Tathastu books and stories free download online pdf in Gujarati

તથાસ્તુ

ધબાક…

કશુંક જોરથી અફળાયાનો અવાજ સાંભળીને કોમલ દોડી. અવાજ ઉપરના રૂમમાંથી આવ્યો હતો એ વાત તો નક્કી જ હતી કારણકે ઘરમાં એના અને નીપા સિવાય બીજુ કોઇ હતુ ય નહી. નીપાને કોલેજ જવાનો ટાઇમ થયો હતો એટલે જમીને તૈયાર થવા ઉપર એના રૂમમાં ગઈ હતી .

“તોબા ભઈસાબ આ છોકરીથી ઘરમાં હોય ત્યાં સુધી આખો દિવસ એના કઈને કંઇ ઉધમ પછાડા ચાલ્યા જ કરતા હોય છે. ઉમર સામે ય જોતી નથી. આવતુ વર્ષ તો કોલેજ નું છેલ્લુ વર્ષ……આગળ ભણવુ છે બેન”બા ને “લૉ કરીશ એન્ડ ધેટ્સ ફાયનલ “

ચાલો કહી દીધુ, જાણે અત્યારથી જ જજની પોઝીશન પર બેઠી હોય એમ હથોડી ઠોકીને અંતિમ નિર્ણય આપી દીધો હોય અને હવે આગળ કંઇ સાંભળવા સંભળાવાની ગુંજાઇશ રહી જ ન હોય એમ ચાલતી પકડી .

અને પરાશર? એને તો નીપા બોલી એટલે ભગવાન બોલ્યા. પડ્યો બોલ ઝીલી લેવાનો.એમ કંઇ બધી વાતો માની લેવાય છે? અત્યારથી સારુ ઘર અને સારો વર શોધતા રહીશુ તો બે વર્ષે ઠેકાણુ પડશે એની ક્યાં કોઇને ખબર છે? બાપ –દિકરી તો શેખચલ્લીની જેમ હવાઇ કિલ્લા બાંધતા ફરે છે. દુનિયાદારીની તો બેમાંથી એકે ને ક્યાં પડી છે?

તું છો ને દુનિયાદારી નિભાવવા. મારે તો બસ નીપા-દારી નિભાવાની એટલુ હું જાણુ.” પરાશર કોમલને વધુ ને વધુ ઉશ્કેરતો કોમલ ગુસ્સે થાય એ જોવાની બેય બાપ-દિકરીને બહુ મઝા પડતી. કોમલ કરતા ય પરાશરની વધુ લાડકી હતી નીપા. મમ્મી તો ક્યારેક પણ કોઇ વાતે રોકતી કે ટોકતી પણ પપ્પા તો ક્યારેય કોઇ વાતે ના પાડવાનુ જાણે શિખ્યા જ નહોતા.

નીપા –સાવ પાંચ જ વર્ષની હતી અને કોમલ અને પરાશરે અપનાવી લીધી હતી. અપનાવી લીધી ય કેમ કહેવાય, અપનાવેલી તો હતી જ આ તો સાચા અર્થમાં પોતાની કરી લીધી.

હા! નીપા એમનુ પોતાનુ સંતાન નહોતી. તો શું થયુ? જન્મ આપે એ જ જનની? તો પછી દેવકી કરતાં ય જશોદાને કેમ પહેલા યાદ કરે છે? વાસુદેવનુ નામ લેતા પહેલા નંદબાબા નજર સામે કેમ દેખાય છે?

આમ જુવો તો નીપાને પારકી ય કેવી રીતે કહેવાય?

કોમલ અને શિતલ બે જોડીયા બહેનો. દેખાવે જરાતરા જુદા પણ ગુણે -સ્વભાવે આદતે એકદમ સરખા. નાના હતા ત્યારેય કોઇ સખી-સહિયરની ઉણપ સાલી નહી એટલી હદે બંને વચ્ચે સખ્ય.અને એ સખ્ય લગ્ન પછી પણ પરાશર અને વિનિતના લીધે જળવાઇ રહ્યુ. પરણવાની ઉંમરે પહોંચેલા કોમલ અને શિતલ માટે એક જ ઘરમાંથી જ બે વર મળી જાય તો કેવુ? એવુ તો ના બન્યુ પણ એક જ માંડવે કોમલ અને શિતલ સાથે પરણેલા પરાશર અને વિનિત વચ્ચે પણ સરસ સંવાદિતા રચાઇ. બંને બહેનો કરતા પરાશર અને વિનિત વચ્ચે વધુ મનમેળ. કોઇ એક શનિવાર કે રવિવાર એવો નહી ગયો હોય કે એ ચારે સાથે ન હોય.. વધતુ વધતુ ચારમાંથી બાર જણનુ ગ્રુપ બની ગયુ હતુ તો પણ એ ચાર વચ્ચેનો મનમેળ તો એમનો એમ જ રહ્યો હતો. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીનો છેડો ખુંદી વળ્યા હતા એ બારે જણ.

બસ, એ એક જ વાર અને આખરી વાર એવુ બન્યુ કે ઉત્તર ભારતની એ યાત્રામાં કોમલ અને પરાશર ન જોડાઇ શક્યા. બધુ જ નક્કી થઈ ગયુ હતુ. રેલ્વેથી માંડીને હોટલોના બુકિંગ પણ ફાઇનલ થઈ ગયા હતા. નિકળવાના બે દિવસ પહેલા જ પરાશરના પગે મોચ આવી ગઈ અને અઠવાડિયા માટે ફરજીયાત આરામ પર ઉતરી જવુ પડ્યુ. આ તો પરાશરનો આગ્રહ ન હોત તો શિતલ અને વિનિતે પણ પોતાનો પ્રોગ્રામ અને ટીકીટો કેન્સલ કરાવી લીધી હોત.

“યાર, આવી રીતે તમે સાથે ન હો તો ક્યાંય જવાનુ ગમે ખરુ? આવો પ્રોગ્રામ તો ફરી કોઇવાર પણ બનશે.ક્યાં જીંદગી પુરી થઈ ગઈ છે?” પરાશરના આગ્રહ સામે વિનિતની અકળામણ ઓછી નહોતી.

પણ કોમલ અને પરાશરે શિતલ અને વિનિતને આખરે મનાવી જ લીધા.

“એક અઠવાડિયાનો તો સવાલ છે. જરા સારુ થશે અને ડૉક્ટરની પરવાનગી હશે તો તમે જ્યાં પહોંચ્યા હશો ત્યાં દિલ્હી સુધી ફ્લાય કરીને પણ જોડાઇ જઇશુ”

ગંગોત્રી, જન્મોત્રી ,બદરીનાથ અને કેદારનાથ જેટલા દિવસનો પ્રોગ્રામ હતો ત્યાં બધે બુકિંગ થઈ ગયા હતા એટલે જ્યાં જોડાશે ત્યાં નવેસરથી બુકિંગની ચિંતા નહોતી.

“બસ એક કામ કરો, નીપાને અમારી પાસે મુકતા જાવ. નીપા અમારી સાથે રહેશે તો અમને ઘરમાં બેઠા કંટાળો તો નહી આવેને! અને અમારી સાથે નીપાને લેતા આવીશુ.

નીપા માટે આ ઘર જરાય અજાણ્યુ નહોતુ. સમજણ આવે એ પહેલાથી જ આ ઘરને એ ઓળખતી થઈ ગઈ હતી. શિતલ કે વિનિતની હોય એનાથી વધુ એ કોમલ અને પરાશરની લાડકી હતી. લગ્નના બે વર્ષે જ્યારે શિતલની પ્રેગનન્સી કન્ફર્મ થઈ એ દિવસથી જાણે કોમલ મા બનવાની હોય એટલી ખુશ હતી. શિતલની દરેક ઝીણી ઝીણી બાબતનુ એ ધ્યાન રાખતી. ડોક્ટરની દરેક એપોઇન્ટમેન્ટ વખતે એ શિતલ સાથે રહેતી. શિતલને હોસ્પીટલમાં એડમીટ કરી ત્યારથી લઈને નિપાના જન્મ અને હોસ્પીટલના તમામ દિવસો એ શિતલની સાથે ને સાથે જ હતી. નવજાત બાળકીને મા પહેલા માસીએ જ તો હાથમાં લીધી હતી ને! એ તાજા સ્નાન કરેલા જાણે માખણના પિંડને સ્પર્શતા જ કેટલી ઉત્તેજના અનુભવી હતી! અરે આજ સુધી જીવેલા તમામ સંબંધો કરતા આ સ્પર્શ, આ નવજાત બાળકીની સાથે સાથે જન્મેલો તાજો નવો નવો સંબંધ સૌ કરતા એક માત્રા ઉપર નહોતો લાગ્યો?

નીપા નામ પણ કોમલ અને પરાશરે જ તો શોધ્યુ હતુ.

નીપાના જન્મ પછી કોમલ પણ પોતાના દાંપત્ય જીવનમાં એક નવા આગંતુકની રાહ જોતી થઈ ગઈ હતી. પણ પછી તો સમય સરતો જતો હતો એમ એમ મનમાંથી આશા ય સરતી જતી હતી. શહેરના કેટલા નામાંકિત ગાયનેકોલેજીસ્ટની ક્લિનિકથી માંડીને આઇ. વી એફ ટ્રીટમેન્ટ ક્લિનિકના પગથીયા ઘસી કાઢ્યા હતા? અરે! પત્થર એટલા દેવ કરવામાં ય ક્યાં બાકી રાખ્યુ હતુ?

કોમલને સાથ આપવામાં પરાશરે કોઇ કમી બાકી રાખી નહોતી બાકી મનથી તો એ આ બધાથી પરે હતો.

“કોમલ, તું કહીશ એ બધુ સાંભળીશ, તું કહીશ ત્યાં બધે આવીશ પણ પરિણામથી નિરાશ થઈને એ ક્ષણે તું નબળી પડીશ એ હું નહી સહી શકુ. દુનિયામાં બધાને બધુ મળી જ રહે એવુ બનતુ હોત તો જોઇએ જ શું?

કોમલ પણ મનથી સમજતી હતી પરંતુ સ્વીકારવા તૈયાર નહોતી. શિતલનો પણ સતત સધિયારો હતો નહી તો ક્યારની કોમલ તુટી ગઈ હોત. પરાશર અને શિતલની કાળજીથી ય વધુ ચઢી નીપાની હાજરી. કોમલના ખાલી ખોળાને એ નાનકડા જીવના અસ્તિત્વે અને ખાલી મનના સુનકારને એની કાલીઘેલી બોલીએ રણકતો રાખ્યો હતો.

હવે તો શિતલ જરૂર હોય કે ના હોય અમસ્તી અમસ્તી ય નીપાને કોમલ પાસે મુકી આવતી. અને કોમલનો દિવસ ભર્યો ભર્યો બની રહેતો.

“જો જે શિતલ એક દિવસ એવો આવશે કે મા કરતા માસી વધુ વ્હાલી બની જશે.” પરાશરને ય નીપાની હાજરી ખુબ ગમતી છતાં ક્યારેક પરાશર શિતલને ચેતવતો. બાળક અંતે તો મા-બાપનુ થઇને રહેવાનુ ને?

“એવુ કોણે કહ્યુ? કહેવત છે ને કે મા મરજો પણ માસી જીવજો” શિતલ પરાશરની ચેતવણીને એક કાનેથી બીજા કાને કાઢી નાખતી. કોમલની એને બહુ જ ફિકર રહેતી. કોમલને કોઇ વાતે ઓછુ ન આવે, કોમલને ક્યાંય કોઇ ખોટ કે અભાવ ન સાલે એની એને વધુ ચિંતા રહેતી.

વિનિત પણ આ બધુ જોતો સમજતો, એને કોમલની પરવા હતી, એ શિતલની લાગણીઓ નો આદર કરતો પણ સાથે સાથે એ વ્યહવારુ પણ એટલો જ હતો .નીપા કોમલને ગમે એટલી વ્હાલી હોય પણ આખરે તો એનુ પોતાનુ સંતાન તો નહી જ ને!

એક સરળ ઉપાય હતો એના દિમાગમાં “એક વાત કહુ પરાશર, એક બાળક કેમ દત્તક નથી લઇ લેતા? જે હકિકત છે એ કોમલે સ્વીકારી લીધી હોય તો એનો બીજો ઉપાય સ્વીકારી લેવામાં શાણપણ નથી?” જે વાત શિતલ કે પરાશર વિચારી શકતા નહોતા એનો પ્રસ્તાવ વિનિતે સાવ જ સ્વભાવિક રીતે મુકી દીધો.

વાત વિચારવા જેવી તો ખરી જ .પરાશર અને શિતલને પણ વાત ધ્યાન પર લેવા જેવી લાગી પરંતુ કોમલ તો આ પ્રસ્તાવ સામે જ ભડકી ઉઠી.

“પરાશર, એનો અર્થ એ જ ને કે આપણે હથિયાર હેઠા નાખી દેવાના? તું એક બાજુ મને સાથ સહકાર આપવાની વાત કરે છે અને બીજી બાજુ ભળતા જ રસ્તા ચીંધે છે? “

“કોમલ, આ કોઇ ભળતો રસ્તો નથી. આપણે કોઇ ટ્રીટમેન્ટ લેવામાં કસર છોડી નથી, શું પરિણામ આવ્યુ? અને હજુ ય હું રાહ જોવા તૈયાર છું. મારામાં એટલી ધીરજ છે પણ જે દિવસે તને બધી દિશાઓ બંધ થતી લાગે એ દિવસે આ વાત ધ્યાન પર લેજે એટલુ જ મારુ તને સુચન છે.”

એ દિવસે તો વાત તો બંધ ત્યાંથી વળી ગયો. પરાશર કોમલને વધુ છંછેડવા માંગતો જ નહોતો. એને તો બાળક ન હોય તો પણ સ્વીકાર્ય હતુ બસ કોમલ ખુશ રહેવી જોઇએ.

કોમલ અને પરાશર વચ્ચે તો ત્યાંથી જ વાત અટકી ગઈ પરંતુ વિનિત અને શિતલ વચ્ચે ચાલુ રહી. વિનિતના વ્યહવારુ સુચને શિતલને વિચારતી કરી દીધી હતી. પણ ઉંડે ઉંડે એને ય એક ભય તો હતો જ.

“વિનિત, બાળક દત્તક લો એટલે એ બીજાનુ બાળક. કોને ખબર એ કેવાય વાતાવરણમાંથી તરછોડાઇને આવ્યુ હોય? એનુ મુળ –એનુ કુળ એ આપણે ક્યાંથી જાણવાના હતા? અને એવા સાવ જ અજાણ્યા બાળકને સાચા અર્થમાં આપણુ કહીને સ્વીકારી શકીએ ખરા? હું કદાચ એવુ ન પણ કરી શકુ.”

“શિતલ, આ વાત તું ન સ્વીકારી શકે કારણકે સંતાન ઝુરાપો કોને કહેવાય એનો તને અનુભવ નથી.પણ નિઃસંતાન દંપતિ અને એમાં ય જે સ્ત્રી આ ઝુરાપો સહી ન શકે એના માટે તો આ આખી વાત એક આશીર્વાદ જ કહેવાય. વિચારી જો જે અને તારા મનમાં બેસે તો કોમલને ય સમજાવી જો જે. “

“સાચી વાત કહુ વિનિત ? નીપા ય હવે મોટી થઈ. કોમલની ચિંતા ન હોત તો બીજા બાળક માટે વિચારવાનો આપણો ય સમય થઈ ગયો કહેવાય”

“કેમ કોમલની ચિંતા અને આપણા બાળકને શું લેવાદેવા? “

“કોમલ આટાઅટલા પ્રયત્નો કરે અને વિફળ જાય છે અને હું બીજા બાળક માટે વિચારુ છું તો મને જ મનોમન અપરાધની લાગણી અનુભવાય છે.”

“અરે ગાંડી! વિનિતે શિતલને હળવેથી પોતાની તરફ ખેંચી. કોમલની ચિંતા થતી હોય તો તો આજની કાલ ન કર. કોમલ માટે થઈને પણ આ વિચાર અમલમાં મુકી દે.

“એટલે? “

“જો એક બાજુ તું એમ કહે છે કે સાવ અજાણ્યુ, કેવા કુળ કે કેવા મુળમાંથી આવ્યુ હોય એવુ બાળક સ્વીકારી શકાય કે કેમ? તો આ તો જાણીતુ કુળ અને જાણીતુ મુળ હોય એવુ બાળક તો સ્વીકારવામાં કોઇ ખચકાટ તો ના રહે ને? “

શિતલના બઘવાટ સામે હસી પડ્યો વિનિત.

“હજુ ય ના સમજણ પડી? જો આપણે બીજા બાળક માટે વિચારવાનુ જ હોય તો શુભષ્ય શિઘ્રમ…તારી અને કોમલની તૈયારી હોય તો એ બીજુ બાળક કોમલનુ અથવા તો નીપા કોમલની અને એ બીજુ બાળક આપણુ. સમજી હવે આખી વાત?’

વારી ગઈ, ઓવારી ગઇ એ પોતાના પતિ પર. આનંદની મારી શિતલ વિનિતને વળગી પડી. કોમલની ચિંતામાં રાતોની રાતો જાગેલી શિતલ કોમલના વિચારોમાં આજે શાંતિની નિંદ્રામાં પતિની આગોશમાં પોઢી ગઇ.

સવારે ઉઠીને ફરી એની એ જ ચર્ચા ચાલી .આ વાતનો બંધ અહીં જ વાળી લેવાનો વિનિત શિતલ વચ્ચે એક નિર્ણય લેવાઇ ગયો જ્યાં સુધી કોઇ નક્કર પરિણામ ન આવે ત્યાં સુધી કોમલના મનમાં આશા જગાડવાનો કોઇ અર્થ નહોતો.

***

શિતલ –વિનિત માટે આ પહેલો અનુભવ પહેલો પ્રવાસ હતો જેમાં કોમલ પરાશરની સાથે નીપા પણ નહોતી. પરાશરના આગ્રહને માન્ય રાખીને નીપાને કોમલ પાસે જ રહેવા દીધી હતી. અને દિલ્હી ક્યાં દુર હતુ? પરાશર અને કોમલ જોડાઇ ન શકે તો પણ થોડા દિવસોનો જ તો જુદાગરો હતો ને!

કદાચ શિતલ પોતાની જાતને એ રીતે પણ તૈયાર કરવા માંગતી હતી કે બીજા બાળકના આગમન પછી જો નીપાને જ કોમલ અપનાવી લેવા તૈયાર હોય તો નીપા વગર રહેતા એણે પણ શિખવુ પડશે ને? આમ તો કેટલીય વાર કોમલ નીપાને પોતાની પાસે રાખતી, નીપા ય રાજીખુશી કોમલ પાસે રહેતી પરંતુ આ તો કાયમ માટેની વાત હતી. વિચારવુ અને અમલમાં મુકવુ એ બંને વચ્ચેનો ફરક એ અનુભવી લેવા માંગતી હતી.

નાનપણના એ દિવસો શિતલ ક્યારેય ભુલી શકી નહોતી. બંને બહેનોનુ મન ક્યારેક કોઇ એક વસ્તુ પર, કોઇ એક ડ્રેસ પર આવી ગયુ હોય તો તરત જ કોમલ જતુ કરતી. શિતલની ખુશી કોમલ માટે કોઇ પણ રમકડા કે કોઇપણ ભૌતિક વસ્તુથી વધુ અગત્યની હતી. અને પેલી સુંદર મઝાની બેટરી ઓપરેટેડ ઢીંગલી? સહેજ આડી કરો તો આંખ મીંચીને સુઇ જાય.બેટરી ઑન કરો તો જે બોલો એનો સામે પડઘો આપે. જાત જાતના અસબાબ હતા એ ઢીંગલી માટે અને બંને બહેનોને બહુ એ વહાલી હતી. પણ જો શિતલને જોઇતી હોય તો કોમલ તરત જ બેઝીઝક આપી દેતી.

આજે આ કોમલ એક એવી જ ઢીંગલી માટે ઝુરતી હતી અને એ શિતલે બેઝીઝક કોમલને આપી દેવાની હતી.

આપી શકશે? બેટરી ઓપરેટેડ ઢીંગલી અને એક જીવતી જાગતી દિકરી વચ્ચે કશોક તો ફરક ખરો જ ને? પોતે એટલી જ સાહજીકતાથી કોમલ માટે આ વિચારને અમલમાં મુકી શકશે? અથવા વિચાર અમલમાં મુકવાનો નિર્ણય લેવાઇ ગયા પછી પણ એ એટલીજ સાહજીક રહી શકશે? શિતલની માનસિક અવઢવ વિનિત જોયા કરતો હતો. એ ય સમજતો હતો કે મા માટે આ સહેજ અઘરુ તો હતુ જ .એ જોતો હતો કે શિતલના મનમાં ઉંડે ઉંડે કશુંક વલોવાતુ જતુ હતુ પણ એ મંથનના અંતે તો અમૃત જ તરી આવવનુ છે એવો એને વિશ્વાસ હતો. એ તો મનથી નિશ્ચિંત જ હતો.

**

દિલ્હી થઈને ઉત્તર કાશી હરદ્વાર સુધી પહોંચેલા શિતલ વિનિત સાથે પરાશર અને કોમલ સતત સંપર્કમાં હતા. નીપાની રોજ-બરોજની વાતો કરતા કોમલ ધરાતી નહોતી. કોમલના આખે આખા સાંગોપાગ દિવસો નીપા સાથે, નીપા માટે જ હતા. નીપાની હાજરી એના દિવસો ભર્યા ભર્યા કરી દેતી. કેટલાય વર્ષો સુધી ઉત્તર ભારતના પ્રવાસનુ શમણું આમ રોળાઇ ગયુ એનો ય હવે તો તો કોઇ વસવસો નહોતો. ભગવાન જે કરે એ સારા માટે પરાશર હંમેશા કહેતો. પરાશરને તો પોતાના પગે મોચ આવી તો પણ એમાં કંઇક સારુ થવાનુ હશે એમ મન મનાવતા વાર નહોતી લાગી. અને નીપાની હાજરીના લીધે હવે તો કોમલને ય રહ્યો સહ્યો અફસોસ દુર થઈ ગયો.

ચારે જણે એક નિયમ રાખ્યો હતો સવારે અને રાત્રે સેલફોન પર વાત કરી લેવાનો. એ કદાચ નિયમ નહોતો. એકબીજા માટેનુ વળગણ હતુ. ગામમાં હોય તો પણ દિવસમાં બે વાર વાત કરી લેતા હોય તો આ તો પરગામ પણ આજે સવારથી જ વિનિતનો સેલફોન આઉટ ઓફ ઓર્ડર હોય એમ લાગતુ હતુ. ઘણી વાર એવુ બનતુ કે નેટવર્કના પ્રોબ્લેબના લીધે કે રેઇન્જ ન મળતી હોય તો સેલફોન પર સંપર્ક થઈ શકતો નહોતો. ત્યારે વિનિત પબ્લીક ફોન પરથી પરાશર સાથે વાત તો અચુક કરી જ લેતો. આજે તો બપોર થવા લાગી અને તોય વિનિતનો ફોન સુધ્ધા ન આવ્યો.

કોમલે પણ અત્યાર સુધીમાં દસ વાર પુછી લીધુ.એને તો બસ એક ધૂન હતી શિતલ સાથે નીપાની વાત કરવાની. નીપાએ સવારથી માંડીને કેવી રીતે દિવસ પસાર કર્યો, કેવી રીતે એણે નીપાને જમાડી, કેવી રીતે નીપાને સુવાડી અને નીપા એ કેટલી વાર ભૂલથી એને મમ્મી અને પરાશરને પપ્પા કહીને બોલાવ્યા એ જ એને જણાવવુ હતુ.

જેટલી વાર નીપા કોમલને મમ્મી કહીને બૂમ મારતી એટલી વાર કોમલ હરખઘેલી થઈ જતી. આ એક શબ્દ લાખો શબ્દોના વજન કરતા વધુ ભારે હતો અને તેમ છતાં એ એક શબ્દની મિઠાશ અનેક ગળપણથી ચઢીયાતી હતી! મમ્મી શબ્દ સાંભળતા જ અખિલમ મધુરમ –વદનમ મધુરમ….બધુ જ મધુરમ મધુરમ ભાસતુ હતુ.

જમી જમાડીને નીપાને સુવડાવી કિચનમાં ઢાંકો ઢૂબો કરતી કોમલની રાહ જોતા આડા પડખે થયેલા પરાશરે ટી.વી ચાલુ કર્યુ. ન્યુઝ ચેનલ ચાલુ કરતા જ પરાશરના માથે આભ તુટી પડ્યુ. બેબાકળા પરાશરે ઝડપથી એક પછી એક ચેનલો બદલવા માંડી પણ હાય રે બધી જ ચેનલો પર એક સરખા ગોઝારા સમાચાર ફ્લેશ થયા કરતા હતા. કેદારનાથમાં પુર અને ભૂસ્ખલનની વિનાશલીલામાં સેંકડો શ્રધ્ધાળુ મોત પામ્યા હતા અથવા તો લાપતા હતા એનો ચિતાર સતત દર્શાવવામાં આવી રહ્યો હતો .અરે ભગવાન! રુદ્રપ્રયાગથી આગળ ફંટાઇને કેદારનાથ જવા નિકળેલા વિનિત સાથે ગઈ કાલે સુતા પહેલા જ વાત થઈ હતી અને આજે આ શુ બની ગયુ? વિનાશક વરસાદના પરિણામે આવેલા ઓચિંતા પૂરમાં કેટલા તણાઇ ગયા, કેટલા નસીબદાર બચી ગયા એનો તો હિસાબ માંડવાની વાત દૂર દૂર હતી. બચાવ માટે ઉડતા લશ્કરી હેલિકોપ્ટરો ય આ વાદળ ફાટતા થયેલી તારાજી સામે પહોંચી વળતા નહોતા. હજારોની સંખ્યામાં ફસાયેલા લોકોને બચાવવા,રાહત આપવા આ પ્રતિકુળ પરિસ્થિતિમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને કામચલાઉ દોર હાથમાં લીધો હતો.પરંતુ આડે હાથે વળાંક લીધેલી સ્થિતિ સામે સૌ પાછા પડતા હતા.

પરાશર પોતે આ શું જોઇ રહ્યો હતો, આ શું સાંભળી રહ્યો હતો? એ કશુ જ સમજવાને શક્તિમાન નહોતો. ટી.વીનો રિમોટ હાથમાં લઈને બેઠેલો પરાશર હવે તો ચેનલ બદલવાની પણ હામ ખોઇ બેઠો. .કોમલને બોલાવવા માટે અવાજ સુધ્ધા નિકળી શકતો નહોતો.

અને એ પછી ય કેટલાય દિવસો સુધી પરાશર કે કોમલના અવાજ ખોવાયેલા જ રહ્યા. આકાશ પાતાળ એક કરી નાખ્યા પરાશરે આખાય ગ્રુપને શોધવા પરંતુ દરેક વખતે નાકામયાબીના પુરમાં એ તણાતો રહ્યો. ક્યાંય કોઇ જગ્યાએથી કોઇ અંદેશો સુધ્ધા મળતો નહોતો.

“મા મરજો માસી જીવજો” શિતલ હસવામાં કહેતી હતી ને?

“કંઇપણ બોલતા બે વાર વિચાર કરવાનો .ક્યારેક આપણે બોલીએ અને ભગવાન તથાસ્તુ કહી દે હોં કે અને એમાં ય સંધ્યાકાળે તો ખાસ.” નાનકડા શિતલ કોમલને મા કાયમ ટકોરતી….

પરાશર કાયમ કહેતો ને કે “ભગવાન જે કરે એ સારા માટે.“

પણ આજની ક્ષણ સુધી પરાશર કે કોમલ નક્કી કરી શક્યા નથી કે ભગવાને શિતલ-વિનિત કે એમની સાથે અથવા નીપા સાથે જે કર્યુ એ સારા માટે હતુ? એ તથાસ્તુનો અંગીકાર-સ્વીકાર ખરા દિલથી હોઇ શકે ખરો?

***

“મા મરજો માસી જીવજો” શિતલ હસવામાં કહેતી હતી ને?

“કંઇપણ બોલતા બે વાર વિચાર કરવાનો .ક્યારેક આપણે બોલીએ અને ભગવાન તથાસ્તુ કહી દે હોં કે અને એમાં ય સંધ્યાકાળે તો ખાસ.” નાનકડા શિતલ કોમલને મા કાયમ ટકોરતી….

પરાશર કાયમ કહેતો ને કે “ભગવાન જે કરે એ સારા માટે.“

પણ આજની ક્ષણ સુધી પરાશર કે કોમલ નક્કી કરી શક્યા નથી કે ભગવાને શિતલ-વિનિત કે એમની સાથે અથવા નીપા સાથે જે કર્યુ એ સારા માટે હતુ? એ તથાસ્તુનો અંગીકાર-સ્વીકાર ખરા દિલથી હોઇ શકે ખરો?

માનવીના જન્મ સાથે જ એના મૃત્યુનું ચોઘડીયું નિશ્ચિત થઇ જ જતું હોય છે. આ જન્મ મરણ વચ્ચેના આયખામાં માનવીએ કેટલાક સંજોગોને સ્વીકારી જ લેવાના હોય છે. આ સંજોગો ક્યારેક આશીર્વાદ તો ક્યારેક અભિશાપ બની રહેતા હોય છે. ઇશ્વરીય આશીર્વાદ કે અભિશાપને જીરવી જવાની તાકાત જોઇએ છે. પરાશર કે કોમલ ક્યાંથી લાવશે આ તાકાત? નીપા માટે આ સંજોગોને આશીર્વાદ કહેવા કે અભિશાપ? એના માટે ઇશ્વરે સર્જેલા સંજોગોની સમજ એને હશે ખરી?

બીજા રસપ્રદ વિકલ્પો