Featured Books
શ્રેણી
શેયર કરો

મને લાગે છે કે મારામાં જ કંઈક પ્રોબ્લેમ છે!

મને લાગે છે કે મારામાં

જ કંઈક પ્રોબ્લેમ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મૈં ખુદ હી અપની તલાશ મેં હૂં, મેરા કોઈ રહનુમા નહીં હૈ,

વો ક્યા દિખાયેંગે રાહ મુજકો, જિન્હેં ખુદ અપના પતા નહીં હૈ,

દિલ આયના હૈ તુમ અપની સૂરત, સંવાર લો ઔર ખુદ હી દેખો,

જો નુક્સ હોગા દિખાઈ દેગા, યે બેજુબાં બોલતા નહીં હૈ.

કોઈ માણસ ક્યારેય પરફેક્ટ હોતો નથી. માણસની ગતિ હંમેશાં પરફેક્ટનેસ તરફની હોય છે. માણસ કેટલે સુધી પહોંચે છે તેના પરથી તેની સફળતા કે નિષ્ફળતા અને સુખ કે દુઃખ નક્કી થતાં હોય છે. પરફેક્ટનેસ તરફની ગતિ પાછી સીધી લાઇનમાં નથી હોતી. આ ગતિ અપ-ડાઉનવાળી હોય છે, આ રસ્તો અનિશ્ચિત હોય છે. આ રસ્તો એક્સપ્રેસ વે જેવો હોતો નથી. આમ જુઓ તો રસ્તો હોતો જ નથી. રસ્તો બનાવવો પડતો હોય છે. રસ્તો બનાવતી વખતે ક્યારેક ભૂલ પણ થઈ જાય. રસ્તા પર ખાઈ આવે તો પુલ બનાવવો પડતો હોય છે અને પર્વત આવે તો ટનલ કોતરવી પડતી હોય છે. રસ્તો સીધો હોય તોપણ ગતિ જાળવવી પડતી હોય છે. જિંદગી એટલે મુકામ સુધી પહોંચવાની સફર.

સંઘર્ષ સામે દરેક માણસ સજ્જ રહેવાનો પ્રયાસ કરતો હોય છે. પડકારને પરિશ્રમથી મહાત કરવાનો તેનો પ્રયત્ન રહે છે. દરેક ચેલેન્જને ચાન્સમાં કન્વર્ટ કરવાનો તેનો ઇરાદો હોય છે. બધી વખતે આપણું ધાર્યું થતું નથી. દરેક નિશાન ટાર્ગેટ શૂટ કરે એવું બનવાનું નથી. એકાદ અડચણ આવે ત્યારે માણસ એને વધુ મહેનતથી પાર કરી લે છે. ઉપરાછાપરી નિષ્ફળતા માણસને મૂંઝવી નાખે છે. શું થઈ રહ્યું છે એની તેને સમજ નથી પડતી. દરેક નિષ્ફળતા માટે માણસ બીજાને દોષ દે એવું બનતું નથી. ઘણી વખત માણસ નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ગણવા માંડે છે. આવું થાય એમાં કશું ખોટું પણ નથી. નિષ્ફળતાના પોસ્ટમોર્ટમમાંથી જ સફળતાનાં કારણ મળતાં હોય છે. ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે નિષ્ફળતા આપણને નકામા ન કરી નાખે.

એક યુવાનની વાત છે. પોતાની જોબમાં સફળ થવા માટે એ ખૂબ મહેનત કરતો. પૂરતું હોમવર્ક કરતો. જોકે, થતું એવું કે એને સફળતા મળતી ન હતી. ધાર્યાં ધ્યેય હાંસલ ન થતાં એને પ્રમોશન મળતું ન હતું. બીજા લોકો આગળ નીકળી જતા હતા. એક તબક્કો તો એવો આવ્યો કે તેને નોટિસ આપી દેવામાં આવી કે આ તમને છેલ્લો ચાન્સ છે. હવેની નિષ્ફળતા તમારા માટે આખરી હશે. એ દિવસે આ યુવાને તેના મિત્રને કહ્યું, મને તો એવું લાગે છે કે મારામાં જ કંઈ પ્રોબ્લેમ છે. મારી ખામીઓના કારણે જ હું પાછળ પડું છું. મિત્રએ કહ્યું કે, એવો કયો માણસ છે જેનામાં કોઈ ખામી નથી? ખામીઓ બધામાં હોય છે. હા, તને જો એવું લાગતું હોય કે તારામાં ખામી છે તોપણ તેના કારણે તું ડિસ્ટર્બ ન થા. એ ખામીને શોધ. તેને દૂર કર. ડિસ્ટર્બ થઈશ તો વધુ ભૂલો કરીશ. તને કહ્યું છેને કે હજુ એક ચાન્સ છે? જસ્ટ રિલેક્સ, એમ વિચાર કર કે હજુ એક ચાન્સ તો છેને? તારી અત્યાર સુધીની નિષ્ફળતા તારા પર હાવી ન થવા દે. પ્રોબ્લેમ તારામાં નથી, તારા વિચારોમાં છે. તારી સાથે કામ કરતા લોકોની સલાહ લે. બધાને સાથે રાખ. ઘણી વખત માત્ર એટિટયૂડ ચેઇન્જ કરવાની જ જરૂર હોય છે.

બીજાને સમજવા બહુ સહેલા છે. પોતાને સમજવાનું જ અઘરું છે. માણસની સમજ એના પરથી નક્કી થતી હોય છે કે એ પોતાને કેટલો સમજે છે. દરેક માણસ એકસરખો જ હોય છે. એક માણસને બીજા માણસથી જુદા પાડે છે એની વિચારવાની શક્તિ, પોતાને સમજવાની તાકાત અને દરેક પરિસ્થિતિને સ્વીકારવાની આવડત. કોઈ ઘટનાની એક બાજુ હોતી નથી. અનેક બાજુ હોય છે. કોઈ ઘટના એક બાજુથી ન સમજાય તો એને બીજી બાજુથી સમજો. આપણે એક બાજુથી જ જોતાં હોઈએ છીએ અને તેને જ સાચી માની લેતા હોઈએ છીએ. બીજી બાજુ સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આવું થાય ત્યારે અફસોસ સિવાય બીજું કંઈ રહેતું નથી.

એક યુવતીની આ વાત છે. બહારગામ જવા માટે એ એરપોર્ટ પર પહોંચી. ફ્લાઇટને હજુ વાર હતી. તેને ભૂખ લાગી હતી. એરપોર્ટ પરની ફૂડ શોપમાંથી તેણે કૂકીઝનું એક પેકેટ લીધું. ટાઇમ પાસ કરવા એક ન્યૂઝપેપર ખરીદ્યુ. એક ટેબલ સાથેની ચેર પર એ બેઠી અને ન્યૂઝપેપર વાંચવા લાગી. થોડા જ સમયમાં બાજુની ચેર પર એક યુવાન આવીને બેઠો. યુવતીએ જોયું તો એ યુવાન ટેબલ પર કૂકીઝનું પેકેટ ખોલીને ખાવા લાગ્યો. યુવતીને થયું કે જબરો બદતમીઝ માણસ છે. મેનર્સ જેવું તો કંઈ છે જ નહીં. મારી કૂકીઝ ખાવા લાગ્યો અને મને પૂછતો પણ નથી. આવા માણસને જરાયે વતાવાય નહીં. યુવતીને થયું કે હવે હું તો કૂકીઝ ખાઉં, નહીંતર આ માણસ બધી જ કૂકીઝ ખાઈ જશે. તેણે પેકેટમાંથી એક કૂકી લીધી. પેલા માણસે પણ એક લીધી. યુવતીએ પણ બીજી કૂકી લીધી. બંને વારાફરતી ખાતાં રહ્યાં. છેલ્લે એક કૂકી વધી. પેલા યુવાને એ કૂકી લઈ લીધી. એટલું જ નહીં, કૂકી અડધી કરીને યુવતીને આપી. યુવતીને થઈ ગયું કે નક્કી આ માણસ બદમાશ છે. તેણે અડધી કૂકી લઈ તો લીધી પણ એક શબ્દેય પેલા યુવાનને ન કહ્યો. થોડી વાર પછી પેલો યુવાન ઊભો થઈને ચાલ્યો ગયો. યુવતીને થયું કે હાશ એક જોખમ ટળ્યું. ફ્લાઇટનો ટાઇમ થાય ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહી.

ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું એટલે એ યુવતી ઊભી થઈ. ન્યૂઝપેપરની ઘડી કરીને એ પોતાના પર્સમાં મૂકવા ગઈ. પર્સમાં જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ. એનું કૂકીઝનું પેકેટ તો પર્સમાં જ હતું! એને સમજાયું કે પેલો યુવાન મારી કૂકીઝ નહોતો ખાતો પણ હું જ એની કૂકીઝ ખાતી હતી. એ બિચારો તો કંઈ જ ન બોલ્યો અને હું તેના વિશે કેવું કેવું ખરાબ વિચારતી હતી! છેલ્લે તો એણે મને અડધી કૂકી પણ આપી. એ દોડીને એને શોધવા ગઈ પણ પેલો યુવાન ક્યાંય ન મળ્યો! યુવતીએ આ વાત તેની ફ્રેન્ડને કરી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તને જ્યારે લાગ્યું કે એ તારી કૂકીઝ ખાઈ રહ્યો છે ત્યારે જ તેં કેમ કંઈ વાત ન કરી? આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે જ્યારે જે કરવું જોઈએ એ કરતાં નથી. ઘણું બધું માની લઈએ છીએ. ધારી લઈએ છીએ. બીજી બાજુનો વિચાર જ નથી કરતા. છેલ્લે આપણને થાય છે કે ભૂલ આપણી જ હતી.

આપણો એટિટયૂડ ઘણી વખત આપણને ભૂલ કરાવતો હોય છે. એટિટયૂડને ચેઇન્જ કરો. તમારો પ્રોબ્લેમ, તમારી ખામી તમને લાગતી હોય તો એ પોઝિટિવનેસ છે, પણ એ ખામીમાં ડૂબેલા ન રહો. ખામી શોધો. ખામીને સુધારો. માણસને ખબર તો હોય જ છે કે પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો. એ પ્રોબ્લેમ એ સુધારતો નથી. તમારી જાતને દોષ ન દેવો હોય અને પોતાને જ જો દોષિત ન સમજવા હોય તો જલદીથી એ પ્રોબ્લેમ એ ખામીને હટાવી દો. ઘણી ખામીઓ આપણી સફરના માર્ગની બરાબર વચ્ચે સ્ટોપના બોર્ડની જેમ ખોડાયેલી હોય છે. આ બોર્ડના કારણે આપણને આગળનો રસ્તો નજરે પડતો નથી. આપણે આપણા હાથે જ આ બોર્ડ હટાવવું પડતું હોય છે. સ્ટોપ થઈ જવું કે બોર્ડ હટાવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. પ્રોબ્લેમ, ખામી અને સ્ટોપનું બોર્ડ હટાવી દો, આગળ રસ્તો તો છે જ...

છેલ્લો સીન :

જે દલીલ નથી કરી શકતો તે કજિયો કરે છે. -જી.કે. ચેસ્ટરટન.

('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 29 જુન, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)

kkantu@gmail.com