Dubata Suraje lavyu Prabhat - 1 books and stories free download online pdf in Gujarati

ડુબતા સુરજે લાવ્યું પ્રભાત - 1

અમાવસ્યાની અંધારી રાતમાં આખું કર્ણપુરી અંધકાર માં ડૂબી ગયું હતું. આરતી પુરી થઇ હતી અને સૌ પોતાને ઘરે ગયા હતા . અચાનક પહાડોના ગીચ જંગલના વિસ્તારમાં જ્યાં ભાગ્યેજ કોઈ આ સમયે મળવું શક્ય હતું, ત્યાં " માફ કરો,માફ કરો દેવી , જવા દો ,જવા દો, દયા-દયા , ક્ષમા ક્ષમા ... "જેવા કરુણા થી ભરેલા અવાજો આવી રહ્યા હતા . અચાનક બધા જ અવાજો એક જ ઝાટકે શાંત થઇ ગયા . ત્યાં જ પાછળ થી એક મોટી અને ભયાનક ચીસ સંભળાઈ . થોડા જ સમયમાં બે વ્યક્તિ એકબીજાની આગળ પાછળ દોડી રહી હતી , પણ ચીસ પાડનાર વ્યક્તિ ઘણી ઝડપી અને આગળ હતી . રસ્તામાં તેનું કડુ ક્યાંક પડી ગયું પણ જ્યાં જીવનુંય જોખમ હોય ત્યાં તેનું ધ્યાન એ કડા પર તો ક્યાંથી જાય! તે સ્ત્રી ઝડપ થી ભાગી આગળથી માર્ગ બદલી અંતર્ધ્યાન થઇ ગઈ .

હાફતી-હાફતી તે સ્ત્રી છેવટે ઘેર પહોંચી. ઘરમાં પ્રવેશતા પહેલા સ્વસ્થ બની. " શું થયું શૈલજા આવતા આજે બહુ વાર થઈ ગઈ!" "હા એતો હું પેલા મધુબેન ની ખબર કાઢવા ગઇ હતી તો વાર થઈ ગઈ.." "અચ્છા હવે કેમ છે એમને? " " સારું છે, સારું છે, હું હમણાં આવી " કહીં શૈલજા તરત રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. શૈલજાના શરીરમાં હજુ કમકમાટી પહેલા જેવી જ હતી. તેને હજુ પણ પોતાની આંખો પર વિશ્વાસ આવી રહ્યો નહોતો. તે પલંગ પર બેસી ગઈ. ધીરે ધીરે તેનો શ્વાસ નોર્મલ બની રહ્યો હતો. આ કઈ રીતે શક્ય છે!! પણ જે આંખે જોયું એને નકારી પણ કઈ રીતે શકાય! કોઈને કહુ પણ કઈ રીતે? કોણ માનશે! કોઈને કહીશ તો ઉલ્ટાનું હું જ ખોટી પડીશ. એટલે હમણાં કોઈને કંઈ પણ કહેવું યોગ્ય નથી.

આવા અનેક વિચારો શૈલજાના મનને ઝકઝોરી રહ્યા હતા ત્યારે , " મમ્મી મમ્મી ક્યાં છે, જમવાનું કાઢી દેને, બહુ ભૂખ લાગી છે.." બહારથી નિત્યા નો અવાજ સાંભળીને શૈલજા ઉભી થઈ. 'માં શકામ્બરી' નું નામ લઈ બહાર ગઈ. આમતો નિત્યા શૈલજા ની દિકરી હતી પરંતુ દીકરાથી કમ નહોતી. શૈલજાને પોતાને દીકરી છે એવો રંજ ક્યારેય ન રહેતો ઊલટાનું એને નિત્યા પર ગર્વ રહેતો. નિત્યા પણ ભણવામાં, કામ માં બધી રીતે પારંગત હતી. ભલભલાને ચૂપ કરીદે એટલી હાજરજવાબી અને આખાબોલી હતી. મોરના ઇંડા ને ચીતરવા ના પડે એટલે સૌંદર્ય તો શૈલજા પાસેથી વારસામાં લઈને જ જન્મી હતી. પણ શૈલજા જેટલી શાંત અને ધીરજવાન નહોતી, જુવાની ના તરવરાટ અને વધુ પડતાં સ્વાભિમાન થી ભરેલી હતી.
"મમ્મી શું થયું છે તને! ક્યાં ખોવાયેલી છે?" "કઈ નઈ બેટા સહેજ માથુ દુખે છે" શૈલજા નિત્યા સાથે બહુ આંખ મેળવી રહી નહતી કારણકે નિત્યા તરતજ માં ના મનની વાત જાણી લે એટલી ચપળ હતી. સૌને જમાડી , સુવડાવી, શૈલજા પણ સુવા ગઇ. પણ તેને ઊંઘ આવી રહી નહોતી. અચાનક તેનું ધ્યાન હાથના કડા પર ગયું, તેને ભાન થયું કે એક કડું તો રસ્તામાં જ... કોઈને શક ના થઈ જાય એટલે બીજું કડું પણ ઉતારીને સાચવીને મૂકી દીધું. આજે જ તેણે પોતાના ભાઈ પાસે કનકપુરી થી મંગાવ્યું હતું. હજી પણ તેનું મન પેલા વિચારોમાં જ હતું, તે બહાર ચોક માં આવીને બેઠી , છેવટે તેની આંખો મીંચાઈ ને થોડી જ વાર માં ભોર થયું...

શૈલજા રોજની જેમ તૈયાર થઈ માથે ઓઢીને થાળ લઈ મંદિર જઈ રહી હતી. અચાનક અડધા રસ્તે પહોંચી હશે અને રસ્તામાં ભેખડ જેવો પત્થર ન દેખાતા શૈલજા પાડવા જેવી થઈ ગઈ અને થાળ પણ પડી જ જાત પણ અચાનક એક હાથ શૈલજા ના ખભા પાસે અને બીજો હાથ થાળ નીચે આવતા બંને પડતાં રહી ગયાં. શૈલજા એ જોયું તો સામે એક યુવક ઊભો હતો. શૈલજા સંભળી જતાં તે યુવકે મર્યાદા સમજી હાથ લઇ લીધો અને થાળ સંભાળી શૈલજાને સોંપ્યો. "તારો ખૂબ ખૂબ આભાર બેટા, આજે તું ના હોત તો કદાચ..." " અરે ના ના! એની કઈ જરૂર નથી." પેલા યુવાને કહ્યું. એ લગભગ 25-26 વર્ષ નો જણાતો હતો. તેના મોઢા પર ખૂબ તેજ હતું. ગોરા રંગ, સપ્રમાણ ઊંચાઈ , તંદુરસ્ત શરીર વાળો એ યુવક તરત શૈલજાને પગે લાગ્યો. શૈલજા એ પણ ભાવથી તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. "તું કોણ છે બેટા? પહેલા તને જોયો નથી કર્ણપુરી માં!" શૈલજાએ સહજતાથી પૂછ્યું. "હું 'સ્વર્ણિમ', હમણાં જ થોડા સમયથી મારા કાકા ને ત્યાં રહેવા આવ્યો છું." ભલે કહીં શૈલજા મંદિર તરફ આગળ વધી. શૈલજા હજી મંદિર પહોંચી જ હતી કે બધા શરૂ થઈ ગયા, લો આવી ગઈ 'માં શુંભાંગીની' દેવી ની લાડકી ભક્તાણી! શૈલજા આગળ જઈ 'શ્રી માં શકામ્બરી' ની મૂર્તિ ની પૂજા કરવા લાગી. મા શકામ્બરી દેવી ની મૂર્તિ અત્યંત વિશાળ અને ભવ્ય હતી. મા સિંહ પર વિરાજેલી હતી. માને સોના સિવાય ઘરેણાં નો શણગાર ન ચઢતો એટલો મહિમા હતો. ગામલોકોનો પણ મા શકામ્બરી પર અતૂટ વિશ્વાસ હતો. માની મૂર્તિ અષ્ટભુજા વાળી હતી. ત્રિશૂળ તો મૂર્તિની ઊંચાઈ જેટલું મોટું રખાયું હતું. લોકો મા શકામ્બરી ના ગુણગાન ગાતા હતા એટલામાં જ એક ભવ્ય પાલખી મંદીર તરફ આવી રહી હતી. પાલખી પાછળ અનેક ભક્તો હતા. અચાનક પાલખી મંદીર આગળ આવી ઉભી રહી. અને અંદરથી એક સંપૂર્ણ રક્તાંબર ધારી એક સ્ત્રી બહાર આવી. તરતજ જોરદાર જયઘોષ શરૂ થઈ ગયો. 'માં શુંભાંગીની ની જય' ના જયનાદ થી વાતાવરણ ગુંજી ઉઠયું. આ સ્ત્રીએ ઉપર થી નીચે સુધી લાલ રંગ ના વસ્ત્રો ધારણ કર્યા હતા. મુખ પર ખૂબ તેજ હતું. આંખો અત્યંત વિશાળ હતી, પગ અને હાથ માં કુમકુમ રંગેલું હતું. ઘરેણાં તો મા શકામ્બરી ની મૂર્તિ કરતા ય ભારે હતા. બંને હાથ થી જાણે સૌને આશીર્વાદ આપી રહ્યા હોય એવી રીતે શુંભાંગીની દેવી આગળ વધી રહી હતી. જયજયકાર શાંત થવાનું નામ જ લેતો નહોતો. છેવટે શુંભાંગીની મંદીર ના પગથિયા પૂરા કરી પાછળ વળ્યા અને હાથ નાં ઇશારા થી જયજયકાર શાંત કર્યો. દરરોજ નિયમ મુજબ શૈલજા જ માં શુંભાંગીની દેવીને આરતીની થાળી આપતી અને શુંભાંગીની નઈ આરતી ઉતારતા. એટલે લોકો શૈલજાને મા શુંભાંગીની ની લાડકી ગણતા. લોકો શુંભાંગીની દેવીને મા જ કહેતા. શુંભાંગીની દેવીને પણ શૈલજા પર પૂર્ણ વિશ્વાસ હતો. શૈલજા પણ ગામ માં ચારિત્ર્ય નું પ્રતીક ગણાતી. લોકોમાં પણ એનું ખૂબ માન રહેતું. નિત્યા પણ આરતીમાં રોજ હાજર રહેતી. કર્ણપુરી માં સૌ એમજ માનતા કે શુંભાંગીની દેવીને મા શકામ્બરી સાક્ષાત્ છે. ઘણા તો એમ કહેતા કે શુંભાંગીની દેવી માઁ શકામ્બરી નો જ અવતાર છે. ગામમાં જો માં શકામ્બરી પછી જો કોઈ બીજી દેવી હોય તો એ મા શુંભાંગીની જ હતી. લોકોને પણ મા શુંભાંગીની પર એટલી શ્રધ્ધા હતી કે ગામ માં આજ સુધી પોલીસ પણ આવી નહોતી. બધા પ્રશ્નો માં શુંભાંગીની પાસે જ લાવવામાં આવતાં. શુંભાંગીની નું વ્યક્તિત્વ જ એવું હતું કે ગમે તેવી વ્યક્તિ તેની મહત્તા, કડકાઈ અને ભયાનકતા જોઈ જુઠ્ઠું બોલી શકતી નહીં. મંદિર નું બીજું બધું ધ્યાન શૈલજા રાખતી. તે નિસ્વાર્થ પણે આ કામ કરતી. પણ આજેતે ક્યાંક ખોવાયેલી જણાતી હતી. શુંભાંગીની એ તેની પાસે જઈને પૂછ્યું "શું થયું શૈલજા, કઈ થયું છે? આજે કાંઈ ખોવાયેલી લાગે છે.." " ના ના માં એવું કઈ નથી, બસ આજે કાંઈ સારું નથી, આરામ કરીશ તો સારું થઈ જશે." કહી શૈલજા એ વાત દબાવી દીધી. આ રોજનો નિયમ વર્ષો થી ચાલતો. મા શુંભાંગીની રોજ સવાર- સાંજ આરતી કરવા આવતા. મંદિર વિશાળ તથા ઘણું ભવ્ય હતું. મંદિર માં રોજ લાખોનું દાન આવતું. દાન લેવા માટે મોટું સિંહમુંખ આકાર નું પાત્ર બનાવાયું હતું. આખું કર્ણપુરી ત્યાં દાન કરતું. કેટલાક વેપારીઓ તો મા શુંભાંગીની ના દર્શન કરીને જ વેપાર શરૂ કરતાં. આમ કર્ણપુરી માં મા શુંભાંગીની નો અદમ્ય પ્રભાવ હતો. બે ત્રણ દિવસ પછી એક સવારે આરતી પુરી થયા પછી એક સ્ત્રી રોકકળ કરતી આવી અને મા શુંભાંગીની ના પગ માં પડી ગઈ...

By હર્ષિલ શાહ & અભિષેક ત્રિવેદી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED