” ર​વિ અને કોમલ બંને સમાજ અને પરિવારથી તરછોડાયેલા હતા એટલા સ્વાભાવિક જ અનાથ બાળકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. સિગ્નલ ખુલતા જ ર​વિ એ ગાડી અનાથ આશ્રમ તરફ વાળી. ત્યાં જઈ ત્યાના ટ્રસ્ટીને પોતાનો વિચાર જણાવ્યો. ટ્રસ્ટીએ બંનેને અભિનંદન આપ્યા અને તે માટેની કાયદેસરની કાર્યવાહી સમજાવી. કોમલ અને ર​વિ તેમની શરતો માટે સંમત થયા. પાછી ટ્રસ્ટી તેમને બાળક પસંદ કરવા માટે લઈ ગયા. બાળકોને જોતી વખતે કોમલની નજર એક તાજી જ જન્મેલી અને તરછોડાયેલી બાળકી પર પડી. તેને જોતા જ કોમલને તેનામાં પોતાનો ભૂતકાળ દેખાયો. ‘તેને થયુ કે આ બાળકી પોતાની જેમ કોઈ પાપીને હાથ લાગીને નર્કમાં જઈ પડે !’ તેવો વિચાર આવતા જ તેણે દોડી જઈને તે બાળકીને પોતાની ગોદમાં ઉચકી લીધી અને પોતાને ગળે વળગાડી ચુંબન કરવા લાગી. બાળકની પસંદગીની વિધિ ત્યાં પૂરી થઇ. ઘરે આવીને તેમણે તે બાળકીનું ‘ચાહત’ તેવું મીઠું નામ પાડયુ. અને તે ચાહતના આવવાથી કોમલ અને ર​વિનો અધુરો પરીવાર પુરો થઇ ગયો.

બોધ : વર્તમાન સમયમાં સમાજમાં પોતાના લોકો પોતાના લોકોને તરછોડી મુકે છે. ત્યારે આવા તરછોડાયેલા જીવ ભેગા મળીને એક નવો જ પરિવાર બનાવે છે. આ જ તો કુદરતની કમાલ છે અને ઈશ્વરની સર્વોપરીતાનું એક ઉદાહરણ. દુનિયામાં મા-બાપ જયારે જન્મેલા સંતાનને તરછોડી મુકે છે ત્યારે અનાથ આશ્રમ ઉભા થાય છે. અને જયારે સંતાન મા-બાપને તરછોડી મુકે છે ત્યારે વૃદ્ધાશ્રમો ઉભા થાય છે. આ બંને ભારત માટે કલંક સમાન છે. હે ભગવાન કઇંક એવું કર કે સંતાનોનો અંતર આત્મા જાગે અને ભારતના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઇ જાય. અને કઇંક એવું કર કે મા-બાપનો અંતર આત્મા જાગે ને ભારતના તમામ અનાથ આશ્રમો બંધ થઇ જાય.